સોરઠી બહારવટિયા ભાગ-2/કોડીનાર ભાંગ્યું

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કોડીનાર ભાંગ્યું

[1]કોડીનાર મારીને જાય
ઓખેજો વાઘેર કોડીનાર મારીને જાય,
ગોમતીજો રાજા કોડીનાર મારીને જાય.
આથમણે નાકેથી ધણ વાળીને,
ઉગમણે નાકે લઈ જાય. — ઓખેજો.
નિસરણીયું માંડીને ગામમાં ઊતર્યા ને,
બંદીવાનની બેડીયું ભંગાય. — ઓખેજો.
કોડીનાર મારીને જોધોભા ગાદીએ બેઠા ત્યારે,
કોડીનારનો ધણી કોઈ ન થાય. — ઓખેજો.
દાયરો કરીને કસુંબા રે કાઢિયા ને,
સાકરુંના ઠૂંગા વેચાય.— ઓખેજો.
રંગડા વાઘેરને દેવાય.— ઓખેજો.
ખરે રે બપોરે બજારું લૂટિયું ને,
માયાના સાંઢિયા ભરાય. — ઓખેજો.
બ્રાહ્મણ સૈયદુંને દાન તો દીધાં ને,
ગામમાં મીઠાયું વે’ચાય. — ઓખેજો.
ગાયું કેરે ગોંદરે નીર્યા કપાસિયા ને,
પાદરે ચોરાસી જમાય. — ઓખેજો.
દેશ પરદેશે કાગળો લખાણા ને,
વાતું તારી વડોદરે વંચાય. — ઓખેજો.
હૈયાની ધારણે બોલ્યા રે નથુનાથ
તારા જસડા ગામેગામ ગવાય. — ઓખેજો

“કોડીનાર ભાંગવા આવું છું, આવજો બચાવવા!” એમ પ્રથમથી જ ગાયકવાડ રાજને જાસો દઈ, ગીરના ગાળા ઓળંગતો ઓળંગતો બુઢ્ઢો જોધો માણેક પરોડિયાને અંધારે કોડીનારના કોટની રાંગે આવી પહોંચ્યો. ગાયકવાડી ફોજ તો ગામમાંથી ભાગી છૂટી હતી, પણ ગામને ઝાંપે કોઠા ઉપર એક આદમી અડગ હિંમતથી ઊભો હતો. વાઘેરો આવ્યા તેને એ એકલ આદમી સૂનકાર પડેલા કોઠામાંથી બંદૂક ચલાવી ગોળીએ વધાવતો હતો. એનું નામ આદમ મકરાણી. “વાહ જમાદાર!” વાઘેરોએ એ વીરને નીચે ઊભાં ઊભાં પડકાર્યો, “શાબાશ ભાઈ! ગાયકવાડના આટલા સિપાઈમાં એક તેં જ નિમક સાચું કર્યું. હવે બા’રો નીકળી જા, તારે માર્ગે પડ, તારું નામ કોઈ ન લીએ.” આવી શાબાશીને આદમ મકરાણી ન સમજી શક્યો. હતો બહાદુર, પણ મનની મોટપનો છાંટોય નહોતો. એણે ગાળો દેવા માંડી. વાઘેરોએ ફરી વાર એને ચેતવ્યો કે “જમાદાર! જબાન સમાલો અને ઊતરી જાઓ. અમે ઘા નથી કરતા, માટે ખાનદાન બનો.” પણ આદમે ખાનદાની ન ઓળખી. એણે હલકટ બોલ માંડ્યા. અને દગો કરીને એણે મૂળુ માણેકના ભાણેજ ઉપર ગોળી છોડી. જોધાએ આજ્ઞા દીધી : “હાણે હી કુત્તો આય, સિપાઈ નાય, હાણે હીંકે હણો!” [હવે એ કૂતરો છે. સિપાઈ નથી રહ્યો. હવે એને મારો!] એ વેણ બોલતાં જ મીયા માણેકની બંદૂક છૂટી. એક જ ભડાકે આદમ મકરાણીને કોઠા ઉપરથી ઉપાડી લીધો. આદમને ખતમ કરીને જ્યાં દીવાલ પર ચડવા જાય છે ત્યાં ગામ વચ્ચોવચ એક મેડીમાંથી તોપનો માર થયો. એક પછી એક ગોળા પડવા લાગ્યા. જોધો જોઈ રહ્યો. “આ કોણ જાગ્યો!” જાણભેદુએ કહ્યું, “કોડીનારના નગરશેઠ કરસનદાસની એ મેડી, જોધાભા! અરબસ્તાન સુધી એનાં વહાણ હાલે છે.” “વાણિયે તોપું માંડી?” “જોધાભા, એ તો નાઘેર કાંઠાનો વાણિયો, રજપૂત જેવો.” ધડ! ધડ! ગોળા આવવા લાગ્યા. તે વખતે જોધા માણેકની મીટ પોતાના એક ભેરુબંધ ઉપર મંડાણી. ભેરુબંધ સમજી ગયો. કાઠિયાવાડનાં રાજસ્થાન માંહેલો એ એક જાડેજો ઠાકોર હતો. કરડો, કદાવર અને બંદૂકનો સાધેલ એ રજપૂત આંબલી પર ચડ્યો. બરાબર તોપવાળી મેડીમાં તીણી નજર નોંધીને એણે ભડાકો કર્યો. નગરશેઠના આરબ ગોલંદાજને વીંધી લીધો. ગોલંદાજ વીંધાતાં જ મેડી પરથી વાણિયાએ શરણાગતિની કપડી કરી. (ધોળો વાવટો બતાવ્યો.) પછી જોધો માણેક કોટને નિસરણી માંડીને ઉઘાડી તરવારે આગળ થઈને ચડ્યો; દરવાનને ઠાર કરી, દરવાજા ઉઘાડા ફાટક મેલી, પોતાના સરખેસરખા સો જણને અંદર દાખલ કર્યા; બંદૂકોમાં આઠ-આઠ પૈસાભારની વજનદાર ગોળીઓ ઠાંસી ખોબોખોબો દારૂ ભરી માણસો જે ઘડીએ હલ્લા કરવા ચાલ્યા તે ઘડીએ જોધો આંગળી ઊંચી કરીને ઊભો રહ્યો : “સાંભળી લ્યો, ભાઈ! વસ્તીની બોનું-ડીકરીયુંને પોતપોતાની ડીકરીયું ગણીને ચાલજો. પ્રથમ મે’તા-મુસદ્દીઓને હાથ કરજો! પછી વેપારીઓને પકડજો! બીજો જે સામો ન થાય એને મ બોલાવજો!” ગામમાં પેસીને વાઘેરો છૂટાછવાયા ભડાકા કરવા લાગ્યા. તેટલામાં બાજુની ખડકી ઉઘાડીને એક ડોશી બહાર ડોકાણી. હાથ જોડીને બહારવટિયાને વીનવવા લાગી કે “એ બાપા, બંધૂકું બંધ કરો, મારું ગરીબનું ઘર ભાંગી પડશે.” “શું છે, માડી?” જોધાએ પૂછ્યું. “મારે એકનો એક દીકરો છે, એની વહુને અટાણે છોરુ આવવાનો સમો છે. આ ધડાકા સાંભળીને વહુ બાપડી ફાટી મરશે.” જોધાએ હાથ ઊંચો કરી ગોળીબાર થંભાવ્યા. કાયસ્થ દેસાઈનું ઘર હતું. બહારવટિયા ત્યાં લૂંટી રહ્યા હતા. ચાર વરસના એક નાના છોકરાના પગમાંથી તોડા કાઢતા હતા. છોકરો રોતો હતો. “ભાઈ માધવરાય!” એ છોકરાની બહેનને હાકલ કરી, “રોવે છે શીદ, ભાઈ? તું જીવતો રહીશ તો તોડા ઘણાય મળી રે’શે. રો મા, માધવરાય!” ‘માધવરાય’ નામ સાંભળતાં જ વાઘેરો અટકી ગયા. એકબીજાની સામે જોઈ કહેવા લાગ્યા કે “પાં તો માધુરાયજા કૂતરા આહાં! માધવરાય તો અસાંજા ઠાકર!” [આપણે તો માધવરાયના કૂતરા છીએ. માધવરાયજી તો આપણા પ્રભુ કહેવાય.] એ બાળકને માધવપુરવાળા પ્યારા પ્રભુ માધવરાયનો નામેરી જાણીને વાઘેરો પગે લાગ્યા અને વગરલૂંટ્યો બહાર નીકળી ગયા. ગામ કબજે કરી કચેરી ભરીને બહારવટિયાએ બેઠક જમાવી. નગરશેઠ કરસનદાસને સન્મુખ બેસારેલા છે. નગરશેઠે હાથ જોડીને કહ્યું કે “તમારે શરણે આવ્યા છીએ. હવે અમારી આબરૂ રાખો અને કોરે કાગળે દંડનો આંકડો માંડો.” કહેવાય છે કે બહારવટિયે પાંચ હજાર રાળ (Rial નામનું પોર્ટુગીઝ નાણું કે જેનું, દીવ નજીક હોવાથી, વાઘેરમાં ચલણ હતું), એટલે કે રૂ. 12,500, દંડ માંડ્યો. શેઠે દંડ કબૂલ કર્યો. પછી વિનતિ કરી કે “સહુ દાયરો લઈને મારે ઘેર પગલાં કરો.” બહારવટિયો વિશ્વાસ મૂકીને શેઠને ઘેર પરોણો બન્યો. ઘરને ભોંયતળિયે તો કાંઈ નહોતું, પણ પહેલે માળે જાય ત્યાં બહારવટિયાએ જોયું કે તેલની મોટી કડાઓ ઊકળી રહી છે. ઉપલે માળે જાય તો પા’ણા ગોફણો વગેરેના ઢગલા પડ્યા છે. તેથીયે ઉપરના માળે ચડતાં તો બંદૂક, દારૂગોળો અને તરવારના ગંજ દીઠા. અગાસી પર ત્રણ ઠાલી તોપો દેખી. હસીને બહારવટિયાએ પૂછ્યું, “કાં શેઠ, શો વિચાર હતો?” નગરશેઠે જવાબ દીધો, “બાપા, નાઘેર તો સોમનાથજીની ભૂમિ છે. આ ભૂમિ ઉપર તો લાખો શૂરાપૂરાનાં લોહી છંટાણાં છે. મરવું-મારવું એ અમારે મોટી વાત નથી. સાચું બોલું છું કે જો તમારામાં ધરમ ન દેખ્યો હોત, ને મને ગામની બાયું-દીકરીયુંની બેઇજ્જતીની બીક હોત, તો — બડાઈ નથી મારતો પણ — લડતે લડતે ચોથી ભોંયે ચડત અને તેમ છતાં ન પહોંચત તો સુરંગ ફોડીને મેડી ઉડાડી દેત. પણ તમારું ધરમજુદ્ધ જોઈને પ્રેમ આવ્યો એટલે આ ગોઠ દીધી છે, જોધા માણેક!” “રંગ તુંને, ભા! રંગ વાણિયા!” એમ બોલતો બહારવટિયો હેતભરપૂર હૈયે નગરશેઠને બથ ભરી ભેટી પડ્યો. પાંચ હજાર રાળની થેલીઓ ભરીને શેઠના દીકરાઓએ બહારવટિયાની સન્મુખ ધરી દીધી. ધરીને પગે લાગ્યા. “દીકરાઓ!” બહારવટિયો બોલ્યો, “આ હું તમને પાઘડીના કરીને પાછા આપું છું.” ગોઠ જમીને બહારવટિયો નીકળી ગયો. શેઠનો દંડ ન લીધો.[2] સરકારી કચેરીની અને દુકાનોની લૂંટ ચલાવી; બીજે દિવસે બ્રાહ્મણોની ચોરાસી જમાડી, ગાયોને ગોંદરે કપાસિયા નીર્યા; ત્રીજે દિવસે કસુંબા કાઢી દાયરા ભર્યા; ચારણ બારોટની વાર્તા ને નાથબાવાના રાવણહથ્થા સાંભળ્યા. ત્રણેય દિવસ કોડીનારના ગઢ ઉપર વાઘેર રાજાનો નીલો નેજો ફરકતો રહ્યો. ત્રણ દિવસ સુધી રીતસર ત્યાં રાજ ચલાવ્યું : ન્યાય ચૂકવ્યા. રક્ષણ કર્યું ને કેદીઓ છોડ્યા. ચોથે દિવસે ચાલી નીકળ્યા. ગીરના કોઈ વંકા ગાળામાં બેસી કોડીનારની લૂંટનો ભાગ પાડ્યો. જોધાએ પૂછ્યું, “કુલ આપણે કેટલા જણ?” “એકસો ને બે.” “ઠીક ત્યારે, એકસો ને બે સરખા ભાગ પાડો, ભા!” “ના ના, જોધા ભા! એમ નહિ બને. તું અમારો રાજા છો.” પ્રથમ તારી મોટાઈનો ભાગ કાઢીએ. તે પછી જ અમારા એક સો ને બે સરખા ભાગ પડાશે.” મોટાઈનો ભાગ કાઢ્યા પછી સરખેસરખા ભાગ પડ્યા. અકેક માથા દીઠ ત્રણસો-ત્રણસો કોરી વહેંચાણી અને બહારવટિયા હિરણ્ય નદીને કાંઠે વાંસાઢોળના ડુંગરામાં આવ્યા. નદીની લીલી પાટ ને પીળી પાટ ભરી હતી. પડખે એક ઘટાદાર આંબલી હતી. જોધાએ એ આંબલી નીચે ઉતારો કરવાનો મનસૂબો જાહેર કર્યો. તે જ વખતે બરાબર એક વટેમાર્ગુ ત્યાંથી નીકળ્યો. એણે શિખામણ દીધી કે “ભાઈ, આંહીં દાનસ્તું માણસ રાત રોકાતું નથી, એવી વહેમવાળી આ જગ્યા છે. પછી તો જેવી તમારી મરજી!” જોધાએ કહ્યું, “અરે ભાઈ, ખડિયામાં ખાંપણ લઈને ફરનારને તો ધરતી માતા માના ખોળા બરોબર.” પડાવ નાખ્યો. બીજા જ દિવસથી જોધાને તાવ ચડ્યો. ત્રીજે દિવસે જોધાને પોતાનું મૉત સૂઊ્યું. મરતી વખતે એણે એટલું જ કહ્યું કે “ભાઈ મને મૂરુની તો ભે નથી પણ દેવો ક્યાંઈક લપટશે એવો વહેમ આવે છે. દેવાને મારી રામદુવાઈ ક —” એટલું વેણ અધૂરું રહ્યું ને જોધાનો જીવ ખોળિયું ખાલી કરીને ચાલી નીકળ્યો. હિરણ્યને કાંઠે જોધાને દેન દીધું. એક સો ને એક માણસોએ લૂગડાં કાળા રંગમાં રંગીને પહેરી લીધાં. આખી ટુકડી જઈને મૂળુને ભેળી થઈ ગઈ. જે આંબલી નીચે જોધાએ પ્રાણ છોડ્યા, તે આજ પણ ‘જોધા આંબલી’ નામે ઓળખાય છે. સાસણ ગામથી લીમધરા જતાં, વાંસાઢોળ ડુંગરની તળેટીમાં હિરણ્ય નદીને કાંઠે આ આંબલી ઊભી છે.



  1. કિનકેઈડ સાહેબે બહારવટિયાનાં આવાં કેટલાંક કાઠિયાવાડી રણગીતોને ‘બૅલડ’ નામ આપી, અંગ્રેજી ભાષામાં ઉતાર્યાં છે, પોતે ભાષાન્તર કરવામાં અતિશય છૂટ લેતા હોવાથી એના અનુવાદો અસલ ગીત કરતાં સરસ થાય છે; અને કેટલીક વાર તો જૂનાં સાથે મેળવવા જતાં પંક્તિઓ મળતી નથી. નીચેનું ‘બૅલડ’ આ ગીતનું જ ભાષાન્તર હોવાનું દીસે છે, એમાં કેટલીક પંક્તિઓ મળતી નથી, કેટલીક વધુ ઘટનાઓ વર્ણવી છે. કદાચ એ ઘટનાવાળી મૂળ પંક્તિઓ મારા શોધેલા ગીતમાંથી ઊડી ગઈ હશે. ‘આઉટલૉઝ ઑફ કાઠિયાવાડ’ના પાના 38 પર એ લખે છે કે —
    I have unearthed the following ballad which is written in a gay, jingling metre and affords relief after the somewhat wearisome quatrains of the Kathi bards :
    1
    O! fair Kodinar, she stands on the cursed
    Mahratta’s lands,
    In heavens there was neither moon nor star!
    They were Waghirs strong and tall and
    they climbed the loop-holed wall;
    Then was heard the Banias’ wail but
    their tears had no avail.
    When the king of Okha looted Kodinar.
    2
    Then a mighty feast he made for the
    twice-born and the Dhed,
    And the sweet-balls they were scattered
    free and far.
    Though each Brahmin ate and ate, yet he
    emptied not his plate,
    When the lord of Gomti looted Kodinar.
    3
    And they revelled late and longer, and they
    chanted many a song.
    (of his glory there is nothing that can mar)
    And the Bhats for gifts did come
    and they thumped the kettle drum,
    When the prince of Dwarka looted Kodinar.
    4
    And he gave with open hand to each
    maiden in the land.
    As she sat bedecked within the bridal car,
    Though the sports they scarce could tell,
    not a single Waghir fell;
    When Jodha Manik looted Kodinar.}
  2. આ શેઠને પાછળથી વેલણ ગામ ઇનામમાં મળેલું અને દી. બ. મણિભાઈ જશભાઈના કારોબારમાં શ્રીમંત સરકાર એને ઘેર જઈ આવેલા.