સોરઠી બહારવટિયા ભાગ-2/સમૈયાની માનતા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સમૈયાની માનતા

માણેક કળીમાં માંહે માંહે કોઈ અમૂલખ પુરુષો પાક્યા. એણે વાઘેરની જાતમાં ખાનદાનીના રંગ ચડાવ્યા. સમૈયો માણેક ઓખામાં આજ પણ ઘરોઘર સાંભરે છે. કેવી એની વાતો થાય છે! સોરઠમાંથી એક દિવસ સવારે દ્વારકાના દરબારગઢમાં એક ગાડું આવીને છૂટ્યું છે. અંદરથી બે ધણીધણિયાણી ઊતર્યાં. સ્ત્રીના હૈયા ઉપર કેસૂડા સરીખો બેટડો રમી રહ્યો છે. ડેલીએ ગાડું છૂટેલ ભાળીને દરબાર સમૈયાજીએ સાદ કર્યો, “કેર માડુ આય?” “સમૈયા માણેક! હકડી ઓરત અચી આય. હી બાઈ તો હીં ચુવેતી કે મુંજે તો સો નારીએર સમૈયા માણેક જે કપરામેં ઝોરણાં!” [એક ઓરત આવી છે, ને એ તો એમ કહે છે કે મારે તો સમૈયા માણેકના કપાળમાં એક સો નાળિયેર વધેરવાં છે.] પરદેશણ બાઈએ કહેવરાવ્યું, “બાપા! ભૂલ ભૂલમાં મારાથી જીભ કચરાઈ ગઈ છે. દીકરો નો’તો થાતો, તે માનતા કરી કે જો શામળોજી દીકરો દેશે તો દ્વારકાના દેવરાજા સમૈયાના કપાળે હું એકસો શ્રીફળ વધેરીશ. મેં તો જાણ્યું કે સમૈયો માણેક દેવ થઈ ગયા હશે અને એનો પાળિયો પૂજાતો હશે!” “નાર સમૈયા! તોજી માનતા! ફોડ હણે મથ્થો! દેવજા ડીકરા!” એમ કહી દાયરે દરબારની ઠેકડી આદરી. સમૈયાએ દાતણની ચીરો નીચે નાખી, મોઢું ધોઈ, દ્વારકાધીશની સામે હાથ જોડ્યા. ને પછી બાઈને કહેવરાવ્યું, “હલી અચ! મંઝી ધી! હલી અચ! તોજી માનતા પૂરી કર. હી મથ્થો ખુલ્લો જ રખી ડીઆંસી!” [હાલી આવ, મારી દીકરી! હાલી આવ. ને તારી માનતા પૂરી કર. આ માથું મેં ખુલ્લું જ રાખી દીધું છે.] એક સો શ્રીફળનો હંબાડ કરીને બાઈ ઊભી રહી. દીકરાને સમૈયાના પગમાં રમતો મૂક્યો. પહેલું શ્રીફળ ઉપાડ્યું, માણસ જેવા માણસના કૂણા માથાને પથ્થર માનીને શ્રીફળ પછાડવા જાતાં એનો હાથ આંચકો લઈ ગયો. ત્યાં તો સમૈયાએ બાઈને ફરી પડકારી, “અરે મંઝી ધી! અરે બેટડી! હી મથ્થેજી દયા મ રખ. ઝોર બરાબર!” બાઈએ શ્રીફળ પછાડ્યું. માથાને અડ્યા પહેલાં અધ્ધરથી જ ફટાકો બોલ્યો : શ્રીફળનાં બે કાચલાં જમીન ઉપર જઈ પડ્યાં. એક સો શ્રીફળ એ જ રીતે અધ્ધરથી જ ફૂટ્યાં. માનતાવાળી બાઈ “બાપા! બાપા!” કરતી સમૈયાનાં ચરણોમાં ઢળી પડી. “બાઈ! મંઝી મા! આંઉ ડેવ નાઈઆ. હી તો તોજે ધરમસેં થિયો આય.” [બાઈ! મારી મા! હું કાંઈ દેવ નથી. આ તો તારા પોતાના જ ધરમથી થયું છે.] એટલું બોલીને સમૈયાએ પોતાની દીકરી માનેલી એ બાઈને પહેરામણી દીધી. બાઈ ગાડું જોડી ચાલી ગઈ.

*

સમૈયાનો કુંવર મૂળુ માણેક કુફેલમાં ગરકાવ છે. એ માતેલા રાજકુંવરે વસ્તીની મરજાદ લોપવા માંડી છે. લોકોએ નગરશેઠ ઇંદરજીભાઈની પાસે રાવ પહોંચાડી. બુઢ્ઢો ઇંદરજી ડગુમગુ પગલે કચેરીમાં ગયો. શેઠને સાંભળતાં જ સમૈયાએ દોટ દીધી. “ઓહો કાકા! આપે અચણો ખપ્યો?” [આપને આવવું પડ્યું?] “હા, સમૈયા! બીયો ઇલાજ ન વો.” [બીજો ઇલાજ નહોતો.] “કાકા! ચ્યો, ફરમાવો.” “સમૈયા! હાથી હરાડો થિયો!” “કાકા, આંઉં બંધીનાસી.” [હું બાંધી લઉં છું.] હાથી હરાયો છે તો એને હું બાંધી લઈશ; એટલી જ સમસ્યા થઈ. ઇંદરજી શેઠ દુકાન પર ગયા ને દરબાર નાહીને મંદિરમાં પહોંચ્યા. પાંચ માળા ફેરવી. પછી બે હાથ જોડીને બોલ્યા : “હે ધજાવારા! તુંમે જો સાચ વે, તે મુંજો પુતર ત્રે ડિમેં મરે, નકાં આઉં મરાં!” [હે ધજાવાળા! તારામાં સાચ હોય, તો મારો પુત્ર ત્રણ દિવસમાં જ મરે, નહિતર હું મરું!] ત્રીજે દિવસે એ જુવાન દીકરા મૂળુને જમનાં તેડાં આવ્યાં.