સોરઠી બહારવટીયા - 2/૬.

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

વાઘેરોના સાથમાં આજ વેપારી રામજીભા ઘૂમી રહ્યો છે. રામજી શેઠ દ્વારકાનું ભૂષણ બન્યો છે. જોધો માણેકના એ દિલોજાન ભાઈબંધ પર જામપરામાંથી બાપુ સખારામનો સંદેશો આવ્યો કે “અમે ઘેરાઈ ગયા છીએ, ભૂખે મરીએ છીએ. કાંઈક અનાજ મોકલો.” રામજીભાએ જોધાને જાણ કરી. દાના દુશ્મન જોધાએ છાનામાના કહી દીધું કે “રામજીભા! કોઈ ન જાણે તેમ ખોરાકી મોકલી આપો, પણ જો વાઘેરોને વાત પહોંચશે તો મારો ઈલાજ નથી. વન વનની લકડી આજ ભેળી થઈ છે.” કિલ્લા બહાર રામજી શેઠની બે વખારો હતી, તેમાંથી ખોરાક મોકલાવા લાગ્યો. પણ વાઘેરોને ખબર પડી ગઈ કે દુશ્મનોને ખોરાક જાય છે. ગાંડા વાઘેરો રામજીની વખારો તોડી તોડીને માલ ફગાવવા લાગ્યા. ત્યાં રામજી શેઠનો દીકરો લધુભા દોડતો આવ્યો. એની કૂહાડી જેવી જીભ ચાલી : “એ મછીયારાવ! આંકે રાજ ખપે? જ જો ખાવતા તીંજો ખોદોતા? (એ માછીમારો! તમને તે રાજ હોય? જેનું ખાઓ છો એનું જ ખોદો છો? ) " “લધુભા! તું ભલો થઈને જબાન સંભાળ! અટાણે દીકરાનાં લગન નથી, પણ લડાઈ છે.” એ રીતે વાઘેરોએ એને ઘણો વાર્યો, પણ લધુભા ન રહી શક્યો. ગાળોની ઝડી વરસાવવા લાગ્યો. ઝનૂને ચડેલા વાઘેરો : અને સામે એવો જ કોપેલો વાણીઓ : બીજું તો કાંઈ ન થઈ શકે, એટલે લધુભાને બાંધી, એના પગમાં બેડી પહેરાવી, મંદિરના કિલ્લામાં, શત્રુઓનાં મૂડદાંની સાથે એને પૂરી દીધો. કિલ્લાનો બંદોબસ્ત કરીને જોધો જમવા આવ્યો : રામજીભાને ઘેરે જ એ રોજ રોટલા ખાતો. આજ ન્હાઈને પાટલે બેસે છે ત્યાં એને યાદ આવ્યું : “રામજીભા! લધુભા કેમ ન મળે!" “ક્યાંક ગયો હશે. તું તારે ખાઈ લે ભાઈ!” “હું શી રીતે ખાઉં? તારો દીકરો ન જડે ને મને અન્ન શે ભાવે? આ દાવાનળ સળગે છે એમાં કોને ખબર છે, શું થયું હશે?” જોધો થાળી ઉપરથી ઉઠી ગયો. લધુભાની ગોતે ચડ્યો. પતો મળ્યો કે એને તો કિલ્લામાં પૂર્યો છે. જોધાએ કિલ્લાનું તાળું તોડ્યું. લધુભાને બેડીઓમાં ઝકડાએલો જોયો. એના પગ લોહીવાળા દીઠા. જોધાને જોતાં જ લધુભાએ જીભ ચલાવી. જોધાએ એને વાર્યો: “એ લધુભા! ગુડીજો ટીલો તું ડીનો હો! તોજી જીભ વશ રાખ ભા! હીન ટાણે તો વન વનજી લકડી આય! [ગળીની કાળી ટીલી તું જ મને દઈશ ભાઈ! તું તારી જીભ વશ રાખ. અત્યારે તે આંહી વન વનની લાકડી ભેગી થઈ છે.]” જોધાને લાગ્યું કે આ ખાનદાન ભાટીઆનું કુટુંબ ક્યાંઈક કચરાઈ જશે : એને આંહીથી ખસેડી નાખું. અમરાપરથી બે ત્રણ ગાડાં મગાવી કિલ્લા બહાર જસરાજ માણેકના પાળીઆ પાસે ઉભાં રખાવ્યાં. પાંત્રીસ માણસોને હાથમાં નાળીએરના ઉલ્કા ઉપડાવી, દિશાએ જવાના બ્હાનાથી કિલ્લા બહાર કઢાવ્યાં. અમરાપર પોતાને ઘેર પહોંચતાં કર્યા. ફક્ત બુઢ્ઢા રામજી દાદો જ દ્વારકામાં રહ્યા. જોધાને ઘેરે ચાર પાંચ ભેંસો મળે છે. રામજીભાઈનાં છૈયાંછોકરાંને રોજ જોધાની વહુઓ દૂધપાક પૂરી કરીને જમાડવા લાગી છે. [અને આ વાત કરનાર, રામજી શેઠનો ૭૪ વર્ષનો પૌત્ર રતનશી શેઠ જે અત્યારે બેટમાં હયાત છે, તે કહે છે કે “મને આજ પણ એ દૂધપાક પૂરી સાંભરે છે.”]