સ્ટેચ્યૂ/પ્રસ્તાવના
નિબંધનું સાહિત્ય સ્વરૂપ એવું છે કે જેનું આકર્ષણ વિસ્મયની આંખોને રહ્યા કરે છે. પહેલો નિબંધ મેં ક્યારે લખ્યો હશે તે યાદ નથી પણ એટલું ચોક્કસ કે નિબંધના સાહિત્ય સ્વરૂપે મારી તોતડી ભાષાને બોલતી કરી છે. નિબંધ એટલે વિચારોના હારબંધ ગોઠવેલા ચોસલાઓ નથી. નિબંધ એટલે તર્ક નિસરણી લઈને વૃક્ષ ઉપર ચડવાનો ઉદ્યમ નથી. નિબંધ એટલે શૈલીવેડા નથી. મારા મનમાં નિબંધનો કન્સેપ્ટ એવો છે કે વિસ્મય મને આંગળી પકડીને લઈ જાય છે ત્યાં હું જાઉં છું. પછી એ શિશુ અવસ્થા હોય કે પછી કોઈ સાંભળેલા પ્રસંગનો વૈચારિક ઝટકો કે ચિત્તક્ષોભ હોય. ગુજરાતી સાહિત્યમાં નિબંધની આગવી પરંપરા છે. મારા અત્યંત પ્રતિભાવંત પૂર્વાચાર્યોએ નિબંધના સ્વરૂપને ખૂબ સમૃદ્ધ કર્યું છે. મારા ચિત્તમાં જે નિબંધની વિભાવના છે તે અમુક સંસ્કારોથી ઘડાયેલી છે. નિબંધના કેન્દ્રમાં સંવેદન છે, વિચાર નથી. સંવેદનની તીવ્રતા એવી છે કે તેની પાછળ ભાષા આપોઆપ ખેંચાતી આવે છે. શબ્દ શોધવા માટે મારે પરિશ્રમ કરવો પડતો નથી. સ્ટેચ્યુના નિબંધો મારું પોતાનું ભાવવિશ્વ છે. સ્ટોપ હિયર ઓર જેન્ટલી પાસ. નિબંધલેખનમાં કંડિશન માઇન્ડ ચાલતું નથી. શાળા-મહાશાળાઓમાં લખાવાતા નિબંધોમાં પણ મુદ્દાઓનાં અનેક સ્પીડબ્રેકરો રાખવામાં આવે છે. જેથી નિબંધ લખનાર વિદ્યાર્થી પોતાની ગતિથી નથી ચાલતો, પણ સ્પીડબ્રેકરોએ નિયત કરેલી મંથર ગતિથી ચાલે છે. મને આ ગતિ કદાચ માફક ન પણ આવે. બીજા કેટલાક વિદ્ગ્ધ જનોને મારી ગતિ પણ માફક ન આવે. આપણે સંતરાને સફરજન ન હોવા માટે ધમકાવી શકતા નથી. સંતરું એ સંતરું છે, સફરજન એ સફરજન છે. આપણા વિવેચનમાં નિબંધ સાહિત્યનો ખૂબ મહિમા કરવામાં આવ્યો છે પણ નિબંધો વિશે જે વિવેચનો થયા છે તેમાં ભાષાની નવી કોઈ તાજગી જોવા મળતી નથી. અભિપ્રાય ઉચ્ચારણથી વાત આગળ વધતી નથી. ઉમાશંકર જોશીએ બહુ માર્મિક વિધાન કર્યું હતું કે (હું જ્યારે કોઈ પુસ્તક વાંચું છું ત્યારે સર્જકની ચાલે ચાલું છું. મારી પોતાની ચાલ બતાવવાની ચેષ્ટા કરતો નથી.) મને લાગે છે કોઈ પણ સાહિત્ય સ્વરૂપ પાસે જઈએ ત્યારે સર્જકની ચાલે ચાલવું જોઈએ તો જ કૃતિનો આસ્વાદ નિરામય રીતે લઈ શકાય. સ્ટેચ્યૂના નિબંધોને અનેક ભાવકોએ અત્યંત ઉમળકાથી આવકાર્યા છે. કેટલાક નિબંધો તો મરાઠી અને હિન્દી ભાષામાં અનુવાદિત થઈને પરભાષી ભાવકોને પણ આકર્ષી શક્યા છે એનો મને અપાર આનંદ છે. મારા નિબંધોને સર્વ પ્રથમ પ્રેમ કરનાર સુરેશ દલાલની સહૃદયતાને હું વીસરી શકતો નથી. સ્ટેચ્યૂ નિબંધસંગ્રહની નવી આવૃત્તિ નવભારત સાહિત્ય મંદિર તરફથી પ્રસિદ્ધ થઈ રહી છે ત્યારે મારો આનંદ બેવડાય છે. પુસ્તક પ્રકાશનની બાબતમાં હું અત્યંત ઉદાસીન માણસ છું પણ નવભારત સાહિત્ય મંદિરના ધનજીભાઈ તથા અશોકભાઈ એવા સહૃદય મિત્રો છે કે જેની જોહુકમી સામે અમે પરાજિત થઈ જઈએ છીએ. અશોકભાઈ અને ધનજીભાઈનો હું હૃદયપૂર્વક આભાર માનું છું.