સ્વાધ્યાયલોક—૭/કવિ ન્હાનાલાલ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કવિ ન્હાનાલાલ

કવિપ્રતિભા કોઈ પણ કવિની કવિપ્રતિભાનો પરિચય અંતે તો એની સમગ્ર કવિતા દ્વારા કરવાનો હોય છે. પણ કવિ જો મોટા ગજાનો કવિ હોય, મહાન કવિ હોય તો એકાદ પંક્તિ, શ્લોક કે કાવ્યખંડમાં પણ એની કવિપ્રતિભાનો પરિચય થાય છે. ચંદનીથી ચીતર્યાં સમીર આ પંક્તિની કાન અને આંખ પર તો ભારે અસર છે જ. એમાં ઈ-સ્વરનાં ચાર આવર્તન અને ચ, ન તથા ર વ્યંજનોનાં બબ્બે આવર્તન કાનને આનંદ આપે છે. તો ચંદનીથી સમીર ચીતર્યા છે એ વર્ણન આંખને આનંદ આપે છે. પણ આ પંક્તિથી બુદ્ધિ અને આત્મા પર પણ એટલી ભારે અસર છે. ચંદનીથી કોને ચીતર્યા છે? સમીરને. કાગળ, કાપડ, કૅન્વાસ, ભીંત, પથ્થર — સઘન પદાર્થને ચીતરી શકાય. પણ જેને હાથમાં પકડી જ ન શકાય, જે અદૃશ્ય છે, જે સઘન પદાર્થ જ નથી એને ચીતરી શકાય? છતાં અહીં સમીરને ચીતર્યા છે. આ મૅટાફીઝિકલ બુદ્ધિ (વિટ) અને કોટિ (કન્સીટ) છે. વળી ચંદનીએ સમીરને ચીતર્યા નથી, ચંદનીથી સમીરને ચીતર્યા છે. કોણે? સમીરને ચીતરી શકે એવો કોણ હશે ચિત્રકાર? પરમેશ્વર સ્તો. આ મૅટાફીઝિકલ દર્શન (વિઝન) છે. ‘સરવરજલ જેવું વ્યોમનીર 
અતલ પડ્યું પથરાઈ નીલઘેરું : 
પરિમલ પમરી સુધાપ્રભાના 
કમલ ખીલ્યું મહીં એક ચન્દ્રી કેરું.’ આ શ્લોકની પણ કાન અને આંખ પર તો ભારે અસર છે જ. એમાં સાદ્યંત ધ્વનિ-પ્રતિધ્વનિ, વર્ણસગાઈ, આંતર-અંત્યપ્રાસ, સ્વરવ્યંજનસંકલના આદિ કાનને આનંદ આપે છે. તો શરદપૂર્ણિમાની રાત્રિએ આકાશમાં પૂર્ણ ચન્દ્રનું કમલ ખીલ્યું છે એ રૂપક-વર્ણન આંખને આનંદ આપે છે. પણ આ શ્લોકની પણ બુદ્ધિ અને આત્મા પર પણ એટલી જ ભારે અસર છે. ચન્દ્રનું કમલ ક્યારે ખીલ્યું છે? રાત્રિએ. રાત્રિએ તો કુમુદ ખીલે અને ચન્દ્રના પ્રભાવથી ખીલે. અહીં તો સ્વયં ચન્દ્રનું કમલ ખીલ્યું છે. વળી કમલ તો દિવસે ખીલી શકે. રાત્રિએ ખીલી શકે? છતાં અહીં રાત્રિએ ચન્દ્રનું કમલ ખીલ્યું છે. તે માત્ર ‘જલ’, ‘અતલ’ અને ‘પરિમલ’ સાથેના અનિવાર્ય આંતરપ્રાસની સરળતા અને સંવાદિતાને ખાતર નહિ પણ કાવ્ય સમગ્રના સંદર્ભ દ્વારા અને સવિશેષ તો કાવ્યના અંતિમ શ્લોકના સંદર્ભ દ્વારા એનું રહસ્ય પ્રગટ થાય છે કે વિશ્વમાં પરમેશ્વરના પ્રેમનો પ્રકાશોજ્જ્વલ શાશ્વત દિવસ જ છે (રાત્રિ તો મર્ત્યલોકના મનુષ્યો માટે છે) એથી સ્તો અહીં રાત્રિએ પણ ચન્દ્રનું કમલ ખીલ્યું છે. અહીં સ્વયં ચંદ્રનું કમલ ખીલ્યું છે તે અનંત અને અનસ્ત એવા પરમ સૂર્ય-પરમેશ્વરના પ્રભાવથી સ્તો. આ મૅટાફીઝિકલ દર્શન (વિઝન) છે. ‘વિશાળી દુનિયા વીંટી ઘૂમે છે સિન્ધુ ગર્જતો, 
તે સિન્ધુનાં ઊંડાં નીરે મુક્તાપુંજ વિરાજતો : ઘેરીને પૃથ્વીની પાળો પડી છે આભની ઘટા, 
અહોરાત્ર તપે ત્હેમાં તેજના ગોળની છટા : બાંધી બ્રહ્માંડની ઝાડી તે રીતે બ્રહ્મ રેલિયો, 
ને બ્રહ્મજ્યોતિમાં નિત્યે પ્રકાશે પુણ્યશાળીઓ.’ ‘અંધારી રાત્રિએ ઊંડા શબ્દ કો અન્ધકારના, 
બોલે છે ઉરમાં એવા શબ્દ કો ભૂતકાલના. ડોલાવે આત્મની જ્યોત ઝંઝાનિલો સ્મૃતિ તણા, 
પ્રચંડ મોજે ઊછળે એ અવિરામ ઘોષણા. અદીઠા સિન્ધુની આવે ગર્જના ક્ષિતિજે તરી, 
ગર્જે છે પડછન્દા કો એવા અંતર્ગુહા ભરી. ઘોરે જેવો મહાઘોરે ઘેરો તોફાનનો ધ્વનિ, 
સમસ્ત જીવન કેરો ઘોરે એવો મહાધ્વનિ.’ આ કાવ્યખંડમાં ભવ્યસુન્દર અનુષ્ટુપ છંદમાં બ્રહ્મ અને મંત્રના સંદર્ભરૂપે સ્થળ અને કાળનું ગુજરાતી ભાષામાં અનન્ય એવું ભવ્યસુન્દર વર્ણન છે. આમ, એકાદ પંક્તિ, શ્લોક કે કાવ્યખંડમાં પણ અહીં જે કવિપ્રતિભાનો પરિચય થાય છે એ પરથી પ્રતીતિ થાય છે કે ન્હાનાલાલ મોટા ગજાના કવિ છે, મહાન કવિ છે. જીવન ન્હાનાલાલનું જીવન ઘટનાપ્રધાન ન હતું. અને કવિના જીવનમાં બાહ્ય ઘટનાઓનું મહત્ત્વ પણ નથી. કાવ્યો એ જ કવિના જીવનની સૌથી વધુ મહત્ત્વની ઘટનાઓ છે. ન્હાનાલાલે અડસઠ વરસના એમના આયુષ્યમાં સોએક જેટલા ગ્રંથોનું સર્જન કર્યું છે. એમાંથી એંસી ઉપરાંત ગ્રંથો પ્રગટ થયા છે. બાકીના ગ્રંથો હસ્તપ્રતો રૂપે છે. કવિ, નાટકકાર, નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર, ચરિત્રકાર, વ્યાખ્યાનકાર, પ્રવેશકકાર, વિવેચક, અનુવાદક — આમ ન્હાનાલાલની બહુમુખી સર્જકપ્રતિભા હતી. પણ એમાં કવિ તરીકેની પ્રતિભા પ્રમુખ હતી. ન્હાનાલાલનો જન્મ ૧૮૭૭ના માર્ચની ૧૬મીએ અમદાવાદમાં થયો હતો. ન્હાનાલાલ શાળાનું શિક્ષણ મુખ્યત્વે લોધીકા, સાવરકુંડલા અને મોરબીમાં પામ્યા હતા. ન્હાનાલાલ નાના હતા ત્યારે નિશાળે જાય જ નહિ. લોધીકામાં હતા ત્યારે ત્યાંનું બજાર ગજવે અને એમના ભાવિ સસરા ખભે ઊંચકીને નિશાળે મૂકી આવે ત્યારે નિશાળે જાય. ક્યારેક પિતાનો માર પણ ખાય. શાળાના અભ્યાસકાળમાં ત્રણ વાર ઘરમાંથી ભાગી ગયા હતા. દલપતરામને હતું કે ‘ન્હાનો’ બહુ બહુ તો નારૂભાનો કામદાર થશે. મૅટ્રિકમાં હતા ત્યારે મોકલી આપ્યા મોરબી, કાશીરામ દવે પાસે. કાશીરામ હોય નહિ ને ન્હાનાલાલ ભણે નહિ ને મૅટ્રિક પાસ થાય નહિ. શાળાકૉલેજમાં એમની બીજી ભાષા પર્શિયન હતી. સંસ્કૃતનો અભ્યાસ તો એમણે ઘરે શાસ્ત્રી પાસે ૧૯૦૦ પછી કર્યો હતો. ન્હાનાલાલ ૧૮૯૩માં મોરબીમાં મૅટ્રિકમાં પાસ થયા. ૧૮૯૪માં મુંબઈમાં ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં પ્રીવિયસમાં નાપાસ અને ૧૮૯૫માં પાસ થયા. ૧૮૯૬માં અમદાવાદમાં ગુજરાત કૉલેજમાં ઇન્ટરમાં અને ૧૮૯૯માં પૂનામાં ડૅક્કન કૉલેજમાં મુખ્ય વિષય ફિલસૂફી અને ઐચ્છિક વિષય તર્કશાસ્ત્ર-નીતિશાસ્ત્ર સાથે બી.એ.માં પાસ થયા. ૧૯૦૧માં મુંબઈમાં એલ્ફિન્સ્ટન કૉલેજમાં ઇતિહાસ સાથે એમ. એ.માં પાસ થયા. ૧૯૦૧માં એલએલ.બી. માટે પણ વાચન કર્યું અને ફર્સ્ટ એલએલ.બી.માં પાસ થયા હતા અને સેકન્ડ એલએલ.બી.ની ટર્મ ભરી હતી. ન્હાનાલાલે ઇન્ટર સુધીમાં ભારત, ઇંગ્લંડ, ગ્રીસ, રોમ અને યુરોપના ઇતિહાસના ગ્રંથોનો તથા બી.એ.નાં વર્ષોમાં ઍરિસ્ટૉટલ, કૅન્ટ, માર્ટિનો આદિના ફિલસૂફીના ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો. એ સૌમાં બર્ક અને માર્ટિનોનો એમની પર સૌથી વધુ પ્રભાવ હતો. આ સૌ વર્ષોમાં એમણે અંગ્રેજી કવિતાનો અભ્યાસ કર્યો હતો. એ સૌમાં ટેનિસનનો એમની પર સૌથી વધુ પ્રભાવ હતો. ન્હાનાલાલે ૧૮૯૨ની વસંતમાં પંદર વર્ષની વયે અમદાવાદમાં કવિતાનો કક્કો ઘૂંટવાનો આરંભ કર્યો હતો. એની હસ્તપ્રતો અસ્તિત્વમાં નથી. ન્હાનાલાલે એમનું પ્રથમ કાવ્ય ૧૮૯૨ના જૂનમાં તારાગઢમાં એમના માતરવાસી શાળામિત્રના પિતાના મૃત્યુ પર આશ્વાસનકાવ્ય તરીકે રચ્યું હતું. અને એ મિત્રને મોકલ્યું હતું. એની કાવ્યનકલ અસ્તિત્વમાં છે એમ ન્હાનાલાલે નોંધ્યું છે. ૧૮૯૨થી ૧૮૯૮ લગીનો લગભગ એક દાયકાનો સમય એ ન્હાનાલાલના જીવનમાં કાવ્યસાધનાનો સમય હતો. ૧૮૯૩માં ગોવર્ધનરામ અને નરસિંહરાવની કવિતાના અનુકરણમાં કાવ્યો રચવાનું પ્રોત્સાહન પ્રાપ્ત થયું હતું. ૧૮૯૪માં નર્મદના જીવન અને કવનની પ્રેરણાથી મહાકાવ્યનું સ્વપ્ન, મહાછંદની શોધનું સાહસ અને ‘પ્રેમભક્તિ’ કવિનામ પ્રાપ્ત થયું હતું. ૧૮૯૬માં કાન્તના ‘વસન્તવિજય’ની પ્રેરણાથી ‘પ્રેમોત્સાહ’ કાવ્ય રચ્યું હતું અને કાન્તને વંચાવવા વડોદરે મોકલ્યું હતું. ન્હાનાલાલનું પ્રથમ પ્રકાશન કાવ્ય નહિ, પણ ‘આપણું વર્તમાન કર્તવ્ય’ ગદ્યલેખ હતો. ૧૮૯૭માં ‘બુદ્ધિપ્રકાશ’માં એનું પ્રકાશન થયું હતું. એમનું પ્રથમ પ્રસિદ્ધ કાવ્ય હતું ‘શ્વેતામ્બરી સંન્યાસિની.’ એ જ વરસમાં ‘જ્ઞાનસુધા’માં એનું પ્રકાશન થયું હતું. પછી ૧૮૯૮ની વસંતમાં અમદાવાદમાં ન્હાનાલાલે ‘ઇન્દુકુમાર’નો ડોલનશૈલીમાં આરંભ કર્યો હતો. અને એ જ વરસમાં વર્ષામાં પૂનામાં ‘વસન્તોત્સવ’ કથાકાવ્ય ડોલનશૈલીમાં રચ્યું હતું અને ‘જ્ઞાનસુધા’માં એનું પ્રકાશન થયું હતું. સાથે-સાથે એની સો નકલની સ્વતંત્ર મર્યાદિત અનૌપચારિક આવૃત્તિનું પણ પ્રકાશન થયું હતું. જોકે એમનો પ્રથમ વ્યવસ્થિત ઔપચારિક કાવ્યસંગ્રહ તો ‘કેટલાંક કાવ્યો — ભાગ ૧’ અને એનું પ્રકાશન ૧૯૦૩માં થયું હતું. ન્હાનાલાલ ૧૯૦૧માં સાદરામાં સ્કૉટ કૉલેજમાં માસિક એંસી રૂપિયાના વેતનથી મુખ્ય અધિષ્ઠાતા તરીકે અને પછી ૧૯૦૩માં રાજકોટમાં રાજકુમાર કૉલેજમાં માસિક બસોત્રીસ રૂપિયાના વેતનથી અધ્યાપક તરીકે નિયુક્ત થયા હતા. એમણે ૧૯૦૯માં મુંબઈના દરિયામહેલવાળા મિત્ર નારણજી દ્વારકાદાસ સાથે સિલોનનો પ્રવાસ કર્યો હતો. એ ૧૯૧૩માં રાજકોટ રાજ્યમાં સર ન્યાયાધીશ અને નાયબ દીવાન તરીકે નિયુક્ત થયા હતા. એમણે ૧૯૧૪માં રાજકોટના ઠાકોર લાખાજીરાજ સાથે કાશ્મીરનો પ્રવાસ કર્યો હતો. સરકારી નોકરીમાં હતા ત્યારે સૂરજી વલ્લભ ભાટિયા સાથે ઇંગ્લૅન્ડ જવાની યોજના હતી. એ ૧૯૧૬માં રાજકુમાર કૉલેજમાં વાઇસ-પ્રિન્સિપાલ તરીકે અને ૧૯૧૮માં કાઠિયાવાડ એજન્સીમાં સરકારી કેળવણી ખાતામાં અધિકારી તરીકે નિયુક્ત થયા હતા. એમણે ૧૯૨૧માં અસહકારના અનુસંધાનમાં અંગ્રેજોની સરકારની દમનનીતિના વિરોધમાં રાજીનામું આપ્યું હતું અને અમદાવાદમાં વસ્યા હતા. પછી તરત એ જ વરસમાં અસહકારીઓ સાથે પણ અસહકાર કર્યો હતો અને આયુષ્યના અંત લગી પચીસેક વરસ અમદાવાદમાં એકાન્તવાસ અનુભવ્યો હતો. ૧૯૪૬માં જાન્યુઆરીની ૯મીએ અમદાવાદમાં ન્હાનાલાલનું અવસાન થયું હતું. ન્હાનાલાલનું વેવિશાળ જેમને દલપતરામ લોધીકા પોતાની સાથે લાવ્યા હતા અને જે ‘ન્હાના’ને ખભે ઊંચકીને નિશાળે મૂકી આવતા હતા તે વઢવાણના નગરશેઠના નાતગોર મહાશંકર વિશ્વનાથ તરવાડીનાં પુત્રી મણિબા સાથે ૧૮૮૩માં થયું હતું, ત્યારે ન્હાનાલાલનું વય છ વર્ષનું અને મણિબાનું વય ત્રણ વર્ષનું હતું. પછી એમનું લગ્ન ૧૮૯૦માં વઢવાણમાં થયું હતું, ત્યારે ન્હાનાલાલનું વય તેર વર્ષનું અને મણિબાનું વય દસ વર્ષનું હતું. ન્હાનાલાલને આઠ સંતાનો હતાં. ૧૯૫૦માં અમદાવાદમાં મણિબા — લગ્ન પછીથી માણેકબહેન — નું અવસાન થયું હતું. એમનું ૫૬ વર્ષનું સુદીર્ઘ દાંપત્યજીવન હતું. મુંબઈ યુનિવર્સિટીનું શિક્ષણ એ ન્હાનાલાલના બૌદ્ધિક જીવનનો સૌથી વધુ મહત્ત્વનો અનુભવ હતો. ગુજરાતના ઇતિહાસમાં ૧૯મી સદીના અંતે અને ૨૦મી સદીના આરંભે પોતાની તેજસ્વી બુદ્ધિમત્તા અને ઊર્જસ્વી સર્જકતાથી પ્રાચીન અને અર્વાચીન, પૂર્વની અને પશ્ચિમની સંસ્કૃતિઓના સમન્વયનો પરમ પુરુષાર્થ પ્રગટાવનાર, એક કલાપીના અપવાદ સાથે, વયમાં સૌથી મોટા ગોવર્ધનરામથી વયમાં સૌથી નાના ન્હાનાલાલ લગીનું જે પ્રચંડમનોઘટનાશાલી સાક્ષરવૃન્દ અસ્તિત્વમાં આવ્યું તે મુંબઈ યુનિવર્સિટી અને એના અંગ્રેજી શિક્ષણની સરજત છે. એનું પ્રથમ સુફલ ગોવર્ધનરામ અને અંતિમ સુફલ ન્હાનાલાલ છે. ન્હાનાલાલે નોંધ્યું છે, ‘મુંબઈ યુનિવર્સિટી છે તો ન્હાનાલાલ છે.’ પ્રાર્થનાસમાજ અને અસહકાર સાથેનો સંબંધ એ ન્હાનાલાલના જાહેરજીવનનો સૌથી મહત્ત્વનો અનુભવ હતો. સ્વામીનારાયણ સંપ્રદાયના કુટુંબમાં ન્હાનાલાલનો જન્મ થયો હતો. એમનામાં એ સંપ્રદાયનો જન્મજાત સંસ્કાર હતો. ૧૮૯૮થી ન્હાનાલાલને અમદાવાદ — પૂના — મુંબઈના પ્રાર્થનાસમાજનો પરિચય હતો. માર્ટિનોના ગ્રંથોના પ્રભાવ અને વૈષ્ણવ ધર્મની પૂર્વભૂમિકાને કારણે એમનો પ્રાર્થનાસમાજ અને એની પ્રવૃત્તિઓમાં સભ્યપદ તથા ક્યારેક ખ્રિસ્તી પાદરીની પરંપરા પ્રમાણે રવિવારે સવારે સર્મન જેવાં વ્યાખ્યાનો દ્વારા સક્રિય રસ હતો. અમદાવાદના પ્રાર્થનાસમાજની ધર્મ નહિ પણ સ્નેહલગ્ન, પુનર્લગ્ન આદિ સંસારસુધારો એ મુખ્ય પ્રવૃત્તિ હતી. આ જ સમયમાં આ સંદર્ભમાં ૧૮૯૮માં ન્હાનાલાલે ‘ઇન્દુકુમાર’નો આરંભ કર્યો હતો અને દેહલગ્નનું, સ્નેહલગ્નનું, પરિણીત પ્રેમનું કથાકાવ્ય ‘વસન્તોત્સવ’ રચ્યું હતું. પણ પછી ૧૯૦૨થી કોઈક કારણથી અથવા ૧૯૦૨માં સાદરામાં એક યહૂદી કુટુંબનો અને ૧૯૦૪થી રાજકોટમાં કેટલાંક સુધારક કુટુંબોનો પરિચય થયો એ કારણથી ન્હાનાલાલને પ્રાર્થનાસમાજનો વિરોધ હતો. અને અમદાવાદના પ્રાર્થનાસમાજ સાથેનો એમનો સંબંધ બંધ થયો હતો. વર્ષો પછી એમણે બ્રહ્મોસમાજનું પાતળું સ્વરૂપ મુંબઈનો પ્રાર્થનાસમાજ અને મુંબઈના પ્રાર્થનાસમાજનું પાતળું સ્વરૂપ અમદાવાદનો પ્રાર્થનાસમાજ — આ શબ્દોમાં એમનો વિરોધ વ્યક્ત કર્યો હતો. આ જ સમયમાં ૧૯૦૧થી ન્હાનાલાલે ઘરે શાસ્ત્રી પાસે સંસ્કૃતના અભ્યાસનો અને ગીતાના અનુવાદનો આરંભ કર્યો હતો. અને પ્રાચીન ભારતીય આર્ય સંસ્કૃતિ અને ધર્મના મર્મ સમું આત્માનું ચિંતન આત્મસાત્ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરિણામે ન્હાનાલાલમાં અર્વાચીનતાની અતિપૂજા કે પ્રાચીનતાની અંધપૂજા ન હતી. ન્હાનાલાલ ઉદારમતવાદી વિચારક અને સુધારક હતા. ન્હાનાલાલનું દર્શન એ પ્રાચીન અને અર્વાચીન, પૂર્વ અને પશ્ચિમના સમન્વયનું દર્શન હતું. ન્હાનાલાલ અને રવીન્દ્રનાથ વચ્ચે જે નાનાંમોટાં અનેક સામ્યો છે એમાંનું આ એક મોટું સામ્ય છે. ન્હાનાલાલે ૧૯૧૯માં ‘પ્રજાજીવનનો ઘસારો અને નવપલ્લવતા’ ગદ્યલેખ એમના લોકકલ્યાણના કાર્ય લેખે ગાંધીજીના ‘નવજીવન’માં પ્રગટ કર્યો હતો. એમણે ૧૯૨૧માં અસહકારના અનુસંધાનમાં અંગ્રેજ રાજ્યના એક અધિકારી તરીકે પદત્યાગ કર્યો હતો. પછી અમદાવાદમાં સ્થાયી નિવાસ કર્યો હતો. ત્યારે ગાંધીજી, સત્યાગ્રહ, ગાંધીવાદીઓ અને ગાંધીવાદી સંસ્થાઓ સાથે એમનો સંબંધ શક્ય હતો. પણ એ સંબંધ ન થયો તે ન જ થયો. કવિ અને સંતનું આ મિલન ન થયું એ અર્વાચીન ગુજરાતના ઇતિહાસનું એક કરુણ પ્રકરણ છે. ન્હાનાલાલે ૧૯૨૧માં જ સત્ય અને અહિંસાના પ્રયોગવીર મહાત્માની આસપાસ કેટલાક અલ્પાત્માઓના અસત્ય અને હિંસાના પ્રયોગોનો અંગત અનુભવ કર્યો હતો. રવીન્દ્રનાથે દૂર-દૂર ભારતવર્ષની પૂર્વ સીમા પર વિશ્વભારતીના નીડમાંથી જે દર્શન કર્યું હતું તે જ દર્શન વાચ્યાર્થમાં ગૂજરાત વિદ્યાપીઠ અને હરિજન આશ્રમની નિકટથી ન્હાનાલાલે કર્યું હતું : મહાત્માના સત્ય અને અહિંસાના ભવ્ય સુન્દર વિચારો અલ્પાત્માઓના તુચ્છ અને પામર આચારોથી વિકૃત અને વિરૂપ થશે. આમ, ગુજરાતના અને બંગભૂમિના એમ ભારતવર્ષના બે મહાન કવિઓએ એકસાથે એકસમાન દર્શન કર્યું હતું. ન્હાનાલાલનું દર્શન અનુભવસિદ્ધ દર્શન હતું. એ વિશે એમણે પ્રજા સમક્ષ સાત્ત્વિક રોષ પ્રગટ કર્યો હતો અને જીવનભર જાહેરજીવનનો ત્યાગ કર્યો હતો. જીવનભર એકાન્તવાસ સહન કર્યો હતો. ૧૯૨૧થી આયુષ્યના અંત લગી સતત પચીસ વર્ષ કર્મ દ્વારા શક્ય ન હોય તો શબ્દ દ્વારા પ્રજાકલ્યાણનું જ કાર્ય કર્યું હતું, વાણીતપ કર્યું હતું. અનેક વિષમતાઓની વચ્ચે એક વીરપુરુષનું જીવન જીરવી જાણ્યું હતું. ગાંધીજી પછી ગુજરાતની પ્રજાના હૃદયમાં કોઈનુંયે સ્થાન હશે તો તે કવિ ન્હાનાલાલનું હશે. આજે પાંચ દાયકા પછી ગુજરાતના ગાંધીવાદીઓનાં વાણી અને વર્તન દ્વારા ન્હાનાલાલનું સત્ય ગુજરાતની પ્રજાને વધુ ને વધુ સ્પષ્ટ થાય છે અને આયુષ્યને અંતે ન્હાનાલાલે જે એક એકરાર કર્યો હતો એમાં એ પ્રેમભક્તિના નમ્ર હૃદયની અહિંસા પણ પ્રગટ થાય છે : ‘માનઅપમાન અળગાં કર્યાં હોત તો સાધુ પેઠે પુજાયો હોત!’ પત્ની અને પિતા સાથેનો સંબંધ એ ન્હાનાલાલના હૃદયજીવનનો સૌથી વધુ મહત્ત્વનો અનુભવ હતો. ન્હાનાલાલ ૧૮૯૫માં મુંબઈમાં ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં પ્રીવિયસમાં હતા ત્યારે મણિબાને તેજપાલ સ્કૂલમાં શિક્ષણ આપવાનો પ્રયત્ન કર્યો હતો. પછી ૧૯૦૩થી ૧૯૨૧ લગી ન્હાનાલાલ જ્યારે રાજકોટમાં હતા ત્યારે મણિબાએ ૧૯૦૮માં આર્યસમાજ સંચાલિત હિંદુ કન્યાશાળામાં માનદ્ સંચાલન કર્યું હતું. પ્રાર્થનાસમાજ, સુધારો અને અર્વાચીનતાની અસરમાં ન્હાનાલાલે ૧૮૯૫થી ૧૯૦૨ લગી વઢવાણનાં મણિબાને પણ સુધારવાનો — ‘નરી સરલતા કોણ પૂજશે?’ પૂજીને નહિ પણ એમ પૂછીને એમનાં આ સરલ પત્નીને પણ ડોલનશૈલીની જેમ વાગ્મિતા અને અલંકારોથી નૂતન સ્ત્રીની શૈલીમાં શણગારવાનો, મણિબાને માણેકબહેન રૂપે અવતારવાનો પ્રયત્ન કર્યો હતો. પત્નીને પરાણે બૂટ પહેરાવે, ઉચ્ચ સમાજમાં પોતાની સાથે ફરવાનો આગ્રહ ધરાવે. પણ કોઈક કારણથી ૧૯૦૨માં પ્રાર્થનાસમાજ પ્રત્યે વિરોધ થયો અને જ્યારે સુધારાનું કાંચન એ તો કથીર છે અને મણિબા તો સાચે જ એક તેજસ્વી મણિ છે એવું જ્ઞાનભાન થયું ત્યારે એમણે પત્નીની પછવાડે ઘસડાવાનો આરંભ કર્યો હતો. અને પત્નીને પોતાની પછવાડે ઘસડવાનો સંબંધ તથા સુધારા સાથેનો અને પ્રાર્થનાસમાજ સાથેનો સંબંધ એકસાથે બંધ કર્યો હતો. ૧૮૯૭થી ૧૯૦૯ લગીનાં બાર વર્ષોમાં ‘રમણીય મૂંઝવણ’થી ‘કુલયોગિની’ લગીનાં પરિણીત પ્રેમનાં દસ કાવ્યોમાં ન્હાનાલાલે એમના અને માણેકબહેનના લગ્નજીવનનો જાણે કે એક નાનકડો ઇતિહાસ આલેખ્યો છે. પછી એમણે ૧૯૧૦માં ‘શરદપૂનમ’ કાવ્ય રચ્યું છે. ‘શરદપૂનમ’ પૂર્વેનાં પરિણીત પ્રેમનાં સૌ કાવ્યોની ‘કુલયોગિની’માં પરાકાષ્ઠા છે. અને ‘શરદપૂનમ’માં જે પ્રાયશ્ચિત્ત અને પ્રાર્થના છે એની ‘કુલયોગિની’માં જાણે કે પૂર્વભૂમિકા છે. ‘શરદપૂનમ’ કાવ્યમાં સૂચન છે તેમ ૧૮૯૮થી ૧૯૦૨નાં વરસોમાં ન્હાનાલાલે પત્નીને ગંભીરપણે દૂભવ્યાં લાગે છે, કોઈ મર્મભેદી આઘાત આપ્યો લાગે છે. અને પછી પ્રાયશ્ચિત્ત અને પ્રાર્થના દ્વારા જાણે કે પત્નીને રીઝવવાનો, એમનો ઘા રૂઝવવાનો પ્રયત્ન કર્યો છે. અને એમણે જગતને અસંખ્ય વાર જણાવ્યું છે તેમ પત્નીને માન — આદર — સત્કારપૂર્વક પ્રાણેશ્વરી તરીકેનો એમનો વાજબી અને વિશેષ અધિકાર પુનશ્ચ અર્પણ કર્યો છે અને એમને કુલયોગિની દેવી તરીકે પ્રેમભક્તિનો અર્ઘ્ય અર્પણ કર્યો છે. ન્હાનાલાલ સૌમ્ય દલપતરામના પુત્ર હતા પણ સંન્યાસી ડાહ્યાભાઈના પૌત્ર હતા. દલપતરામે સ્વામીનારાયણ સંપ્રદાયનો સ્વીકાર કર્યો ત્યારે એના વિરોધમાં ડાહ્યાભાઈએ ગૃહત્યાગ કર્યો હતો અને પછી વૌઠામાં માધવાનંદ સરસ્વતીને નામે સંન્યાસ ધારણ કર્યો હતો. અને અંતે અમદાવાદ પાસે સરખેજમાં દેહત્યાગ કર્યો હતો. ન્હાનાલાલ ડાહ્યાભાઈના વિદ્રોહી વારસ હતા. ન્હાનાલાલ નાના હતા ત્યારે ભણેગણે નહિ, તોફાનમસ્તીમાં ગામ ગજવે અને પિતાને પજવે. પિતા મારે એથી પિતાને વધુ પજવે, એથી પિતા વધુ મારે. દલપતરામ ચક્ષુરોગને કારણે રાતે દોરીની પાટી પર કાવ્યો લખે, દિવસે ન્હાનાલાલથી તોફાનમસ્તીમાં એ તૂટીફૂટી જાય એથી પણ પિતા મારે. ન્હાનાલાલ કિશોર હતા ત્યારે દલપતરામે પિંગળ રચ્યું, રૂડા છંદ રચ્યા તો ન્હાનાલાલે યુવાન થયા ત્યારે પિંગળવિમુક્ત ડોલન રચ્યું. દલપતરામ સાથે ન્હાનાલાલનો એક વિદ્રોહી સંતાન તરીકેનો સંબંધ હતો. દલપતરામ સંરક્ષક હતા. યુવાન ન્હાનાલાલ ઉચ્છેદક હતા. પિતાનું પ્રાચીન માનસ હતું. પુત્રનું અર્વાચીન માનસ હતું. ન્હાનાલાલ દલપતપુત્ર હતા, પણ નર્મદશિષ્ય હતા. ૧૮૯૮માં દલપતરામનું અવસાન થયું. એ સમયમાં જ ન્હાનાલાલને પ્રાર્થનાસમાજ, સુધારો, અર્વાચીનતામાં સક્રિય રસ હતો અને એમણે ડોલનશૈલીમાં ‘ઇન્દુકુમાર’નો આરંભ કર્યો હતો અને દેહલગ્નનું, સ્નેહલગ્નનું કથાકાવ્ય ‘વસન્તોત્સવ’ રચ્યું હતું. પણ પછી ૧૯૦૦થી ૧૯૧૦ લગી એક દાયકામાં ન્હાનાલાલે સંસ્કૃત અને ગીતા-ઉપનિષદનો અભ્યાસ તથા ગીતાનો અનુવાદ કર્યો અને પ્રાચીન ભારતીય આર્ય સંસ્કૃતિ અને ધર્મનો પુરસ્કાર કર્યો ત્યારે માત્ર પિતા પ્રત્યેના જ નહિ પણ પુરોગામી યુગ — બલકે યુગો પ્રત્યેના અસત્કાર, અનાદર, અપમાન અને અન્યાયનું, નર્મદે ઉત્તરજીવનમાં ‘ધર્મવિચાર’માં કર્યું હતું તેમ, ‘પિતૃતર્પણ’માં પ્રાયશ્ચિત્ત કર્યું હતું. ૧૯૧૦માં દલપતરામની પુણ્યતિથિએ જ ગીતાના અનુવાદના અર્પણકાવ્ય રૂપે ‘પિતૃતર્પણ’ પ્રગટ કર્યું હતું એ અત્યંત સૂચક છે. ગીતાના અનુષ્ટુપની પ્રેરણાથી અને રૂડા છંદ અને પિંગળના સર્જકના તર્પણ રૂપે ન્હાનાલાલે પ્રાસયુક્ત અનુષ્ટુપમાં એકસો એક યુગ્મોમાં દલપતરામના અવસાન પછી, એક તપ પછી ૧૯૧૦માં ‘પિતૃતર્પણ’ રચ્યું છે. પિતા પ્રત્યેના અપરાધના જ્ઞાન પછી અનન્ય પિતૃભક્તિથી ન્હાનાલાલે એમાં પ્રાયશ્ચિત્ત અને પ્રાર્થના દ્વારા પિતૃતર્પણનું કર્મ કર્યું છે. ‘પિતૃતર્પણ’માં ન્હાનાલાલે માત્ર પિતૃતર્પણ નથી કર્યું, યુગતર્પણ કર્યું છે. કાવ્યનું સાચું શીર્ષક ‘યુગતર્પણ’ હોવું જોઈએ. નાટકો ન્હાનાલાલે ચૌદ નાટકો રચ્યાં છે, પાંચ સામાજિક, છ ઐતિહાસિક, ત્રણ ધાર્મિક. આ સૌ નાટકો ડોલનશૈલીમાં છે. ન્હાનાલાલનાં સૌથી વધુ લોકપ્રિય નાટકો ‘ઇન્દુકુમાર’ની અંકત્રયી અને એના ચોથા અંક જેવું ‘જયા-જયંત’માં એમની આત્મલગ્નની ભાવના અને સૌથી વધુ મહત્ત્વાકાંક્ષી નાટક ‘વિશ્વગીતા’માં એમનું પરબ્રહ્મ અને યોગમાયા અંગેનું વૈશ્વિક દર્શન પ્રગટ થાય છે. ન્હાનાલાલે ૧૮૯૮માં ‘ઇન્દુકુમાર’નો આરંભ કર્યો એ જ વરસમાં દેહલગ્ન, સ્નેહલગ્ન, પરિણીત પ્રેમનું કથાકાવ્ય ‘વસન્તોત્સવ’ રચ્યું એના મુદ્રામંત્રમાં આકાશમાંથી કંઈ અવનવું તેજ અવનિ પર ઊતરતું હતું. ‘ઇન્દુકુમાર’ અને ‘જયા-જયંત’માં અવનિ પરથી આકાશમાં અચાનક ઉડ્ડયન થાય છે. એમાં એમણે દેહલગ્ન, સ્નેહલગ્ન, પરિણીત પ્રેમ નહિ પણ આત્મલગ્નની ભાવના પ્રગટ કરવાનો પ્રયત્ન કર્યો છે. આમ, ન્હાનાલાલ પરિણીત પ્રેમના વાસ્તવલોકમાંથી આત્મલગ્નના ભાવનાલોકમાં, વિધાતાની સૃષ્ટિમાંથી કોઈ વાયવ્ય સૃષ્ટિમાં અચાનક સરી જાય છે. આ આત્મલગ્નની ભાવનાની પ્રેરણા ક્યાં હશે? — એ પ્રશ્ન અનુત્તર છે. ન્હાનાલાલે એમનાં નાટકો એમની ‘મનોભાવનાઓનાં શબ્દચિત્રો’ છે એવું નોંધ્યું છે. એથી એમના હૃદયજીવનમાં આત્મલગ્નની ભાવનાની પ્રેરણા હોય એવી સંભાવના છે. ગોવર્ધનરામ અને કલાપીના પ્રણયત્રિકોણના વિકલ્પમાં પણ એની પ્રેરણા હોય એવી સંભાવના છે. પણ ગોવર્ધનરામના ‘સરસ્વતીચન્દ્ર’માં અંતે સરસ્વતીચન્દ્ર અને કુમુદસુન્દરીના આત્માનું અને સરસ્વતીચન્દ્ર અને કુસુમસુન્દરીના દેહનું મિલન થાય છે એમાં ગોવર્ધનરામનું જે પ્રેમનું દર્શન છે તે અખંડિત અને સંવાદી દર્શન છે. આત્મલગ્નની ભાવનામાં ન્હાનાલાલનું જે પ્રેમનું દર્શન છે તે ખંડિત અને વિસંવાદી દર્શન છે. અને એથી જ આ નાટકોમાં ન્હાનાલાલની આત્મલગ્નની ભાવના એમના એક રોમૅન્ટિક વલણ અને વર્તન રૂપે, અભિનિવેશ રૂપે પ્રગટ થાય છે. ન્હાનાલાલનાં ઐતિહાસિક અને ધાર્મિક નાટકોમાં એમનાં સામાજિક નાટકોના વસ્તુવિષય અને આત્મલગ્નની ભાવનાના વિકલ્પ રૂપે એક પ્રકારની મુક્તિ પ્રાપ્ત થાય છે. તો સાથે-સાથે મધ્યકાલીન મોગલ સંસ્કૃતિ અને ધર્મ તથા પ્રાચીન ભારતીય આર્ય સંસ્કૃતિ અને ધર્મનું એક પ્રકારનું મનોબંધન પણ પ્રાપ્ત થાય છે. એમનાં ઐતિહાસિક નાટકોમાં ઇતિહાસદૃષ્ટિ નથી પણ કેવળ કૌતુકદૃષ્ટિ છે. એમનાં ધાર્મિક નાટકોમાં ઘટનાપ્રેરિત જીવનદૃષ્ટિ નથી, પણ માત્ર શબ્દપ્રેરિત શાસ્ત્રદૃષ્ટિ છે. એથી ઐતિહાસિક નાટકોમાં એમની હિન્દુ-મુસ્લિમ એકતા અંગેની સાંસ્કૃતિક આધ્યાત્મિક શોધ તથા ધાર્મિક નાટકોમાં એમની પાપ-પુણ્ય અંગેની નૈતિક-આધ્યાત્મિક શોધ અપૂર્ણ છે. પ્રાર્થનાસમાજની અર્વાચીનતા અને અસહકારની સમકાલીનતા વિરુદ્ધ મોગલયુગની મધ્યકાલીનતા અને આર્યયુગની પ્રાચીનતાની પ્રેરણાથી જાણે ન્હાનાલાલે આ નાટકો રચ્યાં ન હોય! ન્હાનાલાલનાં નાટકોમાં, પાત્રાલેખનમાં અને વસ્તુવિષયમાં, પ્રસંગોમાં અને પરિસ્થિતિઓમાં અનિવાર્યતા અને પ્રતીતિજનકતા નથી, વાસ્તવિકતા અને સ્વાભાવિકતા નથી, માનવસંબંધોની વિવિધતા અને સહાનુભૂતિની વિપુલતા નથી. એમાં સાંપ્રદાયિક, મધ્યકાલીન, પ્રાચીન માનસ છે. એમાં ડોલનશૈલીમાં કવિતાની નહિ પણ વક્તૃત્વની વાગ્મિતા અને અલંકારોનો અતિરેક છે, એકવિધતા અને શૈલીદાસ્ય છે. કવિ એટલે દ્રષ્ટા, મંત્રદ્રષ્ટા. આ છે ન્હાનાલાલનો કવિઆદર્શ. એમનામાં કવિ એટલે દ્રષ્ટા અને સ્રષ્ટા એ પૂર્ણ કવિઆદર્શ પ્રત્યે ઉપેક્ષા અને ઉદાસીનતા છે. આ કવિઆદર્શને કારણે ન્હાનાલાલમાં ઉચ્ચ ગાંભીર્ય અને ઉચ્ચ નૈતિક મૂલ્યોની જેટલી ઉપાસના છે એટલી કલાની, કલાકૃતિની સાધના નથી. એથી એમનાં નાટકોમાં સમગ્રની કૃતિ નથી, કલાકૃતિની સુશ્લિષ્ટ અને સુગ્રથિત આકૃતિ નથી, કલામય એકતા નથી. એમનાં નાટકોમાં કેટલાંક ભવ્ય સુંદર ગીતો છે. પણ જાણે કે ગીત નાટકને ખાતર નહિ પણ નાટક ગીતને ખાતર હોય છે. ‘વિશ્વગીતા’માં ભાવ-ભાવનાની એકતા, અલબત્ત છે પણ એમાં ભાવ-ભાવનાને નાટકનું મૂર્ત સ્વરૂપ પ્રાપ્ત થયું નથી. ન્હાનાલાલે ‘ઇન્દુકુમાર’ની પ્રસ્તાવનામાં નોંધ્યું છે કે એમનાં નાટકો દૃશ્ય નહિ, શ્રાવ્ય નાટકો છે; કાલિદાસની પરંપરામાં ક્લાસિકલ નહિ, રોમૅન્ટિક નાટકો છે. અને તે પણ શેક્‌સ્પિયરની પરંપરામાં નહિ પણ ગ્યુઈથે શૅલીની પરંપરામાં રોમૅન્ટિક નાટકો છે. ભાવપ્રધાન નાટકો — બલકે ભાવપ્રધાન કાવ્યો છે. એમાં અભિનયક્ષમતા નહિવત્ છે. આ નાટકોમાં માત્ર નાયક-નાયિકાઓનાં હૃદયમંથનો અને હૃદયસંવેદનોમાં જ આત્મલક્ષી ઊર્મિકવિતાનું સત્ય છે અને એ જ અને એટલી જ એમની સિદ્ધિ છે. આ સિદ્ધિના અપવાદ સાથે ન્હાનાલાલનાં નાટકો ભવ્યકરુણ નિષ્ફળતાઓ છે. નાટકના પરલક્ષી કવિતાપ્રકારમાં ન્હાનાલાલ આત્મલક્ષી છે. ન્હાનાલાલમાં નાટકકારની પ્રતિભા નથી. મહાકાવ્યો ન્હાનાલાલે ૧૮૯૪માં ‘નર્મકવિતા’નું વાચન કર્યું ત્યારથી એમને મહાકાવ્ય રચવાનું સ્વપ્ન હતું. પછી એમણે ૧૯૨૬થી ૧૯૪૦ લગીના દોઢ દાયકામાં કૃષ્ણ અને એમના યુદ્ધ અને શાંતિ અંગેના કર્મને નાયક અને કાર્ય તરીકે કેન્દ્રમાં સ્થાપીને બાર કાંડોનું મહાકાવ્ય ‘કુરુક્ષેત્ર’ ડોલનશૈલીમાં અને મિલ્ટનની પરંપરામાં રચ્યું હતું. એના જ અનુસંધાનમાં ૧૯૪૨માં કૃષ્ણ અને એમના આયુષ્યનાં અંતિમ સોળ વરસમાં એમની તીર્થયાત્રાને નાયક અને કાર્ય તરીકે કેન્દ્રમાં સ્થાપીને બાર મંડળોનું વિરાટકાવ્ય ‘હરિસંહિતા’ અનુષ્ટુપ અને ક્વચિત્ આર્ષછંદોમાં અને ભાગવતની પરંપરામાં રચવાનો આરંભ કર્યો હતો અને આયુષ્યના અંત લગીના અરધા દાયકામાં એનાં આઠ મંડળો રચ્યાં હતાં એથી આ કૃતિ અપૂર્ણ છે. આ બે મહાકાવ્યોની વચમાં શૈલીસ્વરૂપની દૃષ્ટિએ પૂર્વે ૧૮૯૮માં ‘વસન્તોત્સવ’ અને ૧૯૩૩માં ‘ઓજ અને અગર’ પરિણીત પ્રેમનાં કથાકાવ્યો ડોલનશૈલીમાં રચ્યાં હતાં એના અનુસંધાનમાં, પણ વસ્તુવિષયની દૃષ્ટિએ ‘કુરુક્ષેત્ર’ના અનુસંધાનમાં, ૧૯૪૦માં ‘દ્વારિકાપ્રલય’ કથાકાવ્ય ડોલનશૈલીમાં રચ્યું હતું તથા ૧૯૪૨માં ‘હરિદર્શન’ આખ્યાનકાવ્ય પ્રેમાનંદશૈલીમાં અને ‘વેણુવિહાર’ આખ્યાનકાવ્ય જયદેવશૈલીમાં રચ્યું હતું. ‘કુરુક્ષેત્ર’ના રચનાકાળમાં જ ૧૯૩૮માં ન્હાનાલાલે સમકાલીન જગતમાં સમગ્ર મનુષ્યજાતિના અનેક પ્રશ્નોના વસ્તુવિષય પર નવલકથાત્મક ઇતિહાસગ્રંથ ‘સારથી’ રચ્યો હતો. છતાં ૨૦મી સદીના પૂર્વાર્ધમાં ગુજરાત, ભારત અને જગતમાં મહાન ક્રાન્તિકારી પરિવર્તનો પ્રગટાવનાર પાત્રો, પ્રસંગો અને પરિસ્થિતિઓનો અણસાર સુધ્ધાં ન્હાનાલાલનાં આ મહાકાવ્યોમાં નથી. ન્હાનાલાલને એમના જીવનના પૂર્વાર્ધમાં ગુજરાતના અને ભારતના આર્થિક, રાજકીય, સામાજિક અને ધાર્મિક પ્રશ્નોનો અને લોકકલ્યાણનાં કાર્યોનો અંગત અનુભવ હતો. જાહેરજીવનમાં એમનો સક્રિય રસ હતો. પણ ૧૯૦૪ની આસપાસ પ્રાર્થનાસમાજની અર્વાચીનતાના વિરોધમાં એમણે સંસ્કૃત અને ગીતા-ઉપનિષદના અભ્યાસનો આરંભ કર્યો હતો અને પછી જીવનભર પ્રાચીન ભારતીય આર્ય સંસ્કૃતિ અને ધર્મનો એટલે કે પ્રાચીનતાનો પુરસ્કાર કર્યો હતો. આગળ જોયું તેમ, ૧૯૨૧માં અસહકારીઓ સાથે અસહકારને કારણે કવિ અને સંતનું મિલન ન થયું અને કવિએ એકાન્તવાસનો સ્વીકાર કર્યો હતો. એથી મહાકવિમાં અર્વાચીનતા અને સમકાલીનતાનો, પ્રત્યક્ષ અને સમસ્ત જીવનનો જે એકાગ્ર અને સમગ્ર અનુભવ અનિવાર્ય તે અનુભવનો ન્હાનાલાલમાં અભાવ છે. પરિણામે આ બન્ને મહાકાવ્યોમાં, મહાકાવ્યમાં જે અનિવાર્ય તે વસ્તુવિષય, શૈલીસ્વરૂપ, ચિંતન, દર્શન આદિનો અભાવ છે. ન્હાનાલાલનાં નાટકોની જેમ એમનાં મહાકાવ્યોમાં પણ ‘કુરુક્ષેત્ર’ના ‘મહાસુદર્શન’ કાંડની જેમ કોઈ-કોઈ કાવ્યખંડ કે પંક્તિમાં આત્મલક્ષી ઊર્મિકવિતાનું સત્ય છે. અને એ જ અને એટલી જ એમની સિદ્ધિ છે. આ સિદ્ધિના અપવાદ સાથે ન્હાનાલાલનાં નાટકોની જેમ એમનાં મહાકાવ્યો પણ ભવ્યસુન્દર નિષ્ફળતાઓ છે. ગુજરાતી ભાષામાં નર્મદ, દોલતરામ, ભીમરાવ અને ગોવર્ધનરામ પછી મહાકાવ્યનો આ પાંચમો નિષ્ફળ પ્રયત્ન છે. ન્હાનાલાલને સત્તર વરસની વયે મહાકવિ થવાનું સ્વપ્ન સેવ્યું હતું એનું સભાન સ્મરણ છે અને એથી એમને મહાકવિ હોવાનું અભાન આત્મસંમોહન છે. મહાકાવ્યના પરલક્ષી કવિતાપ્રકારમાં ન્હાનાલાલ આત્મલક્ષી છે. ન્હાનાલાલમાં મહાકવિની પ્રતિભા નથી. ડોલન અને પદ્ય ન્હાનાલાલે એમનાં ચૌદ નાટકો, કેટલાંક ઊર્મિકાવ્યો, ત્રણ કથાકાવ્યો અને એક મહાકાવ્ય માટે એમણે જે એક વિશિષ્ટ અને વિચિત્ર લયપ્રકાર સિદ્ધ કર્યો હતો અને જેનું ડોલન એવું નામાભિધાન કર્યું હતું તે યોજ્યો હતો. એમણે ૧૮૯૪માં ‘નર્મકવિતા’નું વાચન કર્યું હતું એની પ્રેરણાથી મહાકાવ્ય રચવાનું સ્વપ્ન સેવ્યું હતું અને મહાછંદની શોધનો આરંભ કર્યો હતો. પછી ૧૮૯૮માં ‘ઇન્દુકુમાર’નો ડોલનશૈલીમાં આરંભ કર્યો હતો. પણ ડોલન એ મહાછંદ નથી, પદ્ય નથી. ન્હાનાલાલે અત્યંત નમ્રતાપૂર્વક એકરાર કર્યો છે, ‘હું શોધવા ગયો મહાછંદ ને નાંગર્યો જઈને ડોલનશૈલીના શબ્દમંડલમાં.’ આ ડોલનશૈલીની પ્રેરણા ક્યાં હશે? — એ પ્રશ્ન અનુત્તર છે. પણ ડોલનશૈલીમાં અર્થમાં પરસ્પર સમાન અથવા વિરોધી અથવા સમન્વયી તથા લયમાં પ્રવાહી, કદમાં લઘુ અને અસરમાં આકર્ષક એવાં વ્યુત્ક્રમયુક્ત, સમતોલનયુક્ત, રાગયુક્ત વાક્યો અથવા વાક્યખંડો છે, વાગ્મિતા અને અલંકારિતા છે. બાઇબલ આદિ હિબ્રૂ કવિતાની ‘પેરેલાલિઝમ’ની પ્રસિદ્ધ ગદ્યશૈલી સાથે એનું સૌથી વધુ સામ્ય છે. બલવન્તરાય અને ન્હાનાલાલ બન્નેને મહાકાવ્ય રચવાની મહત્ત્વાકાંક્ષા હતી. આ સંદર્ભમાં એમને જે પદ્ય વારસામાં પ્રાપ્ત થયું હતું એ અત્યંત અપર્યાપ્ત અને અસંતોષકારક હતું. એમાંથી મુક્તિ માટે એમની શોધ હતી. બલવન્તરાયે પ્રવાહી પદ્ય દ્વારા મુક્તિનો અનુભવ કર્યો. ન્હાનાલાલે છંદ, પદ્ય, પિંગળ એ નૂપુર નથી, શૃંખલા છે એવો અનુભવ કર્યો અને પદ્યનો જ ત્યાગ કર્યો. પ્રશ્ન હતો પદ્યમાં મુક્તિ, પદ્યમાંથી મુક્તિ નહિ. બલવન્તરાયના ઉત્તરમાં પદ્યમાં મુક્તિ છે. ન્હાનાલાલના ઉત્તરમાં પદ્યમાંથી મુક્તિ, પદ્યમુક્તિ છે. ડોલન એ પદ્ય નથી, મુક્ત પદ્ય પણ નથી. એમાં પદ્યનો આભાસ છે. એ પદ્યાભાસી ગદ્ય છે. વ્યુત્ક્રમયુક્ત, સમતોલનયુક્ત, રાગયુક્ત ગદ્ય છે, ગુજરાતી ભાષામાં અનેક પ્રકારના ગદ્યથી અત્યંત ભિન્ન એવું અ-પૂર્વ ગદ્ય છે, પણ ગદ્ય છે. ડોલન એ અપદ્ય છે પણ અગદ્ય નથી. ડોલન એ દુર્ભાગી શબ્દપ્રયોગ છે, પણ અપદ્યાગદ્ય એ તો માત્ર દુર્ભાગી જ નહિ, દુષ્ટ શબ્દપ્રયોગ છે. ન્હાનાલાલ ગેયકાવ્યોના મહાન સર્જક છે, છંદોમાં એમની સર્વશ્રેષ્ઠ કાવ્યસિદ્ધિ છે. છતાં એમણે ડોલનમાં ગેયતાનો અને છંદોનો ત્યાગ કર્યો છે. ગીતોમાં કે છંદોમાં એમની નિષ્ફળતા છે કે એનાથી એમને અસંતોષ છે એથી એમણે ડોલન રચ્યું નથી. મહાકાવ્ય માટે મહાછંદની શોધ અને પદ્યનાટકને માટે સુયોગ્ય લયસાધનની શોધ અંગેની મહત્ત્વાકાંક્ષાને કારણે, ગીતોમાં સમાય નહિ એવી એમની સર્જકતાને કારણે, છંદોમાં સીમિત નહિ એવી એમની સિસૃક્ષાને કારણે એમણે ડોલન રચ્યું છે. આધુનિક ગદ્યકાવ્યમાં એનું અનુસંધાન છે. કોઈ પણ લય કે છંદ પ્રત્યે પૂર્વગ્રહ કે પક્ષપાત વિના માત્ર સર્જક તરીકેની એમની આંતરિક અનિવાર્યતા અને જરૂરિયાતને જ વશ વર્તીને એમણે માત્રામેળ અને અક્ષરમેળ છંદોનો, છંદખંડન, છંદોવિસ્તાર, છંદોમિશ્રણ, છંદોવૈવિધ્ય, છંદોવૈચિત્ર્ય આદિનો તથા ડોલન એટલે કે ગદ્યનો, એક વિશિષ્ટ લયપ્રકારનો યથેચ્છ ઉપયોગ કર્યો છે. ન્હાનાલાલમાં લય અને છંદ પરત્વે એક મહાન કવિને અનુરૂપ એવું ખુલ્લું મગજ છે. ઊર્મિકાવ્યો ન્હાનાલાલ ઊર્મિકવિ છે, માત્ર ગુજરાતના જ નહિ, જગતના એક મહાન અને ઉત્તમ ઊર્મિકવિ છે. એમનામાં ઊર્મિકવિની પ્રતિભા છે. ન્હાનાલાલ કવિ છે, કલાકાર છે, સર્જક છે તે એમનાં નાટકો અને મહાકાવ્યોને કારણે નહિ પણ એમનાં ઊર્મિકાવ્યોને કારણે. કવિ-કલાકાર તરીકે ન્હાનાલાલનું ઉત્તમોત્તમ, એમની સર્જકપ્રતિભાની સર્વશ્રેષ્ઠ સિદ્ધિ એમની ઊર્મિકવિતા છે. ન્હાનાલાલની કેટલીક ઊર્મિકવિતા ગુજરાતી ઊર્મિકાવ્યની પરંપરામાં માત્રામેળ છંદોમાં રાસ, ગીત અને ભજનના સ્વરૂપમાં ‘ન્હાના ન્હાના રાસ ભાગ ૧, ૨, ૩’, ‘ગીતમંજરી ભાગ ૧, ૨’ અને ‘પ્રેમભક્તિભજનાવલિ’માં છે. તો અન્ય કેટલીક ઊર્મિકવિતા અંગ્રેજી ઊર્મિકાવ્યની પરંપરામાં અક્ષરમેળ છંદોમાં કથનોર્મિકાવ્ય અને ચિંતનોર્મિકાવ્યના સ્વરૂપમાં ‘કેટલાંક કાવ્યો ભાગ ૧, ૨, ૩’, ‘ચિત્રદર્શનો’ અને ‘સોહાગણ’માં છે. રાસમાં ન્હાનાલાલે એમની ઊર્મિકવિની સર્જકપ્રતિભાથી ગુજરાતના લોકગીતોની પરંપરાને પુનર્જીવન અર્પણ કર્યું છે અને દયારામ આદિની પદગરબીની સાહિત્યિક પરંપરાનું અનુસંધાન સિદ્ધ કર્યું છે. ન્હાનાલાલના રાસને શિક્ષિત ગુજરાતણોએ હોંશે હોંશે ગાઈને ન્હાનાલાલનું નામ ઘરે-ઘરે ગુંજતું કર્યું હતું. ન્હાનાલાલમાં લોકગીતોના ઢાળની અને એના લય અને સૂરની સૂઝ હતી, એના સ્વરૂપની સમજ હતી. એમાં પરિવર્તન દ્વારા નવીનતા સિદ્ધ કરવાની સર્જકતા અને સંવેદનશીલતા હતી. જોકે કોઈ-કોઈ રાસમાં પ્રાચીન રાસની લોકપ્રિય સૂરાવલિનું માત્ર અનુગુંજન જ છે. ન્હાનાલાલના રાસમાં ધ્રુવપંક્તિ, અંતરા, સાખીઓ, પુનરાવર્તનો, પ્રાસરચના આદિના સ્થાપત્યનું સૌંદર્ય છે. પણ પ્રાચીન રાસમાં ઉલ્લાસ, કલ્પના અને સંગીતમયતાથી જે ઉપાડ થાય છે એ ઉપાડ ન્હાનાલાલના રાસમાં વિરલ છે. ન્હાનાલાલના રાસમાં સ્ત્રીહૃદયની ક્યારેક મધુર, ક્યારેક કરુણ પણ સદાય સુકુમાર ઊર્મિઓ પ્રગટ થાય છે. એમાં ગુજરાત અને સૌરાષ્ટ્રનું ગૃહજીવન, ગ્રામજીવન, કુટુંબજીવન અને એનું વાતાવરણ સુરેખ અને સજીવપણે વ્યક્ત થાય છે. ‘ફૂલડાંકટોરી’ જેવા રાસમાં માર્મિકતા અને ગહનતાનું પણ દર્શન થાય છે. પણ રાસ અંતે એક પ્રકારનું હળવું કાવ્ય છે. એમાં કથનોર્મિકાવ્ય અને ચિંતનોર્મિકાવ્યનું ગાંભીર્ય શક્ય નથી, મોટા ગજાની કવિતા શક્ય નથી, મહાન કવિતા શક્ય નથી, ઉપકવિતા જ શક્ય છે. ન્હાનાલાલે એમનાં ગીતોમાં ગુજરાતી ભાષાનું માધુર્ય શું છે એનું રહસ્ય પ્રગટ કર્યું છે. એમણે અનેક પ્રયોગો દ્વારા, નવી-નવી શક્યતાઓનાં સૂચનો દ્વારા ગીતસ્વરૂપની સીમાઓનો વિસ્તાર કર્યો છે. એમની ગીતપ્રતિભાને સમજવા માટે જેમાં એમનું વ્યક્તિત્વ સુરેખ અને સંપૂર્ણ વ્યક્ત થાય છે તે ‘ધૂમકેતુનું ગીત’નું એક જ ઉદાહરણ બસ છે. ન્હાનાલાલના કોઈ-કોઈ ગીતમાં અર્થની ભવ્યતા, ભાષાની સઘનતા, ભાવની તીવ્રતા, ભાવનાની ગહનતા અને સમગ્ર ગીતદેહની સ્વસ્થતાનો સુભગ સમન્વય છે. ગીતસર્જનમાં ન્હાનાલાલના એકમાત્ર પ્રતિસ્પર્ધી — અને વિજયી પ્રતિસ્પર્ધી — એમના પુરોગામી આદિકવિ નરસિંહ છે. ગીત ઊર્મિકવિતાનું લઘુ સ્વરૂપ છે. કથનોર્મિકાવ્ય અને ચિંતનોર્મિકાવ્યના સ્વરૂપમાં અર્થ, ભાવ અને ભાવનાનો જે વિસ્તાર અને વિકાસ શક્ય છે તે ગીતમાં શક્ય નથી, મોટા ગજાની કવિતા શક્ય નથી. મહાન કવિતા શક્ય નથી, ઉપકવિતા જ શક્ય છે. ન્હાનાલાલનાં ભજનોમાં ભક્તિસંપ્રદાય અને સ્વામીનારાયણ સંપ્રદાયનાં પ્રતીકો છે. એમનાં અનેક ભજનોમાં પ્રાર્થનાસમાજના પુરોગામી કવિઓનાં ભજનોમાં છે તેમ માત્ર ભક્તિનાં મનોયત્નો છે. અલબત્ત, ‘હરિનાં દર્શન’, ‘હરિ આવોને’, ‘શતદલ પદ્મમાં પોઢેલો’ જેવાં ભજનોમાં તીવ્ર ભાવ અને ઉત્કટ ભાવના છે. ‘વિરાટનો હિંડોળો’ અને ‘જગત ઝૂલે રસઝોલે’ જેવાં ભજનોમાં ભવ્યતા ન્હાનાલાલની કલ્પનાની હડફેટમાં, અલબત્ત, આવે છે. પણ એ હડફેટ પછી અન્યત્ર ભવ્યતા જ્યારે અચાનક અલોપ થાય છે ત્યારે એમની કલ્પના પછડાટ પણ ખાય છે. ન્હાનાલાલનાં ભજનોમાં નરસિંહની ભવ્યતાનું સ્મરણ થાય છે. પણ ન્હાનાલાલમાં નરસિંહની જેમ ભવ્યતાને સાદ્યંત ધારણ કરવાની શક્તિ નથી. એલિયટે કહ્યું છે તેમ જગતભરમાં ધર્મકવિતા વિરલ છે. જગતમાં એક તો જેનામાં મહાન કવિતાની શક્તિ હોય એવી વ્યક્તિ વિરલ છે. વળી જેનામાં ધર્મની તીવ્ર અનુભૂતિ હોય એવી વ્યક્તિ વિરલ છે. તો આ બન્ને જેનામાં હોય એવી વ્યક્તિ તો એથીયે વધુ વિરલ છે. ન્હાનાલાલે ગુજરાતી ઊર્મિકાવ્યની પરંપરામાં માત્રામેળ છંદોમાં રાસ, ગીત અને ભજનના સ્વરૂપમાં કેટલીક મધુર અને સુંદર ઊર્મિકવિતાનું સર્જન કર્યું છે. પણ એમણે અંગ્રેજી ઊર્મિકાવ્યની પરંપરામાં અક્ષરમેળ છંદોમાં કથનોર્મિકાવ્ય અને ચિંતનોર્મિકાવ્યના સ્વરૂપમાં એથીયે વધુ મધુર અને વધુ સુંદર ઊર્મિકવિતાનું સર્જન કર્યું છે. એથી સ્તો ન્હાનાલાલે એમના રાસનું આ શબ્દોમાં મૂલ્યાંકન કર્યું છે : ‘ઠીક છે; લોકોને એ રાસ ગમ્યા : સુન્દરીઓએ સારા કહ્યા; રાસરસિયણોએ મનમાન્યા ઝીલ્યા. પણ સુન્દર મનોહારી જૂના રાસોનો ઉમંગઊછળતો ઉપાડ એમાં નથી.’ અને ગીતો તથા ભજનોનું આ શબ્દોમાં મૂલ્યાંકન કર્યું છે : ‘નરસિંહ અને મીરાંની મેઘનિર્ઝરતી ભાવઝડીઓ કે દયારામનું વસંતઋતુમાં રેવાજીની લહરીઓ સરીખડું લાલિત્યસર્જન મ્હારા કાવ્યગ્રંથોમાં નથી.’ નર્મદે અંગ્રેજી ઊર્મિકાવ્યની પરંપરામાં ઊર્મિકવિતા સિદ્ધ કરવાનો આરંભ કર્યો હતો. એમણે ગુજરાતી ઊર્મિકાવ્યની પરંપરાથી મુક્ત એવા પ્રણય અને પ્રકૃતિના વસ્તુવિષય પરનાં કાવ્યોમાં નૂતન અભિગમ અને રીતિ દ્વારા વૈયક્તિક ઊર્મિ પ્રગટ કરવાનો પ્રયત્ન કર્યો હતો. નરસિંહરાવે પ્રકૃતિનું સૌંદર્ય અને મનુષ્યહૃદયનું સંવેદન યોગ્ય વાણીમાં અને યોગ્ય છંદોમાં પ્રગટ કર્યું હતું. અને અંગ્રેજી ઊર્મિકાવ્યને ગુજરાતી ભાષામાં દૃઢ કર્યું હતું. કાન્તે એને વધુ કલાત્મક કર્યું હતું. કલાપીએ એને વધુ લોકપ્રિય કર્યું હતું. અને બલવન્તરાયે અને ન્હાનાલાલે એ પરંપરામાં એમની મહાન અને ઉત્તમ ઊર્મિકવિતાનું સર્જન કર્યું હતું. આ સર્જન એમણે અક્ષરમેળ છંદોમાં કર્યું છે. ભીમરાવ અને નરસિંહરાવના વસંતતિલકાનો મધુરગંભીર ઘોષ વધુ માધુર્ય અને વધુ ગાંભીર્યથી ન્હાનાલાલના વસંતતિલકામાં પ્રગટ થાય છે. ન્હાનાલાલનાં ઊર્મિકાવ્યોમાં જો સમગ્ર ગુજરાતી ઊર્મિકવિતામાં કંઈ એકમેવ અદ્વિતીયમ્ જેવું હોય, જો કંઈ ન્હાનાલાલીય હોય તે એમના શબ્દો, ‘તેજે ઘડ્યા’ શબ્દો. આ શબ્દોને કારણે જ ન્હાનાલાલની ઊર્મિકવિતામાં અન્યત્ર ક્યાંય જેનો અનુભવ ન થાય એવી હવા, આબોહવાનો, એવા વાતાવરણનો અનુભવ થાય છે. આ શબ્દોને કારણે જ ન્હાનાલાલનાં ઊર્મિકાવ્યો પ્રથમ પંક્તિથી જ અધ્ધર ઊંચકાય છે અને અંત લગીમાં તો કોઈ ઊર્ધ્વલોકમાં અસીમ અને અનંત પ્રકાશમાં ઝગમગે છે. ન્હાનાલાલનાં આ ઊર્મિકાવ્યોમાં છંદ અને શબ્દની જેટલી સિદ્ધિ છે એટલી દુર્ભાગ્યે સમગ્ર કાવ્યની સંકલના અને એકતાની, સમગ્ર કાવ્યની આકૃતિ, કલાકૃતિની સિદ્ધિ નથી. એથી એમાં ક્યાંક-ક્યાંક છંદ અને શબ્દમાં પણ વિચ્છિન્નતા અને શિથિલતા છે. સદ્ભાગ્યે ‘શરદપૂનમ’ અને ‘પિતૃતર્પણ’માં એની પણ સિદ્ધિ છે. વળી ઊર્મિકવિતાના આત્મલક્ષી કવિતાપ્રકારમાં ન્હાનાલાલ સર્વલક્ષી એટલે કે પરલક્ષી છે. અને એથી જ કવિકલાકાર તરીકે એમનું ઉત્તમ એમની ઊર્મિકવિતામાં છે, તેમાંય એમનું ઉત્તમોત્તમ કંઈક એમના પ્રકૃતિના વસ્તુવિષય પરનાં અને સવિશેષ એમનાં પ્રેમ અને મૃત્યુના વસ્તુવિષય પરનાં કથનોર્મિકાવ્યો અને ચિંતનોર્મિકાવ્યોમાં છે અને તેમાંય એમનું ઉત્તમોત્તમ ‘શરદપૂનમ’ અને ‘પિતૃતર્પણ’માં છે. ‘શરદપૂનમ’ અને ‘પિતૃતર્પણ’ને કારણે ન્હાનાલાલ માત્ર ગુજરાતના જ નહિ, જગતના એક મહાન અને ઉત્તમ ઊર્મિકવિ છે. ન્હાનાલાલે નરસિંહરાવની પ્રકૃતિકવિતાની પરોક્ષ પ્રેરણાથી અને ગુજરાતની પ્રકૃતિના અંગત અનુભવની પ્રત્યક્ષ પ્રેરણાથી ગુજરાતને ખૂણેખૂણે ઘૂમીને, ગુજરાતની તસુએ તસુ ભૂમિને હૃદયથી ચૂમીને ‘ગુજરાત’, ‘ગુર્જર કુંજો’ અને ‘ચારુવાટિકા’ જેવા ઊર્મિકાવ્યોમાં પ્રેમભક્તિનો અર્ઘ્ય અર્પણ કર્યો છે. ‘શરદપૂનમ’માં પ્રેમમાં પ્રાયશ્ચિત્ત અને પ્રાર્થના દ્વારા એટલે કે અહમ્‌ના મૃત્યુ દ્વારા પુનર્જન્મ એટલે કે અમૃતનો, દિવ્યતા અને પ્રભુતાનો અનુભવ છે. ‘શરદપૂનમ’માં પરિણીત પ્રેમનો અનુભવ મહાન અને ઉત્તમ કથનોર્મિકાવ્ય રૂપે પ્રગટ થાય છે. ‘શરદપૂનમ’ એ ન્હાનાલાલનાં પરિણીત પ્રેમનાં સૌ કાવ્યોમાં સર્વશ્રેષ્ઠ છે. જગતકવિતામાં પણ ‘શરદપૂનમ’ જેવું પરિણીત પ્રેમનું કાવ્ય વિરલ છે. ‘પિતૃતર્પણ’માં કેન્દ્રમાં પિતા અને પિતાનું મૃત્યુ નથી, કવિ અને કવિનો શોક છે. કાવ્યમાં આઠ ખંડો છે. ચોથા ખંડને અંતે પ્રાયશ્ચિત્ત અને પ્રાર્થના દ્વારા કાવ્યની પ્રથમ પરાકાષ્ઠા પ્રગટ થાય છે. આ પ્રથમ પરાકાષ્ઠા પછી વસ્તુનું એના એ જ ક્રમમાં પુનરાવર્તન છે. આઠમા ખંડને અંતે પુનર્જન્મ, ધન્યતા અને શ્રદ્ધા દ્વારા કાવ્યની બીજી પરાકાષ્ઠા પ્રગટ થાય છે અને શોક શાંતિમાં પર્યવસાન પામે છે. એમાં ભાવ અને વિચારનો વિકાસ અને કાવ્યની એકતા સિદ્ધ થાય છે. ‘પિતૃતર્પણ’માં ન્હાનાલાલનો પિતૃભક્તિનો અનુભવ મહાન અને ઉત્તમ ચિંતનોર્મિકાવ્ય રૂપે પ્રગટ થાય છે. ‘પિતૃતર્પણ’ ન્હાનાલાલનાં સૌ કાવ્યોમાં સર્વશ્રેષ્ઠ છે. જગતકવિતામાં પણ ‘પિતૃતર્પણ’ જેવું કરુણપ્રશસ્તિકાવ્ય વિરલ છે. ન્હાનાલાલની ઊર્મિકવિતામાં એમનો પ્રેમ અને મૃત્યુનો ગહનગંભીર અનુભવ છે. એમાં પ્રાયશ્ચિત્ત અને પ્રાર્થના દ્વારા, અહમ્‌ના મૃત્યુ દ્વારા અમૃત અને પુનર્જન્મ પ્રગટ થાય છે. અને પુનર્જન્મ એ જ વસન્ત. આ અર્થમાં ન્હાનાલાલ વસન્તવૈતાલિક છે. ‘શરદપૂનમ’માં પત્ની પ્રત્યેનો પ્રેમ અને ‘પિતૃતર્પણ’માં પિતા પ્રત્યેનો પ્રેમ પ્રાયશ્ચિત્ત અને પ્રાર્થના દ્વારા, અહમ્‌ના મૃત્યુ દ્વારા ભક્તિરૂપે પ્રગટ થાય છે. એ દ્વારા ન્હાનાલાલનું ‘પ્રેમભક્તિ’ કવિનામ સાર્થક થાય છે. નંદનવનના પ્રાસાદોની ટોચથી ન્હાનાલાલની કવિતા પરિમલ અને પૂર્ણિમા જેવી છે એવું ૧૯૦૩ પૂર્વે ‘સુરતાની વાડીના મીઠા મોરલા!’માં કાન્તે સૂચન કર્યું હતું. ન્હાનાલાલની કવિતા પરિમલ જેવી મધુર અને માદક, પણ અદૃશ્ય અને અસ્પર્શ્ય છે; પૂર્ણિમા જેવી શીતલ અને શામક, પણ અગ્રાહ્ય અને અપૃથક્કરણીય છે. પછી ૧૯૦૩માં ‘કેકારવ’ની પ્રસ્તાવનામાં કાન્તે ભાવિદર્શન કર્યું હતું, ‘કોઈ મહાકવિ આપણને થોડા સમયમાં દર્શન દેશે.’ અને ૧૯૦૫માં ન્હાનાલાલની જ પ્રસિદ્ધ પંક્તિથી ન્હાનાલાલનું સ્વાગત કર્યું હતું, ‘ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચન્દ્રરાજ.’ ૧૯૦૯માં રણજિતરામે ન્હાનાલાલની કવિતા વિશે શ્રદ્ધાવચન ઉચ્ચાર્યું હતું, ‘પરંતુ એવો દિવસ આવશે કે રસની રેલ તો એ વિરલ કવિહૃદયની પ્રસાદીમાં જ વહે છે એવું ગુજરાત કબૂલશે.’ અને ૧૯૩૨માં બલવન્તરાયે ‘આપણી કવિતાસમૃદ્ધિ’માં ‘પિતૃતર્પણ’ પરના વિવરણમાં પ્રેમપૂર્વક કબૂલ્યું હતું, ‘વિ. સં. ૧૯૦૧થી ૧૯૮૬ લગીમાં રચાયેલી કોઈ પણ કડીઓ અમર (અર્થાત્ ચિરંજીવી) નીવડે તો આ કડીઓ અમર નીવડશે, એવું મ્હારું અધીન મત છે.’ પછી ૧૯૫૧માં બલવન્તરાયે આ લખનારને પૂછ્યું હતું, ‘What do you think of Narsinharao and Nanalal? ત્યારે એણે કહ્યું હતું, ‘I don’t think of Narsinharao at all. But Thakore or no Thakore, Nanalal will live.’ પછી એમણે તરત પૂછ્યું હતું, ‘Why?’ અને એણે તરત કહ્યું હતું, ‘Because of the sheer beauty of his words.’ ન્હાનાલાલ એટલે સૌંદર્યનો શબ્દ અને શબ્દનું સૌંદર્ય.

૧૯૭૭


*