સુન્દરમ્‌ની શ્રેષ્ઠ વાર્તાઓ/મીન પિયાસી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
મીન પિયાસી

સાંજને વખતે શહેરના સરિયામ રસ્તા ઉપર રોજ ફરવા નીકળનારાંઓને માટે ફૂટપાથ પરના તમાશબીનો અને તેમના તમાશા અજાણ્યા નથી હોતા. પણ આજે તેમને કાને કોઈ નવા જ પ્રકારનો અવાજ પડ્યો. લોકો એ અવાજ તરફ જેમ જેમ નજીક જતા ગયા તેમ તેમ તે અવાજ વધારે સ્પષ્ટ થતો ગયો. ધીન ધગિન તિનક, તીન ધગિન તિનક, ધીન ધીન ધીન ધીન, ધીન તિનક તિનક ધીન, ધગિન તિનક ધીન, ધગિનક ધગિનક ધીન ધીન... તબલાંની રમઝટ ધૂન મચી હતી અને ભેગો ટનનન રણણણ ટનનન ટનનન રણણણ મંજીરાનો અવાજે ગુંજતો હતો. એકતારો ઘેરું ઘુનનન મચાવતો હતો. અને ગાનારાંઓના મુખમાંથી કોક ભજનના ન સમજાય તેવા શબ્દો નીકળતા હતા. લોકો ઘડીભર આ નવો તમાશો જોઈ રહ્યા. વીજળીના અનેક તારોના જટાજૂથને માથા પર ધારણ કરીને ઊભેલા ચાર લોખંડી થાંભલાની છત્ર વિનાની છત્રછાયામાં, ચોખ્ખાં કપડાં પહેરેલાં ચાર જણની એક મંડળી બેઠી હતી. એક ડોસાના હાથમાં ટોચે મોરપીંછ મઢેલો, દાંડી પર પીતળની ખોળીઓ બેસાડેલો, ઘડા જેવા તૂમડાવાળો તંબૂરો શોભી રહ્યો હતો. તેની આધેડ વયની કાયા હજી ટટાર હતી, પણ તેની કાળી ધરતી જેવા મોં ઉપર કાળના હળે ખેડેલા ચાસ કરચલીઓ રૂપે દેખાઈ આવતા હતા. તેના તાજા હજામત કરેલા મોં પર પરસેવો વળ્યો હતો. અને કાળી માટી પર તાજો વરસાદ પડતાં જે ચમક આવે છે તેવી ચમક તેમાંથી આવતી હતી. તેના બીજા હાથમાં મંજીરાની જોડ હતી અને તાલમાં હાલતા હાથની સાથે તે મીઠો રણકાર કરતી હતી. તેની પાસે બેઠેલા જુવાનના હાથ તબલાની એક નવી જોડ પર ચપળતાથી ફરતા હતા. તેની ચામડી ડોસા કરતાં વધારે ગોરી હતી. એ બંનેની પાસે, તેમણે પોતા આગળ બિછાવેલા, એક ચાદર, એક ધોતિયું અને એકાદ સાડીના ટુકડાના ચોરસના આ બાજુના બે છેડા પર બે નાનકડી છોકરીઓ બેઠી હતી. નાની આઠેક વરસની હતી અને બીજી તેનાથી બેએક વરસ મોટી લાગતી હતી. બંને છોકરીઓએ બેય હાથે મંજીરાની એકએક જોડ બાંધી હતી અને બેય હાથને વારાફરતી કે એકીસાથે આંદોલિત કરતી, મંજીરાને ગતિથી જ રણકાવતી હતી. તંબૂરો, તબલાં અને મંજીરાના ભેગા અવાજે જોતજોતામાં મજાનું વાતાવરણ જમાવી દીધું. ડોસાનું ભજન બહુ જ આછું આછું સંભળાતું હતું. તેની લીટીઓને છોકરીઓ તથા જુવાન વચ્ચે વચ્ચેથી ઉપાડી લેતાં હતાં. કેટલીક વાર સુધી તો સાંભળનારાઓને શું ગવાય છે તે કશું જ સમજાયું નહીં. તંબૂરો, તબલાં ને મંજીરાના અવાજની તરવેણીમાં ડૂબતા ભજનની લીટીઓમાંથી ધ્રુવપદના થોડાક શબ્દો કંઈક સ્પષ્ટ સંભળાવા લાગ્યા: ...પાની મેં મીન પિયાસી એ...પાની મેં મીન પિયાસી... લોકો જામતા ગયા તેમ તેમ ભજનમંડળીએ આવેશમાં આવવા માંડ્યું. તબલાં પર થપ્પીઓ જોરદાર પડવા લાગી. તંબૂરાનું મોરપીંછ વધારે લહેકા લેવા લાગ્યું. તંબૂરાનો ગાનાર ગાતાં ગાતાં પોતાના ધડને પણ હલાવવા લાગ્યો. છોકરીઓ પલાંઠી વાળીને બેઠી હતી તે પગ ઊંધા કરી બેસી ગઈ. સંગીતનાં ફૂલની મોરેલી મંજરીઓવાળી ડાળી જેવા તેમના મંજીરા બાંધેલા હાથ શરીરની આસપાસ ફરવા લાગ્યા. પ્રારંભમાં ચારે જણની નજર જાણે કે ઊંડા ધ્યાનમાં ગાઢ ધૂનમાં પડેલી હોય એવી રીતે નીચે ઢળેલી હતી. પણ જેમ જેમ મેદની જામતી ગઈ તેમ તેમ દરેકની નજર થોડી થોડી ઊઘડીને મેદનીને નજરમાં લઈ પાછી મીંચાવા લાગી. ડોસાની આંખો ચોરીછૂપીથી ખૂલતી હોય તેવું લાગતું હતું. છોકરો વધારે નફટતાથી પ્રેક્ષકો તરફ જોતો હતો. છોકરીઓએ આંખો મીંચવાનો પ્રયત્ન મૂકી દીધો અને પ્રેક્ષકોની ઘાટઘૂટ વેશભૂષા તરફ તેમની નજર દોડવા લાગી. તેઓ વચ્ચે વચ્ચે તાલ ચૂકવા લાગી. જુવાને ખૂંખારો ખાધો અને છોકરીઓ પ્રયત્નપૂર્વક આંખોને ઢાળેલી રાખવા લાગી. ડોસાએ બીજું ભજન ઉપાડ્યું. બિછાવેલી તિરંગી જાજમ પર ધીરે ધીરે પૈસા પડવા લાગ્યા. ગાનારાંએ વધારે જોશ બતાવવા માંડ્યું. જુવાનના હાથમાં ઝડપ આવી. તંબૂરો વધારે ગુંજવા લાગ્યો. મંજીરાની પાંચ જોડો પાંચ હાથમાં ઘેલી બની રણઝણવા લાગી. અને છોકરીઓનાં શરીર સ્થિર બેસી ચારે કોર ઝૂલતાં ઝૂલતાં છેવટે બેઠાં બેઠાં ગોળ ફરવા લાગ્યાં. ભજનનું ધ્રુવપદ પણ હવે તો સંભળાતું ન હતું. કાંઈક ગવાતું હતું, મંજીરા રણઝણતા હતા, તંબૂરાની મોરપીંછી ડોલતી હતી, અને તબલાં લહેકે ચડ્યાં હતાં એટલું જ જોનારાંઓ માટે બસ હતું. ઉપરાઉપરી પૈસા પડવા લાગ્યા: ‘સિયારામચંદ્ર કી જે!’ બોલી ડોસો અટકી પડ્યો. તંબૂરો અટક્યો. જુવાનના મોં પર સહેજ ચીડ દેખાઈ. ગોળ ફરવા લાગેલી છોકરીઓ અટકી. ડોસાએ હાથ જોડી સૌને ‘રામ રામ!’ કર્યા. લોકોને એ વિચિત્ર લાગ્યું. જુવાને નીચે મોંએ પૈસા ભેગા કરવા માંડ્યા. લોકોને માટે આવું ભજનશ્રવણ પ્રથમ જ હતું. ગાનારાંઓને પૈસા વીણતાં જોઈ લોકો વીખરાવા લાગ્યા. બેએક જુવાનિયાઓ તેમની પાસે જરા વધારે વાર ઊભા રહ્યા. તેમને ઊભેલા જોઈને છોકરીઓ શરમાઈ. એટલે તેમણે ચાલવા માંડ્યું. જતાં જતાં તેઓ વાતો કરવા લાગ્યા: ‘સ્નૅપ લઈ લેવા જેવો હતો. આવતી કાલે કૅમેરા લઈ આવીશ.’ ‘સરસ છે. આપણાં ગામડાંમાં કેટલી બધી કળા છુપાયેલી પડી છે!’ ‘એ કળાનો ઉપયોગ થવો જ જોઈએ. જુઓ ને કેટલું સરસ કામ આપ્યું!’ ‘હવે કોણ કહેશે ગુજરાતની પાસે સંગીત નથી? એને જોવાની અને સાંભળવાની ફુરસદ કોને છે? ધૂળમાં ઢંકાયેલા એ સોનાને બહાર આણનાર કોણ છે?’ અને બંને જણ, પોતે કળાના રસિક ઉદ્ધારકની કૃતાર્થતાના ભાવો અનુભવતા પાસેના બગીચામાં દાખલ થયા. પેલા બે યુવાનોની તેમના તરફ પીઠ થઈ કે જુવાન તબલાં લઈ ઊભો થઈ ગયો. ડોસાએ તંબૂરો બાજુએ મૂક્યો અને છોકરીઓએ લૂગડાની ગડી કરી દીધી. યુવાને આવેલા પૈસા ફાળિયાના છેડામાં બાંધી કમરે ખોસી દીધા અને ચારે જણ શહેરના એક ઓછી વસ્તીવાળા ભાગ તરફ ચાલવા લાગ્યાં. સરિયામ રસ્તે દૂર જઈને તેઓ બેઠાં. જુવાને પૈસા ગણવા કાઢ્યા. આખા દહાડામાં ભેગા થયેલા પૈસાને તેમણે કમરે રૂમાલમાં બાંધી રાખ્યા હતા તે પણ કાઢ્યા. પૈસા ગણી છોકરાએ ડોસા સાથે કશી જ વાતચીત કર્યા વગર બાંધી લીધા. ડોસાએ પૂછ્યું: ‘કેમ ભાઈ, કેટલા થયા?’ ‘તમારે શું કામ છે?’ છોકરાના અવાજમાં ચીડ હતી. ‘તમે તો હવે ભગત બની ગયા! કેવો સરસ રંગ જામ્યો હતો અને તમે બંધ કર્યું. બીજા સહેજે આઠ-દસ આના મળી ગયા હોત!’ ‘દીકરા, બહુ લોભ ન રાખીએ. રામજી માથે બેઠો છે!’ ‘હા બાપા!’ છોકરો મરડમાં બોલ્યો, ‘રામજી માથે છે એટલે સ્તો ઘર, ગામ, ખેતર, વાડી ગયાં અને અહીં શહેરમાં આ ભીખવાનું માથે આવ્યું!’ પોતાના બાપને અને દાદાને ચિડાઈને વાતો કરતા જોઈ છોકરીઓ ગભરાવા લાગી. નાની છોકરીને ભૂખ લાગી હતી અને મોટી બહેન તેને દિલાસો આપતી હતી કે હમણાં બાપા ખાવાનું લઈ આવશે. ત્યાં તેમનો બાપ બોલ્યો: ‘જુઓ બાપા, આજે તો દોઢેકનો આસરો થયો. આ તબલાંવાળાને એમાંથી સવાએક આપી દઈએ. અને બાકીનામાંથી થોડા કાલને સારુ રાખી થોડુંક ફાકો ખાવાનું લઈ આવીએ.’ ‘બાપુ, તબલાંવાળાને તો અપાશે, પણ છોડીઓને ભૂખે ના મારતો.’ ડોસાએ કહ્યું, આજ પહેલો દહાડો છે. મને તો ભૂખ નથી. જાઓ, હું બેઠો છું. તમે કંઈ ખાઈ આવો. આવતી કાલ રામજી ગમે તેવી દેખાડે. આજે જે છે તેમાં બાળજીવને દુ:ખી ના કરીશ. જાઓ બેટા, ખાઈ આવો. અને મારે સારુ થોડી ચા લઈ આવજો.’ અને જુવાન પોતાની બે છોકરીઓને લઈ દૂરની હોટેલ તરફ રવાના થયો. ડોસાએ પોતાને માથેથી ફાળિયું ઉતાર્યું. ભીખ માગવા પાથરેલા લૂગડાને સહેજ પહોળું કરી, તે પર આડું પડખું ફેરવ્યું અને ઓશીકા નીચે ફાળિયું મૂક્યું. પાસેના તારટેલિફોનના થાંભલા પર તેની આંખ ગઈ. થોડે દૂર વીજળીનો દીવો બળતો હતો. ડોસાનો એક છોકરો ખેતરમાં વીજળી પડવાથી મરી ગયો હતો. આજે આખો દહાડો જ્યાં જ્યાં તેઓ બેઠાં હતાં ત્યાં પાસે વીજળીનો થાંભલો નીકળતો જ હતો. છેલ્લે બાગ આગળ બેઠાં ત્યારે તો કને ચાર થાંભલા નીકળ્યા અને ઉપર કેટલાય બધા આડાઅવળા તાર! એમણે ‘ખેલ’ કર્યો ત્યાં લગી ડોસો મન વારવા ઘણુંય કરતો હતો છતાં તેનું મન વારે વારે ચમકી ઊઠતું હતું. અને વળી વળીને પોતાના મૃત પુત્રને યાદ કરતું હતું. કેવો ભગવાનનો માણસ હતો! એ હોત તો આ દહાડા જોવા ન પડત! ‘રામજી મારા!’ બોલી તેણે પડખું ફેરવ્યું. તેને છાતીમાં ડાબી બાજુ દુખી આવ્યું. તે બેઠો થયો. છાતી પર તેણે હાથ મૂક્યો. શ્વાસ લેવામાં સહેજ મુઝારો લાગવા માંડ્યો. ‘રામ!’ તેના મોંમાંથી ઉદ્ગાર નીકળ્યો. તેણે ઊંડા શ્વાસ લેવા માંડ્યા. આ શું થવા માંડ્યું છે? હમણાં હમણાં તેને કદીક કદીક છાતીમાં આમ દુખી આવતું હતું. બેત્રણ સણકા પછી દુખાવો બંધ થયો. છાતી પર હાથ ફેરવતાં તેની નજર ઊંચે ગઈ અને તે બોલ્યો: ‘રામજી! તું જે ખેલ કરાવીશ તે કરશું, બાપા! પણ આવા ખેલ તું કરાવશે એમ તો નહોતું ધાર્યું. બાપ! તારા નામના ખેલ! એના કરતાં તો થાય છે કે આ માથે તારમાં દોડાદોડ કરતી વીજળીઓમાંથી એકાદી પડે તો તારે ચરણે વહેલો આવી જઉં, મારા રામ! પણ આયે તારી મરજી હશે, તું કરે તે ખરું!’ તે જાળવીને પડખું દબાવી સૂતો. આખા દહાડાની અથડામણથી થાકેલા ડોસાની આંખ મળી ગઈ. આછી ઊંઘમાં પણ તેને આખા દિવસના બનાવોના ધમકારા વાગી રહ્યા. ખેલ પૂરો થયા પછી છોકરો પોતાને ધમકાવે છે: ‘બાપા, બરાબર ભગતના જેવું ધ્યાન રાખો ને? જાણે પૈસા તરફ આપણી નજર જ નથી એવું દેખાડવાનું!’ વળી છોકરાની આંખો જાણે વઢી રહી છે. અને મારી ફૂલ જેવી છોડીઓ, બચારીઓ પાસે કેવા નાચ કરાવે છે એ છોકરો! નાટકના જેવું આપણાથી ક્યાંથી થાય? ત્યાં છોકરો પાછો તડૂકે છે. અને પોતે જાણે ભજનની ધૂન જમાવતો હોય તેમ બોલી પડે છે: ‘ગાઉં છું, ભાઈ! ગાઉં છું, ભાઈ!’ ‘બાપા, શું ગાઓ છો? શું બબડતા હતા?’ છોકરાનો અવાજ આવ્યો. ‘હેં, ભાઈ!’ ડોસો ઝબકી બેઠો થઈ ગયો, ‘મેં શું કહ્યું? કંઈ નહીં!’ ‘હશે બાપા, લો, આ લોટીમાં ચા છે તે પી લો.’ છોકરાએ ચાની લોટી આપી. ‘ચા લાવ્યો છે, બેટા! આ છોડીઓને ખવાડ્યું ને?’ ‘હોવે!’ જુવાન બોલ્યો અને છોકરીઓ તરફ ફરી તેણે કહ્યું: ‘જાવ કે, છાપાંના કાગળ જડે તો વીણી લાવો, પાથરવા જોઈશે.’ નાની બહેનનો હાથ પકડી મોટી છોકરી ચાલવા લાગી. જતાં જતાં નાની છોકરી ડોસાના હાથમાંની ચાની લોટી તરફ તાકવા લાગી. ડોસો તે જોઈ ગયો. તેણે છોડીને બોલાવી અને છોકરાના વિરોધ છતાં તેને ચા પીવડાવી, પોતે થોડી પીધી અને પછી માળા કાઢી ફેરવવા લાગ્યા. છોકરાએ દૂર બેસીને બીડી પીવા માંડી. થોડી વારે છોકરીઓ થોડા કાગળના ડૂચા અને છાપાંના કકડા વીણીને આવી, તેની પથારી કરી બેય છોકરીઓને વચ્ચે સુવાડી બાપદીકરો બે બાજુ સૂઈ ગયા. અને થાકની નિદ્રા લેતાં ચારેયના શરીરના જીવ પોતાના ગામડામાં રમવા પહોંચી ગયા. બેય છોડીઓ માથે નાનકડી ટોપલીઓ લઈ ગામની બીજી છોડીઓ ભેગી ભેંસો પાછળ છાણ લેવા દોડે છે. જેમ ભેંસો પોદળા કરતી જાય છે તેમ તેમ પોતે પોદળા બોટતી જાય છે. કદીક મીઠી લડાઈ થાય છે. અને પછી બધી ભેગી થઈ ફળિયાના ટેકરા પર છાણાં થાપવા બેસે છે. થોડું છાણ બાકી રાખી તેમાંથી મોટી બહેન નાની બહેનને છાણનાં રમકડાં બનાવી આપે છે. નાનકડી ઘંટી, નાનકડા રોટલા અને હોળી માતા માટે નાના હોળૈયા. અહોહો, હથેળી જેવડાં હોળૈયા તો તેમણે કેટલા બધા બનાવ્યા હતા! એ મોટો લાંબો લાંબો હારડો થાય તેવાં. અને મા તો હતી નહીં એટલે કાકી સાથે મોટી છોડી સેવો પણ વણવાની હતી. પણ નાની એના હોળૈયા થાપવાનું મૂકતી નથી. મોટી તેને થથડાવીને લઈ જાય છે. તેના હાથનું છાણ આમતેમ ઊડે છે. અને મોટીને તેનો બાપ થથડાવે છે: ‘દાદા સારુ સેવો વણનારીઓ ના જોઈ! મૂકો બધું પડતું!’ અને સેવનો બાંધેલો લોટ મોટીના હાથમાંથી પડી જાય છે. અને બાપા બેય બહેનોને બાવડાંથી પકડી ખેંચી લઈ જાય છે. તેમનાથી ખૂબ આગળ આગળ તેમના દાદા ચાલતા લાગે છે, બેય જણ ‘દાદા, દાદા!’ની બૂમ મારે છે. પણ દાદા તો પાછું જોતા જ નથી. છોડીઓ ઢસડાતી ઢસડાતી ચાલે છે. અને એકદમ મોટો રસ્તો અને મોટરો સાથે લોક લોક થઈ રહે છે. જુવાનની આસપાસ ધુમાડાના ગોટેગોટા થઈ રહ્યા છે. સિગારેટની ડબી ઉપર પાડેલાં એકલાં મોઢાં જેવાં કેટલાં મોઢાં તેમાં તરતાં દેખાય છે. એ બધા એના જુગારી ભાઈબંધો છે... આ એના ફસલના પાકના રૂપિયા ગયા... આ એની બૈરીનાં ઘરેણાં ગયાં... આ વાણિયો ભેંસ છોડી ગયો... આ મુસલમાન વહોરાએ એનું ઘર મંડાવી લીધું. હજીય દેવું બાકી છે. ‘છોડીઓ વેચીને આપ,’ લેણદાર બોલે છે. કોક કહે છે: ‘ડોસા પાસે છે તે કઢાવ ને?’ ખરી વાત. તે ધસે છે. છોડીઓએ લીંપેલા તાજા ઓટલા પર બેઠેલા ડોસા કશું બોલતા જ નથી. ‘બાપા, કંઈ રૂપિયા છે? કશુંય છે?’ તે પૂછે છે. બાપા કહે છે, ‘ભાઈ મારા, જે છે તે હું છું.’ ‘હા. તમે છો ત્યારે હીંડો હવે.’ અને પોતે જુસ્સામાં આવી ડોસાને થથડાવી ઓટલેથી હેઠા ઉતારે છે. નમ્ર ડોસા ઊભા થઈ ચાલવા માંડે છે. અને પોતે પેલાં મોઢાં પોતાની પાછળ પડ્યાં છે તેને પછેડીની ઝાપટથી વારતો વારતો નાસે છે, નાસે છે. હાશ, આ પોલીસ દેખાયો... હવે મને કોઈ નહીં પકડે... શહેરની ઝગમગતી રોશનીમાં તે ઊભો રહે છે... આ મેરથી મોટર, પેલી મેરથી મોટર, ઉપરથી મોટર, નીચેથી મોટર, પોં પોં, પોલીસની સીટીઓ... ડોસાની આસપાસ આછા અજવાળાવાળી તારલિયાળી રાત છે. પાસે તુલસીક્યારો છે. દીકરાની દીકરીઓએ ઓકળી પાડીને લીંપેલી ભોંય ચારે કોર છાણમાટીની મીઠી વાસથી મહેકે છે. તુલસીક્યારામાં દીવો છે, અને પાસે બે અગરબત્તીઓ ધૂપની સેર કાઢતી તગતગે છે. ડોસો નિરાંતે તંબૂરો ઉપાડે છે. દીકરો ઢોલક લે છે અને દીકરાની બે ગંગાજમના જેવી દીકરીઓ તેની આસપાસ આવીને બેસે છે: ‘દાદા, અમને મંજીરા શિખવાડોને!’ અને દાદા એ કૂણી આંગળીઓ ઉપર મંજીરાની દોરી વીંટી આપે છે. કૂણા કૂણા હાથમાં મંજીરા કૂણું કૂણું રણકે છે અને ભગવાનનું ભજન ડોસો માંડે છે: “એ આ રે કાયામાં સંતો નવલખ તારા, ડગલે ડગલે મારા પરભુના ઉતારા... રે.” ફળિયાના, ગામના, પરગામના લોક ડોસાનાં ભજનો સાંભળવા આવે છે. ડોસો એક ગૂણિયા ઉપર બેઠો બેઠો રાતભર ગાયા કરે છે. છોકરો અને તેના જેવા જુવાનિયા ડોસાની પાસેથી ભજન શીખે છે. તેમના સાદ પણ ધીરે ધીરે ઘૂંટાતા જાય છે, કંઈક ડોસાની લહેક આવે છે. પણ ડોસો તે તો ડોસો જ. કોક અજબ લહેક આવતાં સાંભળનારાં બોલી ઊઠે છે: ‘વાહ, ભગત!’ ભજન પૂરું થયે પરસાદ વહેંચાય છે. દાદા દીકરીઓને ઉઠાડે છે, ‘ઊઠો બા, પરભુનો પરસાદ લો.’ અને સાકર અને લીલા ટોપરાના પરસાદથી મોઢાં ભરી તે ખાતી ખાતી છોકરીઓ પાછી ઊંઘમાં ઢળી પડે છે. બેયનાં ફૂલ જેવાં સુંવાળા મોં પર ડોસાનો હળકોદાળાના આંટણોવાળો હાથ કોમળતાથી ફરે છે. એમ ડોસાની ભગતાઈ ચાલે છે. કેટલાય છોકરા એમની પાસેથી તૈયાર થઈ ગયા. બેય છોડીઓ મોટી થઈ અને ડોસાની બે પડખે બેસી બબ્બે હાથે મંજીરા ચગાવવા લાગી. બે જુવાન દીકરા ખેતી કરતા હતા. રામજી મહારાજને ચરણે માથું મૂકી ડોસા નિરાંતે સૂતા અને ભજનનું અમી પોતે પીતા ને અગણિત લોકોને પિવડાવતા. ત્યાં એક ચોમાસામાં આભની વીજળીએ ખેતરને ખોળેથી મોટા છોકરાને ઉપાડી લીધો. હા, એને તો ફરીથી મંડાવાની બધી ગોઠવણ પણ કરી હતી. પાટડા જેવી પડછંદ કાયાનો છોકરો ખેતર વચ્ચે પડ્યો પડ્યો હજીય હસતો હતો. છોકરાના માથા પાસે બેસતાં ડોસો માત્ર એટલું જ બોલ્યો: ‘મા વીજળી, તું તો મારા કરસનની બહેન. પણ મારા પર પડી હોત તો શું ખોટું થાત, મા!’ અને ચોમાસું ગયું ને નાના છોકરાની વહુ ગુજરી ગઈ. છોકરો બેબાકળો બન્યો. બે છોડીઓ હતી તે ઘરમાં આડુંઅવળું કરે તેવી હતી. છોકરો ખરાબ લતે ચડ્યો. આમ તો કેવાં રૂપાળાં ભજન ગાતો હતો! બધા કહેતા કે ભગતની ગાદી આ સાચવશે. પણ એય રામજીનું કરવું હશે તો જુગારની અંદર કેટલુંય હારી આવ્યો. થઈ રહ્યું. ઘરબાર વગેરે બધું વીણી વીણીને આપી દીધું: ‘બાપ, મારે દેવું માથે ના જોઈએ,’ ડોસાએ લેણદારોને કહ્યું, ‘આ જે છે તેમાંથી બેચાર આની જે આવે તે સમજી લો.’ પણ હવે? છોકરો બોલ્યો: ‘બાપા, શહેરમાં જઈએ અને ભજનમંડળી કાઢીએ.’ ‘ભીખ માગવાની, બેટા?’ ‘ના, ના. બાપા. આપણે તો ભજન ગાવાનાં. અને જે મળે તે ખરું.’ ‘ભલે ભાઈ એય કહેવાય તો ભીખ જ ને? પરસેવામાંથી કમાઈએ તે જ ધરમનું!’ અને છોકરાએ હસીને જવાબ દીધો: ‘બાપા, ભજન ગાતાંય ઓછો પરસેવો નહીં વળે!’ ડોસા ચોંક્યા. તારલિયાળી શીતળ રાતોમાં રામનાં ભજન ગાતાં તેને પરસેવો કદી બાઝ્યો ન હતો. એ તો પરભુની અમી ઊતરતી હતી. ડોસાએ ઝઘડો ન કર્યો, પણ છોડીઓને લઈને જવું તેને કાળ જેવું લાગ્યું. પણ શું થાય? છોકરો શહેરની બાબતોથી બહુ જાણકાર હતો. એક ઓળખીતા ડબગરને ત્યાંથી નવી તબલાંની જોડ ઉધાર લાવ્યો. ચારેય જણને માટે ગુજરીમાંથી કપડાં લાવ્યો. શહેરની બૈરીઓનાં ઊતરેલાં ભાતીગળ કપડાંમાં છોડીઓ કેવી વરવી લાગતી હતી! અને ચારે જણે શહેરના ચકલામાં ભજન ગાવા માંડ્યાં. અરે રામ! આ તે કેવાં ભજન! ડોસાનો જીવ ઊકળવા લાગ્યો. આના કરતાં તો મરી જવું સારું. ડોસાને થયું. પણ વળી વિચાર આવ્યો કે મરવાનું હોત તો મોટા છોકરાને બદલે પોતાના પર જ વીજળી ના પડી હોત? પણ આ ભજનના ખેલ! ધોળે દહાડે ભજન! પાસે થઈને ભોં ભોં કરતી મોટરો જાય, આમ રસ્તાની ધૂળ ઊડે, આમ લોક થૂંકતા જાય, કચરો નાખતા જાય, રસ્તો ધીખતો જાય. ખરું ભાઈ, પરસેવો તો પડે જ છે હવે! અને આ છોકરો, એ તો આ છોડીઓને નાચવાનું પણ કહે છે! પણ દીકરાના કહેવા પ્રમાણે ડોસાએ વેશ કરવા માંડ્યો. તંબૂરો, તબલાં અને છોડીઓના મંજીરાનું આકર્ષણ અજબ હતું. લોકો પાથરણામાં પૈસા ફેંકવા લાગ્યા. છોકરાએ તો જાણે પૈસાનું ઝાડ ઝૂડવા માંડ્યું. હા, પોતે તો ખોળામાંથી કણ કણ વીણીની રામને ભરોસે દહાડા કાઢ્યા હતા. પણ આ છોકરાએ તો પૈસા વેડવા માંડ્યા. છોકરો કહે છે: ‘જુઓ બાપા, કમાઈ તો શહેરની જ ને?’ ‘હા ભાઈ, તું મારી કને રામનો વેપાર કરાવવા નીકળ્યો છે. પૈસો ગમે તેટલો આવે પણ તે મારો રામ વેચીને ને?’ ‘અરે બાપા!’ છોકરો ખડખડાટ હસે છે: ‘ભગત થઈને ભૂલી ગયા? તમે જ ગાઓ છો ને કે અમે રે વેપારી સંતો રામનામના. પછી?’ ડોસાથી આ રામની મશ્કરી વેઠાતી નથી. તે સમસમીને ચૂપ રહે છે. પહેલે દહાડે બપોર લગી રાગડા ખેંચીને ચારે જણે કાંઈ ખાધું. વળી પાછા બપોર ઢળવા આવ્યા ને બીજે કંઈ જમાવ્યું. ડોસાના ગળામાંથી ભજનો નીકળતાં બંધ થવા લાગ્યાં. મગજમાં ધુમાડો પેસી જતો લાગ્યો: ‘ઓ રામ, આ ટોળું વળીને ઊભા રહે છે એમાંથી કોને તારું નામ સાંભળવું છે?’ ભજનનો જૂનો લહેકો લાવવા પ્રયત્ન કરતાં તેને મનમાં થતું. ડોસાએ જોયું કે જોનારાને શું ગવાય છે તેની કશી પડી નથી. એમને તો અવાજ જોઈએ, ચાળા જોઈએ, ‘જમાવટ’ જોઈએ. ભજન ચાલતું હોય ત્યારે છોકરો ધીરે પડતા ડોસાને વારંવાર ટોકતો હતો. છોકરીઓને શરીરના ચાળા કરવા ઉશ્કેરતો હતો. ડોસાને તે માથાવાઢ જેવું લાગતું. પણ ભરબજારે ઝઘડો કેમ શોભે? સાંજ લગીમાં તો ડોસો થાકી ગયો. બાગની પાસે બેસીને છેલ્લો ‘ખેલ’ કર્યો ત્યારે તો ડોસો સાવ લોથ થઈ ગયો હતો. પણ તોય કેડને ટટાર રાખી તેણે કામ કર્યા કર્યું. ડોસાના નિદ્રિત મનમાં ભજનની લીટીઓ આડીઅવળી દોડવા લાગી. તેના માથા પર જાણે કોક મોટો કરોળિયો વીજળીના તારનાં જાળાં ગૂંથ્યે જાય છે. છોકરીઓ કહે છે: ‘દાદા, જુઓ કેવી સેવો ચળાય છે!’ અને ભજનની એકેય લીટી આખી હાથ નથી આવતી. જાણે મીઠી મઘમઘતી ધૂપસળીઓને કોઈ ભાંગી નાખતું હોય તેમ ભજનની લીટીઓ ભાંગી જાય છે. તંબૂરાના તાર તૂટી તૂટી છેડેથી સાપની જીભ જેવા બની ડંખે છે. તબલાંના કાળી શાહીવાળા ડોળા કોઈ રાક્ષસની જેમ ઘૂરકે છે. અને છોડીઓ રામજણી જેવી થઈને ઘૂઘરા બાંધી નાચે છે. રામ, રામ!... ડોસાને ગળે સોસ પડે છે. ‘બેટા!’ કહી ડોસાએ પડખું ફેરવ્યું. તેની આંખ સહેજ ખૂલી. વીજળીના દીવા હોલવાઈ ગયા હતા. સવાર થવા આવ્યું હતું. આભમાં હરણાં આથમણે ઢળવા લાગ્યાં હતાં: ‘અમને હસો છો, મારા બાપ! હસો, બાપા, હસો!’ તારાઓને જોઈ ડોસો મનમાં બબડ્યો. હા, ઘણીયે વાર આમ સવાર થવા આવતી ત્યાં લગી ભજન ચાલતાં. પણ આજે? ડોસાને ગળામાં ફરી સોસ લાગ્યો. ‘બેટા! મને તરસ લાગી છે, ક્યાંક પાણી!’ ‘પાણી? જાવ આટલામાં ક્યાંક નળ હશે, શોધી કાઢો!’ કહી છોકરાએ પડખું ફેરવ્યું. ડોસાએ થૂંક ગળવા પ્રયત્ન કર્યો. ગળું સૂકું લાકડા જેવું હતું. ડોસો બેઠો થયો. આસપાસ બધું કાળું કાળું અજાણ્યું લાગતું હતું: ‘આમાં મને નળ ક્યાં જડે, બાપ!’ ડોસો બબડ્યો. ‘ના જડે તો બેસી રહો. જરા ઊંઘવા દો કે!’ છોકરો ચિડાઈને બોલ્યો. ડોસો મૂંગામૂંગ બેઠો અને બેય છોકરીઓનાં મોઢાં જોવા લાગ્યો. બેય ઊંઘતી હતી. થોડી વારે મોટી છોડી બબડી: ‘અલી, ગા કે બરાબર. બાપા વઢશે. ગા કે ‘પાની મેં મીન પિયાસી’. અને બેત્રણ વાર ‘મીન પિયાસી’ બોલી તેણે પડખું ફેરવ્યું. ‘ઊંઘી જા, બેટા!’ કહી ડોસાએ તેને માથે હાથ ફેરવ્યો અને પોતે બબડ્યો, ‘ગા બેટા,’ પાની મેં મીન પિયાસી! ‘મીન પિયાસી’ કરતાં કરતાં કેટલાક મહિના વીતી ગયા. ડોસો આ નવા જીવનથી ટેવાતો ગયો. પણ તેમની ભીખની કમાણી ખાસ વધી નહીં. ડોસાનું જોઈને બીજી પણ અનેક હરીફ મંડળીઓ નીકળી. અને તેઓ વધારે ઠઠેરાથી તમાશાપ્રિય લોકોને પોતાના તરફ ખેંચી જવા લાગી. છોકરો એ હરીફોને ટપી જવા માટે ડોસાને અને છોકરીઓને તૈયાર કરવા લાગ્યો. પણ ડોસા તાડૂકી ઊઠ્યા: ‘મારું તારે જે કરવું હોય તે કર, પણ છોડીઓને નચાવવાની નથી. ભલે ભૂખે મરી જવાતું.’ તે પછી છોકરાએ પૈસા મેળવવા બીજી બાજુ નજર દોડાવવા માંડી. જે થોડી મૂડી ભેગી થઈ હતી તેમાંથી એકાદ ફેરી કરી હોય તો? તેણે ડોસાને અને છોકરીઓને માથે મન ફાવે તેમ ભજન ગાવાનું નાખી દીધું ને પોતે ફેરી શરૂ કરી. અને આ ભજનમંડળીઓને સાંભળવા જામતી મેદની જ એને ઠીકઠીક કમાણી કરાવી આપવા લાગી. ડોસાની હરીફ મંડળીઓએ ભજનોનો વાયરો શહેરમાં વહેતો મૂકી દીધો. ડોસાના શ્રોતાઓ સંખ્યામાં આમ થોડાક ઘટ્યા, પણ બીજી રીતે ડોસાને તેનો બદલો મળી રહેવા લાગ્યો. હવે ડોસા પાસે જેઓ સાંભળવા આવતા તે સાચા ભજનપ્રિય હતા. ડોસાનાં ભજનોની સાત્ત્વિકતા પેલી બીજી મંડળીઓમાં ન હતી. હવે તમાશાખોરીની જરૂર બહુ રહી ન હતી. એટલે ડોસાને હૃદયે ઘણી નિરાંત રહેતી. રાંજના વખતના અમુક નિશ્ચિત સ્થળે અમુક વખત જ ડોસો ભજન ગાતો. શિષ્ટ સંસ્કારી લોકો તેની પાસે આવીને બેસતા. વારતહેવારે ભજનો લાંબે સુધી ચાલતાં. તબલાંની ઢબાઢબ છોકરો જવાથી આપોઆપ જતી રહી હતી. છોકરીઓ શાંત સ્વચ્છ ભાવે મંજીરા વગાડતી વગાડતી દાદાને ભજનમાં સાથ આપતી. તેઓ પણ કેટલાંક ભજન તો બહુ સારી રાતે ગાતાં શીખી ગઈ. આમ સંસ્કારી મંડળોમાં ડોસાની ભજનિક તરીકે ખ્યાતિ વધવા લાગી. સાંજે તેમનાં ભજન ચાલતાં હોય ત્યારે છોકરો પણ પોતાની લારી એટલામાં જ રાખતો. એક સાંજે ડોસા ભજન ગાતા હતા ત્યારે ત્યાં આગળ એક ચમકદાર મોટરને ઊભી રહેતી જોઈ છોકરો નવાઈ પામ્યો. પોતાની લારી ઠેલતો ઠેલતો તે મોટરની પાછળ જઈને ઊભો રહ્યો. મોટરમાંથી તેણે કદી ન જાણેલી એવી બહુ જ મીઠી સુવાસ આવતી હતી. અંદર બેત્રણ સ્ત્રીઓ અને પુરુષો બેઠાં હતાં. તેઓ ડોસાનાં જ ભજન સાંભળતાં હતાં અને ભજન વિશે વાતચીત કરતાં હતાં. છોકરાને રોમાંચ થયો. છેવટે સાંભળનારાંઓમાંથી એક જણ બોલ્યું: ‘જઈએ હવે, સુશી! તું ધરાઈ ન હોય તો એને ઘરે બોલાવીશું.’ અને છોકરામાં આશાનો એક તીવ્ર ઉત્પાત મચાવીને મોટર ચાલી ગઈ. તે રાતે છોકરાએ બાપાને બધી વાત કરી. ડોસાને તો હવે કદરની કે ધનની એવી કશી ઝંખના રહી ન હતી. પણ છોકરાએ તો એમાંથી કેટલાય હવાઈકિલ્લા ચણી લીધા. પૈસા મળશે, નોકરી મળશે કે ક્યાંક વેપારી થઈ જવાશે. એ મોટરવાળાને ત્યાંથી નિમંત્રણ આવે તેની આશામાં તે હવે સાંજના ક્યાંય બીજે ફેરી કરવા ન જતો. એથી એની સાંજની મોટી આવક ઓછી થવા લાગી. પણ ભાવિની આશાનો તંતુ તેના હૃદયને બળ આપી રહ્યો. ડોસો એને કહેતો: ‘ભાઈ, તું તારે તારું કામ સંભાળ. બાપા! આપણે તો રામજી આધાર છે. એવા લોકની શી આશા?’ અને જ્યારે છોકરાએ આશા મૂકી દીધી ત્યારે એક સાંજે પેલી જ મોટર, જે ત્યાંથી રોજ પસાર થઈ જતી હતી, અને તેના હૃદયને ઘડીક વાર આશાની ટોચે ચડાવી પાછી નીચે ફેંકી દેતી હતી, તે ત્યાં ઊભી રહી. એક સાદો ધોળી ટોપીવાળો માણસ તેમાંથી ઊતર્યો અને ડોસા તરફ વળ્યો. રખે ડોસો ના પાડી દે એ બીકે લારીને સૂની મૂકી છોકરો જલદી બાપા પાસે પહોંચી ગયો અને શેઠ સાહેબનું આમંત્રણ તેણે ડોસાની આનાકાની છતાં ઝીલી લીધું. પેલા ભાઈએ અત્યંત નમ્રતાથી અને મીઠાશથી કહ્યું: ‘ત્યારે તમને કાલે રાતે નવ વાગ્યે લેવા આવીશું. તમારું રહેવાનું ઠેકાણું આપો.’ ‘રહેવાનું ઠેકાણું?’ ડોસો ધીરુંક હસ્યો, ‘બાપલા, રામ રાખે ત્યાં રહીએ છીએ. અહીં જ આવજો ને, અમે અહીં બેઠાં હઈશું.’ છોકરો ચિડાયો. ડોસાએ બાફી માર્યું. એટલી બધી ગરીબાઈ દેખાડવી? તેણે બીજું એક ઠેકાણું આપ્યું અને ત્યાં તેડવા આવવાને પેલા ભાઈને કહ્યું. પેલા ભાઈએ જતાં જતાં પૂછ્યું: ‘બીજી કંઈ સામગ્રી તમારે જોઈશે?’ ડોસાએ કહ્યું: ‘ના ભાઈ, છેવટે પ્રભુ માટે પરસાદ કરાવજો!’ ‘હા, હા, એ તો થશે!’ કહી પેલા ભાઈ ગયા. પ્રભુનો પ્રસાદ! ડોસાને મોટી તૃપ્તિ થઈ. આ શહેરમાં આવ્યા પછી તો ભજનને અંતે ભીખ માગવાની જ રહી હતી. બીજે દિવસે છોકરાએ અને છોકરીઓએ મળી પોતાનાં અને ડોસાનાં કપડાં ધોઈ નાખ્યાં. મંજીરા માંજીને ઊજળા કર્યા. તંબૂરામાં નવાં મોરપીંછ ઘાલ્યાં. ડોસાને છોકરાએ ટીલાં વગેરેનો બરાબર ઠાઠ કરાવ્યો. અને અર્ધોએક ગાઉ જેટલું ચલાવી એક ગરીબ વાસની પાસે જઈને કોકના એક ઘર પાસે ઊભાં રાખ્યાં. અને ચારે જણ મોટરની રાહ જોવા લાગ્યાં. પોતાને તેડવા આવનારી મોટરને ઓળખવાનો તેમની પાસે કશો કીમિયો ન હતો. ડોસો તો થોડી વાર પછી આંખ મીંચીં ઓટલા પર બેસી ગયો. તેનું જાડું અંગરખું હજી પૂરું સુકાયું નહોતું તે તેને કઠતું હતું. અને વચ્ચે વચ્ચે છાતીમાં ડાબી કોર દુખી પણ આવતું હતું. કેટલા બધા વખતે તે આટલું ચાલ્યો હતો. અને આ દુખાવો તો હમણાં હમણાં ઘણી વાર થઈ આવતો હતો. જેમ જેમ વખત જતો ગયો તેમ તેમ છોકરીઓને પોતાનાં કપડાંમાં જે થીગડાં હતાં તેનું ભાન વધારે ને વધારે થવા લાગ્યું. અને જાણે તેમને કોઈ જોતું હોય તેમ તે થીગડાં ઢંકાય તેમ પોતાની સાડીને આમતેમ ઢાંકવા લાગી. છોકરો દરેક આવતી કે જતી મોટર તરફ તાકીતાકીને જોવા લાગ્યો. કઈ બાજુથી મોટર આવશે તે તેને ખબર ન હતી. સામેથી આવતી મોટર તેના ઝળહળતા અજવાળામાં દેખાતી નહીં અને આ બાજુથી આવતી મોટરની પૂંઠ દેખાતી તો તે ઘડીકમાં સરકી જતી. પેલા શેઠના જેવી તો કેટલીય મોટરો ચાલી ગઈ! આવતી અને જતી મોટરો તેના હૃદયને, સાળના કાંઠલાની જેમ આમથી તેમ અને તેમની આમ અફાળી રહી. છેવટે તેમની આગળ એક નાની મોટર ઊભી રહી. પેલી તે દિવસે જોઈ હતી તેનાથી તદ્દન જુદી જ! ચારે જણ જ્યારે મોટરની પાછલી બાજુમાં બેઠાં ત્યારે તેમનાં મગજમાં ઘડીક ચક્કર આવી ગયાં. આવી રીતે તેઓ પહેલી જ વાર બેઠાં હતાં. અને મોટર એટલી ઝડપથી ચાલતી હતી કે તેની ગતિએ જ તેમના બધા વિચારોને થંભાવી દીધા. મોટર એક ઊંચા ઝાંપામાં દાખલ થઈ, મોટા બગીચામાં વાંકીચૂકી ચાલતી, એક મોટા ચણેલા માંડવા જેવાની નીચે જઈને ઊભી રહી. ચારે જણની આંખો પહેલપ્રથમ તો આજુબાજુની વસ્તુઓ જોઈ ચકળવકળ થઈ ગઈ. ડોસાએ પોતાની ઝંખવાઈ ગયેલી આંખને ઘડીક વાર પછી ઢાળી દીધી: ‘લખમી છે, પછી શું શું ન હોય?’ છોકરો આ બધામાં કેટલા પૈસા વપરાયા હશે તેના વિચાર કરવા લાગ્યો. તેને છોકરીઓ બાળસહજ મુગ્ધ ભાવે બધું જોવા લાગી. અધધધ, કેવાં પગથિયાં, કેવાં બારણાં, આ ફૂલનાં કૂંડાં અને છાપરું તો કેટલે બધે ઊંચે અને અહાહાહા, આ શું પૂતળાં અને વાસણો અને ગાલીચા અને બેસવાનાં, અને... અને... તેમની નજરે એવું કેટલુંયે પડ્યું જેનું નામ પણ તેમણે સાંભળ્યું ન હતું. પોતાનાં લૂગડાંનાં થીગડાં ન દેખાય તેમ પહેરેલી સાડીઓને લપેટી તે બાપની પાછળ ચાલવા લાગી. ડોસો ત્રણેયની પાછળ ‘રામજી, રામજી’ બોલતો ચાલતો હતો. એક ખુલ્લા વરંડામાં બેઠક હતી. ભાતીગળ કપડાંમાં સ્ત્રીપુરુષ છૂટી છૂટી ખુરસીઓ સોફા વગેરે પર બેઠાં હતાં. છોકરીઓ પેલી શેઠાણીઓ તરફ જ જોઈ રહી: ‘શાં એમનાં મોઢાં! કેવા વાળ ઓળ્યા છે! અને કેવાં કેવાં લૂગડાં!’ ચારેય જણને ગાદી બિછાવેલી લાકડાની એક મોટી પાટ પર બેસાડ્યાં. બીજા લોકો પોતાની વાતોમાં મગ્ન હતા ત્યારે ડોસાએ છોકરાને કાનમાં કહ્યું: ભાઈ, આપણે ના આવ્યાં હોત તો સારું. અહીં મને નથી ગોઠતું. ‘ગોઠ્યાં હવે!’ છોકરાથી જરા તાણીને બોલી જવાયું. તેનો અવાજ સાંભળી પેલા લોકમાંથી એકે પૂછ્યું: ‘તમારે કંઈ જોઈએ?’ છોકરો છોભીલો પડી ગયો. ડોસો બોલ્યો: ‘ના, બાપુ, બધું અમારી કને છે.’ અને છોકરાએ બાપાને કહ્યું: ‘બાપા, બીજા વિચાર કર્યા વગર ગાજો છાનામાના.’ ‘ગાઈશ, ભાઈ, મારા પરભુનું નામ તો ગાઈશ. તારે કહેવાની જરૂર નહીં પડે.’ ડોસાએ કહ્યું અને તંબૂરો મેળવવા માંડ્યો. તંબૂરો મેળવતાં મેળવતાં ડોસાની નજર છત પર ગઈ. પેલા ફૂલગુલાબી લોકોના માથા પર વીજળીનો પંખો ફરતો હતો! ડોસાને બેચેની થવા લાગી. આ ઉનાળામાં ટાઢ કેમ વાતી હતી તે તેને સમજાયું. હા, અને અંગરખું હજી થોડુંક ભીનું પણ હતું. અને હૈયા આગળ તો હજી દુખાવાનો સણકો વળી વળીને ઊપડી આવે છે! તેને પોતાનો મોટો છોકરો કરસન યાદ આવ્યો. ડોસાએ શહેરમાં આવ્યા પછી, ઠેર ઠેર માથા પર તારમાં સંતાઈને દોડાદોડી કરતી વીજળીને પોતે કેટલીય વાર કહ્યું હતું કે મારા કરસનને તું લઈ ગઈ તો મનેય કેમ નથી લઈ જતી? પણ કરસન તો સુખથી ગયો, જોતજોતામાં. મારે માટે એવું મોત ક્યાંથી? ક્યાંય રિબાતાં રઝળતાં મરવાનું હશે! હશે. રામજીએ ધાર્યું હશે તેમ જ થવાનું છે ને! અને ડોસાએ આંખ ઢાળી રામનામની સાખી ઉચ્ચારી ભજન શરૂ કર્યાં. વચ્ચે વચ્ચે એને થતું હતું કે પંખો બંધ થાય તો સારું. પણ એ કોને કહેવું? અને જાણે પોતે શિયાળાની રાતે ભજન ગાય છે એવું અનુભવતાં અનુભવતાં ડોસાએ પોતાના રામની લીલા ગાવા માંડી. સંગીતકારોના સંગીત કરતાં ભજનની રંગત કોક જુદી હતી. તાલનું અને લયનું પૂરતું વૈવિધ્ય હતું. ડોસાનો અવાજ બરાબર સૂરમાં રહેતો હતો. ક્યાંય તાલ ખંડિત નહોતો થતો. જાણે વનનાં તદ્દન અજાણ્યાં પણ અદ્ભુત ફૂલ વીણી વીણીને આપતો હોય તેમ ડોસાએ એક પછી એક ભજનો સંભળાવ્યાં. ગુરુમહિમા, અલખની સમજ, અવળવાણી, વિરોધાભાસો ઉપર રચાયેલી ચમત્કારિક શબ્દાવલિ ઇત્યાદિને બહુ જ સરળતાથી રજૂ કરતાં ભજનોએ સાહિત્યપ્રિયોને પણ મુગ્ધ કર્યા. અને ડોસાએ એનું નગરીમાનીતું થયેલું ‘પાની મેં મીન પિયાસી’નું ભજન પણ ગાયું. શ્રોતામંડળ ખૂબ પ્રસન્ન થયું. કુટુંબના સાહિત્યકારો અને સંગીતકારોને લાગ્યું કે આવી વસ્તુની તો જાહેર કદર થવી જોઈએ, એને સંરક્ષવાને કંઈ કરવું જોઈએ, એની પરંપરા ચાલુ રાખવી જોઈએ. અને તેઓ ડોસાનો એકાદ જાહેર સત્કાર-સમારંભ ગોઠવવાનો વિચાર કરવા લાગ્યા. ડોસાએ તંબૂરો હેઠે મૂક્યો, આંખ ઉઘાડી. છોકરીઓએ ડોસા તરફ જોયું. છોકરો પાછળ ગુપચુપ બેઠો હતો. તે આજના કામથી ઘણો સંતોષ પામ્યો હતો. ડોસાએ રાત કેટલી ગઈ તે જોવા આકાશ ભણી નજર નાખી. પણ વરંડાના અજવાળાએ આકાશના તારાને ઝંખવી નાખ્યા હતા. છેવટે પ્રભુનો પ્રસાદ વહેંચાયો. છોકરીઓ જ્યારે પોતાને મળેલા બબ્બે કોળિયા જેટલો પ્રસાદ ખાઈ ગઈ અને તેમની ભૂખ જાગી ત્યારે જ તેમને ખ્યાલ આવ્યો કે આજના ઉમંગમાં તેમણે સાંજે ખાધું જ નથી! પ્રસાદની થાળીની પાછળ પાછળ તેમની મુગ્ધ આંખો ફરવા લાગી. છોકરોય ભૂખ્યો હતો પણ તેની દ્રવ્યપ્રાપ્તિની આશાની ભૂખ તેથીય વધુ તીવ્ર હતી. ડોસાએ પોતાને મળેલા પ્રસાદમાંથી થોડોક ખાઈ બાકીનો છોડીઓને આપી દીધો. દાદા કેવા સારા છે! બેય છોડીઓને થયું. અને પછી પાણી પીરસાયું! લાંબી લાંબી થાળીઓમાં મૂકેલા પ્યાલા, અને તે કેટલા બધા ચોખ્ખા! પ્યાલાને હાથ અડાડતાં છોકરીઓને સંકોચ થયો અને કેવું ટાઢું ટાઢું બરફ જેવું! ડોસાએ પાણીનો પ્યાલો મોઢે માંડ્યો. કેટલું બધું ટાઢું! કશા સ્વાદ વગરનું. તેણે બેએક ઘૂંટડા લઈ પ્યાલો મૂકી દીધો. છોકરીઓ તરસની મારી પ્યાલો પ્યાલો પાણી પી ગઈ. દાંત જરા કડકડવા લાગ્યા, પણ હજી તેમની તરસ છિપાઈ ન હતી. અને બીજો પ્યાલો લેવાય કેમ કરીને? મહાન પ્રશ્નો મહાન માણસોના જ જીવનમાં આવે છે એમ નથી. અને છોકરાને પણ તેવો જ મહાન પ્રશ્ન થયો કે જ્યારે તેઓ નીકળતાં હતાં ત્યારે કારકુને તેમને પાંચ રોકડા રૂપિયા આપ્યા તેને ખખડાવીને લેવા કે એમ ને એમ જ? શેઠસાહેબ અને શેઠાણી વગેરે ડોસાને પગથિયાં લગી વળાવવા આવ્યાં, નમસ્કાર કર્યા અને ફરી આવજો એમ કહી અંદર જતાં રહ્યાં. ચારેય જણ પગથિયાં ઊતરીને એક થાંભલાની આડશમાં ઊભાં રહ્યાં. તેમને માટે મોટર હજી કેમ ન આવી તેની તલાશમાં એક નોકર દોડ્યો. પેલા એમને લેવા આવેલા ભાઈ એમની સાથે જ હતા. ડોસાએ ઊંચે નજર નાખી. હા, હજી તો માંડ અધરાત વીતી છે. આછા અજવાળામાં ડોસો બગીચાની શોભા નીરખી રહ્યો. અહા, આ લીલી લીલી ધરો, આ પાણીથી તર એવા ક્યારા, પેલો પાણીભરેલો હોજ, અને એમાંનાં કમળ! અને આ ડગલે ડગલે આભના તારા જેવાં ફૂલ! શું લીલુંકુંજાર છે! નંદનવન જાણે! મારો રામજી આવા જ નંદનવનમાં રહેતો હશે? ડોસાને પ્રશ્ન થયો. જવાબમાં સામેના ખૂણામાંથી અજવાળાની બે સોટીઓ વીંઝતી મોટર આવી. ડોસો મનમાં બબડ્યો: બાપ, આ અજવાળાંય હવે તો પથરાતાં નથી પણ આમ લાકડીઓ પેઠે વાગતાં આવે છે. મારા રામનું તેજ તો કેવું ચંદ્ર જેવું શીતળ છે! ચારેયને મોટરમાં બેસાડી પેલા ભાઈએ શોફરને કહ્યું: ‘આમને જ્યાં કહે ત્યાં લઈ જજો.’ અને પોતે પણ પગથિયાં ચડી અંદર ગયા. મોટર ચાલી. અંદર બેઠેલાંને બેસવાનું ફાવતું ન હતું. તંબૂરો બરાબર ગોઠવાતો ન હતો. છોકરો ગજવામાં નાખેલા રૂપિયાને વારે વારે સંભાળતો હતો. બંગલાના કંપાઉન્ડમાંથી નીકળી સરિયામ રસ્તા ઉપર આવ્યા પછી શોફરે કહ્યું: ‘કઈ બાજુ લઉં?’ ‘અમે આવ્યાં હતાં ત્યાં.’ છોકરો બોલ્યો. શહેર ભણી મોટર ચાલી. થોડેક ગયા પછી શોફરે કહ્યું: ‘ઊતરવાની જગા આવે ત્યારે કહેજો. હું જરા ભૂલી ગયો છું.’ ‘વારુ.’ કહી છોકરાએ જવાબ આપ્યો. ડોસો અંદર આંખ મીંચીને બેઠો હતો. મોટરમાં આવતી પવનની વાછંટ તેની આંખોને વાગતી હતી. છોકરીઓ આસપાસ કુતૂહલભરી નજરે અંધારામાં જોવા પ્રયત્ન કરતી હતી. પગપાળા ચાલતાં વીજળીના જે થાંભલા કેટલીય વારે આવતા હતા તે તો હવે આંખ મીંચીને ઊઘડે એટલામાં આવી જતી હતા. મોટર ખૂબ વેગથી ચાલવા લાગી. છોકરો પાસે થઈને પસાર થતી જગાઓને ઓળખવા પ્રયત્ન કરવા લાગ્યો, પણ તેને કશું ઓળખાયું નહીં. તે મૂંઝાવા લાગ્યો. બાપને તો પુછાય તેમ ન હતું. પોતે જે ઠેકાણેથી બેઠા હતા ત્યાં તો જવું જ જોઈએ. ‘આપણે ઘેર!’ નહીં તો આ લોક સાવ ભિખારી માની લેશે! મોટર તો ચાલ્યે જ જતી હતી. પણ ક્યાં, ક્યાં જવાશે? તેણે છોકરીઓને ધીરેથી કહ્યું: ‘આપણે જ્યાંથી બેઠાં હતાં તે જગા યાદ આવે તો કહેજો.’ જવાબમાં છોકરીઓ બોલવા લાગી: ‘હા, આ જ. ના, ના, આ નહીં. ના, ના, આ જ.’ જેનો કશો જ અર્થ ન હતો. છોકરાની મૂંઝવણ વધવા લાગી. મોટરને ધીરે ચાલવાનું કેમ કહેવાય? આ મોટરનો હાંકનારો જ કેવો ભપકાબંધ હતો! છેવટે દૂરથી થોડાંક છાપરાં જેવું દેખાતાં ત્યાં છોકરાએ મોટર ઊભી રખાવી અને ચારે જણ ઊતરી પડ્યાં. મોટર તેમને ઉતારી પૂંઠ ફેરવી વાંકાચૂકા રસ્તા પર બત્તીઓના અજવાળાથી પટાબાજી કરતી ચાલી ગઈ. તેની દૂર દૂર જતી લાલ બત્તી છોકરીઓએ આંખો ખેંચી ખેંચીને જોયા કરી. બેય જણીઓ એકીસાથે બોલી ઊઠી: ‘આપણે મોટરમાં બેઠાં હેં!’ ‘હા, હેંડો હવે મોટરની બેસનારીઓ!’ છોકરો ચિડાયો હતો. તેણે આસપાસ નજર નાખી તો બધું અજાણ્યું હતું. જે છાપરા જેવું દેખાતું હતું તે તો થોડાંક ખજૂરીનાં ઝાડ વચ્ચે એક ખાલી પતરાંનું ખોખું જ નીકળ્યું. તેઓ રસ્તા પર આગળ ચાલવા લાગ્યાં. મધરાત પછી રસ્તા પરના દીવા અર્ધા થઈ ગયા હતા. કેટલુંય ચાલે ત્યારે બીજો દીવો આવે. તેઓ થોડુંક આગળ ચાલ્યાં ત્યારે રસ્તો એકદમ ઝગારા મારવા લાગ્યો. ડામરની સડક ધોવાતી હતી. છોકરાને થયું, ‘ચાલો, વસ્તી છે.’ થોડેક દૂરથી માણસોના અવાજ આવવા લાગ્યા. પણ તેઓ જેમ જેમ ચાલતાં ગયાં તેમ તેમ પેલા અવાજ દૂર જતા લાગ્યા. રસ્તો ધોનારાની ટોળી કામ પરવારીને જતી હતી. થોડેક ચાલતાં રસ્તાની પડખે જે ઠેકાણેથી રસ્તો ધોનારાઓએ જમીનમાંથી પાણી લીધું હતું તે આવ્યું. તેટલા ભાગની આસપાસ પાણી ઢોળાયેલું હતું. તેની પાસે જ એક ઊભાં ઊભાં પિવાય તેવો નળ એક નાનકડી દેરી બનાવી ઊભો કર્યો હતો. ડોસો એ કરામતથી બહુ ખુશ હતો: ‘શહેરના લોકો કેવી સરસ પરબ માંડે છે.’ તેઓ આગળ ચાલ્યાં. થોડેક ગયા પછી ડોસાએ પૂછ્યું: ‘ભાઈ, આ આપણે ક્યાં છીએ? હું તો આણીગમ આવ્યો જ નથી!’ ‘ચાલો બાપા, હવે ઢૂંકડું જ છે.’ છોકરો જૂઠું બોલ્યો. હવે તે આ ભાગનો પણ ભોમિયો થઈ ગયો હતો. હજી તો તેમને સૂવાની જગા ગાઉ દોઢ ગાઉ જેટલી દૂર હતી. અને પોતે સૌને ખોટી જગાએ ઉતારી પાડ્યાં હતાં. તે મનમાં જરા પસ્તાવા તો લાગ્યો. થોડુંક ચાલ્યા પછી ડોસો બોલ્યો: ‘ભાઈ, જરાક આપણે બેસીએ તો?’ ‘ભલે, બેસો, બાપા!’ છોકરાના અવાજમાં કોમળતા આવી. ડોસો ભીના રસ્તા પરથી ઊતરી દૂર ધૂળમાં જઈને બેઠો. તેની પાસે બેય છોકરીઓ બેઠી. છોકરો દૂર ઊભો રહ્યો. ડોસાએ બેય છોકરીઓને માથે હાથ મૂક્યા ને કહ્યું: ‘મારી દીવડીઓ! બહેન, તમે મારું અંગરખું તો ધોયું, પણ બરાબર નિચોવ્યું નહીં, દીકરી. હજીય ટાઢું ટાઢું લાગે છે!’ છોકરીઓ બોલી: ‘બાપા, કાલે સારું કરીને નિચોવીશું.’ અને ડોસાના ખોળામાં ઢળવાનું કરવા લાગી તે જોઈ છોકરો બોલ્યો: ‘ચાલો હવે, અહીં ઊંઘી જશો પાછા. આપણે મુકામે જઈએ.’ છોકરીઓ ઊભી થઈ. ડોસો ઊભો થવા ગયો પણ તેના પગ લથડ્યા. તેને છાતીમાં દુખાવો થઈ આવ્યો. છોકરીનો ટેકો લઈ તે પડતાં પડતાં બચી ગયો. ‘હાં, હાં, બાપા!’ છોકરો બોલ્યો. નાની છોકરી એકાએક બોલી ઊઠી: ‘દાદાના હાથ કેવા કંપે છે!’ ‘કંઈ થયું છે, બાપા?’ છોકરો પાસે આવીને બોલ્યો. ‘ના ભાઈ, સહેજ છાતીમાં દુખે છે. એ તો મટી જશે.’ ડોસો બોલ્યો. ‘બાપા, એવું તો થયા કરે. જરાક ચાલો ને, હમણાં આપણો મુકામ આવી જશે.’ ‘હા ભાઈ, મુકામ આવી જશે. ચાલો રામજી મારા!’ કહી ડોસાએ પોતાની શક્તિ ભેગી કરી ચાલવા માંડ્યું. પણ એ દસ-પંદર ડગલાં જ ચાલી શક્યો. અરે, આ રસ્તો પણ કેવો ભીનો છે! અને રસ્તો ‘ના, હું તો ચોખ્ખો છું!’ એમ કહેતો પોતાની અંદરના તેજના કાળા ઝગારાથી હસી રહ્યો. થોડેક જઈને ડોસો રસ્તાની પડખે સરી બેસી પડ્યો અને છાતી દબાવતાં બોલ્યો: ‘ભાઈ, મારાથી નથી ચલાતું હવે.’ છોકરો ડોસાની પાસે આવ્યો. છોકરીઓ દાદાની પાસે ગઈ. છોકરાએ ડોસાને શરીરે હાથ અડાડ્યો. શરીર કેવું ટાઢું હતું! ડોસાના મોં પર સહેજ બેચેની જણાતી હતી. ‘બાપા, અહીં જ સૂવાનું કંઈ કરીએ ત્યારે.’ કહી છોકરાએ થોડી જમીન સાફ કરી, આસપાસથી થોડા કાગળ વીણી લાવી તેને પાથરી તે પર ડોસાને સુવાડ્યા. તે હરતોફરતો હતો ત્યારે પેલા રૂપિયા તેના ગજવામાં અવાજ કર્યા કરતા હતા. તેને બીક લાગી. કોક બદમાશ ચડ્યો તો! એમનાં બેએક લૂગડાંનાં પાથરણાં પણ આજે તો તેમને પડી રહેવાને ઠેકાણે પડ્યાં હતાં. છોકરાએ એક છોકરીની સાડી કાઢી ડોસાને ઓઢાડી અને બીજી સાડીમાં બેય છોકરીઓ વીંટળાઈને બેઠી: ‘દાદા, હજી ટાઢ વાય છે? બીજું લૂગડું કાઢી આપીએ?’ છોકરીએ પૂછ્યું. ‘ના, બાપા, તમે ઓઢો, મારે નથી જોઈતું.’ ડોસાએ સ્વસ્થ અવાજે કહ્યું. છોકરો તો હવે ટોપી પહેરતો થયો હતો, નહીં તો એની પાસેનો ફેંટોય કામમાં આવત. તે પોતાના ખિસ્સામાંના પૈસા સંભાળતો ડોસાની પડખે આડો પડ્યો. બેયની વચ્ચે હંમેશની પેઠે બેય છોકરીઓ સૂતી. ડોસાનું શરીર વચ્ચે વચ્ચે કમકમી ઊઠતું હતું. ડોસાની પડખે જઈને બેસતાં છોકરાને કોણ જાણે આજે સંકોચ, શરમ લાગવા માંડ્યાં. ડોસાના શરીરનો કંપ બંધ થયો જોઈ છોકરાને નિરાંત વળી અને તેણે ઊંઘવાને આંખો મીંચી. કોણ જાણે કેટલોય વધુ વખત ગયો હશે. તેને કાને ધીમો અવાજ આવ્યો: ‘બેટા!’ છોકરો બેઠો થયો. પોતે નાનો હતો ને બાપ બોલાવતા હતા તેવો હેતભર્યો અવાજ જાણે હતો. શહેરમાં આવ્યા પછી બાપા એને માનવંતા ‘ભાઈ’ શબ્દથી બોલાવતા, અને તેય જાણે બીતાં બીતાં. તે ઊઠીને બાપા પાસે ગયો: ‘શું છે, બાપા?’ ‘ભાઈ, પાણી મળશે ક્યાંય? ગળું સુકાય છે!’ ‘જાઉં, બાપા!’ કહેતો છોકરો ઊભો થયો. છોકરીઓ બેઠી થઈ ગઈ. નાની છોકરી બોલી: ‘દાદા, પાણી પીવું છે?’ ‘હા, માડી; ગળું સુકાય છે, બેટા તારો બાપો લઈ આવશે હમણાં. બેસો તમે.’ કહી ડોસાએ શરીરની આસપાસ લૂગડું દાબીને લપેટ્યું. ‘દાદા, પાણીનો નળ ત્યાં કને જ છે! હું લઈ આવું.’ કહી મોટી છોકરી દોડી. ‘પણ બહેન, શેમાં લાવીશ?’ દાદાએ ક્ષીણ અવાજે કહ્યું. પણ છોકરીને તે સંભળાયું નહીં. તે થોડી વારમાં જ પાછી આવી: ‘દાદા, નળમાં પાણી નથી આવતું.’ ‘ના આવે, બેટા! આટલી રાતે આપણા જેવું કોણ તરસ્યું હોય કે તેને સારુ પાણીના નળ ઉઘાડા રહે! બેસ, બેટા. તારા બાપાને જવા દે.’ છોકરો મૂંગો મૂંગો શહેર ભણી ચાલવા લાગ્યો. જંગલનો રખડનારો તે આજે બીતો હતો. ગજવામાંના રૂપિયા બહુ અવાજ કરતા હતા, નહીં? તેણે પાંચેને મુઠ્ઠીમાં પકડ્યા. આટલામાં કશે હોટેલ કે દુકાન કે ઘર દેખાતું નથી. હજી દરવાજો તો કેટલેય આઘે છે! જતાં-આવતાં કલાક થઈ જાય. અને પાણી આપનારોય શેમાં આપે! અરે, પણ ડોસાને કંઈ થયું તો? ડોસાને તરસે મરવા દેવાય? પાંચ રૂપિયા ખરચી નાખતાંય પાણી મળે તો લઈ જવું. તેના હૃદયમાં શહેરમાં આવ્યા પછી બાપ પ્રત્યે ઓસરવા માંડેલો ભાવ ફરી જાગ્રત થયો. પણ પાણી ક્યાંથી મળે? તેના પગની નીચેનો રસ્તો હજી ભીનો ભીનો ઝગારા મારતો હતો. વળી બીજો એક નળ ગયો. નળ બંધ છે તેમ જાણતો છતાં તે તેની પાસે ગયો. સહજ ચકલી દબાવી જોઈ. પાણીનાં બેએક ટીપાં પડ્યાં. તે હસ્યો અને રસ્તા પર આવીને ઊભો. આગળ જવું કે ન જવું? ડોસાને કંઈ થયું તો? તેણે દૂરથી ઝીણી બૂમ સાંભળી: ‘બાપા, એ બાપા, પાછા આવો.’ નાની છોડીનો અવાજ હતો. છોકરાએ શહેર ભણી જવું માંડી વાળ્યું અને પાછો વળ્યો. તેના પગ તેને ખબર ન પડે તેમ દોડવા લાગી ગયા હતા. તે બાપા પાસે આવ્યો ત્યારે ત્યાં મોટી છોડી ન હતી. બાપા સ્વસ્થ શાંત બેઠા હતા. તે બોલી ઊઠ્યા: ‘ગાંડી થઈ ગઈ છે મોટી તો. મેં ના કહ્યું તોય પાણી શોધવા ગઈ છે. ક્યાંક ભૂલી પડી ગઈ તો?’ છોકરાને બીજી ચિંતા થઈ. તેણે છોકરીને બૂમ પાડી: ‘એ આવી.’ રસ્તાની હેઠવાસથી મોટી છોડીનો જવાબ આવ્યો. અને થોડી વારે હાથમાં એક પલળેલો દદડતો ડૂચો લઈ તે આવી પહોંચી. ‘આ શું?’ બધાં ચોંકી ઊઠ્યાં. ‘છે ને દાદા, ત્યાં આગળ પેલો રસ્તો ધોનારાઓએ નળ ખોલ્યો હતો ને? ત્યાં સહેજ ખામણામાં પાણી હતું ચોખ્ખું નીતરેલું, દાદા, તે આ બોળી લાવી છું.’ ‘અરે દીકરી,’ દાદા બોલ્યા, ‘પણ આ તો તારું લૂગડું છે. તને ટાઢ વાશે, બેટા.’ ‘નહીં વાય, દાદા, તમે ખોબો ધરો કે હું નિચોવી દઉં.’ દાદાએ ખોબો કર્યો. દીકરીએ એમાં લૂગડું નિચોવ્યું. રામે અમૃત મોકલ્યું હોય તેવા ભાવથી ડોસો તે પી ગયો. ‘હાશ, બેટા. જીવતી રહે, મારી દીકરી.’ ‘દાદા, બીજું જોઈએ?’ ડોસાએ જોયું કે આ એક ઘૂંટડા પાણીથી તો તરસ ઊલટી વધી હતી. પણ તેણે ના પાડી દીધી: ‘બેટા, હવે બેસો મારી કને, ક્યાંય પાણી શોધવા જવું નથી.’ છોકરો પાસે ઊભે પગે બેઠો. નાની છોકરી દાદાના હાથની નસો સાથે રમવા લાગી. નસો કેવી પોચી પોચી લાગે છે! પોતાના હાથ પર તો એવી છેય નહીં! થોડી વાર બધાં સૂનમૂન બેસી રહ્યાં. છોકરો બોલ્યો: ‘બાપા, ત્યારે આડા પડો, જરા કળ વળે, ઊંઘી જાઓ તો!’ ‘ઊંઘી જાઉં?’ ડોસો હસ્યો. તેની નજર ઊંચે આકાશમાં ગઈ: ‘ના ભાઈ, હવે ઊંઘવું નથી. હવે કેટલી રાત હશે? આ જોને! વહાણ તો ઢળી જવા આવ્યું છે. ઘડી પછી સવાર થશે. ભાઈ, યાદ છે કે આટલી રાત લગી આપણે ભજન કરતા?’ ‘હા બાપા, અને પછી હું સીધો ખેતરમાં જતો.’ છોકરો બાપાને પ્રસન્ન મને વાત કરતા જોઈ આનંદિત થયો. ડોસાને ગયા જન્મની થઈ ગઈ હોય એવી પોતાની ગામડાની જિંદગી યાદ આવી. ‘પ્રભુ, તુંય શા દહાડા દેખાડે છે! મારી ભક્તિમાં કંઈ કચાશ હશે તે મને પાકો કરવા તેં આ બીજી ભઠ્ઠીમાં નાખ્યો.’ ડોસાના હૃદયમાં ઉમળકો આવ્યો. શહેરમાં કાઢેલા આ કેટલાક મહિનામાં એવો ઉમળકો કદી આવ્યો ન હતો. તેને ભજન ગાવાની ઇચ્છા થઈ. ‘બેટા, ભજન ગાઈએ તો કોઈ વઢેકરે ખરું?’ ‘ના રે બાપા, ગાઓ તમે.’ છોકરો બાપને ઉમંગમાં આવતાં જોઈ વધુ પ્રસન્ન થયો. ડોસાએ ઊંચે આકાશમાં નજર નાખી. નવલખ તારાથી મઢેલી રાત. કેવો મજાનો ચંદરવો છે! ઠેર ઠેરથી જાણે ભગવાન હસી રહ્યો છે, ડોસાને ગળામાં ફરી સોસ પડવા લાગ્યો. તેણે મોઢામાં જીભ ફેરવવા પ્રયત્ન કર્યો. લુખ્ખું લુખ્ખું! શું જિંદગીમાંથી અમી સાવ ચાલી ગઈ? ડોસાની નજર ચોમેર ફરવા લાગી. મારા પરભુ, આ ચારેય કોર આટલું બધું તો પાણી પાણી ભર્યું છે! આ રસ્તા ધોવાયા છે, પરભુ તારે માટે. આ ધરતીના પેટમાં ટાંકાંનાં ટાંકાં ભર્યાં છે, મારા રામ! આ પણે હોજના હોજ ભર્યા છે. પણ...? ડોસો મૂંઝાવા લાગ્યો. તેનું હૃદય પ્રશ્નને સ્પષ્ટ ન કરી શક્યું. અને બાળકરૂપે તેનો પ્રભુ જવાબ આપતો હોય તેમ નાની છોડી મંજીરાનો રણકાર કરી બોલી ઊઠી: ‘દાદા, ગાઉં? પાની મેં મીન પિયાસી?’ ‘મીન પિયાસી?’ ડોસાને એકાએક પોતાનો પ્રશ્ન અને તેનો ઉત્તર બેય સ્પષ્ટ થઈ ગયા લાગ્યા. તે છોકરીને માથે હાથ ફેરવી બોલ્યો: ‘હા, બેટા, મારા રામ ગાઓ, પાની મેં મીન પિયાસી.’ અને મનમાં બોલ્યો: ‘આમ સમજો કે તેમ, સંત કબીરની દેવવાણી ચારે યુગમાં સાચી જ છે.’ અને તંબૂરાને રણકાવતાં ડોસાનો, મહિનાઓ લગી રૂંધાયેલો કંઠ પિંજરમાંથી છૂટતા પંખી પેઠે કલકલ કરતો વહેવા લાગ્યો: “પાની મેં મીન પિયાસી રે... મોહે દેખત આયે હાંસી...” ડોસાએ ભજન શરૂ કર્યું ત્યારે ગળું સાવ સુક્કું હતું. ભજનના શબ્દો જીભ ઉચ્ચાર્યે જતી હતી અને તેનું મન ઈશ્વરની લીલાના વિચારમાં પડ્યું: ‘દુનિયાને હું શરાપ દઉં? અમને તું કહે છે બાપ તે કંઈ અમારા ભલા ખાતર જ હશે ને? નહીં તો તારા ભગતને પાણીમાં બેસાડી તરસે મારવાનું તેં શા માટે નક્કી કર્યું હશે?’ અચાનક તેને કંઈક નવો અનુભવ થવા લાગ્યો. તેની છાતીમાં દુખવા લાગ્યું. જાણે કોઈ તેના અંતરનો તાર ચડાવતું ન હોય! કોક હાથ આવી જાણે તેને બીજી દુનિયામાં ખેંચી રહ્યો ન હોય! તેની વાચા અટકી પડી. એનો શ્વાસ ઘડીક કપાઈ ગયો. મનમાં ને મનમાં રામ ઉચ્ચારી તેણે ઊંડો શ્વાસ લીધો અને તેનો અવાજ રિસાઈને ઊડી ગયેલો હંસો મનાઈને પાછો આવે તેમ પાછો આવ્યો. ડોસાના અંતરમાં કોક અગાધ શાંતિ પ્રગટી અને તે ગાવા લાગ્યો. છોકરીઓના કોમળ અવાજમાં ડોસાનો ઘેરો સાદ આછો આછો ભળવા લાગ્યો. ડોસો જેમ જેમ ભજન ગાતો ગયો તેમ તેમ તેને ગળામાં કોક અમી ઊંજી જતું હોય તેમ લાગવા લાગ્યું. ડોસાએ બીજું ભજન ઉપાડ્યું. સૂર્યોદય થતાં સરોવરમાં કમળો ખીલી ઊઠે તેમ ડોસાના ચિત્તમાં વીસરાઈ ગયેલાં ભજનો ખીલી ઊઠવા લાગ્યાં હતાં. છોડીઓ અટકી પડી. આ તો દાદા પહેલી વાર જ ગાતા લાગે છે. છોડીઓ વચ્ચે વચ્ચેથી તૂટક શબ્દો, પાણીમાં નાસાનાસ કરતી માછલીઓને પકડવા મથતી હોય તેમ બોલવા લાગી:

નાભિકમલ કી ખોજ પકડ લો
અમૃતબુંદ વરસે ઝીણી,
સુગુર હોય સો ભર ભર પી લો,
એક અખંડિત ધારા હૈ.

અને ‘ભર ભર પી લો’ શબ્દોની ત્રણે મોંમાંથી ધૂન જામવા લાગી. છોકરો મૂંગો મૂંગો સાંભળતો હતો. આજે એને પોતાનો ભૂતકાળ યાદ આવતો હતો. પોતે બાપને કેટલા રંજાડ્યા છે! પોતાના કરમે ડોસાને આ શહેરમાં ધૂળ ખાવી પડે છે. અને શહેરમાંયે પોતે ડોસા ઉપર કેવા કેવા તગાદા કર્યા છે! તેના હૃદયમાં થયું: બાપા, પેલું ભજન ગાય તો? ‘પાપ તારાં પરકાશ જાડેજા...’ ત્યાં તો ડોસાએ બીજું ભજન ઉપાડ્યું. અને છોકરાને રૂંવેરૂંવે જાણે આગ સળગી ઊઠી. અરે, જે રાતે આ ભજન ગવાતું હતું, તે વેળા પોતે પાસેના ફળિયામાં બેઠો બેઠો જુગાર રમતો હતો. અને ચડસમાં આવી ઉપરાઉપરી દાવ મૂકી બધું ગુમાવી બેઠો હતો. ભજનનો શબ્દેશબ્દ પલીતો બનીને એને ચંપાવા લાગ્યો. અને એ બળતરાના દવમાં એના હૃદયનો તમામ મેલ બળવા લાગ્યો, પિતા પ્રત્યે તેના હૃદયમાં એક નિર્મળ ભાવ ફેલાઈ રહ્યો. થોડી વારે તેણે જોયું તો બાપાનું ભજન જાણે અમૃતની ઝીણી બુંદો બનીને વરસી રહ્યું છે અને પોતે પણ બાપાની સાથે વચ્ચે વચ્ચે ગાવા લાગ્યો:

...જોગી જ્વલાને પાયા જી. 
વણ રે ધૂણી ને વણચીપિયે,
બાવે જગત રચાયો જી, 
એવા જોગીઓને ઢૂંઢતાં કેટલા જુગ ગયા,
કેટલા ભવ ગયા, થોડા દિન રહ્યા રે, 
જોગી જવલાને પાયા જી.
ચાર ચાર જુગોની સંતો ગોદડી 
બાવો ઓઢીને બેઠા જી,
ત્રણસેં ને સાઠ દીધાં થીગડાં 
દોરો એકલ ભરીઓ જી,
બાવાની ઝોળીમાં હીરલા
ભરિયાં માણેક મોતી જી.
કોઈને આલે ને કોઈનાં લઈ લેશે
બાવો દલડાના ભોળા જી.
કોઈ રે બતાવે રમતા જોગીને
આલું લાખ વધાઈઓ જી,
ગુરુને પરતાપે ગોરખ બોલિયા
જૂની ભોમિકા સંભાળો જી.

અને એ ભજનનું અમૃત ઝીલતો છોકરો ઊભે પગે બેઠો બેઠો જ ઢીંચણ પર માથું ઢાળી ઊંઘી ગયો. ભજન ચાલતું રહ્યું. છોકરીઓને આ ભજન પણ નવું હતું. ભજનનો લાવો બરાબર મળતો ન હતો. તૂટક તૂટક શબ્દો તે વચ્ચે વચ્ચે બોલતી હતી. તેઓ પણ થોડી થોડી ઊંઘમાં ઘેરાવા લાગી. અને અચાનક તેમનું ઘેન ઊડી ગયું. દાદા કેમ ગાતા બંધ થઈ ગયા? બંનેએ દાદા ભણી જોયું. દાદાનું મોં સહેજ ઉઘાડું રહી ગયું છે. આંખો ઢળી ગઈ છે અને તંબૂરાના તાર પર આંગળી અટકી પડી છે. ‘દાદા!’ મોટી બોલી. ‘દાદા!’ નાની બોલી, ‘ગાઓ કે? કે ઊંઘી જવું છે?’ તેને એકાએક બીક લાગવા માંડી. તે બોલી ઊઠી: ‘બાપા!’ ‘હેં!’ કરીને છોકરો જાગ્યો. મોટી છોકરી બીધી. બાપો વઢશે. તે બોલી ઊઠી: ‘કંઈ નહીં બાપા! તમે ઊંઘો કે એ તો આ અમથી...’ પણ બાપાના મોં પર જરાકે રોષ ન દેખાયો. મોટી છોડીને નવાઈ થઈ. છોકરાએ પોતાની નજર સામે જ સમાધિમાં બેઠી હોય તેવી બાપાની કાયા જોઈ. અને એ બહુ સંભાળથી ભક્તિભાવપૂર્વક ઊઠ્યો. ‘શું થયું દાદાને?’ નાની છોકરી બોલી પડી. તેને આંગળીથી ચૂપ રહેવાનું કહી છોકરો બાપ કને ગયો. બાપાના નાક આગળ હથેળી ધરી જોઈને ખૂબ ધીરેથી બોલ્યો: ‘અવાજ ના કરશો. દાદા ઊંઘી ગયા છે, હોં!’ નાની છોકરી વધારે મૂંઝાવા લાગી, અને ‘દાદા દાદા’ કરતી દાદાની પાસે જવા લાગી. છોકરાએ તેને કોમળતાથી પોતાની સોડમાં લીધી. તેને આશ્વાસન આપતાં આપતાં તેણે મોટીને પણ પોતાને પડખે બોલાવી અને બેય દીકરીઓને પડખામાં લઈને તે બાપનું સ્થિર ધ્યાનસ્થ ઋષિ જેવું મુખ જોતો બેઠો. પૂર્વદિશામાં કિરણનાં ઝરણ ફૂટવા માંડ્યાં અને ત્યાં બેઠાં બેઠાં સપ્તરંગી વાદળોનાં પીંછાં તંબૂરામાં ખોસી બાપ દૂર દૂરથી ધૂન લગાવતા તેને સંભળાયા:

...અમૃતબુંદ વરસે ઝીણી,
સુગુરુ હોય સો ભર ભર પી લો,
ભર ભર પી લો,
અમૃતબુંદ વરસે ઝીણી!

[‘પિયાસી’]