સોરઠી સંતવાણી/જ્ઞાન-બાજી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


જ્ઞાન-બાજી

ચાલો સખી! પિયાજીની પાસ રે
ગન્યાનબાજી ખેલીએં;
પ્રેમમાં થઈ ચકચૂર રે
રંગરસ રેલીએં.
એ જી, પ્રીતિના પાસ લૈને હાથ રે
પ્રિયા સનમુખ નાખીએં;
સંતની સોગઠીઉં ચલાય
પ્રેમરસ ચાખીએં. — ચાલો સખી.
એ જી. રંગભર્યા રમીએં સારી રાત રે
નીંદરાને ત્યાં વારીએં;
કરીએં ન કૂડ કપટ રે
દૂર કરીને ડારીએ. — ચાલો સખી.
એ જી, તન મન ધન ને પ્રાણ રે
પિયાજીને આપે આલીએં;
અખંડ સુખ ને આનંદ રે
પિયા સંગે માલીએં. — ચાલો સખી.
એ જી, હારીએં તો રૈએં પિયાજીની પાસ,
જીતીએં તો જુગદીશને
રાખીએં પ્રાણની સાથ રે
પરહરી રીસને. — ચાલો સખી.
એ જી, લીજીએં તો અપાર આનંદ રે
ચોરાશીને વારીએં
ભરથ મોડ ચરણે રવિદાસ રે
એવા ધણીને ધારીએ. — ચાલો સખી.

[રવિદાસ]