સોરઠી બહારવટીયા - 2/૩.

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

આવા પૂર્વજોના છેલ્લા બે નેકીદાર વારસદારોની આ વાર્તા છે. સીત્તેર વરસ ઉપર ત્યાં અમરાપર નામે નાનું ગોકળીયું ગામડું હતું. આજે ત્યાં ગામનો ટીંબો યે નથી. ગામની જગ્યા ઉપર જમીન ખેડાય છે : દ્વારકાથી દોઢ બે ગાઉ જ આઘે : એ અમરાપર ગામમાં જોધો માણેક અને બાપુ માણેક નામના બે ભાઈઓ, ઓખામંડળના વાઘેરોમાં ટીલાત ખોરડાના બે વારસો રહેતા હતા. રાજ તો ગાયકવાડ સરકારને હાથ ગયું છે. દ્વારકામાં પલટન પડી છે. ગામડે ગામડે પલટનનાં થાણાં થપાણાં છે. વાઘેર રાજાઓને ગાયકવાડે જીવાઈ બાંધી આપી છે. પણ હમણાં હમણાં તો અમરાપુરવાળા ટીલાતોને જીવાઈ મળવી યે બંધ પડી છે. ગાયકવાડનો સૂબો બાપુ સખારામ મદછક બનીને દ્વારિકાના મહેલમાં બોલે છે કે “કાય! વાઘેરાત મંજે કાય આહેત! [શું છે! વાઘેર બાપડા શી વિસાતમાં છે?]” એ ટીલાત ખોરડાની વાઘેરણો આજ પાદરેથી પાણીનાં બેડાં ભરીને ઓસરીએ હેલ્યો ઉતારે છે, પણ એનાં મોઢાંની લાલી આજ નોખી ભાતની બની ગઈ છે. મોઢાં ઉપર ત્રાંબાં ધગ્યાં દેખાય છે. ઓસરીમાં જ પોતાના ધણીઓ બેઠા છે. પણ મુખડાની લાલપનું કોઈ કારણ પણ બાઈઓને નથી પૂછતું. પરસેવે ટપકતાં લાલ નેત્રોવાળી વાઘેરણો છંછેડાઈને બોલી : “અસાંજા થેપાડાં આંઈ પર્યો! અને હણે આંજી પાઘડી અસાંકે ડ્યો!” [અમારી થેપાડાં (ધાધરા) તમે પહેરો. અને હવે તમારી પાઘડી અમને આપો.] બેય ભાઈઓનાં મ્હોં ઉંચા થયાં. જોધાએ ધીરે અવાજે પૂછ્યું કે “આજે શી નવાજૂની બની છે વળી?” “નવું શું થાય? રોજે રોજ થઈ રહ્યું છે ને! રજપૂતોને પાદર મોરલા મરે, ને રજપૂતાણીયુંનાં બેડાં કાંકરીએ વીંધાય: દાઢી મૂછના ધણીયું બેઠા બેઠા ઈ બધું સાંખી લ્યે!” “કોણે મોરલા માર્યા? કોણે કાંકરીઓ ફેંકી?” “બીજા કોણે? દ્વારકાના પલટન વાળાઓએ.” જોધાએ શિર નીચે ઢાળ્યું. પણ બાપુને અને એના દીકરા મુળુને તો ઝનૂન ચડવા લાગ્યું. ધીરી ધીરી ધમણની ફુંકે ઓચીંતો ભડકો થાય. તેમ ધીરે ધીરે વિચાર કરીને બાપ દીકરો ભભૂકી ઉઠ્યા.: “જોધો ભા! તોથી કીં નાઈ થીણું. અસાંથી સેન નાંઈ થાંદો. દ્વારકાં પાંજી આય, પલટણવાળેજી નાય! પાંજી રોજી બંધ કરી છડ્યું આય! પાણ પાંજો ગામ ગીની ગીંડો. [તારાથી કાંઈ નથી થવાનું. અને હવે અમારાથી સહન નથી થતું. દ્વારકા આપણી-આપણા બાપની છે, પલટણવાળાની નથી. શા માટે આપણી રોજી બંધ કરી? આપણે આપણું ગામ પાછું લેશું.]” “દ્વારકા પાંજી આય!” દેવળના ઘુમ્મટ જેવા જોદ્ધાના હૈયામાં પડઘો પડ્યો : “દ્વારકા પાંજી આય!" ઓહોહોહો! કેવો મીઠો પડઘો -! આખે શરીરે રોમરાઈ અવળી થઈ ગઈ. પણ ગરવો જોધો એ મમતાનો ઘુંટડો ગળી ગયો. એવે ને એવે ધીરે અવાજે એણે ઉત્તર દીધો કે “ભાઈ! વસઈ વાલેજા ચડાવ્યા મ ચડો. આજ પાંજે સેન કર્યા વન્યા બીયો ઇલાજ નાંય. હકડી ઘડીમેં પાંજા ચૂરા થીંદા. અચો, પાણ રામજીભાજી સલાહ ઘીનું [ભાઈ! વસઈવાળા વાધેરોના ચડાવ્યા ચડો મા. આજ આપણે સહન કર્યા વિના બીજો ઈલાજ નથી. એક ઘડીમાં આપણા ચૂરા થઈ જશે. ચાલો આપણે રામજી ભાની સલાહ લઈએ.] રામજી શેઠ નામે દ્વારકાનો ભાટીઓ હતો. અમરાપરવાળા વાધેરોનો સાચો ભાઈબંધ હતો. ડાહ્યા વેપારીએ આ ઉશ્કેરાયલા બાપ બેટાને ઠાવકી જીભે સલાહ આપી કે “ભાઈ, આજ લડવામાં માલ નથી. વસાઈવાળાના ચડાવ્યા ચડશો નહિ.” રોજ રોજ પલટનવાળાઓની આવી છેડ સાંખતા સાંખતા વાઘેર ટીલાતો બેઠા રહ્યા. પણ પછી છેવટે એક દિવસ સહન કરવાની અવધિ આવી ગઈ