સોનાની દ્વારિકા/ઓગણીસ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

ઓગણીસ

સાંજે સ્ટેશન બાજુ ફરવા જતાં પહેલાં કાનજીભાઈએ કાંતાબહેનને કહ્યું કે— ‘તમારી બેગમાં જુઓ તો! એકાદી વધારાની શાલ કે એવું કંઈ ઓઢવાનું હોય તો આપજો ને!’ કાંતાબહેનને આશ્ચર્ય થયું. હજી ટાઢ વાય એવો શિયાળો ક્યાં બેઠો છે? અને કાનજીભાઈને તો આમેય ઠંડી ઓછી વાય. એટલે પ્રશ્ન કર્યો— ‘શું કરશો?’ ‘સ્ટેશન પાસેની દુકાનના ઓટલે એક માણસ આખી રાત ટૂંટિયું વાળીને પડ્યો હોય છે. હવે થોડા દિવસમાં ટાઢ વધશે. તે થયું કે આજે તમારા વતી એનું સન્માન કરતો આવું!’ ખભા ઉપર ભગવા રંગની શાલ નાંખીને કાનજીભાઈ નીકળ્યા. જતી વખતે જોયું તો પેલો માણસ ક્યાંય ન દેખાયો. નિત્યક્રમ મુજબ સ્ટેશને પહોંચ્યા. પાટાની બાજુએ પડેલી કેડી પર લાંબે સુધી ચાલ્યા. પાછા વળતાં દૂરથી જોયું તો એક માણસ વહેતી ગટરનો કચરો આઘોપાછો કરીને એ પાણીએ મોઢું ધોતો હતો. કદાચ એણે એકાદ ઘૂંટડો પાણી પીધુંયે ખરું. પણ કાનજીભાઈએ જોયું ન જોયું કરી નાંખ્યું. એમની આંખો ભીની થઈ ગઈ ગઈ. એની નજીક ગયા. પેલો માણસ એ જ હતો જે રોજ ટૂંટિયુંવાળીને પડ્યો રહેતો હતો. કાનજીભાઈ બંધ દુકાનની પાટે એ જ્યાં બેસતોસૂતો હતો ત્યાં જઈને બેસી ગયા. ગંધાતા ગાભાનું એક પોટલું પડ્યું હતું. પોટલામાં કોથળો અને ગાભાની સાથે દેવદેવીઓની અનેક નાનીમોટી છબીઓ દેખાતી હતી. જેવું એણે જોયું કે પોતાની જગ્યાએ કોઈ બેસી ગયું છે એટલે તરત દોડતો આવ્યો અને કાનજીભાઈ સામે ‘હુઆઆ!’ કરીને છાંછિયું કર્યું. એના છાંછિયા સામે કાનજીભાઈએ હાસ્ય વેર્યું અને આંખમાં આંખ પરોવીને ઊભા રહ્યા. પેલાની આંખ જાણે શરમથી ઢળી ગઈ. ‘ભલા માણસ આવું તે કરાય?’ કહેતાં એમણે પોતાના ખભા પર રહેલી શાલ એના ખભે મૂકી દીધી. એ ગાંડા જેવા માણસે શાલ લઈને સૂંઘી. પછી એકદમ હુહુહુહુહું કરીને હસ્યો અને પોટલાની ગાંઠ છોડીને એમાં મૂકી દીધી. કોઈ આર્મીમેનની જેમ ડાબો પગ પછાડીને જમણા હાથથી એક સલામ આપી. કાનજીભાઈને થયું કે એના ગાંડપણમાં એક પ્રકારની શિસ્ત છે. એ દિવસે તો કાંઈ બોલ્યા વિના આવતા રહ્યા. રોજનો ક્રમ થઈ ગયો હતો. કાનજીભાઈ નીકળે એટલે પેલો માણસ આવે, ઊભો રહે; આંખમાં આંખ પરોવે અને પગ પછાડીને સલામી આપે. એક દિવસ કાનજીભાઈ ચાલ્યા જતા હતા ત્યારે એણે પાછળથી આવીને વાંસામાં એક ધબ્બો માર્યો! ધબ્બો એટલા જોરથી મારેલો કે કાનજીભાઈએ અને એણે પોતે પણ માંડ માંડ સંતુલન જાળવ્યું. એ હસે તે પહેલાં કાનજીભાઈએ એની જ અદામાં એને સલામી આપી. એ વળી પાછો હસ્યો. કાનજીભાઈએ પૂછ્યું : ‘મારા ઘેર આવવું છે ભાઈબંધ?’ કોણ જાણે એણે શું ધાર્યું હશે? પણ એ એનું પોટલું લઈને ચુપચાપ પાછળ પાછળ આવવા લાગ્યો. રસ્તે જનારાઓને જોણું થયું. મહાજનના પાલ સુધી બરાબર એણે પગમાં પગ દબાવ્યા. જેવું કાનજીભાઈનું ઘર આવ્યું કે ઊભો રહી ગયો. અંદર આવવામાં એના પગ ખચકાતા હતા. કાનજીભાઈએ એનું બાવડું પકડીને અંદર ફળિયામાં લીધો. એક ખૂણામાં એનું પોટલું મૂકાવ્યું. કાંતાબહેનને કહ્યું કે આપણે આ ભાઈને જમાડવાનો છે! કાંતાબહેન તો એના દરહણ જોઈને ડઘાઈ જ ગયા. પણ આનાકાની ન કરી. પેલો માણસ કાંતાબહેનને ટગરટગર જોઈ રહ્યો. જોતો જ રહ્યો. પણ, જો કાંતાબહેન એની સામે જુએ તો તરત જ નજર ફેરવી લેતો. એને પહેલો જમવા બેસાડ્યો. બેય જણનું રાંધેલું તે તો આ એકલો જ ખાઈ ગયો! કાંતાબહેનને થયું કે આ માણસ ખાય છે કે ગપક ગપક ગળે છે? એનું જમવું કંઈક અજબ પ્રકારનું હતું! બંને જણે નક્કી કર્યું કે આજે આપણે કશું નહીં ખાઈએ. થોડુંક દૂધ પડ્યું છે તે પીને સૂઈ જઈશું. એણે જમી લીધું એટલે કાનજીભાઈ કહે કે— ‘જાવ પ્રભુ! હવે તમારા થાનકે જાવ!’ એણે પોતાનું પોટલું ઉપાડ્યું અને ધીમે ધીમે ડગ ભરવા લાગ્યો. એને જતો જોઈને કાનજીભાઈએ ઘરનું બારણું બંધ કર્યું. મોડી રાત્રે બારણા પાસે કોઈના ખાંસવાનો અવાજ આવ્યો. પહેલાં તો એમ કે હશે કોઈ જતું-આવતું! પણ વળી થોડી વારે કોઈનો સંચાર થતો હોય એવું લાગ્યું. કાનજીભાઈએ ખૂણામાં પડેલી પરોણી આકસ્મિક સુરક્ષા માટે ઉપાડી અને બારણું ખોલ્યું. જોયું તો પેલો ગાંડો હજી ગયો નહોતો. ઓટલા ઉપર જ કોથળો પાથરીને એણે જમાવી દીધી હતી! કાનજીભાઈએ પાણીની ડોલ અને પ્યાલો મૂકીને બારણું બંધ કર્યું. સવારે જોયું તો એનાં કોઈ નામોનિશાન ન હતાં. ડોલમાંથી થોડું પાણી ઓછું થયું હોય એમ લાગ્યું. કામકાજમાં આખો દિવસ ક્યાં ગયો એની ખબર ન પડી. સાંજે આવીને કાંતાબહેને વાત કરી કે- ‘આજે ટ્રસ્ટીઓની મિટિંગ હતી. એમાં મારાં કામની ખૂબ નોંધ લેવાઈ અને તમને નવા સત્રથી નિમણૂક આપવવાનું પણ ઠરાવ્યું છે!’ ‘તમને કોણે કહ્યું?’ ‘મિટિંગ પછી મોટાભાઈ આવ્યા હતા મને નચિંત કરવા.’ ‘સરસ. મને લાગે છે કે હવે બધું પાટે ચડશે. ‘આપણે વજુભાઈને જાણ ન કરવી જોઈએ? તમે એક પત્ર લખી દો ને!’ ‘ના. હમણાં ઉતાવળ ન કરીએ. પાકું થાય, ઓર્ડર હાથમાં આવે પછી વાત કરીએ તો ઠીક લાગે. વળી ધનસુખભાઈ એમને કહ્યા વિના તો ન જ રહે...’ વાતો કરતાં કરતાં બંને સૂવાની તૈયારી કરતાં હતાં, ત્યાં બારણે અવાજ આવ્યો. કાનજીભાઈની ધારણા સાચી હતી. પેલો ગાંડો આવીને ઓટલે બેસી ગયો હતો! વળી પાછી પાણીની ડોલ અને પવાલું! ‘કાંતાબહેન! મને લાગે છે કે ઈશ્વરે ઘર બદલ્યું છે! આ પ્રભુ પાછા આવી ગયા છે!’ ‘કાલે મારી ઈચ્છા છે કે તમે વિદ્યાલયે જાવ પછી હું એને સાબુ દઈને બરોબરનો ધમારું...’ ‘જો જો માને તો...’ સવારે ઊઠીને જોયું તો ‘પ્રભુ’ એક પછી એક એમ પોતાનો બધો અસબાબ સંકેલી રહ્યા હતા. કાનજીભાઈએ એને કહ્યું કે- ‘હમણાં ક્યાંય જવાનું નથી. બહેન જાય પછી આપણે ચા પીવાની છે!? પ્રભુએ હકારમાં માથું ધુણાવ્યું ને ઓટલે બેસી રહ્યા. લગભગ આઠેક વાગ્યે કાનજીભાઈએ ફળિયામાં કાથીવાળો ખાટલો ઢાળ્યો. બાજુમાં ગરમ હૂંફાળા પાણીની બે ડોલ મૂકી. પેલો માણસ તીખી નજરે જોઈ રહ્યો હતો. કાનજીભાઈએ સનલાઈટ સાબુનું રેપર ફાડ્યું અને કહ્યું- ‘પ્રભુ! કપડાં ઉતારો અને આ ચડ્ડો પહેરી લો...’ ‘હુઆઆ...’ કરીને એણે પહેલી વખત કર્યું હતું એવું જ છાછિયું કર્યું. કાનજીભાઈએ એના ખભે હાથ મૂક્યો અને ફરી વાર કહ્યું— ‘પ્રભુ! કપડાં ઉતારો અને આ ચડ્ડો પહેરી લો...’ કોણ જાણે એ સ્પર્શનો શું જાદુ થયો! એકદમ ઝપાટાભેર પ્રભુએ પોતાનાં કપડાં કાઢી નાંખ્યાં અને ક્ષણ વાર દિગંબર થઈને તરત ચડ્ડો પહેરી લીધો. કાનજીભાઈએ આંગળીથી ખાટલો ચીંધ્યો અને એની ઉપર બેસી જવા કહ્યું. એક આજ્ઞાંકિત બાળકની પેઠે પ્રભુ ખાટલે ચડ્યા. જેવું કાનજીભાઈએ પાણીનું ડબલું હાથમાં લીધું કે ઉછાળો માર્યો. ડબલું ખેંચી લીધું! કોઈ મદારી મહુવર વગાડતી વખતે ડોકું ધુણાવે એમ ડોળા ફાડી ફાડીને એણે વિરોધ શરૂ કર્યો. કાનજીભાઈએ એના બરડે હાથ મૂકીને કહ્યું કે— ‘પ્રભુ નહાવું તો પડશે જ!’ આનાકાની કરતાં કરતાં છેવટે એ માન્યો. કાનજીભાઈએ પાણી નાખ્યું ને એનાં ગાત્રો સંકોચાવા માંડ્યાં. કૂદકો મારીને હુઆઆ કરતો નીચે ઊતરીને જમીન પર બેસી ગયો. બંને ઢીંચણ ઊંચાં કરીને એમાં માથું નાંખી દીધું. પગ ફરતે હાથની અદબ વાળી દીધી. કાનજીભાઈએ જોર કરવાને બદલે એની પીઠમાં સાબુ લગાડ્યો એટલે એ સીધો જ ખાટલા પર બેસી ગયો. સાબુ એક વાર... બે વાર... ઘસ્યો. પાણી નાંખ્યું. કાનજીભાઈના મનમાં શ્લોક ઊગી આવ્યો.. ‘ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના…’ પછી તો પાણી સાથેનો ભવભવનો નાતો આપોઆપ પ્રગટતો થયો. અને એ નહાવાનો આનંદ લેવા લાગ્યો. કોરા કપડાથી એનું શરીર લૂછ્યું અને કાનજીભાઈએ એની સામે જાડી ખાદીનાં વસ્ત્રો ધર્યાં. પોતાની જાતને કહેતો હોય એમ ઈશારાથી ગોટા વાળતો કંઈક બબડ્યો જેનો અર્થ આવો થતો હતો— ‘આ મારાં નથી!’ ‘આજથી તારાં!’ ખાદીના ઝભ્ભા-લેંઘામાં આ પ્રભુ કોઈ કાર્યકર જેવો શોભી રહ્યો. ભીના થયેલા એના નખ કંઈક કૂણા પડ્યા હતા. કાનજીભાઈએ તક સાધી. અંદરથી નેઈલકટર લઈ આવ્યા. બગલમાં એનો હાથ દબાવીને હળવે હળવે એક પછી એક નખ વિદારવા માંડ્યા. હવે કાનજીભાઈને ખાતરી થઈ ગઈ હતી કે પ્રભુ પાધરા રહેશે, એટલે તેલની શીશી લઈ આવ્યા. ઓટલે બેસાડીને માથે માલીશ કરી આપ્યું. ગૂંચવાયેલા લાંબા વાળ માંડ ઓળવા દીધા. વાળ હોળાઈ ગયા એટલે એણે પગ પછાડીને કાનજીભાઈને સલામ કરી! કાંતાબહેન બપોરે ઘેર આવ્યાં ત્યારે ફળિયાના ઓટલે બેઠેલા પ્રભુને ઓળખી ન શક્યાં. પોતે બંને અંદર બેઠાં અને પ્રભુને બહાર ઓટલે થાળી આપી. સામાન્ય માણસ ખાય એટલું ખાઈને પ્રભુએ ઓડકાર ખાધો! થોડા દિવસમાં તો એવી પરિસ્થિતિ થઈ ગઈ કે પ્રભુએ ઓટલાને જ પોતાનું ઘર બનાવી દીધું. નળ આવે ત્યારે જાતે નાહી લે. ક્યાંકથી સાવરણીનું બૂચકું શોધી કાઢ્યું અને આખું આંગણું સાફ કરી દે! કાનજીભાઈ એની સામે એક પછી એક કામ જાતે કરવા માંડ્યાં. વાસણ, કપડાં, સંજવારી અને એવું બધું. પ્રભુ પણ જાણે રોજ એકેક પડદો ખેસવતો જાય અને પ્રભુતા પ્રગટાવતો જાય! બે ટાઈમ જમવાનું, રોજ નવાં ધોયેલાં કપડાં પહેરવાનાં, ન ચીંધ્યાં હોય એવાંય કામો એણે કરવા માંડ્યા. હવે રેલવેસ્ટેશનની દિશા જ જાણે ભુલાઈ ગઈ હતી. ક્યારેક કાનજીભાઈ બજારે જાય ત્યારે એનેય સાથે લેતા જાય. પ્રભુ કશું બોલે નહીં, પણ સામાન સંભાળીને ઊંચકી લાવે. ક્યાંય પણ આડેઅવળે ગયા વિના સીધા ઘેર! કાનજીભાઈ અને કાંતાબહેન માટે આ એક નમણું આશ્ચર્ય હતું. બંને જણ નવરાં પડે ત્યારે ‘પ્રભુ’ સાથે વાત કરવાની કોશિશ કરે. પણ પ્રભુ એક પણ શબ્દ બોલે તો ને? કાંતાબહેન સામે તો આંખ પણ ન મેળવે. પાંપણો ઢાળી દે. કાનજીભાઈ ગમે તેટલું બોલાવે-પૂછે, કોઈ જવાબ નહીં. કહ્યા પ્રમાણે કર્યા કરે! એક વાર કાનજીભાઈએ કહ્યું કે- ‘આ તે પ્રભુ છે કે બાબરો ભૂત? કંઈ સમજ નથી પડતી...!’ ‘એ આપણાં કામ કરે ત્યારે બાબરો અને આપણે એનું કરીએ ત્યારે પ્રભુ!’ કાંતાબહેન હસતાં હસતાં બોલ્યાં. ‘મને લાગે છે કે એ હવે ક્યાંય જશે નહીં. આપણે એનું નામઠામ જાણીને ઓળખાણ કરવી જોઈએ. સંભવ છે કે એનાં પરિવારજનો એને શોધતાં પણ હોય! આપણી ગુજરાતી બરોબર સમજે છે એટલે હશે તો ગુજરાતનો જ. એમ કરીએ પોલીસસ્ટેશનમાં એનો ફોટો આપીને નોંધ કરાવી દઈએ! કદાચ કોઈ કડી મળે પણ ખરી.’ કાનજીભાઈનું છેલ્લું વાક્ય કોણ જાણે ક્યાંથી એના કાને પડ્યું અને બહાર બેઠાં બેઠાં જ એણે બારણાની જાળી ખખડાવવાનું શરૂ કર્યું. કાનજીભાઈએ બારણું ખોલીને જોયું તો પ્રભુ પોતાના સામાનનું પોટલું બાંધી રહ્યો હતો. એના ચહેરા ઉપર સ્પષ્ટ આક્રોશ અને મક્કમતા દેખાતાં હતાં. બંનેને સમજતાં વાર ન લાગી કે પ્રભુ આપણું બોલેલું બધું જ સમજે છે. એમ લાગે છે કે કોઈ કારણસર એની વાચા ઊઘડતી નથી. એટલે કાંતાબહેને તરત જ વાતને ફેરવીને કહ્યું, ‘એવું કંઈ કરવાનું નથી. પ્રભુને તો અહીં જ રહેવાનું છે. એને ક્યાંય મોકલવાનો નથી!’ આટલું સાંભળ્યું ને પોટલું બાંધતા એના હાથ અટકી ગયા. ‘હુઆઆ’ જેવો અવાજ કર્યો. એક દિવસ સવારે જોયું તો પ્રભુ ક્યાંકથી તુલસીનો છોડ લઈ આવ્યો હતો અને સામેના ખૂણામાં ક્યારો કરીને વાવી રહ્યો હતો. કાનજીભાઈએ વિચાર્યું કે ગમે તેમ કરીને પણ પ્રભુનો ઇતિહાસ જાણવો જોઈએ. એક દિવસ કામકાજમાં બહુ મોડું થઈ ગયું. પાછું શાક લઈને આવવાનું હતું. એમાં ને એમાં વાર થઈ ગઈ. રાતે બંને થાક્યાંપાક્યાં આવ્યાં ત્યારે પ્રભુએ ફળિયું, ઓટલો બધું વાળીચોળીને રાખ્યું હતું. પોતે આમથી તેમ આંટાફેરા કરી રહ્યો હતો. બંનેને જોયાં એટલે પ્રભુ અવળું ફરીને બેસી ગયો. સામે પણ ન જોયું. ઘર ઉઘાડીને બધી વસ્તુઓ ઠેકાણે મૂકી. રસોઈ બનાવી એમાં એકાદ કલાક ઉપર થયું. પોતાની થાળી પીરસતાં પહેલાં પ્રભુની થાળી તૈયાર કરીને બહાર મૂકી દીધી. બંને જણ જમી પરવાર્યાં અને બહાર આવીને જોયું તો થાળી એમની એમ જ! પ્રભુ તો દીવાલમાં માથું નાંખીને બેઠેલો! કાનજીભાઈએ થાળી હાથમાં લીધી અને પ્રભુને ખભેથી પકડ્યો. ‘કેમ જમવું નથી? ભૂખ નથી લાગી?’ કોઈ જવાબ નહીં. કાંતાબહેનને લાગ્યું કે કંઈક બરાબર નથી. પાસે આવ્યાં અને ધીરે અવાજે પ્રેમથી પૂછ્યું, ‘કેમ પ્રભુ આજે આમ કરે છે? તબિયત તો સારી છે ને?’ ફરી કોઈ જવાબ નહીં. નીચી નજર અને અવળું મોઢું! કાંતાબહેનથી રહેવાયું નહીં, એકદમ એની દાઢી પકડીને માથું ઊંચું કર્યું. પ્રભુની આંખમાંથી આંસુની ધારા વહી નીકળી. ઈશારાઓ કરીને સમજાવવાની કોશિશ કરી કે આટલું બધું તે મોડું કરાય? હું ચિંતા કરતો હતો! કાનજીભાઈ સમજ્યા ને ખડખડાટ હસી પડ્યા.... ‘વાહ રે પ્રભુ વાહ! અમને મોડું થયું એમાં આમ રિસાઈ જાવાનું? કામ હોય તો મોડુંયે થાય! તારે કંઈ ધંધો નથી...’ કાંતાબહેન વચ્ચે પડ્યાં ને કહ્યું કે, ‘એનો પ્રશ્ન શા માટે મોડું થયું એવો નથી. મને કેમ જાણ ન કરી? એનો એને વાંધો છે!’ કાનજીભાઈને તો હસવું કે રડવું એની સમજ ન પડી. એક આંખે રડે અને બીજી આંખે હસે... નાના છોકરાને ફોસલાવતાં હોય એમ કાંતાબહેન બોલ્યાં- ‘પ્રભુ! હવે મોડું થવાનું હશે ત્યારે તને કહીને જઈશું બસ! પણ આમ નાની વહુની જેમ રીસાઈ જવાનું નહીં! ચાલ જમી લે હવે!’ બંને જણ જોઈ રહ્યાં અને પ્રભુએ એની વિચિત્ર ટેવ મુજબ જમવાનું શરૂ કર્યું. કાનજીભાઈને થયું કે આજે મોકો છે. વાત કઢાવવાનો. પોતે ફળિયામાં ખાટલો ઢાળીને આડા પડ્યા. બાજુમાં નાનકડું ટેબલ લઈને કાંતાબહેન બેઠાં. પ્રભુ ઓટલે બેઠો બેઠો આકાશ જોવા લાગ્યો. થોડી વાર થઈ એટલે સૂતાં સૂતાં જ કાંતાબહેન બોલ્યાં, ‘અમે તો તને પ્રભુ કહીએ છીએ! પણ, તારું અસલ નામ શું?’ એણે કાનમાં આંગળીઓ નાંખી દીધી. એ જાણે કશું સાંભળવા ઈચ્છતો નહોતો. કાંતાબહેને ફરી એનો એ જ પ્રશ્ન પૂછ્યો. એ ઊભો થઈને ફળિયા બહાર જવા લાગ્યો. કાંતાબહેને તરત એનો હાથ પકડી લીધો ને બંને ઊભાં રહી ગયાં. કાનજીભાઈ કહે, ‘તમે એનો હાથ છોડી દો. એને ન બોલવું હોય તો આપણે પરાણે નથી બોલાવવું. એની મરજીમાં આવે ત્યારે ભલે ને કહે! અને ન કહે તોય આપણે તો સેવા જ કરવી છે ને?’ કાંતાબહેન પાછાં ટેબલ પર અને પ્રભુ ‘હુઆઆ’ કરતો ઓટલે! એની અકળામણ સ્પષ્ટ દેખાતી હતી. વારે વારે આકાશ સામે જોયા કરે અને મુઠીઓ વાળ્યા કરે... કાનજીભાઈએ કાંતાબહેનને કહ્યું, ‘એ નથી બોલતો એમાં એનો કોઈ દોષ નથી. એવી કોઈ વાત હોય જે એ આપણને તો શું કોઈનેય કહેવા ન ઈચ્છતો હોય એવું પણ બને. એની કોઈક મજબૂરી હોય એમ પણ હોય ને? કદાચ આપણાંમાં એને ભરોસો કરવા જેવું નયે લાગતું હોય! અને જો એમ જ હોય તો આપણે એનો વિશ્વાસ કેળવવામાં હજી સફળ થયાં નથી એમ માનવું રહ્યું! આટલા શબ્દો સાંભળ્યા ન સાંભળ્યા ને એ પોતાના માથામાં પોતાના જ હાથથી મારવા મંડ્યો. કાનજીભાઈ અને કાંતાબહેને દોડીને એના હાથ પકડી લીધા તો દીવાલ સાથે માથું અફાળવાનો પ્રયત્ન શરૂ કર્યો. એ જ વખતે કાનજીભાઈથી ન રહેવાયું અને એના ગાલ ઉપર એક ચમચમતો તમાચો મારી દીધો! કાંતાબહેન માટે પણ આ ઘટના અણધારી હતી. કાનજીભાઈ કદી કોઈના ઉપર હાથ ઉગામે? પળ વારમાં જાણે કે ન સમજાય એવું બની ગયું! પણ આ ઘટનાનું પરિણામ એ આવ્યું કે પ્રભુ છુટ્ટે મોંએ રડી પડ્યો. એના રડવાનો અવાજ કંઈક વિચિત્ર હતો. કોઈ પશુ આરડતું હોય એવા એના ઉંહકારા અસહ્ય હતા. કાંતાબહેન એકદમ ભાવાવેશમાં આવી ગયાં- ‘પ્રભુ! પ્રભુ! કંઈક તો બોલ! અમારે કંઈ તારી પાસે અમારાં કામ નથી કરાવવાં... તું કોણ છે? ક્યાંથી આવ્યો છે? ક્યાં છે તારું ઘર? કંઈક તો બોલ! તું નહીં બોલે ત્યાં સુધી હું પાણી પણ નહીં પીઉં..!’ કાંતાબહેનની આંખમાંથી એકબે આંસુ ખરી પડ્યાં! ફળિયામાં ઠીક ઠીક અંધારું થઈ ગયું હતું પણ બહારની બત્તી ચાલુ હતી. એ બત્તીની નીચે જઈને પ્રભુ ઊભો રહ્યો અને પોતાનું મોઢું ખોલીને અંદર આંગળા નાખવા લાગ્યો. ન સમજાય એવા અવાજો એના મોઢામાંથી નીકળતા હતા. એ રડતો પણ હતો અને કંઈક કહેવા પણ ઈચ્છતો હતો..… કાનજીભાઈ ખાટલામાંથી ઊભા થઈ ગયા અને એની પાસે ગયા. એ ઉઘાડા મોંમાં કંઈક બતાવવા વારે વારે આંગળા નાંખતો હતો… કાનજીભાઈએ ખાટલા પર પડેલા ઓશિકા નીચેથી ટોર્ચ કાઢી અને એના ગળામાં પ્રકાશ ફેંક્યો... બંને જણને એક ક્ષણ ચક્કર આવી જવા જેવું થયું પ્રભુના મોઢામાં જીભ તો હતી, પણ અડધી જ. જીભના નામે જરાક અમથો ડોડવો! ડાબા હાથની આંગળી ઉપર જમણા હાથની આંગળી ઘસીને એ કહી રહ્યો હતો કે કોઈકે એની જીભ કાપી નાંખી છે! બોલે તો કેમ કરીને બોલે? કાંતાબહેન અને કાનજીભાઈ આખી રાત મૂંગાં મૂંગાં રડતાં રહ્યાં...

***