સુદામાચરિત્ર — પ્રેમાનંદ/કડવું 7

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કડવું 7

[અહીં કૃષ્ણના સુખી દામ્પત્યજીવનનું રોચક ચિત્ર અપાયું છે. કૃષ્ણની આઠ પટરાણીઓ કૃષ્ણને કઈ રીતે સેવે-આરાધે છે તેનું સુખદ વર્ણન કરતાં કવિ આ સૌની વચાળે શાંતિથી પોઢેલા કૃષ્ણને અહીં પહેલી વાર પ્રવેશ આપે છે. રાણીઓ સાથે રસમગ્ન થયેલા કૃષ્ણ પાસે એક દાસી આવીને સુદામાના આગમનની ખબર આપે છે. એે સાંભળતાવેંત કૃષ્ણ એકદમ દોટ મૂકે છે. જતાં જતાં પોતાની રાણીઓને તેમનું સ્વાગત કરવાનો આદેશ આપે છે આ કૌતુક જોતાં લોકની વચ્ચે કૃષ્ણ સુદામાના પગમાં માથું મૂકીને તેમનું અસાધારણ ગૌરવ કરતાં તેમને પોતાના ઘરમાં લઈ જાય છે સુદામાને જોઈને વિસ્મિત થતી રાણીઓ રમૂજ અનુભવે છે ને સાથેસાથ તેમની મજાક કરે છે ત્યારે રુક્મિણી તેને વારતાં સુદામાનો મહિમા કહે છે, પ્રેમાનંદે, રુક્મિણીને જ માત્ર સુદામાની પરખ છે એવો મર્મ અહીં મૂક્યો છે. જે પછીનાં કડવાંઓમાં દ્રઢ બને છે.]

રાગ-મારુ

સૂતા શય્યાએ શ્રી અવિનાશ રે,
અષ્ટ પટરાણીઓ છે બે પાસ રે;
રુક્મિણી તળાંસે પાય રે,
શ્રીવૃંદા ઢોળે છે વાય રે.          1
ધર્યું દર્પણ ભદ્રા નારી રે,
જાંબુવંતીએ ગ્રહી જળઝારી રે;
યક્ષકર્દમ સત્યા સેવે રે,
કાલિંદીજી તે અગર ઉસેવે રે. 2

લક્ષ્મણા તાંબૂલ લાવે રે,
સત્યભામા બીડી ખવડાવે રે;
હરિ પોઢ્યા હિંડોળાખાટ રે,
પાસે પટરાણી છે આઠ રે.          3

બીજી સોળ સહસ્ર શત શ્યામા રે,
કોઈ હંસગતિ ગજગામા રે;
મૃગાનેણી ને ચંદ્રચકોરી રે;
કોઈ શ્યામલડી કોઈ ગોરી રે. 4

કોઈ મુગ્ધા બાળ કિશોરી રે,
ખળકાવે કંકણ મોરી રે;
ચપળા ચિતડું લે ચોરી રે,
કોટે હાર કંચુકી કોરી રે.          5

કોઈ ચતુરા સંગીત નાચે રે,
કોઈ રીઝવે ને ઘણું રાચે રે,
એક બીજીને વાત વાસે રે
સરખાસરખી ઊભી પાસે રે. 6

હરિ આગળ હરિગુણ ગાતી રે,
વસ્ત્ર વિરાજે નાના ભાતી રે;
ચંગ ઉપંગ મૃદંગ ઘણાં ગાજે રે,
શ્રીમંડળ વીણા વાજે રે.          7

ગાંધર્વી કળા કો કરતી રે,
શુભ વાયક મુખ ઊચરતી રે;
ચતુરા નવ ચૂકે તાળી રે,
બોલે મર્મવચન મરમાળી રે. 8

મેનકા ઉર્વશીની જોડ રે,
તેથી રીઝ્યા શ્રીરણછોડ રે;
એમ થઈ રહ્યો થેઈથેઈકાર રે,
રસમગ્ન છે વિશ્વાધાર રે.          9

એવે દાસી ધાતી આવી રે,
જોઈ નાથે પાસે બોલાવી રે;
બોલી સાહેલી શિર નામી રે,
‘દ્વારે દ્વિજ આવ્યો કોઈ સ્વામી રે.          10

ન હોય નારદ અવશ્યમેવ રે,
નહીં વસિષ્ઠ ને વામદેવ રે;
ન હોય દુર્વાસા ને અગસ્ત્ય રે,
મેં તો ઋષિ જોયા છે સમસ્ત રે.          11


નહિ વિશ્વામિત્ર કે અત્રિ રે,
નથી લાવ્યો કોની પત્રી રે;
દુ:ખી દરિદ્ર સરખો ભાસે રે,
એક તુંબીપાત્ર છે પાસે રે. 12

પંગિળ જટા ભસ્મે ભરિયો રે,
ક્ષુધારૂપી નારીને વરિયો રે;
શેરીએ શેરીએ થોકાથોક રે,
તેને જોવા મળ્યા બહુ લોક રે. 13

તેણે કહાવ્યું કરી પ્રણામ રે,
મારું વિપ્ર સુદામો છે નામ રે.’
એમ દાસી કહે કરજોડ રે,
‘ખરો ખરો’ કહે રણછોડ રે. 14

‘મારો બાળસ્નેહી સુદામો રે,
હું દુ:ખિયાનો વિસામો રે,’
ઊઠી ધાયા જાદવરાય રે,
નવ પહેર્યાં મોજાં પાય રે. 15

પીતાંબર ભૂમિ ભરાય રે,
રાણી રુક્મિણી ઊંચાં સાય રે;
અતિ આનંદે ફૂલી કાય રે,
હરિ દોડે ને શ્વાસે ભરાય રે. 16


પડે-આખડે બેઠા થાય રે.
એક પળ તે જુગ જેવી જાય રે;
સ્ત્રીઓને કહી ગયા ભગવાન રે,
‘પૂજાથાળ કરો સાવધાન રે. 17

હું જે ભોગવું રાજ્યાસન રે,
તે તો એ બ્રાહ્મણનું પુન્ય રે;
જે કોઈ નમશે એનાં ચરણ ઝાલી રે,
તે નારી સહુપેં મને વહાલી રે.’          18

તવ સ્ત્રી સહુ પાછી ફરતી રે,
સામગ્રી પૂજાની કરતી રે;
સહુ કહે, માંહોમાંહી, ‘બાઈ રે,
કેવા હશે શ્રીકૃષ્ણના ભાઈ રે? 19

જેને શામળિયાશું સ્નેહ રે,
હશે કંદર્પ સરખો દેહ રે;’
લઈ પૂજાના ઉપહાર રે,
રહી ઊભી સોળ હજાર રે. 20

‘બાઈ લોચનનું સુખ લીજે રે,
આજ જેઠનું દર્શન કીજે રે;’
ઋષિ શુકજી કહે સુણ રાય રે,
શામળિયોજી મળવા જાય રે. 21


છબીલાજીએ છૂટી ચાલે રે,
દીધી દોટ તે દીનદયાળે રે;
સુદામે દીઠા કૃષ્ણદેવ રે,
છૂટ્યાં આંસુ શ્રાવણનેવ રે. 22

જુએ કૌતુક ચારે વર્ણ રે,
ક્યાં આ વિપ્ર? ક્યાં આ અશરણશર્ણ રે;
જુએ દેવ વિમાને ચડિયા રે,
પ્રભુ ઋષિજીને પાયે પડિયા રે. 23

હરિ ઉઠાડ્યા ગ્રહી હાથ રે,
ઋષિજી લીધા હૈડા સાથ રે;
ભુજ-બંધન વાંસા પૂંઠે રે,
પ્રેમનાં આલંગિન નવ છૂટે રે. 24

મુખ અન્યોઅન્યે જોયાં રે,
હરિનાં આંસુ સુદામે લોયાં રે;
તુંબીપાત્ર ઉલાળીને લીધું રે,
દાસત્વ દયાળે કીધું રે.          25

‘ઋષિ પાવન કર્યું મુજ ગામ રે,
હવાં પવિત્ર કરો મુજ ધામ રે;’
તેડી આવ્યા વિશ્વાધાર રે,
મંદિરમાં હરખથી અપાર રે. 26

જોઈ હાસ્ય કરે સૌ નારી રે,
આ તો રૂડી મિત્રાચારી રે!
ઘણું વાંકાંબોલાં સત્યભામા રે,
‘આ શું ફૂટડા મિત્ર સુદામા રે! 27

હરિ અહીંથી ઊઠી શું ધાયા રે?
ભલી નાનપણાની માયા રે,
ભલી જોવા સરખી જોડી રે,
હરિને સોંધો એને રાખોડી રે! 28

જો કોઈ બાળક બહાર નીકળશે રે;
તે તો કાકાને દેખી છળશે રે;’
તવ બોલ્યાં રુક્મિણી રાણી રે,
‘તમો બોલો છો શું જાણી રે? 29

વલણ
શું બોલો વિસ્મય થઈ? હરિભક્તને ઓળખો નહિ.’
બેસાડ્યા મિત્રને શય્યા ઉપર, ઢોળે વાયુ હરિ ઊભા રહી. 30