સાહિત્ય પલ્લવ – ભાગ ૩/ભાઈબીજ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ભાઈબીજ

દામોદર ખુશાલદાસ બોટાદકર

[લક્ષ્મણ! લક્ષ્મણ! બધવા રે વેરી કોણે રે લખિયા. -એ ઢાળ ]

ઊંચા આંબા, ઊંચી આંબલી રે નીચી વાડીની વેલી,
ઊંચી ચડે નીચી ઊતરે રે આજ બહાવરી બહેની.
વીરની વાટ વિલોકતાં રે એની આંખડી ફાટે,
સારી લાગે નહિ સહિયરો રે, એને ઘરમાં ન ગોઠે.
ઊભો રહ્યો આવી આંગણે રે રવિ રંગનો રાતો,
આવ્યો નહિ એવો ઊજળો રે મારો માડીનો જાયો.
વેણનાં દઈ વધામણાં રે ગયા વાયસ વહેલા,
વહાલાંને ઘેર જઈ વસ્યા રે પન્થવાસીઓ પેલા.
વાટ લાંબી વસમી ઘણી રે, આડાં કોતર ઊંડાં,
ડોલી રહ્યા બહુ ડુંગરા રે કાંઈ ભૂતથી ભૂંડા.
મૂંઝવતી રહી મારગે રે ઝાઝાં ઝાડની ઝાડી,
વાઘ, વરુ, વનવાંદરા રે ડર આપતા દા’ડી.
પાછો વળ્યો હશે પન્થથી રે રખે ભાઈ એ ભીરુ,
સિંહ તણા સ્વર સાંભળી રે હશે ઉર ઉતાર્યું.
શીતળ કાં વડછાંયડે રે એને નીંદર આવી,
સ્નેહભર્યાં કંઈ સોણલે રે રોકી રાખ્યા રિઝાવી.
શકુન હશે નહિ સાંપડ્યા રે એને આજે ઉમંગી,
ઘેરી રહ્યા ઘરગોઠિયા રે સુખદુ:ખના સંગી.
ભૂલી ગયો ઉરભાવમાં રે કાં તો આવતાં કેડો,
બહેનવિજોગનો બન્ધવો રે ઘડી એકમાં ઘેલો.
માંદી પડી કાં તો માવડી રે એની જાઈને ઝંખી,
વસમી વિજોગની વેદના રે શકે ક્યાં લગી સાંખી;
હૈયું રાખ્યું હશે હાકલી રે દઈ કૈંક દિલાસા,
તૂટી પડ્યું હશે તાપથી રે ત્યજી આખરે આશા.
ભાભીએ કાં હશે ભોળવ્યો રે કંઈ દોષ દેખાડી,
રોકી રાખ્યો રસ પાઈને રે મન મોહ પમાડી;
બાઝી પડ્યાં હશે બાલુડાં રે કાલુ બોલતાં કોટે,
એ સુખસ્વાદ સુધાભર્યો રે ક્યમ છોડતાં છૂટે?
ભાભલડી! તુજ ભાવની રે ભલી વાધજો ભરતી,
વહાલસોયા મારા વીરના રે રે’જે હૈયાને હરતી;
અમર હેવાતન ઊજળું રે રહો જીવતી જોડી,
રાજ તપો રળિયામણું રે મારી આંખડી ટાઢી.
તારો પતિ, મારો બન્ધવો રે એવા ભેદ અનેરા,
ભાગ નથી કાંઈ ભાવમાં રે પન્થ નેહના ન્યારા;
દૈવે દીધો મુજ દેખતાં રે તે તો તારો ને તારો,
ભાઈના ભાવે ભીંજાવતો રે દિન એક અમારો.
આજ બહેની તણે બારણે રે ઘટે વીરનાં ઘોડાં,
આજ બહેની તણે આંગણે રે એનાં નાવણ રૂડાં;
આજ બહેની તણે ઓરડે રે એનાં આસન ઊંચાં,
આજ બહેની તણે અંતરે રે એનાં વેણનાં વાજાં.
સાસુ સંભારે સવારથી રે, જુએ વાટ જેઠાણી,
પૂછે પાડોશણ પળપળે રે, શોચે સહિયર શાણી;
હાંસી કરી રહી હેતની રે કાંઈ નણદલ નાની,
બોલી શકે નહિ બહેનડી રે છળી ઊઠતી છાની.
ઓ રજ! ઓ રજ! ઊડતી રે આવે અંબર વીંધી,
જોને વિહંગ વધામણે રે પળે પાંખ પસારી;
હણહણતી કંઈ હાકલે રે એ જ ઘૂમતી ઘોડી,
એ જ હલકભરી હાંકણી રે મારા વીરની મીઠી.
એ જ રજેભર્યું રાતડું રે મુખ વીરનું વહાલું,
એ જ ઝૂકે હિર છોગલું રે વાંકી પાઘમાં પેલું;
આતુર શી અવલોકતી રે એની આંખડી ભીની,
એ જ સુધા ઉર સિંચતી રે ફૂલ વેરતી વાણી.
વીરને આસન ઓપતાં રે ઊંડા અંતર કેરાં,
નીર નિરંતર નેણનાં રે વહે નાવણ દેવા;
ભોજનિયાં મનભાવતાં રે પીવા વેણનાં વારિ,
વાટનો થાક વિતાડવા રે શીળી પ્રાણ-પથારી.
આજ પિયર એને આંગણે રે વસ્યું સામટું આવી,
લાખ સગાંતણા સંગનો રે રહ્યો રંગ રિઝાવી;
કૈંક વાતો હતી કાળજે રે એને એક ન સૂઝે,
ઊભા હતા કંઈ ઓરતા રે પણ એક ન ઊગે.
રે’જો અમર રસનો ભર્યો રે જેણે એ દિન દીધો,
જુદો કરી જૂઠા જગતથી રે સુધાસિન્ધુએ સિંચ્યો;
આવે અનેક આશાભરી રે સખી બીજી સોહાગી,
બન્ધુ મિલાવણ બીજડી રે આ તો માવડી મીઠી.
રાત વીતી ગઈ વાતમાં રે વહેલાં વહાણલાં વાયાં.
હાય! વિદાય વીરાતણી રે કંપે જોઈને કાયા.
રાત અધીરીની આંખનો રે ભર્યો તેજનો તારો,
વહાલભરી તણો વાલ્યમો રે રહે રોકતાં શાનો?
સુખનાં વહી ગયાં સોણલાં રે ઉરે અડક્યાં ન અડક્યાં,
વાધ્યો દાવાનળ દુ:ખનો રે કરી ભીતર ભડકાં;
સૂની સમી બની સારિકા રે પાછી પિંજરે પેઠી,
બારમાસી તેણે બારણે રે જઈ બીજ એ બેઠી.
‘રાસતર’ગિણી’માંથી

સ્વાધ્યાય

૧. ભાઈબીજ કયે દિવસે આવે છે?
૨. ‘ભાઈબીજ’ ઉપર, તેનું મહત્ત્વ દર્શાવતો, એક નિબંધ લખો.
૩. આ કાવ્યની કેટલીક સરસ પંક્તિઓનો ઉલ્લેખ કરો.
૪. આ કાવ્યમાંના શિથિલ પ્રાસનાં જોડકાં બતાવી તેથી એના રસ ઉપર કેવી રીતની અસર થઈ છે તે જણાવો.