સિગ્નેચર પોયમ્સ/મહાસાગર – ત્રિભુવનદાસ વ્યાસ
ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ
ખારાં ખારાં ઊસ જેવાં આછાં આછાં તેલ
પોણી દુનિયા ઉપર એવાં પાણી રેલમછેલ
આરો કે ઓવારો નહીં
પાળ કે પરથારો નહીં
સામો તો કિનારો નહીં
પથરાયા એ જળભંડાર સભરભર્યા
આભના સીમાડા પરથી
મોટા-મોટા તરંગ ઊઠી
વાયુ વેગે આગળ ધાય
ને અથડાતા પછડાતા પાછળ જાય
ઘોર કરીને ઘૂઘવે
ગરજે સાગર ઘેરે રવે
કિનારાના ખડકો સાથે
ધિંગામસ્તી કરતો-કરતો
ફીણથી ફૂંફાડા કરતો
ઓરો આવે, આઘો જાય
ને ભરતી-ઓટ કરતો જાય
ઊંડો-ઊંડો ગજબ ઊંડો
માણસ ડૂબે, ઘોડા ડૂબે
ઊંચાં ઊંચાં ઊંટ ડૂબે
હાથી જેવાં તૂત ડૂબે
કિલ્લાની કિનાર ડૂબે
તાડ જેવાં ઝાડ ડૂબે
મોટા-મોટા પહાડ ડૂબે
ગાંડો થઈને રેલે તો તો
આખી દુનિયા જળબંબોળ જળબંબોળ
વિશાળ, લાંબો, પહોળો, ઊંડો
એવો મોટો ગંજાવર
એના જેવું કોઈયે ન મળે
મહાસાગર તો મહાસાગર