સુદામાચરિત્ર/કડવું ૧૧

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કડવું ૧૧

[આ કડવામાં તો કૃષ્ણ સુદામા પ્રત્યે લળી ઢળીને સુદામાને પોતા જેટલું સુખ આપવા બેસે છે. પણ પોતાની રાણીઓ પાસે મિત્ર નાનો ન દેખાય તે માટે સુદામાએ લાવેલા તાંદુલ પહેલાં એના પાસેથી લઈ લે છે અને એના બદલામાં સુદામાને ભરપૂર સંપત્તિ આપી દે છે. સુદામાના તાંદુલને જે રીતે કૃષ્ણ સન્માન આપે છે. તેની પાછળ બંનેની મૈત્રી તો કારણભૂત છે જ, પણ સાથોસાથ સુદામાની અનાસક્તિનો પણ મહિમા છે.]


રાગ-વસંત

સકળ સુંદરીઓ દેખતાં, ગોષ્ઠી ગોવિંદે કીધી;
પછે દરિદ્ર ખોવા દાસનાં, ગાંઠડી દૃષ્ટિમાં લીધી. ૧

અઢળક ઢળિયો રે શામળિયો, મુષ્ટિ તાંદુલ માટે;
ઇંદ્રનો વૈભવ સેજમાં આપ્યો, સ્વલ્પ સુખડી સાટે,
અઢળક ઢળિયો રે. ૨
‘મનવાંછિત ફળ આજ હું પામ્યો, મિત્રજી મળવા આવ્યા;
ચતુર ભાભીએ ભેટ મોકલી, કહો સખા શું લાવ્યા?
અઢળક ઢળિયો રે. ૩’
 
ચરણ તળે ચાંપી રહ્યો સુદામો, કૃષ્ણજી કહે છે ક્હાડો,
અમ જોગ જો ભેટ ન હોય, તો દૂર થકી દેખાડો.
અઢળક ઢળિયો રે. ૪

એ દેવતાને દુર્લભ દીસે, જાચે જાદવરાય,
‘જો પવિત્ર સુખડી પ્રેમે આપો, તો ભવની ભાવઠ જાય.’
અઢળક ઢળિયો રે. ૫

ભગવાનની ભારજા ભરમમાં ભૂલી, જુએ મળી સમસ્ત;
અમૃત ફળ કે સંજીવનમણિ, હરિ ઓડે છે હસ્ત.
અઢળક ઢળિયો રે. ૬

આમ હરિ જ્યારે હાથ લગાડે, ઋષિ ખસેડે આમ;
ભક્તહેત પોતે દેખાડે, સહુને સુંદરશ્યામ.
અઢળક ઢળિયો રે. ૭

અવલોકવા ઊભી સહુ નારી, કર ધરી કનકનાં પાત્ર;
જદુપતિને જાચે સહુ નારી, અમને આપજો તિલમાત્ર.
અઢળક ઢળિયો રે. ૮

સુદામો સાંસે પડિયો, લજ્જા મારી જાશે;
ભર્મ ભાંગશે તાંદુલ દેખી, કૌતુક સરખું થાશે.
અઢળક ઢળિયો રે. ૯
સ્ત્રીના કહ્યેથી હું થયો લોભી, તુચ્છ ભેટ અહીંયાં આણી,
લજ્જા લાખ ટકાની ખોઈ, ઘર ઘાલ્યું ધણિયાણી.
અઢળક ઢળિયો રે. ૧૦

સુદામાના મનની શોચના, શામળિયે સહુ જાણી;
હસતાંખસતાં પાસે આવી, તાંદુલ લીધા તાણી.
અઢળક ઢળિયો રે. ૧૧

હેઠળ હેમની થાળી મેલી, વસ્તુ લેવા જગદીશ;
છોડે છબીલો, પાર ન આવે, ચીથરાં દશવીશ.
અઢળક ઢળિયો રે. ૧૨

પટરાણીઓ જોઈ અચરજ પામી, ‘છે પારસ કે રત્ન;
અમર ફળ કે સંજીવનમણિ, આવડું કીધું છે જત્ન!’
અઢળક ઢળિયો રે. ૧૩

કણ વેરાણા ને પાત્ર ભરાણું, જોઈ રહ્યો જુવતીનો સાથ;
તાંદુલના કણ હૃદયે ચાંપી, બોલ્યા લક્ષ્મીનાથ.
અઢળક ઢળિયો રે. ૧૪

‘સુદામા, મેં આ અવનીમાં લીધા બહુ અવતાર;
આ તાંદુલનો સ્વાદ છે એવો, નથી આરોગ્યો એકે વાર.
અઢળક ઢળિયો રે. ૧૫

મોટામોટા મિત્ર મેં જોયા, ધ્રુવ અંબરીષ પ્રહ્‌લાદ;
આ તાંદુલનો એકે મિત્રે, દેખાડ્યો નથી સ્વાદ.’
અઢળક ઢળિયો રે. ૧૬
તુચ્છ ભેટ ભારે કરી માની, વિચાર્યું ભગવાન;
સાત જન્મ સુધી સુદામે, નથી કીધાં પુણ્યદાન.
અઢળક ઢળિયો રે. ૧૭

જાચક રૂપ થયા જગજીવન, પ્રીત હૃદેમાં વ્યાપી;
મુષ્ટિ ભરીને તાંદુલ લીધા, દારિદ્ર નાખ્યાં કાપી.
અઢળક ઢળિયો રે. ૧૮

કર મરડીને ગાંઠડી લીધી, સાથેથાં દુઃખ મોડ્યાં;
જેમજેમ ચીંથરાં છોડ્યાં નાથે, ભવનાં બંધન તોડ્યાં.
અઢળક ઢળિયો રે. ૧૯

જ્યારે તાંદુલ મુખમાં મૂક્યા, ઊડી છાપરી આકાશ;
તેણે સ્થાનક સુદામાને થયા, સપ્ત ભૂમિના આવાસ.
અઢળક ઢળિયો રે. ૨૦

ઋષિપત્ની થયાં રુક્મિણી સરખાં, સાંબ સરીખા પુત્ર;
એ વૈભવને કવિ શું વખાણે? જેવું કૃષ્ણનું ઘરસૂત્ર.
અઢળક ઢળિયો રે. ૨૧

બીજી મૂઠી જ્યારે મુખમાં મૂકે, ત્યાં ગ્રહ્યો રુક્મિણીએ પાણ;
‘એમાં શું ઓછું છે સ્વામી? અમને આપો ચતુરસુજાણ.’
અઢળક ઢળિયો રે. ૨૨

અષ્ટ મહાસિદ્ધિ ને નવ નિધિ, તે મોકલી વણમાગી;
તે સુદામો નથી જાણતા, જે ભવની ભાવઠ ભાંગી.
અઢળક ઢળિયો રે. ૨૩
હાથી ડોલે ને દુંદુભિ બોલે, ગુણીજન ગાયે સાખી;
જડિત્ર હિંડોળો હેમનો બાંધી, હીંચે છે હરિણાક્ષી.
અઢળક ઢળિયો રે. ૨૪

હીરા રત્ન કનકમય કોટી, હાર્યો ધને કુબેર;
કોટિધ્વજ લાખેણાં દીપક, વાજે છપ્પન ઉપર ભેર.
અઢળક ઢળિયો રે. ૨૫

વલણ

વાજે ભેર અખૂટ ભંડારની, ત્રુઠા શ્રીગોપાળ રે;
એમ રાત વાતમાં વહી ગઈ, થયો પ્રાતઃકાળ રે.
અઢળક ઢળિયો રે. ૨૬