સ્વાધ્યાયલોક—૫/મીરાંબાઈ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


મીરાંબાઈ

‘મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરો ન કોઈ.’ 
‘મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા!’

— આ અવાજ ભારતવર્ષમાં કોને અજાણ્યો છે? આ વિશ્વમાં એક માત્ર પરમેશ્વર જ મારો છે, અન્ય કોઈ, અન્ય કંઈ મારું નથી. આ વિશ્વમાં હું એક માત્ર પરમેશ્વરની જ છું, અન્ય કોઈની નથી — એવી વિરક્તિ અને અનુરક્તિનો આ અવાજ છે. ધર્મ અને સમાજનાં બંધનોમાં બદ્ધ, સ્થળ અને કાળની સીમાઓમાં સીમિત એવા મનુષ્યનો આ અવાજ નથી. મનુષ્યના આત્માનો આ અવાજ છે. એ આત્માનું નામ છે મીરાંબાઈ. વાચ્યાર્થમાં પણ મીરાંબાઈ એટલે પરમેશ્વરની પત્ની. એથી જ મીરાંબાઈનું જીવનચરિત્ર અણલખ્યું છે. મીરાંબાઈના નામથી માંડીને તે કામ લગીની એકેએક વાત અનુમાનનો વિષય છે. મીરાંબાઈ ઉપનામ હતું? તો અસલ નામ શું હતું? એનો જન્મ ક્યાં અને ક્યારે થયો? એનું જીવન ક્યાં, ક્યારે અને કઈ રીતે ગયું? એનું મૃત્યુ ક્યાં, ક્યારે અને કઈ રીતે થયું? એણે કયાં પદો રચ્યાં? ક્યાં, ક્યારે કયા ક્રમમાં અને કઈ ભાષામાં રચ્યાં? — એકે પ્રશ્નનો નિશ્ચિત ઉત્તર નથી. એક પણ ઉત્તર માટે આધાર નથી. રાજકીય અને ઐતિહાસિક લખાણોમાં મીરાંના નામનો ઉલ્લેખ સુધ્ધાં નથી. ધાર્મિક અને સાંપ્રદાયિક લખાણોમાં ક્યાંક ધૂર્તતાને કારણે અહેતુક તો ક્યાંક દુષ્ટતાને કારણે સહેતુક વિકૃતિઓનો પાર નથી. સાહિત્યિક લખાણોમાં અનુમાનોની પરંપરા માત્ર છે. આધાર કહો તો તે અને અનુમાન કહો તો તે, જે કંઈ સુલભ છે તે મીરાંનાં પદો છે. એમાંથી મારા મન સમક્ષ મીરાંની એક મૂર્તિ પ્રકટ થાય છે. એની સાથે પ્રસિદ્ધ જર્મન વિદ્વાન સદ્ગત હરમાન ગ્યોત્સના મીરાં પરના લેખમાંના અનુમાનમાંથી મીરાંની જે મૂર્તિ પ્રગટ થાય છે તે સુસંગત છે. એથી એને આધારે અહીં મીરાંનું મિતાક્ષરી જીવનચરિત્ર રજૂ કરું છું.

મીરાંનો જન્મ રાઠોડ (રાષ્ટ્રકૂટ) વંશમાં મેડતાના વૈષ્ણવધર્મી રાજકુટુંબમાં દૂદાજીના પુત્ર રતનસિંહને ઘેર ૧૪૯૮માં કુડકીમાં થયો હતો. પિતા યુદ્ધમાં સક્રિય હતા એથી મેડતામાં દાદા દૂદાજીએ મીરાંનું લાલનપાલન કર્યું અને રાજકુંવરીને યોગ્ય એવું સંગીત, નૃત્ય, કાવ્ય આદિ કળાઓનું શિક્ષણ આપ્યું, અહીં મીરાંને નાનપણમાં જ પરમેશ્વરનું સહજ જ્ઞાન થયું, પરમેશ્વરના પ્રેમનો સહસા અનુભવ થયો. જનશ્રુતિમાં એનો સ્થૂલ ખુલાસો એમ છે કે મીરાંએ નાનપણમાં એની માતાને પૂછ્યું, ‘મારો વર કોણ?’ માતાએ કૃષ્ણની મૂર્તિ આપીને કહ્યું, ‘આ તારો વર!’ ત્યારથી મીરાંને થયું કે પોતે હંમેશ માટે કૃષ્ણને વરી છે. બીજો સ્થૂલ ખુલાસો એમ છે કે મીરાંને નાનપણમાં કોઈ સાધુસંતે, કદાચને રૈદાસે (રોહીદાસે) કૃષ્ણની મૂર્તિ આપી ત્યારથી મીરાંને થયું કે હંમેશ માટે પોતે પરમેશ્વરની પત્ની છે. ૧૫૧૫માં દૂદાજીનું અવસાન થયું. તરત જ ૧૫૧૬માં સિસોદિયા (શીર્ષોદય) વંશમાં મેવાડના શૈવધર્મી રાજકુટુંબમાં સંગ (સંગ્રામસિંહ) અને કનવરબાઈના પાટવીપુત્ર ભોજરાજ સાથે સત્તર વર્ષની વયે મીરાંનું લગ્ન થયું. ઉત્તર ભારતમાં રાજકીય અશાંતિ અને અરાજકતામાં સત્તાની સ્થિરતા અને સમતુલાને કારણે સૂઝસમજપૂર્વક સંગે પશ્ચિમમાં જોધપુરના રાજકુટુંબમાં ધનબાઈ અને અન્ય એક કન્યા સાથે તથા પૂર્વમાં બુંદીના રાજકુટુંબમાં કરમેતનબાઈ સાથે પોતાનું લગ્ન કર્યું અને ઉત્તરમાં મેડતાના રાજકુટુંબમાં મીરાંબાઈ સાથે પોતાના પાટવીપુત્ર ભોજરાજનું લગ્ન કર્યું. મીરાંના કાકા મેડતાના વીરમદેવને સંગને સહાયરૂપ થવાની ઉત્કટ ઇચ્છા હતી એથી વીરમદેવ અને સંગે મીરાંનું ‘સગવડનું લગ્ન’ ગોઠવ્યું હતું. એમાં મીરાંને અવરોધરૂપ થવું ન હોય એથી એણે આ લગ્નનો અસ્વીકાર કર્યો ન હોય. તો સાથે સાથે એણે ભોજરાજનો પતિ તરીકે સ્વીકાર પણ કર્યો ન હોય. લગ્નની વિધિમાં કૃષ્ણની મૂર્તિ દેહથી પણ એની સાથે હતી અને વિધિ અપૂર્ણ રહી હતી. મીરાંએ લગ્ન કદી ભોગવ્યું ન હતું. એથી એ નિ:સંતાન હતી. ભોજરાજ મેવાડનો ભાવિ મહારાણા હતો. વારસાપ્રાપ્તિ માટે એણે કદાચ બીજું લગ્ન પણ કર્યું હોય. આરંભમાં સિસોદિયા કુટુંબે મીરાંના આ માનસ અને વર્તનનો વિરોધ કર્યો હતો. મીરાં પોતાના નિર્ણયમાં નિશ્ચલ છે, કોઈ પણ પરિણામનો સામનો કરવા તત્પર છે એવી એના આત્મબળની સૌને પ્રતીતિ હોય અને અંતે સૌ અનુકૂળ થયા હોય. સંગ તો આરંભથી જ અનુકૂળ થયો હતો. જનશ્રુતિમાં એમ છે કે સિસોદિયા કુટુંબ શૈવધર્મી અને રાઠોડ કુટુંબ વૈષ્ણવધર્મી એથી ધર્મને કારણે સિસોદિયા કુટુંબે મીરાંને ત્રાસ આપ્યો હતો. પણ આ પૂર્વે બન્ને કુટુંબો વચ્ચે પરસ્પર લગ્નવ્યવહાર હતો અને એકેય કુટુંબે કોઈ પણ પુત્રવધૂને ત્રાસ આપ્યો હોય એમ જનશ્રુતિમાં નથી. વળી સિસોદિયા કુટુંબને વૈષ્ણવધર્મ પ્રત્યે આદર હતો. સંગના પિતા કુંભ કૃષ્ણભક્ત હતા. વળી અંત:પુરમાં અને કુટુંબમાં સંગની પત્ની કનવરબાઈનું નહિ પણ સંગની માતા રતનબાઈનું રાજમાતા તરીકે વર્ચસ્‌‌ હતું. રતનબાઈને સૌરાષ્ટ્રમાં દેશવટાનો અનુભવ હતો. એ રૈદાસની શિષ્યા હતી. એણે રૈદાસને ગુરુદક્ષિણામાં કૃષ્ણની મૂર્તિ ભેટ આપી હતી. કદાચ એ જ મૂર્તિ રૈદાસે મીરાંને ભેટ આપી હોય અને મીરાં પાસે એ જ મૂર્તિ છે એમ રતનબાઈએ જાણ્યું હોય. આ કારણે રતનબાઈને મીરાં પ્રત્યે પ્રેમ અને આદર હતો. એણે મીરાંને રક્ષણ અને પ્રોત્સાહન આપ્યું હતું. ટૂંકમાં, મેવાડમાં મીરાં પ્રભુમય જીવન જીવતી હતી. આ મેડતણીજીએ સાધુસંતોનું કુટુંબ રચ્યું હતું, પીડિતપતિતોનો સમાજ રચ્યો હતો, બહિષ્કૃત-તિરસ્કૃતોનું જગત રચ્યું હતું. રાજકુટુંબમાં એ અપ્રિય હશે પણ અસંખ્ય મનુષ્યોના હૃદયમાં એનું અનન્ય પ્રેમભર્યું સ્થાન હતું. આમ, લગ્ન પછી તરત જ મેવાડમાં એક નીડર નારી તરીકે, એક વિદ્રોહી વીરાંગના તરીકે, એક ક્રાંતિકારી રજપૂતાણી તરીકે મીરાંના જીવનનો આરંભ થાય છે. ૧૫૧૮માં સંગ ખટોલી (ઘટોલી)માં ઈબ્રાહીમ લોદી સામેના યુદ્ધમાં વિજેતા તો થયો પણ મરણતોલ ઘવાયો હતો અને એનો એક હાથ કપાયો હતો. આ યુદ્ધમાં ભોજરાજ પણ ગંભીરપણે ઘવાયો હતો. ભોજરાજનું ટૂંક સમયમાં અકાળ અવસાન થાય એવી શંકા સૌને જન્મી હોય. એથી મેવાડના વારસ અંગેના આંતરવિગ્રહનો આરંભ થયો હતો. મેવાડનો વાજબી વારસ ધનબાઈનો રતનસિંહ હતો. પણ સંગને જોધપુરના રાજકુટુંબ પર વિશ્વાસ ન હતો. એથી એણે કરમેતનબાઈના પુત્રો વિક્રમાદિત્ય અને ઉદયસિંહ પ્રત્યે પોતાનો પક્ષપાત પ્રગટ કર્યો હતો. ૧૫૨૧માં ભોજરાજનું અવસાન થયું. લગ્નનાં પાંચ વર્ષ પછી ત્રેવીસ વર્ષની વયે મીરાંને વૈધવ્ય પ્રાપ્ત થયું. એનાં લગ્નની વિધિ અપૂર્ણ રહી હતી, એણે લગ્ન ભોગવ્યું ન હતું. એથી એ સતી થાય એવો આગ્રહ શક્ય ન હતો. એણે પ્રથમથી જ સંતનાં વસ્ત્રો ધારણ કર્યાં હોય, એનામાં દિનપ્રતિદિન વિશેષ વૈરાગ્યભાવ પ્રગટ થયો હોય, એનું જીવન નિર્દોષ અને નિરુપદ્રવી હોય, એથી સિસોદિયા કુટુંબને સંતોષ થયો હોય અને મીરાંના જીવન પ્રત્યેનો વિરોધ શમી ગયો હોય. ભોજરાજના અવસાન પછી વારસ અંગેનો આંતરવિગ્રહ વધુ ઉગ્ર થયો હતો. ૧૫૨૨માં માલવા અને ગુજરાતે મેવાડ પર આક્રમણ કર્યું હતું એથી સંગ યુદ્ધભૂમિ પર હતો. ત્યારે સંગ પદભ્રષ્ટ થાય અને ધનબાઈનો રતનસિંહ રાજ્યપદે સ્થપાય એ હેતુથી જોધપુરના રાજકુટુંબે સંગની વિરુદ્ધ ષડ્યંત્ર રચ્યું. સંગ આક્રમણકારો સાથે સમાધાન કરીને યુદ્ધભૂમિ પરથી એકાએક પાછો ફર્યો. જાગીરદારોને પોતાનામાં વિશ્વાસ ન હોય તો પોતે નિવૃત્તિ લેશે એવો પ્રસ્તાવ સંગે એમની સમક્ષ રજૂ કર્યો. બહુમતી જાગીરદારો એને પક્ષે હતા એથી એ રાજ્યપદે ચાલુ તો રહ્યો પણ એને રતનસિંહનો વારસ તરીકે સ્વીકાર કરવો પડ્યો. આમ, આ ષડ્યંત્ર નિષ્ફળ ગયું. પણ સંગ રણભૂમિ પર હતો ત્યાં એને આ ષડ્યંત્રની જાણ ક્યાંથી હોય? મીરાંએ એને સમાચાર આપ્યા હોય? પણ મીરાંને આ ષડ્યંત્રની જાણ ક્યાંથી હોય? સાધુસંતો સાથે મીરાંનો સતત સંપર્કસમાગમ હતો. એમાંથી કોઈએ અથવા એ યુગમાં પ્રચલિત હતું તેમ સાધુસંતના ગુપ્તવેશે કોઈએ મીરાંને આ સમાચાર આપ્યા હોય. વળી આ જ સમયમાં જોધપુરના રાજકુટુંબે મેડતા પર આક્રમણ કર્યું હતું અને વીરમદેવને દેશવટો આપ્યો હતો. ત્યારે પણ મીરાં કદાચ સાધુસંતો દ્વારા વીરમદેવના સંપર્કમાં હતી અને દિલ્હીના મોગલ શહેનશાહ બાબર સાથે પણ સંપર્કમાં હતી અને બાબરના પોતાની પ્રત્યેના સદ્ભાવને કારણે બાબર પાસે વીરમદેવને ધનની સહાય અપાવી હતી. આમ, અંતે જોધપુરના રાજકુંટુબનું મેડતા પરનું આક્રમણ પણ નિષ્ફળ ગયું. મીરાં સંત હતી, રાજકારણમાં સક્રિય ન હતી. પણ અસદ્ની સામે સદ્ને સહાય કરવાનો એનો ધર્મ છે એવી એને પ્રતીતિ હતી એથી એણે અનેક સંતોની જેમ એ ધર્મ બજાવ્યો હતો અને રાજકારણમાં સક્રિય ભાગ ભજવ્યો હતો. એને કારણે જોધપુરના રાજકુટુંબે હંમેશ માટે મીરાં પ્રત્યે ભય-શંકાની લાગણી અનુભવી હતી અને વેર બાંધ્યું હતું. તો એ જ કારણે સંગે મીરાં પ્રત્યે વધુ માન-આદરની લાગણી અનુભવી હતી અને એના જીવનને વધુ અનુકૂળ થયો હતો. ૧૫૨૧માં ભોજરાજના અવસાન અને ૧૫૨૭માં સંગના અવસાન વચ્ચેનો સમય મીરાંના જીવનમાં સૌથી વધુ બાહ્ય શાંતિનો સમય હતો. એક જીર્ણ પ્રાસાદના એક ખંડમાં એનો નિવાસ હતો. વૈધવ્ય પછી એને જે પ્રદેશ પ્રાપ્ત થયો હતો એના પ્રજાજનોનાં સુખદુઃખમાં એનો અંગત રસ હતો. એને સ્વતંત્ર દાસદાસીઓ અને સ્વતંત્ર આવક હતી. દાન, સેવા, ભજનકીર્તન આદિ સામાજિક-ધાર્મિક પ્રવૃત્તિઓમાં એ રમમાણ હતી. આજ સમયમાં રતનબાઈનું અવસાન થયું હતું. એની એવી જ પ્રવૃત્તિઓનો કાર્યભાર પણ મીરાંએ સ્વીકાર્યો હતો. મીરાંએ ત્રણ ભાષામાં પદો રચ્યાં હોય તો એણે રાજસ્થાની ભાષામાં કેટલાંક પદોનું આ સમયમાં સર્જન કર્યું. ૧૫૨૭માં બાબર સામેના યુદ્ધમાં સંગનો પરાજ્ય થયો અને સંગના સહાયક મીરાંના પિતા રતનસિંહનું અવસાન થયું. સંગ બાબર પાસેથી ચંદેરી જીતવા જતો હતો ત્યાં ઇરીચ પાસે કોઈએ એને વિષ આપ્યું અને એનું અવસાન થયું. ૧૫૨૮માં રતનસિંહ મેવાડના રાજ્યપદે આવ્યો. મીરાં વિધવા હતી, નિ:સંતાન હતી, રાજકારણમાં સક્રિય ન હતી, છતાં જોધપુરના રાજકુટુંબના સંગ વિરુદ્ધના ષડ્યંત્ર તથા મેડતા પરના આક્રમણની નિષ્ફળતાનું એક કારણ હતી એથી રતનસિંહે મીરાંને ત્રાસ આપવાનો આરંભ કર્યો. જનશ્રુતિમાં એમ છે કે મીરાંના દિયરે મીરાંને ધાર્મિક કારણે ત્રાસ આપ્યો હતો. મીરાંના એક નહિ પણ બે દિયરે — રતનસિંહે અને પછીથી વિક્રમાદિત્યે — મીરાંને ત્રાસ આપ્યો હતો એ સાચું, પણ ધાર્મિક કારણે નહિ — બન્નેમાંથી એકેયને ધર્મમાં રસ ન હતો — પણ રાજકીય કારણે. સંભવ છે કે એમાં ધર્મ માત્ર બહાનું હોય. આરંભમાં રતનસિંહે મીરાંને પ્રાસાદમાંથી દૂર કરી, દાસદાસીઓ અને આવકમાં મોટો કાપ મૂકી બે દાસીઓની નજરબંધી નીચે એકાન્તવાસ — કહો કે કારાવાસ આપ્યો. જનશ્રુતિમાં એમ છે કે દિયરે પ્રથમ નાગ અને પછી વિષ મોકલીને મીરાંના જીવનનો અંત લાવવાનો પ્રયત્ન કર્યો હતો.પણ ચમત્કારને કારણે મીરાં સુરક્ષિત રહી હતી. આ સમયમાં નાગપ્રેષણ અને વિષપ્રેષણ પ્રચલિત હતું. રતનસિંહે સેવકોને ફૂલની છાબમાં ફૂલને બહાને નાગ મોકલવાની આજ્ઞા આપી હતી. છતાં મીરાંના જીવનનો અંત ન આવ્યો એથી રોષમાં આવીને પછી ચરણામૃતને બહાને વિષ મોકલવાની આજ્ઞા આપી હતી. પણ અસંખ્ય મનુષ્યો — રતનસિંહના સેવકો સુધ્ધાં — ના હૃદયમાં મીરાં પ્રત્યે અપાર પ્રેમ હતો. એથી એના જીવનનો અંત ન જ આવવો જોઈએ એવી એમના હૃદયમાં તીવ્ર લાગણી હશે. એથી એમણે વિષધર નાગ નહિ પણ નિર્વિષ નાગ અને વિષ નહિ પણ કોઈ નિર્દોષ પેય પદાર્થ મીરાંને આપ્યો હશે. અને રતનસિંહના રોષથી બચવા નાગ ફૂલહાર થયો અને વિષ ચરણામૃત થયું — એમ ચમત્કારને કારણે મીરાંના જીવનનો અંત ન આવ્યો એમ પ્રચાર કર્યો હશે. આ ચમત્કાર તે પ્રેમ. પ્રેમ જેવો કોઈ ચમત્કાર નથી. ટૂંક સમયમાં રતનસિંહ કદાચ બુંદી પર આક્રમણ કરે એ ભય-શંકાથી બુંદી પાસે શિકારે જતાં વિક્રમાદિત્યના મામા સૂરજમલે રતનસિંહ પર કટારથી ઘા કર્યો, રતનસિંહે સૂરજમલ પર સામો ઘા કર્યો, એમાં બન્નેનું અવસાન થયું. આમ, રતનસિંહ મીરાંને વધુ ત્રાસ આપે અને મીરાંના જીવનનો અંત આવે તે પૂર્વે જ હત્યાથી રતનસિંહના જીવનનો અંત આવ્યો. રતનસિંહની હત્યા પછી કરમેતનબાઈનો ચૌદ વર્ષનો મોટો પુત્ર વિક્રમાદિત્ય મેવાડના રાજ્યપદે આવ્યો. રતનસિંહે કરમેતનબાઈને પણ ત્રાસ આપ્યો હતો. આમ, મીરાં અને કરમેતનબાઈ સમદુખિયાં હતાં. એથી કરમેતનબાઈને મીરાં પ્રત્યે સહાનુભૂતિ હોય અને એથી કરમેતનબાઈનો પુત્ર રાજ્યપદે હોય ત્યારે તો મીરાંના ત્રાસનો હંમેશ માટે અંત આવવો જોઈએ. પણ વક્રતા એ છે કે વિક્રમાદિત્યે મીરાંને રતનસિંહે જે ત્રાસ આપ્યો હતો એથીય વધુ ત્રાસ આપ્યો. વિક્રમાદિત્ય વ્યભિચારી હતો. એના પર પૃથ્વીરાજના અનૌરસ પુત્ર વનવીરનું વર્ચસ્‌‌ હતું. વનવીર રાજ્યપદેચ્છુ હતો. એને મીરાંનો ભય હતો. એની ઉત્તેજનાથી વિક્રમાદિત્યે મીરાંને ત્રાસ આપવાનો આરંભ કર્યો. જનશ્રુતિમાં એમ છે કે દિયરે મીરાંનો શિરચ્છેદ કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ મીરાં ચમત્કારને કારણે સુરક્ષિત રહી હતી. આ દિયર તે વિક્રમાદિત્ય. એણે મીરાંનો શિરચ્છેદ કરવાની સેવકોને આજ્ઞા આપી હતી પણ મીરાંનો શિરચ્છેદ ન થયો, ચમત્કારને કારણે નહિ પણ પૂર્વોક્ત કારણે અને સાથે સાથે શિરચ્છેદથી તો સ્ત્રીહત્યાનું પાપ થાય એથી કોઈ સેવક શિરચ્છેદ કરવા તૈયાર નહિ હોય. અને વિક્રમાદિત્યના રોષથી બચવા આ પાપનું બહાનું રજૂ કર્યું હોય. પણ પછી વિક્રમાદિત્યે વધુ રોષમાં આવીને જલસમાધિથી મીરાંના જીવનનો અંત આવે તો એને આત્મહત્યા લેખે પ્રસિદ્ધ કરી શકાય એ હેતુથી મીરાંને જલસમાધિ લેવાની આજ્ઞા આપી હતી. પણ મીરાંએ સંન્યાસિનીનાં વસ્ત્રો ધારણ કર્યાં હતાં એથી કદાચ આ વસ્ત્રોને કારણે મીરાં જલસમાધિ પ્રસંગે સુરક્ષિત રહી હશે. મીરાંનો આ અનુભવ સૌ પ્રકારના ત્રાસની અંતિમ પરાકાષ્ઠા હતી. એથી ૧૫૩૨માં સત્તર વર્ષના મેવાડવાસ પછી ચોત્રીસ વર્ષની વયે મીરાંએ મેવાડત્યાગ કર્યો. પછી મીરાં મેડતામાં આવીને વસી હતી. સંગના અવસાન પછી મીરાંએ મેવાડના રાજરાણીપદનો ત્યાગ કર્યો હતો, સંન્યાસિનીનાં વસ્ત્રો પૂર્ણપણે ધારણ કર્યાં હતાં, ભજનકીર્તન દ્વારા જીવનનિર્વાહ કર્યો હતો. મેડતામાં પણ એણે સતત એ જ જીવન જીવવાનું કર્યું. એથી કદાચ વીરમદેવને આઘાત થાય અથવા મેડતામાં એના અસ્તિત્વથી એને આશ્રય આપનાર વીરમદેવ પર જોધપુરનું રાજકુટુંબ વીરમદેવને ઉપદ્રવ કરે અથવા એના પર આક્રમણ કરે તો વીરમદેવને હાનિ થાય એ ભય-શંકાને કારણે મીરાંએ વીરમદેવના હિતમાં ૧૫૩૩માં, એક જ વર્ષમાં મેડતાત્યાગ કર્યો. પછી મીરાં વૃન્દાવનમાં આવીને વસી હતી. અહીં જીવા ગોસાંઈ અને મીરાંનું પ્રસિદ્ધ મિલન થયું. આ પ્રસંગ સૂચવે છે તેમ ધર્મના ત્રાસ અને આ સમયમાં આ પ્રદેશમાં મોગલોનું આક્રમણ થયું હતું એથી રાજકીય ત્રાસને કારણે એને માટે શાંતિથી પ્રભુમય જીવન જીવવું અશક્ય હશે એથી મીરાંએ ૧૫૩૬માં, ત્રણ જ વર્ષમાં, વૃન્દાવનત્યાગ કર્યો. મીરાંએ ત્રણે ભાષામાં પદો રચ્યાં હોય તો એણે વ્રજ ભાષામાં કેટલાંક પદોનું આ સમયમાં સર્જન કર્યું. પછી મીરાં દ્વારિકામાં આવીને વસી હતી. ૧૫૩૪માં ગુજરાતે મેવાડ પર અને ૧૫૩૫માં જોધપુરે મેડતા પર આક્રમણ કર્યું હતું. ૧૫૩૫માં ચિતોડનું પતન થયું હતું. દ્વારિકા મેવાડથી દૂર હતું, ભારતવર્ષના એક ખૂણામાં હતું. અહીં નિરુપદ્રવ જીવન જીવવું શક્ય છે એમ એને લાગ્યું હોય. રતનબાઈ પાસેથી નરસિંહ મહેતા વિશે અનેક કથાઓ સાંભળી હોય. કૃષ્ણ પણ અંતે દ્વારિકા આવીને વસ્યા હતા. આ કારણે મીરાં દ્વારિકામાં આવીને વસી હોય. ૧૫૩૬માં વનવીરે વિક્રમાદિત્યની હત્યા કરી એથી વિક્રમાદિત્યનું અવસાન થયું અને વનવીર મેવાડના રાજ્યપદે આવ્યો. વિક્રમાદિત્યનો નાનો ભાઈ ઉદયસિંહ હવે મેવાડનો વારસ હતો. એણે ૧૫૪૦માં વનવીરને રાજ્યપદેથી દૂર કર્યો અને એ મેવાડના રાજ્યપદે આવ્યો. રતનસિંહ અને વિક્રમાદિત્યે મીરાંને ત્રાસ આપ્યો હતો એ પાપના ફળ રૂપે બન્નેનું હત્યાથી અવસાન થયું હતું તથા મેવાડનું અધ:પતન અને ચિતોડનું પતન થયું હતું એમ એની અને સમગ્ર પ્રજાની માન્યતા હોય. વળી સમગ્ર પ્રજાને મીરાં પ્રત્યે અપાર પ્રેમ હતો. એથી મીરાંની મેવાડમાં પુન:પ્રતિષ્ઠા થાય તો જ આ પાપનું પ્રાયશ્ચિત્ત થાય એમ એની અને સમગ્ર પ્રજાની માન્યતા હોય. અને તો જ પોતાને પ્રજાનો સહકાર પ્રાપ્ત થાય. એથી ૧૫૪૬માં ઉદયસિંહે કેટલાક બ્રાહ્મણો સાથે મીરાંને મેવાડ પાછાં પધારવાની પોતાની પ્રાર્થના મોકલી આપી હતી. મીરાંએ મેવાડનો હંમેશ માટે ત્યાગ કર્યો હતો. એણે આ પ્રાર્થનાનો અસ્વીકાર કર્યો. એથી બ્રાહ્મણોએ મીરાંની સામે ઉપવાસનો આરંભ કર્યો. આ ધર્મસંકટમાં મીરાંએ કૃષ્ણ અનુમતિ આપે તો પોતે મેવાડ પાછી આવે એ પ્રસ્તાવ સાથે પણ હૃદયમાં દ્વારિકાત્યાગના નિર્ણય સાથે મંદિરના ગર્ભદ્વારમાં પ્રવેશ કર્યો અને એકાંતમાં દ્વારિકામાં પોતાનું જીવનકાર્ય પૂર્ણ થયું છે એના પ્રતીક રૂપે સંન્યાસિનીનાં વસ્ત્રો કૃષ્ણની મૂર્તિ સમક્ષ અર્પણ કરીને અજ્ઞાતવાસનાં વસ્ત્રો ધારણ કરીને દ્વારિકાત્યાગ કર્યો. જનશ્રુતિમાં એમ છે કે દ્વારિકામાં મીરાં કૃષ્ણની મૂર્તિમાં ચમત્કારથી સાયુજ્ય મુક્તિ પામી હતી. જ્યારે બ્રાહ્મણોએ જાણ્યું કે મીરાંએ દ્વારિકાત્યાગ કર્યો છે ત્યારે તેમણે ઉદયસિંહના રોષથી બચવા માટે મીરાં તો કૃષ્ણની મૂર્તિમાં ચમત્કારથી સાયુજ્ય મુક્તિ પામી છે એવો પ્રચાર કર્યો હોય. ૧૫૪૬માં દ્વારિકાત્યાગ પછી ૧૫૬૩-૬૫માં અવસાન લગી મીરાં અજ્ઞાતવાસમાં અદૃશ્ય હતી, એણે પોતાનો સમસ્ત ભૂતકાળ ભૂંસ્યો હતો, પોતાનું સમગ્ર વ્યક્તિત્વ લોપ્યું હતું. આ જ સાચી સાયુજ્ય મુક્તિ. આ જ ચમત્કાર. એક પ્રસિદ્ધ અને લોકપ્રિય મનુષ્ય જીવનનાં અંતિમ વીસેક જેટલાં વર્ષો આમ અજ્ઞાતવાસમાં જીવે એ મુક્તિની મુક્તિ છે, ચમત્કારોનો ચમત્કાર છે. મીરાંએ ત્રણ ભાષામાં પદો રચ્યાં હોય તો એણે ગુજરાતી ભાષામાં કેટલાંક પદોનું આ સમયમાં સર્જન કર્યું. ૧૫૪૬થી લગભગ ૧૫૫૬ લગી દસેક વર્ષ મીરાં દક્ષિણ ભારતની યાત્રાએ હોય. હવે એ દ્વારિકાથી પણ દૂર જાય તો નિરુપદ્રવ જીવન જીવવું શક્ય છે, અજ્ઞાતવાસ શક્ય છે એમ એને લાગ્યું હોય. ૧૫૫૬ની આસપાસ મીરાં પૂર્વ ભારતની યાત્રાએ હોય. પછી એણે ઉત્તર ભારતમાં પ્રવેશ કર્યો હોય. એ પ્રથમ બંધોગઢમાં આવીને વસી હોય. જનશ્રુતિમાં એમ છે કે તાનસેન, તુલસીદાસ, બિરબલ, માનસિંહ તથા અકબર અને મીરાંનું મિલન થયું હતું. બંધોગઢનો રાજા રામચન્દ્ર વાઘેલા કલારસિક હતો. એણે તાનસેનને રાજ્યગાયકપદ અર્પણ કર્યું હતું. વળી ચિત્રકૂટ બંધોગઢથી નિકટ હતું. અહીં તાનસેન તથા યુવાન તુલસીદાસ અને મીરાંનું મિલન થયું હોય. અંતે મીરાં અંબરમાં આવીને વસી હોય. અંબરનો રાજા ભગવાનદાસ આદર્શ ધર્મપ્રિય રાજા હતો. માનસિંહ એનો પાલકપુત્ર હતો. ૧૫૬૨ લગી બિરબલ એનો રાજકવિ હતો. અહીં માનસિંહ તથા બિરબલ અને મીરાંનું મિલન થયું હોય. માનસિંહ મીરાંના શિષ્ય જેવો હતો. ભગવાનદાસની બહેન પણ મીરાંની શિષ્યા જેવી હતી. એનું અકબર સાથે લગ્ન થયું અને ભગવાનદાસની પુત્રી જોધબાઈનું અકબરના પુત્ર સલીમ સાથે લગ્ન થયું અને એણે મીરાંની કલ્પનામાંની ‘જગતગોસાંઈની’નું બિરુદ ધારણ કર્યું એમાં મીરાંની પ્રેરણા હોય. ૧૫૬૨માં અકબર મોગલ શહેનશાહ તરીકે દિલ્હીના રાજ્યપદે આવ્યો. પછી તરત જ ગુપ્તવેશમાં અકબર અને મીરાંનું મિલન થયું હતું. ૧૫૬૩-૬૫માં પાંસઠ-સડસઠ વર્ષની વયે મીરાંનું અવસાન થયું. ભગવાનદાસ, માનસિંહ, અકબર જેવા રાજપુરુષોનું, બિરબલ જેવા કવિનું, તાનસેન જેવા સંગીતકારનું અને તુલસીદાસ જેવા સંતનું મીરાં સાથે મિલન થાય એમાં મીરાંની સર્વતોમુખી પ્રતિભાનું દર્શન થાય છે. એ સૌએ પછીથી જે મહાન જીવનકાર્ય કર્યું એમાં મીરાંની પ્રેરણા હોય. સૌથી વિશેષ તો અકબરે ૧૫૬૨માં મેડતા પર અને ૧૫૬૮માં મેવાડ પર વિજય પ્રાપ્ત કર્યો અને ભારતવર્ષની રાજકીય સામાજિક સ્થિરતાનું અને ધાર્મિક-આધ્યાત્મિક એકતાનું મીરાંનું સ્વપ્ન વાસ્તવરૂપે સિદ્ધ કર્યું. અકબરે ભારતવર્ષના ઇતિહાસમાં એક મહાન આદર્શરૂપ દીન-ઈ-ઇલાહીનું દર્શન પ્રગટ કર્યું એ દર્શન અકબરને મીરાંએ ભેટ ધર્યું હતું. મીરાં સંત હતી, પણ એનું જીવન સમકાલીન રાજકીય જીવન સાથે સંડોવાયું હતું. એણે સામાજિક, રાજકીય અને કંઈક ધાર્મિક ત્રાસનો અનુભવ કર્યો હતો. એથીયે વિશેષ તો એ ઉત્તર ભારતમાં અનેક મૃત્યુ, હત્યા, દેશવટા, જૌહર, આંતરવિગ્રહો, વારસાયુદ્ધો, આક્રમણો આદિ સમાજ અને રાજ્યની, સંસારની કરુણતાની કરુણામય સાક્ષી હતી. આ સૌ અનુભવો અને અનુભવોના મનનચિંતનના ફલ રૂપે મીરાંને આ દર્શન પ્રાપ્ત થયું હતું. ભારતવર્ષની સ્થિરતા અને એકતાનું આ દર્શન હતું. મૈત્રી, પ્રેમ અને શાંતિનું આ દર્શન હતું. આ દર્શન મીરાંની પૂર્વે મહાભારતના કૃષ્ણને હતું અને મીરાંની પછી આપણા યુગમાં મહાત્મા ગાંધીને હતું. મીરાં માત્ર સંત ન હતી, પણ કૃષ્ણ અને ગાંધીની જેમ ભારતવર્ષના ઇતિહાસની એક વિરલ વિભૂતિ હતી. ‘બાલા તે પણમાં પ્રીત બંધાઈ’, ‘આદ્ય વેરાગણ છું’, ‘હું તો બાળકુંવારી’ — મીરાંને નાનપણમાં જ પરમેશ્વરનું સહજ જ્ઞાન થયું હતું, પરમેશ્વરના પ્રેમનો સહસા અનુભવ થયો હતો. એમાં પરમેશ્વરે આરંભ કર્યો છે, એનું કર્તૃત્વ છે. એમાં પરમેશ્વર કર્તા છે, મીરાં કર્મણિરૂપ છે. આ પ્રેમ મીરાંએ કર્યો નથી, મીરાંને થયો છે; મીરાંએ શોધ્યો નથી, મીરાંને જડ્યો છે. આ પ્રેમ એક મહાન રહસ્યોદ્ઘાટન છે, મહાન અકસ્માત્ છે, મહાન ચમત્કાર છે. આ પ્રેમથી પરમેશ્વર કેવો તો પ્રસન્ન પ્રસન્ન છે. ‘રામ રમકડું જડિયું રે, મને રામ રમકડું જડિયું. 
રૂમઝૂમ કરતું મારે મંદિરે પધાર્યું, નહિ કોઈને હાથે ઘડિયું. 
મોટા મોટા મુનિજન મથીમથી થાક્યા, કોઈ વિરલાને હાથે ચડિયું. 
શૂન્ય શિખિરના રે ઘાટથી ઉપર, અગમ અગોચર નામ પડિયું 
મીરાંકે પ્રેમ ગિરધર નાગર, મારું મન શામળિયાશું જડિયું.’ પરમેશ્વર મનુષ્યને પ્રેમ કરવાનો આરંભ કરે છે પછી એનો અંત નથી. પછી એ અટકતો નથી, જંપતો નથી. પરમેશ્વર એક વાર પ્રેમ છેડે છે, મનુષ્યને છંછેડે છે પછી એને છોડતો નથી. પરમેશ્વરનો આ પ્રેમ મનુષ્યને આત્માથી દેહ લગી સર્વત્ર સંપૂર્ણ વ્યાપી વળે છે. આ પ્રેમ જાણે કોઈ અણકલ્પ્યું, અણચિંતવ્યું આક્રમણ ન હોય! પરમેશ્વર જાણે કોઈ ચોર, લૂંટારો, ધુતારો, ઠગારો, પારધી ન હોય! આ પ્રેમ જાણે કોઈ મોહ, માયા, મંત્ર, કામણ, ભૂરકી, મોહિની, સંમોહન ન હોય! પરમેશ્વર જાણે કોઈ જાદુગર ન હોય! આ પ્રેમ જાણે કોઈ તાંતણો અને દોરી — મૃદુ બંધન — જેવો કોમળ અને કોઈ બાણ, તીર, ભાલો અને કટારી — કઠોર શસ્ત્ર — જેવો ક્રૂર ન હોય! ‘પ્રેમની, પ્રેમની, પ્રેમની રે, મને વાગી કટારી પ્રેમની. 
જળ જમુનાનાં ભરવા ગયાં’તાં, હતી ગાગર માથે હેમની રે. 
કાચે તે તાંતણે હરિજીએ બાંધી, જેમ ખેંચે તેમ તેમની રે. 
મીરાંકે પ્રભુ ગિરિધર નાગર, શામળી સૂરત શુભ એમની રે.’ પરમેશ્વરમાં પૂર્ણતા અને ઐશ્વર્ય છે. એ જ્યારે મનુષ્યને પ્રેમ કરે છે ત્યારે પૂર્ણતાથી અને ઐશ્વર્યથી પ્રેમ કરે છે. પછી મનુષ્ય એમાંથી નાસી-ભાગી, છૂટી-છટકી શકે નહિ. એણે એનો સ્વીકાર-પુરસ્કાર કરવો જ રહ્યો. એથી મીરાં અને પરમેશ્વર વચ્ચેનો આ પ્રેમ એકપક્ષી નથી, દ્વિપક્ષી છે; એમાં અન્યોન્યતા છે, દાન-પ્રતિદાનની પારસ્પરિકતા છે. આ પ્રેમ ક્યારેક તો એવો અસહ્ય થાય છે કે મીરાં એથી અકળાય-અમળાય છે. એની સમક્ષ પોતે પરાધીન-પરતંત્ર છે. એ આ પ્રેમમાંથી મુક્તિ માટે પરમેશ્વરને પ્રાર્થના કરે છે. પણ આ પ્રેમમાંથી કદી મુક્તિ નથી, એક ક્ષણની પણ મુક્તિ નથી. એની સમક્ષ પોતે નિ:સહાય અને નિરાધાર છે. પ્રેમ થવો એ વસમું છે પણ પ્રેમ ન થવો એ એથીયે વધુ વસમું છે. ‘દવ તો લાગેલ ડુંગરમેં, કહોને હવે કેમ કરીએ? 
હાલવા જઈએ તો, વહાલા, હાલી ન શકીએ, 
બેસી રહીએ તો અમે બળી મરીએ રે. 
આ રે વસ્તીએ નથી ઠેકાણું રે, વહાલા, હેરી, 
પરવસ્તીની પાંખે અમે ફરીએ રે.’ મનુષ્ય પણ પરમેશ્વરને પ્રેમ કરવાનો આરંભ કરે છે પછી એનો અંત નથી, પછી એ અટકતો નથી, જંપતો નથી. પ્રાણાન્તે પણ એ પ્રેમને છોડતો નથી. વળી આ પ્રેમ તો પરમેશ્વરે સ્વયં સામેથી અર્પણ કર્યો છે. પરમેશ્વર અને પોતે જુગતી જોડી છે, પરમેશ્વર અને પોતાની વચ્ચે આ પ્રેમ સમતોલ અને સપ્રમાણ છે. આ પ્રેમથી મીરાં પણ કેવી તો પ્રસન્ન પ્રસન્ન છે. ‘ઉપાડી ગાંસડી વેઠની રે, કેમ નાંખી દેવાય? 
એ છે રણછોડરાય શેઠની રે, એ છે શામળશા શેઠની રે. 
 કેમ નાંખી દેવાય? 
ઊની ઊની રેતીમાં પગ બળે છે, લૂ વાય છે માસ જેઠની રે. 
 કેમ નાંખી દેવાય? 
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર! મને લગની લાગી છે ઠેઠની રે. 
 કેમ નાંખી દેવાય?’ આ પ્રેમમાં ક્યારેક સ્પર્ધા અને સંઘર્ષ જન્મે છે ત્યારે મીરાં ચિડાય છે. તો ક્યારેક પરમેશ્વર જાણે અણઘડ છે, અસંસ્કારી છે; એનામાં રુચિ નથી, રસિકતા નથી; એનાથી પ્રેમમાં ક્યાંક દોષ થાય છે, પ્રેમની રમતમાં કોઈ શરતનો ભંગ થાય છે એથી મીરાં એને ચીડવે પણ છે. મીરાં ક્યારેક પરમેશ્વર પ્રત્યે વાત્સલ્યભાવ અનુભવે છે અને એની બાલબુદ્ધિ માટે એને લાડ લડાવે છે. તો ક્યારેક એની શઠબુદ્ધિ માટે એને રોકડું પરખાવે પણ છે. તો વળી ક્યારેક એની આવી અકળ ગતિ અને વિચિત્ર મતિ પ્રત્યે ભય-શંકાથી ચમકીને એને ચીમકી પણ આપે છે. પરમેશ્વર બધું જ છે, સર્વ છે. પરમેશ્વર સિવાયનું જે કંઈ છે તે કંઈ જ નથી, શૂન્ય છે. સંસાર પ્રત્યે વૈરાગ્ય હતો એથી મીરાંને પરમેશ્વર પ્રત્યે રાગ નથી, પણ પરમેશ્વર પ્રત્યે રાગ હતો એથી મીરાંને સંસાર પ્રત્યે વૈરાગ્ય છે. એથી જ એણે લગ્ન, પતિ, પદ, પ્રતિષ્ઠા, ધન, સત્તા, કીર્તિ આદિ સર્વસ્વનો ત્યાગ કર્યો હતો, કુટુંબ, સમાજ, સ્વદેશનો ત્યાગ કર્યો હતો. માત્ર મેડતા-મેવાડ જ નહિ. વૃન્દાવન-દ્વારિકાનો પણ ત્યાગ કર્યો હતો. મીરાં પૃથ્વી પર સ્વેચ્છાએ નિર્વાસિત, ચિરનિર્વાસિત હતી. એ પરમેશ્વર નામના પ્રદેશની નાગરિક હતી.. પરમેશ્વર મીરાંનો સ્વદેશ હતો. એ કુલનાશીનું બિરુદ પામી હતી, બદનામી અને હાંસી પામી હતી. આ રજપૂતાણીએ ક્ષણેક્ષણનું જીવનભરનું જૌહર રચ્યું હતું, આ મેડતણીએ ક્ષણેક્ષણે, જીવનભર બળીને સતીત્વ પ્રગટ કર્યું હતું. પરમેશ્વર જ મીરાંની મિરાત, મોટી મિરાત — અને નિરાંત, મોટી નિરાંત પણ — હતી. ‘બોલ મા, બોલ મા, બોલ મા રે, 
 રાધાકૃષ્ણ વિના બીજું બોલ મા રે. 
સાકર શેલડીનો સ્વાદ તજીને કડવો તે લીમડો ઘોળ મા રે. 
ચાંદા-સૂરજનું તેજ તજીને આગિયા સંગાથે પ્રીત જોડ મા રે. 
હીરા માણેક ઝવેર તજીને કથીર સંગાથે મણિ તોલ મા રે. 
મીરાંકે પ્રભુ ગિરિધર નાગર શરીર આપ્યું સમતોલમાં રે.’ મુજ અબળાને મોટી મિરાત, બાઈ, 
 શામળો ઘરેણું મારે સાચું રે. 
વાળી ઘડાવું વિઠ્ઠલવર કેરી, હાર હરિનો મારે હૈયે રે. 
ચિનમાળી ચતુર્ભુજ ચૂડલો, શીદ સોની ઘેર જઈએ રે? 
ઝાંઝરિયાં જગજીવન કેરાં, કૃષ્ણજી કલ્લાં ને કાંબી રે. 
વિછુવા ઘુઘરા રામનારાયણ, અણવટ અંતર જામી રે. 
પેટી ઘડાવું પુરુષોત્તમ કેરી, ત્રિકમ નામનું તાળુ રે. 
કૂંચી કરાવું કરુણાનંદ કેરી, તેમાં ઘરેણું મારું ઘાલું રે. 
સાસરવાસો સજીને બેઠી હવે નથી કાંઈ કાચું રે. 
મીરાંકે પ્રભુ ગિરિધર નાગર હરિને ચરણે જાચું રે.’ વર તો વિઠ્ઠલવર, અવર તે અ-વર. આ વર અનન્ય અને અજર-અમર છે. એમાં મીરાંનું ચિરસદ્ભાગ્ય અને ચિરસૌભાગ્ય છે. મીરાં પરમેશ્વર પ્રત્યે એકધ્યાન-એકતાન છે, તન્મય-તલ્લીન છે, તદ્રૂપ-તદાકાર છે. એથી મીરાં ધન્ય ધન્ય છે : ‘મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા! 
મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું, 
મન મારું રહ્યું ન્યારું. 
સંસારીનું સુખ એવું, ઝાંઝવાના નીર જેવું, 
તેને તુચ્છ કરી ફરીએ રે. 
પરણું તો પ્રીતમ મારો, અખંડ સૌભાગ્ય મારો, 
રાંડવાનો ભય ટાળ્યો. 
મીરાંબાઈ બલિહારી, આશા મને એક તારી, 
હવે હું તો બડભાગી. ‘કોઈ માઘવ લ્યો, હાં રે માધવ લ્યો!’ વેચંતી વ્રજનારી રે. 
માધવને મટુકીમાં ઘાલી ગોપી લટકે-મટકે ચાલી રે. 
‘હાં રે ગોપી, ઘેલી શું બોલતી જાયે? માધવ મટુકીમાં નસમાયે.’ 
‘નવ માનો તો જુઓ ઉતારી!’ માંહી જુવે તો કુંજવિહારી.’ મીરાંમાં પ્રેમના અનુભવની તીવ્રતા છે એથી એનાં પદોમાં ભાવ અને રસની ઉગ્રતા છે. અન્ય સૌ સંતકવિઓનાં પદોમાં રાધા-કૃષ્ણના પ્રેમનું, મિલન-વિરહનું વર્ણન છે. એમાં રાધા-કૃષ્ણ બે પ્રેમપાત્રો છે, સંતકવિ પ્રેક્ષક-સાક્ષી છે, ત્રીજું પાત્ર છે. અન્ય સંતકવિઓ પુરુષો છે, એમના પુરુષત્વથી સભાન છે, એમનાં પદોમાં સ્ત્રીત્વ વિશેનો પ્રયત્ન છે. એથી એમનાં પદોમાં નરી માધુર્યભક્તિ છે, વિલાસ અને ઉન્માદ છે. મીરાંએ એકમાત્ર ગોપીભાવનો જ અનુભવ કર્યો છે, પોતે જ ગોપી છે, રાધા છે કૃષ્ણની પત્ની છે. મીરાંનાં પદોમાં કૃષ્ણ અને પોતે બે પ્રેમપાત્રો છે, પોતે જ બીજું પાત્ર છે; એમાં ત્રીજું પાત્ર જ નથી. મીરાં સ્ત્રી છે. એનાં પદોમાં મિલનનાં પદોથી વિશેષ સંખ્યામાં વિરહનાં પદો છે. મિલન માણવાનું હોય છે. વિરહ, એકલતાને કારણે, ગાવાનો હોય છે. મિલનની અભિવ્યક્તિથી વિરહની અભિવ્યક્તિમાં અનુભવની વિશેષ તીવ્રતા અને ભાવ અને રસની વિશેષ ઉગ્રતા હોય છે. એથી મીરાંનાં પદોમાં સુકુમાર, સુકોમલ, સહજ, સરલ સ્ત્રીહૃદયની તીવ્રતા અને ઉગ્રતા છે. એમાં માધુર્યભક્તિ છે, સ્વકીયાપ્રેમ છે, શૃંગાર છે, મિલન અને વિરહને કારણે સંભોગ શૃંગાર અને વિપ્રલંભ શૃંગાર છે. પણ એમાં રતિનો ભાવ માનુષી નથી, દિવ્ય છે, એથી એમાં શૃંગાર અંતે શાંત છે. વળી મીરાં પરમેશ્વરની પત્ની છે, પણ પત્નીથીયે વિશેષ પરમેશ્વરની દાસી છે. એથી એના પ્રેમમાં અધિકાર નથી, સેવા છે. મીરાંની ભક્તિ અંતે દાસ્યભક્તિ છે. એથી એમાં પ્રેમ છે, કામ નથી; શૃંગાર છે, વિલાસ નથી; ઉગ્રતા છે, ઉન્માદ નથી. એમાં સંકોચ અને સંયમ છે, શીલ અને મર્યાદા છે. મીરાં રહસ્યદર્શી છે. મીરાંનો અનુભવ પરમેશ્વરના અનુગ્રહરૂપ છે, સ્વયંભૂ-સ્વત:સિદ્ધ છે, સ્વજાત-સ્વખ્યાત છે; જન્મજન્માન્તરનો અનુભવ છે, પૂર્વજન્મની પ્રીત છે. એથી જ મીરાંએ સંપ્રદાય, પંથ, માર્ગ, મત, વાદ આદિ સૌ આશ્રયોનો ત્યાગ કર્યો હતો. અગ્નિથી અગ્નિ પ્રગટ થાય છે તેમ પરમેશ્વરના મીરાં પ્રત્યેના પ્રેમથી મીરાંનો પરમેશ્વર પ્રત્યેનો પ્રેમ પ્રગટ થયો છે. આ અનુભવ કર્મ, જ્ઞાન યોગથી અધિકતર છે. આ અનુભવ અનિર્વચનીય છે. ભજન-કીર્તન-શ્રવણ મીરાંની દિનચર્યાનું અંતર્ગત અંગ હતું. એથી આ અનુભવ શબ્દ રૂપે, પદ રૂપે આપોઆપ પ્રગટ કરવાનું થયું હતું. મીરાં સમકાલીન સંપ્રદાય આદિની પરિભાષાથી પરિચિત હતી. એણે એનાં પદોમાં ક્યારેક એનો નિ:સંકોચ ઉપયોગ કર્યો છે. એથી મીરાં કોઈ સંપ્રદાય આદિમાં હતી એમ સિદ્ધ ન થાય. સંપ્રદાય આદિના પદસંચયોમાં મીરાંનાં પદોનો ઉલ્લેખ નથી. મીરાં કોઈ સંપ્રદાય આદિમાં ન હતી, મીરાંને કોઈ સંપ્રદાય આદિ ન હતો. એ કોઈની શિષ્યા ન હતી, એને કોઈ શિષ્ય ન હતો. ‘મીરાં સુત જાયો નહિ, શિષ્ય ન મૂડ્યો કોઈ.’ મીરાંનાં પદોમાં કોઈ ખંડન-મંડન કે વાદ-પ્રતિવાદ નથી. મીરાંને સગુણ-નિર્ગુણ, સાકાર-નિરાકાર બન્નેનો અનુભવ છે. મીરાંનું દર્શન સંવાદ-સમન્વયનું દર્શન છે. મીરાં સૌ ભક્તિમાર્ગોથી, કૃષ્ણભક્તિમાર્ગથી પણ પર છે. મીરાંનો કૃષ્ણ ઐતિહાસિક કે પૌરાણિક કૃષ્ણ નથી, મહાભારતનો કે ભાગવતનો કૃષ્ણ નથી. મીરાંનો કૃષ્ણ એ મીરાંનો કૃષ્ણ છે. મીરાંની પ્રેમભક્તિનો ‘પેંડો ન્યારો’ છે. મીરાંનો પરમેશ્વર પંથમાં નથી, ગ્રંથમાં નથી; અરે, ગોકુલ, વૃન્દાવનમાં પણ નથી. મીરાંનો પરમેશ્વર તો છે મીરાંના હૃદયમાં. મીરાંએ લોકવાણીમાં એનાં પદોનું સર્જન કર્યું છે, ભજનકીર્તનશ્રવણની દિનચર્યાના અંગ રૂપે મૌખિક સર્જન કર્યું છે એથી એ હસ્તપ્રતમાં લિપિબદ્ધ ન હતાં, પણ પ્રજાની હૃદયપ્રતમાં અંકિત હતાં. સંપ્રદાયોના સંચયોમાં સંગૃહીત ન હતાં, પણ પ્રજાના કંઠમાં સંચિત હતાં. મીરાંએ એનાં પદો ત્રણ ભાષામાં કે જૂની પશ્ચિમી રાજસ્થાની — એક જ ભાષામાં રચ્યાં હોય પણ આજે જે સ્વરૂપમાં છે તે સ્વરૂપમાં તો નહિ જ રચ્યાં હોય.આજની ભાષાઓથી મીરાંના જીવનકાળની ભાષાઓ ભિન્ન હતી. એથી અસલ પદોની ભાષામાં અનિવાર્ય પરિવર્તન થયું છે. મીરાંનાં પદોનું લોકહૃદયમાં સ્થાન છે. એની સાક્ષરોથી માંડીને નિરક્ષરો લગી અપીલ છે. એની વાણી સરલ, સુન્દર, લલિત, કોમળ, મધુર અને રસિક છે. મીરાંનાં પદો જેટલાં લોકપ્રિય છે એટલાં ગુજરાતી ભાષાના કોઈ પણ કવિનાં પદો ભાગ્યે જ લોકપ્રિય હશે. મીરાંનાં પદો ગુજરાતમાં જ નહિ, સમગ્ર ભારતમાં લોકપ્રિય છે, આવી અખિલ ભારતીય લોકપ્રિયતા ભાગ્યે જ ભારતના અન્ય કોઈ કવિનાં પદોને વરી હશે. મીરાંનાં કુલ ચૌદસો પદો અસ્તિત્વમાં છે, ગુજરાતી ભાષામાં — શંકાસ્પદ પદો સહિત — કુલ ચારસો પદો અસ્તિત્વમાં છે. મીરાંનાં પદો પરમેશ્વર સાથેના એના અંગત આત્મીય સંબંધ વિશેની સ્વગતોક્તિરૂપ છે, એકાન્ત સંવાદરૂપ છે. એથી એ લઘુકાય છે. અન્ય મનુષ્યો સાથેના સંઘર્ષનાં પદો, વ્યવહારજીવનની વિષમતાનાં પદો, વૈયક્તિક જીવનની વિષમતાનાં પદો મીરાં ન રચે. જે મનુષ્ય પછી પોતાનો સમસ્ત ભૂતકાળ ભૂંસે, પોતાનું સમગ્ર વ્યક્તિત્વ લોપે એ આત્મકથાનાં પદો રચે? પરનિંદા, તિરસ્કાર, ચમત્કાર, આત્મદયાનાં પદો તો ન જ ન જ રચે. ફારસી શબ્દ ‘મીર’નો અર્થ છે પરમેશ્વર, અગ્રણી, અમીર. સંસ્કૃત શબ્દ ‘મીરાં’નો અર્થ છે સૂર્ય, સમુદ્ર. ફારસી શબ્દ ‘મીરાંબાઈ’નો જ પરમેશ્વરની પત્ની એવો અર્થ થાય. તો ફારસી શબ્દમાં દૂદાજીના વૈષ્ણવધર્મી રાજકુટુંબમાં મીરાંનું અસલ નામ હોય? પણ એનાં પદોમાં ‘છાપ’રૂપે ‘મીરાં’ શબ્દનો એણે પોતે જ ઉલ્લેખ કર્યો છે. એથી ‘મીરાં’ એનું અસલ નામ હોય કે ઉપનામ હોય, પણ એ મીરાંને સ્વીકૃત છે. મીરાંનાં પદોની રચનાસાલ માટે કોઈ આધાર નથી, એનો ક્રમ નિશ્ચિત નથી. પણ એમાં પરમેશ્વર જ એકમાત્ર વસ્તુવિષય છે એથી રચનાસાલ કે ક્રમ એ મહત્ત્વનો પ્રશ્ર નથી. છતાં એણે વિરહનાં પદો પ્રથમ રચ્યાં હશે અને મિલનનાં પદો પછી રચ્યાં હશે. મીરાંનાં પદોમાં માત્ર પરમેશ્વરનાં ચિત્રો છે. એમાં પ્રકૃતિનું વર્ણન માત્ર છે, મિલનવિરહને કારણે સવિશેષ વસંતવર્ષાનું, ફાગણશ્રાવણનું. પણ તે પરમેશ્વરના પ્રેમના અનુભવની પૂર્વભૂમિકા રૂપે જ. મીરાં મરુભૂમિનું સંતાન છે. એથી સંસારનો અનુભવ લૂ, રેતી અને મૃગજળનાં પ્રતીકો દ્વારા અને પરમેશ્વરનો અનુભવ અમૃતજલના પ્રતીક દ્વારા પ્રગટ થાય છે. કામદેવના ધનુષ્યના પ્રતીકની પરંપરાને કારણે નહિ પણ યુદ્ધકળાનું શિક્ષણ પામી હતી, યુદ્ધો અને હત્યાઓની સાક્ષી હતી એ કારણે પરમેશ્વરનો પ્રેમ બાણ, તીર, ભાલો, કટારી — શસ્ત્રોનાં પ્રતીકો દ્વારા પ્રગટ થાય છે. મીરાં રાજવંશી છે, નાગરિકા છે. એથી એનો પરમેશ્વર રાજા છે, નાગર છે. એથી મીરાંના માનસમાં રુક્ષતા કે રોંચાપણું નથી, એનામાં રુચિ અને રસિકતા છે. એનામાં સૌજન્ય, શીલતા, ભદ્રતા, કુલીનતા, ઉદારતા, પ્રશિષ્ટતા છે. એનું શિક્ષિત, સંસ્કારી, સંસ્કૃત માનસ છે. એનામાં માનસની અમીરાઈ છે. ‘બોલે ઝીણા મોર, રાજા! 
 તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર રે. 
મોર હી બોલે, બપૈયા હી બોલે, કોયલ કરે કલશોર રે. 
માઝમ રાતે ભલી વીજળી ચમકે, બાદલ હુઆ ઘનઘોર રે. 
ઝરમર ઝરઝર મેહુલો વરસે, ભીંજે મારા સાળુડાની કોર રે. 
બાઈ મીરાંકે પ્રભુ ગિરિધર નાગર, 
 તું તો મારા ચિત્તડાનો ચોર રે.’ મીરાંનાં પદોમાં બુદ્ધિનો અભાવ નથી, પણ એમાં માત્ર બુદ્ધિનો પ્રભાવ પણ નથી; માત્ર બુદ્ધિ નથી, માત્ર બુદ્ધિનું સર્જન નથી; સારગ્રાહિતા, જ્ઞાનગુહ્યતા, વિદ્વત્તા — બુદ્ધિનાં પ્રસિદ્ધ લક્ષણો નથી. એમાં વિશેષ તો હૃદય છે, હૃદયનું સર્જન છે; ભાવ, રસ, પ્રેમભક્તિ — હૃદયનાં પ્રસિદ્ધ લક્ષણો છે. મીરાંનાં પદો કષ્ટસાધ્ય કે શ્રમસાધ્ય નથી. એમાં સહજ, સહસા સ્વયંસ્ફુરણા છે. એનું એકેએક પદ સ્વભાવોક્તિ છે. એમાં જે અન્ય અલંકારો છે તે આ મુખ્ય અલંકારમાં અંતર્ગત અલંકારો છે. એમાં પરમેશ્વર જ એકમાત્ર વસ્તુવિષય છે. એમાં વિવિધતા નથી, પણ ગહનતા છે. એમાં ક્યારેક દ્રુત, ક્યારેક વિલંબિત ગતિ અને પ્રવાહી, ભાવવાહી લય છે. શૈલીસ્વરૂપમાં મીરાંનું એકેએક પદ સર્વાંગસંપૂર્ણ અને સાદ્યંતસુન્દર છે. એમાં કાવ્યમયતા, કલામયતા છે. ‘ખૂણે બેસીને મેં તો ઝીણું રે કાંત્યું, નથી રાખ્યું કંઈ કાચું રે’. મીરાંનું એકેએક પદ સંગીતક્ષમ, સંગીતમય છે. એમાં ગીતસંગીતનું અદ્વૈત છે. સંગીત વિના એનું અસ્તિત્વ કલ્પી શકાતું નથી. કોઈ સુબ્બલક્ષ્મીને કંઠેથી એ પ્રગટ થાય છે ત્યારે એનું પૂર્ણરૂપ-સ્વરૂપ, એની પૂર્ણ ધાર્મિક-આધ્યાત્મિક પ્રતિભા, એનું અલૌકિક-દિવ્ય સૌંદર્ય પ્રગટ થાય છે. ગાંધીજીએ એમના અંતિમ જન્મદિને સુબ્બલક્ષ્મીને કંઠે ‘હરિ તુમ હરો જનકી ભીર’ પદ આગ્રહપૂર્વક સાંભળ્યું ત્યારે જ એમને સંપૂર્ણ સંતોષ થયો હતો. વિશ્વકવિતામાં લેસ્બસની સાફોના માનુષી પ્રેમની કવિતાનું જે સ્થાન તે જ મીરાંની દિવ્ય પ્રેમની કવિતાનું સ્થાન. વિશ્વકવિતામાં કવિતાના અનેક રાજમાર્ગો અને ઉપમાર્ગો છે પણ મીરાંની કવિતાનો ‘પેંડો ન્યારો’ છે. ૧૯૬૬માં ન્યૂયૉર્કમાં રાષ્ટ્રસંઘની સામાન્ય સભા સમક્ષ સુબ્બલક્ષ્મીએ મીરાંનું ‘હરિ તુમ હરો જનકી ભીર’ પદ ગાયું હતું. મીરાંના જીવનનો અને મીરાંની કવિતાનો આપણા યુગમાં કે કોઈ પણ યુગમાં અનિર્વચનીય અર્થ છે અને એનું મહાન મૂલ્ય છે. મીરાં માત્ર મેડતા કે મેવાડની મરુભૂમિમાં નહિ પણ સારાયે સંસારની મરુભૂમિમાં ધવલોજ્જ્વલ અગ્નિજ્વાલા છે. ગાંધીજીએ ૧૯૨૪માં એક સંવાદમાં મીરાં અને મીરાંનાં પદ વિશે કહ્યું હતું,‘Mira’s songs are always beautiful, They are so moving because they are so genuine. Mira sang because she could not help singing. Her songs well forth straight from the heart  —  ike a spray. They were not composed for the lure of fame or popular applause as are some other’s songs. There lies the se-cret of her lasting appeal.’(મીરાંનાં પદ હંમેશાં સુન્દર લાગે છે. એ બહુ હૃદયદ્રાવક છે કારણ કે એ સાચાં છે. મીરાંએ એનાથી ગાયા વિના નથી રહેવાયું એથી ગાયું છે. એનાં પદ સીધાં હૃદયમાંથી ફૂટે છે — ફુવારાની જેમ. અન્ય કેટલાંકનાં પદની જેમ એનાં પદ કીર્તિ માટે કે લોકપ્રિયતા માટે રચાયાં નથી. એમાં એની હંમેશની અપીલનું રહસ્ય છે.)

૧૯૭૬


*