સુમન શાહની નિબન્ધસૃષ્ટિ/બીજી દીવાલો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
બીજી દીવાલો


અધ્યાપકો સામાન્યપણે નિયત અભ્યાસક્રમ પ્રમાણે ભણાવે જ. કોઈ કોઈ હોય એવા, કે અમુક પોર્શન ગુપચાવી જાય. જાગ્રત વિદ્યાર્થીને તરત ખબર પડે. જોકે આજકાલ જાગ્રત કેટલા? માગતા હોય ખરા, કે સાહેબ, આ હજી બાકી છે, ક્યારે પૂરું કરશો? પૂર્વશરત એ છે કે વિદ્યાર્થી પાસે પણ નિયત અભ્યાસક્રમ હોવો જોઈએ. હું તો વિદ્યાર્થીઓને આગ્રહપૂર્વક કહેતો કે સમગ્ર અભ્યાસક્રમ ઉતારી લેજો; કયા સાહેબ કયો પોર્શન ભણાવવાના છે તે પણ લખી લેજો. હવે તો અભ્યાસક્રમ ઇન્ટરનેટ પર સર્વસુલભ હોય છે. છતાં ઍક્ઝામ-પેપર્સ અગાઉના કોર્સ પ્રમાણે નીકળે છે! પરીક્ષા આપવા વિદ્યાર્થીઓ પણ આગળનો કોર્સ સમજીને ગયા હોય છે! આવું કેમ? સવાલ એ થાય કે ભણાવનારાએ કયો કોર્સ ભણાવ્યો હશે. નિયત અભ્યાસક્રમને અનુસરીને ભણાવવાનું હોય. પેપરો કાઢવાનાં હોય, વિદ્યાર્થીએ પરીક્ષા આપવાની હોય! સિમ્પલ વાત તો છે! જુઓ, અભ્યાસક્રમ એક સૅક્રેડ બૉન્ડ છે -પવિત્ર બન્ધન. ઇન્ઍસ્કેપેબલ કૉન્ટ્રાક્ટ -અટળ અનિવાર્ય કરાર. અધ્યાપકે પૅપરસૅટરે અને પરીક્ષાર્થીએ એને વશ વર્તવાનું હોય કે નહીં? પણ સામા છેડાની વાત એ છે કે શું એટલું જ ભણાવવાનું? નિયત અભ્યાસક્રમની સીમા-મર્યાદામાં આવે એ એને એટલું જ? તો તો અભ્યાસક્રમ પણ એક દીવાલ બની રહે! ઍન્જીનિયરિન્ગ, મૅડિસિન કે કમ્પ્યૂટર સાયન્સના વર્ગોમાં અભ્યાસક્રમ-ચુસ્તતા આવકાર્ય લાગે છે. પણ હ્યુમેનિટીઝમાં યન્ત્રવત્ ભાસે છે. ‘સરસ્વતીચંદ્ર’-ના ચાર ભાગ તો નિયત ન જ થાય, પણ અન્ડરસ્ટૅન્ડિન્ગ એ હોય કે અધ્યાપકે બીજા ત્રણની ભરપૂર ચર્ચા તો કરવાની જ. ‘ઑથેલો’ કોર્સમાં હોય, પણ અમને કહેવામાં આવતું કે શેક્સપીયર-રચિત બીજી ત્રણ ટ્રેજેડીઝ વાંચી જજો; અને હું તો વાંચી જતો. ઍમ.ઍસ.-માં અમારા અધ્યાપકોને નિયત ચૉકઠાંમાં ભણાવવું ન ફાવે. સુરેશ જોષી, પ્રોફેસર કંટક, જે. ડી. દેસાઈ, સાળગાંવકર, અરુણોદય જાની, ઇત્યાદિ એવા સભરેભર્યા વિદ્વાનો હતા. ત્યારે પ્રૉફેસર, લૅક્ચરર અને ટ્યુટર એવી સિસ્ટમ હતી. પ્રૉફેસર પ્રૉફેસ કરે -વિષયવસ્તુનું પ્રતિપાદન. લૅક્ચરર એને લૅક્ચરો કરીને પ્રસરાવે. ટ્યુટર એના ટ્યુટોરિયલ્સ કરાવે -લેસન. હવેની સિસ્ટમમાં કોઈ લૅક્ચરર નથી, બધા જ પ્રૉફેસરો! કોઈ ‘આસિસ્ટન્ટ’ કે કોઈ ‘એસોસિયેટ’. સાઉન્ડસ ગુડ! પણ એઓ શેને આસિસ્ટ કરે છે? શેની જોડે ઍસોસિયેટ થાય છે? રામ જાણે! અથવા, એ લોકો જો કહી શકે. દીવાલો વિનાની યુનિવર્સિટી-ના સ્પિરીટથી -ભાવભાવનાથI- રચાયેલા અમારા ‘સન્નિધાન’-ના શિબિરોમાં અભ્યાસક્રમ-જડત્વ નથી હોતું. નિયતને કેન્દ્ર ગણીને વ્યાખ્યાતા વિષયનો યથાશક્તિમતિ પરિઘ રચે છે. એક-ના-એક સાહેબ પાસેથી ‘નળાખ્યાન’ પરની એ-ની-એ જ રૅકર્ડ સાંભળવાનો કંટાળો આવે; આવવો જ જોઈએ! જ્યારે આમાં, બહારનો ઉપલબ્ધ વિદ્વાન કશું રેઢિયાળ નથી લલકારતો. એ સ્પેશ્યલ હોય છે ને એની વાત પણ સ્પેશ્યલ હોય છે. સભાને નવ્ય વિચારોનું ભાથું મળે છે. સ્પેશ્યલને સાંભળવાની સ્થાનિક અધ્યાપકને સમ્માર્જન માટેની તક મળે છે. જોકે સ્પેશ્યલ કશું ભળતું ભળાવતો હોય તો ચર્ચા વખતે સ્થાનિક એને ખંખેરી શકે છે. કેમકે વચ્ચે, ‘કહેવાતી વિદ્વત્તા’-ની દીવાલ નથી હોતી. પ્રેમપૂર્વકના શૅરિન્ગનો ઉલ્લાસ હોય છે. સૌએ અંકે કરી લીધું હોય છે કે સહભાગીતા પણ વિદ્યાવિકાસનું એક જરૂરી રસાયન છે. આ જ ભાવભાવનાથી પ્રેરાઈને ગુજરાત સાહિત્ય અકાદમીએ યુનિવર્સિટીઓના ગુજરાતી વિષયનાં અધ્યયન-અધ્યાપન સંદર્ભે એક વિશિષ્ટ કાર્યક્રમ શરૂ કર્યો હતો –‘અધીત સંવર્ધન વ્યાખ્યાનમાળા.’ એ વર્ષના ફેબ્રુઆરીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી અને વીર નર્મદ યુનિવર્સિટીમાં ૧૦ વ્યાખ્યાનોની એક એવી ૩ માળાઓ થઈ હતી. દરેકમાં વિદ્યાર્થીઓ અને તેના અધ્યાપકોની સૉ-સવાસો જેટલી સક્રિય હાજરી વચ્ચે વિદ્વાનોએ વ્યાખ્યાનો કર્યાં હતાં. ભૂતકાળમાં ભાવનગર યુનિવર્સિટીના અનુ-સ્નાતક ગુજરાતી વિભાગે અકાદમીના આર્થિક સહયોગથી વરસો લગી વિદ્યાર્થીલક્ષી અભ્યાસ-શિબિરો યોજેલા. પરન્તુ હવે અકાદમી સ્વયં અધીત-સંવર્ધન-હેતુ આ કાર્યક્રમ યોજી રહી છે. એટલે કે, યુનિવર્સિટી-શિક્ષણમાં અનોખો સહયોગ દાખવી રહી છે. એની સૌએ સહર્ષ નોંધ લેવી જોઈએ. દીવાલો વિનાની યુનિવર્સિટીનો ખયાલ તમને દેખાડી દે કે ક્યાં ક્યાં દીવાલો છે. એક સાવ અજાણી દીવાલ દર્શાવું: કવિસમ્મેલન, મુશાયરો કે સાહિત્યકૃતિનાં ગાયન-વાદનના કાર્યક્રમોમાં, ધ્યાનથી જોશો તો ઑડિયન્સમાં ગુજરાતી સાહિત્યના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ નહીં દેખાય. યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટના હેડ કે ત્યાંના પ્રૉફેસરસાહેબો નહીં દેખાય. કાર્યક્રમ ભલેને અભ્યાસક્રમનિયત સાહિત્યકૃતિના કે તેના સર્જકના ગૌરવગાનનો હોય! ભલેને કોઈ અવૉર્ડીના સન્માનનો હોય! આંગળીના વેઢે ગણાય એટલા મળી આવે તો અહોભાગ્ય! આવું કેમ? હું મન મનાવી લેતો હોઉં કે એમને નિમન્ત્રણ નહીં અપાયું હોય. બીજું, આના જેવું જ, પણ અવળું: કૉલેજોમાં કે ડિપાર્ટમૅન્ટ્સમાં યોજાયેલાં વ્યાખ્યાનોમાં કે પરિસંવાદોમાં કવિ વાર્તાકાર નાટ્યકાર વગેરે સાહિત્યકારો નહીં દેખાય. મને ઘણી જગ્યાએ મારા વ્યાખ્યાન દરમ્યાન એ ગામના ખ્યાતનામ કવિમિત્ર યાદ આવ્યા જ કરે! થાય કે સામે બેઠા હોય તો કેવું સારું! શંકા થાય કે શું એમને નિમન્ત્રણ નહીં અપાયું હોય? સાહિત્યના સર્જન અને સાહિત્યના અધ્યયન-અધ્યાપન વચ્ચેની આ દીવાલ આપણા ધ્યાનમાં આવી જ નથી. એને કારણે લિટરરી ફ્ન્કશન્સ ઝાંખાંપાંખાં રહી ગયાં છે. કાં તો, જ્ઞાનતેજ વિનાનાં. કાં તો, ડૉળઘાલુ, આ તરફના એમ સમજે કે એ તો બધા સમ્મેલનિયા છે. બીજી તરફના એમ સમજે છે કે એ તો બધા માસ્તરો છે, ભણાવ્યા કરે. વ્યવહારુ નુકસાન એ થયું છે કે કાર્યક્રમોમાં શ્રોતાઓની હાજરી પાંખી પડી ગઈ છે. માંડ ૬૦-૭૦ જણાં હોય છે. પાછાં એ-ને-એ બીજી સભામાં બેઠાં હોય! મન મનાવવું હોય તો મનાવી શકાય કે એટલાંને તો એટલાંને, રુચિ-ઘડતરની તકો તો સાંપડે છે! જ્યારે, કૉલેજો અને ડિપાર્ટમૅન્ટ્સને શ્રોતાના વખા ક્યારેય નથી હોતા – તાકીદની તીવ્ર જરૂરિયાતવાળું સાચી ગરજવાળું ઑડિયન્સ. મેં તો આપણી સાહિત્ય-સંસ્થાઓને ડિપાર્ટમૅન્ટ્સ સાથે અનુબન્ધ રચવાનું વર્ષોથી કહ્યા કર્યું છે. ડિપાર્ટમૅન્ટ્સને પણ અવારનવાર કહ્યું છે કે વિદ્યાર્થીઓને સાહિત્યના કાર્યક્રમોમાં જવા કહો; તમે પણ જાઓ. સમજાતું નથી કે શા માટે આપણે બધું એકરસ નથી થવા દેતા! અલગાવ ટકાવી રાખીને શું સિદ્ધ કરવા માગીએ છીએ? ઉમેરું કે દરેક કૉલેજમાં તેમજ ડિપાર્ટમૅન્ટમાં ‘મીની સન્નિધાન’ રચી શકાય છે. ‘ગુજરાતી સાહિત્ય મંડળ’ ઊભું કરવાનું અને બહારના સાહિત્યકારોને બોલાવીને અભ્યાસક્રમ-સંલગ્ન કાર્યક્રમો યોજવાના. ભાષા-સાહિત્ય ભવનના એ મંડળના ઉપક્રમે એક વાર અમે શોભિત દેસાઈને બોલાવેલા. મને ચિન્તા હતી કે નામ જેનું શોભિત તે ગઝલને કેમ વીસરી શકશે. પણ સાંભળો, શોભિતે હાથમાં એકપણ કાગળ વિના પોતાના એ જ ગઝલ-ટેવાયા મુખેથી ગદ્યના ફકરાઓ પર ફકરાઓની એકપણ શબ્દફેર વગરની અસ્ખલિત રજૂઆત કરેલી. અને સાંભળો, ફકરાઓ હતા સુરેશ જોષીના ‘જનાન્તિકે’ નિબન્ધોના! અમે સૌ આફરીન પોકારી ગયેલાં. વિદ્યાર્થીઓ રાજીના રેડ ખાસ તો એટલે હતા કે એ વર્ષે એઓ સુરેશ જોષીને એક ઑથર રૂપે ભણતા’તા! ‘સન્નિધાન’ કે ‘અધીત સંવર્ધન વ્યાખ્યાનમાળા’ દીવાલો વિનાની યુનિવર્સિટીઓ છે. એમાં આવી અભૂતપૂર્વ છતાં અર્થપૂર્ણ ઘટનાઓ ઘટી શકે છે.

= = =