સુદામાચરિત્ર — પ્રેમાનંદ/કડવું 4

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કડવું 4

[સુદામા દંપતીનો પરસ્પરનો સંવાદ આગળ ચાલે છે, જેમાં સુદામા પોતે પુણ્ય ન કર્યાં હોઈ, તેનું ફળ ભોગવી રહ્યા હોવાનું પત્નીને સમજાવે છે ને ઉત્તરમાં સુદામાપત્ની અન્નનો મહિમા ગાઈને પતિને કૃષ્ણ પાસે જવા વીનવે છે. તેને ખાતરી છે કે કૃષ્ણ જરૂરથી તેનું દારિદ્રય દૂર કરશે જ.]

રાગ-રામગ્રી

પછે સુદામોજી બોલિયા, ‘સુણ સુંદરી રે;
હું કહું તે શીખ માન, ઘેલી કોણે કરી રે?          1

જે નિર્મ્યું છે તે પામિયે સુણ સુંદરી રે;
વિધિએ લખી વૃદ્ધિહાણ, ઘેલી કોણે કરી રે?          2

સુકૃત દુકૃત બે મિત્ર છે, સુણ સુંદરી રે!
જાય પ્રાણ આત્માને સાથ, ઘેલી કોણે કરી રે?          3

દીધા વિના ક્યાંથી પામિયે? સુણ સુંદરી રે;
નથી આપ્યું જમણે હાથ, ઘેલી કોણે કરી રે?          4

જો ખડધાન ખેડી વાવિયે, સુણ સુંદરી રે;
તો ક્યાંથી જમીએ શાળ? ઘેલી કોણે કરી રે?          5

જળ વહી ગયે શી શોચના? સુણ સુંદરી રે;
જો પ્રથમ ન બાંધી પાળ, ઘેલી કોણે કરી રે?          6

એકાદશી વ્રત નવ કર્યાં, સુણ સુંદરી રે;
નવ કીધા તીર્થોપવાસ, ઘેલી કોણે કરી રે?          7

પિતૃ તૃપ્ત કીધા નહિ, સુણ સુંદરી રે;
નહિ ગાયોને ગૌગ્રાસ, ઘેલી કોણે કરી રે?          8

બ્રહ્મભોજન કીધાં નહિ, સુણ સુંદરી રે;
નથી કીધાં હોમહવન, ઘેલી કોણે કરી રે?          9

અતિથિ નિર્મુખ વાળિયા, સુણ સુંદરી રે;
તો ક્યાંથી પામિયે અન્ન? ઘેલી કોણે કરી રે?          10

પ્રીતે હરિપ્રસાદ લીધો નહિ, સુણ સુંદરી રે;
હુતશેષ ન કીધો આહાર, ઘેલી કોણે કરી રે?          11

આપ ઉદર પાપે ભર્યું, સુણ સુંદરી રે;
છૂટ્યાં પશુ તણો અવતાર, ઘેલી કોણે કરી રે?          12

સંતોષ-અમૃત ચાખિયે, સુણ સુંદરી રે;
હરિચરણે સોંપી મન, ઘેલી કોણે કરી રે?          13

ભક્તિએ નવ નિધ્ય આપશે, સુણ સુંદરી રે;
ધરો ધીર તમે સ્ત્રીજન, ઘેલી કોણે કરી રે?’          14

આંખ ભરી અબળા કહે, ‘ઋષિરાયજી રે;
મારું જડ થયું છે મન, લાગું પાય જી રે.          15

એ જ્ઞાન મને ગમતું નથી, ઋષિરાયજી રે;
રુએ બાળક, લાવો અન્ન, લાગું પાય જી રે.          16

કોઇને અન્ન વિના ચાલે નહિ, ઋષિરાયજી રે;
મોટા જોગેશ્વર હરિભક્ત, લાગું પાય જી રે.          17

અન્ન વિના ભજન સૂઝે નહિ, ઋષિરાયજી રે;
જીવે અન્ને આખું જગત, લાગું પાય જી રે.          18

શિવે અન્નપૂર્ણા ઘેર રાખિયાં, ઋષિરાયજી રે;
રવિએ રાખ્યું અક્ષયપાત્ર, લાગું પાય જી રે.          19

સપ્તઋષિ સેવે કામધેનુને, ઋષિરાયજી રે;
તો આપણે તો કોણ માત્ર? લાગું પાય જી રે.          20

સુર સેવે કલ્પવૃક્ષને, ઋષિરાયજી રે;’
મનવાંછિત પામે આહાર, લાગું પાય જી રે.          21

ધર્મ પ્રાણ અન્ન વિના નહિ, ઋષિરાયજી રે;
ઊભો અન્ને સકળ સંસાર, લાગુ પાય જી રે.          22

ફેરાનું ફળ જાશે નહિ, ઋષિરાયજી રે;
જઈ જાચો કૃષ્ણ બળદેવ, લાગું પાય જી રે.          23

ભાલે લખ્યા અક્ષર દરિદ્રના, ઋષિરાયજી રે;
ધોશે ધરણીધર તતખેવ, લાગું પાય જી રે.          24

વલણ

તતખેવ ત્રિકમ છેદશે, દારિદ્ર કેરાં ઝાડ રે;
પ્રાણનાથ પધારો દ્વારિકા, હું માનું તમારો પાડ રે.’ 25