હાલરડાં/તારે પારણે

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
તારે પારણે

તારે પારણે પોપટ બોલે છે,
તારે ઘોડીએ મોરલા ડોલે છે;
સૂઈ રો’ ને કાન!
હાલરડાં હુલરાવે જશોદા માવડી!

તારે હાલરડે હીરની દોરી
તુંને હુલરાવે જશોદા ગોરી;
સૂઈ રો’ ને કાન. – હાલરડાં૦

કાના, કામ કરું કે તુજને તેડું!
મારે જાવું છે જળ જમના બેડું;
સૂઈ જાવ ને કાન. – હાલરડાં૦

કાના, બારણે તે બોલે બાઘડિયા,
તારે પારણે ઘૂમે રસ મોરલિયા;
સૂઈ જાવ ને કાન. – હાલરડાં૦

કાને વાછરું વાળ્યાં ને ગાવ દોવડલી,
ગોપી મહી રે થોડાં ને છાશ આવડલી,
સૂઈ જાવ ને કાન. - હાલરડાં૦

મારે જાવું છે નરસૈ મે'તાને બારણીએ,
પ્રભુ આવી ઊભા મારે પારણીએ;
સૂઈ જાવ ને કાન. – હાલરડાં,