સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/સૌરાષ્ટ્રનું મહત્ત્વ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સૌરાષ્ટ્રનું મહત્ત્વ

ભાઈ પરમાનંદ કાપડિયા એના નિત્યના મધુર કટાક્ષોમાં મને સંભળાવે છે કે “સારું જ છે કે કુદરત પ્રતિની તારી આટલી પ્રબલ ઊર્મિલતાએ કાઠિયાવાડની બહાર જઈને પશ્ચિમ વગેરે બાજુનાં સૃષ્ટિસૌંદર્ય દીઠાં નથી. દીઠાં હોત તો ખરેખર તારું હૃદય ફાટી જ પડત. કાઠિયાવાડની આછીપાતળી પ્રકૃતિરચના અને સામાન્ય એવી પ્રાચીનતાઓ તને આટલો બહેકાવી મૂકે છે, તો પછી પશ્ચિમ તરફની ભવ્ય મૂર્તિઓ ને વનરાજીઓ સામે તારી છાતી સાબૂત રહી જ ન શકત!” આ વાત સાચી જ છે. સોરઠની લઘુતામાં પણ હું અતિશય રાચું છું. મમત્વનો માર ખરેખર વસમો છે. પરંતુ એ શું છેક મમત્વ જ છે? આંહીં ‘એભલ મંડપ’ અને સાણા જેવા પ્રાચીન બૌદ્ધ વિહારો પડ્યા છે તેનું કેમ? મારા એ પ્રવાસમાં સાણા નામના ડુંગરમાં અખંડ પહાડમાં જ કૈં વર્ષો પૂર્વે કોરી કાઢેલી પચાસ-સાઠ સરસ ગુફાઓ તથા મીઠાં મોતી જેવાં નિર્મળ પાણીનાં મોટાં ટાંકાં, અંદરના એક ખંડમાં ઊભેલો બૌદ્ધ ધર્મનો સ્તૂપ વગેરેનો બનેલો એ સુંદર બૌદ્ધવિહાર આ પત્ર લખતી વેળા મારાથી વિસરાતો નથી. આ જગ્યાનો મોહ તો મને ‘સૌરાષ્ટ્રની રસધાર’ ભાગ પાંચમો લખતી વેળાથી જ લાગ્યો હતો. ‘દેહના ચૂરા’ નામની એ પુસ્તક માંહેલી પ્રેમકથાના દુહાઓમાં રાણા નામનો રબારી પ્રેમિક સાણા ડુંગર પર રહેલો હોવાની વાત પૂછતાં, ચારણ મિત્ર દુલા ભગતે મને એ ગુફાઓનું વર્ણન આપેલું તે મેં એમના પરના વિશ્વાસે જ લખેલું; પરંતુ એમના વર્ણનમાં અતિશયોક્તિ રખેને હોય, એવી ઊંડી શંકા રહ્યા કરતી હતી. વળી ગીરના એ પ્રદેશની સાથે જડાયેલી અનેક સ્નેહકથાઓએ અને વીરકથાઓએ મને સ્વપ્નમય વાતાવરણથી કેટલાક દહાડાનો ઘેરી લીધેલો હતો. એટલે એ મોકો મળતાં ચારણ કવિ મિત્ર દુલા ભગતની નાનકડી સેનામાં શામિલ થઈ, રાજુલા ગામથી પરોઢનાં ચાંદરડાંને અજવાળે અમે અસવારી ઉપાડી.