સાહિત્ય પલ્લવ – ભાગ ૩/ધર્મનો ધર્મત્યાગ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ધર્મનો ધર્મત્યાગ

ભાઉ

રાજા યુધિષ્ઠિર બોલ્યા વાણ, ‘સાંભળ સાચું, ચતુર સુજાણ.
અસત વાયક મેં કેમ બોલાય? ન-પાંડવી જો પૃથ્વી થાય,
મૃત્યુ આજ મુજ આવે સહી, તોય અસત હું બોલું નહિ.
પૃથ્વી તણું મારે નહિ કાજ; અંતે નરક પડું મહારાજ.’
ઋષિ કહે: ‘સાંભળ તું, રાજન, ધર્મનું નિશ્ચય એહવું મંન.
સતવાદી જે કહાવે રાય, છલવાયક તેણે કેમ કહેવાય?
જો રવિ પશ્ચિમ પ્રકટે સહી, શેષનાગ ધરણી ધરે નહિ,
સાગર લોપી જલથલે કરે, તોય અસત વાયક ધર્મ ન ઊચરે.
જો પૃથ્વી રસાતલ માંહ્ય જાય, જો હુતાશન શીતલ થાય,
વર્ણ અઢાર નહિ ભેદાભેદ, વચન વાયક ન થાય વેદ.
એવાં અરિષ્ટ જો થાય સહી, તોય ધર્મ સત મૂકે નહિ.’
યુધિષ્ઠિર કહે : ‘સાંભળો સ્વામી, રાજ તણું મારે નહિ કામ.’
તવ વચન બોલ્યા ભગવાન, આડી દૃષ્ટે ભીમને દીધી સાન :
‘જા રે વીર, તું વહેલો થઈ, હણ અશ્વત્થામા હસ્તી સહી.
દ્રોણપુત્ર-નામે હસ્તી જેહ, વેગે હણ છળ કરવા તેહ.’
સુણી વચન ભીમ સંચર્યો; અશ્વત્થામા હસ્તી વધ કર્યો.
કરી કાજ ભીમ આવ્યા ત્યાંહ, ધર્મરાય કૃષ્ણ બેઠા જ્યાંહ.
પાસે જઈ ને બોલ્યો વાણ; ‘સ્વામી, અશ્વત્થામાએ તજ્યા પ્રાણ.’
નારાયણ તવ બોલ્યા એમ, ‘અશ્વત્થામા પડિયો તે કેમ?’
સુણી વચન ભીમ એમજ કહે: ‘ગદાપ્રહાર મારો કેમ સહે?
મેં મારી રીસ આણીને ગદા, પામ્યો મરણ, પડ્યો તે તદા.’
સુણી વચન ધર્મને કહે અવિનાશ, ‘ઊઠો, શીઘ્ર જાઓ દ્રોણની પાસ.
એવું વાયક તો કહેજો સહી : અશ્વત્થામા રણ પડિયો મહી.’
નારાયણે કહી છળ-ગત, રાય યુધિષ્ઠિરે તવ માન્યું સત.
શીઘ્ર થઈ ધર્મ આવ્યા ત્યાંહ, દ્રોણ યુદ્ધ કરે છે જ્યાંહ.
ભેટ્યા ભૂપતિ; દીધાં માન: ‘કહો, ધર્મ આવ્યા કોણ કામ?’
વચન સાંભળી બોલ્યા ધર્મ : ‘અરે દ્રોણ ગુરુ, લાગ્યું કર્મ;
અશ્વત્થામા રણે રહ્યો જેહ, હમણાં ભીમે હણિયો તેહ.’
ધર્મવચન દ્રોણે માન્યું સહી. તત્ક્ષણ શસ્ત્ર તે નાખ્યાં મહી;
તજી બાણ દ્રોણ એમ વદે, પુત્રશોક આણી અતિ હૃદે :
‘અરે રાય, વાયક સાંભળો : અશ્વત્થામા ગજ છે ભલો;
હસ્તી-પુત્ર બેઉનાં નામ સમાન, તે માંહ્ય કોણ હણિયો, રાજન?’
કહે ધર્મ : ‘હું તો નવ લહું; સુણી વાત તમ આગળ કહું :
નર અથવા કુંજર કો હણ્યો, વિચાર ન જાણું તેહ જ તણો.’
છળ જાણી ગુરુ દ્રોણ કોપિયો : ‘અરે કુંતીસુત, તેં તો ધર્મ લોપિયો;
ધૂર્ત કૃષ્ણ સંગતે કરી મત, સ્વારથ માંહ્ય તે નીગમ્યું સત.’
અનેક વચન દ્રોણે કહ્યાં મર્મ, હૃદે બાણ થઈ વાગ્યાં ધર્મ :
‘લોભ રાજ્યનો લાગ્યો તને, અસત વાયક આવી કહ્યું મને.
જે ધર્મે ધર્મ મૂક્યો જાણ, તો મારે ધરવાં નહિ બાણ.’
નાખ્યાં અસ્ત્ર અવની ક્રોધે ભરી, દ્રોણાચાર્યે નવ લીધાં ફરી.

સ્વાધ્યાય

૧. ધર્મનો ધર્મત્યાગ કેવી રીતે થયો?
૨. યુધિષ્ઠિરનો બચાવ થઈ શકે એમ છે?
૩. દ્રોણાચાર્યને છળની ગંધ આવી છતાં નાખી દીધેલાં ધનુષબાણ કેમ પાછાં ન લીધાં?
૪. જે યુધિષ્ઠિર જાણતા હતા કે દ્રોણ પુત્રના મૃત્યુના સમાચાર સાંભળ્યા પછી આગળ લડે નહિ, તો પછી ‘અશ્વત્થામા મર્યો’ એ શબ્દોને પૂરો મર્મ તપાસવા રોકાયા વગર દ્રોણ આગળ જઈને પોપટની જેમ બોલી આવ્યા તે સારું કહેવાય?
૫. છળથી વાકેફ થયા પછી યુધિષ્ઠિરના મનની સ્થિતિ શી હશે? તે બોલતા હોય એ રીતે કહો.