હાજી મહમ્મદ શિવજી અલારખિયા
અલારખિયા હાજી મહમ્મદ શિવજી (૧૩-૧૨-૧૮૭૯, ૨૧-૧-૧૯૨૧): સાહિત્યિક પત્રકાર, લેખક. જન્મ મુંબઈમાં. વતન કચ્છ. ઘેર થોડો સમય ગુજરાતીના અભ્યાસ પછી ફોર્ટ હાઈસ્કૂલમાં અંગ્રેજી છઠ્ઠા ધોરણ સુધીનું શિક્ષણ. ૧૮૯૫થી અંગ્રેજી, હિંદી અને મરાઠીનો અભ્યાસ. પ્રસિદ્ધ ‘વીસમી સદી’ અખબારના સંસ્થાપક. ચિત્રકળાના મર્મજ્ઞ. ૪૦ વર્ષની યુવાન વયે મુંબઈમાં અવસાન. સાહિત્યકાર કરતાં પત્રકાર વધુ એવા હાજી મહમ્મદે ‘સલીમ’ ઉપનામથી ‘મોગલ રંગ મહેલ', ‘શીશ મહેલ' જેવી વાર્તાઓ અને કેટલાક અનુવાદો આપ્યા છે. ઉપરાંત, એમણે ઉર્દૂ શાયરીઓથી ભરપૂર નાટક ‘મહેરૂનીસા અથવા શહેનશાહ જહાંગીર અને નૂરજહાંનો પ્રેમ’ (૧૯૦૪) તથા આત્મવિદ્યા પર લખાયેલી નવલકથા ‘રશીદા' (૧૯૦૮) આપ્યાં છે.