સ્વાધ્યાયલોક—૫/પ્રેમાનંદ અને ચૉસર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પ્રેમાનંદ અને ચૉસર

સાહિત્ય અકાદમી, દિલ્હી અને ગુજરાતી સાહિત્ય પરિષદના સંયુક્ત ઉપક્રમે ‘પ્રેમાનંદ’ વિશેના પરિસંવાદની આ ચોથી બેઠકમાં અધ્યક્ષ તરીકે સહભાગી થવાનું આમંત્રણ આપવા માટે આ બન્ને સંસ્થાઓનો હૃદયથી આભાર માનું છું. આ ચોથી બેઠકનો વિષય છે. ‘પ્રેમાનંદ — તુલનાત્મક પરિપ્રેક્ષ્ય’. ૧૯૪૬-૪૮ — બી. એ.નાં બે વરસોમાં ચૉસરની ‘The Canterbury Tales’માંથી ‘The Prologue’ અને ‘The Clerk’s Tale’નો અભ્યાસ કરવાનું થયું હતું. ૧૯૫૮થી ૧૯૭૫ લગી ‘The Prologue’ અને કેટલીક અન્ય ‘Tales’નું અધ્યાપન કરવાનું થયું હતું ત્યારે એ નિમિત્તે એમનો વધુ અભ્યાસ કરવાનું થયું હતું. ૧૯૪૬ પૂર્વેથી શાળામાં હતો ત્યારથી આજ લગીમાં પ્રેમાનંદના આખ્યાનો — સવિશેષ તો ‘સુદામાચરિત્ર’, ‘મામેરું’ અને ‘નળાખ્યાન’નો વારંવાર નિજાનંદે આસ્વાદ કરવાનું થયું હતું. માત્ર અંગ્રેજી સાહિત્યમાં જ નહિ પણ જગતસાહિત્યમાં કથાકાવ્યો (Po-etic Tales)ના સર્વશ્રેષ્ઠ સર્જક એવા ચૉસર અને ગુજરાતી સાહિત્યમાં આખ્યાનકાવ્યોના સર્વશ્રેષ્ઠ સર્જક એવા પ્રેમાનંદમાં થોડુંક અસામ્ય પણ ઝાઝું સામ્ય છે એવો સતત અનુભવ થયો હતો. એથી ક્યારેક આ બન્ને કવિઓની સર્જકપ્રતિભાનો તુલાનાત્મક પરિપ્રેક્ષ્યમાં અભ્યાસ થાય એવી વરસોથી ઇચ્છા હતી. આજે અહીં આ પરિસંવાદ નિમિત્તે આ ક્ષણે સમયમર્યાદાને કારણે આ સામ્ય-અસામ્ય પ્રત્યે માત્ર એક ઇશારો કરવાનો અને એટલાથી જ સંતોષ માનવાનો ઉપક્રમ છે. ચૉસરનો સમય ૧૪મી સદીનો ઉત્તરાર્ધ, પ્રેમાનંદનો સમય ૧૭મી સદીનો ઉત્તરાર્ધ. ચૉસરનું ૬૦ વર્ષનું આયુષ્ય, જન્મ ૧૩૪૦માં અને અવસાન ૧૪૦૦માં. પ્રેમાનંદનું પણ ૬૦ વર્ષનું આયુષ્ય, જન્મ ૧૬૪૦માં અને અવસાન ૧૭૦૦માં. બન્ને વચ્ચે બરોબર ત્રણ સદીનું અંતર. સ્થળનું અંતર તો એથીયે વિશેષ. વળી સમાજ અને સંસ્કૃતિનું અંતર તો સૌથી વિશેષ. છતાં બન્ને વચ્ચે કવિતાનું અંતર ઓછામાં ઓછું. કવિ પ્રેમાનંદ કવિ ચૉસરની બહુ નિકટ છે. માત્ર ગુજરાતમાં કે ભારતમાં નહિ પણ જગતમાં બહુ ઓછા કવિઓ પ્રેમાનંદની જેમ ચૉસરની આટલા નિકટ હશે. ચૉસરનું કવિજીવન ૧૩૬૯થી ૧૪૦૦ લગીનું, લગભગ ૩૦ વર્ષનું; પ્રેમાનંદનું કવિજીવન ૧૬૭૧થી ૧૭૦૦ લગીનું, લગભગ ૩૦ વર્ષનું. ચૉસરનાં ૧૭ લઘુમધ્યમ કદનાં કાવ્યો અને ૬ દીર્ઘ કદનાં કાવ્યો એમ કુલ ૨૩ કાવ્યો, ઉપરાંત એક ફ્રેન્ચ કાવ્યનો પદ્યાનુવાદ તથા એક લૅટિન ચિન્તનગ્રંથનો ગદ્યાનુવાદ અને આકાશવિજ્ઞાન વિશેનો એક લઘુ ગદ્યગ્રંથ અસ્તિત્વમાં છે. પ્રેમાનંદનાં ૧૨ લઘુમધ્યમ કદનાં કાવ્યો અને ૧૪ દીર્ઘ કદનાં કાવ્યો એમ કુલ ૨૬ કાવ્યો અસ્તિત્વમાં છે. ચૉસરનાં મુખ્ય કથાકાવ્યો છે : ‘The Book of the Duchess’, ‘The House of Fame’, ‘Troilus and Griseyde’, ‘The Parliament of Fowls’, ‘The Legend of Good Women’ અને ‘The Can-terbury Tales’. પ્રેમાનંદનાં મુખ્ય આખ્યાનકાવ્યો છે : ‘ઓખાહરણ’, ‘ચન્દ્રહાસ આખ્યાન’, ‘હૂંડી’, ‘સુદામાચરિત્ર’, ‘મામેરું’, ‘નળાખ્યાન’, ‘રણયજ્ઞ’ અને ‘દશમસ્કંધ’. ચૉસરનાં કાવ્યોની રચનાસાલ નિશ્ચિત નથી, એથી કાવ્યોનો ક્રમ પણ નિશ્ચિત નથી. એમાં અપવાદરૂપ ‘The Book of the Duch-ess’ની રચના સાલ ૧૩૬૯ નિશ્ચિત છે. આ કાવ્ય ચૉસરનું પ્રથમ કાવ્ય હોય એવો સંભવ છે. પ્રેમાનંદનાં કાવ્યોની રચનાસાલ પણ નિશ્ચિત નથી, એથી કાવ્યોનો ક્રમ પણ નિશ્ચિત નથી. એમાં અપવાદરૂપ ‘મદાલસા આખ્યાન’ની રચનાસાલ ૧૬૭૨ નિશ્ચિત છે. આ કાવ્ય પ્રેમાનંદનું પ્રથમ મહત્ત્વનું કાવ્ય હોવાનો સંભવ છે. ચૉસરે બાળવયે ૧૩૫૭ પૂર્વે લંડનમાં સેન્ટ પૉલની શાળામાં સામાન્ય પ્રાથમિક શિક્ષણ અને પછી યુવાનવયે ૧૩૬૮ પૂર્વે લંડનમાં હૉબર્નમાં ઈનર ટૅમ્પલમાં ધારાશાસ્ત્રનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. પણ ચૉસરે કોઈ મહાન વિદ્વાનમાં હોય એવું અને એટલું સ્વૈચ્છિક અનૌપચારિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. ૬૦ ગ્રંથોનો એમનો અંગત સંગ્રહ હતો. ઑક્સફર્ડ-કેમ્બ્રિજમાં પણ ત્યારે એટલો સંગ્રહ ન હતો. એક માત્ર કેન્ટરબરીમાં ત્યારે ૭૦૦ ગ્રંથોનો ઇંગ્લંડનો સૌથી મોટો સંગ્રહ હતો. લગભગ જીવનભર એમણે ખાનગી અને જાહેર જીવનની સેવાઓ અને જાતભાતના વ્યવસાયોની વચ્ચે રોજ મધરાત લગી ફ્રેન્ચ, ઇટાલિયન, લૅટિન, એંગ્લો-નોર્મન આદિ પ્રાચીન તથા અર્વાચીન કવિઓનાં પ્રશિષ્ટ કાવ્યોનું વાચનમનન કર્યું હતું. એમનાં કાવ્યોમાં ડગલે ને પગલે એની પ્રતીતિ થાય છે. પ્રેમાનંદે પણ ઔપચારિક શિક્ષણ ભાગ્યે જ પ્રાપ્ત કર્યું હોય. પણ એમનો જન્મ વડોદરા જેવા નગરમાં મેવાડ ચોવીસા બ્રાહ્મણ કુટુંબમાં કૃષ્ણરામ ભટ્ટના ઘરમાં થયો હતો. એટલે એ આરંભથી જ બહુશ્રુત વિદ્વાન હોય. એમણે પ્રાચીન સંસ્કૃત કવિઓનાં પ્રશિષ્ટ કાવ્યોનું વાચનમનન તથા અર્વાચીન પૂર્વકાલીન ગુજરાતી કવિઓનાં કાવ્યોનું શ્રવણમનન કર્યું હતું. એમનાં કાવ્યોમાં ડગલે ને પગલે એની પ્રતીતિ થાય છે. ‘દશમસ્કંધ’ તો એમણે સંસ્કૃતમાં ભાગવત જાણે સાક્ષાત એમની સન્મુખ હોય એમ રચ્યો છે. જેફ્રી ચૉસર લંડનના સુખસંપન્ન ઉચ્ચ મધ્યમ વર્ગના વ્યવસાયે દારૂના વેપારી જ્હૉન ચૉસરના પુત્ર હતા. પિતાને શ્રીમંતકુટુંબો, રાજકુટુંબ તથા રાજસભા સાથે અંગત સંબંધ હતો. એથી ચૉસર આરંભમાં શ્રીમંતકુટુંબો તથા રાજકુટુંબમાં સેવક અને પછી આયુષ્યના અંત લગી સૈનિક, રાજદૂત, લોકસભાના સભ્ય, સીમાશુલ્ક અધિકારી, વનરક્ષા અધિકારી, રાજપ્રસાદ- રક્ષા અધિકારી આદિ ઉત્તરોત્તર વધુ ને વધુ ઉચ્ચ અધિકાર પદ પર નિયુક્ત થયા હતા. એમણે દેશમાં અને ફ્રાંસ, ઇટલી આદિ વિદેશોમાં અનેક વાર પ્રવાસ કર્યો હતો. આમ, એમને વિવિધ સ્થળે, વિવિધ સ્તરે, વિવિધ મનુષ્યોનો વિવિધ અનુભવ થયો હતો. એમના યુગના સૌથી પ્રબળ અને પ્રભાવશાળી એવા ઉમરાવ જ્હૉન ઑફ ગોન્ટ જીવનભર એમના મિત્ર અને આશ્રયદાતા હતા. જ્હૉનનાં ત્રીજા પત્ની કેથેરિનનાં ન્હાનાં બહેન ફિલિપ્પા સાથે એમનાં લગ્ન થયાં હતાં. એમના સમયના ઇંગ્લંડના ત્રણે રાજાઓ — ત્રીજા એડવર્ડ, બીજા રિચર્ડ અને ચોથા હેન્રી — ના તેઓ કૃપાપાત્ર હતા. એથી એમને અવારનવાર ભેટ-પ્રસાદ રૂપે દારૂ, વસ્ત્રો, ધન, વિશેષાધિકારો આદિ સુવિધાઓ સુલભ હતી. કવિતા એમના જીવનનિર્વાહનું સાધન ન હતી. આજીવિકા માટે એમને કોઈને કોઈ અન્ય સાધન સુલભ હતું. એથી જીવનભર એમને કવિતા કરવા માટે સમય અને શક્તિનો સંપૂર્ણ અવકાશ હતો. જાહેરજીવનમાં ઓતપ્રોત હતા છતાં એક પણ ખાનગી કે જાહેર દફતરનોંધમાં એમનો કવિ તરીકેનો ઉલ્લેખ થયો નથી. એટલા એ સ્વેચ્છાએ અજ્ઞાત અને અપ્રસિદ્ધ રહ્યા હતા. એમનાં કાવ્યોમાં પણ એમણે પોતાનો કદી ક્યાંય કવિ તરીકે કોઈ ઉલ્લેખ કર્યો નથી. એ પવિત્ર શબ્દ એમણે પ્રાચીન કવિઓ તથા ડેન્ટિ જેવા સમકાલીન કવિ માટે સુરક્ષિત અને આરક્ષિત રાખ્યો હતો. પોતાનો તો એમણે માત્ર ‘maker’ — કર્તા તરીકે જ ઉલ્લેખ કર્યો હતો. ‘The Canterbury Tales’માં પોતે પણ એક યાત્રિક છે, પાત્ર છે પણ પોતે જાણે કોઈ જાડા, જડ, ભોળા, ભોટ, ઠોઠ, ઠીંગુજી છે, મંદબુદ્ધિના મનુષ્ય છે એવું એમણે પોતાનું વર્ણન અને વર્તન કર્યું છે. એમણે યાત્રામાં યાત્રિકોનું નેતૃત્વ નથી કર્યું. એ વિશિષ્ટ કાર્ય અને વિશેષ સન્માન, ઉપરાંત કથાઓનું પરીક્ષણકાર્ય પણ એમણે લંડનના ઉપનગર સથર્કના ટેબાર્ડ ઇનના માલિક-યજમાન-હોસ્ટ હેરી બેઈલીને સુપ્રત કર્યું છે. હેરી બેઈલીની આજ્ઞા અનુસાર યાત્રામાં પ્રત્યેક યાત્રીએ લંડનથી કેન્ટરબરી જતાં બે કથા અને કેન્ટરબરીથી લંડન પાછાં આવતાં બે કથા એમ કુલ ચાર કથા કહેવાનું કર્તૃત્વ પણ એમણે ત્રીસ યાત્રિકોને સુપરત કર્યું છે. પોતે સૌ કથાઓના કર્તા હોવા છતાં જાણે કે પોતે માત્ર શ્રોતા ન હોય! અને જ્યારે એક યાત્રી તરીકે એમને કથા કહેવાનું થાય છે ત્યારે પદ્યમાં એક અપૂર્ણ કથા અને ગદ્યમાં એક કથાનો માત્ર સાર — એમ સૌથી નીરસ કથાઓ એમણે પોતાને મુખે કહેવડાવી છે. જાણે પોતાને કથા કહેતા આવડતું જ ન હોય! એમાં એમની નમ્રતા — પોતે સર્વસ્વ છે અને છતાં શૂન્ય છે એવી વિનમ્રતા પ્રગટ થાય છે. ૧૩૮૬–૮૮માં જ્હૉન જ્યારે સ્પેનમાં હતા ત્યારે લંડનમાં એમની અનુપસ્થિતિને કારણે એમનું સ્થાન કવિઓના નહિ પણ મામકાઓના મિત્ર અને આશ્રયદાતા એવા ડ્યુક ઑફ ગ્લોસ્ટરે ગ્રહણ કર્યું હતું. એથી ચૉસર લંડનમાં કૃપાભ્રષ્ટ થયા હતા. અને એમને કંઈક આર્થિક અગવડનો અનુભવ પણ થયો હતો. એથી એમણે લંડનનો તત્કાલ ત્યાગ કર્યો હતો અને લંડનની દક્ષિણપૂર્વમાં કેન્ટમાં ગ્રીનિચમાં નિવાસ કર્યો હતો. આ નિર્વાસન એમને માટે આશીર્વાદરૂપ સિદ્ધ થયું હતું. લંડનથી કેન્ટરબરી જવાના માર્ગ પર જ એમનો નિવાસ હતો. આ નિવાસસ્થાનમાંથી જ એમણે ત્યારે ઇંગ્લંડમાં પ્રતિવર્ષ એપ્રિલમાં જે પ્રચલિત હતી તે લંડન-કેન્ટરબરી યાત્રા અને યાત્રિકોનું એમણે દર્શન કર્યું હતું. પોતે પણ આ યાત્રાએ ગયા હોય! જેને કારણે ‘The Canterbury Tales’માં અત્યંત નાટ્યાત્મક એવી એક સુગ્રથિત કલાકૃતિની સુશ્લિષ્ટ એકતા સિદ્ધ થાય છે અને જેને કારણે ‘The Canterbury Tales’ જગત સાહિત્યમાં સર્વશ્રેષ્ઠ કથાકાવ્યસંગ્રહ સિદ્ધ થાય છે એ યાત્રા અને યાત્રિકો અંગેનો વિચાર એમને અહીં આ સ્થળે અને સમયે સૂઝયો હતો. જગતનાં સર્વશ્રેષ્ઠ કથાકાવ્યોના આ સર્જકે ‘The Canterbury Tales’ને અંતે વિદાયવચનમાં ‘Retractions’  —  પ્રતિશ્રુતિઓ રચી છે એમાં એમણે સંતો, ભક્તિ, નીતિ, બોધ આદિ ધાર્મિક-આધ્યાત્મિક વસ્તુ-વિષયનાં કાવ્યો સિવાયનાં ઐહિક અહમ્‌‌થી પ્રેરિત એવાં કાવ્યો એટલે કે એમનાં લગભગ સૌ કાવ્યો, સર્વશ્રેષ્ઠ કાવ્યોનું સર્જન કરવામાં જે પાપ અને અપરાધ કર્યાં છે તે સૌ પાપ અને અપરાધ માટે જિસસ ક્રાઇસ્ટ સમક્ષ ક્ષમાની યાચના કરી છે. અને વાચકોને પણ પરમેશ્વર અને જિસસ ક્રાઇસ્ટને એ અંગે પ્રાર્થના કરવા વિનંતી કરી છે. એમાં ચૉસરની નમ્રતા, નર્યા નિર્વેદની નમ્રતા પ્રગટ થાય છે. પ્રેમાનંદનો જન્મ, હમણાં જ જોયું તેમ, બ્રાહ્મણકુટુંબમાં થયો હતો. જીવનનિર્વાહનું, આજીવિકાનું અન્ય કોઈ સાધન નહિ હોય એથી સ્તો એમણે બ્રાહ્મણપુત્રને સહજસુલભ એવું માણ ભટ્ટ તરીકે મોટા શ્રોતાસમુદાય સમક્ષ આખ્યાનો રજૂ કરવાનું સાધન સ્વીકાર્યું હશે. ત્યારે ગુજરાતમાં લોકોના મનોરંજન અર્થે માણ ભટ્ટની આખ્યાનની પરંપરા લોકપ્રિય અને પ્રચલિત હતી. એમના આરંભના જ એક કાવ્ય ‘સ્વર્ગની નિસરણી’માં ‘ઉદરનિમિત્તે નિસરણી ગાઈ’ એ પંક્તિમાં અને પછી પણ અન્ય આખ્યાનોમાં વારંવાર એમણે કવિતા એમને માટે જીવનનિર્વાહનું, આજીવિકાનું સાધન છે એવો નમ્રતાપૂર્વક એકરાર કર્યો હતો. એમણે ‘ઉદરનિમિત્તે સેવ્યું નંદરબાર’ એવો પણ એકરાર કર્યો હતો. એમણે, ચૉસરની જેમ, ઉત્તરજીવનમાં આર્થિક અગવડને કારણે અવારનવાર વડોદરાનો ત્યાગ કર્યો હતો અને દક્ષિણમાં સુરત તથા દક્ષિણપૂર્વમાં નંદરબાર અને બુહરાનપુરનો વારંવાર પ્રવાસ કર્યો હતો. સુરત ત્યારે સાચ્ચે જ સોનાની મૂરત હતું. સમુદ્રતટ પરના આ અતિસમૃદ્ધ નગરમાં દેશવિદેશનો ચિત્રવિચિત્ર માનવમેળો મળ્યો હતો. ચૉસરની જેમ એમને પણ નંદરબારમાં અધિકારી દેસાઈ મહેતા શંકરદાસ ગુણાનુરાગી આશ્રયદાતા હતા. ચૉસરની જેમ એમણે પણ ઉત્તરજીવનમાં આ પ્રદેશ, આ પ્રદેશના શ્રોતાઓ અને આશ્રયદાતાની પ્રેરણાને કારણે એમનાં કેટલાંક ઉત્તમ આખ્યાનોનું સર્જન કર્યું હતું. ‘રણયજ્ઞ’માં ‘દેસાઈ મહેતા શંકરદાસે મુજને આગના દીધીજી’ પંક્તિમાં એમણે એનો કૃતજ્ઞતાપૂર્વક એકરાર કર્યો હતો. ચૉસરની જેમ એમણે પણ એમનાં આખ્યાનોમાં કદી ક્યાંય પોતાનો કવિ તરીકે કોઈ ઉલ્લેખ કર્યો ન હતો. પોતાનો માત્ર ‘ભટ્ટ’ અને ‘વિપ્ર’ તરીકે જ ઉલ્લેખ કર્યો હતો. ચૉસરની જેમ એમણે પણ, અલબત્ત, માત્ર આરંભના કાવ્ય, કદાચ પ્રથમ કાવ્ય ‘સ્વર્ગની નિસરણી’માં જ ‘કાવ્યશાસ્ત્રનાં સહસ્ર પગથિયાં, તેમાં પહેલે પગથિયે ચડ્યો રે રામ; કાવ્ય-કવિતા કાંઈ નવ જાણું, પહેલી કવિતા કીધી રે રામ.’ પંક્તિઓમાં પોતે કવિતામાં અનભિજ્ઞ છે એવો ઉલ્લેખ કર્યો હતો. અને ગુજરાતી ભાષામાં સર્વશ્રેષ્ઠ કવિતાના આ સર્જકે ચૉસરની જેમ ઉત્તરજીવનમાં ‘રણયજ્ઞ’ અને ‘દશમસ્કંધ’નું સર્જન કર્યું ત્યારે પોતાનું સમગ્ર સર્જન ભક્તિ અને પ્રીતિ — અધ્યાત્મના અભાવે જાણે કે ‘બીજ વિહોણું ક્ષેત્ર’ અને ‘પૂતળી પાખે નેત્ર’ જેવું છે એવો કંઈક અસંતોષનો અનુભવ કર્યો હતો. એમાં પણ એમની નમ્રતા, નર્યા નિર્વેદની નમ્રતા પ્રગટ થાય છે. ચૉસરે એમનાં કથાકાવ્યોનું વસ્તુ પૂર્વકાલીન-સમકાલીન પ્રાચીન-અર્વાચીન લૅટિન, ફ્રેન્ચ, ઇટાલિયન કવિઓ — વર્જિલ, ઓવિડ, પેટ્રાર્ક, ડેન્ટિ, બોકાશિયો આદિ-માંથી ઉધ્ધૃત કર્યું હતું. ઉત્પાદિત કર્યું ન હતું. ક્યારેક જ અપવાદ રૂપે ‘The Canon’s Yeoman’s Tale’માં કર્યું છે તેમ ઉત્પાદિત કર્યું હતું. પ્રેમાનંદે પણ એમનાં આખ્યાનોનું વસ્તુ પ્રાચીન- મધ્યકાલીન સંસ્કૃત કવિઓનાં કાવ્યો — રામાયણ, મહાભારત, પુરાણો, ભાગવત આદિ — માંથી અને નરસિંહ મહેતાના જીવનમાંથી ઉધ્ધૃત કર્યું હતું, ઉત્પાદિત કર્યું ન હતું, ક્યારેક જ અપવાદ રૂપે આખ્યાનેતર કાવ્યો ‘સ્વર્ગની નિસરણી’, ‘ફુવડનો ફજેતો’ કે ‘વિવેકવણઝારો’ આદિ નીતિબોધવિષયક રૂપકકાવ્યોમાં કર્યું છે તેમ ઉત્પાદિત કર્યું હતું. ચૉસરને અંગ્રેજી કવિતામાં ભાષા અને છંદની પરંપરાની ઝાઝી સહાય ન હતી. ફ્રેન્ચ અને ઇટાલિયન પદ્યસ્વરૂપો અને શ્લોકબંધોની કંઈક સહાય હતી. ડેન્ટિની જેમ ચૉસરે પણ માત્ર કવિતા જ નહિ પણ કાવ્યભાષા તથા છંદ અને પદ્યસ્વરૂપનું — લંડનની સમકાલીન બોલીમાંથી કાવ્યભાષા તથા iambic pentameter — દ્વિસ્વરી એકમ iambના પાંચ આવર્તનોની પંક્તિનો છંદ અને એ છંદમાં પ્રાસયુક્ત યુગ્મ five-foot couplet અથવા પછીથી ૧૮મી સદીમાં heroic couplet નામથી પ્રસિદ્ધ પદ્યસ્વરૂપનું આ સહાયને અભાવે મૌલિક સર્જન કર્યું હતું. અંગ્રેજી ભાષામાં કથાકાવ્યની કોઈ પણ પરંપરાની સહાય વિના જ ચૉસરે ‘The Canterbury Tales’માં કથાકાવ્યના કાવ્યસ્વરૂપને એવી પૂર્ણતાથી સિદ્ધ કર્યું છે કે પશ્ચિમના ફ્રેન્ચ, ઈટાલિયન, લૅટિન આદિ તથા પૂર્વના જગતના સૌ પુરોગામી કથાકાવ્યોને એ અતિક્રમી ગયું છે અને માત્ર ઇગ્લંડમાં જ નહિ પણ જગતમાં કોઈ અનુગામી કથાકાવ્ય કદી એને અતિક્રમી શક્યું નથી. પ્રેમાનંદને નરસિંહ, ભાલણ, નાકર, વિષ્ણુદાસ, વિશ્વનાથ આદિ પુરોગામી ગુજરાતી કવિઓની આખ્યાન-પરંપરાની સહાય હતી, કાવ્યભાષા, છંદ, પદ્યસ્વરૂપ આદિની સહાય હતી. પ્રેમાનંદે પુરોગામી કવિઓનાં આખ્યાનોમાંથી કથાબીજો, ઉક્તિઓ, અલંકારો, ધ્રુવપંક્તિઓ, દૃષ્ટાંતો, પ્રસંગો, ક્યારેક સમગ્ર કડવું આદિ નાનીમોટી વિગતોનું નિ:સંકોચ અને નિરપવાદ અપહરણ કર્યું હતું. આવું અપહરણ સૌ આખ્યાનકાર કવિઓમાં પ્રચલિત અને પ્રામાણિત હતું. પણ પછી પ્રેમાનંદે એમની કવિપ્રતિભાના પારસ સ્પર્શથી એ સૌનું સુવર્ણસમી મહાન કવિતામાં પરિવર્તન કર્યું હતું. રૂપકભેદે કહેવું હોય તો એમની કવિપ્રતિભાના સંજીવનીસ્પર્શથી એ સૌને ઊર્જિત અને શ્રીમત્ સ્વરૂપે પુનર્જીવન અર્પણ કર્યું હતું. નરસિંહમાં પદમાલા રૂપે જેનો આરંભ થયો હતો અને ભાલણથી વિશ્વનાથ લગીના કવિઓમાં જેનો વિકાસ થયો હતો તે આખ્યાનસ્વરૂપની પ્રેમાનંદનાં આખ્યાનોમાં લગભગ પૂર્ણતાની પરાકાષ્ઠા છે. પ્રેમાનંદે અને ચૉસરે ભલે વસ્તુ ઉધ્ધૃત કર્યું હોય, નાનીમોટી વિગતોનું અપહરણ કર્યું હોય પણ પછી એમણે એમની કવિપ્રતિભા અને કવિતાકલા — કથન, વર્ણન, નાટ્યાત્મકતા, પ્રધાનપણે હાસ્ય, કરુણ, શૃંગાર, શાંત અને ગૌણપણે વીર, રૌદ્ર, અદ્ભુત, બીભત્સ રસ, ભાષા, છંદ, લય, કલ્પન, અલંકાર, માનવસ્વભાવની માર્મિક, સૂક્ષ્મ સૂઝસમજ, કવિઆદર્શ, કાવ્યઆદર્શ, પ્રેમાનંદમાં ગુજરાતીતા, ગુજરાતીપણું અને ચૉસરમાં અંગ્રેજિયત, અંગ્રેજીપણું આદિ — દ્વારા જે આખ્યાનો અને કથાકાવ્યોનું સર્જન કર્યું છે એને કારણે માત્ર ગુજરાતમાં જ નહિ, કદાચને ભારતભરમાં આખ્યાનોના સર્વશ્રેષ્ઠ સર્જક તરીકે પ્રેમાનંદ અને માત્ર ઇંગ્લૅંડમાં જ નહિ પણ જગતભરમાં કથાકાવ્યોના સર્વશ્રેષ્ઠ સર્જક તરીકે ચૉસર સર્વદા અને સર્વથા અચલપ્રતિષ્ઠ છે.

(સાહિત્ય અકાદમી, ન્યૂ દિલ્હી અને ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ‘આખ્યાનકવિ પ્રેમાનંદ’ એ વિષય પરના પરિસંવાદમાં વ્યાખ્યાન. ૨૭ ફેબ્રુઆરી ૧૯૯૪.)

*