સોરઠી સંતવાણી/ભેદ હે ન્યારા
ભક્તિ ભેદ હે ન્યારા
સંતો! ભક્તિ ભેદ હે ન્યારા રે…જી.
ભગવા કર કર લંગોટ ભિડાયા
શીષ મૂછ કેશ સમાર્યા રે…જી.
ભજન તંબુરા તારા ભાર વિનાના,
(જો) ઉર ના હોય ઉજિયારા
સંતો! ભક્તિભેદ હે ન્યારા રે…જી.
સુરતા ગગનમેં આંસન સાધો
શીલ સંતોષ સંસારા રે…જી.
મોહમમતાકું માર હઠાવો
મળે માલિક પ્યારા
સંતો! ભક્તિભેદ હે ન્યારા રે…જી.
કોણ ગુરુ કોણ ચેલા તેરા,
ઘટમેં જ્ઞાન ઉતારો રે…જી.
ગતાગતીકી ધૂન ચલ રહી સારી,
વામેં નહીં મૂરખ ટપારા —
સંતો ભક્તિભેદ હે ન્યારા રે…જી.
ગગન મંડળસે ગરુડ આયા,
ખેલ દેખાયા અપારા રે…જી.
માયા બિછાકર માયા હરી લીની
દુલભ કે’ ગુરુ મારા
સંતો ભક્તિભેદ હે ન્યારા રે…જી.
અર્થ : ભજનિક દુલભ કહે છે, કે હે સંતો ભક્તિનો ભેદ ન્યારો છે. ભગવાં પહેર્યાં, લંગોટી બાંધી, માથું ને મૂછ મૂંડાવ્યાં, કે તંબૂર બજાવી ભજન ગાયાં, પણ અંતરમાં અજવાળું થયા વગર એ બધું ભાવરહિત છે. સુરતા રૂપી ગગનમાં (કપાળ-પ્રદેશની ચિત્તની એકાગ્રતા કરનારી ઊંચી જગ્યામાં) આસન મેળવો, શીલ ને સંતોષ રાખો. મોહમમતાને મારી હઠાવો, તો જ પ્રભુ મળશે. કોઈ ગુરુ નથી, કોઈ ચેલો નથી, ખરું જ્ઞાન તો અંતરમાં ઉતારવાનું છે. આ જન્મ-મૃત્યુની ધમાલ ચાલી રહી છે, એમાં હે મૂરખ! સાર નથી. (‘ગગનમંડળથી ગરુડ આવ્યા’ વગેરે યોગવિદ્યાનાં રૂપકો છે.)