સ્વાધ્યાયલોક—૬/આઠમા દાયકાનું ગુજરાતી સાહિત્ય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


આઠમા દાયકાનું ગુજરાતી સાહિત્ય

‘વિકાસનો દાયકો’ એ શીર્ષકથી આઠમા દાયકામાં ગુજરાતમાં જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં જે વિકાસ થયો છે એ વિશેની લેખમાળામાં, મને સાહિત્યના ક્ષેત્રમાં જે વિકાસ થયો છે એ વિશે આ લેખમાં સર્વેક્ષણ કરવાનું કહેવામાં આવ્યું છે. આ શીર્ષકમાં ‘વિકાસ’ શબ્દ એ પત્રકારત્વની વ્યૂહરચના છે. અહીં આ શબ્દમાં વિજ્ઞાનથી માંડીને સાહિત્ય લગીનાં અનેક ક્ષેત્રોના એક વ્યાપક જીવનવિસ્તારનું સૂચન છે. જેને સાહિત્યના ક્ષેત્રનું સર્વેક્ષણ કરવાનું હોય એણે વિજ્ઞાનના વિકાસથી સાહિત્યનો વિકાસ ભિન્ન છે એ વાચકને ગેરસમજ ન થાય એ માટે, આરંભે જ સ્પષ્ટ કરવું અનિવાર્ય હોય. વિજ્ઞાનમાં વિકાસ હોય અથવા જૈસે-થે હોય, પણ કદી વિનિપાત ન હોય. સાહિત્યમાં વિકાસ હોય અથવા વિનિપાત હોય, પણ કદી જૈસે-થે ન હોય. અહીં હવે તરત જ અફસોસ વિના એકરાર કરવો જોઈએ કે પ્રસ્તુત દાયકામાં સાહિત્યના ક્ષેત્રમાં વિકાસ થયો છે એવું વિધાન કરવાનું શક્ય નથી. કારણ કે પ્રસ્તુત દાયકામાં સાહિત્યનાં વિવિધ સ્વરૂપોમાં જે સિદ્ધિ છે એની અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં, તે પૂર્વેના દાયકાઓમાં સાહિત્યનાં વિવિધ સ્વરૂપોમાં જે સિદ્ધ છે એની સાથે તુલના કરવાથી વિકાસનું નહિ પણ વિનિપાતનું દર્શન થાય છે. એથી યે વિશેષ તો પ્રસ્તુત દાયકામાં કોઈ નવી પ્રતિભાનું આગમન થયું હોય અથવા થવાનું હોય એવું પણ દર્શન થતું નથી. જોકે વ્યક્તિગત સર્જકો અને વિવિધ સ્વરૂપોમાં — સવિશેષ કવિતા અને નવલકથાનાં સ્વરૂપોમાં — એમની સિદ્ધિઓ પર દૃષ્ટિ કરવામાં આવે તો કંઈક ભિન્ન એવું દર્શન થાય છે, તો વિકાસનું દર્શન થાય છે. આ સૌ સર્જકોએ પૂર્વેના દાયકાઓમાં લખવાનો આરંભ કર્યો હતો, મોટા ભાગના લેખકોએ છઠ્ઠા દાયકામાં અને અન્ય લેખકોએ તો એથી પણ પૂર્વેના ત્રીજા અને ચોથા દાયકામાં. એમાંથી કોઈ પણ સર્જકની આઠમા દાયકાની સિદ્ધિની એની જ પૂર્વેના દાયકાઓની સિદ્ધિ સાથે તુલના કરવાથી પણ લગભગ સૌ સર્જકોના સાહિત્યમાં નિ:શંકપણે વિકાસનું દર્શન થાય છે. ચોથા અને પાંચમા દાયકાના કવિઓ રોમૅન્ટિક કવિઓ છે એવું ન્યાયપૂર્વક કહી શકાય. છઠ્ઠા અને સાતમા દાયકાના કવિઓ આધુનિક કવિઓ છે એ એટલું જ ન્યાયપૂર્વક કહી શકાય. એ સૌએ આઠમા દાયકામાં કવિતા લખવાનું અને એમના કાવ્યસંગ્રહો પ્રગટ કરવાનું ચાલુ રાખ્યું છે, એમણે પૂર્વેની સિદ્ધિઓમાં પ્રયોગો અને પરિવર્તનો દ્વારા વૃદ્ધિ કરી છે, રોમૅન્ટિક કવિઓએ શૈલીસ્વરૂપમાં નવા લયો અને નવા આકારો દ્વારા તથા આધુનિક કવિઓએ વસ્તુવિષયમાં નવા વિચારો અને નવાં કલ્પનો દ્વારા. રાવજી પટેલ એક વિશિષ્ટ ઘટનારૂપ હતા. ૧૯૬૮માં એમનું અવસાન એ ગુજરાતી કવિતા પર એક મોટા આઘાતરૂપ હતું. ૧૯૭૦માં એમના કાવ્યસંગ્રહ ‘અંગત’નું મરણોત્તર પ્રકાશન થયું હતું. એમનામાં ગ્રામપ્રદેશનો અનુભવ છે, ગ્રામપ્રદેશનાં કલ્પનો છે, બોલચાલની ભાષા છે, લોકગીતોના લયો છે. પણ એમનામાં સુસંસ્કારી નગરજનની સંવેદના છે. આ વિરોધાભાસને કારણે એમની કવિતામાં પ્રક્ષોભ છે અને એને પરિણામે એમાં સ્મૃતિબદ્ધતા (nostalgia) છે. એથી એમની કવિતામાં અનિરુદ્ધ પણ અન્-અનુકરણીય એવું આકર્ષણ રહ્યું છે. ગુજરાતમાં — જેમ અન્યત્ર — સેવાલોલુપો અને સત્તાલોલુપોએ એમની નૈતિક અને ભૌતિક લાલસાઓને કારણે સત્ય, અહિંસા, પ્રેમ, શાંતિ, લોકશાહી, સમાજવાદ જેવા ભવ્ય શબ્દોને ભ્રષ્ટ કર્યા છે, પવિત્ર શબ્દોને અપવિત્ર કર્યા છે, અમૂલ્ય શબ્દોનું અવમૂલ્યન કર્યું છે, અર્થપૂર્ણ શબ્દોનો અનર્થ કર્યો છે એથી આજે કવિ શબ્દ શોધે છે. ભવ્ય, પવિત્ર, મૂલ્યપૂર્ણ અને અર્થપૂર્ણ શબ્દ શોધે છે. અને કવિ જ્યારે આવો શબ્દ શોધે છે ત્યારે એ પોતાનું અને મનુષ્ય માત્રનું મૂલ્ય, વ્યક્તિત્વ, ગૌરવ અને સ્વયં અસ્તિત્વ શોધે છે, અર્થપૂર્ણ અસ્તિ શોધે છે, સર્વસ્વ શોધે છે. ત્યારે કવિ અસંખ્ય શબ્દો પર અસંખ્ય પ્રકારે આઘાત કરે છે. કારણ કે ત્યારે કવિ જે સ્વયં સત્ય હોય એવો શબ્દ શોધે છે. આ અનુભવ લાભશંકર ઠાકરની કવિતામાં — એમના ત્રણ કાવ્યસંગ્રહો ‘માણસની વાત’, ‘મારા નામને દરવાજે’ અને ‘બૂમ કાગળમાં કોરા’ — માં અભિવ્યક્તિ પામ્યો છે. આજે મનુષ્ય પરમેશ્વર અને અન્ય મનુષ્યોથી જ નહિ પણ સ્વયં પોતાનાથી પણ છૂટો-વિખૂટો થયો છે. આજે એની દ્વિગુણ એકલતા છે. એ શીર્ણવિશીર્ણ થયો છે. છિન્નભિન્ન થયો છે. આ અનુભવ સિતાંશુ યશશ્ચન્દ્રની કવિતામાં — એમના કાવ્યસંગ્રહ ‘ઑડિસ્યૂસનું હલેસું’માં અભિવ્યક્તિ પામ્યો છે. જેમાં મનુષ્ય અન્ય મનુષ્યોથી છૂટો-વિખૂટો હોય અને જેમાં કવિ શબ્દ દ્વારા કંઈક શોધે, જેમાં કવિ કરુણ યુગનાટકનો પ્રેક્ષક હોય તે આધુનિક કવિતા. પણ જેમાં મનુષ્ય સ્વયં પોતાથી પણ છૂટો-વિખૂટો હોય, જેમાં કવિ શબ્દમાં કંઈક શોધે, જેમાં કવિ કરુણ યુગનાટકમાં પાત્ર હોય તે અદ્યતન કવિતા. આ અર્થમાં લાભશંકર ઠાકર અને સિતાંશુ યશશ્ચન્દ્રની કવિતા એ અતિઆધુનિક કવિતા છે, અદ્યતન કવિતા છે. આ કવિતા એ આઠમા દાયકામાં ગુજરાતી સાહિત્યની સર્વશ્રેષ્ઠ સિદ્ધિ છે. નવલકથાના અરૂઢ સ્વરૂપમાં — પ્રતિ-નવલકથાના સ્વરૂપમાં સુરેશ જોષી, શ્રીકાન્ત શાહ, મુકુન્દ પરીખ અને રાધેશ્યામ શર્માએ માર્મિક પ્રયોગો કર્યા છે. એમણે કથાવસ્તુનો નિ:શેષ પરિહાર કર્યો છે એવું નથી (જોકે તેઓ પોતે એવું માનવાનો અને અન્યને એવું મનાવવાનો આત્મવંચનાનો પ્રયોગ કરી રહ્યા છે). પણ એટલું તો નિશ્ચિત છે કે એમણે કથાવસ્તુકેન્દ્રિત પરંપરાગત નવલકથા વિરુદ્ધ પ્રબળ વિદ્રોહ કર્યો છે. જ્યારે નવલકથાનું નીરસ એવાં સામાજિક સૂત્રોના સંચયમાં અથવા અશ્લીલ એવા સરકારી માહિતી ખાતાના અહેવાલમાં અધ:પતન થાય ત્યારે આ નવા પ્રકારની નવલકથામાં, પ્રતિ-નવલકથામાં આ વિષનું અનુપાન છે. આ નવલકથામાં બાહ્ય જગતમાં લગભગ કશું જ બનતું નથી — બલકે એમાં બાહ્ય જગત જેવું કંઈ છે જ નહિ. એમાં છે માત્ર આંતરજગત, આંતરિકતા, એમાં જે કંઈ બને છે તે ચિત્તમાં, સ્મૃતિમાં, માનસલોકમાં જ બને છે. આ નવલકથાના નાયકમાં નિ:સંગતા અને નિર્વેદ હોય છે, નિષ્ક્રિયતા અને નીરવતા હોય છે. એનામાં નાયકનું, ધીરોદાત્ત નાયકનું શૌર્ય-વીર્ય નથી, નાયક-ત્વ નથી. એ અર્થમાં એ પ્રતિ-નાયક છે. આ અસ્તિત્વવાદી અનુભવ દ્વારા નવલકથાને આધ્યાત્મિક પરિમાણ પ્રાપ્ત થાય છે. એથી આ નવલકથામાં ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં ફ્રાંસમાં જેનો જન્મ થયો હતો તે આંતરચેતનાના પ્રવાહની અને આંતરિક એકોક્તિની ટેક્નિકનો ઉપયોગ થાય છે. એમાં જ્ઞાનમાર્ગી (મેટાફિઝિકલ) અને પ્રતીકવાદી કવિતાનું નવલકથાન્તર થયું છે. એમાં કવિતાની ભાષા અને પદાવલિ, કવિતાનાં કલ્પનો અને લયોનો ઉપયોગ થાય છે. આ કાવ્યસ્વરૂપ નવલકથા છે; નવલકથા તરીકે એ લઘુનવલ છે, પણ કાવ્ય તરીકે એ ગદ્યમાં દીર્ઘ ઊર્મિકાવ્ય છે. જોકે આઠમા દાયકામાં મુખ્ય સિદ્ધિ તો પ્રતિ-નવલકથાના સ્વરૂપમાં નહિ, પણ પરંપરાગત નવલકથા — ઐતિહાસિક અને પ્રાદેશિક નવલકથા – ના સ્વરૂપમાં છે, મનુભાઈ પંચોળી,‘દર્શકે’ પૂર્વેના દાયકાઓમાં ત્રણ ઐતિહાસિક નવલકથાઓ લખી હતી અને એમાં કાલ્પનિક પાત્રોનું સર્જન કર્યું હતું. ‘સૉક્રેટીસ’ એમની પૂર્વેની સૌ નવલકથાઓને અતિક્રમી જાય છે. આ નવલકથામાં એમણે પ્રથમ વાર જ ઐતિહાસિક પાત્રનું સર્જન કર્યું છે, અને એક મુખ્ય કાલ્પનિક પાત્ર મીડિયા સાથે એનો સંબંધ સ્થાપ્યો છે. નવલકથાકાર ગાંધીવાદી સમાજસેવક અને સક્રિય રાજપુરુષ છે. એથી એમનામાં જે સર્જક-કલાકાર છે એના માર્ગમાં ડગલે ને પગલે ઉપદેશક અને પ્રચારકનાં પ્રલોભનો અને મિથ્યાવચનોનાં અનેક વિઘ્નો છે. આ નવલકથામાં સૉક્રેટીસના જીવનચરિત્રનું જે નિરૂપણ છે, ગ્રીક ઇતિહાસનું જે અર્થઘટન છે, ઇતિહાસની હકીકતો પ્રત્યે એમનું જે વલણ છે એ સૌ વિશે વિવાદ કે વિરોધ કરવો શક્ય છે. પણ એ કબૂલ કરવું રહ્યું કે મુખ્યત્વે બે સ્ત્રીપાત્રો — મીડિયા અને એસ્પેશિયા — દ્વારા સૉક્રેટીસના વ્યક્તિત્વની માર્મિકતા અને એમના યુગનો મિજાજ જ પ્રગટ કરવામાં એ મહદ્ અંશે સફળ રહ્યા છે. એમાંનાં આ ત્રણ મુખ્ય પાત્રો જાણે કે સત્ય, સૌંદર્ય અને પ્રેમનાં પ્રતીકો છે. સત્યની વ્યાખ્યા કરવી અશક્ય છે. પણ ગ્રીક પ્રજાએ — બલકે એક સર્વશ્રેષ્ઠ ગ્રીક પ્રજાજને — સૉક્રેટીસે — બે જ શબ્દોમાં સત્યની વ્યાખ્યા જેવું કંઈક પ્રગટ કર્યું છે : ડહાપણ અને આપ-ઓળખ. આ સત્ય એ આ નવલકથાનો પ્રાણ છે. આ નવલકથામાં શૈલી અને પ્રતીકની સિદ્ધિ છે. એમાં વર્ણનની અસાધારણ શક્તિ છે અને ઊર્મિની ઉત્કટતા છે. એથી એ વાચકને સૌંદર્યના, ભાષાના સૌંદર્યના પ્રદેશનું દર્શન કરાવી શકે છે. સૉક્રેટીસ બૌદ્ધિક હતા, ઉત્તમ બૌદ્ધિક હતા. એ બૌદ્ધિકતામાં એકમેવ-અદ્વિતીયમ્ (sui generis) હતા. આ નવલકથામાં આ બૌદ્ધિકનું દર્શન થતું નથી. એમને ઍથેન્સમાંથી ગાંધીવાદી આદર્શનગરમાં નિર્વાસન કરાવવામાં આવ્યું છે. કદાચ આ નવલકથા શબ્દના પૂરા અર્થમાં ઐતિહાસિક નવલકથા નથી. આ નવલકથા ઐતિહાસિક નવલકથા હોય કે ન હોય, પણ આ એક સીધી, સાદી, સરલ નવલકથા છે. અને એમાં જે સૌંદર્ય અને પ્રેમ છે એને કારણે આ એક અત્યંત માનવીય નવલકથા છે. પણ રઘુવીર ચૌધરીની નવલત્રયી — ‘ઉપરવાસ’, ‘સહવાસ’ અને ‘અંતરવાસ’ — આઠમા દાયકાના ગુજરાતી સાહિત્યમાં સૌથી મોટી ઘટના છે. આ પ્રાદેશિક નવલકથા છે. એનું સ્થળ છે ઉત્તર ગુજરાતમાં સાબરમતી નદીની નિકટના પ્રદેશમાં એક કાલ્પનિક ગામ, સોમપુરા. એનો સમય છે ૧૯૪૭-૧૯૭૨ — ભારતના સ્વાતંત્ર્ય પછીની પા સદી. નવલકથાકારનો જન્મ પણ આ જ પ્રદેશમાં થયો છે. એથી આ સ્થળને નવલકથાકારના અંગત જીવન સાથે અનિવાર્ય સંબંધ છે અને આ સમય પણ ભારતના ઇતિહાસનો માર્મિક અને સૂચક સમય છે. આ મહાકાય કૃતિના કેન્દ્રમાં ગ્રામીણ સમાજ છે, એક સમગ્ર જાતિ છે અને એક પેટાજાતિ — આંજણા — છે (બલકે ત્રણ કુટુંબો છે, અને પ્રત્યેક કુટુંબની ત્રણ પેઢી છે). પણ અંતે તો નવલકથાકારે થોડાંક જ પાત્રો પર, અલ્પસંખ્ય મનુષ્યો પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આઠમા દાયકામાં ટૂંકી વારતાના અનેક સર્જકો પ્રવૃત્ત હતા. એમણે પૂર્વેના દાયકાઓની પરંપરાગત ટૂંકી વારતાનો સંપૂર્ણ પરિહાર કર્યો છે અને ટૂંકી વારતા આધુનિક કવિતા અને પ્રતિ-નવલકથાની સમાન્તર રહી છે. એમાં આધુનિક મનુષ્ય પ્રતિ-નાયક રૂપે પ્રગટ થાય છે. એનો ચહેરા વિનાનો ચહેરો છે. એ લાફોર્ગનો પિયેરો છે. આજનો વારતાકાર તીવ્રપણે સભાન છે. એ કટાક્ષ, હાસ્ય, ચાતુર્ય અને અલિપ્તતા દ્વારા ટૂંકી વારતાનું સર્જન કરે છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં નિબંધ એ એક અતિ સમૃદ્ધ અને સધ્ધર એવું સ્વરૂપ છે. ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં બે સંસ્કૃતિઓના સમન્વય દ્વારા જેમની પ્રગલ્ભ બૌદ્ધિક ચેતના પ્રગટી હતી એવા કેટલાક વિદ્વાનો અને વિચારકોની અભિવ્યક્તિનું એક માત્ર સાધન હતું નિબંધ. એથી એ અત્યંત સમૃદ્ધ અને સધ્ધર થયું હતું. પણ ત્યારે નિબંધનો માત્ર ચિન્તનાત્મક અને વિવેચનાત્મક નિબંધ તરીકે જ એકાંગી વિકાસ થયો હતો. એની તુલનામાં અંગત નિબંધ ઉપેક્ષા પામ્યો હતો. આઠમા દાયકામાં આ અંતર ઓછું થયું છે. સ્વામી આનંદ આમ તો જૂની પેઢીના લેખક છે. જેમનું ‘હું-લેખક-નથી-નથી’ એવું સતત રટણ હોય છતાં એ લેખક હોય એવા એ લેખક છે. એ પોતાને તો લેખક ન કહે પણ અન્ય કોઈ પણ એમને લેખક કહે તો એમને રોષ થતો હતો. એમનાં લખાણોનું પ્રકાશન પોતે તો ન કરે પણ અન્ય કોઈ પણ ન કરી શકે. સદ્ભાગ્યે હમણાં હમણાં એમના આયુષ્યના અંતિમ દિનોમાં એમણે પ્રકાશનની સંમતિ આપી હતી. આઠમા દાયકામાં એમના અંગત નિબંધોના ત્રણ સંગ્રહો પ્રગટ થયા છે : ‘નવલાં દર્શન’, ‘ધરતીનું લૂણ’ અને ‘નઘરોળ’. આ ત્રણ સંગ્રહોમાંથી પસંદગીના નિબંધો અને અન્ય નિબંધોનો એક વધુ સંગ્રહ ‘ધરતીની આરતી’નું મરણોત્તર પ્રકાશન થયું છે. લેખક ગાંધીવાદી છે. એમના નિબંધોમાં એમના આગ્રહો, અત્યાગ્રહો; એમની આક્રમકતા, એમનું પ્રબળ વ્યક્તિત્વ, એમનું એટલું જ પ્રબળ દૃષ્ટિબિંદુ, ઝનૂનની કક્ષા લગીનો એમનો ભાવાવેશ પ્રગટ થાય છે. એથી, અથવા એ છતાં, આ નિબંધો અત્યંત આસ્વાદ્ય છે, આહ્લાદક છે. એમાં પ્રેમ અને ઉષ્માનાં માનવીય મૂલ્યો છે. એમની તીક્ષ્ણ નિરીક્ષણશક્તિ દ્વારા એમની અન્-અનુકરણીય શૈલીમાં, એમની બોલચાલની તળપદી છટાઓમાં એ હૂબહૂ, તાદૃશ ચિત્રો અને રેખાચિત્રો સર્જી શકે છે. ક્યારેક એ શૈલીદાસ્યમાં સરી જાય છે. પણ એકંદરે એ એમના ગદ્યના સૌંદર્યમાં અને એમના વ્યક્તિત્વની મોહકતામાં વૃદ્ધિ કરે છે. એક પાદટીપ સાથે આ સર્વેક્ષણની પૂર્ણાહુતિ કરવી જોઈએ. ચન્દ્રકાન્ત શેઠનાં તદ્દન તાજેતરનાં કાવ્યોમાં એમની કવિતાનું એક નવું જ પરિમાણ પ્રગટ થાય છે. એથી એક આશા-અપેક્ષા જન્મે છે. આ આશા-અપેક્ષા જો પરિપૂર્ણ થશે તો નવમા દાયકાના ગુજરાતી સાહિત્યમાં — ઓછામાં ઓછું કવિતાના સ્વરૂપમાં — એમનું પ્રથમ પંક્તિનું સ્થાન હશે. ચન્દ્રકાન્તથી ચેતજો!

(‘ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’, અમદાવાદની દશાબ્દી પ્રસંગે એ દૈનિકના ગુજરાત પરના વિશેષાંકમાં અંગ્રેજી લેખનો અનુવાદ. ૧૯૭૮.)

*