સૌરાષ્ટ્રની રસધાર ભાગ-4/તેગે અને દેગે

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
તેગે અને દેગે

જમનાજીના કિનારા ઉપર ધેનુઓનાં ધણ ચરાવતાં ઊભેલા કૃષ્ણ બોલ્યા કે : “એલા ગોવાળિયાવ! હાલો મારી હારે.” “ક્યાં?” “સોરઠમાં.” “કેમ?’ “દ્વારકાનું રાજ અપાવું.” રૂપાના કોટ અને સોનાના કાંગરાવાળી દ્વારકા નગરીના રાજની આશાએ ગોકુળ-મથુરાના આહીરો અને ભરવાડો ઉચાળા ભરી, ગોવાલણોને લઈ, ગોધાને માથે ઉચાળા નાખી, ધેનુઓનાં ધણ હાંકતાં હાકતાં, મહારાજની વાંસે વાંસે હાલી નીકળ્યા. પણ માર્ગે મરુભોમકા આવી. ઊનાં ઊનાં રેતીનાં રણ વીંધવાં પડ્યાં. કપટબાજ કાનુડાને ગાળો દેવામાં ગોવાળિયાઓએ બાકી ન રાખી. ત્યાં તો હાલારમાં મચ્છુકાંઠો દેખાયો. માથે અષાઢીલા મેઘ મંડ્યા. નાની નાની ડુંગરીઓ, લીલુડાં ઓઢણાં ઓઢીને ગોપીઓ વૃન્દાવનમાં રમવા નીકળી હોય તેવી હરિયાળી બની ગઈ. ગોવાળ, ગોવાલણો અને ગૌધન આ ભોમકા ભાળીને ગાંડાંતૂર બની નાચી ઊઠ્યાં. સહુએ ભેળાં થઈને ડાંગો ઉગામી કરસનજી મહારાજને સંભળાવ્યું કે “આંહીંથી એક ડગલુંયે નહિ દઈએ. હવે જો કાંઈ બોલ્યો છો ને તો તને ડાંગે ડાંગે પીટશું.” “અરે મૂરખાઓ, હાલો તો ખરા! હજી સોરઠના હિલોળા તો આગળ આવશે.” “આંહીંથી ડગલું દે, ઈ તારો દીકરો!” “ગંડું થાવ મા. રાજપાટ અપાવું.” “ઇંદ્રાસન અપાવ તોય નથી જોતું.” દોટ મેલીને કૃષ્ણે આહીરો અને રબારીઓની છાતી ઉપર અક્કેક ધબ્બો લગાવી દીધો, અને વરદાન દીધું કે — “જાઓ, નાદાનો! આપણા સંગાથની લેણાદેણી પૂરી થઈ ગઈ. પણ જ્યાં સુધી મારો તમને ભરોસો રહેશે, ત્યાં સુધી તો જુગે જુગે હું તમારી તેગે ને દેગે હાજર રહીશ. તમારી તરવારને લાજવા નહિ દઉં અને ભોજનનો તૂટો પડવા નહિ દઉં. તરવારમાં શૌર્ય પૂરીશ અને ભોજનમાં સૅ પૂરીશ.”  મચ્છુને કાંઠે એવું વરદાન મળ્યાને આજ તો પાંચ હજાર ચોમાસાં વીત્યાં. સોરઠમાં આહીરનો એક પણ દીકરો જે ગામમાં જીવતો હશે તે ગામને ભાંગીને કોઈ પણ શત્રુઓનું ધાડું કોરું-ધાકોર ગયું નથી. આહીર બચ્ચો તરવાર તો તરવાર અને લાકડી તો લાકડી લઈને દોડ્યો છે. આજે એવા હજારોમાંથી એક આહીરનાં પરાક્રમ કહીએ : સંવત 1848માં ભાવનગરના ભોપાળ આતાભાઈની ચિત્તળ ઉપર ચડાઈ ચાલે છે. ગોહિલોનું આખું કુળ ઠાકોરની સખાતે આવી ઊભું છે. હથિયાર બાંધી જાણનારા બીજા વર્ણોએ પણ ગોહિલનાથનું પડખું લીધું છે. એક મહિનો, બે મહિના, ત્રણ, અને છ મહિનાના સૂરજ ઊગી ઊગીને આથમ્યા, પણ ચિત્તળના ઘેરાનો અંત આવતો નથી. કાઠીઓના કોટની કાંકરીયે ખરતી નથી. ચિત્તળના દરવાજેથી વછૂટતી તોપોના ગોળાનો માર ગોહિલોથી ખમાતો નથી. થાકેલા આતાભાઈ માથું ઢાળીને છાવણીમાં બેઠા છે. “છે એવો કોઈ બેમાથાળો આ દાયરામાં જે દોટ મેલીને કાઠીઓની તોપોના કાનમાં ખીલા ઠોકી આવે?” એમ બોલતાં બોલતાં આતાભાઈએ આખી મેદની ઉપર આંખ ફેરવી લીધી. “બાપુ!” વાચાણી અને દેવાણી વીરો હોકારી ઊઠ્યા : “મરવાની બીક નથી, પણ તોપોની સામે ચાલીને શું કરીએ? તોપોની પાસે પહોંચીએ તો જ ખીલા જડાય ને!” “સાચી વાત છે, ભાઈ! નવલખા શૂરવીરોને હું મફતના ફૂંકાવી નાખવા નથી માગતો.” “ઊભા રે’જો, બાપુ!” એટલું બોલતો બોલતો દાયરાના આઘા આઘા ખૂણામાંથી એક આદમી ઊભો થયો. “હું જ એ બીડું ઝડપું છું. જો જીવતો પહોંચીશ તો તોપોને ખોટવી નાખું છું. અને જો વચ્ચેથી જ મર્યો, તો તમારાં નામ ઉપરથી ઘોળ્યો! મારે તો બેય વાતે મજો છે. લાવો બીડું, બાપુ!” “તારું નામ?” “જાદવ ડાંગર.” “જાતે?” “આયર.” “ગામ?” “લંગાળું.” “તું જઈશ? એકલો?” આતાભાઈએ પ્રીતિની નજર ઠેરવી. “એકલો? આયર એકલો હોય નહિ, બાપુ! એની તેગે ને દેગે ઇશ્વર આવે છે.” “ભાઈ, ઓરો આવ, આશિષ આપું.” જાદવે જઈને આતાભાઈના ચરણોમાં હાથ દીધા. એની પીઠ ઉપર થાપો મારીને ઠાકોરે રજા દીધી. “જા, બાપ! તારી ધારણા પૂરી કર. તારા પરિવારની ચિંતા કરીશ મા.” જાદવે ઘોડીને રાંગમાં લીધી. ભેટમાં ખીલા અને હથોડી બાંધ્યા. કેડે તરવાર અને ખોભળે ભાલો ભેરવ્યો. મોરલીધરનું નામ લઈને સમીસાંજે કાઠીઓની તોપો સામે ઘોડી દોડાવી. સામે કાઠીઓની ધૂંવાધાર તોપો ફૂટે છે. ધુમાડા ગોટેગોટ વળીને ગૂંગળાવી રહ્યા છે. આંખો કંઈ ભાળતી નથી. તોય જાદવની ઘોડી તો ઝીંક્યે જ જાય છે. આવ્યો! આવ્યો! આવ્યો! આયર લગોલગ આવ્યો તે ઘડીએ ગોલંદાજોએ ભાળ્યો. ભાળતાં ભે ખાઈ ગયા, ત્યાં તો જાદવ ડાંગરની તરવારનો અક્કેક ઝટકો અક્કેક ગોલંદાજનું માથું લઈ લ્યે છે અને અક્કેક તોપના કાનમાં ખીલો ઠાંસે છે. પછી બીજો ઝટકો, બીજું માથું, અને બીજી તોપનો ખીલો : એમ ત્રીજી, ચોથી અને પાંચમી તોપોના કાન પૂરીને જાદવે ઘોડી વાળી ગૂંગળાતો, દાઝતો, લોહીમાં નીતરતો આહીર આતાભાઈની પાસે પહોંચ્યો. બાપ દીકરાને તેડે એમ ઠાકોરે જાદવને બાથમાં ઉપાડી લીધો. તે પછી આતાભાઈનો હલ્લો થતાં કાઠીઓ નાઠા.

તગડ ઘોડે રોઝ ત્રાઠા,
કુંપડો કે’ જુઓ કાઠા,
નોખાનોખા જાય નાઠા.

આજ જાદવ ડાંગરના વંશવારસો આતાભાઈની બક્ષેલી ત્રણસો વીઘાં જમીન ખાય છે.