સ્વાધ્યાયલોક—૫/મીરાં
પ્રાક્કથન મીરાંના નામથી માંડીને તે કામ લગીની એકેએક વાત આજ લગી મુખ્યત્વે અનુમાનનો વિષય રહી છે. એમાંની એકે વાત અંતિમતાપૂર્વક નિશ્ચિત કે નિર્ણીત નથી. ‘મીરાં’ એનું ઉપનામ હતું? તો એનું અસલ નામ શું હતું? એનો જન્મ ક્યાં અને ક્યારે થયો? એનું જીવન ક્યાં, ક્યારે અને શી રીતે ગયું? એનું મૃત્યુ ક્યાં, ક્યારે અને શી રીતે થયું? એણે કયાં પદ રચ્યાં? ક્યાં, ક્યારે, કયા ક્રમમાં અને કઈ ભાષામાં રચ્યાં? એકે વાત વિશે આધાર કે પ્રમાણ નથી. રાજકીય અને ઐતિહાસિક લખાણોમાં મીરાંના નામનો ઉલ્લેખ સુધ્ધાં નથી. ધાર્મિક અને સાંપ્રદાયિક લખાણોમાં મીરાં વિશે ક્યાંક મૂર્ખતાને કારણે તો ક્યાંક ધૂર્તતાને કારણે અહેતુક-સહેતુક વિકૃતિઓનો પાર નથી, તો સાહિત્યિક લખાણોમાં મીરાં વિશે, અલબત્ત, આનુષંગિક આધાર અને પ્રમાણના સંદર્ભમાં અનુમાનોની પરંપરા માત્ર છે. ધર્મ અને સમાજના એકે બંધનમાં બાંધી શકાય નહિ અને જાતે બંધાય નહિ એવા મુક્ત માનવહૃદયનું નામ છે મીરાં. સ્થલ અને કાલની સીમાઓમાં સમાવી શકાય નહિ અને જાતે સમાય નહિ એવા અનાદિ-અનંત આત્માનું નામ છે મીરાં. ‘આ વિશ્વમાં એકમાત્ર પરમેશ્વર જ મારો છે, અન્ય કોઈ મારું નથી, અન્ય કંઈ મારું નથી’ એવું કહેવાની જેનામાં વિરક્તિ હોય અથવા તો ‘આ વિશ્વમાં હું એકમાત્ર પરમેશ્વરની જ છું, અન્ય કોઈની નથી’ એવું કહેવાની જેનામાં અનુરક્તિ હોય એને કઈ વ્યક્તિ કે કઈ વસ્તુ કહી શકે કે ‘તું મારી છે.’? એને વાણી પણ શું વદી શકે? આવા માનવહૃદયનું, આવા આત્માનું ચરિત્ર સદાય અણલખ્યું હોય છે. જે મનુષ્ય અભય અને આત્મબળથી ‘મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરો ન કોઈ’ ગાઈને પછી ગાયું હોય એવું જ જીવે, જે મનુષ્ય અંતે અજ્ઞાતવાસમાં અદૃશ્ય થાય, પોતાનો સમસ્ત ભૂતકાળ ભૂંસે અને પોતાનું સમગ્ર વ્યક્તિત્વ લોપે એને વિશે આવું બને એમાં ઈશ્વરની અકળ ગતિ છે. ઈશ્વરની લીલા છે. એમાં ઈશ્વરનો ન્યાય પણ છે. આ છે મીરાંનું રહસ્ય. હમણાં જ કહ્યું તેમ, સાહિત્યિક લખાણોમાં મીરાં વિશે અનુમાનોની પરંપરા માત્ર છે. આ પ્રત્યેક અનુમાનમાંથી મીરાંની એક મૂર્તિ પ્રગટ થાય છે. અહીં આવું એક વધુ અનુમાન રજૂ થાય છે. એમાંથી પણ મીરાંની એક વધુ મૂર્તિ પ્રગટ થાય છે. આધાર કે પ્રમાણ કહો તો તે, અને અનુમાન કહો તો તે, જે કંઈ સુલભ છે તે મીરાંનાં પદ છે. મીરાંનાં પદ એટલે કે મીરાંને નામે જે પદ અસ્તિત્વમાં છે એમાંથી જે કંઈક નિ:શંકતાથી અથવા સૌથી વધુ શ્રદ્ધાથી મીરાંનાં કહી શકાય એ પદમાં એમના સર્જકની જે મૂર્તિ પ્રગટ થાય એ મૂર્તિની સાથે જેટલી આ મૂર્તિ વધુ સુસંગત અને સુસંવાદી એટલી એ વધુ પ્રમાણભૂત અને પ્રતીતિજનક. અન્યથા તો જ્યાં કોઈ આધાર કે પ્રમાણ ન હોય, માત્ર અનુમાન હોય ત્યાં અંતે તો પ્રત્યેક વાચકે પોતે જ વિવેક કરવાનો હોય. ૧૪૯૮માં જન્મ, ૧૫૧૬માં લગ્ન, ૧૫૨૧માં વૈધવ્ય, ૧૫૩૨માં મેવાડત્યાગ, ૧૫૩૩માં મેડતાત્યાગ, ૧૫૩૬માં વૃન્દાવનત્યાગ, ૧૫૪૬માં દ્વારિકાત્યાગ, ૧૫૪૬થી ૧૫૫૬ દક્ષિણ અને પૂર્વ ભારતની યાત્રા, અજ્ઞાતવાસ, ૧૫૫૬થી ૧૫૬૩-૬૫ ઉત્તર ભારતની યાત્રા, અજ્ઞાતવાસ, ૧૫૬૩-૬૫માં અવસાન — આ છે મીરાંના જીવનની રૂપરેખા. જન્મ, શૈશવ રાઠોડ (રાષ્ટ્રકૂટ) વંશના જોધપુરના સ્થાપક જોધાજીના પુત્ર દૂદાજીએ ૧૪૫૬માં મેડતા(પરમારવંશના માંધાતાએ સ્થાપી તે પ્રાચીન નગરી માંધાતૃપુર, મેડંતક)નો પુનરુદ્ધાર કર્યો હતો અને ત્યાં પોતાનું રાજ્ય સ્થાપ્યું હતું. અને પછીથી કુટુંબ વૈષ્ણવધર્મી હતું એથી ત્યાં ચતુર્ભુજજીનું મંદિર બંધાવ્યું હતું. દૂદાજીને બે પુત્રો. મોટો વીરમદેવ અને નાનો રત્નસિંહ. દૂદાજીએ રત્નસિંહને કુડકી સહિત બાર ગામની જાગીર આપી હતી. ૧૪૯૮માં કુડકીમાં રત્નસિંહની એકની એક પુત્રી મીરાંનો જન્મ. ૧૫૦૩માં મીરાંની માતાનું અવસાન થયું. વીરમદેવની સાથે રત્નસિંહ સતત યુદ્ધભૂમિ પર સક્રિય હતો. એથી મીરાં પર ધ્યાન આપી શકે એમ ન હતો. એથી મેડતામાં દાદા દૂદાજીએ વીરમદેવના એકના એક પુત્ર જયમલ (જે પછીથી સંત થયો તે)ની સાથે મીરાંનું લાલનપાલન કર્યું. મધ્યયુગમાં ૧૬મી સદીના પૂર્વાર્ધમાં ઉત્તર ભારતમાં એક ક્ષત્રિય રાજકુટુંબની રાજકુંવરીને યોગ્ય એવું ઉત્તમ શિક્ષણ દૂદાજીએ મીરાંને આપ્યું. વિશિષ્ટ અને વિચક્ષણ રાજપુરુષ સંગે મીરાંનો મેવાડની ભાવિ મહારાણી તરીકે પછીથી સ્વીકાર કર્યો એ પરથી મીરાં સુંદર, સુશિક્ષિત અને સંપન્ન હશે એની પ્રતીતિ થાય છે. હવે પછી મીરાંનાં પદના સંદર્ભમાં વિગતે જોઈશું તેમ, આ સમયમાં મીરાંને નાનપણમાં જ ‘કંઈક’, જેનું નામ ન પાડી શકાય એવું ‘કંઈક’ થયું. મીરાંને પરમેશ્વરનું તત્કાલ જ્ઞાન થયું. મીરાંને પરમેશ્વરનો પ્રત્યક્ષ અનુભવ થયો. આ અનુભવ અલૌકિક અને અનિર્વચનીય હતો. પરમેશ્વર પ્રત્યેનો આ પ્રેમ ‘સૂક્ષ્મતરમ્ અનુભવરૂપમ્’ છે. એથી જેને વાણી દ્વારા મીરાં સ્વયં સમજાવી ન શકે અને જેને આવો અનુભવ થયો હોય તે સિવાય અન્ય કોઈ સમજી ન શકે એવા આ અનુભવનો જનશ્રુતિમાં એક સ્થૂલ ખુલાસો એમ છે કે મીરાંએ નાનપણમાં એની માતાને પૂછ્યું, ‘મારો વર કોણ?’ એના ઉત્તરમાં માતાએ કૃષ્ણની મૂર્તિ મીરાંને આપીને કહ્યું, ‘આ તારો વર!’ ત્યારથી મીરાંના હૃદયમાં વસી-ઠસી ગયું કે પોતે હંમેશ માટે કૃષ્ણને વરી છે. બીજો સ્થૂલ ખુલાસો એમ છે કે મીરાંને નાનપણમાં કોઈ બાવાએ, કોઈ સાધુસંતે, કદાચને રૈદાસે (રોહીદાસે) કૃષ્ણની મૂર્તિ આપી ત્યારથી મીરાંના હૃદયમાં વસી-ઠસી ગયું કે પોતે હંમેશ માટે કૃષ્ણને વરી છે. મીરાંનાં પદમાં ત્રણ વાર રૈદાસનો ગુરુ રૂપે ઉલ્લેખ છે. વળી મીરાં પાસે નાનપણથી કૃષ્ણની એક મૂર્તિ હતી. મીરાંનાં લગ્ન પૂર્વે મેડતામાં અથવા મીરાંનાં લગ્ન પછી મેવાડમાં રાજકુટુંબમાં રાજમાતા ઝાલીરાણી રતનકુંવરને કારણે મીરાં અને રૈદાસનું મિલન થયું હોય. જો મીરાં અને રૈદાસનું મિલન મેડતામાં થયું હોય તોપણ સંભવ છે રૈદાસ અતિવૃદ્ધ હોય અને એમની પાસે કૃષ્ણની એમની જે અંગત મૂર્તિ હોય તે મૃત્યુ પૂર્વે કોઈ સુયોગ્ય વ્યક્તિને વારસામાં ભેટ આપવી હોય અને મીરાંને પરમેશ્વરનો અનુભવ થયો છે અને એથી મીરાં સુયોગ્ય વ્યક્તિ છે એવી પ્રતીતિ એમને હોય અને મીરાંને એમણે એ મૂર્તિ વારસામાં ભેટ આપી હોય. લગ્ન ૧૫૧૫માં દૂદાજીનું અવસાન થયું. પછી તરત જ ૧૫૧૬માં સિસોદિયા (શીર્ષોદય) વંશના મેવાડના શૈવધર્મી રાજકુટુંબમાં સંગ (સંગ્રામસિંહ) અને કનવરબાઈ (ગોદ્વારના રાયમલજી સોલંકીની પુત્રી)ના પાટવીપુત્ર ભોજરાજ સાથે સત્તર વર્ષની વયે, એ સમયમાં અને એ સમાજમાં એ કુટુંબમાં લગ્ન માટેની યોગ્ય વયે, મીરાંનું લગ્ન થયું. રાઠોડવંશના ચૂંડાજીએ મુસ્લિમો પાસેથી મંડોર જીત્યું અને ત્યાં રાઠોડોનું રાજ્ય સ્થાપ્યું. ચૂંડાજી પછી કાનાજી અને કાનાજી પછી સત્તાજી રાજ્યપદે આવ્યો. પછી રણમલે મેવાડના સિસોદિયા વંશના લાખાજીના પુત્ર માકેલજીની સહાયથી સત્તાજી પાસેથી મંડોર જીત્યું અને રણમલ રાજ્યપદે આવ્યો. માકેલજી ખવાસને હાથે હત્યા થતાં મૃત્યુ પામ્યો. પછી રણમલે ખવાસની હત્યા કરી માકેલજીના પુત્ર કુંભને મેવાડના રાજ્યપદે સ્થાપ્યો અને પોતે કુંભનો રાજ્યરક્ષક થયો. એથી મેવાડના પટ્ટવતોએ રણમલની હત્યા કરી અને મંડોર પર મેવાડનું વર્ચસ્ સ્થાપ્યું અને રણમલના પુત્ર જોધાજીને દેશવટો આપ્યો. બાર વર્ષ લગી યુદ્ધ કરીને જોધાજીએ મેવાડના પટ્ટવતોને પરાજય આપ્યો અને મેવાડ લૂંટ્યું. કુંભે પોતાના પુત્ર ઉદય દ્વારા જોધાજી સાથે સમાધાન કર્યું. જોધાજીએ જોધપુર સ્થાપ્યું. ઉદયને જોધાજીનો ભય હતો અને એણે કુંભની હત્યા કરી અને એ મેવાડના રાજ્યપદે આવ્યો. ઉદયને પટ્ટવતોએ પદભ્રષ્ટ કર્યો પછી રાયમલ મેવાડના રાજ્યપદે આવ્યો. જોધાજીએ પશ્ચિમમાં રાજ્યવિસ્તાર કર્યો. જોધાજીનું મૃત્યુ થયું. જોધાજીનો પુત્ર સુજાજી રાજ્યપદે આવ્યો, રાયમલનું મૃત્યુ થયું પછી રાયમલના ત્રણ પુત્રો પૃથ્વીરાજ, જયમલ અને સંગ વચ્ચે આંતરવિગ્રહ થયો. સુજાજી આ આંતરવિગ્રહમાં સક્રિય હતો. જયમલનું મૃત્યુ થયું. પૃથ્વીરાજ મેવાડનો સરમુખ્યાર થયો અને સંગને દેશવટો આપ્યો. પછી પૃથ્વીરાજનું મૃત્યુ થયું અને સંગ રાજ્યપદે આવ્યો. ૧૫૦૯માં સંગ રાજ્યપદે આવ્યો ત્યારે ઉત્તર ભારતમાં રાઠોડવંશ સૌથી વધુ પ્રબળ હતો. એથી સત્તાની સમતુલા અર્થે રાઠોડવંશને વિભક્ત કરવો એ સંગ માટે અનિવાર્ય હતું. વીકાજીનું બિકાનેર વિભક્ત થયું. સંગે દક્ષિણમાં શિરોહી સાથે સંધિ દ્વારા જોધપુર પર આક્રમણનો પ્રયત્ન કર્યો. જોધપુરના સુજાજીનું મૃત્યુ થયું. પછી વારસ માટે આંતરવિગ્રહ થયો. સુજાજીના પુત્ર વાઘાજીનો પુત્ર ગાંગાજી વારસ થયો અને જોધપુરના રાજ્યપદે આવ્યો. આ કટોકટીની ક્ષણે હત્યાઓ, આંતરવિગ્રહો, દેશવટા, પરાજયો, સંઘર્ષો સત્તાની સમતુલા આદિ અશાંતિ અને અસ્થિરતાના વિકટ અને વિષમ પ્રશ્નોની પૂર્વભૂમિકાને કારણે સંગે ભારે રાજ્યકીય ડહાપણ, સૂઝસમજ અને મુત્સદ્દીગીરીથી પશ્ચિમમાં જોધપુરના ગાંગાજીની બહેન ધનબાઈ અને અન્ય એક બહેન સાથે અને પૂર્વમાં બુંદીના રાવ નર્મદસિંહ હાડાની પુત્રી અને પોતાના સૌથી વધુ વિશ્વાસુ સહાયક સૂરજમલની બહેન કરમેતનબાઈ સાથે પોતાનું લગ્ન કર્યું અને ઉત્તરમાં મેડતાના વીરમદેવની ભત્રીજી મીરાં સાથે પોતાના પાટવીપુત્ર ભોજરાજનું લગ્ન કર્યું. આ લગ્નો દ્વારા, સામાજિક સંબંધો દ્વારા સંગે આસપાસનાં રાજ્યો સાથે રાજકીય જોડાણ કર્યું. અને આ રાજકીય જોડાણ દ્વારા મેવાડને સુગ્રથિત અને સુવ્યવસ્થિત કર્યું, ઉત્તર ભારતમાં સર્વશ્રેષ્ઠ હિંદુ રાજ્ય તરીકે, હિંદુપત તરીકે સધ્ધર કર્યું. વચમાં વચમાં આંતરવિગ્રહો, આક્રમણો, સ્પર્ધાઓ, સંઘર્ષો અને પરસ્પર વર્ચસ્ છતાં રાઠોડ કુટુંબ અને સિસોદિયા કુટુંબ વચ્ચે એકંદરે સહકાર અને સદ્ભાવનો, મૈત્રીનો સંબંધ હતો. મીરાં-ભોજરાજ લગ્ન પૂર્વે સિસોદિયાકુટુંબની ચાર રાજકુંવરીઓનાં લગ્ન રાઠોડકુટુંબમાં થયાં હતાં (લાખાજીની પુત્રીનાં રણમલ સાથે, કુંભના સ્વજનની પુત્રીના જોધાજી સાથે, સંગની પુત્રીનાં ગાંગાજી સાથે, રાયમલની પુત્રીનાં વીરમજી સાથે) અને રાઠોડકુટુંબની ત્રણ રાજકુંવરીઓનાં લગ્ન (ચૂંડાજીની પુત્રી હંસાકુમારીનાં લાખાજી સાથે, વાઘાજીની પુત્રી ધનબાઈનાં અને અન્ય એક પુત્રીનાં સંગ સાથે) સિસોદિયાકુટુંબમાં થયાં હતાં. વળી મેડતાના વીરમદેવને સંગને સહાય કરવાની ઉત્કટ ઇચ્છા હતી. આમ, સંગ અને વીરમદેવે રાજકીય જોડાણના હેતુથી ભોજરાજ અને મીરાંનું લગ્ન ‘ગોઠવ્યું’ હતું. આમ, જગતના ઇતિહાસમાં રાજ્ય રાજ્ય વચ્ચે marriage de convenance સગવડનું લગ્ન — એ નામે જે અસંખ્ય લગ્નો પ્રસિદ્ધ છે એવું રાજકીય ગોઠવણરૂપ આ લગ્ન હતું. મીરાંએ વીરમદેવની ઇચ્છામાં અવરોધરૂપ અને રાજકીય જોડાણમાં વિઘ્નરૂપ નહિ થવું હોય એથી એણે, અલબત્ત, લગ્નનો વિરોધ નહિ કર્યો હોય. પણ મીરાંએ આ લગ્ન હૃદયથી સ્વીકાર્યું ન હતું. મીરાંએ ભોજરાજને પતિ તરીકે હૃદયથી સ્વીકાર્યો ન હતો. આ લગ્ન કેવળ લૌકિકદૃષ્ટિએ, વ્યવહારદૃષ્ટિએ, સામાજિકદૃષ્ટિએ જ લગ્ન હતું. નૈતિકદૃષ્ટિએ, આધ્યાત્મિકદૃષ્ટિએ, ધાર્મિકદૃષ્ટિએ નહિ. મીરાંએ લગ્ન કર્યું કર્યું ને ન કર્યું એવું થયું. મીરાંને, આગળ નોંધ્યું તેમ, નાનપણમાં પરમેશ્વરનો અનુભવ થયો હતો. હવે પછી મીરાંનાં પદના સંદર્ભમાં વિગતે જોઈશું તેમ, આ જગત, આ જીવન, માનુષી સંબંધો, માનુષી પ્રેમ સર્વ કંઈ મૃત્યુમય છે, પરિવર્તનશીલ છે એથી નશ્વર છે, અનિત્ય છે, ક્ષણિક છે; એક માત્ર પરમેશ્વર જ અમૃત છે. અપરિવર્તનશીલ છે, નિત્ય છે. અનંત છે એવી મીરાંને ઉત્તરોત્તર દિનપ્રતિદિન વધુ ને વધુ દૃઢ અને પ્રબલ પ્રતીતિ હશે એથી એકમાત્ર પરમેશ્વરને જ એણે દેહ, મન, હૃદય, આત્માથી પતિ તરીકે હંમેશ માટે સ્વીકાર્યો હશે. એથી સ્તો લગ્નની વિધિને સમયે પણ કૃષ્ણની મૂર્તિ હૃદય-મન-આત્મામાં તો હતી જ પણ દેહથી પણ એની સાથે હતી. ત્યારે પણ એ પરમેશ્વરને જ વરી હતી, ભોજરાજને નહિ. ભોજરાજને, સંગને, સિસોદિયા કુટુંબને કે વીરમદેવને, રાઠોડકુટુંબને કલ્પના પણ નહિ હોય કે મીરાંને અસાધારણ, અનન્ય એવો પરમેશ્વરનો અનુભવ થયો છે; એમને સ્વપ્ને પણ ખ્યાલ નહિ હોય કે મીરાં હંમેશને માટે પરમેશ્વરને વરી છે. એમણે તો એને અસંખ્ય સામાન્ય કન્યાઓ જેવી એક સામાન્ય કન્યા જ માની હશે. સિસોદિયાકુટુંબે, કુટુંબની સ્ત્રીઓએ, સવિશેષ તો ભોજરાજની માતા કનવરબાઈએ મીરાંના આ માનસનો અને વર્તનનો વિરોધ કર્યો હતો અને એથી લગ્નની વિધિ અપૂર્ણ રહી હતી. લગ્નની વિધિ પછી મેવાડમાં મીરાંએ કદી આ લગ્ન ભોગવ્યું ન હતું. એથી એ નિ:સંતાન હતી. ભોજરાજ સંગનો પાટવીપુત્ર હતો, મેવાડનો ભાવિ મહારાણો હતો. એથી વારસપ્રાપ્તિ માટે એણે કદાચ બીજું લગ્ન પણ કર્યું હોય. સંગ ભારે વ્યવહારકુશળ, ચતુર અને શાણો હતો. મીરાંનાં ભોજરાજ સાથેનાં લગ્ન દ્વારા મેવાડ-મેડતા વચ્ચે જે રાજકીય જોડાણ સિદ્ધ થયું હતું એમાં મીરાં વિઘ્નરૂપ ન હતી. એથી એ મીરાંના જીવનમાં વિઘ્નરૂપ ન થયો. આરંભમાં સંગ, ભોજરાજ અને સિસોદિયાકુટુંબના અન્ય સભ્યોએ મીરાંને સામાન્ય કન્યાની જેમ લગ્ન, પતિ, લગ્નજીવન, કુટુંબ, સમાજ વગેરેનો સ્વીકાર કરવાને સમજાવવાનો પ્રયત્ન કર્યો હોય પણ મીરાં પોતાના નિર્ણયમાં નિશ્ચલ છે અને પોતાની માન્યતા, પ્રતીતિ અને શ્રદ્ધા પ્રમાણેનું જીવન જીવવામાં એના કોઈ પણ પરિણામનો સામનો કરવા તૈયાર છે એની અંતે સૌને, સવિશેષ સંગને, પ્રતીતિ હોય એથી પણ સંગ અને સૌ કુટુંબીજનો મીરાંના જીવનમાં વિઘ્નરૂપ ન થયા હોય. જનશ્રુતિમાં એમ છે કે શ્વસુરગૃહનાં સૌ સભ્યોએ, મીરાંનાં આ માનસ અને વર્તનને કારણે અને વિશેષ તો સિસોદિયાકુટુંબ શૈવધર્મી હતું અને રાઠોડકુટુંબ વૈષ્ણવધર્મી હતું તેથી ધાર્મિક અસહિષ્ણુતા, દ્વેષ અને તિરસ્કારને કારણે અને સવિશેષ તો મીરાંએ સિસોદિયાકુળની કુળદેવી કાલી-દુર્ગાનું પૂજન કરવાનો અસ્વીકાર કર્યો એથી મીરાંને ત્રાસ આપ્યો હતો, અરે, રાજપ્રાસાદમાંથી પણ અંતે ‘મહાભૂતાલય’માં દૂર કરી હતી. પણ વૈષ્ણવધર્મી રાઠોડકુટુંબમાંથી શૈવધર્મી સિસોદિયાકુટુંબમાં લગ્ન કરનાર મીરાં પ્રથમ કન્યા ન હતી. આ પૂર્વે, આગળ જોયું તેમ, રાઠોડકુટુંબની અન્ય ત્રણ કન્યાઓએ સિસોદિયા કુટુંબમાં અને સિસોદિયાકુટુંબની ચાર કન્યાઓએ રાઠોડકુટુંબમાં લગ્ન કર્યું હતું. સિસોદિયાકુટુંબે ધર્મને કારણે આ કન્યાઓને ત્રાસ આપ્યો હોય એમ જનશ્રુતિમાં નથી. વળી સિસોદિયાકુટુંબને વૈષ્ણવધર્મ પ્રત્યે પૂર્ણ આદર હતો. કુંભ તો કૃષ્ણભક્ત હતો. એણે ગોવિંદશ્યામ(કુંભશ્યામ)નું મંદિર બંધાવ્યું હતું. અને ગીતગોવિંદ પર ભાષ્ય રચ્યું હતું. સૌથી વિશેષ તો સંગે પોતે રાઠોડકુટુંબની બે કન્યાઓ — ધનબાઈ અને અન્ય એક કન્યા — સાથે લગ્ન કર્યું હતું. સંગે પોતે મીરાં સાથે ભોજરાજનું લગ્ન ગોઠવ્યું હતું. વળી આ લગ્ન દ્વારા, આ સામાજિક સંબંધ દ્વારા મેડતા સાથે મેવાડનું રાજકીય જોડાણ કરવાનો મહાન હેતુ હતો. સંગ ઉદાર, ઉદાત્ત અને ઉમદા મનુષ્ય હતો. અંતે એ અને એનું સમગ્ર કુટુંબ મીરાંને અનુકૂળ થયું હતું. વળી ભોજરાજની માતા કનવરબાઈ સોલંકીકુટુંબની કન્યા હતી અને સોલંકીકુટુંબની ઉચ્ચ કુટુંબ તરીકે પ્રતિષ્ઠા ન હતી એથી અંત:પુરમાં અને કુટુંબમાં એનું વર્ચસ્ ન હતું. અંત:પુરમાં અને કુટુંબમાં વર્ચસ્ હતું કુંભની પત્ની અને સૌરાષ્ટ્રના કુવા રાવ રાજધર ઝાલાની પુત્રી ઝાલીરાણી રતનબાઈનું. મેવાડમાં સંગની માતા તરીકેનું, રાજમાતા તરીકેનું એનું ગૌરવભર્યું સ્થાન હતું. રતનબાઈએ હળવદમાં દેશવટાનો અનુભવ કર્યો હતો. એ આધ્યાત્મિક અને ધાર્મિક વૃત્તિની રૈદાસની શિષ્યા હતી. એણે રૈદાસને ગુરુદક્ષિણામાં કૃષ્ણની મૂર્તિ ભેટ આપી હતી. કદાચ એ જ મૂર્તિ રૈદાસે મીરાંને ભેટ આપી હોય અને રતનબાઈએ મીરાં પાસે એ મૂર્તિ છે એમ જાણ્યું હોય. આ સૌ કારણોથી રતનબાઈને મીરાં પ્રત્યે પ્રેમ અને આદર હતો. એણે મીરાંને રક્ષણ અને પ્રોત્સાહન આપ્યું હતું. મેવાડમાં મીરાં પ્રભુમય જીવન, પ્રાર્થનામય જીવન જીવતી હતી. એકાગ્રતાથી, અનન્યતાથી ભક્તિનું, કુટુંબ, સમાજ, ધર્મ આદિના બંધનોમાંથી મુક્ત એવું જીવન જીવતી હતી. આ ‘મેડતણીજી’એ, મેડતાની રાજકુંવરી અને મેવાડની ભાવિ મહારાણીએ સાધુસંતોનું કુટુંબ રચ્યું હતું. દીન-હીન-દલિત-પીડિત-પતિતોનો સમાજ રચ્યો હતો, બહિષ્કૃત-તિરસ્કૃતોનું જગત રચ્યું હતું. ‘नास्ति तेषु जातिविद्यारूपकुलधनक्रियादिभेद’ પ્રમાણે કોઈ પણ ભેદભાવ વિના ‘यत: तदीया: પ્રમાણે સૌ પરમેશ્વરનાં બાળકો છે એવા સમાનતાના ભાવ સહિત, ‘लोकोडपि तावदेव તથા ‘तद् उद्बोधककर्माणि अपि करणीयानि’ પ્રમાણે લોકોનાં કાર્ય, ભક્તિમાં વૃદ્ધિ થાય એવાં કાર્ય કરવાનો આરંભ કર્યો હતો. એક જ શબ્દમાં મેવાડમાં મીરાં ભક્ત હતી, સંત હતી. એ ભક્તનું, સંતનું જીવન જીવતી હતી. હવે પછી મીરાંનાં પદના સંદર્ભમાં વિગતે જોઈશું તેમ, એણે વૈરાગ્ય દ્વારા સ્વજનોનો ત્યાગ કરીને લોકલાજ ખોઈ હતી. કરુણતા પ્રત્યે કરુણાથી, અપાર અનુકંપાથી જગતને જોઈને એ રોઈ હતી. એણે પરમેશ્વરને સંપૂર્ણ શરણાગતિ કરી હતી, એણે આત્મનિવેદન કર્યું હતું. લગ્ન પછી તરત જ મીરાંના આવા જીવનનો આરંભ થયો હતો. અને એનો ઉત્તરોત્તર ક્રમેક્રમે દિનપ્રતિદિન વધુ ને વધુ વિકાસ થતો રહ્યો હતો. મધ્યયુગના ભારતવર્ષમાં એક મહાન રાજકુટુંબમાં એક ભાવિ મહારાણીનું આવું વર્તન, આવું જીવન અત્યંત આઘાતજનક અને અક્ષમ્ય ગણાય. સિસોદિયાકુટુંબમાં અને સવિશેષ તો અંત:પુરમાં અનેક સ્ત્રીઓને એમનાં અહમ્, દ્વેષ અને ઈર્ષ્યાને કારણે વિદ્રોહી અને એથી દ્રોહી મીરાં અત્યંત અપ્રિય હશે. પણ અસંખ્ય મનુષ્યોને મીરાં એટલી જ પ્રિય હતી. અસંખ્ય મનુષ્યોનાં હૃદયમાં મીરાંનું અનન્ય પ્રેમભર્યું સ્થાન હતું. આમ, લગ્ન પછી મેવાડમાં એક નિરંકુશ, નીડર નારી તરીકેના, એક વિદ્રોહી વીરાંગના તરીકેના, એક ક્રાંતિકારી રજપૂતાણી તરીકેના મીરાંના જીવનનો આરંભ થાય છે. એમાં મીરાંનાં બળ અને સાહસની પ્રતીતિ થાય છે. કોઈ પણ સમયમાં કોઈ પણ સ્થળે સંતનું જીવન જીવવું કપરી કસોટીરૂપ છે. મધ્યયુગના ભારતવર્ષમાં સંતપરંપરાની મીરાંને સહાય હતી. છતાં મીરાં સ્ત્રી હતી અને રાજકુટુંબમાં જન્મી હતી અને રાજકુટુંબમાં પરણી હતી. એને માટે સંતનું જીવન જીવવું કેટલું વધુ કપરી કસોટીરૂપ હશે એ કલ્પી શકાય છે. મીરાં સંત હતી. પણ સાથે સાથે એ મેડતાની રાજકુંવરી અને મેવાડની ભાવિ મહારાણી હતી. એથી અનેક સંતોના જીવનમાં થયું છે તેમ એનું જીવન સમકાલીન રાજકીય જીવન સાથે સંડોવાયું હતું, અનિવાર્યપણે, અવિચ્છેદ્યપણે સંડોવાયું હતું. મીરાં જેમ ધર્મસંપ્રદાયમાં કે ધર્મકારણમાં, જેમ કુટુંબસમાજવ્યવસ્થા કે કુટુંબસમાજકારણમાં તેમ રાજ્યવ્યવસ્થામાં કે રાજ્યકારણમાં સક્રિય ન હતી. પણ સજાગ અને સભાન સાક્ષી અવશ્ય હતી. એથી, અલબત્ત, એની નૈતિક દૃષ્ટિને કારણે અને એના મનુષ્ય, મનુષ્યજીવન, મનુષ્યસમાજના ગહનગભીર દર્શનને કારણે જીવનમાં જે જે ક્ષણે સમાજકારણમાં, રાજ્યકારણમાં કે ધર્મકારણમાં સક્રિય ભાગ ભજવવાનો, કહો કે ધર્મ, આપદ્ધર્મ બજાવવાનો આવ્યો તે તે ક્ષણે, હવે પછી વિગતે જોઈશું તેમ, નિ:સંકોચપણે, નિ:શેષપણે ભજવ્યો-બજવ્યો છે. ૧૫૧૭-૧૮માં ઇબ્રાહીમ લોદીએ મેવાડ પર આક્રમણ કર્યું. સંગે એનો બુંદી પાસે બકરોલ (બક્રોલ)માં પરાજય કર્યો. પછી ૧૫૧૮માં એક રાત્રે એણે ખટોલી (ઘટોલી)માં ફરીથી અચાનક આક્રમણ કર્યું. સંગે એનો ફરીથી પરાજય કર્યો. પણ આ યુદ્ધમાં સંગ મરણોતલ ઘવાયો અને એનો એક હાથ કપાયો. આ યુદ્ધમાં ભોજરાજ પણ ગંભીરપણે ઘવાયો. પછી ભોજરાજ લાંબો સમય હવે જીવશે નહિ એવી શંકા સૌને જન્મી હોય. એથી ભોજરાજનું ટૂંક સમયમાં અકાળે અવસાન થાય તો સંગ પછી મેવાડના વારસ અંગેના આંતરવિગ્રહ અને સંઘર્ષનો આરંભ થયો. સંગે કુલ અઠ્ઠાવીસ લગ્નો કર્યાં હતાં. એને કુલ અગિયાર સંતાનો હતાં, ચાર પુત્રીઓ અને ભોજરાજ સમેત સાત પુત્રો. ભોજરાજનું જો અવસાન થાય તો સંગ પછી મેવાડનો વાજબી વારસ જોધપુરના રાઠોડકુટુંબની ધનબાઈનો રતનસિંહ હતો. પણ સંગને જોધપુરના રાઠોડકુટુંબ પર વિશ્વસ ન હતો એથી એણે પોતાના વિશ્વાસુ સહાયક બુંદીના સૂરજમલની બહેન કરમેતનબાઈના પુત્રો વિક્રમાદિત્ય અને ઉદયસિંહ પ્રત્યેનો પોતાનો પક્ષપાત પ્રગટ કર્યો. વૈધવ્ય ૧૫૨૧માં ભોજરાજનું અવસાન થયું અને લગ્નનાં પાંચ વર્ષ પછી, ત્રેવીસ વર્ષની વયે, મીરાંને વૈધવ્ય પ્રાપ્ત થયું. મીરાંના લગ્નની વિધિ અપૂર્ણ રહી હતી. એણે લગ્નનો સ્વીકાર કર્યો ન હતો અને લગ્ન ભોગવ્યું ન હતું. એથી એ જૌહર કરે અને સતી થાય એવો આગ્રહ શક્ય ન હતો. જોકે, હવે પછી મીરાંનાં પદના સંદર્ભમાં વિગતે જોઈશું તેમ, એણે જીવનભર ક્ષણે ક્ષણે જૌહર કર્યું હતું. એણે સંતનાં, સંન્યાસિનીનાં વસ્ત્રો ધારણ કર્યાં હોય એટલું જ નહિ પણ વૈધવ્ય પછી વૈધવ્યને કારણે જ નહિ પણ એના સંતજીવનના, ભક્તિના જીવનના અનિવાર્ય અને સ્વાભાવિક વિકાસક્રમ રૂપે જ એનો વિશેષ વૈરાગ્યભાવ પ્રગટ થયો હોય અને ભલે રૂઢિ અને પરંપરા પ્રત્યેનો દ્રોહ-વિદ્રોહ એમાં હોય પણ અન્યથા એનું જીવન નિર્દોષ અને નિરુપદ્રવી હતું એથી સિસોદિયાકુટુંબને સંતોષ થયો હોય અને મીરાંના જીવન પ્રત્યેનો સૌનો વિરોધ શમી ગયો હોય. ૧૫૨૧માં ભોજરાજના અવસાન પછી વારસ અંગેનો આંતરવિગ્રહ અને સંઘર્ષ વધુ ઉગ્ર થયો. જોધપુરના રાઠોડકુટુંબે, એ કુટુંબની કોઈ વ્યક્તિએ, સંગની વિરુદ્ધ ષડ્યંત્ર, કાવતરું રચ્યું. ધનબાઈનો પુત્ર રતનસિંહ સગીર હતો અને જો એ વારસ સિદ્ધ થાય તો સંગને પદભ્રષ્ટ કરી રતનસિંહને રાજ્યપદે સ્થાપી રતનસિંહ અને ધનબાઈ દ્વારા, રતનસિંહના રાજ્યરક્ષક તરીકે, આગળ જોયું તેમ, મોકલજીની હત્યા કરીને જે ખવાસ મેવાડના રાજ્યપદે આવ્યો હતો એની હત્યા કરીને મોકલજીના સગીર પુત્ર કુંભને રાજ્યપદે સ્થાપીને એના રાજ્યરક્ષક તરીકે રણમલે કર્યું હતું તેમ, જોધપુરનું મેવાડ પર વર્ચસ્ સિદ્ધ થાય. આ ષડ્યંત્ર ધનબાઈએ ન રચ્યું હોય કારણ કે ધનબાઈ હિન્દુ સ્ત્રી હતી, સંગની વિશ્વાસુ પત્ની હતી અને ૧૫૩૫માં ગુજરાતના બહાદુરશાહે ચિતોડ પર ત્રીજું આક્રમણ કર્યું ત્યારે ચિતોડના પતન પૂર્વે, કરમેતનબાઈ અને અન્ય અનેક રજપૂત સ્ત્રીઓએ જૌહર કર્યું ત્યારે, યુદ્ધભૂમિ પર એક આદર્શ રજપૂતાણીને શોભે એમ એનું અવસાન થયું હતું. એટલી એ ઉદાત્ત અને વીર હતી. આ ષડ્યંત્ર જોધપુરના ગાંગાજીએ પણ ન રચ્યું હોય કારણ કે ગાંગાજી સંગનો વિશ્વાસુ હતો અને નિર્બળ હતો. આ ષડ્યંત્ર ગાંગાજીના પુત્ર માલદેવે અને વિશેષ તો એના સહાયકોએ રચ્યું હોય કારણ કે માલદેવ જોકે ત્યારે અગિયાર વર્ષનો હતો પણ એ બાબરની જેમ અકાળે પ્રૌઢ હોય અને એના સહાયકોમાંથી કોઈ વ્યક્તિને, જેમ રાયમલને હતી તેમ, મેવાડ પર જોધપુરનું વર્ચસ્ સિદ્ધ કરવાની મહત્ત્વાકાંક્ષા હોય, સ્વયં માલદેવને પણ આવી મહત્ત્વાકાંક્ષા હોય. કારણ કે પછીથી માલદેવ એના પિતા ગાંગાજીની હત્યા કરીને જોધપુરના રાજ્યપદે આવ્યો અને ત્યારે એણે મેડતા-બુંદી-અંબરનો હ્રાસ કરવામાં રતનસિંહને સહાય આપી હતી અને રતનસિંહની હત્યા પછી એ સર્વોપરી સ્થાને આવ્યો હતો. ૧૫૧૮માં સંગ મરણતોલ ઘવાયો, એનો એક હાથ કપાયો છતાં ગોગ્રામમાં એણે વિજય પ્રાપ્ત કર્યો, અને ૧૫૧૮-૨૦માં ઉત્તર માળવા પર વિજય પ્રાપ્ત કર્યો. ૧૫૨૦માં એણે ગુજરાત પર આક્રમણ કર્યું. પછી તરત જ માળવાના મહમ્મુદ બીજાએ અને ગુજરાતના મુજફ્ફર બીજાએ મેવાડ પર સંયુક્ત આક્રમણ કર્યું. ત્યારે પોતાનો વિજય, પૂર્વેના યુદ્ધની જેમ, આ યુદ્ધમાં પણ નિશ્ચિત હતો છતાં એનો ત્યાગ કરીને જોધપુરના આ ષડ્યંત્રને કારણે એમની સાથે સમાધાન કરવું પડ્યું. કરમેતનબાઈના પાંચ વર્ષની વયના મોટા પુત્ર વિક્રમાદિત્યને મુજફ્ફર બીજાને સુપરત કરવો પડ્યો, કરમેતનબાઈ સંગની સાથે યુદ્ધભૂમિમાં હતી. ત્યારે એનો માંડ એક વર્ષની વયનો નાનો પુત્ર ઉદયસિંહ ચિતોડમાં હતો. એનું જીવન રતનસિંહ-ધનબાઈ-જોધપુરપક્ષી શત્રુઓ એની હત્યા કરે એ ભયમાં હતું. એને છાબમાં સંતાડીને દાસી પન્નાએ બચાવ્યો. સંગ યુદ્ધભૂમિમાંથી આમ એકાએક પાછો ફર્યો અને જોધપુરના રાઠોડકુટુંબે જે વિદ્રોહી જાગીરદારોને પોતાની વિરુદ્ધ ઉત્તેજન આપ્યું હતું એ સૌને એણે યુદ્ધવિરામ અને પછી પોતાની આ ઉપસ્થિતિથી અચાનક આશ્ચર્ય અને અમૂંઝણનો અનુભવ કરાવ્યો. સંગની સ્થિતિ અત્યંત નિર્બળ હતી. છતાં એણે એ સૌને પોતાનામાં એમને વિશ્વાસ છે કે નહિ એનો નિર્ણય કરવાનું આહ્વાન આપ્યું અને જો એમને વિશ્વાસ ન હોય તો પોતે સ્વેચ્છાએ નિવૃત્તિ લેશે એવો પ્રસ્તાવ રજૂ કર્યો. પણ સદ્ભાગ્યે બહુમતી જાગીરદારો એના વિશ્વાસુ સહાયકો હતા અને એથી એને પક્ષે હતા. પરિણામે સંગ રાજ્યપદે ચાલુ તો રહ્યો પણ એને રતનસિંહનો વારસ તરીકે સ્વીકાર કરવો પડ્યો અને વિદ્રોહી જાગીરદારોને ક્ષમા આપવી પડી. પણ હજુ એમની પ્રત્યે એને શંકા હતી, એમનો એને ભય હતો એથી સત્તાની સમતુલા માટે કરમેતનબાઈના ભાઈ બુંદીના સૂરજમલને એણે મુખ્ય પ્રધાનપદે નિયુક્ત કર્યો. પોતાનું અવસાન થાય તો સગીર રતનસિંહ રાજ્યપદે આવે ત્યારે ધનબાઈ અને જોધપુરનું રાઠોડકુટુંબ નહિ પણ કરમેતનબાઈ અને એનો ભાઈ બુંદીનો સૂરજમલ એના રાજ્યરક્ષક તરીકે મેવાડનો રાજ્યકારભાર કરે એ હેતુથી એણે રતનસિંહનું કરમેતનબાઈ અને સૂરજમલની બહેન સુજા સાથે લગ્ન કર્યું. ઉપરાંત રતનસિંહનું અંબરની રાજકુંવરી સાથે બીજું લગ્ન પણ ગોઠવ્યું. કરમેતનબાઈ એના ભાઈ સૂરજમલના રક્ષણમાં રહે એ માટે ૧૫૧૮માં ઉત્તર માળવા પરના વિજય પછી રણથંભોરનો દુર્ગ મેવાડમાં જોડ્યો હતો તે એણે કરમેતનબાઈ અને એના બે પુત્રોને ભવિષ્યમાં સૌ જાગીરદારો પર પોતાનું સંપૂર્ણ વર્ચસ્ ન હતું એથી કોઈ કટોકટી સર્જાય ત્યારે આશ્રયસ્થાન તરીકે જાગીરમાં આપ્યો. આમ, જોધપુરના રાઠોડકુટુંબનું સંગ વિરુદ્ધનું આ ષડ્યંત્ર નિષ્ફળ ગયું એના મૂળમાં સંભવ છે કે મીરાં હતી. ૧૫૨૨માં આ ષડ્યંત્ર યોજાયું ત્યારે સંગ તો મહમ્મુદ બીજાના અને મુઝફ્ફર બીજાના મેવાડ પરના આક્રમણને કારણે યુદ્ધભૂમિમાં હતો. એને આ ષડ્યંત્રની જાણ ક્યાંથી હોય? છતાં એ બન્ને આક્રમણકારો સાથે સમાધાન કરીને યુદ્ધભૂમિમાંથી એકાએક પાછો ફર્યો એનું કારણ મીરાંએ એને આ ષડ્યંત્ર અંગેના સમાચાર આપ્યા હોય. પણ મીરાંને આ ષડ્યંત્રની જાણ ક્યાંથી હોય? લગ્ન પછી મીરાંનો સાધુસંત આદિ અનેક સામાન્ય મનુષ્યો સાથેના સતત સંપર્ક અને સમાગમનો આરંભ થયો હતો અને વૈધવ્ય પછી એનો ઉત્તરોત્તર ક્રમેક્રમે દિનપ્રતિદિન વધુ ને વધુ વિકાસ થયો હતો. આ મનુષ્યોમાંથી કોઈએ મીરાંને આ ષડ્યંત્રના સમાચાર આપ્યા હોય અથવા તો આ ષડ્યંત્રમાં સંલગ્ન અથવા સક્રિય એવી કોઈ વ્યક્તિએ પોતાની પાપવૃત્તિ અને અપરાધવૃત્તિના ભારમાંથી મુક્ત થવા, હળવા થવા સાધુસંત અથવા સામાન્ય મનુષ્યના ગુપ્તવેશમાં મીરાં પાસે આવીને હૃદય ખોલીને એકરાર કર્યો હોય અને આ ષડ્યંત્રના સમાચાર આપ્યા હોય. ગુપ્તચરો આદિની સાધુસંત અથવા સામાન્ય મનુષ્યોના ગુપ્તવેશમાં આવી પ્રવૃત્તિ ત્યારે પ્રચલિત હતી. મીરાં રાજ્યકારણ આદિમાં, અલબત્ત, સક્રિય ન હતી. પણ નૈતિક દૃષ્ટિએ દુષ્ટતા, દુરિત અથવા અસદ્ તત્ત્વો સામે સજ્જનતા, શુભ અને સદ્ને સહાય કરવાનો પોતાનો ધર્મ છે એવી પ્રતીતિને કારણે એણે સંગને આ ષડ્યંત્રના સમાચાર આપીને, રાજ્યકારણમાં સક્રિય ભાગ ભજવીને, પોતાનો એ ધર્મ બજવ્યો હોય. વળી મીરાંને સંગ પ્રત્યે અપાર માન-આદર, એ કારણે પણ એણે પોતાનો એ ધર્મ બજવ્યો હોય. વળી આ જ સમયમાં જોધપુરના રાઠોડકુટુંબે મીરાંના કાકા મેડતાના વીરમદેવ પર આક્રમણ કર્યું હતું અને વીરમદેવને દેશવટો આપ્યો હતો. ત્યારે એ કદાચને સાધુસંત આદિ મનુષ્યો દ્વારા વીરમદેવના સંપર્કમાં હતી. અને સાથે સાથે એવા જ મનુષ્યો દ્વારા દિલ્હીના મોગલ શહેનશાહ બાબર સાથે પણ સંપર્કમાં હતી. અને બાબર સાથેના પોતાના સદ્ભાવભર્યા વ્યવહારથી બાબરને સમજાવીને બાબર પાસેથી વીરમદેવને ધનની સહાય અપાવી હતી. રજપૂતોનું એક મોટું મજબૂત રાજ્ય ન થાય એ હેતુથી પણ બાબરે આ સહાય આપી હોય. અને પરિણામે જોધપુરના રાઠોડકુટુંબનું વીરમદેવ પરનું આક્રમણ નિષ્ફળ ગયું હતું. એના મૂળમાં પણ સંભવ છે કે મીરાં હતી. મીરાંની આ પ્રવૃત્તિઓને કારણે જોધપુરના રાઠોડકુટુંબે, હવે પછી કંઈક વિગતે જોઈશું તેમ, હંમેશ માટે મીરાં પ્રત્યે શંકા અને ભયની લાગણી અનુભવી હતી અને વેર બાંધ્યું હતું. પણ આ જ પ્રવૃત્તિઓને કારણે સંગે હંમેશ માટે મીરાં પ્રત્યે માન, આદર અને કૃતજ્ઞતાની લાગણી અનુભવી હતી અને એ મીરાંના જીવનને સર્વદા અને સર્વથા વધુ ને વધુ અનુકૂળ થયો હતો. ભોજરાજનું અકાળે અવસાન ન થયું હોત અને બાબર સામેના યુદ્ધમાં સંગનો પરાજય ન થયો હોત તો મેવાડનો અને મીરાંના જીવનનો ઇતિહાસ કંઈક જુદો જ હોત! ૧૫૨૧માં ભોજરાજના અવસાન અને ૧૫૨૭માં સંગના અવસાન વચ્ચેનો સમય મીરાંના જીવનમાં સૌથી વધુ બાહ્ય શાંતિનો સમય હતો. લગ્ન પછી સાધુસંત અને અસંખ્ય સામાન્ય મનુષ્યો સાથેના એના સંપર્ક અને સમાગમનો આરંભ થયો હતો તેનો ઉત્તરોત્તર ક્રમે ક્રમે દિનપ્રતિદિન વધુ ને વધુ વિકાસ થયો. વૈધવ્ય પછી જે રાજ્યપ્રદેશ એને પ્રાપ્ત થયો હતો એના પ્રજાજનોના પ્રશ્નોમાં, એમનાં સુખદુઃખમાં એનો અંગત અને આત્મીય એવો સક્રિય રસ હતો. એક જીર્ણ પ્રાસાદમાં, પ્રાસાદના ખંડમાં એનો સ્વતંત્ર નિવાસ હતો. એને સ્વતંત્ર દાસ-દાસીઓની સગવડ અને પોતાના પ્રદેશની સ્વતંત્ર આવક હતી. દાન, સેવા આદિ સામાજિક પ્રવૃત્તિઓ અને ભજનકીર્તનશ્રવણ આદિ આધ્યાત્મિક, ધાર્મિક પ્રવૃત્તિઓમાં એ રમમાણ હતી. આ જ સમયમાં, ૧૫૨૪-૨૭ની વચમાં ઝાલીરાણી રતનકુંવરનું અવસાન થયું એથી એના અવસાન પછી એની સૌ પ્રવૃત્તિઓ જીવંત રહે એ હેતુથી એનો કાર્યભાર પણ મીરાંએ એની પ્રત્યેના ઋણને કારણે હૃદયપૂર્વક સ્વીકાર્યો હતો. જે અણસમજ અથવા ગેરસમજને કારણે ‘મિયાંનો મલ્હાર’ને નામે પ્રચલિત છે પણ ‘મીરાંનો મલ્હાર’ને નામે પ્રચલિત હોવો જોઈએ તે મલ્હાર રાગનું મીરાંએ આ સમયમાં મૌલિક સર્જન કર્યું. સૌ પ્રથમ પદ મીરાંએ રાજસ્થાની, વ્રજ અને ગુજરાતી એમ ત્રણ ભાષામાં પદ રચ્યાં હોય તો, રાજસ્થાની ભાષામાં કેટલાંક પદનું મીરાંએ આ સમયમાં સર્જન કર્યું. ત્રાસ ૧૫૨૭માં બાબર સાથેના યુદ્ધમાં સંગનો પરાજય થયો અને સંગના સહાયક મીરાંના પિતા રતનસિંહનું યુદ્ધમાં અવસાન થયું. સંગ બાબર પાસેથી ચંદેરી જીતવા જતો હતો ત્યારે રણથંભોરથી માંડલગઢના માર્ગ પર ઇરીચ પાસે જોધપુરપક્ષી કોઈ પ્રધાને અથવા કોઈ વ્યક્તિએ સંગને વિષ આપ્યું અને સંગનું અવસાન થયું. ૧૫૨૮માં ધનબાઈનો પુત્ર રતનસિંહ મેવાડના રાજ્યપદે આવ્યો. આ સમયે બુંદી-રણથંભોર-અંબર-મેડતા-નું રાજકીય જોડાણ થયું હતું તે જોધપુર માટે જોખમી હતું. એથી રતનસિંહે મેડતાના વીરમદેવ પર આક્રમણ કર્યું અને બુંદીમાં આંતરવિગ્રહ કરાવ્યો. અંબરની રાજકુંવરી સાથેનો પોતાનો વિવાહ તોડ્યો. એથી સંગે જે લગ્ન ગોઠવ્યું હતું તે ન થયું. બુંદીના સૂરજમલે અંબરની આ રાજકુંવરી સાથે લગ્ન કર્યું. બુંદીનો સૂરજમલ, રણથંભોરની કરમેતનબાઈ અને એના બે પુત્રો વિક્રમાદિત્ય અને ઉદયસિંહ જોધપુરના રાઠોડકુટુંબ, ધનબાઈ અને રતનસિંહનાં પ્રતિસ્પર્ધીઓ હતાં એથી રતનસિંહે એમને અને એમના સહાયકોને ત્રાસ આપવાનો આરંભ કર્યો. પણ સાથે સાથે મીરાંને પણ ત્રાસ આપવાનો આરંભ કર્યો. મીરાં વિધવા હતી, નિ:સંતાન હતી. મેવાડના વારસ માટેના અને મેવાડ પરના વર્ચસ્ માટેના આંતરવિગ્રહ અને સંઘર્ષમાં સક્રિય ન હતી. પણ મીરાં મેડતાની રાજકુંવરી હતી અને મેડતા જોધપુરની વિરુદ્ધ મેવાડને પક્ષે હતું. વળી મીરાં પરાજિત પક્ષની સભ્ય હતી. વળી જોધપુરના મેવાડ સામેના ષડ્યંત્રની અને મેડતા પરના આક્રમણની નિષ્ફળતાનું મૂળ મીરાં હતી. એથી જોધપુરને મીરાં પ્રત્યે હંમેશ માટેનું જૂનું વેર હતું. વળી એની પ્રત્યે હંમેશ માટેની શંકા હતી અને ભવિષ્યમાં એનો પણ ભય હતો. એથી રતનસિંહે મીરાંને ત્રાસ આપવાનો આરંભ કર્યો અને મીરાંનો હ્રાસ કરવાનો અને અંતે નાશ કરવાનો પ્રયત્ન કર્યો. જનશ્રુતિમાં એમ છે કે મીરાંના દિયરે મીરાંને ધાર્મિક કારણે ત્રાસ આપ્યો હતો. સાચું છે કે મીરાંના બે દિયરે રતનસિંહ અને, હવે પછી વિગતે જોઈશું તેમ, વિક્રમાદિત્યે મીરાંને ત્રાસ આપ્યો હતો. પણ તે ધાર્મિક કારણે નહિ — જોધપુરના રાઠોડકુટુંબને, ધનબાઈને અને રતનસિંહને ધર્મમાં રસ નહોતો — પણ રાજકીય કારણે. સંભવ છે કે એમાં ધર્મ માત્ર બહાનું હોય. પણ મીરાં પ્રત્યેનો આ ત્રાસ રાજકીય ત્રાસ હતો. રતનસિંહે આરંભમાં જ મીરાંને એના સ્વતંત્ર રાજપ્રાસાદમાંથી દૂર કરી, એનાં સ્વતંત્ર દાસદાસીઓની સંખ્યામાં અને એની સ્વતંત્ર આવકની રકમમાં મોટો કાપ મૂકી, ચંપા અને ચમેલી નામની બે દાસીઓની નજરબંધી નીચે એકાન્તવાસ, કહો કે કારાવાસ આપ્યો. જોકે ટૂંક સમયમાં જ મીરાંએ આ બન્ને દાસીઓનું હૃદય જીતી લીધું હતું. જનશ્રુતિમાં એમ છે કે રાણાએ પ્રથમ વિષધર નાગ મોકલ્યો હતો અને પછી સિસોદિયાકુટુંબની કુલદેવી દુર્ગા-કાલીના બલિના રુધિરથી મિશ્રિત એવું વિષ મોકલ્યું હતું અને મીરાંના જીવનનો અંત લાવવાનો પ્રયત્ન કર્યો હતો. પણ ચમત્કારોને કારણે મીરાં સુરક્ષિત રહી હતી. આ રાણો તે રતનસિંહ. આ સમયમાં નાગપ્રેષણ અને વિષપ્રેષણ પ્રચલિત હતું. એટલે રતનસિંહે મીરાં પરના ત્રાસની પરાકાષ્ઠા રૂપે મીરાંને પ્રથમ ફૂલની છાબમાં ફૂલને બહાને વિષધર નાગ મોકલવાની સેવકો અને અનુચરોને આજ્ઞા આપી હશે. છતાં મીરાંના જીવનનો અંત ન આવ્યો એથી વધુ રોષમાં આવીને પછી મીરાંને ચરણામૃતને બહાને વિષ મોકલવાની સેવકો અને અનુચરોને આજ્ઞા આપી હશે. છતાં મીરાંના જીવનનો અંત ન આવ્યો. જનશ્રુતિમાં એમ છે કે ચમત્કારોને કારણે મીરાંના જીવનનો અંત ન આવ્યો. પણ સંભવ છે કે અસંખ્ય મનુષ્યો — રતનસિંહના સેવકો અને અનુચરો સુધ્ધાંનાં હૃદયમાં મીરાં પ્રત્યે અપાર પ્રેમ હતો એથી મીરાંના જીવનનો અંત ન જ આવવો જોઈએ એવી રતનસિંહના સેવકો અને અનુચરોનાં હૃદયમાં તીવ્ર લાગણી હોવી જોઈએ અને એથી એમણે મીરાંને વિષધર નહિ પણ નિર્વિષ નાગ અને વિષ નહિ પણ કોઈ નિર્દોષ પેયપદાર્થ મોકલ્યો હોવો જોઈએ. અને રતનસિંહના રોષથી બચવા માટે નાગ ફૂલહાર થયો અને વિષ ચરણામૃત થયું — એમ ચમત્કારોને કારણે મીરાંના જીવનનો અંત ન આવ્યો એમ પ્રચાર કર્યો હોવો જોઈએ. મીરાંના પ્રભુમય જીવનની, પ્રાર્થનામય જીવનની, મીરાંના પરમેશ્વર પ્રત્યેના પ્રેમની, દિવ્ય પ્રેમની અસંખ્ય મનુષ્યોનાં હૃદય પર કોઈ અકલ્પ્ય જાદૂઈ ભૂરકી હતી, કોઈ અપૂર્વ મોહિની હતી અને એથી અસંખ્ય મનુષ્યોનાં હૃદયમાં મીરાં પ્રત્યે અપાર પ્રેમ હતો. અને આ પ્રેમને પરિણામે આમ થયું હોવું જોઈએ. આ પ્રેમ ચમત્કારોનો ચમત્કાર છે. પ્રેમ જેવો કોઈ ચમત્કાર નથી. આમ, આ ચમત્કાર તે આ પ્રેમ! આ જ સમયમાં, કરમેતનબાઈએ તાત્કાલિક ચિતોડનો ત્યાગ કર્યો અને રણથંભોર બાબરને સુપરત કર્યું. એથી એ રતનસિંહના ત્રાસમાંથી બચી અને સુરક્ષિત રહી હતી. ૧૫૨૯માં નાગોરના ખાન અને બિકાનેરના જેતસીની સહાયથી જોધપુરના ગાંગાજીના કાકા શેખાએ જોધપુર પર આક્રમણ કર્યું એથી જોધપુર કંઈક નિર્બળ થયું. ૧૫૩૧માં બુંદી પાસે અહેરિયાના ઉત્સવપ્રસંગે શિકારે જતાં કદાચ રતનસિંહ ટૂંક સમયમાં બુંદી પર આક્રમણ કરે એવી શંકાથી સૂરજમલે રતનસિંહ પર કટારથી ઘા કર્યો અને રતનસિંહે સૂરજમલ પર કટારથી સામો ઘા કર્યો એમાં સૂરજમલ અને રતનસિંહ બન્નેનું અવસાન થયું. આમ, રતનસિંહ મીરાંને વધુ ત્રાસ આપે અને મીરાંના જીવનનો અંત લાવે તે પૂર્વે જ રતનસિંહનું હત્યાથી અવસાન થયું અને મીરાં રતનસિંહના ત્રાસમાંથી બચી અને સુરક્ષિત રહી હતી. વધુ ત્રાસ, મેવાડત્યાગ રતનસિંહની હત્યા પછી કરમેતનબાઈનો ચૌદ વર્ષની વયનો મોટો પુત્ર વિક્રમાદિત્ય રાજ્યપદે આવ્યો. રતનસિંહના રાજ્યકાળમાં કરમેતનબાઈ અને મીરાં બન્નેને રતનસિંહે ત્રાસ આપ્યો હતો. બન્ને સમદુખિયાં હતાં. સ્વાભાવિક જ કરમેતનબાઈને મીરાં પ્રત્યે સમસંવેદન અને સહાનુભૂતિ હોય. એથી જ્યારે કરમેતનબાઈનો પુત્ર રાજ્યપદે આવે ત્યારે મીરાંના ત્રાસનો હંમેશ માટે અંત આવવો જોઈએ. પણ વિધિવક્રતા એ છે કે વિક્રમાદિત્યે મીરાંને રતનસિંહે જેટલો ત્રાસ આપ્યો હતો એથી કેટલોય વધુ ત્રાસ આપ્યો. વિક્રમાદિત્ય સ્ત્રૈણ, સ્વચ્છંદી, સ્વેચ્છાચારી અને વ્યભિચારી હતો. એના પર એના સહાયકો — સવિશેષ પૃથ્વીરાજના અનૌરસ પુત્ર વનવીરનું વર્ચસ્ હતું. વનવીર મહત્ત્વાકાંક્ષી અને રાજ્યપદેચ્છુ હતો. પછીથી એ વિક્રમાદિત્યની હત્યા કરીને મેવાડના રાજ્યપદે આવ્યો હતો. એથી મીરાં પ્રત્યે એને શંકા હતી અને ભવિષ્યમાં મીરાંનો એને ભય હતો. એથી એની ઉત્તેજનાથી વિક્રમાદિત્યે મીરાંને ત્રાસ આપવાનો આરંભ કર્યો. મીરાં મેડતાની રાજકુંવરી હતી અને એણે સંગ અને વીરમદેવને સહાય આપી હતી એથી નહિ પણ એ મેવાડના અંત:પુરમાં એક અગ્રણી અને સૌથી લોકપ્રિય સ્ત્રી હતી એથી એને ત્રાસ આપવામાં આવ્યો. જનશ્રુતિમાં એમ છે કે રાણાએ મીરાંનો શિરચ્છેદ કરવાનો અને મીરાંના જીવનનો અંત લાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ ચમત્કારોને કારણે મીરાં સુરક્ષિત રહી હતી. આ રાણો તે વિક્રમાદિત્ય. વિક્રમાદિત્યે મીરાંનો શિરચ્છેદ કરવાની સેવકો અને અનુચરોને આજ્ઞા આપી હશે. પણ મીરાંનો શિરચ્છેદ ન થયો, મીરાંના જીવનનો અંત ન આવ્યો, ચમત્કારને કારણે નહિ, પણ આગળ જણાવ્યું તે કારણે; અને સાથે શિરચ્છેદથી તો સ્ત્રીહત્યાનું પાપ લાગે એ કારણે કોઈ સેવક અથવા અનુચર આ આજ્ઞાનું પાલન કરવા, આવું દુ:સાહસ કરવા તૈયાર નહિ હોય. આમ, મીરાંના જીવનનો અંત ન આવ્યો એથી વધુ રોષમાં આવીને પછી વિક્રમાદિત્યે જલસમાધિથી મીરાંના જીવનનો અંત આવે તો એને આત્મહત્યા લેખે પ્રસિદ્ધ કરી શકાય એ હેતુથી સ્વયં મીરાંને જલસમાધિ લેવાની આજ્ઞા કરી હતી. પણ મીરાં સંન્યાસિનીનાં વસ્ત્રો ધારણ કરતી હતી. આ વસ્ત્રોને કારણે મીરાં જલસમાધિ પ્રસંગે સુરક્ષિત રહી હતી. એથી કદાચ આ જલસમાધિનો અનુભવ એ મીરાં પ્રત્યેના સામ, દામ, ભેદ, દંડ — સર્વ પ્રકારના ત્રાસના અનુભવોની અંતિમ પરાકાષ્ઠા હતી. એથી ૧૫૩૨માં સોળ વર્ષના મેવાડવાસ પછી ચોત્રીસ વર્ષની વયે મીરાંએ મેવાડત્યાગ કર્યો. વીરમદેવને મીરાં પ્રત્યેના ત્રાસની, મીરાંનું જીવન ભયમાં છે એની માહિતી હોય અને એ મેવાડ આવ્યો હોય અને મીરાંએ એની સાથે મેવાડમાંથી વિદાય લીધી હોય અથવા સ્વતંત્રપણે એણે મેવાડત્યાગનો નિર્ણય લીધો હોય. પણ ૧૫૩૨માં મીરાં મેવાડત્યાગ કરીને મેડતામાં આવીને વસી હતી. મેડતાવાસ, મેડતાત્યાગ ૧૫૨૭માં સંગના અવસાન અને ૧૫૩૨માં સ્વેચ્છાએ મેવાડત્યાગ વચ્ચેના રતનસિંહ અને વિક્રમાદિત્યના ત્રાસના સમયમાં મીરાંએ મેવાડના રાજરાણીપદનો ત્યાગ કરીને સંન્યાસિનીનાં વસ્ત્રો પૂર્ણપણે ધારણ કર્યાં હતાં. અનેક સંતોની જેમ ભજનકીર્તન દ્વારા પોતાનો જીવનનિર્વાહ કર્યો હતો અને પૂર્વે કદી નહિ કર્યો હોય એટલા પ્રમાણમાં સાધુસંતો અને અસંખ્ય મનુષ્યોનો સંપર્ક અને સમાગમ કર્યો હતો. હવે ૧૫૩૨માં મેડતામાં આવીને વસી ત્યારે પણ એણે મેવાડમાં એ જે જીવન જીવતી હતી એ જ જીવન સતત જીવવાનું કર્યું. મેડતામાં વીરમદેવનો એકનો એક પુત્ર જયમલ પણ આવું જ સંતનું જીવન જીવતો હતો. મીરાં પ્રત્યે એની સહાનુભૂતિ હશે છતાં આવા જીવનથી કદાચ વીરમદેવને આઘાત થાય અથવા મેડતામાં એના અસ્તિત્વને કારણે ભવિષ્યમાં કદાચ જોધપુરનું રાઠોડકુટુંબ એની પ્રત્યેના હંમેશ માટેના જૂના વેરને કારણે એને આશ્રય આપનાર વીરમદેવને ઉપદ્રવ કરે અથવા વીરમદેવ પર આક્રમણ કરે એ ભય અને શંકાને કારણે મીરાંએ વીરમદેવના હિતમાં ૧૫૩૩માં, એક જ વર્ષમાં, મેડતાત્યાગ કર્યો. આ જ સમયમાં ૧૫૩૨માં ગુજરાતના બહાદુરશાહે રાઈસીનના સિલ્હાદિને દૂર કર્યો અને ચિતોડ-મેવાડ પર આક્રમણ કર્યું. ત્યારે કરમેતનબાઈએ વિક્રમાદિત્ય પાસેથી રાજ્યકારભાર ધારણ કર્યો. પણ વર્ષાઋતુને કારણે અને બહાદુરશાહ મેવાડમાં હતો ત્યારે જ પોર્ટુગીઝોએ ગુજરાત પર આક્રમણ કર્યું એ કારણે બહાદુરશાહ પાછો ફર્યો. પણ પછી એણે રણથંભોર અને અજમેર પર વિજય પ્રાપ્ત કર્યો અને ૧૫૩૩માં મેવાડ પર બીજું આક્રમણ કર્યું. ત્યારે ધનબાઈએ એને દ્રવ્ય આપીને વિદાય કર્યો હતો.૧૫૩૨માં જોધપુરના ગાંગાજીને એના પુત્ર માલદેવે ઝરૂખામાંથી નીચે હડસેલીને એની હત્યા કરી અને પછી માલદેવ જોધપુરના રાજ્યપદે આવ્યો. પછી જોધપુર સંપૂર્ણપણે સ્વતંત્ર થયું. અને એણે પોતાનું સામ્રાજ્ય રચવાનો આરંભ કર્યો. વિક્રમાદિત્ય મેવાડના રાજ્યપદે આવ્યો પછી બુંદી સબળ થયું હતું. પણ રતનસિંહની કટારથી સૂરજમલની હત્યા પછી બુંદી પર કરમેતનબાઈનું વર્ચસ્ રહ્યું ન હતું. અંબરનું કછવાહો પરનું વર્ચસ્ રહ્યું ન હતું એથી અંબર પણ નિર્બળ થયું હતું. આમ, આ સમયમાં, અગાઉ ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે પ્રમાણે, ૧૫૩૨માં અને ૧૫૩૩માં એમ બે વાર ગુજરાતના બહાદુરશાહે મેવાડ પર આક્રમણ કર્યું એથી મેવાડ અત્યંત નિર્બળ થયું હતું. વૃન્દાવનવાસ, વૃન્દાવનત્યાગ ૧૫૩૩માં મેડતાત્યાગ પછી મીરાં કૃષ્ણની જન્મભૂમિમાં યાત્રા કરવાની તીવ્ર ઇચ્છા હશે એથી વૃદાવનમાં આવીને વસી હતી. અહીં જીવા ગોસાંઈ અને મીરાંનું મિલન થયું. આ મિલન પ્રસિદ્ધ છે. ૧૫૧૦માં ચૈતન્ય એમના છ શિષ્યોની સાથે વૃન્દાવનયાત્રાએ ગયા હતા. ચૈતન્યે એમના કેટલાક શિષ્યોને વૃન્દાવનમાં વસવાનું કહ્યું એથી જે શિષ્યો ત્યાં વસ્યા એમાં જીવા ગોસાંઈ એક હતા. ચૈતન્યે જ્ઞાતિ-જાતિ આદિ સામાજિક ભેદો દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો. પણ એમના શિષ્યો ટૂંક સમયમાં જ રૂઢિચુસ્ત માનસ ધરાવતા થયા હતા અને પોતાને ગોસાંઈ કહેતા-કહેવડાવતા થયા હતા. જ્યારે મીરાંએ જીવા ગોસાંઈને મળવાની ઇચ્છા જણાવી ત્યારે જીવા ગોસાંઈએ મીરાં તો સ્ત્રી છે અને પોતે કોઈ સ્ત્રીને મળતા નથી એથી મીરાંને નહિ મળી શકે એવો પ્રત્યુત્તર પાઠવ્યો. ત્યારે મીરાંએ જીવા ગોસાંઈને, એક પ્રસિદ્ધ અને પ્રતિષ્ઠિત ધર્મનેતાને એમની પ્રત્યે સંપૂર્ણ માન-આદર સહિત પણ સહેજ પણ સંકોચ કે ભય વિના એમના જ ગુરુ ચૈતન્યના ગોપીભાવનું સ્પષ્ટ અને સચોટ સ્મરણ કરાવ્યું હતું કે — મીરાંના શબ્દો તો અસ્તિત્વમાં નથી પણ ભાગવતકારના શબ્દોમાં वासुदेव: पुमान् एक: स्त्रीमयम् इतर: जगत। અથવા દયારામના શબ્દોમાં ‘આજ લગી હું એમ જાણતી જે વ્રજમાં કૃષ્ણ પુરુષ છે એક;/વ્રજમાં વસી હજુ પુરુષ રહ્યા છો તેમાં ધન્ય તમારો વિવેક.’ આ એક જ વાક્યમાં મીરાંની માર્મિકતા અને સૂક્ષ્મતાનું, સૂઝસમજ અને સાહસિકતાનું, નીડરતા અને નિરંકુશતાનું, નિખાલસતા અને નિર્દોષતાનું, હાસ્ય અને કટાક્ષનું, વક્રતા અને વેધકતાનું, આત્મશ્રદ્ધા અને આત્મપ્રતીતિનું, સ્વમાન અને સ્વાતંત્ર્યનું દર્શન થાય છે. આ પ્રસંગ દ્વારા મીરાં સ્વતંત્ર મિજાજની સ્ત્રી છે એવી પૂર્ણ પ્રતીતિ થાય છે, મીરાં, હવે પછી મીરાંના પદના સંદર્ભમાં વિગતે જોઈશું તેમ, કોઈ પંથમાં કે માર્ગમાં કે સંપ્રદાયમાં રહી ન હતી. કારણ આ સ્વતંત્ર મિજાજની સ્ત્રી કોઈ પંથમાં કે માર્ગમાં કે સંપ્રદાયમાં રહી શકે નહિ. મીરાંના શબ્દોથી પોતાના અવિવેકનું જ્ઞાન-ભાન થયું. એથી અંતે જીવા ગોસાંઈ અને મીરાંનું મિલન થયું. આ સમયમાં મીરાંએ — રાજસ્થાની, વ્રજ, ગુજરાતી એમ ત્રણ ભાષામાં પદ રચ્યાં હોય તો વ્રજ ભાષામાં — કેટલાંક પદનું સર્જન કર્યું. ભિક્ષુક રૂપે પદ-ભજન-કીર્તનથી પોતાનો ઉદરનિર્વાહ કર્યો. જીવા ગોસાંઈનો અનુભવ સૂચવે છે તેમ આ સમયમાં ઉત્તર ભારતમાં ચૈતન્ય, વલ્લભ, રામાનંદ — સૌ સંપ્રદાય, પંથ કે માર્ગમાં સંકુચિતતા, અસહિષ્ણુતા, અહમ્, જડતા આદિનો, ધર્મના ત્રાસનો અને આ સમયમાં વૃન્દાવન અને આસપાસના પ્રદેશમાં મોગલોનું આક્રમણ થયું હતું એથી આંતરવિગ્રહ, સંઘર્ષ, અરાજકતા આદિનો, રાજકીય ત્રાસનો મીરાંને અનુભવ થયો હશે. મીરાં માટે વૃન્દાવનમાં શાંતિથી પોતાનું પ્રભુમય જીવન, પ્રાર્થનામય જીવન જીવવું અશક્ય હશે. એથી ૧૫૩૬માં મીરાંએ વૃન્દાવનત્યાગ કર્યો. આ સમયમાં ૧૫૩૪માં ગુજરાતના બહાદુરશાહે મેવાડ પર ત્રીજું આક્રમણ કર્યું હતું. વિક્રમાદિત્યના નેતૃત્વ નીચે બુંદીના સૈન્યનો લુઈચા પાસે પરાજય થયો હતો. કરમેતનબાઈ અને ધનબાઈએ વીરમદેવની સહાયથી ચિતોડનું રક્ષણ કર્યું હતું અને મોગલ શહેનશાહ હુમાયુને સહાય માટે વિનંતી કરી હતી પણ એ વિનંતી નિષ્ફળ નીવડી હતી. અને ૧૫૩૫માં ચિતોડનું પતન થયું. ધનબાઈનું યુદ્ધભૂમિ પર અવસાન થયું અને કરમેતનબાઈએ અસંખ્ય રજપૂત સ્ત્રીઓ સહિત જૌહર કર્યું. આ સમયમાં વળી અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિની વિપત્તિ પણ આવી હતી. જોકે ચિતોડના પતન પછી પણ વિક્રમાદિત્ય ચિતોડ પાછો ફર્યો હતો. ૧૫૩૫માં ચિતોડનું પતન થયું હતું. આ સમયમાં મેડતામાં વીરમદેવે અજમેર પર વિજય પ્રાપ્ત કર્યો હતો. પણ વીરમદેવનું કેટલુંક સૈન્ય કરમેતનબાઈ અને ધનબાઈની, મેવાડની સહાય માટે ચિતોડમાં હતું. આમ, વીરમદેવનું સૈન્ય વિભાજિત હતું એથી ૧૫૩૫માં જોધનપુરના માલદેવે મેડતા પર આક્રમણ કર્યું અને વીરમદેવને દેશવટો આપ્યો હતો. એથી મીરાં વૃન્દાવનત્યાગ પછી મેડતામાં કે મેવાડમાં વસી ન હતી. પણ ૧૫૩૭માં મીરાં દ્વારિકા આવીને વસી હતી. દ્વારિકા એ મેડતા, મેવાડ, વૃન્દાવનથી દૂર હતું, ભારતવર્ષના એક ખૂણામાં હતું. એથી પોતે ત્યાં નિરુપદ્રવ, નિર્વિક્ષેપ, નિર્વિધ્ન જીવન જીવી શકશે એવું મીરાંને લાગ્યું હોય. વળી મેવાડમાં હતી ત્યારે સૌરાષ્ટ્રના હળવદની રાજકુંવરી ઝાલીરાણી રતનકુંવર પાસેથી એણે દ્વારિકા વિશે અને સવિશેષ તો સૌરાષ્ટ્રના નરસિંહ મહેતા વિશે અનેક કથાઓ સાંભળી હશે. અને નરસિંહનું જીવન અને કાર્ય મીરાંને પોતાના આદર્શરૂપ લાગ્યું હશે. વળી જેમણે રુક્મિણીહરણ કર્યું હતું તથા જેમને ભારતવર્ષંની એકતાનું દર્શન હતું અને એ એકતા સિદ્ધ કરવા જીવનભર જેમણે કર્મ કર્યું હતું એવા મહાભારતના કર્મવીર યોગેશ્વર અને ગીતાકાર કૃષ્ણ મીરાંના જીવનના આ સ્તબકે મીરાંના પરમ અને ચરમ આદર્શરૂપ હશે. અને કૃષ્ણ પણ અંતે દ્વારિકા આવીને વસ્યા હતા. આ અને આવાં કારણોથી મીરાં વૃન્દાવનત્યાગ પછી દ્વારિકા આવીને વસી હતી. દ્વારિકાવાસ, દ્વારિકાત્યાગ ૧૫૩૬માં મીરાં દ્વારિકા આવીને વસી પછી મહમ્મદ બેગડાએ ૧૪૭૩માં દ્વારિકાના રણછોડજીના મંદિરનું ખંડન કર્યું હતું તેનો જીર્ણોદ્વાર કરાવ્યો. સૌરાષ્ટ્ર પર કેટલોક સમય ગુજરાતના સુલતાનોનું વર્ચસ્ હતું. પછી ૧૫૩૫માં હુમાયુએ ગુજરાત પર આક્રમણ કર્યું અને ગુજરાતના સુલતાનો નિર્મૂળ થયા એથી ૧૫૩૭માં કચ્છ, ઓખા આદિ સૌરાષ્ટ્રનાં રાજ્યો ફરીથી સ્વતંત્ર થયાં હતાં. એથી પોતે સ્ત્રી હોવા છતાં દ્વારિકામાંથી સમગ્ર સમાજવ્યાપી કોઈ મહાન આધ્યાત્મિક-ધાર્મિક સાહસ કરી શકશે એવું આરંભમાં મીરાંને લાગ્યું હશે. પણ સૌરાષ્ટ્રના રાજાઓ ક્રૂર અને કપટી હતા અને પ્રજા પછાત અને પ્રાકૃત હતી. એથી મીરાં આવું કોઈ સાહસ કરી શકી નહિ હોય. આ સમયમાં મીરાંએ — રાજસ્થાની, વ્રજ, ગુજરાતી એમ ત્રણ ભાષામાં પદ રચ્યાં હોય તો ગુજરાતી ભાષામાં — કેટલાંક પદનું સર્જન કર્યું. આ સમયમાં મેવાડમાં ૧૫૩૬માં વનવીરે વિક્રમાદિત્યની હત્યા કરી એથી વિક્રમાદિત્યનું અવસાન થયું અને વનવીર રાજ્યપદે આવ્યો. વિક્રમાદિત્યનો નાનો ભાઈ ઉદયસિંહ ચિતોડનો ત્યાગ કરી કુંભલગઢ આવીને વસ્યો. ૧૫૩૭માં એનો ચિતોડના વારસ તરીકે સ્વીકાર થયો. મેડતાના વીરમદેવે ૧૫૩૭ અને ૧૫૪૨ની વચ્ચે એને ચિતોડ પ્રાપ્ત કરવામાં સતત સહાય આપી હતી. એથી એણે ૧૫૪૦માં વનવીરને દૂર કર્યો અને ૧૫૪૨માં ઉદયસિંહ મેવાડના રાજ્યપદે આવ્યો. ૧૫૪૩માં શેરશાહે ચિતોડ પર આક્રમણ કર્યું. ત્યારે વીરમદેવ શેરશાહને પક્ષે રહ્યો અને મેડતાના રાજ્યપદે પુન:પ્રતિષ્ઠિત થયો. ૧૫૪૩થી ૧૫૪૭ લગી ચિતોડ શેરસાહ અને અફઘાનોના વર્ચસ્માં હતું અને ૧૫૪૬ લગી ઉદયસિંહ માત્ર કુંભલગઢના રાજ્યપદે જ રહ્યો. ૧૫૪૬માં ઉદયસિંહે પ્રજાના સંપૂર્ણ સહકારથી ચિતોડ પર આક્રમણ કરીને અફઘાનો પાસેથી ચિતોડ પ્રાપ્ત કરવાનો નિર્ણય કર્યો. પણ રતનસિંહ અને વિક્રમાદિત્યે મીરાંને ત્રાસ આપ્યો હતો એ પાપના ફળ રૂપે રતનસિંહ અને વિક્રમાદિત્યનું હત્યાથી અવસાન થયું હતું અને મેવાડનું અધ:પતન અને ચિતોડનું પતન થયું હતું એમ એ પોતે અને મેવાડની સમગ્ર પ્રજા માનતી હોય. મેવાડની સમગ્ર પ્રજાને મીરાં પ્રત્યે અપાર પ્રેમ હતો. એના હૃદયમાં આરંભથી જ મીરાંનું પ્રેમભર્યું સ્થાન હતું. એથી મીરાંની મેવાડમાં પુન:પ્રતિષ્ઠા થાય તો જ પાપનું પ્રાયશ્ચિત્ત થાય એમ એ પોતે અને મેવાડની સમગ્ર પ્રજા માનતી હોય અને તો જ પોતાને પ્રજાનો સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થાય. વળી મેવાડમાં મીરાંની પુન:પ્રતિષ્ઠા થાય તો મીરાં, સેન્ટ જોનની જેમ, પ્રજાનું નેતૃત્વ કરે અને પ્રજાને પ્રેરણા આપે અને ચિતોડ પર આક્રમણ કરે તો અફઘાનો પાસેથી ચિતોડ પ્રાપ્ત થાય. આથી ૧૫૪૬માં ઉદયસિંહની આજ્ઞાથી એના પ્રતિનિધિરૂપ કેટલાક બ્રાહ્મણો મીરાંને મેવાડ પાછા પધારવાની પ્રાર્થના કરવા દ્વારિકા આવ્યા. મીરાંએ એમની પ્રાર્થનાનો સ્વીકાર ન કર્યો. મીરાંએ મેવાડનો હંમેશ માટે ત્યાગ કર્યો હતો. અને એ આ પ્રકારના સત્તા માટે સ્પર્ધા, સંઘર્ષ, આંતરવિગ્રહ આદિના રાજ્યકારણમાં ભૂતકાળમાં કદી સક્રિય ન હતી અને આ ક્ષણે કે ભવિષ્યમાં કદી સક્રિય થવાની એને ઇચ્છા ન હતી. પણ મીરાંએ એમની પ્રાર્થનાનો અસ્વીકાર કર્યો એટલે એમણે મીરાંએ એમની પ્રાર્થનાનો સ્વીકાર કરવો જ જોઈએ એ હેતુથી મીરાંની સામે ઉપવાસનો આરંભ કર્યો. આ ધર્મસંકટમાં મીરાંએ કૃષ્ણ અનુમતિ આપે તો પોતે એમની પ્રાર્થનાનો સ્વીકાર કરે અને મેવાડ પાછી આવે એવા પ્રસ્તાવ સાથે પણ હૃદયમાં દ્વારિકાત્યાગના નિર્ણય સાથે મંદિરના ગર્ભદ્વારમાં એકાન્તમાં સંન્યાસિનીનાં વસ્ત્રો દ્વારિકામાં પોતાનું જીવનકાર્ય પૂર્ણ થયું છે એના પ્રતીક રૂપે કૃષ્ણની મૂર્તિની સમક્ષ અર્પણ કરીને અજ્ઞાતવાસનાં વસ્ત્રો ધારણ કરીને દ્વારિકાત્યાગ કર્યો. જનશ્રુતિમાં એમ છે કે ત્યારે મીરાં કૃષ્ણની મૂર્તિમાં ચમત્કારથી સાયુજ્ય મુક્તિ પામી હતી. પણ સંભવ છે કે જ્યારે બ્રાહ્મણોએ જાણ્યું કે મીરાંએ દ્વારિકાત્યાગ કર્યો છે ત્યારે ઉદયસિંહના રોષથી બચવા માટે મીરાં તો કૃષ્ણની મૂર્તિમાં સાયુજ્ય મુક્તિ પામી છે, ચમત્કાર થયો છે એવો એમણે પ્રચાર કર્યો હોવો જોઈએ. ૧૫૪૬માં દ્વારિકાત્યાગ પછી ૧૫૬૩-૬૫માં અવસાન લગી મીરાં, આપણા યુગમાં ગ્રેટા ગાર્બોની જેમ, અજ્ઞાતવાસમાં અદૃશ્ય હતી, એણે પોતાનો સમસ્ત ભૂતકાળ ભૂંસ્યો હતો, પોતાનું સમગ્ર વ્યક્તિત્વ લોપ્યું હતું. આ જ સાચી સાયુજ્ય મુક્તિ! આ જ ચમત્કાર! એક પ્રસિદ્ધ અને અત્યંત લોકપ્રિય વ્યક્તિ જીવનનાં અંતિમ વીસેક જેટલાં વર્ષો લગી અજ્ઞાતવાસમાં અદૃશ્ય થાય, પોતાનો સમસ્ત ભૂતકાળ ભૂંસે, પોતાનું સમગ્ર વ્યક્તિત્વ લોપે એ મુક્તિની મુક્તિ છે. એ સાયુજ્ય મુક્તિ છે. એ ચમત્કારોનો ચમત્કાર છે. અજ્ઞાતવાસ, દક્ષિણભારતયાત્રા ૧૫૪૬થી લગભગ ૧૫૫૬ લગી, દસેક વર્ષ લગી, મીરાં, ચૈતન્ય અને વલ્લભાચાર્યની જેમ, દક્ષિણ ભારતની, દક્ષિણ ભારતનાં તીર્થસ્થાનોની, રામાનંદ, રામાનુજ, મધ્વ અને નિમ્બાર્ક તથા અનેક સંતોની જન્મભૂમિની યાત્રાએ હોય. મેવાડથી દ્વારિકા દૂર હતું છતાં ઉદયસિંહની આજ્ઞાથી બ્રાહ્મણો એની પૂંઠે પૂંઠે આવ્યા અને ઉપદ્રવ થયો. દ્વારિકાથી પણ દૂર, મેવાડથી, ઉત્તર ભારતથી અતિ દૂર દક્ષિણ ભારતમાં જાય તો પોતે ત્યાં નિરુપદ્રવ, નિર્વિક્ષેપ, નિર્વિઘ્ન જીવન જીવી શકશે, એનો અજ્ઞાતવાસ શક્ય થાય એવું મીરાંનું લાગ્યું હોય. આ સમયમાં ૧૫૫૨માં મેડતામાં વીરમદેવનું અવસાન થયું અને જયમલ રાજ્યપદે આવ્યો. પછી માલદેવે મેડતા પર આક્રમણ કર્યું પણ બીકાનેરના કલ્યાણમલની સહાયથી જયમલે એનો પરાજય કર્યો. અજ્ઞાતવાસ, ઉત્તરભારતયાત્રા ૧૫૫૬ની આસપાસ મીરાંએ પૂર્વ ભારતનાં તીર્થસ્થાનોની, જયદેવ, વિદ્યાપતિ, ચંડીદાસ અને ચૈતન્યની જન્મભૂમિની યાત્રાનો આરંભ કર્યો હોય. પછી એણે પૂર્વ સીમાએથી ઉત્તર ભારતમાં પ્રવેશ કર્યો હોય અને એ પ્રથમ બંધોગઢમાં આવીને વસી હોય. બંધોગઢનો રાજા રામચંદ્ર વાઘેલા કવિતા-કલારસિક હતો. એણે તાનસેનને રાજ્યગાયકનું પદ અર્પણ કર્યું હતું. અહીં તાનસેન અને મીરાંનું મિલન થયું હોય. વળી ચિત્રકૂટ બંધોગઢની નિકટ હતું. ચિત્રકૂટમાં તુલસીદાસની સાધનાનો આ સમય હતો. અહીં યુવાન તુલસીદાસ અને મધ્ય વયની મીરાંનું મિલન થયું હોય. આ સમયમાં ૧૫૫૭માં સૂરીવંશ પદભ્રષ્ટ થયો પછી માલદેવે મેડતા પર આક્રમણ કર્યું અને વિજય પ્રાપ્ત કર્યો. ૧૫૫૮માં જયમલે માલદેવને પદભ્રષ્ટ કર્યો પછી માલદેવે મેડતા પર બીજું આક્રમણ કર્યું અને વિજય પ્રાપ્ત કર્યો. અંતે મીરાં અંબરમાં આવીને વસી હોય. અંબરનો રાજા ભગવાનદાસ એના પિતા બિહારીમલ અને પૂર્વજોની ધર્મ અને સમાજ અંગેની ઉત્તમ પરંપરા પ્રમાણેનો આદર્શ રાજા હતો. માનસિંહ ભગવાનદાસનો પાલકપુત્ર હતો. ૧૫૬૨ લગી બીરબલ ભગવાનદાસનો રાજકવિ હતો. અહીં માનસિંહ અને મીરાંનું તથા બીરબલ અને મીરાંનું મિલન થયું હોય. પછીથી માનસિંહ મીરાંના શિષ્ય જેવો થયો હતો. ૧૫૬૮માં અકબરે ચિતોડ પર આક્રમણ કર્યું અને વિજય પ્રાપ્ત કર્યો ત્યારે માનસિંહે ચિતોડમાં મીરાંની જે અંગત કૃષ્ણની મૂર્તિ હતી એનું રક્ષણ કર્યું હતું અને પછી અંબરમાં ભગવાનદાસ અને માનસિંહે જગતશિરોમણિજીનું મંદિર બંધાવીને એમાં એ મૂર્તિનું સ્થાપન કર્યું હતું. ૧૫૬૨માં અકબર મોગલ શહેનશાહ તરીકે દિલ્હીના રાજ્યપદે આવ્યો. પછી તરત જ અકબર અને મીરાંનું મિલન થયું હોય. જનશ્રુતિમાં એમ છે કે તાનસેન, તુલસીદાસ, માનસિંહ, બીરબલ અને અકબર સાથે મીરાંનું મિલન થયું હતું. ૧૫૬૨માં અકબર રાજ્યપદે આવ્યો તે પૂર્વે અકબર અને મીરાંનું મિલન અશક્ય હતું. એટલે ૧૫૬૨ પછી તરત જ આ મિલન શક્ય થયું. તો મીરાં ૧૫૬૨ પછી બે-ત્રણ વર્ષ લગી વિદ્યમાન હતી. એટલે કે ૧૫૬૩-૬૫માં મીરાંનું અવસાન થયું હોય. આગળ નોંધ્યું તેમ જનશ્રુતિમાં એમ પણ છે કે ઉદયસિંહની આજ્ઞાથી બ્રાહ્મણો મીરાંને મેવાડ પાછા પધારવાની વિનંતી કરવા આવ્યા ત્યારે દ્વારિકામાં મીરાં સારૂપ્ય મુક્તિ પામી હતી. એટલે કે ત્યારે ૧૫૪૬માં મીરાંનું અવસાન થયું હતું. જો ૧૫૪૬માં મીરાંનું અવસાન થયું હોય તો અન્ય જનશ્રુતિમાં એમ છે કે અકબર અને મીરાંનું મિલન થયું હતું તે મિલન શક્ય જ નથી. જોકે વળી અન્ય એક જનશ્રુતિમાં એમ પણ છે કે મીરાં દીર્ઘાયુષી હતી અને ૬૫-૬૭ વર્ષની વયે એનું અવસાન થયું હતું. એથી જ ૧૫૪૬માં નહિ પણ ૧૫૬૩-૬૫માં મીરાંનું અવસાન થયું હોય. ૧૫૬૩-૬૫ લગી મીરાં વિદ્યમાન હોય તો જ ૧૫૬૨ પછી તરત જ અકબર અને મીરાંનું મિલન શક્ય થાય. અને આ મિલન ઉત્તર ભારતમાં જ થયું હોય. એટલે કે મીરાં ૧૫૬૨ પછી ઉત્તર ભારતમાં હતી. ૧૫૪૬માં દ્વારિકામાં મીરાંનું અવસાન ન થયું હોય પણ મીરાંનો દ્વારિકાત્યાગ અને ત્યાર પછી ૧૫૬૩-૬૫ લગી એનો અજ્ઞાતવાસ થયો હોય. આગળ નોંધ્યું તેમ, ૧૫૪૬માં દ્વારિકાત્યાગ પછી અજ્ઞાતવાસનાં પ્રથમ દસેક વર્ષ એ દક્ષિણ ભારતની યાત્રાએ હોય (નહિ તો એ ક્યાં હોય?) અને અજ્ઞાતવાસનાં અંતિમ દસેક વર્ષ એ ઉત્તર ભારતમાં આવીને વસી હોય. જેમ મીરાંના જન્મનું વર્ષ ૧૪૯૮ ગણવામાં આવે તો જ મીરાંના જનશ્રુતિમાં છે તે અંગત જીવનના પૂર્વાર્ધના પ્રસંગો અને મેડતા-મેવાડના ઇતિહાસના પ્રસંગો વચ્ચે મેળ મળે છે તેમ મીરાંના અવસાનની તિથિ ૧૫૬૩-૬૫ ગણવામાં આવે તો જ મીરાંના જનશ્રુતિમાં છે તે અંગત જીવનના ઉત્તરાર્ધમાં અકબર અને મીરાંનું જે મિલન થયું એનો મેળ મળે છે. વળી ‘જૂનું તો થયું રે દેવળ’ પદનું મીરાંનું કર્તૃત્વ આજ લગી નિ:શંક છે. આ પદના સંદર્ભમાં ૧૫૪૬માં મીરાંનું અવસાન હોય જ નહિ અને ભાગ્યે જ કહેવાનું હોય કે મીરાં જેવી વ્યક્તિને અકાળે વૃદ્ધત્વ હોય જ નહિ. વળી પોતે વૃદ્ધ ન હોય છતાં વૃદ્ધત્વ વિશે પદ રચે એટલે કે લખવા ખાતર કશુંય લખે એ મીરાં નહિ. એથી આ પદના સંદર્ભમાં વૃદ્ધ થયા પછી એટલે કે ૧૫૬૩-૬૫માં પાંસઠ-સડસઠ વર્ષની વયે મીરાંનું અવસાન થયું હોય. ૧૫૪૬માં અડતાળીસ વર્ષની વયે મીરાંનું અવસાન અને આ પદનો મેળ મળતો નથી. જ્યારે ૧૫૬૩-૬૫માં પાંસઠ-સડસઠ વર્ષની વયે મીરાંનું અવસાન અને આ પદનો મેળ મળે છે. અવસાન અકબર નાનપણથી ધર્મજિજ્ઞાસુ અને ધર્મપરાયણ હતો. એને અનેક ધર્મપુરુષોને, સર્વ ધર્મના પુરુષોને મળવાનો તીવ્ર રસ હતો. એથી ૧૫૬૨માં રાજ્યપદે આવ્યો પછી એ મીરાંને મળ્યો હોય. મીરાં ત્યારે અજ્ઞાતવાસમાં હતી. મીરાં મીરાંને નામ-રૂપે પ્રસિદ્ધ ન હતી. મીરાંના કોઈ અંતેવાસી દ્વારા અકબરને મીરાં વિશે જાણવા મળ્યું હોય. અકબર પોતે પણ ગુપ્ત વેશે મીરાંને મળ્યો હતો. પણ અંતેવાસી દ્વારા અન્ય વ્યક્તિ વિશે પ્રત્યેકને પૂર્ણ માહિતી હતી. અંબરના ભગવાનદાસે સ્વેચ્છાએ અનેક હિન્દુ રાજાઓનો વિરોધ હતો છતાં પોતાની બહેનનું અકબર સાથે લગ્ન કર્યું હતું. એમાં કદાચ મીરાંની પ્રેરણા હોય. અકબરની આ સૌથી પ્રથમ, સૌથી પ્રિય અને સૌથી વધુ પ્રભાવશાળી પત્ની હતી. આ લગ્ન કોઈ મહાન રહસ્યમય સંકેતરૂપ હતું અને એના પરિણામે એક મહાન અવતારી પુરુષ પુત્ર રૂપે પ્રગટ થવાનો છે એમ અકબર માનતો હતો. અકબરે એને મરિયમ-અઝ-ઝમાનીનું નામ આપ્યું હતું. એ મીરાંની શિષ્યા જેવી હતી. સલીમ(જહાંગીર)નો જન્મ એક મહાન અવતારી પુરુષના જન્મરૂપ હોય એમ મુસ્લિમ ઇતિહાસમાં અદ્વિતીય એવો એનો ઉત્સવ ઉજવાયો હતો. સલીમનું લગ્ન અંબરના હિન્દુ રાજા ભગવાનદાસની પુત્રી જોધબાઈ સાથે થયું હતું. અને જોધબાઈએ મીરાંએ જેની મૌલિક કલ્પના કરી હતી તે ‘જગતગોસાંઈની’નું બિરુદ ધારણ કર્યું હતું. અકબરે ભારતના ઇતિહાસમાં એક મહાન આદર્શરૂપ ધાર્મિક, સામાજિક, રાજકીય દર્શન ‘દીન-ઇ-ઇલાહી’ પ્રગટ કર્યું અને એને વાસ્તવમાં સિદ્ધ કરવાનો સંપૂર્ણ સક્રિય પુરુષાર્થ કર્યો. અકબર રાજ્યપદે આવ્યો પછી તરત જ અકબર અને મીરાંનું જે મિલન થયું એમાં મીરાંએ અકબરને આ દર્શન ભેટ ધર્યું હતું. અકબરને આ દર્શન દાદૂએ ભેટ ધર્યું હતું એવું પણ અનુમાન છે. આગળ નોંધ્યું તેમ, મીરાં સંત હતી પણ સાથે સાથે મેડતાની રાજકુંવરી અને મેવાડની ભાવિ મહારાણી હતી એથી અનેક સંતોના જીવનમાં થયું છે તેમ એનું જીવન સમકાલીન રાજકીય જીવન સાથે સંડોવાયું હતું, અનિવાર્યપણે અને અવિચ્છેદ્યપણે સંડોવાયું હતું. એણે અંગત જીવનમાં આરંભમાં સામાજિક અને અંતે રાજકીય ત્રાસનો, અવર્ણનીય અને અસાધારણ ત્રાસનો અનુભવ કર્યો હતો. કંઈક અંશે ધાર્મિક ત્રાસનો પણ અનુભવ કર્યો હતો. પણ એથીયે વિશેષ તો અનેક મૃત્યુ, અનેક હત્યા, દેશવટો, જૌહર, અનેક રાજ્યશાસનો, અનેક આંતરવિગ્રહો, અનેક આક્રમણો, અનેક સ્પર્ધાઓ, અનેક સંઘર્ષો આદિ સમાજ અને રાજ્યની, સંસારની કરુણતાની એ કરુણામય સાક્ષી હતી. આ સૌ અનુભવોના અને અનુભવોના મનનચિંતનના ફલ રૂપે મીરાંને આ દર્શન થયું હતું. હિન્દુ-મુસ્લિમનાં પરસ્પર લગ્ન, જ્ઞાતિ-જાતિ-ધર્મ-સંપ્રદાયના અભેદ આદિ દ્વારા રાજકીય અને સામાજિક સંવાદ અને સુમેળ, ધર્મ અને રાજ્ય વચ્ચે સંવાદ અને સુમેળ એ દ્વારા ભારતવર્ષની રાજકીય, સામાજિક સ્થિરતા અને આધ્યાત્મિક, ધાર્મિક એકતાનું આ દર્શન હતું. મૈત્રી, પ્રેમ અને શાંતિનું આ દર્શન હતું. ભગવાનદાસ, માનસિંહ, અકબર જેવા રાજપુરુષોનું, બીરબલ જેવા કવિનું, તાનસેન જેવા સંગીતકારનું અને તુલસીદાસ જેવા સંત-સાધકનું મીરાં સાથે મિલન થાય એમાં મીરાંની સર્વતોમુખી પ્રતિભાનું દર્શન થાય છે. પછીથી ભગવાનદાસ, મરિયમ અને બીરબલે જે બોધ-ઉપદેશ આપ્યો, માનસિંહે સેનાપતિ તરીકે જે પુરુષાર્થ કર્યો, તાનસેને હિન્દુ-મુસ્લિમ સંગીતનું જે સર્જન કર્યું અને તુલસીદાસે રામભક્તિ દ્વારા રામરાજ્યનું જે સ્વપ્ન સેવ્યું એ સૌમાં મીરાંની પ્રેરણા હતી. સૌથી વિશેષ તો અકબરે આ સમયમાં ૧૫૬૨માં મેડતા પર અને ૧૫૬૮માં મેવાડ પર આક્રમણ કર્યું હતું અને વિજય પ્રાપ્ત કર્યો હતો અને ત્યાર પછી પોતાની સમાજ, રાજ્ય અને ધર્મ અંગેની મહાન નીતિરીતિ દ્વારા ભારતવર્ષની રાજકીય-સામાજિક સ્થિરતાનું અને આધ્યાત્મિક-ધાર્મિક એકતાનું મીરાંનું આ સ્વપ્ન વાસ્તવમાં સિદ્ધ કર્યું હતું. ૧૫૬૩-૬૫માં પાંસઠઅડસઠ વર્ષની વયે મીરાંનું અવસાન થયું. પછી ૧૬૨૩માં મરિયમ-અઝ-ઝમાનીનું અવસાન થયું અને ત્યાર પછી તરત જ ૧૬૨૯માં મોગલ સમ્રાટોમાં વૈર અને દ્વેષને કારણે મીરાંનું આ દર્શન મધ્યયુગના ભારતવર્ષના ઇતિહાસમાંથી અદૃશ્ય થયું. આ દર્શન મીરાંની પૂર્વે મહાભારતના કૃષ્ણને હતું અને મીરાંની પછી આપણા યુગમાં મહાત્મા ગાંધીને હતું. મીરાં માત્ર સંત ન હતી પણ કૃષ્ણ અને ગાંધીની જેમ ભારતવર્ષના ઇતિહાસની એક વિરલ વિભૂતિ હતી. નાનપણમાં પરમેશ્વરનો અનુભવ મીરાંને નાનપણમાં જ પરમેશ્વરનો અનુભવ થયો હતો. મીરાંના કોઈ કોઈ પદમાં કોઈ કોઈ પંક્તિમાં એનું સૂચન છે : ‘આદ્ય વેરાગણ છું’ ‘મારા પ્રાણ પાતળિયા વહેલો આવો રે તમ રે વિના હું જનમજોગણ છું’ ‘હાથમાં ઝારી હું તો બાળકુંવારી’ ‘હાથમાં દીવડો હું બાળકુંવારી’ ‘કાનુડે ન જાણી મોરી પીર બાઈ હું તો બાળકુંવારી’ ‘બાલા તે પણમાં પ્રીત બંધાઈ હૈયેથી કેમ વીસરાય?’ જનશ્રુતિમાં માતાએ અને રૈદાસે મીરાંને નાનપણમાં જે મૂર્તિ આપી હતી અને લગ્નની વિધિમાં એ મૂર્તિ મીરાં પાસે હતી એમાં પણ એનું સૂચન છે. આ જનશ્રુતિના આધાર જેવું મીરાંનું પ્રસિદ્ધ પદ ‘રામ રમકડું’ જડિયું અને એમાં ‘રમકડું’ પ્રતીક પદ સમગ્રના જે સંદર્ભમાં યોજાયું છે તે દ્વારા તેની સૌથી વિશેષ પ્રતીતિ થાય છે. ભાગ્યે જ કહેવાનું હોય કે આ રમકડું તે માતાએ અને રૈદાસે બાળક મીરાંને આપ્યું હતું અને સૌ બાળકની જેમ મીરાં જેની સાથે રમી હતી તે રમકડું એટલે કે વાચ્યાર્થમાં રમકડું નહિ પણ પદ સમગ્રના સંદર્ભમાં વ્યંગ્યાર્થમાં આ રમકડું તે મીરાંને નાનપણમાં પરમેશ્વરનો જે અનુભવ થયો તે રમકડું. એટલે કે વ્યંગ્યાર્થમાં રમકડું. કોઈ એમ તર્ક લડાવી શકે કે સંતો, ભગવાનના માણસો તો કોઈ પણ વયે બાળક જેવા જ હોય છે, સદાયના બાળક હોય છે, ‘બાલવત્’ હોય છે. એથી મીરાંને કોઈ પણ વયે, નાનપણમાં કે મોટપણમાં, પરમેશ્વરનો અનુભવ થયો હોય તોપણ આવું જ પદ એ રચે અને આવું જ પ્રતીક એ યોજે. એથી આ પદ અને આ પ્રતીક પરથી મીરાંને પરમેશ્વરનો અનુભવ નાનપણમાં જ થયો હતો એમ નિશ્ચિતપણે ન કહી શકાય. માત્ર આ પદ અને આ પ્રતીક જ અસ્તિત્વમાં હોત તો આ તર્ક કદાચ સ્વીકાર્ય થાય. પણ આ પદ અને આ પ્રતીકને જનશ્રુતિનો અને વિશેષ તો મીરાંના સમગ્ર જીવનનો અને અન્ય અનેક પદ અને પ્રતીકોનો સંદર્ભ છે. અને એ સંદર્ભ તો વાચ્યાર્થમાં સૂચવે છે કે મીરાંને નાનપણમાં પરમેશ્વરનો અનુભવ થયો હતો. કોઈ એવી શંકા ઉઠાવી શકે કે મીરાંને કે કોઈ પણ મનુષ્યને પરમેશ્વરનો અનુભવ નાનપણમાં શક્ય હોય? અંતે ‘લા કોમેદીઆ દિવિના’માં જે પરમેશ્વરમાં પરિણત થયો અને આરંભે જેમાં બીઆત્રિસ નિમિત્તરૂપ હતી તે રહસ્યમય અનુભવ ડૅન્ટિને નવ વર્ષની વયે થયો હતો. એને વિશે ઍલિયટે કહ્યું છે કે આવો અનુભવ નવ વર્ષની વયે થાય એ અશક્ય કે અદ્વિતીય નથી. અને પછી ઉમેર્યું છે, ‘My only doubt (in which I found myself confirmed by a distinguished psychologist) is whether it could have taken place so late in life as the age of nine years. The psychologist agreed with me that it is more likely to occur at about five or six years of age.’ ‘મારી એક માત્ર શંકા (જેમાં એક વિશિષ્ટ મનોવિજ્ઞાની મારી સાથે સહમત છે તે) એ છે કે આવો અનુભવ નવ વર્ષ જેટલી મોડી વયે થાય? મનોવિજ્ઞાની મારી સાથે સહમત છે કે આવો અનુભવ પાંચ કે છ વર્ષની વયે થાય એ વધુ શક્ય છે.’ શંકરને આઠ વર્ષની વયે જ્ઞાન થયું હતું. એને વિશે વિનોબાએ નોંધ્યું છે કે શંકરને આટલું મોટું જ્ઞાન આટલી નાની વયે થયું એથી આશ્ચર્ય અનુભવીને એક શિષ્યે એ અંગે ગુરુને પ્રશ્ન પૂછ્યો ત્યારે ગુરુએ ઉત્તર આપ્યો હતો કે શંકરની બુદ્ધિ નાનપણમાં મંદ હશે એથી એમને આ જ્ઞાન આઠ વર્ષની મોટી, મોડી વયે થયું હશે. પરમેશ્વરનો પ્રેમ, મીરાં પ્રત્યે મીરાંને પરમેશ્વરનો, પરમેશ્વરના પ્રેમનો અનુભવ થયો એમાં પરમેશ્વરની પહેલ અને પસંદગી છે, પરમેશ્વરે એનો આરંભ કર્યો છે, એમાં પરમેશ્વરની ઇચ્છા છે, એમાં પરમેશ્વરનું કર્તૃત્વ છે, આ પ્રેમમાં પરમેશ્વર કર્તા છે અને મીરાં કર્મણિરૂપ છે. આ પ્રેમ મીરાંએ કર્યો ન હતો, આ પ્રેમ મીરાંને થયો હતો. આ પ્રેમ મીરાંએ શોધ્યો ન હતો, આ પ્રેમ મીરાંને જડ્યો હતો. આ પ્રેમ એક મહાન રહસ્યોદ્ઘાટન હતું, એક મહાન અકસ્માત હતો. મીરાંના કોઈ કોઈ પદમાં એનું સૂચન છે : ‘હરિએ લગની લગાવી રે’ ‘ઘેલી કીધી મુને ગોકુળના નાથે’ ‘લગાડી પ્રીતલડી મત તોડ’ ‘ઘેલાં તો અમને હરિએ કીધાં નિર્મળ કીધાં નાથે’ ‘હાં રે માયા શીદ લગાડી ધુતારે વહાલે?’ ‘હાં રે માયા શીદને લગાડી?’ ‘હાં રે મને લેહ લગાડી રંગરસિયે’ ‘અમો જળ જમુના ભરવા ગયાં’તાં વહાલા, કાનુડો પડ્યો મારી કેડે’ ‘ઓ આવે હરિ હસતા, મુજ અબળા એકલડી જાણી પીતાંબર કેડે કસતા’ ‘એ પ્રભુ પ્રેમે પધારિયા’ ‘રમતા ને ભમતા જોગી આવ્યા આંગણિયે મારે, દાસી જાણીને દર્શન દીધાં’ ‘આવતાં ને જોતાં મારગ વચ્ચે અમૂલખ વસ્તુ જડી’ ‘રામ રમકડું જડિયું’ ‘રૂમઝૂમ કરતું મારે મંદિર પધાર્યું’ પરમેશ્વર જ્યારે મનુષ્યને આમ પ્રેમ કરે છે પછી એનો પરમેશ્વરને પોતાને કેવો તો આનંદ હોય છે એનું મીરાંનાં કોઈ કોઈ પદમાં સૂચન છે : ‘એ પ્રભુ પ્રેમે પધારિયા’ ‘રમતા ને ભમતા જોગી આવ્યા આંગણિયે મારે’ ‘રૂમઝૂમ કરતું મારે મંદિર પધાર્યું’ પરમેશ્વર મનુષ્યને આમ પ્રેમ કરવાનો આરંભ કરે છે પછી એનો અંત જ નથી. પછી પરમેશ્વર અટકતો નથી, જંપતો નથી. પરમેશ્વર એક વાર પ્રેમ છેડે છે, મનુષ્યને છંછેડે છે પછી એને છોડતો નથી. મીરાંનાં કોઈ કોઈ પદમાં એનું સૂચન છે : અમો જળ જમુના ભરવા ગયાં’તાં, વહાલા, કાનુડો પડ્યો મારી કેડે’ ‘પ્રીત કરે તેની પૂંઠ ન મેલે પાસેથી શે નથી ખસતા’ ‘પાછળ પડે તેનો કેડો ન મૂકો, નાસી શકાય નહિ છૂટી’ ‘આવડો જુલમ શો રે કરે છે? મારી પૂંઠે પૂંઠે ફરે છે રે’ ‘પ્રભુજી મુને કંઠે રે વળગ્યા, પળ કોરે ન થાઉં’ પરમેશ્વરનો આ પ્રેમ મનુષ્યના આત્માને તો વ્યાપી વળે, પણ માત્ર આત્માને નહિ, છેક દેહ લગી, પરમેશ્વરના સ્થૂલ દેહથી મનુષ્યના સ્થૂલ દેહ લગી, આત્માથી દેહ લગી સંપૂર્ણતાથી મનુષ્યને વ્યાપી વળે છે. મીરાંના કોઈ કોઈ પદમાં એનું સૂચન છે : ‘શાને મારો મને કાંકરી?’ ‘કાંકરી મારે ધુતારો કા’ન’ ‘લીધાં રે લટકે મારાં મન લીધાં હરી લટકે’ ‘લીધું હરી લટકે મારું મન લીધું હરી લટકે’ ‘લટકાળો રે ગિરિધારી મને મારી છે પ્રેમકટારી રે’ ‘લટકામાં આવું ને લટકામાં જાઉં, લટકામાં સમજાવું, લટકાળા હરિ વરની સાથે લટકાળી કહેવાઉં.’ ‘મચકારા મંદિરિયે આવ મચકે મોહી રહી છું, મચકારા મંદિરિયા માંહે મચકે મોહી રહી છું,’ ‘ચાળવણીમાં મારાં ચિત્ત ચોરી લીધાં, નેણે મોહની નાખી.’ ‘મુંને મારી રે મુંને મારી નયન કટારી રે’ ‘લાલને લોચનિયે દિલ લીધાં’ ‘આંખલડી વાંકી, અલબેલા, તારી આંખલડી વાંકી નેનકમળનો પલકારો રે ભારે તીર માર્યાં તાકી’ ‘નેણકમળનાં ભલકાં ભારે, એણે માર્યાં તાકી તાકી રે’ ‘પાણીડાં હું શી રીતે જાઉં? મને રોકે રે ઠગારો પેલો ક્હાન’ ‘કાનુડે ખેંચ્યાં અમારાં ચીર’ ‘જળ જમુના ભરવાને ગયાં’તાં ત્યાં પાલવ પકડી મન લીધાં’ ‘પ્રીત કરીને પાલવ પકડો, વહાલા, પ્રેમની કટારી મુંને મારી’ ‘વૃન્દાવનને મારગ જાતાં હાં રે! મારો પાલવડો મા તાણ’ ‘મારી બાંહ્ય ગ્રહ્યાની લાજ’ ‘પૂરવ જનમની પ્રીત હતી ત્યારે હરિએ ઝાલ્યા હાથે’ ‘પ્રભુજી મુજ કંઠે રે વળગ્યા’ ‘પ્રભુજી મુને કંઠે રે વળગ્યા, પળ કોરે ન થાઉં’ ‘વળગા-ઝૂમી શાને કરો છો? હાર હૈયાનો તૂટે’ ‘વન થકી રે એક પારધી ધુતારે મને બાણ મારેલાં તનમાં રે’ પરમેશ્વરનો આ પ્રેમ જાણે કે કોઈ અણકલ્પ્યું, અણચિંતવ્યું આક્રમણ ન હોય! પરમેશ્વર જાણે કે કોઈ ચોર, લૂંટારો, ધુતારો, ઠગારો, પારધી ફ્રાન્સિસ થૉમ્પ્સને જેમ પરમેશ્વરને ‘The Hound of Heaven’ (સ્વર્ગનો શ્વાન) કહ્યો છે તેમ ન હોય એવું પણ મીરાંનાં કોઈ કોઈ પદમાં સૂચન છે : ‘ચિત્તચોર છે’ ‘તું તો મારા ચિત્તડાનો ચોર રે’ ‘હરિચરણાં ચિત્તચોર’ ‘ચાળવણીમાં મારાં ચિત્ત ચોરી લીધાં, નેણે મોહની નાખી.’ ‘કાનુડે વનમાં લૂંટી’ ‘માર્યા રે મોહનાં બાણ, ધુતારે મને માર્યાં રે મોહનાં બાણ’ ‘હાં રે માયા શીદ લગાડી ધુતારે વહાલે?’ ‘એ મોરલી શીદ વાય રે, ધુતારા વહાલા?’ ‘એ મોરલી શીદ વાય, ધુતારા, એ મોરલી શીદ વાય?’ ‘કાંકરી મારે ધુતારો કા’ન’ ‘કા’નો માગ્યો દે, ધુતારો માગ્યો દે’ ‘પાણીડાં હું શી રીતે જાઉં? મને રોકે કે ઠગારો પેલો ક્હાન’ ‘વન થકી રે એક પારધી ધુતારે મને બાણ મારેલાં તનમાં’ ‘પિયુજી અમારો પારધી ભયો રે મેં તો ભઈ હરિણી શિકાર’ પરમેશ્વરનો આ પ્રેમ જાણે કે મોહ, મોહિની, સંમોહન, માયા, મંત્ર, કામણ, ભૂરકી ન હોય! અને પરમેશ્વર જાણે કે કોઈ જાદુગર ન હોય એવું મીરાંનાં કોઈ કોઈ પદમાં સૂચન છે : ‘માર્યાં છે મોહનાં બાણ, વાલીડે મને માર્યાં છે મોહનાં બાણ’ ‘માર્યાં રે મોહનાં બાણ, ધુતારે મને માર્યાં રે મોહનાં બાણ’ ‘પરણ્યો અમારો પરમ સોહાગી માર્યાં છે મોહનાં બાણ’ ‘હા રે માયા શીદ લગાડી ધુતારે વહાલે?’ ‘મુખડાની માયા લાગી રે’ ‘મોહને મોહન કર્યાં કારમાં અતિશે કંથા પહેરીને નેડા કીધા’ ‘ચાળવણીમાં મારાં ચિત્ત ચોરી લીધાં, નેણે મોહની નાખી’ ‘રાસ રમાડવાને વનમાં તેડ્યા મોહિની મંત્ર સુણાવી રે’ ‘મહામંત્ર સુણાવ્યો મારા કાનમાં રે’ ‘મંત્ર ભણીને વહાલો મુજ પર નાખે’ વેળાકવેળાનાં કામણ કીધાં’ ‘મોરલીના નાદે ઘેલાં કીધાં મન કાંઈ કાંઈ કામણ કીધાં’ ‘કરિયાં કામણ અમને કંઈ કંઈ કાનુડે અમને’ ‘કામણ કીધાં કાનુડે, મારું મન મોહ્યું મા’વે મન મોહ્યું મા’વે, દૂજો મારી નજરુમાં ના’વે.’ ‘કોણે નાંખી લાલ ભૂરકી રે?’ ‘ચાળવણિયામાં વહાલે ચિત્ત હરી લીધાં મોહનલાલે ભૂરકી નાખી’ પરમેશ્વરનો આ પ્રેમ જાણે કે તાંતણો અને દોરી — મૃદુ બંધન જેવો કોમળ અથવા બાણ, તીર ભાલો અને કટારી કઠોર શસ્ત્રો — જેવો ક્રૂર ન હોય એવું મીરાંનાં કોઈ કોઈ પદમાં સૂચન છે : ‘કાચે તે તાંતણે હરિજીએ બાંધી, જેમ ખેંચે તેમ તેમની રે’ ‘નાખેલ પ્રેમની દોરી ગળામાં અમને નાખેલ પ્રેમની દોરી’ ‘માર્યાં છે જે મોહનાં બાણ, વાલીડે મને માર્યાં છે મોહનાં બાણ’ ‘માર્યાં રે મોહનાં બાણ, ધુતારે મને માર્યાં છે મોહનાં બાણ’ ‘પરણ્યો અમારો પરમ સોહાગી માર્યાં છે મોહનાં બાણ’ ‘બાણે વીધ્યાં છે મારા પ્રાણ’ ‘વન થકી રે એક પારધી ધુતારે મને બાણ મારેલાં તનમાં રે’ ‘આવતાં આવતાં આવતાં રે, બાણ વાગ્યાં મોહનાં આવતાં રે’ ‘કાનુડે માર્યાં છે અમને તીર’ ‘કાનુડે મેલ્યાં તાકી તીર’ ‘નેનકમળનો પલકારો રે ભારે તીર માર્યાં તાકી’ ‘નેણકમળનાં ભલકાં ભારે એણે માર્યાં તાકી તાકી રે’ ‘પ્રેમની કટારી શું મારી રે’ ‘પ્રેમની કટારી મુંને મારી’ ‘અમને પ્રેમકટારી મારી’ ‘મુંને મારી રે મુંને મારી નયનકટારી રે’ ‘લટકાળો રે ગિરિધારી, મને મારી છે પ્રેમકટારી રે’ ‘પ્રેમ તણી કટારી મારે રે, અળગી ન રહી લગાર’ ‘કટારી મારી વહાલે થઈ ચકચૂર રે, શું જાણે જૂઠડો સંસાર’ ‘પ્રેમની કટારી મુંને ખેંચકર મારી રે, થઈ ગઈ હાલબેહાલ’ ‘હરિના પ્રેમની કટારી મારી છે, લાગી મારા પાંસળિયામાં પાર’ ‘લાગી શબ્દની કટારી મારા મનમાં’ ‘કટારી લાગી આરપાર’ ‘પ્રેમની, પ્રેમની, પ્રેમની રે મને વાગી કટારી પ્રેમની’ મીરાંનો પ્રેમ, પરમેશ્વર પ્રત્યે મનુષ્ય જ્યારે પરમેશ્વર પ્રત્યે પ્રેમની પહેલ કરે છે ત્યારે એ પ્રેમની ગતિવિધિ પર એનું પોતાનું નિયમન અને નિયંત્રણ હોય છે. એ પ્રેમની નીતિરીતિ પોતાને અનુસાર અને અનુકૂળ હોય છે. એ પ્રેમમાં એ સ્વાધીન અને સ્વતંત્ર હોય છે. એ પ્રેમમાં એની પોતાની સગવડ અને સલામતી હોય છે. એ પ્રેમ પર એનું વર્ચસ્ હોય છે. અલબત્ત, મનુષ્ય અપૂર્ણ છે એથી એનો પ્રેમ પણ અપૂર્ણ હોય છે. પણ પરમેશ્વર પૂર્ણ છે એથી પરમેશ્વરનો પ્રેમ પણ પૂર્ણ હોય છે. પણ પરમેશ્વર જ્યારે મનુષ્યને પ્રેમ કરે છે ત્યારે એ એની પૂર્ણતાથી, એના પૂર્ણ ઐશ્વર્યથી પ્રેમ કરે છે. એથી પરમેશ્વરનો આ પ્રેમ એવો તો અજેય અને અનિરુદ્ધ હોય છે, દુર્દમ્ય અને દુર્નિવાર હોય છે. એથી જે મનુષ્યને પરમેશ્વર પ્રેમ કરે છે તે મનુષ્ય કદી આ પ્રેમમાંથી નાસી-ભાગી શકે નહિ, છૂટી-છટકી શકે નહિ. એ મનુષ્ય એવો તો નિ:સહાય અને નિરાધાર હોય છે, પરાધીન અને પરતંત્ર હોય છે. એ મનુષ્યે આ પ્રેમનો સ્વીકાર-પુરસ્કાર કરવો જ રહ્યો. આ પ્રેમ એવો તો ક્રૂર અને નિષ્ઠુર હોય છે, કઠોર અને નઠોર હોય છે, અદય અને અસહ્ય હોય છે. એથી એ મનુષ્ય અવશવિવશ હોય છે, આકુલવ્યાકુલ હોય છે. એ મનુષ્ય ઘાયલ હોય છે. એની ઘાયલની ગત હોય છે. અને એ ઘાયલની ગત તો ઘાયલ જ જાણે. એનો ઘા સદાયનો દૂઝતો હોય છે. કદી રૂઝતો નથી. મીરાંને નાનપણથી આવા પ્રેમનો અનુભવ હતો અને આ પ્રેમનો એણે પ્રથમ ક્ષણથી જ દેહ-મન-આત્માથી સ્વીકાર-પુરસ્કાર કર્યો હતો, જીવનભરનો, જીવનની ક્ષણેક્ષણ, સ્વીકાર-પુરસ્કાર કર્યો હતો, આ પ્રેમ સમક્ષ એણે સંપૂર્ણ સમર્પણ, આત્મનિવેદન કર્યું હતું, ‘મૈંને ગોવિન્દ લિન્યો મોલ… લિન્યો બજાકે ઢોલ’ — એથી સ્તો એણે લગ્ન, પતિ, કુટુંબ, પદ, પ્રતિષ્ઠા, ધન, સત્તા, કીર્તિ આદિ સૌ પ્રેયો પ્રત્યે વૈરાગ્ય અનુભવ્યો હતો. તો સાથે સાથે ત્રાસ અને મૃત્યુ પ્રત્યે અભય અનુભવ્યું હતું. એમાં એનો પ્રેમ અને એનું શૌર્ય પ્રગટ થાય છે. આ રજપૂતાણીએ જીવનભરનું. ક્ષણેક્ષણનું જૌહર રચ્યું હતું. આ મેડતણીએ જીવનભર, ક્ષણેક્ષણ બળીને એનું સતીત્વ પ્રગટ કર્યું હતું. પરમેશ્વર અને મીરાં વચ્ચેનો આ પ્રેમ એકપક્ષી પ્રેમ (Ex-Party Love) ન હતો, દ્વિપક્ષી પ્રેમ હતો. ‘प्रतियोगम् परस्परम्’ હતો. એમાં દાન-પ્રતિદાનની પારસ્પરિકતા (Reciprocity) હતી, એમાં અન્યોન્યતા (Mutuality) હતી. પરમેશ્વર અને મીરાં વચ્ચેનો આ પ્રેમ મીરાંના એક સાદ્યંતસુંદર અને સર્વાંગસંપૂર્ણ પદ ‘પ્રેમની, પ્રેમની, પ્રેમની રે, મને વાગી કટારી પ્રેમની’માં ‘પ્રેમની’ શબ્દનાં ત્રણ પુનરાવર્તનનો, અતિદ્રુત લય અને ‘કટારી’નું ભાવોચિત પ્રતીક આદિને કારણે એની પૂર્ણ તીવ્રતા અને તીક્ષ્ણતા સાથે પ્રગટ થાય છે: ‘પ્રેમની, પ્રેમની, પ્રેમની, રે, મને વાગી કટારી પ્રેમની. જળ જમુનાનાં ભરવા ગયાં’તાં, હતી ગાગર માથે હેમની રે. કાચે તે તાંતણે હરિજીએ બાંધી, જેમ ખેંચે તેમ તેમની રે. મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, શામળી સૂરત શુભ એમની રે.’ પરમેશ્વરના પ્રેમ સમક્ષ મીરાંના પ્રતિદાનનું, આત્મનિવેદનનું મીરાંનાં કોઈ કોઈ પદમાં સૂચન છે: ‘લેહ લાગી’ ‘તારી લેહ લાગી’ ‘તારી લેહ લાગી, પ્રેમમગનમાં હું રાજી’ ‘લેહ લાગી મને તારી’ ‘ચરણકમળ લેહ લાગી’ ‘હરિસંગે લગની લગાવી’ ‘મુંને લેહ રે લાગી હરિના નામની રે હું તો ટળી રે સંસારિયાના કામની રે’ ‘મુખડાની માયા લાગી રે મોહન પ્યારા! મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું, મન મારું રહ્યું ન્યારું રે મોહન પ્યારા!’ ‘ચોટ વાગી તે ટાળી કોઈની નહિ ટળે રે’ ‘હું રે ઘાયલ હરિના નામની રે’ ‘કટારી વાગે આરપાર, મનડું તો ઘાયલ થયું’ ‘પ્રેમની કટારી મુંને ખીંચકર મારી રે, થઈ ગઈ હાલબેહાલ’ ‘ઉપાડી ગાંસડી વેઠની રે, કેમ નાંખી દેવાય? મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, મને લગની લાગી છે ઠેઠની રે; કેમ નાખી દેવાય?’ પરમેશ્વરનો આ પ્રેમ ક્યારેક એટલો અસહ્ય થાય છે કે મીરાં એથી અમળાય, અકળાય છે અને પરમેશ્વરને પ્રશ્ન પૂછે છે : ‘તારો જુલમ તો હું કેમ સહું રે ક્હાના?’ ‘આવડો જુલમ શો રે કરે છે? મારી પૂંઠે ફરે છે રે’ પરમેશ્વરના આ પ્રેમ સમક્ષ પોતે પરાધીન અને પરતંત્ર છે એથી મીરાં ક્યારેક આ પ્રેમમાંથી મુક્તિ માટે પરમેશ્વરને પ્રાર્થના કરે છે : ‘જવા દો મને શાને રોકો છો વાટમાં?’ પરમેશ્વરના આ પ્રેમમાંથી કદી મુક્તિ નથી. ‘આમિ બાંધા, તુમિ બાંધા, મુક્તિ કોથાઓ નાઈ, રે બંધુ, મુક્તિ કોથાઓ નાઈ.’ — હું બંધાયો, તું બંધાયો; મુક્તિ ક્યાંય નથી, રે બંધુ, મુક્તિ ક્યાંય નથી — એવું મીરાંનાં કોઈ કોઈ પદમાં સૂચન છે : ‘પ્રેમ કૂવામાં અમને ઊંડા ઉતાર્યાં’ ‘ઊંડે કૂવે ઉતારિયા તરત ત્રુટ્યા વરત’ ‘ઊંડે કૂવે ઉતાર્યાં, વહાલા, છેહ આમ શું દ્યો છો રે?’ ‘ઊંડા કૂવામાં ઉતાર્યાં, વહાલા, વરત વાઢી શું જાઓ છો રે?’ અરે, એક ક્ષણની પણ મુક્તિ નથી પરમેશ્વરના આ પ્રેમમાંથી — એવું પણ મીરાંના કોઈક પદમાં સૂચન છે : ‘તારી મોરલીમાં ભરી મોણવેલ, ઘડી વિલંબો તો ભરી લઉં હેલ’ પરમેશ્વરના પ્રેમની સમક્ષ પોતે કેવી તો નિ:સહાય અને નિરાધાર છે એવું પણ મીરાંના કોઈ કોઈ પદમાં સૂચન છે : ‘પ્રીત કરી વહાલે પાંગળાં કીધાં, બાણે વીંધ્યા છે મારા પ્રાણ’ ‘પિયુજી અમારો પારધી ભયો રે, મેં તો ભઈ હરિણી શિકાર’ ‘કાનુડે માર્યાં છે અમને તીર કાનુડે બાળીને કીધાં ખાખ, રાખ ઉડાડી ફરરર’ પ્રેમ થવો એ વસમું છે પણ પ્રેમ ન થવો એ એથીયે વધુ વસમું છે. વળી પ્રેમ તો પરમેશ્વરે સ્વયં સામેથી એને અર્પણ કર્યો છે એથી મીરાં એવી તો પ્રસન્ન પ્રસન્ન છે : ‘હાં રે પ્રભુ આવ્યા છે મારા હાથમાં’ ‘તારી લેહ લાગી પ્રેમમગનમાં હું રાજી’ પરમેશ્વર જેમ મનુષ્યને પ્રેમ કરવાનો આરંભ કરે છે પછી એનો અંત જ નથી. પછી પરમેશ્વર અટકતો નથી, જંપતો નથી તેમ મનુષ્ય પણ પરમેશ્વરને પ્રેમ કરવાનો આરંભ કરે છે પછી એનો અંત જ નથી, પછી મનુષ્ય અટકતો નથી, જંપતો નથી. પ્રાણાન્તે પણ મનુષ્ય એ પ્રેમ છોડતો નથી એવું મીરાંનાં કોઈ કોઈ પદમાં સૂચન છે : ‘નહિ રે વિસારું હરિ, અંતરમાંથી નહિ રે વિસારું હરિ.’ ‘મીરાંને હૈયે લખાણાં હરિનાં નામ રે, નામ નહિ રે છોડું’ ‘ગિરિધરલાલ વિના ઘડી ન ગોઠે, હરિરસ ઘોળી ઘોળી પીધાં.’ ‘ગિરિધર નાગર હું તો ઘડી ન છોડું ભલે નાંખો રે મરાવી, હરિસંગે લગની લગાવી’ ‘જીવડો જાય તો જાવા દેઉં, હરિની ભક્તિ ન છોડું’ પરમેશ્વર અને પોતાની વચ્ચેનો આ પ્રેમ સમતોલ અને સપ્રમાણ છે અને પરમેશ્વર અને પોતે જુગતી જોડી છે એથી પણ મીરાં એવી તો પ્રસન્ન પ્રસન્ન છે. પોતે જ આ પ્રેમને પ્રમાણપત્ર આપે છે : ‘મારી જુગતે જોડી બની સારી, હું તો પ્રભુની થઈ ગઈ પ્યારી’ ‘આપણ બેને પ્રીત બંધાણી, સારી બની છે જોડાજોડ’ પરમેશ્વર અને પોતાની વચ્ચેના આ પ્રેમમાં ક્યારેક સ્પર્ધા અને સંઘર્ષ પ્રગટે છે ત્યારે મીરાં ચિડાય છે : ‘અમો અબળા કાંઈ સબળ સુંવાળા, વહાલા, આવડી શી ખેંચતાણ?’ તો પ્રેમમાં, પ્રેમની રમતમાં પરમેશ્વર જાણે કે અણઘડ છે, અસંસ્કારી છે, એનામાં રુચિ નથી, રસિકતા નથી, એનાથી ક્યારેક ક્યાંક દોષ થાય છે, રમતની કોઈ શરતનો ભંગ થાય છે એમ મીરાં પરમેશ્વરને ચીડવે પણ છે : ‘ઝૂમકહાર શીદ તોડ્યો? પ્રીત કરી પણ કરતાં ન આવડી, તું નંદ આહીરનો છોરો’ ‘શાને મારો મને કાંકરી?’ ‘કાંકરી મારે ધુતારો ક્હાન’ હવે પછી કંઈક વિગતે જોઈશું તેમ, મીરાંનો પરમેશ્વર પ્રત્યે ‘ब्रजगोपिकानाम्’ ગોપીભાવ છે, મીરાં સ્વયં ગોપી છે, રાધા છે. પરમેશ્વર એનો પતિ છે અને પોતે પરમેશ્વરની પત્ની છે એવો ભાવ અનુભવે છે. પણ પતિ-પત્ની સંબંધમાં પ્રત્યેક પતિ એકસાથે પત્નીનો પિતા, પતિ અને પુત્ર છે અને પ્રત્યેક પત્ની એકસાથે પતિની માતા, પત્ની અને પુત્રી છે. એથી મીરાં ક્યારેક પરમેશ્વર પ્રત્યે વાત્સલ્યભાવ પણ અનુભવે છે અને પરમેશ્વરની બાલબુદ્ધિ માટે પરમેશ્વરને લાડ લડાવે છે : ‘હું તો તને વારું, નંદના કુંવરજી, હજુ ન આવી સાન’ ‘સમજોને ચતુર સુજાણ’ ‘બીવડાવો તે બીજી નારી, ખરું લોઢું ને આરસપહાણ, વૃન્દાવનની કુંજગલીમાં તું હલકું પીપળિયાનું પાન’ ‘વૃન્દાવનની કુંજગલીમાં વાળ્યાં અમારાં વાન. નારી આગળ શું નૃત્ય કરો છો? હજુ ન આવી સાન’ ‘સમજે નહિ શ્યામ તું તો ભોળો’ તો ક્યારેક પરમેશ્વરની શઠબુદ્ધિ માટે પરમેશ્વરને રોકડું પરખાવે પણ છે : ‘ઘણા કપટી, નથી ભોળા’ ‘મધરાતે મથુરાથી રે નાઠો એ તો નથી અમને રે અજાણ’ ‘દાન લેવાની ગરજ પડે તો આવજો ગોકુળ ગામ’ અને પરમેશ્વરની આવી અકળ ગતિ અને વિચિત્ર મતિ પ્રત્યે ભય અને શંકાથી પરમેશ્વરને ચીમકી પણ આપે છે : ‘પ્રીત કરી તે પાળજો’ પરમેશ્વર પૂર્ણ છે એથી પરમેશ્વરનો પ્રેમ પણ પૂર્ણ છે. પણ મીરાં તો મનુષ્ય અને મનુષ્ય અપૂર્ણ છે એથી મનુષ્યનો પ્રેમ પણ અપૂર્ણ છે. મીરાંને પોતાની અપૂર્ણતાનું, પોતાના પ્રેમની અપૂર્ણતાનું પૂર્ણ જ્ઞાન છે. એથી મીરાંનાં કોઈ કોઈ પદમાં મીરાંની નમ્રતા અને ન્યૂનતા પ્રગટ થાય છે : ‘કૂપ જો હોય તો ગાળીએ નીર કૂપના, સાગરને કઈ પેર ગાળીએ?’ ‘કૂવો હોય તો ગાળીએ, વાલીડા, સમદર ગાળ્યા કેમ જાય? ખેતર હોય તો ખેડીએ, વાલીડા, ડુંગર ખેડ્યા કેમ જાય?’ પણ પરમેશ્વરની પૂર્ણતાની અને પરમેશ્વરના પ્રેમની પૂર્ણતાની મીરાંને પ્રતીતિ છે. એથી એનામાં અનન્યતા અને ધન્યતા છે. પરમેશ્વર અનાદિ-અનંત છે. અજર-અમર છે. અને એથી પરમેશ્વરનો પ્રેમ પણ અનાદિ-અનંત, અજર-અમર છે. અને પરમેશ્વર પ્રત્યે પોતાનો જે પ્રેમ છે, પોતાની જે परा अनुरक्ति ईश्वरे છે, જે ભક્તિ છે તે परमप्रेमस्वरूपा અને अमृतस्वरूपा છે. એમાં પોતાનું સદ્ભાગ્ય, ચિરસદ્ભાગ્ય છે, પોતાનું સૌભાગ્ય, ચિરસૌભાગ્ય છે. અને એથી ‘यत् लब्धवा… सिद्धो भवति अमृतो भवति तृप्तो भवति’ — એને પામીને હવે પોતે સિદ્ધ, અમૃત અને તૃપ્ત છે. કારણ પરમેશ્વરને મેળવ્યા પછી મનુષ્યને અન્ય કંઈ મેળવવાનું રહેતું નથી અને ‘यत् प्राप्त न किंचित् वांछति न शोचति न दृष्टि न रमते न उत्साही भवति — એને પામીને હવે એને કોઈ ઇચ્છા નથી, શોક નથી, રાગ નથી, ઉત્સાહ નથી. મીરાંની સમકાલીન મહાન સ્પૅનીશ સંત અને ભક્ત સેન્ટ તેરેસાની પ્રાર્થનાપોથીમાંથી એના મૃત્યુ પછી એનું જે કાવ્ય મળી આવ્યું હતું એમાં આ આત્મબોધ છે, ‘Nada te turbe — Nada te espante — Todo se pasa — Dios no se muda — La paciencia todo lo alcanga — Quien a Dios tiene — Nada te falta — Solo Dios basta’ — ‘કશું તને ક્ષુબ્ધ ન કરો — કશું તને ભયભીત ન કરો — બધું જ ક્ષણિક છે — પરમેશ્વર શાશ્વત છે — ધૃતિથી બધું મળે છે — જેને પરમેશ્વર મળે — એને પછી શું મેળવવાનું રહ્યું? માત્ર પરમેશ્વર મળે એટલે બસ.’ સ્પૅનિશ ભાષામાં અને સ્પેનના રહસ્યદર્શી સંતો અને ભક્તોની ભાષામાં, સવિશેષ સેન્ટ જ્હૉન ઑફ ધ ક્રૉસના ગદ્યગ્રંથોમાં Nada — કંઈ નહિ, શૂન્ય અને Todo બધું, સર્વ — એ બે શબ્દો સૂચક છે. પરમેશ્વર બધું જ છે, સર્વ છે; પરમેશ્વર સિવાયનું જે કંઈ છે તે કંઈ નથી, શૂન્ય છે. મીરાંના સમકાલીન મહાન સ્પૅનિશ સંત અને ભક્ત સેન્ટ જ્હૉન ઑફ ધ ક્રૉસની વાણીમાં ‘The soul that desires God to surrender Himself to it wholly must surrender itself to Him wholly and leave nothing for itself… Walk in solitude with God.’ — ‘પરમેશ્વર સ્વયં પોતાને સંપૂર્ણ આત્મનિવેદન કરે એમ જે આત્મા ઇચ્છે છે એણે પરમેશ્વરને સંપૂર્ણ આત્મનિવેદન કરવું રહ્યું. એણે પોતાને માટે કશું જ ઇચ્છવું ન જોઈએ… એણે પરમેશ્વરની સાથે એકાંતમાં વિહરવું જોઈએ.’ એ હવે ‘ફરત ઉદાસ’, ઉદાસ, ઉદાસીન છે. ‘तत् इव श्रृणोति तद् इव भाषयति तद् इव चिन्तयति’ — એને પામીને હવે એ એનું જ દર્શન કરે છે, એનું જ શ્રવણ કરે છે, એનું જ ભજન-કીર્તન કરે છે, એનું જ ચિંતન કરે છે અને यत् ज्ञात्वा मत्तो भवति स्तब्धो भवति आत्मरामो भवति’ — એને જાણીને હવે એ મત્ત છે, સ્તબ્ધ છે, આત્માથી આત્મામાં પ્રસન્ન છે. વળી આ પ્રેમ ‘प्रतिक्षण वर्धमानम् अविच्छिन्नम् सूक्ष्मतरम् अनुभवरूपम्’ — ક્ષણે ક્ષણે વૃદ્ધિ પામે છે, અતૂટ હોય છે, સૂક્ષ્મતર હોય છે અને અનુભવરૂપ એટલે કે અનુભવથી જ સમજાય છે. મીરાંને નાનપણમાં જ પરમેશ્વરનો અનુભવ થયો અને તે જ ક્ષણે અને ત્યાર પછી જીવનભર ક્ષણે ક્ષણે એણે એનો સંપૂર્ણ સ્વીકાર-પુરસ્કાર કર્યો એથી મીરાંનો પ્રેમ નકારાત્મક, પ્રતિકારાત્મક, પ્રતિક્રિયારૂપ ન હતો; હકારત્મક હતો. મીરાંનો પરમેશ્વર પ્રત્યેનો પ્રેમ એ સ્વીકાર-પુરસ્કારનું સાહસ હતું. એ જગત અને જીવનમાંથી, સંસારમાંથી કોઈ ભયભીત, ભીરુ, કાયર વ્યક્તિનું પલાયન ન હતું. મીરાંને જગત અને જીવન પ્રત્યે, સંસાર પ્રત્યે વૈરાગ્ય હતો એથી એને પરમેશ્વર પ્રત્યે રાગ ન હતો. પણ મીરાંને પરમેશ્વર પ્રત્યે રાગ હતો એથી એને જગત અને જીવન પ્રત્યે, સંસાર પ્રત્યે વૈરાગ્ય હતો. ‘પુણ્યકે મારગ ચાલતાં ઝક મારો સંસાર.’ — પરમેશ્વરના અનુભવની પ્રથમ ક્ષણથી જ એકમાત્ર પરમેશ્વર જ અમૃત છે, આનંદ છે, ધ્રુવ છે, અનશ્વર છે; જગત અને જીવન, સંસાર મૃત્યુ છે, દુઃખમય છે, પરિવર્તનશીલ છે, નશ્વર છે એવી મીરાંને પ્રતીતિ હતી. એથી જ એણે લગ્ન, પતિ, પદ, પ્રતિષ્ઠા, ધન, સત્તા, કીર્તિ — સર્વસ્વનો ત્યાગ કર્યો હતો. કુટુંબ, સમાજ, સ્વદેશનો ત્યાગ કર્યો હતો. ગોકુલથી દ્વારિકાની ભૂમિ એ કૃષ્ણની લીલાભૂમિ હતી, વિહારભૂમિ હતી, એ કૃષ્ણભૂમિ હતી છતાં મેવાડ, મેડતા, વૃન્દાવન, દ્વારિકામાંથી મીરાં નિર્વાસિત હતી, સ્વેચ્છાએ નિર્વાસિત હતી. ‘ગોકુલ તજુંગી મૈં મથુરા તજુંગી, તજુંગી મૈં વ્રજ કેરો દેશ.’ સમાજ, રાજ્ય અને ધર્મનાં બંધનમાં મીરાં બદ્ધ ન હતી, સ્થળ અને કાળની સીમામાં મીરાં સીમિત ન હતી. મીરાં આ પૃથ્વી પર નિર્વાસિત હતી, ચિરનિર્વાસિત હતી. મીરાં પરમેશ્વર નામના પ્રદેશની નાગરિક હતી. પરમેશ્વર મીરાંનો સ્વદેશ હતો. સ્વતંત્રતા, સમાનતા, બંધુતા અર્થે રૂઢિભંગ, પ્રણાલિકાભંગ અને ક્રાંતિ દ્વારા એ કુલનાશીનું બિરુદ પામી હતી, એ બદનામી અને હાંસી પામી હતી. આ રજપૂતાણીએ જીવનભરનું, ક્ષણક્ષણનું જૌહર રચ્યું હતું. આ મેડતણીએ જીવનભર, ક્ષણેક્ષણ બળીને સતીત્વ પ્રગટ કર્યું હતું. પરમેશ્વર મીરાંનો ઇલમ હતો, પરમેશ્વર મીરાંનું શૂર હતું, પરમેશ્વર મીરાંની મિરાત હતી, મોટી મિરાત હતી. પરમેશ્વર મીરાંની નિરાંત, મોટી નિરાંત પણ હતી. સેન્ટ જ્હૉન ઑફ ધ ક્રૉસના શબ્દોમાં ‘Live in this world as though there were in it but God and thy soul.’ — ‘આ જગતમાં જાણે કે એક માત્ર પરમેશ્વર અને તારો આત્મા જ છે એમ આ જગતમાં જીવજે.’ એથી જ મીરાંની પ્રતીતિ હતી, પ્રતિજ્ઞા હતી કે વર તે વિઠ્ઠલવર, અવર તે અ-વર. મીરાંનાં કેટલાંક પદમાં એનું સૂચન છે : ‘ખારા સમુદ્રમાં અમૃતનું વહેળિયું રે એવી છે ભક્તિ અમારી’ ‘મહિયર તજ્યું ને તજ્યું સાસરિયું’ ‘જીવનો સાથી હરિ વિણ કોઈ નથી’ ‘શું રે કરવું, સુન્દર શ્યામ, બીજાને મારે શું કરવું?’ ‘ધ્યાન ધણી કેરું ધરવું રે, બીજું મારે શું કરવું?’ ‘અમર ચૂડલો પહેરી મારે મરવું છે’ ‘અમર ચૂડલો લઈને મારે ફરવું છે’ ‘ચૂંદડી ઓઢું ત્યારે રંગ ચૂવે રે રંગબેરંગી હોય, ઓઢું હું કાળો કામળો દૂજો ડાઘ ન લાગે કોય’ ‘કામણ કીધાં કાનુડે, મારું મન મોહ્યું મા’વે; મન મોહ્યું મા’વે, દૂજો મારી નજરુંમાં ના’વે’ ‘ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો, મને મારો રામજી ભાવે, બીજો મારી નજરે ન આવે’ ‘પરણીશું મારા પ્રભુજીની સાથ, બીજાનાં મીંઢળ નહિ બાંધું’ ‘મારે તો વર વિઠ્ઠલને વરવું છે, બીજાને મારે શું રે કરવું છે?’ ‘નહિ બાંધું મીંઢળ બીજાનાં, મીંઢળ નહિ રે બાંધું, હું તો પરણી મારા પિયુજીની સાથ’ ‘હું તો પરણી મારા પ્રિતમની સંગાથ, વહાલજી, બીજાનાં મીંઢળ નહિ રે બાંધું’ ‘અખંડ વરને વરી, સાહેલી, હું તો અખંડ વરને વરી’ તો મીરાંનાં બે ઉત્તમ પદમાં આ પ્રતીતિ અને આ પ્રતિજ્ઞા પૂર્ણપણે પ્રગટ થાય છે : ‘બોલ મા, બોલ મા, બોલ મા રે, રાધાકૃષ્ણ વિના બીજું બોલ મા રે. સાકર સેલડીનો સ્વાદ તજીને કડવો તે લીમડો ઘોળ મા રે. ચાંદા સૂરજનું તેજ તજીને આગિયા સંગાથે પ્રીત જોડ મા રે. હીરા માણેક ઝવેર તજીને કથીર સંગાથે મણિ તોલ મા રે. મીરાં કે પ્રભુ ગિરિધર નાગર શરીર આપ્યું સમતોલમાં રે.’ ‘મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા! મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું, મન મારું રહ્યું ન્યારું. સંસારીનું સુખ એવું, ઝાંઝવાનાં નીર જેવું, તેને તુચ્છ કરી ફરીએ. પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો, રાંડવાનો ભય ટાળ્યો. મીરાંબાઈ બલિહારી, આશા મને એક તારી, હવે હું તો બડભાગી.’ આમ, ‘મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરો ન કોઈ’ એવી મીરાંની અનન્યતા હતી. પરમેશ્વરમાં અને પરમેશ્વરના પ્રેમમાં મીરાં એકધ્યાન હતી, એકતાન હતી. મીરાંના જીવન સાથે જેના જીવનનું કંઈક સામ્ય છે એવી આપણા યુગની એક અનોખી ફ્રેન્ચ સન્નારી સાઈમૉન વેઇલે કહ્યું છે, ‘Perfect at-tention is perfect prayer’ — ‘પૂર્ણધ્યાન એ પૂર્ણ પ્રાર્થના છે.’ આમ, ‘अन्य आश्रयाणां त्याग अनन्यता’ અને ‘भक्ता एकान्निनो मुख्या’ — પરમેશ્વર અને પરમેશ્વરનો પ્રેમ પામ્યા પછી મીરાંમાં આ અનન્યતા હતી, મીરાં એકનિશ્ચયી હતી. મીરાં પરમેશ્વરમય, પ્રેમમય, ભક્તિમય હતી. મીરાંમાં પરમેશ્વર અને પરમેશ્વરના પ્રેમમાં તન્મયતા, તલ્લીનતા, તદ્રૂપતા, તદાકારતા હતી એનું મીરાંનાં કોઈ કોઈ પદમાં સૂચન છે : હું તો સમજી મોહનજી સાનમાં રે’ ‘રહેતી હરિ-હજૂર’ ‘મારું મન શામળિયાશું જડિયું’ ‘મારી સુરતા ભગવાનસે લાગી રે’ ‘મારી સુરતા શામળિયાના પદમાં રે’ ‘મારી સુરતા શામળિયાની સાથ’ ‘સુરત દોરીપે મીરાં નાચે સરપે ધરાયે મટકી, મીરાં કે પ્રભુ ગિરિધર નાગર સુરત લગી જૈસે નટકી’ પરમેશ્વર અને પરમેશ્વરના પ્રેમ પ્રત્યે મીરાંમાં જે અનન્યતા છે, એકનિશ્ચય છે એની બિલ્વમંગલ સ્વામી-લીલાશુકના श्रीकृष्णकर्णामृतના પ્રસિદ્ધ શ્લોક ‘विक्रेतु कामा किल गोपकन्या मुरारिपादार्पितचित्तवृत्ति: दध्यादिकं मोहवशादवोचद् ‘गोविंददामोदरमाधवेति’ પ્રેરિત તથા ગીતાના વિભૂતિયોગ અને વિશ્વરૂપદર્શનયોગથી પ્રેરિત અને સાથે સાથે પરમેશ્વર બધામાં છે અને બધું પરમેશ્વરમાં છે એવા પરમેશ્વરમયતા(pantheos)ના દર્શનના અનુભવથી પ્રેરિત એવા મીરાંના એક નાટ્યાત્મક અને સંવાદાત્મક પદમાં પ્રતીતિ થાય છે : “કોઈ માધવ લ્યો! હાં રે, માધવ લ્યો!’ વેચંતી વ્રજનારી રે. માધવને મટુકીમાં ઘાલી ગોપી લટકે મટકે ચાલી રે. ‘હાં રે ગોપી, ઘેલી શું બોલતી જાયે? માધવ મટુકીમાં ન સમાયે.’ ‘નવ માનો તો જુઓ ઉતારી.’ માંહી જુએ તો કુંજવિહારી.’ અનુભવની તીવ્રતા, ભાવ-રસની ઉગ્રતા મીરાંમાં પરમેશ્વરના અનુભવની, પરમેશ્વરના પ્રેમના અનુભવની પરમ અને ચરમ કોટિની તીવ્રતા હતી. એથી એનાં પદમાં ભાવ અને રસની એવી જ ઉગ્રતા છે. જગતકવિતામાં આવી તીવ્રતા અને આવી ઉગ્રતાનું દર્શન અન્યત્ર એક માત્ર મીરાંના સમકાલીન મહાન સ્પૅનિશ સંત, ભક્ત અને કવિ સેન્ટ જ્હૉન ઑફ ધ ક્રૉસના ‘Canticos Espirituales’ — ‘આધ્યાત્મિક પદો’માં થાય છે. પ્રેમનો અનુભવ જ એવો છે કે મનુષ્ય જેમ જેમ વધુ ને વધુ પ્રેમ પામે છે તેમ તેમ એથીયે વધુ ને વધુ પ્રેમ પામવાની એને ઇચ્છા થાય છે, વધુ ને વધુ ઇચ્છા થાય છે, અને મનુષ્ય જેમ જેમ વધુ ને વધુ પ્રેમ આપે છે તેમ તેમ એથીયે વધુ ને વધુ પ્રેમ આપવાની એને ઇચ્છા થાય છે, વધુ ને વધુ ઇચ્છા થાય છે, ‘प्रतिक्षण वर्धमानम्’. વળી મીરાં સ્ત્રી હતી એથી પણ આમ થયું છે. વળી અન્ય સૌ સંતોનાં પદમાં પ્રધાનપણે કૃષ્ણ અને રાધાના પ્રેમનું, એમના મિલન-વિરહનું વર્ણન છે. જ્યારે મીરાં એ સૌથી સાવ જુદી છે. ‘यथा व्रजगोपीकानाम्’ મીરાંએ એકમાત્ર ગોપીભાવનો જ અનુભવ કર્યો છે, પોતે જ ગોપી છે, રાધા છે. પરમેશ્વર પતિ અને પોતે પત્ની છે. મીરાંની ભક્તિ પ્રધાનપણે માધુર્ય-મધુરા-ભક્તિ છે. મીરાંનાં પદમાં કૃષ્ણ પ્રત્યેના પોતાના જ પ્રેમનું ગોપી રૂપે, રાધા રૂપે, સ્વ રૂપે વક્તવ્ય છે. અન્ય સૌ સંતોનાં પદમાં પ્રધાનપણે પ્રેમના અનુભવમાં, પ્રેમના સંબંધમાં કૃષ્ણ અને રાધા બે પ્રેમપાત્રો છે અને સંત એમાં પ્રેક્ષક છે, સાક્ષી છે, કહો કે ત્રીજું પાત્ર છે. જ્યારે મીરાંનાં પદમાં મીરાંએ અન્યત્ર ગાયું છે તેમ ‘નાથ તુમ જાનત હો સબ ઘટકી, મીરાં ભક્તિ કરે પરગટકી’ અને ‘બાત અબ ફૈલ ગઈ, જાને સબ કોઈ, હોની થી સો હોઈ’, — પ્રેમના અનુભવમાં, પ્રેમના સંબંધમાં કૃષ્ણ અને પોતે એમ બે પ્રેમપાત્રો છે, એમાં ત્રીજું પાત્ર જ નથી. આમ, મીરાં પ્રેક્ષક, સાક્ષી કે ત્રીજું પાત્ર નથી. એમાં મીરાં બીજું પાત્ર છે. એથી પણ આમ થયું છે. અન્ય સૌ સંતોનાં પદમાં ગૌણપણે જેમાં પ્રેમના અનુભવમાં, પ્રેમના સંબંધમાં સંત પોતે પ્રેક્ષક, સાક્ષી કે ત્રીજું પાત્ર નહિ પણ બીજું પાત્ર હોય એવાં પદ છે. પણ અન્ય સૌ સંતો પુરુષો છે એથી એ પદમાં પોતે ગોપી, રાધા કે પ્રિયા-પત્ની છે, સ્ત્રી છે એમ વક્તવ્ય હોય છે ત્યારે જીવા ગોસાંઈની જેમ એમના પુરુષત્વથી તેઓ સભાન છે એમ તરત વરતાય છે અને એથી એ પદમાં સાહજિકતાનો, સ્વાભાવિકતાનો અભાવ વરતાય છે અને સ્ત્રીત્વ વિશેનો એમનો પ્રયત્ન પ્રગટ થાય છે. વળી મીરાંનાં પદમાં મિલનનાં પદથી વિશેષ સંખ્યામાં વિરહનાં પદ છે એથી પણ આમ થયું છે. વિરહ છે તો પ્રેમ છે. વિરહને કારણે તો પ્રેમનો આરંભ થાય છે. પ્રેમનો જન્મ વિરહમાં છે. પરમાત્માથી આત્મા, પરમેશ્વરથી મનુષ્ય છૂટો-વિખૂટો થયો ન હોય તો તો પ્રેમને, પ્રેમની આ લીલાને અવકાશ જ ન હોત. પરમાત્માથી આત્મા, પરમેશ્વરથી મનુષ્ય છૂટો-વિખૂટો થયો છે. એટલે વિરહ તો છે જ. પણ જે ક્ષણે પરમાત્માથી આત્મા, પરમેશ્વરથી મનુષ્ય છૂટો-વિખૂટો થયો છે એનું જ્ઞાન થાય છે તે ક્ષણે વિરહનો ભાવ હૃદયમાં જન્મે છે, વિરહનું જ્ઞાન થાય છે એ પછી જ પ્રેમનો જન્મ, પ્રેમનો આરંભ થાય છે. વિરહ એ પ્રેમનો પુરોગામી છે. એક અર્થમાં વિરહ, વિરહનો ભાવ, વિરહનું જ્ઞાન એટલે જ પ્રેમ. પ્રેમનું અસ્તિત્વ વિરહને આભારી છે. વિરહ માત્ર પ્રેમનો જ નહિ, મિલનનો પણ પુરોગામી છે. આ વિરહનો ભાવ હૃદયમાં જન્મે, આ વિરહનું જ્ઞાન થાય પછી જ મિલનની ઇચ્છા જન્મે છે. મિલન શક્ય થાય છે. વળી વિરહની પરાકાષ્ઠાની ક્ષણે વિરહીજન વિરહને અતિક્રમે છે, વિરહ દ્વારા જ વિરહને અતિક્રમે છે અને એના પ્રેમીજન સાથે મિલનનો અનુભવ કરે છે. વળી પરમેશ્વર સમક્ષ, પરમેશ્વરના પ્રેમ સમક્ષ જે મનુષ્યે ભક્તિની પરાકાષ્ઠારૂપ આત્મનિવેદન કર્યું હોય એનો વિરહ અસહ્ય હોય. ‘तद् विस्मरणेन परमव्याकुलता इति अस्ति एवम् यथा ब्रजगोपीकानाम्.’ — એના વિરહના અનુભવમાં વિસ્મરણને કારણે વ્રજગોપિકાને હતી એવી પરમવ્યાકુલતા હોય, વ્યથા હોય, વેદના હોય, વિવશતા હોય, વિહ્વલતા હોય, મિલનની તૃષા હોય, મિલનનો તીવ્ર તલસાટ હોય. વળી એક વાર મિલન થાય પછી પુનરપિ વિરહ છે જ. દેહ છે ત્યાં અને ત્યાં લગી વિરહ, વારંવાર વિરહ છે જ. તો વળી દેહ છે તો જ વિરહનો ભાવ, વિરહનું જ્ઞાન છે અને તો જ પ્રેમ, પરમેશ્વર પ્રત્યેનો પ્રેમ છે. મીરાંના પ્રસિદ્ધ પદ ‘બોલ મા, બોલ મા, બોલ મા રે’ની અંતિમ પંક્તિ ‘શરીર આપ્યું સમતોલમાં રે’ અને એથીયે વિશેષ તો મીરાંનું પ્રસિદ્ધ પદ ‘જોગી, મત જા, મત જા, મત જા’ અને સવિશેષ તો એની અંતિમ પંક્તિ ‘જ્યોત સે જ્યોત મિલા જા’ અત્યંત સૂચક છે. ઍલિઝાબેથ બ્રાઉનિંગના ‘સૉનેટ્સ ફ્રૉમ ધ પોર્ટુગીઝ’માંના એક સૉનેટની અંતિમ પંક્તિ છે : ‘I shall but love thee better after death.’ — ‘તને અધિક હું ચહું, નિધન થાયને તે પછી’ — એ પણ સૂચક છે. જીવનમાં મિલન અલ્પ અને વિરહ અનલ્પ છે, ક્ષણનું મિલન અને યુગનો વિરહ છે. અને મિલન પછી જે વિરહ હોય છે તે મિલન પૂર્વેનાં વિરહથી વધુ અસહ્ય હોય છે. પ્રકાશના એક કિરણનું દર્શન થાય પછી જે અંધકાર હોય છે તે દર્શન પૂર્વેનાં અંધકારથી વધુ અસહ્ય હોય છે. આવો વિરહ, પરમ વિરહ એ આસક્તિની, ભક્તિની પરાકાષ્ઠા છે. આમ તો એકાદશધા ભક્તિ છે પણ વાસ્તવમાં અંતે તો એકધા ભક્તિ જ છે, આ અગિયારે ભક્તિ એક જ ભક્તિ છે. ‘एकधा अपि एकादशधा भक्ति’ એમાં તન્મયતા જેમ આસક્તિ છે, ભક્તિ છે તેમ પરમવિરહ પણ આસક્તિ જ છે, ભક્તિ જ છે. પરમ વિરહ એ અગિયારમી આસક્તિ છે, અગિયારમી ભક્તિ છે. ‘परमविरह आसक्तिरूपा’ એથી મિલન અને વિરહ બન્ને વાસ્તવમાં અંતે તો એક જ છે. કારણ કે બન્ને આસક્તિ છે, ભક્તિ છે. મિલન અને વિરહ પ્રેમના સિક્કાની બે બાજુ છે. વળી વિરહથી મિલન શક્ય થાય છે એટલું જ નહિ પણ વારંવાર વિરહથી મિલનથી ઇચ્છા વધુ ને વધુ તીવ્ર થાય છે. એથી પ્રેમીજનને વિરહમાં અંતે તો આનંદ જ હોય છે. મિલનમાં અને વિરહમાં એકસરખો આનંદ હોય છે. વિરહમાં આનંદ ગોપન હોય છે એટલું જ. પ્રેમમાં — શું મિલનમાં કે શું વિરહમાં — દુઃખ હોય જ નહિ, મૃત્યુ હોય જ નહિ, આનંદ જ હોય, અમૃત જ હોય. મિલન માણવાનું હોય છે, વિરહ, એકલતાને કારણે, ગાવાનો હોય છે એટલું જ. એથી કવિતાના સંદર્ભમાં મિલનની અભિવ્યક્તિથી વિરહની અભિવ્યક્તિમાં અનુભવની વિશેષ તીવ્રતા તથા ભાવ અને રસની વિશેષ ઉગ્રતા પ્રગટ થાય છે. પરમેશ્વર અને પરમેશ્વરના પ્રેમના અનુભવની આ તીવ્રતા તથા ભાવ અને રસની ઉગ્રતા મીરાંના અનેક પદમાં પ્રગટ થાય છે : ‘ખૂણે બેસીને મેં તો ઝીણું રે કાંત્યું, નથી રાખ્યું કંઈ કાચું રે’ ‘હવે હું તો બડભાગી’ ‘કોઈ વિરલાને હાથે ચડિયું’ ‘બડે ઘર તાલી લાગી રે, મારા મનની ઉણારથ ભાગી રે’ ‘હાં રે મેં તો તજી છે લોકની શંકા, પ્રીતમકા ઘર હૈ બંકા, બાઈ મીરાંએ દીધા ડંકા’ ‘ચરણાંમેં મારો જોર છે.’ ‘મારે હરિ ભજવાની હામ’ ‘વરમાળા ધરી ગિરિધર વરની, છૂટે છેડે ફરીએ રે, વર તો ગિરિધરવરને વરીએ, સુણોને લાજ કોની ધરીએ રે?’ ‘લોક અમારી નિંદા કરે રે અમે ધોખો એનો ના ધરીએ રે, વરમાળા વનમાળીની પહેરી, અમે છૂટે છેડે ફરીએ રે’ ‘ભૂરાટી થૈને હું રે ફરું છું’ ‘પ્રેમભઠ્ઠીનો મદ પીને છકી ફરું દિનરાત’ ‘હું તો બાવરી ફરું છું મારા મદમાં રે’ ‘કોઈ કહે મીરાં ભઈ રે બાવરી, કોઈ કહે જોગણ મદમાતી’ ‘પ્રભુને ભજીને હું થઈ ગઈ ન્યાલ’ ‘પ્રભુને ભજીને થઈ છું ન્યાલ’ ‘હરિને ભજીને હું તો થઈ હવે ન્યાલ’ ‘હું તો તમને ભજીને ન્યાલ થઈ છું’ ‘હવે ન પામું ગર્ભાધાન’ ‘અજ્ઞાનની કોટડીમાં ઊંઘ ઘણી આવે, પ્રેમપ્રકાશમાં હું જાગી’ ‘નહિ રે વિસારું હરિ, અંતરમાંથી નહિ રે વિસારું હરિ, આવતાં ને જાતાં મારગ વચ્ચે અમૂલખ વસ્તુ જડી’ ‘તમે જાણી લ્યો સમુદ્ર સરીખડા મારા વીરા રે, દિલ તો ખોલીને દીવો કરો રે! આ રે કાયામાં છે વાડીઓ રે હો જી, માંહે મોર કરે છે ઝીંગોરા રે; આ રે કાયામાં છે સરોવર રે હો જી, માંહે હંસ તો કરે છે કલ્લોલા રે’ ‘મુજ અબળાને મોટી મિરાત બાઈ, શામળો ઘરેણું મારે સાચું રે, વાળી ઘડાવું વિઠ્ઠલવર કેરી, હાર હરિનો મારે હૈયે રે. ચીનમાળી ચતુર્ભુજ ચૂડલો. શીદ સોની ઘેર જઈએ રે? ઝાંઝરિયાં જગજીવન કેરાં. કૃષ્ણજી કલ્લાં ને કાંબી રે, વિંછુવા ઘૂઘરા રામનારાયણ, અણવટ અંતરજામી રે. પેટી ઘડાવું પુરુષોત્તમ કેરી, ત્રિકમ નામનું તાળું રે, કૂંચી કરાવું કરુણાનંદ કેરી, તેમાં ઘરેણું મારું ઘાલું રે. સાસરવાસો સજીને બેઠી હવે નથી કાંઈ કાચું રે, ‘મીરાં કે પ્રભુ ગિરિધરનાગર, હરિને ચરણે જાચું રે.’ ‘ઘાયલની ગતિ ઘાયલ જાણે, પેલો નુગરો શું જાણે એના મનમાં રે’ ‘અરજ કરે છે મીરાં રાંકડી, ઊભી ઊભી અરજ કરે છે મીરાં રાંકડી, મીરાં કે પ્રભુ ગિરિધર નાગર તમને જોતામાં ઠરે આંખડી,’ ‘પ્રભુ પાલવડો પકડીને રહી છું પ્રેમથી’ ‘જો પ્રભુ મારે મંદિર પધારો તો રાખીશ ગુલાબચમેલીમાં, તમ માટે હું તો ખપી ઘેલીમાં’ ‘ગણતાં ગણતાં ઘસ ગઈ જીભા, હારી આંગળીઓની રેખા’ ‘અમૃત પાઈ ઉછેર્યાં, વહાલા, વિષ ઘોળી શું દ્યો છો રાજ?’ ‘સુખ તો વહાલા સરવર જેટલું, દુઃખ તો દરિયા સમાન, દુઃખડાં મારાં ડુંગર જેવાં સુખડાં છે મેરુ સમાન’ દુઃખડાની મારી વહાલ, દૂબળી થઈ છું, પચી પચી થઈ છું પીળી પાન’ ‘દવ લાગ્યો ડુંગરિયે અમે કેમ કરીએ? કેમ કરીએ, અમે કેમ કરીએ, દવ લાગ્યો ડુંગરિયે. હાલવા જઈએ તો, વહાલા, હાલી ન શકીએ, બેસી રહીએ તો અમે બળી મરીએ રે. આ રે વસ્તીએ નથી ઠેકાણું રે, વહાલા, હેરી, પરવસ્તીની પાંખે અમે ફરીએ રે.’ સુકુમાર અને સુકોમલ, સહજ અને સરલ સ્ત્રીહૃદયની આ તીવ્રતા છે, આ ઉગ્રતા છે એવી પ્રતીતિ મીરાંનાં કોઈ કોઈ પદમાં થાય છે : ‘ફૂલનો પછેડો ઓઢું પ્રેમ ઘાટડી રે, બાઈ, મારો શામળિયો ભરથાર રે’ ‘બોલે ઝીણા મોર, રાજા! તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર રે. મોર હી બોલે, બપૈયા હી બોલે, કોયલ કરે કલશોર રે, માઝામ રાતે ભલી વીજળી ચમકે, બાદલ હુઆ ઘનઘોર રે. ઝરમર ઝરમર મેહુલો વરસે, ભીંજે મારા સાળુડાની કોર રે, બાઈ મીરાંકે પ્રભુ ગિરિધરનાગર તું તો મારા ચિત્તડાનો ચોર રે.’ મીરાંની ભક્તિ પ્રધાનપણે માધુર્ય-મધુરા-ભક્તિ છે. પરમેશ્વર પતિ અને મીરાં પ્રધાનપણે પત્ની છે. એથી મીરાંનો પ્રેમ પ્રધાનપણે સ્વકીયાપ્રેમ છે. અને મીરાંનાં પદનો રસ પ્રધાનપણે શૃંગાર છે. મિલન અને વિરહના અનુભવને કારણે સંભોગ શૃંગાર અને વિપ્રલંભ શૃંગાર છે. પણ એમાં પરમેશ્વર પ્રત્યેનો પ્રેમ છે, મનુષ્ય પ્રત્યેનો પ્રેમ નથી; એમાં રતિનો ભાવ દિવ્ય છે. માનુષી નથી એથી અંતે એમાં શૃંગાર નહિ પણ શાંતરસ છે. મીરાં પરમેશ્વરની પત્ની મીરાંબાઈ છે પણ એને પત્ની તરીકેનો અધિકાર ભોગવવો નથી. એને તો પતિની સેવા કરવી છે. મીરાંને તો ગિરિધારીલાલના ચાકર રહેવું છે. મીરાં ‘લાલ ગિરિધર’ની ‘દાસ મીરાં’ છે એથી મીરાંની માધુર્યભક્તિ એ અર્થમાં દાસ્યભક્તિ છે. અથવા તો મીરાંની માધુર્યભક્તિની દાસ્યભક્તિ પ્રતિની ગતિ છે. એથી મીરાં પરમેશ્વરની પત્ની છે એથી વિશેષ તો પરમેશ્વરની દાસી છે. એથી મીરાંમાં પ્રેમ છે પણ કામ નથી, મોહવાસના નથી; શૃંગાર છે પણ વિલાસ નથી, ભોગવૈભવ નથી, ભાવ અને રસની ઉગ્રતા છે, પણ ઉન્માદ નથી. એથી મીરાંમાં શૃંગાર ગૌણ છે અને ભક્તિ પ્રધાન છે. એથી પણ મીરાંનાં પદમાં અંતે શૃંગાર નહિ પણ શાંતરસ છે. અન્ય ભક્તોનાં, સંતોનાં પદમાં નરી માધુર્ય-મધુરા-ભક્તિ છે એથી એમાં વિલાસ અને ઉન્માદ છે. વળી એ સૌ પુરુષો છે એથી પણ એમાં વિલાસ અને ઉન્માદ છે. મીરાં સ્ત્રી છે એથી મીરાંનાં પદમાં માધુર્ય-મધુરા-ભક્તિ છે પણ એમાં સ્ત્રીને, માત્ર સ્ત્રીને જ સુલભ અને સહજ એવો સંકોચ, સંયમ, એવી મર્યાદા, એવું શીલ છે. આ દાસ્યભક્તિ, દાસીભાવ મીરાંનાં કોઈ કોઈ પદમાં પ્રગટ થાય છે : ઊભી ઊભી અરજ કરે છે મીરાં રાંકડી, માણીગર સ્વામી મારે મંદિરે પધારો સેવા કરું દિનરાતડી’ ‘ક્હાન રાખે તેમ રહીએ, ઓધવજી! ક્હાન રાખે તેમ રહીએ. કોઈ દિન પેરણ હીર ને ચીર, કોઈ દિન સાદા રહીએ. કોઈ દિન ભોજન શીરો ને પૂરી, કોઈ દિન ભૂખ્યાં રહીએ. કોઈ દિન રહેવાને બાગબગીચા, કોઈ દિન જંગલ રહીએ. કોઈ દિન સૂવાને ગાદી ને તકિયા, કોઈ દિન ભોંય સૂઈ રહીએ. બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ,સુખદુઃખ સૌ સહી રહીએ.’ રહસ્યદર્શન અને સંપ્રદાય મીરાં ભક્ત છે, સંત છે. મીરાંનો પરમેશ્વર એ ભક્તનો, સંતનો પરમેશ્વર છે. મીરાંનો પરમેશ્વર પ્રત્યેનો પ્રેમ એ ભક્તિ છે, પ્રેમલક્ષણા ભક્તિ, આ ભક્તિ ‘परा अनुरक्ति ईश्वरे’ છે. એ પરમપ્રેમસ્વરૂપા છે. મીરાંનો પરમેશ્વરનો અને પરમેશ્વરના પ્રેમનો અનુભવ એ રહસ્યદર્શી અનુભવ (mysti-cal experience) છે. મીરાંને પરમેશ્વરનું પ્રત્યક્ષ જ્ઞાન હતું, પરમેશ્વરનો તત્ક્ષણ સદ્ય અનુભવ (direct and immediate knowledge and experience of God) હતો. મીરાં રહસ્યવાદી (‘રહસ્યવાદ’, ‘રહસ્યવાદી’ એ શબ્દોમાં વાદની ગંધ છે, એ શબ્દોથી ગેરસમજને અવકાશ છે. ‘રહસ્યમાર્ગ’, ‘રહસ્યમાર્ગી’ શબ્દોની પણ એ જ મર્યાદા છે. રહસ્યદર્શન, રહસ્યદર્શી વધુ સંતોષકારક છે.) હતી, mystic હતી. આ અનુભવ એ પરમેશ્વરની કૃપા છે, કરુણા છે, પરમેશ્વરનો અનુગ્રહ છે. ‘यमेवैष वृणुते तेन लभ्य’. પરમેશ્વર જેને પસંદ કરે છે, જેને વરે છે તે મનુષ્યને જ આ અનુભવ થાય છે. જેમ અગ્નિથી જ અગ્નિ પ્રગટ થાય છે તેમ પરમેશ્વરથી જ પરમેશ્વર પ્રગટ થાય છે, પરમેશ્વરના પ્રેમથી જ પરમેશ્વરનો પ્રેમ અને ભક્તિથી જ ભક્તિ પ્રગટ થાય છે. ‘स्वयम् फलरूपता फलरूपत्वात्.’આ અનુભવ — પરમેશ્વર, પરમેશ્વરનો પ્રેમ, ભક્તિસ્વયંભૂ છે, સ્વત:સિદ્ધ છે, સ્વજાત છે. એથી જે મનુષ્યને આ અનુભવ થાય છે એને પોતાને પણ આ અનુભવ જાણે કે પૂર્વજન્મની પ્રીત છે, જન્મજન્માન્તરનો અનુભવ છે, આદિ ક્ષણનો અનુભવ છે. બલકે અનાદિ અનુભવ છે એવું આશ્ચર્ય થાય છે. ‘प्रकाशते क्वापि पात’. એથી કોઈ વિરલ વ્યક્તિને જ આ અનુભવ થાય છે. ‘કોઈ વિરલાને હાથે ચડિયું’. આવી વ્યક્તિ અતુલ્ય અને અનુપમ હોય છે, અનન્ય અને અદ્વિતીય, એકમેવ(sui generis) હોય છે. ‘अन्य आश्रयाणां त्याग अनन्यते’. આ અનુભવમાં અન્ય આશ્રયો — સંપ્રદાય, પંથ, માર્ગ, મત-વાદ આદિનો પણ ત્યાગ હોય છે. આ અનુભવમાં અનન્યતા હોય છે. ‘सा तु कर्म ज्ञानयोगेम्योडप्यधिकतरा’. આ અનુભવ કર્મ, જ્ઞાન, યોગથી પણ અધિકતર છે. આ અનુભવ જેમ સ્વજાત છે તેમ સ્વખ્યાત પણ છે. ‘प्रमाणान्तरस्य अनपेक्षत्वात् स्वयम् प्रमाण रूपत्वात्’. સ્વયં પરમેશ્વર જ પરમેશ્વરનું પ્રમાણ છે, પ્રમેય છે. પરમેશ્વરનો મનુષ્ય પ્રત્યેનો પ્રેમ અને મનુષ્યનો પરમેશ્વર પ્રત્યેનો પ્રેમ સ્વયં પ્રેમનું પ્રમાણ છે, પ્રમેય છે. એનું અન્ય કોઈ પ્રમાણ નથી. પ્રમેય નથી. અન્ય કોઈ પ્રમાણની, પ્રમેયની અપેક્ષા પણ નથી. सूक्ष्मतरम् अनुभवरूपम्’. એ સૂક્ષ્મતર છે, અનુભવરૂપ છે. આ અનુભવને અનુભવથી જ જાણી-માણી-પ્રમાણી શકાય. ‘અનુભવી હોય તે જાણે રે.’ ‘ઘાયલ કી ગત ઘાયલ જાને, ઔર ન જાને કોઈ!’, ‘अनिर्वचनीयम्’. આ અનુભવ અનિર્વચનીય છે. ‘मूकास्वादनवत्’. આ અનુભવ મૂકના આસ્વાદન જેવો છે. મૂગા માણસને સ્વાદનો અનુભવ થાય પણ પછી એ અનુભવને એ વાણીમાં વ્યક્ત કરી શકતો નથી. શબ્દ પણ એનું પ્રમાણ નથી, પ્રમેય નથી. એ શબ્દાતીત છે. અનેક રહસ્યદર્શીઓએ એને શબ્દમાં પ્રગટ કરવાનો, શબ્દસ્થ કરવાનો પ્રયત્ન જ નથી કર્યો. એને વિશે મૌન ધારણ કર્યું છે. તો વળી અનેક રહસ્યદર્શીઓએ એને શબ્દમાં પ્રગટ કરવાનો, શબ્દસ્થ કરવાનો પ્રયત્ન કર્યો છે. પણ એ સૌને આ અનુભવને પ્રગટ કરવા માટે શબ્દ અશક્ત છે, અપૂર્ણ છે એવો શબ્દ વિશેનો અનુભવ, અનિવાર્યપણે અસંતોષનો અનુભવ થયા વિના રહ્યો નથી. ‘अव्यावृत्त भजनात् लोकेडपि भगवद्गुणश्रवणकीर्तनात्’. એથી સાધુસંતસમાગમ અને ભજનકીર્તનશ્રવણ એ મીરાંના જીવનનું, એના જીવનની દિનચર્યાનું એક અંતર્ગત અંગ હતું. એટલે કે મીરાંને હાથે — બલકે કંઠે આ અનુભવ શબ્દમાં પ્રગટ કરવાનું, શબ્દસ્થ કરવાનું, અલબત્ત, ભજનકીર્તન રૂપે, પદ રૂપે આપોઆપ થયું હતું. મેડતા, મેવાડ, વૃન્દાવન, દ્વારિકા — સમગ્ર ઉત્તર-પશ્ચિમ ભારતમાં ભ્રમણ અને યાત્રા, સાધુસંતસમાગમ અને શ્રવણ આદિને કારણે સમકાલીન ધર્મમાં જે જે સંપ્રદાય, પંથ, માર્ગ, મત, વાદ હતા તે સૌથી, એ સૌની પરિભાષાથી મીરાં પરિચિત હતી. એણે એનાં ભજનકીર્તનમાં, પદમાં આ પરિભાષાનો નિ:સંકોચ ઉપયોગ કર્યો છે. આવી પરિભાષા મીરાંનાં કોઈ કોઈ પદમાં, કોઈ શબ્દ કે શબ્દગુચ્છમાં, કોઈ પંક્તિ કે પંક્તિગુચ્છમાં છે. કોઈક પદમાં રૈદાસ, ચૈતન્ય આદિનાં નામનો પણ ઉલ્લેખ છે. પણ એ પરથી મીરાં આ કે તે સંપ્રદાય, પંથ, માર્ગ, મત કે વાદમાં હતી અથવા એની અસરમાં હતી એવું સિદ્ધ કરવું, અરે, એવું અનુમાન સુધ્ધાં કરવું શક્ય નથી. પણ જે વાચકો અને વિવેચકો માટે મીરાંનું કોઈ પણ એક પદ આખું ને આખું આદિથી અંત લગી, સવિશેષ તો કોઈ પણ પદની અંતિમ પંક્તિ ધ્યાનથી અને ધૃતિથી વાંચવાનું શક્ય નથી તેમને માટે આવું અનુમાન શક્ય છે. વળી જેમને મીરાંનાં પદમાંથી જેમાં આવી પરિભાષા હોય એ શબ્દ કે શબ્દગુચ્છ, એ પંક્તિ કે પંક્તિગુચ્છ સમગ્ર પદના અને મીરાંના સમગ્ર જીવનના સંદર્ભમાં નહિ પણ એથી સ્વતંત્ર વાંચવાની, કદાચને અંગત રસ-રુચિ અને શ્રદ્ધા-માન્યતાને કારણે, ટેવ હોય છે એમને માટે આવું અનુમાન અનિવાર્ય હોય છે. ‘રામ રમકડું જડિયું’ પદમાં એક માત્ર પ્રથમ શબ્દ ‘રામ’ને કારણે મીરાં રામભક્તિના સંપ્રદાયમાં હતી અથવા એની અસરમાં હતી એવું અનુમાન અનિવાર્ય તો શું, શક્ય પણ નથી. કારણ કે પછી તરત જ બીજી પંક્તિ છે, ‘રૂમઝૂમ કરતું મારે મંદિર પધાર્યું, નહિ કોઈને હાથે ઘડિયું.’ મીરાંનાં સ્વપ્રયત્નથી, જ્ઞાન-કર્મ-યોગના ફલ રૂપે મીરાંને પરમેશ્વર પ્રાપ્ત થયો નથી. એ તો એને જડ્યો છે, સહસા જડ્યો છે. પરમેશ્વર સ્વયં સ્વેચ્છાએ પધાર્યો છે. કોઈને હાથે, કોઈ સંપ્રદાય આદિથી એનું સર્જન થયું નથી. અને અંતિમ પંક્તિ છે, ‘બાઈ મીરાંકે પ્રભુ ગિરિધર નાગર, મારું મન શામળિયા શું જડિયું’ — મીરાંનો પરમેશ્વર તો ગિરિધર નાગર છે, રામ નહિ. મીરાંનું મન તો શામળિયામાં જડ્યું છે, રામમાં નહિ. હવે પાછે પગલે રામનો અર્થ જેમાં મીરાંનું મન રમે છે તે રામ એટલે કે કૃષ્ણ, આ પદમાં રામભક્તિનો સંપ્રદાય તો શું, પણ કોઈ સંપ્રદાયનું અનુમાન શક્ય નથી. મીરાં સમકાલીન ધર્મના આ કે તે કોઈ સંપ્રદાય આદિમાં કે એની અસરમાં ન હતી. એથી તો ચૈતન્ય, વલ્લભ આદિ સંપ્રદાયના સાહિત્યમાં અને પદસંચયમાં મીરાંના જીવનનો અને મીરાંના પદનો ઉલ્લેખ નથી. એમાં મીરાંના જીવન પ્રત્યે સર્વત્ર ઉપેક્ષા અને ઉદાસીનતા છે, અને ક્યાંક બહિષ્કાર અને તિરસ્કાર છે. મીરાંના જીવનની અને મીરાંનાં પદની વિકૃતિનું આ પણ એક કારણ છે. મીરાંના જીવન અને મીરાંનાં પદ વિશે એક પણ આધાર કે પ્રમાણ નથી એનું આ એક કારણ છે. માત્ર કબીર અને નાનક જેવા સંત અને ભક્તના પદસંચયમાં મીરાંનાં કેટલાંક પદનો સંચય થયો છે એ જ. મીરાંમાં કોઈ ખંડનમંડન નથી, કોઈ વાદપ્રતિવાદ નથી. કારણ કે મીરાં કોઈ સંપ્રદાય આદિમાં ન હતી. અને મીરાંને પોતાનો કોઈ સંપ્રદાય આદિ ન હતો. મીરાં કોઈની શિષ્યા ન હતી અને મીરાંને કોઈ શિષ્યા ન હતી કે કોઈ શિષ્ય ન હતો. ‘મીરાં સૂત જાયો નહિ, શિષ્ય ન મૂંડ્યો કોઈ!’ એણે ‘જગતગોસાંઈની’ની કલ્પના જ માત્ર કરી હતી, એ સ્ત્રી હતી એથી અને એથીયે વિશેષ તો એ રહસ્યદર્શી હતી એથી એણે એમાંથી કોઈ સંપ્રદાય આદિનું સર્જન કર્યું ન હતું. મીરાં રહસ્યદર્શી હતી, ભક્ત હતી, સંત હતી, એનું દર્શન એકતાનું દર્શન હતું, સમન્વયનું દર્શન હતું, સામંજસ્યનું દર્શન હતું, સર્વધર્મસમભાવનું, સર્વધર્મમમભાવનું દર્શન હતું. મીરાં કોઈની ન હતી અને સૌની હતી. કોઈ એનું ન હતું, અને સૌ એનું હતું. એનામાં સગુણ-સાકારનો અનુભવ છે અને નિર્ગુણ-નિરાકારનો અનુભવ છે. સમકાલીન વિષ્ણુભક્તિ, શિવભક્તિ, રામભક્તિ — ભક્તિમાર્ગથી અને સંતપરંપરાથી પણ મીરાં પર છે. મીરાંની ભક્તિ ભલે કૃષ્ણભક્તિ છે પણ મીરાંનો કૃષ્ણ ઐતિહાસિક કે પૌરાણિક કૃષ્ણ નથી, મહાભારતનો કે ભાગવતનો કૃષ્ણ નથી. મીરાંનો કૃષ્ણ એનો અંગત કૃષ્ણ છે, જે કૃષ્ણને એણે આત્મસાત્ કર્યો છે એ કૃષ્ણ છે. મીરાં સ્વયં ગોપી છે, રાધા છે, કૃષ્ણની પત્ની છે, પ્રિયા છે, સખી છે, દાસી છે. મીરાં કૃષ્ણની સાથે સ્વકીયા, પરકીયા રૂપે મિલન, વિરહ, સંભોગ શૃંગાર, વિપ્રલંભ શૃંગાર અને અંતે શાંતરસ અનુભવે છે. મીરાંની ભક્તિ પ્રેમલક્ષણા ભક્તિ છે. મીરાંની આ પ્રેમભક્તિનો ‘પેંડો ન્યારો’ છે. આમ, મીરાંનો પરમેશ્વર પંથમાં નથી, ગ્રંથમાં નથી, અરે, ગોકુલ-વૃન્દાવનમાં પણ નથી. મીરાંનો પરમેશ્વર તો છે મીરાંના હૃદયમાં. મીરાં એટલે હૃદય, માનવહૃદય, મીરાંનો રહસ્યદર્શી અનુભવ મીરાંનાં અનેક પદમાં પ્રગટ થાય છે : ‘મીરાંને પૂર્વજન્મની પ્રીત’ ‘મારી પ્રીત પૂરવની રે શું કરું?’ ‘હું તો ગિરિધરને મન ભાવી રે’ ‘પૂર્વ જનમની હું વ્રજતણી ગોપી, ચૂક થાતાં અહીં આવી રે’ ‘પૂર્વ જનમની પ્રીત હતી ત્યારે હરિએ ઝાલ્યા હાથે’ ‘હું સપનામાં પરણી શ્રીગોવિંદને’ ‘આવતાં ને જાતાં મારગ વચ્ચે અમૂલખ વસ્તુ જડી’ ‘રામ રમકડું જડિયું, રૂમઝૂમ કરતું મારે મંદિર પધાર્યું, નહિ કોઈને હાથે ઘડિયું. …કોઈ વિરલાને હાથે ચડિયું. મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, મારું મન શામળિયાશું જડિયું.’ ‘મન મારું રહ્યું ન્યારું’ ‘મેં તો હૃદેમાં ઓળખ્યા રામ’ ‘વહાલો હૃદયકમળમાં વસતા’ ‘ઘેલાની વાતો ઘેલા જાણે ને દુનિયા શું જાણે? ‘ઘાયલની ગતિ ઘાયલ જાણે, ઘેલો નુગરો શું જાણે એના મનમાં રે?’ ‘ભેદુ વિના કોને કહીએ? ભેદુડા હોય તો ભેદ પિછાને, સંતો અગમનિગમની ખબરો લઈએ’ ‘કોણ જાણે રે બીજો કોણ જાણે? મારા હાલ તો ફકીરી માલમી વિના? કુબુદ્ધિડા કાંઈ નવ જાણે હરિની ભક્તિમાં, વહાલા, સમજ્યા વિના નોખું નોખું તાણે.’ ‘પ્રેમની વાત છે ન્યારી, ઓધવજી, પ્રેમની વાત છે ન્યારી, પ્રેમની વાતમાં, ઓધા, તમે શું જાણો? બીજા શું જાણે સંસારી? તમારો રંગ, ઓધા, રંગ છે પતંગનો, અમારો રંગ છે કરારી.’ ‘પિયા કારણ પીળી ભઈ રે, લોક જાણે ઘટરોગ; નાડીવૈદ્ય તેડાવિયા રે, પકડી ધંધોળી મારી બાંહ, એ રે પીડા પરખે નહિ, મારે કરક કાળજડાની માંહ’ ‘ગંગા જમના ઘરને આંગણે’ ‘અડસઠ તીરથ સંતોને ચરણે કોટિ કાશી ને કોટિ ગંગ’ ‘અડસઠ તીરથ મારા સંતોને ચરણે કોટિ કાશી ને કોટિ ગંગ’ ‘કોઈને ભાવ ભવાની ઉપર, કોઈને વહાલા પીર; ગંગા રે કોઈને ને જમના રે કોઈને, કોઈને અડસઠ તીર’ ‘અડસઠ તીરથ સંતોને ચરણે, નિત્ય ત્રિવેણીમાં ન્હાઉં, એકાદશી વ્રત કોણ કરે? હું તો ત્રણે ટાણાં ખાઉં મીરાંકે પ્રભુ ગિરિધર નાગર, હરિરસ પીઉં ને પાઉં.’ ‘જપતપ તીરથ મારે ચારે પદારથ, એ તો સૌ આપના ચરણમાં; પ્રેમ કરીને હૃદયમંદિર પધારો, વહાલા, ન જોશો જાત કોણ વરણમાં?’ ‘જપતપ તીરથ કાંઈયે ન જાણું, ફરત મેં ઉદાસી રે; મંત્ર ને જંત્ર કાંઈયે ન જાણું, વેદ પઢ્યો ન ગઈ કાશી રે’ ‘હાં રે હરિ વસે હરિના જનમાં રે, હાં રે તમે શું કરશો જઈ વનમાં રે? ભેખ ધરી તમે શીદ ભટકો છો? પ્રભુ નથી વનમાં કે અરણ્યમાં રે. કાશી જાઓ ને ગંગાજી ન્હાઓ, પ્રભુ નથી પાણી પવનમાં રે. જોગ કરો ને ભલે જગન કરાવો, પ્રભુ નથી હોમ હવનમાં રે. બાઈ મીરાંકે પ્રભુ ગિરિધર નાગર, હરિ વસે છે હરિના જનમાં રે.’ ભક્તિરસની કવિતાનો ફુવારો ભારતવર્ષમાં વેદ-ઉપનિષદકાળથી, જ્ઞાન, કર્મ અને ભક્તિનો મહિમા છે. ભગવદ્ગીતામાં એના સંપૂર્ણ સમન્વયનું ભવ્ય સુન્દર દર્શન છે. રામાયણ-મહાભારત-પુરાણકાળથી વિષ્ણુ, રામ અને કૃષ્ણ-ભક્તિ તથા શિવભક્તિનો વિકાસ થતો રહ્યો છે. દક્ષિણ ભારતમાં શંકર અને બાર આળવાર સંતો અને ત્યાર પછી રામાનુજ, મધ્વ અને નિમ્બાર્ક અને ત્યાર પછી ઉત્તર ભારતમાં રામાનંદ, વલ્લભ અને ચૈતન્ય આદિને કારણે વિષ્ણુ, રામ અને કૃષ્ણ-ભક્તિની પરાકાષ્ઠા પ્રગટ થાય છે. એમાં જયદેવ, વિદ્યાપતિ, ચંડીદાસ આદિ કવિઓનું પણ મહત્ત્વનું અર્પણ છે. મધ્યયુગના ભારતવર્ષમાં જ્ઞાનેશ્વર, નામદેવ, નરસિંહ, તુલસીદાસ, કબીર, નાનક આદિ ભક્તો અને સંતોની ભક્તપરંપરા અને સંતપરંપરાએ તથા અલ્પાતિઅલ્પ અંશે સૂફીવાદ અને ખ્રિસ્તી ધર્મની અસરે આ ભક્તિને ભારતવ્યાપી સ્વરૂપ અર્પ્યું, બ્રાહ્મણોને અતિપ્રિય એવા ઉચ્ચનીચના સામાજિક, આર્થિક, ધાર્મિક ભેદભાવથી મુક્ત અને બહુજનસમાજને અતિસુલભ એવું સ્વરૂપ અર્પ્યું. એમાં એમણે સંસ્કૃતને સ્થાને લોકવાણીમાં એમનું પદસર્જન કર્યું એનું મહાન અર્પણ છે. આ ભક્તપરંપરાએ, સંતપરંપરાએ મધ્યયુગના સમગ્ર ભારતવર્ષમાં ભક્તિનું અને એ દ્વારા ધર્મનું જે વાતાવરણ રચ્યું તે અભૂતપૂર્વ છે. જગતના ઇતિહાસમાં મધ્યયુગના ભારતવર્ષની આ ભક્તપરંપરા, સંતપરંપરા એ એક અપૂર્વ અને અદ્વિતીય ઘટના છે. ત્યારે પછી ૧૫૦૦થી ૧૬૭૫ લગી, પોણાબસો વર્ષ લગી એક માત્ર સ્પેનમાં મહદ્ અંશે આવી ભક્તપરંપરાનું, સંતપરંપરાનું, આવી ઘટનાનું દર્શન થાય છે. ભક્તપરંપરાની, સંતપરંપરાની મીરાંને મહાન સહાય હતી. મીરાંએ એનાં પદનું સર્જન લોકવાણીમાં, અંબાલાલ સાકરલાલ જેને ‘પ્રજા સમસ્તની વાણી’ કહે છે એમાં કર્યું. મીરાંનાં પદ લિપિબદ્ધ ન હતાં. મીરાંએ સાધુસંતસમાગમ અને ભજનકીર્તનશ્રવણની એની દિનચર્યાના એક અંગ રૂપે એનાં પદનું સર્જન કર્યું હતું. એથી મીરાંએ પોતે એને હસ્તપ્રતમાં લિપિબદ્ધ કર્યાં નથી. વળી મીરાં કોઈ સંપ્રદાય આદિમાં ન હતી એથી કોઈ સંપ્રદાય આદિના પદસંચયમાં પણ એ લિપિબદ્ધ થયાં નથી. મીરાંનાં પદ સમકાલીન અને અનુકાલીન ભક્તજનોના, પ્રજાજનોના કંઠમાં બદ્ધ થયાં છે. મીરાં જન્મે અને લગ્ને રાજસ્થાની તથા ત્યાગે વ્રજવાસી અને દ્વારિકાવાસી હતી. મથુરાની પશ્ચિમ સીમા લગીના આ સમગ્ર પ્રદેશની ત્યારે જે ભાષા હતી તે જૂની પશ્ચિમી રાજસ્થાની અથવા મારુ-ગુર્જર. અને મથુરામાં તથા મથુરાની આસપાસના પ્રદેશમાં વ્રજ બોલી અસ્તિત્વમાં હતી. આ જૂની પશ્ચિમી રાજસ્થાની સંધિકાળની ભાષા હતી. એનાં પ્રાદેશિક પરિવર્તનોને પરિણામે રાજસ્થાની અને ગુજરાતી ભાષાઓ અસ્તિત્વમાં આવી હતી. સંભવ છે કે મીરાંએ એનાં સૌ પદ એક જ ભાષામાં, જૂની પશ્ચિમી રાજસ્થાનીમાં રચ્યાં હોય અને એમાં પ્રાદેશિક પરિવર્તનનો આરંભ મીરાંના જીવનકાળ પછી થયો હોય તો તે પ્રદેશના અનુકાલીન ભક્તજનોએ, પ્રજાજનોએ તે તે પ્રદેશની ભાષામાં એટલે કે રાજસ્થાની અને ગુજરાતી તથા વ્રજ એમ ત્રણ ભાષાઓમાં મીરાંનાં સૌ પદનું રૂપાન્તર કર્યું હોય. જૂની પશ્ચિમી રાજસ્થાનીનાં પ્રાદેશિક પરિવર્તનોનો આરંભ મીરાંના જીવનકાળમાં જ થયો હોય તો મીરાં રાજસ્થાન, વ્રજ અને ગુજરાત ત્રણે પ્રદેશોમાં વસી હતી એથી અને હજુ તો પરિવર્તનનો આરંભ જ હતો એથી રાજસ્થાન અને ગુજરાતના પ્રદેશોની ભાષાઓમાં આત્યંતિક અસામ્ય ન હોય એથી મીરાંએ એનાં કેટલાંક પદ રાજસ્થાની ભાષામાં, કેટલાંક પદ ગુજરાતી ભાષામાં, તથા કેટલાંક પદ વ્રજ ભાષામાં એમ ત્રણ ભાષામાં રચ્યાં હોય અને મીરાં પ્રથમ રાજસ્થાનમાં વસી હતી એટલે રાજસ્થાની ભાષામાં પદ આરંભમાં, પછી વ્રજમાં વસી હતી એટલે વ્રજ ભાષાનાં પદ મધ્યમાં અને અંતમાં ગુજરાતમાં વસી હતી એટલે ગુજરાતી ભાષાનાં પદ અંતમાં — આ ક્રમમાં રચ્યાં હોય અને પછી તે તે પ્રદેશના અનુકાલીન ભક્તજનોએ, પ્રજાજનોએ તે તે પ્રદેશની ભાષામાં મીરાંનાં જે પદ હોય તેનું રૂપાંતર કર્યું હોય. મીરાંએ એનાં સૌ પદ એક જ ભાષામાં, જૂની પશ્ચિમી રાજસ્થાની ભાષામાં રચ્યાં હોય કે કેટલાંક પદ રાજસ્થાની ભાષામાં, કેટલાંક પદ ગુજરાતી ભાષામાં તથા કેટલાંક પદ વ્રજ ભાષામાં એમ ત્રણ ભાષાઓમાં રચ્યાં હોય — પણ આજે એમનું જે સ્વરૂપ છે એ સ્વરૂપમાં તો નહિ જ રચ્યાં હોય, એથી ભિન્ન સ્વરૂપમાં જ રચ્યાં હશે. કારણ કે આજની રાજસ્થાની, વ્રજ, અને ગુજરાતી ભાષાઓથી મીરાંના જીવનકાળની એ ભાષાઓ (અને જો પ્રાદેશિક પરિવર્તન ન થયું હોય તો જૂની પશ્ચિમી રાજસ્થાની ભાષા) ભિન્ન હતી. મીરાંએ જે ભાષા અથવા ભાષાઓમાં પદ રચ્યાં એનું તે તે પ્રદેશોના અનુકાલીન ભક્તજનોએ, પ્રજાજનોએ તે તે પ્રદેશની ભાષામાં સતત રૂપાંતર કર્યું છે અને એમ આજે મીરાંનાં સૌ પદ મીરાંએ જે સ્વરૂપમાં રચ્યાં હોય એથી ભિન્ન સ્વરૂપમાં અસ્તિત્વમાં છે, મીરાં ભક્ત હતી, સંત હતી, રહસ્યદર્શી હતી. સાધુસંતસમાગમની અને ભજનકીર્તનશ્રવણની એની દિનચર્યા હતી. એથી મીરાંને માટે પોતાના પદનું સર્જન લોકવાણીમાં કરવું અનિવાર્ય પણ હતું. એથી મીરાંના પદનું લોકહૃદયમાં સ્થાન છે. સાક્ષરોથી માંડી નિરક્ષરો લગી એમની અપીલ છે, મીરાંના પદની વાણી સરલ અને સુન્દર છે. લલિત અને કોમલ છે, મધુર અને રસિક છે. એથી મીરાંનાં પદ હંમેશ માટે હૃદયમાં રમ્યાં કરે છે. મીરાંનાં પદ જેટલાં લોકપ્રિય છે એટલાં ગુજરાતી ભાષાના કોઈ પણ — નરસિંહ સુધ્ધાં — કવિનાં પદ ભાગ્યે જ લોકપ્રિય હશે. મીરાંના પદ આરંભમાં ગુજરાતથી બંગાળ લગી સમગ્ર ઉત્તર ભારતમાં અને હવે સમગ્ર ભારતવર્ષમાં લોકપ્રિય છે. આવી અખિલ ભારતીય લોકપ્રિયતા ભાગ્યે જ કોઈ કવિનાં પદને વરી હશે. મીરાંનાં પદ ભલે હસ્તપ્રતમાં લિપિબદ્ધ ન થયાં, સંપ્રદાયના પદસંચયમાં સંગૃહીત ન થયાં પણ લોકોની હૃદયપોથીમાં સંચિત થયાં છે. લોકોની હૃદયપ્રતમાં અંકિત થયાં છે, કંઠોપકંઠ, કર્ણોપકર્ણ પરંપરા દ્વારા અસ્તિત્વમાં રહ્યાં છે. મીરાંનાં કુલ લગભગ ચૌદસો પદ અસ્તિત્વમાં છે. એમાં ગુજરાતી ભાષામાં કુલ લગભગ ચારસો પદ છે. મીરાંનું કર્તૃત્વ જેમાં શંકાસ્પદ હોય એવાં પદનો પણ એમાં સમાવેશ થાય છે. જોકે એથી લોકોને હાથે — બલકે કંઠે એમનું રૂપાંતર પણ થયું છે. એથી વિકૃત પણ થયાં છે અને મીરાંનાં પદમાં મીરાંના કર્તૃત્વનો મહાપ્રશ્ન આજે પણ અણઉત્તર છે. મીરાંનાં પદમાં જે લય છે તે અત્યંત ભાવવાહી અને પ્રવાહી છે. સંગીતમય અને સંગીતક્ષમ છે. ક્યારેક દ્રુત અને ક્યારેક વિલંબિત ગતિનો આ લય મિલન અને વિરહના અનુભવમાં આનંદ અને વેદનાના ભાવને અને શૃંગારરસને અને અંતે શાંતરસને અનુરૂપ અને અનુકૂળ છે. પૃથ્વીમાંથી જેમ ફુવારો ફૂટે તેમ હૃદયમાંથી જાણે આ લય ફૂટ્યો ન હોય! આ લય હૃદયનો લય છે, લોહીનો અને આત્માનો લય પણ છે. ‘બોલ મા,બોલ મા, બોલ મા’, ‘પ્રેમની, પ્રેમની, પ્રેમની’, ‘બોલે ઝીણા મોર’, ‘ઉપાડી ગાંસડી વેઠની’, ‘મુખડાની માયા લાગી રે’ — કોઈ પણ પાંચેક પદનો માત્ર સાદો પાઠ પણ આ લયની રિદ્ધિ-સિદ્ધિ તરત પ્રગટ કરી આપશે, એની ભાવોચિતતાની, કાવ્યક્ષમતાની પ્રતીતિ કરાવી આપશે. મીરાં મરુભૂમિનું સંતાન હતી. એથી એણે જગત અને જીવનનો, સંસારનો તાપ રેત અને લૂના પ્રતીક દ્વારા પ્રગટ કર્યો છે. ‘ઊની ઊની રેતમાં પગ બળે છે, લૂ વાય છે માસ જેઠની રે.’ જગત અને જીવનનો, સંસારનો અગ્નિ અસહ્ય છે છતાં પરમેશ્વર માટેની પોતાની લગની અશમ્ય છે — ‘લગની લાગી છે મને ઠેઠની રે.’ એણે પરમેશ્વર પ્રત્યેનો પોતાનો આ પ્રેમ જલના પ્રતીક દ્વારા પ્રગટ કર્યો છે. ‘સંસારીનું સુખ એવું; ઝાંઝવાના નીર જેવું,’ — જગત અને જીવનનું, સંસારનું સુખ ‘ઝાંઝવાના નીર’ જેવું છે, મરુભૂમિના મૃગજલ જેવું છે. આ જલ છે જ નહિ, આ તો છલ છે. જે જલ છે જ નહિ તે પી શકાય? એનાથી તૃષા છિપાવી શકાય? એક તો જલ છે જ નહિ અને હોય તો સમુદ્રના જલ જેવું છે, ખારું છે. માત્ર મેડતા અને મેવાડ જ ખારોપાટ નથી, સમગ્ર જગત અને જીવન, સારોયે સંસાર ખારોપાટ છે. ‘ખારા સમુદ્રમાં અમૃત વહોળિયું રે, એવી છે ભક્તિ અમારી.’ ‘ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે.’ ‘મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું.’ જગત અને જીવનના, સંસારના સમુદ્રમાં જલ તો છે, અપાર જલ છે, પણ ખારું છે. તે પી શકાય? એનાથી તૃષા છિપાવી શકાય? જલ છે જ નહિ અને છે તો ખારું છે. એથી મીરાંને જલ, મીઠું જલ પીવું છે, અમૃત પીવું છે. તો જ એની તૃષા છીપે, તો જ એની તૃપ્તિ થાય. પરમેશ્વર પ્રત્યેનો પોતાનો પ્રેમ, પોતાની ભક્તિ તે જ આ જલ, આ અમૃત. તો પરમેશ્વરનો પોતાના પ્રત્યેનો પ્રેમ મીરાંએ બાણ, તીર, ભાલો અને કટારી–શસ્ત્રોનાં પ્રતીક દ્વારા પ્રગટ કર્યો છે. એમાં પ્રાચીન સાહિત્યમાં પ્રચલિત કામદેવના શસ્ત્રની પ્રેરણા હોય. પણ મીરાં મેડતાની રાજકુંવરી હતી અને મેવાડની ભાવિ મહારાણી હતી એથી એ યુદ્ધકળાનું શિક્ષણ પામી હતી અને અનેક યુદ્ધો અને હત્યાઓની એ પરોક્ષપણે સાક્ષી હતી એથી મીરાંના આ અનુભવની પ્રેરણા એમાં અવશ્ય વિશેષ હશે. દેહની તૃષાનાં અને દેહના વ્રણનાં, દેહની વેદનાનાં આ પ્રતીકો દ્વારા પરમેશ્વર પ્રત્યેના મીરાંના પ્રેમની અને મીરાં પ્રત્યેના પરમેશ્વરના પ્રેમની તીવ્રતા, તીક્ષ્ણતા અને વેધકતાની પ્રતીતિ થાય છે. મીરાંનાં પદમાં એક માત્ર પરમેશ્વરનાં જ ચિત્રો છે, કૃષ્ણનાં જ ચિત્રો છે અને એ રંગબેરંગી લઘુચિત્રો છે. પંક્તિ બે પંક્તિમાં, ક્યારેક તો અર્ધ પંક્તિમાં પીંછીના, બલકે કલમના (ના, કંઠના) એક આછા, હળવા લસરકાથી કૃષ્ણનું રંગબેરંગી ચિત્ર, મનહર અને મનભર ચિત્ર સર્જાય છે : ‘પીળું પીતાંબર, જરકશી જામો, કેસર આડ કરી, મોર મુગટ ને કાને રે કુંડલ, મુખ પર મોરલી ધરી.’ મીરાંનાં પદ મીરાંની ભક્ત તરીકેની, સંત તરીકેની સાધુસંતસમાગમની અને ભજનકીર્તનની દિનચર્યાના એક અનિવાર્ય અંગરૂપ છે. એથી એમાં ગીત-સંગીતનું અદ્વૈત છે. સંગીત વિના મીરાંના એકે પદનું અસ્તિત્વ કલ્પી શકાતું નથી. મીરાં મહાન સંગીતજ્ઞ હતી. એણે મલ્હાર રાગનું મૌલિક સર્જન કર્યું હતું. મીરાંની સંગીતની સૂક્ષ્મ સૂઝસમજને કારણે તો તાનસેનનું મીરાં સાથે મિલન થયું હતું. કોઈ સુબ્બલક્ષ્મીને કંઠે મીરાંનું પદ ગવાય છે ત્યારે એનું પૂર્ણ રૂપ, સ્વરૂપ પ્રગટ થાય છે. એની પૂર્ણ આધ્યાત્મિક, ધાર્મિક પ્રતિભા પ્રગટ થાય છે. એના અલૌકિક, દિવ્ય સૌંદર્યની પ્રતીતિ થાય છે. ગાંધીજીની, એમના અંતિમ જન્મદિને, દિલ્હીમાં સુબ્બલક્ષ્મીને કંઠે મીરાંનું ‘હરિ તુમ હરો જનકી ભીર’ પદ સાંભળવાની ઇચ્છા હતી. સુબ્બલક્ષ્મી મદ્રાસમાં હતાં. દિલ્હી જવાય એવો એમનો સંજોગ ન હતો. સુબ્બલક્ષ્મીએ મીરાંના જે પદો પોતે તૈયાર કર્યાં હતાં તે ગાઈને એની રેકર્ડ કરાવી દિલ્હી મોકલી આપવાનું વિચાર્યું. પણ એમાં ‘હરિ તુમ હરો જનકી ભીર’ પદ ન હતું. પણ ગાંધીજીની અન્ય એકે પદ નહિ પણ આ જ પદ સાંભળવાની તીવ્ર ઇચ્છા હતી. સુબ્બલક્ષ્મીએ આ પદ પોતે તૈયાર કર્યું ન હતું એથી અન્ય કોઈ વ્યક્તિને કંઠેથી ગાંધીજીએ આ પદ સાંભળવું એમ સૂચવ્યું. ત્યારે ગાંધીજીનો લાક્ષણિક ઉત્તર આવ્યો : ના, સુબ્બલક્ષ્મીએ આ પદ તૈયાર ન કર્યું હોય એથી ગાઈ ન શકે તો એનો માત્ર પાઠ કરે. પોતે અન્ય કોઈ વ્યક્તિને કંઠેથી આ પદ ગવાતું સાંભળવા કરતાં સુબ્બલક્ષ્મીને કંઠે એનો માત્ર પાઠ સાંભળવાનું વધુ પસંદ કરશે. ઑક્ટોબરની પહેલીનો આ દિવસ હતો. સુબ્બલક્ષ્મીએ રાતોરાત આ પદ તૈયાર કર્યું. રાતના બે વાગ્યે ગાઈને એની રેકર્ડ તૈયાર કરાવીને ઑક્ટોબરની બીજીની વહેલી સવારે વિમાનમાં દિલ્હી ગાંધીજીને મોકલી આપ્યું. આમ, અંતિમ જન્મદિને મીરાંનું આ જ પદ અને સુબ્બલક્ષ્મીને જ કંઠે ગાંધીજીએ સાંભળ્યું ત્યારે એમને સંતોષ થયો હતો. મીરાંનાં પદમાં પ્રકૃતિનું દર્શન નહિ પણ વર્ણન માત્ર છે અને તે પણ ક્વચિત્. એમાંયે માત્ર ફાગણ અને શ્રાવણનું જ, વસંત અને વર્ષાનું જ. અને તે પણ પરમેશ્વર પ્રત્યેના પ્રેમમાં મિલન અને વિરહના અનુભવની, આનંદ અને વેદનાના ભાવની, સંભોગ શૃંગાર અને વિપ્રલંભ શૃંગાર રસની ભૂમિકા રૂપે જ. આમ, મીરાંનાં પદમાં પ્રકૃતિ પ્રધાન નથી, પ્રકૃતિનો પ્રકૃતિ રૂપે મહિમા નથી, પ્રકૃતિ ગૌણ છે. પ્રકૃતિ દ્વારા મહિમા તો પરમેશ્વરનો, પરમેશ્વરના પ્રેમનો જ છે. મીરાંનાં પદમાં કોઈ પુરુષ, માનવી પુરુષ પ્રત્યેના પ્રેમનું, માનુષી પ્રેમનું દર્શન નથી, તો સમગ્ર મનુષ્યજાતિ પ્રત્યેના પ્રેમનું, વિશ્વપ્રેમનું પણ દર્શન નથી. મીરાંનાં પદમાં માત્ર પરમેશ્વરનું, પરમેશ્વરના પ્રેમનું દર્શન છે. એથી મીરાંનાં પદ પરમેશ્વર સાથેના પોતાના અંગત, આત્મીય સંબંધ વિશેની સ્વગતોક્તિરૂપ પરમેશ્વર સાથેના પોતાના એકાન્ત સંવાદરૂપ છે. એથી એનાં પદનું લઘુકાય સ્વરૂપ છે, એથી એમાં અનુભવની તીવ્રતા તથા ભાવ અને રસની ઉગ્રતા છે. મીરાંએ દીર્ઘ-મધ્યમ કદની નાટ્યાત્મક, કથાત્મક કાવ્યકૃતિઓનું, મધ્યયુગમાં પ્રચલિત કાવ્યપ્રકારો — પ્રકરણ, પ્રબંધ, આખ્યાન આદિમાં કાવ્ય કૃતિઓનું સર્જન કર્યું નથી એનું આશ્ચર્ય ન થવું જોઈએ. ‘નરસિંહરા માહ્યરા’, ‘સતભામાનું રુસણું’ આદિ દીર્ઘ-મધ્યમ કદની નાટ્યાત્મક, કથાત્મક કાવ્યકૃતિઓનું મીરાંનું કર્તૃત્વ નરસિંહ અને કૃષ્ણના જીવનની પ્રેરણાથી જેમ મીરાંએ દ્વારિકાવાસ કર્યો હતો એમ એ જ પ્રેરણાથી મીરાંએ આ કાવ્યકૃતિઓનું સર્જન કર્યું હોય એવા તર્કને આધારે સિદ્ધ કરવાનો પ્રયત્ન થયો છે. પણ આ કાવ્યકૃતિઓની અલ્પ કાવ્યસિદ્ધિના સંદર્ભમાં અને વિશેષ તો મીરાંનાં પદની અઢળક કાવ્યસિદ્ધિના સંદર્ભમાં આ કાવ્યકૃતિઓનું મીરાંનું કર્તૃત્વ છે એમ સિદ્ધ કરવું શક્ય નથી. અનેક સંતોએ અન્ય મનુષ્યો સાથેના એમના સંઘર્ષ અંગેનાં પદ રચ્યાં છે. વ્યવહારજીવનની વિષમતા અને વિકટતા અંગેનાં પદ રચ્યાં છે, અંગત જીવનનાં પદ રચ્યાં છે. અલબત્ત, એમાં ક્યાંય આત્મસ્તુતિ કે આત્મશ્લાઘા નથી અને આત્મદયા તો નથી જ નથી. એમાં માત્ર વિનય અને વિનમ્રતા જ છે. મીરાંનાં પદમાં પણ કેટલાંક આવાં પદ છે. પણ જેણે પોતાના નામનો પણ કદાચ ત્યાગ કર્યો હતો અને જે પછીથી પોતાનો સમસ્ત ભૂતકાળ ભૂંસવાની હતી, પોતાનું સમગ્ર વ્યક્તિત્વ લોપવાની હતી અને અંતે અજ્ઞાતવાસમાં વસવાની હતી એ સ્વમુખે પોતાની કથા, આત્મકથા ગાય? એ અંગત જીવનનાં પદ રચે? ‘મીરાં’ શબ્દ વિશે એ અનુમાનો છે. ‘મીરાં’ શબ્દ ફારસીમાંથી આવ્યો છે. ફારસીમાં ‘મીર’ના અર્થો છે : પરમેશ્વર (કબીરમાં ત્રણ પદમાં આ અર્થ છે), અગ્રણી (‘મીરાં શાહ સૂફી અજમેર’માં આ અર્થ છે) અને અમીર. આમ, ‘મીરાંબાઈ’ એટલે પરમેશ્વરની પત્ની (મીરાંના પદમાં ‘મેરો પતિ સોઈ’ આદિમાં આ અર્થ સૂચવાય છે), અગ્રણી સ્ત્રી, અમીર સ્ત્રી. ‘મીરાં’ શબ્દ સંસ્કૃતમાંથી આવ્યો છે. ‘મીર+આં=મીરાં.’ સંસ્કૃતમાં ‘મીર’નો અર્થ છે : સમુદ્ર. ‘મીરાં’ શબ્દ સંસ્કૃત શબ્દ ‘મિહિર’ના પરિવર્તનરૂપ હોય તો ‘મિહિર’નો અર્થ છે : સૂર્ય. ‘મીરાં’ જો ફારસી શબ્દ હોય તો દૂદાજી અથવા મીરાંના માતા-પિતા મીરાંનું ‘મીરાં’ એવું નામાભિધાન કરે? એથી પ્રશ્ન થાય છે કે મીરાંનું નામ ‘મીરાં’ હશે? મીરાંનું અસલ નામ ‘મીરાં’ હોય કે ન હોય, પણ મીરાંના પ્રત્યેક પદની અંતિમ પંક્તિમાં આરંભે ‘મીરાં’ નામનો ‘છાપ’ રૂપે મીરાંએ પોતે જ ઉલ્લેખ કર્યો છે. એથી જો ‘મીરાં’ એ મીરાંનું ઉપનામ હોય અને મીરાંનું અસલ નામ વિસ્મૃત હોય તોપણ મીરાંને ‘મીરાં’ નામ સ્વીકૃત છે. એનો અર્થ એ થયો કે મીરાંએ એના નામનો ત્યાગ કર્યો હતો. અને તો હમણાં જ આગળ પૂછ્યો તે પ્રશ્ન પૂછી શકાય કે એ અંગત જીવનનાં પદ રચે? મીરાંએ આવાં પદ રચ્યાં હોય તોપણ એમાંથી જે પદમાં પરનિંદા હોય, તિરસ્કાર હોય, ચમત્કાર હોય, આત્મદયા હોય એ પદનું કર્તૃત્વ તો મીરાંનું ન જ હોય એ નિ:શંક છે. મીરાંનાં પદની રચનાસાલ વિશે કોઈ આધાર કે પ્રમાણ નથી. એથી મીરાંનાં પદનો ક્રમ નિશ્ચિત કે નિર્ણીત નથી. પણ મીરાંએ પ્રથમ મુખ્યત્વે વિરહ અને વેદનાનાં, વિપ્રલંભ શૃંગારનાં પદ રચ્યાં હશે અને પછી મુખ્યત્વે મિલન અને આનંદનાં, સંભોગ શૃંગારનાં અને સવિશેષ તો શાંત રસનાં પદ રચ્યાં હશે એવું અનુમાન મીરાંના જીવનના ક્રમના અનુમાન સાથે સુસંગત અને સુસંવાદી છે. જોકે મીરાંનાં પદમાં પરમેશ્વર, પરમેશ્વરનો પોતાની પ્રત્યેનો પ્રેમ ને પોતાનો પરમેશ્વર પ્રત્યેનો પ્રેમ, એ જ એક માત્ર વિષયવસ્તુ છે એથી મીરાંનાં પદમાં ક્રમનો પ્રશ્ન અતિમહત્ત્વનો પ્રશ્ન નથી. ‘મીરાં કે પ્રભુ ગિરિધર નાગર’ — મીરાંનો પરમેશ્વર ગિરિધર નાગર છે. ‘બોલે ઝીણા મોર, રાજા, તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર’ — મીરાંનો પરમેશ્વર રાજા છે. એથી ડુંગરિયા પર, નગરથી દૂર, ઉચ્ચ સ્થાને, એકાન્તમાં વસે છે. તો મીરાં પણ નાગરિકા છે. રાજવંશી છે. એથી તો ક્યારેક આ ગિરિધર નાગરમાં, આ રાજામાં એના નાગરત્વ, રાજત્વનો અભાવ પ્રગટ થાય છે ત્યારે મીરાં એને હસે છે : ‘પ્રીત કરી પણ કરતાં ન આવડી, તું નંદ આહીરનો છોરો.’ મીરાં ભક્ત હતી, સંત હતી પણ સાથે સાથે મેડતાની રાજકુંવરી હતી, મેવાડની ભાવિ મહારાણી હતી, એનાં પદમાં સુશિક્ષિત, સુસંસ્કારી, સુસંસ્કૃત માનસ પ્રગટ થાય છે. એના આ માનસમાં રુક્ષતા કે રોંચાપણું નથી, રુચિ અને રસિકતા છે. એના આ માનસમાં પ્રશિષ્ટતા અને સૌજન્ય છે, કુલીનતા અને શીલતા છે, ઉદારતા અને ભદ્રતા છે, મીરાંમાં માનસની અમીરાઈ છે. એના એક સાદ્યંતસુન્દર અને સર્વાંગસંપૂર્ણ પદમાં એનું આ માનસ સંપૂર્ણપણે પ્રગટ થાય છે : ‘ઉપાડી ગાંસડી વેઠની રે, કેમ નાખી દેવાય? એ છે રણછોડરાય શેઠની રે, એ છે શામળશા શેઠની રે. કેમ નાખી દેવાય? ઊની ઊની રેતીમાં પગ બળે છે, લૂ વાય છે માસ જેઠની રે. કેમ નાખી દેવાય? મીરાંકે પ્રભુ ગિરિધર નાગર, મને લગની લાગી છે ઠેઠની રે. કેમ નાખી દેવાય?’ જાણે કે એણે શિર પર વેઠની ગાંસડી ઉપાડી છે એ જોઈને એને કોઈ સૂચવે છે, ‘નાખી દે ને! નાખી દે ને!’ અને એ ‘એ તો રણછોડરાય શેઠની છે, શામળશા શેઠની છે’ એમ પુનરાવર્તન દ્વારા, ભલે ‘ઊની ઊની રેતીમાં પગ બળે, જેઠ માસની લૂ વાય’ છતાં ‘મને ઠેઠની લગની લાગી છે’ એથી એ સામેથી ચાર વાર પ્રશ્ન પૂછે છે, ‘કેમ નાખી દેવાય?’ — ‘વેઠની’, ‘શેઠની’, ‘જેઠની’ અને ‘ઠેઠની’ના અંત્યપ્રાસ નહિ પણ આંતરપ્રાસ અને ‘કેમ નાંખી દેવાય?’નું ધ્રુવપદ રૂપે ચાર વાર પુનરાવર્તન — એમાં સુશિક્ષિત, સુસંસ્કારી, સુસંસ્કૃત માનસનો કેવો લયલહેકો અને મરોડ છે! મીરાંનો પરમેશ્વર અને એ પરમેશ્વરનો પ્રેમ એ કોઈ સંપ્રદાય આદિનો પરમેશ્વર અને પ્રેમ નથી. એ કોઈ જ્ઞાન-કર્મ-યોગની નીપજ નથી. એથી મીરાંના પદમાં કોઈ ખંડનમંડન નથી, કોઈ વાદપ્રતિવાદ નથી. મીરાંનું એક એક પદ એ પ્રધાનપણે બુદ્ધિનું સર્જન નથી. એનો અર્થ એ નથી કે એમાં બુદ્ધિનો અભાવ છે, પણ એનો અર્થ એટલો જ કે એમાં માત્ર બુદ્ધિ નથી. એથી એમાં સારગ્રાહિતા, જ્ઞાનગુહ્યતા, વિદ્વત્તા (eclecticism, esotericism, erudition) આદિ બુદ્ધિનાં પ્રસિદ્ધ લક્ષણો નથી. મીરાંનું એક એક પદ પ્રધાનપણે હૃદયનું સર્જન છે. એથી એમાં ભાવ, રસ, પ્રેમભક્તિ આદિ હૃદયનાં પ્રસિદ્ધ લક્ષણો છે. મીરાંનું એકે પદ શ્રમસાધ્ય કે કષ્ટસાધ્ય નથી. મીરાંનું એકેએક પદ મીરાંની સહજ, સહસા સ્વયંસ્ફુરણા છે. મીરાંનાં કોઈ કોઈ પદમાં તો નર્યું કથન હોય છે. બલવન્તરાયે જે અન્ય સંદર્ભમાં કહ્યું છે તે મીરાંનાં આવાં પદના સંદર્ભમાં સવિશેષ સાચું છે કે ‘કેટલીક વાર નર્યું કથન જાતે ઊંચી અમર કવિતા હોય છે’ મીરાંનું એકેએક પદ સ્વભાવોક્તિ છે. એમાં જે અન્ય અલંકારો હોય છે એ મુખ્ય અલંકારના અંતર્ગત અલંકારો છે. ધર્મકવિતાના મહાન અંગ્રેજ કવિ જ્યૉર્જ હર્બટની જેમ મીરાંએ માત્ર પરમેશ્વરનો પ્રેમ — એ એક જ વિષયવસ્તુ વિશે પદ રચ્યાં છે. મીરાંનાં પદમાં વિષયવસ્તુની વિવિધતા નથી એવા અસંતોષ કે આક્ષેપને કોઈ અવકાશ જ નથી. મીરાંનાં પદમાં ભલે એક જ વિષયવસ્તુ છે. પણ એમાં અનુભવની, ભાવ અને રસની એકવિધતા (monotony) નથી. એટલું જ નહિ, એમાં અનુભવની તીવ્રતા તથા ભાવ અને રસની ઉગ્રતા છે, ગહનતા છે, અગાધતા છે, અતલતા છે. મીરાં ભક્ત હતી, સંત હતી, એથી મીરાંએ સાધુસંતસમાગમ અને ભજનકીર્તનની એની દિનચર્યાના એક અંગ રૂપે એનાં પદનું સર્જન કર્યું હતું. મીરાંએ કવિપદ માટે, કવિપણા માટે, કવિવેડા માટે અથવા પદ, પ્રસિદ્ધિ, ધન કે કીર્તિ માટે એનાં પદનું સર્જન કર્યું નથી. મીરાં પાસે ધન, કીર્તિ, પદ, પ્રતિષ્ઠા, સત્તા શું ન હતું? એ સૌનો તો એણે ક્યારનો ત્યાગ કર્યો હતો. મીરાંએ કવિ તરીકે નહિ, અનુભવી તરીકે; કાવ્યકાર તરીકે નહિ, ભક્ત અને સંત તરીકે એનાં પદનું સર્જન કર્યું હતું. આપણા યુગમાં ડાગ હૅમરશોલ્ડે એમની ડાયરી ‘Markings’ રચી ત્યારે પ્રસિદ્ધિ અર્થે નહિ પણ ‘રહસિ’ રચી હતી, સાહિત્ય રૂપે નહિ પણ ‘a sort of White Book, concerning my negotiations with myself and with God’ ‘મારી જાત સાથેના અને પરમેશ્વર સાથેના મારા સંવાદોને લગતી એક પ્રકારની શ્વેત પોથી’ રૂપે રચી હતી. છતાં મીરાં મેડતાની રાજકુંવરી હતી એથી સુશિક્ષિત અને સુસંપન્ન હતી. એ અનેક કળાઓ — કવિતાકળા સુધ્ધાંમાં નિપુણ હતી. એ સંગીતજ્ઞ હતી તેમ કાવ્યજ્ઞ પણ હશે. એથી મીરાંએ જ્યારે એનાં પદનું સર્જન કર્યું હશે ત્યારે સભાનપણે નહિ તો અભાનપણે પણ એની આ કવિતાકળાનિપુણતા, આ કાવ્યજ્ઞતા પ્રવૃત્ત હશે. કવિતાની સર્જનપ્રક્રિયામાં સભાન-અભાન, સંપ્રજ્ઞતા-અસંપ્રજ્ઞતા એ એક મહાકૂટ પ્રશ્ન છે. મીરાંનાં પદમાં કાવ્યમયતા, કલામયતા ક્યાં નથી? મીરાંનું એક એક પદ કેવું સ્વચ્છ અને સુઘડ છે, કેવું સાફસૂતરું અને સંઘેડાઉતાર છે. એનાં ઘાટઘૂટ અને એનું ઘડતર-જડતર સંપૂર્ણ છે. એની ધ્રુવપંક્તિ, એના અંતરા, એનો આરંભ, એનો અંત, એનો લય, એના પ્રાસ બધું જ સુન્દર છે. એમાં કલાત્મક એકતા છે. ક્યાંય છૂંછા-છેડા નહિ, ક્યાંય ગાંઠગૂંચ નહિ, ક્યાંય દોરાધાગા નહિ, ક્યાંય વાંકુંચૂકું નહિ, ક્યાંય જાડુંપાતળું નહિ, ક્યાંય ઢીલું- પોચું નહિ, બધું જ સરખું, સીધું, સુદૃઢ, ઘટ્ટ અને ઘાટીલું; સંપૂર્ણ ભરત-ગૂંથણ જેવું સુશ્લિષ્ટ, સુંદર, કાંતણ-વણાટ જેવું સુગ્રથિત. ‘ખૂણે બેસીને મેં તો ઝીણું રે કાંત્યું, નથી રાખ્યું કંઈ કાચું રે’ મીરાંએ ઝીણું કાંત્યું છે, કંઈ કાચું રાખ્યું નથી. એથી ભલે મીરાંને કવિપદની પરવા ન હોય, કવિતાસિદ્ધિની પરવા ન હોય. પણ આપણે આપણી ગરજે મીરાંને કવિ કહીશું અને એનાં પદને કવિતા કહીશું. મીરાંની કવિતા જેવી કવિતાનું દર્શન જગતકવિતામાં વિરલ છે. મીરાંના સમકાલીન એવા સેન્ટ જ્હૉન ઑફ ધ ક્રૉસની કવિતામાં અને સેન્ટ તેરેસાના ગદ્યમાં આવી કવિતાનું ક્યારેક દર્શન થાય છે. જગતકવિતામાં મીરાંના જીવનની જેમ જેના જીવન વિશે વિકૃતિઓનો પાર નથી અને અનુમાનોની પરંપરા છે અને જેમાં મોટા ભાગનાં ખંડિત કાવ્યો છે એવાં એનાં કુલ બસોએક કાવ્યોનો વચમાં એકાદ હજાર વર્ષ લગી સંચય થયો ન હતો એ સાફોની માનુષી પ્રેમની કવિતાનું જે સ્થાન છે તે સ્થાન મીરાંની દિવ્ય પ્રેમની કવિતાનું છે. જગતકવિતામાં કવિતાના અનેક રાજમાર્ગો અને ઉપમાર્ગો છે પણ મીરાંની કવિતા એ કવિતાનો ન્યારો પેંડો છે. મીરાંનું જીવન અને મીરાંની કવિતા એ મેડતાની, મેવાડની મરુભૂમિમાં જ નહિ પણ જગતની અને જીવનની, સંસારની મરુભૂમિમાં જાણે કે ધવલોજ્જ્વલ અગ્નિજ્વાલા છે. મીરાંની કવિતા એ મીરાંના જ હૃદયની નહિ પણ માનવહૃદયની આત્મકથારૂપ છે, મીરાંના જ આત્માની નહિ પણ માનવાત્માની આત્મકથારૂપ છે. મનુષ્યમાત્રના હૃદયમાં ગૂઢ ગોપન પ્રેમ છે અને એ પરમેશ્વરમાં જ પર્યવસાન પામે ત્યારે જ ધન્ય થાય છે, ચરિતાર્થ થાય છે. મનુષ્યમાત્રના આત્મામાં એકતાની ઇચ્છા છે અને એ પરમાત્મા સાથે અનુસંધાન પામે ત્યારે જ ધન્ય થાય છે, ચરિતાર્થ થાય છે — આ છે મીરાંના જીવનનું અને મીરાંની કવિતાનું રહસ્ય. ગોવર્ધનરામે ૧૮૯૨માં સૂચવ્યું હતું કે મીરાં એકલપંથી હતી અને પછી ૧૯૦૫માં પ્રશ્ન પૂછ્યો હતો કે મીરાં જેવી જ્વાલા કેમ અને ક્યાંથી પ્રગટી હશે? અને એના ઉત્તરમાં સૂચવ્યું હતું કે આ જ્વાલા અન્ય કોઈ જ્યોતિના પ્રભાવથી, જયદેવના ગીતાગોવિંદના પ્રભાવથી પ્રગટી હશે. આનંદશંકરે એના અનુસંધાનમાં તરત જ એમાં ઉમેર્યું હતું કે આ જ્વાલા ચૈતન્ય અને રામાનંદના પ્રભાવથી પ્રગટી હશે. આગળ કહ્યું તેમ અને તે કારણે આ જ્વાલા આ કે તે જ્યોતિના પ્રભાવથી પ્રગટી હશે એમ લાગે, પણ મીરાંના જીવનના અને મીરાંનાં પદના સંદર્ભમાં સ્પષ્ટ છે કે આ જ્વાલા સ્વયં પ્રગટી છે. અને આ જ્વાલા અન્ય કોઈ જ્યોતિના પ્રભાવથી પ્રગટી હોય તો તે જ્યોતિ છે પરમેશ્વર. ગાંધીજીએ ૧૯૨૪માં એક સંવાદમાં મીરાં અને મીરાંનાં પદ વિશે કહ્યું હતું, ‘Mira’s songs are always beautiful. They are so moving because they are so genuine. Mira sang because she could not help singing. Her songs well forth straight from the heart — ike a spray. They were not composed for the lure of fame or popular applause as are some other’s songs, There lies the se-cret of her lasting appeal.’ ‘મીરાંના પદ હંમેશાં સુન્દર લાગે છે. એ બહુ હૃદયદ્રાવક છે કારણ કે એ સાચાં છે. મીરાંએ એનાથી ગાયા વિના નથી રહેવાયું એથી ગાયું છે. એનાં પદ સીધાં હૃદયમાંથી ફૂટે છે — ફુવારાની જેમ. અન્ય કેટલાંકનાં પદની જેમ એનાં પદ કીર્તિ માટે કે લોકપ્રિયતા માટે રચાયાં નથી. એમાં એની હંમેશની અપીલનું રહસ્ય છે.’ બલવન્તરાયે ૧૯૨૮માં નરસિંહનાં અને મીરાંનાં કોઈ કોઈ પદ વિશે કહ્યું હતું, ‘આપણે ગુજરાતીઓ એક અવાજે સ્વીકારીશું કે એ ‘ઇન્સ્પાયર્ડ’ ‘ત્રીજા નેત્રની પ્રસાદી’ છે.’ સુબ્બલક્ષ્મીએ ૧૯૬૬માં ન્યૂયૉર્કમાં રાષ્ટ્રસંઘની સામાન્ય સભા સમક્ષ મીરાંનું ‘હરિ તુમ હરો જનકી ભીર’ પદ ગાયું હતું. ‘મીરાં સૂત જાયો નહિ, શિષ્ય ન મૂંડ્યો કોઈ’ — મીરાંએ જીવનમાં કશું જ પોતાનું નથી, બધું જ પરમેશ્વરનું છે; મીરાંએ ‘यत:तदीया’ — સૌ મનુષ્યો પરમેશ્વરનાં સંતાનો છે અને એથી ‘नास्ति तेषु जातिविद्यारूपकुलधनक्रियादिभेद:’ — જાતિ, વિદ્યા, રૂપ, ધન, ક્રિયા આદિના ભેદભાવ વિના સૌ સમાન છે એમ માન્યું અને માન્યું એવું જીવ્યું અને જીવ્યું એવું ગાયું. એથી મીરાંએ કવિતામાં ‘હરિ તુમ હરો જનકી ભીર’ — હે હરિ, જનકી, સૌ મનુષ્યોની, મનુષ્યમાત્રની, સમગ્ર મનુષ્યજાતિની ભીર હરો, ભીડ ભાંગો એમ ગાયું. મીરાંના જીવનનો અને મીરાંની કવિતાનો આપણા યુગમાં કે કોઈ પણ યુગમાં અનિવર્ચનીય અર્થ છે અને એનું મહાન મૂલ્ય છે. (આજ લગી મીરાંના જીવન અંગે ગુજરાતમાં જે ઇતિહાસ-સંશોધનનું કાર્ય થયું છે એમાં તનસુખરામ મનુસખરામ ત્રિપાઠી, નટવરલાલ રણછોડલાલ જંબુસરિયા અને હરમાન ગ્યોત્સની સિદ્ધિ નોંધપાત્ર છે. આ લખનાર ઇતિહાસકાર કે સંશોધનકાર નથી. મીરાંનાં પદના વાચનના સંદર્ભમાં મીરાંની જે મૂર્તિ એના મન સમક્ષ પ્રગટ થાય છે તેની સાથે હરમાન ગ્યોત્સના લેખમાંની મીરાંના જીવન અંગેના અનુમાનની એકેએક વિગત સુસંગત અને સુસંવાદી છે એથી એ અનુમાનને આધારે અહીં મીરાંનું જીવન આરંભે આપ્યું છે. ભવિષ્યમાં મીરાંના જીવન અંગે અને મીરાંના પદ અંગે વધુ સંશોધન અવશ્ય થશે, થવું જોઈએ. ત્યાં લગી હરમાન ગ્યોત્સના અનુમાનમાં મીરાંનું જે જીવનચરિત્ર છે તે આ લખનારને આજ લગીનાં મીરાંનાં જીવનચરિત્રોમાં સૌથી વધુ સ્વીકાર્ય લાગ્યું છે, અને વાચકોને પણ લાગશે. આ લખનાર હરમાન ગ્યોત્સના લેખનો અત્યંત ઋણી છે.)
૧૯૭૫