સ્વાધ્યાયલોક—૧/પઠન

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પઠન

કવિતા, નાટક, નવલકથા, વાર્તા, નિબંધ આદિ સહિત્ય એ વાણીની કળા છે. એથી એ શ્રાવ્ય કળા છે. મુદ્રણયંત્રની શોધ પછી એના ગ્રંથસ્થ મુદ્રિત સ્વરૂપ દ્વારા અને પ્રત્યેક ગ્રંથની અનેક પ્રતો દ્વારા સાહિત્યનો, અલબત્ત, વ્યાપક પ્રચાર થયો છે. પણ એથી એ દૃશ્ય કળા નથી, એ પૂર્વવત્ શ્રાવ્ય કળા જ છે. મુદ્રણયંત્રની શોધ પછી હવે આપણી યુગમાં ધ્વનિમુદ્રણયંત્રની શોધને કારણે સાહિત્યના પઠનનો પણ એટલો જ વ્યાપક પ્રચાર શક્ય થયો છે. સારાભાઈ પ્રતિષ્ઠાન આ મહાન શક્યતાથી સંપૂર્ણ સભાન છે. એથી ગુજરાતી સાહિત્યના પઠનનો વ્યાપક પ્રચાર થાય એટલું જ નહિ પણ સાહિત્યકારોના સ્વમુખે એમના સાહિત્યનું પઠન. સાહિત્યરસિકોને સુલભ થાય એ માટે સારાભાઈ પ્રતિષ્ઠાન ગુજરાતમાં સર્વપ્રથમ પ્રવૃત્ત થયું છે. સાહિત્યનું પઠન એક કળા છે. શ્રમસાધ્ય અને કષ્ટસાધ્ય કળા છે. વળી સાહિત્યનું સર્જન કરવું અને સાહિત્યનું પઠન કરવું એ બન્ને સ્વતંત્ર કળા છે. એથી જ સાહિત્યનું પઠન કરવા માટે સ્વતંત્ર કલાકારો, પાઠકો હોય છે. ક્યારેક સાહિત્યકાર સ્વયં ઉત્તમ પાઠક પણ હોય છે. છતાં શક્ય છે કે સાહિત્યકાર પોતાના જ સાહિત્યનો ઉત્તમ પાઠક ન પણ હોય. છતાં ત્યારે પણ એના પઠનનું સવિશેષ મૂલ્ય હોય છે. સાહિત્યકૃતિનું સર્જન થાય તે સમયે એટલે કે એ ભાવક સમક્ષ પ્રગટ થાય તે પૂર્વે તો સાહિત્યકાર જ એ સર્જનપ્રક્રિયાનો, એ સર્જનપ્રક્રિયાના સમયના વિકલ્પો અને નિર્ણયોનો એકમાત્ર સાક્ષી હોય છે. એથી સાહિત્યકાર જ્યારે પોતાના સાહિત્યનું પઠન કરે છે ત્યારે એ આ અનન્ય સંદર્ભમાં પઠન કરે છે. સાહિત્યનું પઠન એ માત્ર પઠન નથી પણ એ સાહિત્યનું અર્થઘટન પણ છે. એથી સાહિત્યકાર જ્યારે પોતાના સાહિત્યનું પઠન કરે છે ત્યારે એના આરોહ-અવરોહ, સ્વરભાર, કાકુ, વિરામ, મૌન આદિ દ્વારા સાહિત્યનું એનું આગવું એવું અર્થઘટન પણ કરે છે. સાહિત્યકારની સમક્ષ એના સાહિત્યની જે વ્યક્તિતા છે, જે આકૃતિ છે, કલાકૃતિ છે તે આ પઠન દ્વારા જ પ્રગટ થાય છે. એથી સાહિત્યને આ સવિશેષ પરિમાણ પ્રાપ્ત થાય છે. સાહિત્યની આ વિશિષ્ટ મુદ્રા આ પઠન દ્વારા જ સાહિત્યરસિકોને સુલભ થાય છે. (સારાભાઈ પ્રતિષ્ઠાન, અમદાવાદના ઉપક્રમે સર્જકોના સ્વમુખે સ્વરચિત સાહિત્યકૃતિઓના પઠનની કેસેટ્સ તૈયાર કરવાના કાર્યક્રમ નિમિત્તે પ્રાસંગિક નોંધ. ૧૯૮૪)

*