સુદામાચરિત્ર — પ્રેમાનંદ/1. સમય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


1. સમય

મધ્યકાળના કવિઓએ પોતાના જીવન વિશે ભાગ્યે જ કશું કહ્યું હોવાથી એ કવિ ક્યારે થઈ ગયા એ નક્કી કરવાનું બહુ મુશ્કેલ — ક્યારેક તો અશક્ય — બની જાય છે. જો કે એક એવી પરંપરા હતી કે કવિ કાવ્યના અંતની કડીમાં પોતાનું નામ ગૂંથતો (એને નામાચરણની પંક્તિ કહેવાય) ને આખ્યાન-રાસ-પ્રબંધ જેવી લાંબી કૃતિઓને અંતે કાવ્ય લખ્યાનાં સ્થળ ને સમયની તેમજ ક્યારેક પોતાના પરિચયની થોડીક વિગતો પણ મુકાતી. બધી કૃતિઓને અંતે આવા નિર્દેશો ન પણ થતા. પણ આવા નિર્દેશો થયેલા હોય તે આજે કવિનો સમય નક્કી કરવામાં આપણને ખૂબ જ મદદરૂપ નીવડે છે. પ્રેમાનંદની કેટલીક કૃતિઓને અંતે રચનાવર્ષના ઉલ્લેખો છે. જેમકે ‘મદાલસા-આખ્યાન’ ઈ.1672, ‘નળાખ્યાન’ ઈ.1686, વગેરે. એની પહેલી કૃતિ ‘ઓખાહરણ’ સંભવત: 1667માં અને ‘રણયજ્ઞ’ સંભવત: 1690માં રચાયેલી કૃતિઓ છે. ‘ઓખાહરણ’ પૂર્વે 7-8 વર્ષે એનું કાવ્યસર્જન આરંભાયું હોય ને ‘રણયજ્ઞ’ પછી ‘દશમસ્કંધ’ વગેરે કૃતિઓની રચનાનાં દસેક વર્ષ ગણીએ તો પ્રેમાનંદનો કાવ્યસર્જન સમય-કવનકાળ-ઈ. 1660 થી ઈ. 1700 આસપાસનો અનુમાની શકાય. પ્રેમાનંદે વીસેક વર્ષની વયે કાવ્યસર્જન આરંભ્યું હોય એમ ગણીએ તો પ્રેમાનંદનો જીવનકાળ ઈ. 1640 થી ઈ. 1700 સુધીનો — સત્તરમી સદીના ઉત્તરાર્ધનો — ગણાવી શકાય.