સાહિત્ય પલ્લવ – ભાગ ૧/મોરલીનું જાદુ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
મોરલીનું જાદુ

સાંભળ સહિયર વાતડી, નૌતમ આસો માસ;
શરદ પૂનમની રાતડી, ચંદ્ર ચડ્યો આકાશ.
એવામાં હરિ આવિયા, વૃન્દાવનને ચોક;
મોરલીમાં વેદ વજાડિયા, તે સુણિયા ત્રિલોક.
અષ્ટકુળ પર્વત ડોલિયા, ડોલિયા નવકુળ નાગ; ૫
મોર બપૈયા બોલિયા, સાંભળતાં તે રાગ.
જાતાં વળતાં થંભિયાં, નદીઓ કેરાં નીર;
વછ ને બાળ વલંભિયાં, પીતાં પીતાં ખીર.
ખગમૃગ શ્રવણ ધરી રહ્યાં, તરણ ન વંદે ગાય;
ઠારે ઠાર ઠરી રહ્યાં, મુખચારો મુખમાંય. ૧૦
પવન રહ્યો મૂરઝાઈને, મુનિવર મૂક્યાં ધ્યાન;
વળી રહ્યાં વલભાઈને વહેતાં ગગન વિમાન.
વા નવ લે વનવેલડી, પ્રગટ થયાં ફળફૂલ;
વેંધાઈ નીકળી વણબેલડી, અબળા સૌ કુળ-શૂળ.
મોહી મોરલીના તાનમાં, વ્યાકુળ થઈ વ્રજનાર; ૧૫
એકેએક નિશાનમાં હીંડે હારોહાર.
નાકે ઓગનિયા આણિયા, નેપુર પહેર્યાં હાથ;
મોર શ્રવણમાં સમાણિયા, કાંકણીઓ પગ સાથ.
સેંથે કાજળ સારિયાં, નયને સારિયાં સિંદૂર;
સગાં કુટુમ્બ વિસારિયાં, સાગર સરિતા પૂર. ૨૦
અવળાં આભરણ પહેરિયાં, અવળાં ઓઢિયાં ચીર;
અવળાં ઓઢ્યાં લહેરિયાં, ભૂલી શુદ્ધ શરીર.

સ્વાધ્યાય

૧. મોરલીની અસર કુદરત ઉપર શી થઈ તે વર્ણવો.
૨. મોરલી સાંભળતાં વ્રજનારીઓએ શું શું કર્યું અને તેમણે ઘરેણાં કેવી રીતે પહેર્યાં તે જણાવો.
૩. આવાં બીજાં કોઈ કાવ્યો તમે જાણતા હો તો તેની નોંધ કરો.