સોરઠી સંતવાણી/ધૂનો ધરમ
ધૂનો ધરમ
હે વીરો! આ ધૂનો ધર્મ (પુરાતન ધર્મ) આબાદ રાખીને બોલજો. એના ગુણ ઘેરા ને ગંભીર છે. એનાં રહસ્યો આગમ ને અગોચર છે. આ પૃથ્વીનાં મંડાણ પાતાળે સ્થાપેલા સત્યરૂપી ફણીધરની ફેણ પર છે.
ધૂનો રે ધરમ એ…. આબાદ રાખી બોલજો રે જી
એના ઘેરા ઘેરા ગુણ ગંભીર;
અગમ ને અગોચર એ… વાતું વીરા, આઘીયું રે જી
સતની ફણ્યું એ… પતાળુંમાં થાપીયું રે જી,
તે પર માંડ્યાં પ્રથવી કેરાં મંડાણ,
દસ રે દિશામાં એ… દસ ડીગપાલ નોંધિયા રે જી
તોયે પ્રથમી સુપડાની જેમ સેવાય. — ધૂનો રે.
પાંચ રે મળીને જ્યારે પાટ થાટ પૂરિયા રે જી
અને એનું નામ ધર્યું રે નિજાર;
પરથમ ને સ્વરૂપ એ પારવતીજીએ પ્રગટીઉં રે જી
ત્યારે પ્રથમી થિરતાને થાટ.
આગમ ને અગોચર રે વાતું વીરા, આઘીયું રે જી.