સિગ્નેચર પોયમ્સ/હરિનો મારગ – પ્રીતમ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
હરિનો મારગ

પ્રીતમ

હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને;
પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને.
સુત વિત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને;
સિંધુ મધ્યે મોતી લેવા માંહી પડ્યા મરજીવા જોને.
મરણ આગમે તે ભરે મૂઠી, દિલની દુગ્ધા વામે જોને;
તીરે ઊભા જુએ તમાસો, તે કોડી નવ પામે જોને.
પ્રેમપંથ પાવકની જ્વાળા, ભાળી પાછા ભાગે જોને;
માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખનારા દાઝે જોને.
માથા સાટે મોંઘી વસ્તુ, સાંપડવી નહિ સહેલ જોને;
મહાપદ પામ્યા તે મરજીવા, મૂકી મનનો મેલ જોને.
રામ-અમલમાં રાતા માતા પૂરા પ્રેમી પરખે જોને;
પ્રીતમના સ્વામીની લીલા તે રજની-દંન નરખે જોને.