સોરઠી બહારવટીયા - 2/૧૬.

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૬.

સરકારનો હુકમ છૂટ્યો કે નગરનું રાજ્ય જાણી બુઝીને જ આભપરામાં બહારવટીયાને આશરો આપે છે. માટે જો નગરની ફોજ એને આભપરો નહિ છોડાવે, તો નગરનું રાજ ડલ થઈ જશે. જામના કારભારી ને વજીર લમણે હાથ દઈને વિચાર કરવા લાગ્યા. ઘણી ઘણી વિષ્ઠિ ઘૂમલીના ડુંગર ઉપર જામ રાજાએ મોકલી, પણ વિષ્ઠિવાળા લાચાર મ્હોંયે પાછા વળ્યા. જામે કચેરીમાં પૂછ્યું : “લાવો વષ્ટિવાળાઓને. બાલીયા રેવાદાસ! તમને શું કહ્યું?” “બાપુ! જામને ચરણે હથીઆર છોડવા વાઘેરો તૈયાર છે. પણ અંગ્રેજોને પગે નહિ.” “હાં. બીજું કોણ ગયું'તું?" “બાપુ, અમે પબજી કરંગીયો ને મેરામણ.” “શા ખબર?” “એજ : કહે છે કે આ જગ્યા નહિ છોડીએ. અમારી રોજીની વાત ગળામાં લઈને જામ જો ચારણ ભાટની જામીનગીરી આપે, તો જામના કૂતરા થઈને ચાલ્યા આવવા તૈયાર છીએ. પણ સરકારનો તો અમને ભરોસો નથી.” “કેમ?” “એકવાર હથીઆર છોડાવીને વિશ્વાસધાત કર્યો માટે!” “કેટલા જણ છે?” “પંદરસો હથીઆરબંધ : અરધ બંદૂકદાર, ને અરધા અાડ હથીઆરે." “શું કરે છે?” “જૂનો કોટ સમારે છે.” ફોસલાવવાની આશા છોડી દઈને દરેક મોટા મોટા રાજ્યે પોતપોતાની ફોજો ભેળી કરી. છ છ બાજુએથી ઘેરો ઘાલ્યો.