સોરઠી બહારવટીયા - 2/ગીત સાવજડું

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ગીત સાવજડું

બળ કરી અતગ હાલીયો બોંશે
લાવું પવંગ જાણે ખુમાણું ના લોંચે
ખુમાણે દીધાં ભાલાં તરીંગમાં ખોંચે
ભોંયરા લગ આવીયો ભુંશે!

[અતિ મોટું સૈન્ય લઈને શેલો ખાચર ચડ્યો : 'મનમાં હતું કે જાણે જોગીદાસ ખુમાણનાં ઘોડાં ઝુંટવી લાવીએ. ત્યાં તો ઉલટાં, પોતાના ઘોડાંના તરીંગમાં જ ખુમાણોનાં ભાલાં ભોંકાયાં, એવાં ભાલાં ભોંકાયાં કે શેલો ખાચર ભોંયરગઢ સુધી ભાગતો આવ્યો.] જેસી તે હૈયે નો જાણ્યો અંગ એંકાર અધિકો આણ્યો આગળ ખુમા તણો હતો અલેણો (ત્યાં) માથે આવિયો દુસરો મેણો! [હૃદયમાં કાંઈ વિચાર ન કર્યો. અંગમાં વધુ પડતો અહંકાર આણ્યો. અગાઉ ખુમાણો સાથે અલેણું તો હતું જ, ત્યાં વળી આ બીજું મેણું માથા પર આવ્યું.] ખાચર ખેાટ દૂસરી ખાયો ઝાળે ખુમો ભાણ જગાયો કૂડું શેલા કામ કમાયો ગરમાં જઈને લાજ ગુમાયો! [હે શેલા ખાચર! તે બીજી વાર ખેાટ ખાધી. તેં ઝાડીમાં જઈને ભાણ ખુમાણ સમા સિંહને જગાડ્યો. તે બહુ બુરૂં કામ કર્યું . ગિરમાં જઈને તેં લાજ ગુમાવી.] ધરપત થીયો સબે ધુડધાણી રાખી મેલ્યા ડોડ રામાણી માર્યા ફરતા ડોડ મોકાણી ઠરડ કાઢ્યો ભાલે ઠેબાણી! [હે ધરપતિ! તારૂં સર્વસ્વ ઘૂળધાણી થઈ ગયું. તારા ડોડાણી, મોકાણી અને ઠેબાણીઓને બહારવટીયાઓએ બહુ માર્યા.] આલણહરો કહું અલબેલો ખેલ જઈને બીજે ખેલો! ઝાટકીયો દસ ઘોડે ઝીલો છો વીસુંથી ભાગ્યો, શેલો! [આલા ખુમાણનો પૈાત્ર ભાણ જોગીદાસ તો અલબેલો છે: માટે હે ખાચરો! તમે બીજે કયાંઈક જઈને રમત રમો! દસ જ ઘોડે ભાણ જોગીદાસે ઝપાટો માર્યો, ત્યાં તો છ વીસુ (એકસો વીસ) ઘોડા સાથે શેલો ખાચર ભાગી નીકળ્યો.] “લ્યો બાપ! આ ગીત!” ગીત પૂરૂં થયું. શેલા ખાચરે આંખો લાલ કરી ગાંગાને કહ્યું “બારોટ! હવે જસદણમાં રે' તો ગા' ખા!” “ધુડ પડી મારા રહેવામાં!" કહીને ગાંગો ચાલી નીકળ્યો.