સાહિત્ય પલ્લવ – ભાગ ૨/નગીનદાસ પારેખ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
નગીનદાસ પારેખ

[ગયા ભાગમાં તેમ જ આ ભાગમાં શબ્દોની વ્યુત્પત્તિઓ કોઈ કોઈ વાર આપવા અમે પ્રયત્ન કર્યો છે, તે વિદ્યાર્થીઓને શબ્દોમાં રસ લેતા કરવાની ઇચ્છાથી. શબ્દના બંધારણમાં જે ફેરફાર થાય છે તે સમજવા કરીશું તો શબ્દ પણ આપણને જીવનબળથી ધબકતા લાગશે. આ પાઠમાં શબ્દના અર્થમાં ફેરફાર થતા આવે છે તે બતાવ્યું છે. લેખક કહે છે તેમ, ખરેજ ‘શબ્દોની અને ભાષાની વાતો પણ સાંભળવા જેવી છે, એમાં પણ પરીકથાઓ જેવો જ રસ રહેલો છે.’ શબ્દનું શરીર કેમ બંધાય છે તે સમજવા જે શાસ્ત્ર મથે છે તેને વ્યુત્પત્તિશાસ્ત્ર કહે છે. તેના નિયમો પ્રમાણે આ પાઠમાંના જ કેટલાક શબ્દો તપાસીએ; લેખક કહે છે તેમ, નિશાળમાં ‘પૂછી પૂછી માથું ખાઈ’ જવા નહિ, પણ એમાંય એક જાતનો આનંદ છે તેનો આસ્વાદ કરવા. ‘અક્કરમી’ શબ્દનો જ કમભાગ્યે પ્રથમ ભેટો થાય છે. અ+કર્મ+ઈન્માંથી ‘અક્કરમી’ શબ્દ બન્યો. ‘અ’ પૂર્વગ (આગળ આવેલો prefix) છે. ઈન્ તદ્વિત પ્રત્યય છે. કર્મ વગરનો એવો એનો અર્થ થાય. કર્મ એટલે કાર્ય, પણ કાર્ય ઉપરથી માણસનું ભાગ્ય નક્કી થતું હોઈ ‘ભાગ્ય’ અર્થ પણ થયો. ‘અ’ ઉપર ભાર આવવાથી ‘ક’ બેવડાયો છે, એ પણ લક્ષમાં લેવા જેવું છે. કર્મનું ‘કરમ’ એમ વિસ્તાર થયો તે પણ વ્યુત્પત્તિશાસ્ત્રના વિશ્લેષ વિશ્લેષ (છૂટા પડવું તે)ના નિયમને આધારે. હર્ષ-હરખ, રત્ન-રતન, વર્ણ-વરણ, ગર્મી-ગરમી, સ્લેટ-સલેટ, વિધ્ન-વિઘન, લગ્ન-લગન, એ બધા વિશ્લેષના દાખલા છે. પણ આ વિશ્લેષની ક્રિયાને આપણાં કોઈ કોઈ છાપાં ‘વૈષ્ણવ’નું ‘વઈષણવ’ કરે છે ત્યાં સુધી લઈ જવી ન જોઈએ. આ પાઠમાં આગળ ‘નકામો’ શબ્દ આવે છે તે ‘ન+કર્મ’માંથી છે. ત્યાં ‘કર્મ’નું ‘કામ’ થયું. આ ક્રિયામાં ‘ર્’ને કાઢી નાખ્યો છે પણ તેને બદલો ‘ક’નો ‘કા’ કરીને વાળ્યો છે. ‘પલ્લવ’માંથી એક ‘લ’ કાઢી નાખી ‘પ’નો ‘પા’ કરી ‘પાલવ શબ્દ થાય. આગળ ‘ફૂલ’ શબ્દ છે તે ફુલ્લ = ઊઘડેલું (માટે પુષ્પ) ઉપરથી છે. ‘લ’ કાઢી નાખી આગલા સ્વરને દીર્ઘ કરી ‘ફૂલ’ શબ્દ સાધ્યો. ‘કર્મ’માંથી કામ અને કરમ બંને થાય છે તેવા ઘણા દાખલા છે : માર્ગ : માગ – મારગ; સર્વ : સાવ - સરવ; સર્પ : સાપ-સરપ; વાર્તા : વાત-વારતા .. ‘અક્કરમી’ અને ‘નકામો’માં ‘અ’ અને ‘ન’ નકાર બતાવવા આગળ ઉમેરાયા છે, પણ આપણી ભાષામાં બે શબ્દો એવા છે જેની આગળ અ ઉમેરવા છતાં અર્થ ઊલટો થતો નથી : અઘોર એટલે ‘ઘોર નહિ’ તેવું નહિ, પણ અતિઘોર; તેવો જ બીજો શબ્દ તે ‘અલોપ’. ‘વાંક’- વક્રમાંથી વંક બની વંકનું વાંક. જેમ રંકનું રાંક, દંતનું દાંત. પણ રંક અને દંતમાં તો અનુસ્વાર હતો, વક્રમાં ક્યાં હતો? એનો જવાબ એ કે આપણે કેટલાક શબ્દોમાં ગાંઠના અનુસ્વાર નાખીએ છીએ. આ પાઠમાં ‘વાજિત્ર’ શબ્દ આવે છે તેનું મૂળ ‘વાદિત્ર’માં છે. બીજો દાખલો ‘પંખી’નો. પક્ષીનું ‘પંખી’. અનુનાસિક પણ નાંખીએ છીએ : દા. ત. અશ્રુ –આંસુ, અક્ષિ -આંખ, પૃષ્ઠ - પૂંઠ, ઉષ્ટ-ઊંટ, મક્ષિકા - માંખ, ભિત્તિ-ભીંત, ઉચ્ચ-ઊંચ, મત્કુણ-માંકણ, નિદ્રા-નીંદર, પાનડું - પાંદડું, ગામડું-ગાંમડું. ઇતિહાસ શબ્દ સમજવા જેવો છે. એ ઇતિ+હ+આસ (આમ ખરેખર બન્યું )માંથી બન્યો છે. ઇતિહ + આસ (જેમાં ઇતિહ-વૃત્તાંત છે તે) એમ પણ સાધી શકાય. આ તો થોડા જ શબ્દો પાઠમાંથી લીધા. એક વાર જો શબ્દમાં રસ પડવા માંડ્યો તો એ રમત તો ચાલ્યા જ કરે એવી છે. લોકોના બોલબોલમાં આપણને જાદુ દેખાય. અને આપણી બોલીમાં ભૂલ ન રહે એ જુદું. એક જ દાખલો જોઈએ : આપણે જાણતા હોઈએ કે સુંદર ઉપરથી ભાવવાચક નામ સૌન્દર્ય કે સુન્દરતા બને. તો આપણે વળી સૌન્દર્યને તા લગાડી સૌન્દર્યતા ન કહીએ. કેટલાકો એટલાથી ન સંતોષાતાં સૌન્દર્યતાને પણું લગાડી સૌન્દર્યતાપણું — સૌન્દર્યનું તાપણું જ બનાવી દે છે! વાચ્યાર્થ અને લક્ષ્યાર્થનાં પણ આ પાઠમાં તમને અનેક ઉદાહરણો મળશે. એનો એક દાખલો કુશળ છે. કુશળનો મૂળ અર્થ કુશ કાપનાર. એ થયો એનો વાચ્યાર્થ. કુશ કાપવામાં ખૂબ હોશિયારીની જરૂર હોય છે, એ ઉપરથી ધીરે ધીરે કુશળ શબ્દ હોશિયારના અર્થમાં પ્રચલિત બન્યો. આ એનો લક્ષ્યાર્થ.]