હિમાંશી શેલતની વાર્તાઓ/વાર્તાકાર હિમાંશી શેલત
– શરીફા વીજળીવાળા
આધુનિક ટૂંકી વાર્તાની પ્રતિક્રિયારૂપે ૧૯૮૦ પછીની ગુજરાતી ટૂંકી વાર્તા સ્પષ્ટપણે વળું બદલે છે. આ સમયગાળાના વાર્તાકારો પરંપરાગત અને આધુનિક બેઉ સમયગાળાની વાર્તાનાં બિનજરૂરી, આયાસી તત્ત્વોને ગાળી, પરંપરાનો વિસ્તાર સાધવાની પ્રામાણિક મથામણ આદર છે. કૃતક પ્રયોગશીલતાને બદલે સંવેદનશીલ સર્જકતાને રસ્તે વળેલા આ અનુઆધુનિક વાર્તાકારો રચનારીતિ અને ભાષાના વિનિયોગ પરત્વે એકદમ સભાન છે. પરિચિત પરિવેશ અને પોતીકા સંવેદનાજગતને આલેખતા આ વાર્તાકારોએ સાંપ્રત સાથેનો, નક્કર વાસ્તવ સાથેનો તૂટી ગયેલ નાતો ફરીથી જોડ્યો. કલાત્મકતા સાથે જરાય સમાધાન કર્યા વગર વિશાળ ભાવકવર્ગ સુધી પહોંચવા મથતી આ સમયગાળાની વાર્તા માનવમનની અકળ સંકુલતાઓને આલેખવામાં જરાય પાછી નથી પડતી. ગુજરાતી ટૂંકી વાર્તા સિવાયના સાહિત્યપ્રકારોમાં પણ મહત્ત્વનું પ્રદાન કરનાર હિમાંશી શેલત અનુઆધુનિક ગુજરાતી વાર્તાનું અતિ મહત્ત્વનું નામ છે. જે સમયે હિમાંશી શેલતે વાર્તા લખવાનો આરંભ કર્યો ત્યારે ગુજરાતી ટૂંકી વાર્તા આધુનિકતાથી સ્પષ્ટપણે છેડો ફાડી ચૂકી હતી. આઝાદી પછીનો આ સૌથી વિકટ અને સંકુલ સમયગાળો હતો. બબ્બે અનામત આંદોલનોએ ગુજરાતના સમાજજીવનને ખળભળાવી મૂકેલું, એમાં રામજન્મભૂમિ આંદોલને થાગડથીગડ કરી માંડ માંડ સાચવેલા સમાજજીવનના લીરેલીરા કરી નાખ્યા. બાબરી ધ્વંસ અને મુંબઈના વિસ્ફોટો પછી સાવ વેરવિખેર થઈ ગયેલ સમાજજીવનને ૨૦૦૧નો ધરતીકંપ જરાક સાંધે એ પહેલાં ૨૦૦૨ના વરવાં કોમી તોફાનોએ એને સાવ જ તારતાર કરી નાખ્યું. આ કુદરતી અને માનવસર્જિત આપત્તિઓની સમાંતર બદલાઈ રહેલાં માનવમનને, સમૂહની માનસિકતાને, તંત્રની બધિરતાને હિમાંશી શેલતે કળાના ધોરણે આલેખવાની કોશિશ કરી છે. પ્લૅટફૉર્મ પર રખડતાં બાળકો, ઝૂંપડપટ્ટીનાં બાળકો, રિમાન્ડહોમ તથા અનાથાશ્રમનાં બાળકો સાથે પોતીકી રીતે કામ કરતાં હિમાંશી શેલતે થોડાક સમયગાળા માટે સુરતની વારાંગનાઓ સાથે પણ કામ કર્યું હતું. એમનું આ વિશિષ્ટ અનુભવજગત એમની ઘણી બધી વાર્તાઓની કાચી સામગ્રી બનેલ છે. કોમી તણાવ, રાજકીય દબાણો, ટોળાં સામે સામાન્ય માણસની લાચારી, એનો વાંઝિયો આક્રોશ – એવા સાંપ્રતના સળગતા પ્રશ્નોને વાર્તારૂપ આપતાં આ સર્જકની નિસ્બત ખૂણે બેસીને વાત કરનારની નિસ્બત નથી. જે સમસ્યાઓની, જે જીવનમૂલ્યોની એ વારેવારે વાત કરે છે એને કળારૂપ આપવાની પ્રામાણિક મથામણ એ કરતાં જ રહ્યાં છે. નારી સંવેદનાનાં અને નારીની એકલતાનાં અનેક પરિમાણો આલેખતાં હિમાંશી શેલતની વાર્તાઓમાં સ્ત્રીની કેટલી તો વિવિધરંગી છબી ઝિલાયેલી છે! સ્ત્રીની ખમી ખાવાની, સમાધાન કરવાની, જતું કરવાની, વેઠવાની, ચાહવાની આંતરિક તાકાતને આલેખતાં આ વાર્તાકાર સ્ત્રીનાં નકારાત્મક પાસાંને પણ પૂરા તાટસ્થ્યથી આલેખે છે. એમનાં સ્વસ્થ અને તટસ્થ દૃષ્ટિકોણને કારણે એમની વાર્તાઓમાં વ્યક્તિગત સંવેદના પ્રગટ થતી જોઈ શકાય છે. સાંપ્રત પ્રશ્નોને આલેખતી વાર્તાઓમાં ક્યારેક જરાક અભિનિવેશયુક્ત વલણ ડોકાઈ જાય. પરંતુ વાર્તાકળાનું સૂત્ર કોઈ જગ્યાએ સર્જકના હાથમાંથી સરી જતું દેખાતું નથી. ૧૯૮૭માં પ્રગટ થયેલા પ્રથમ વાર્તાસંગ્રહ ‘અંતરાલ’થી જ ભાવક-વિવેચક ઉભયનું ધ્યાન ખેંચનાર હિમાંશી શેલતે પછીના ૨૦ વર્ષમાં બીજા સાત વાર્તાસંગ્રહ આપ્યા છે. એમની વાર્તાઓની ઈયત્તા અને ગુણવત્તા બેઉ એમને ગુજરાતી ભાષાનાં મહત્ત્વનાં વાર્તાકાર તરીકે સ્થાપિત કરે છે. અનુકરણ કે અનુરણન નહીં પણ પૂરેપૂરી આત્મપ્રતીતિથી, પોતાનો આગવો અવાજ શોધીને કોઈ આગ્રહ કે પૂર્વગ્રહ વગર વાર્તા સાથેની નિસ્બતથી મથામણ કરનાર હિમાંશી શેલત આપણી આસપાસના પરિવેશમાં આકાર લેતી રોજિંદી ઘટનાઓમાંથી જ વાર્તા ઘડે છે. એમની વાર્તાઓમાં ક્યાંય ઘટનાઓ ભારઝલ્લી નથી બનતી તો ઘટનાઓને શોધવી પણ નથી પડતી. લગભગ બધી જ વાર્તાઓમાં પાત્રના આંતરસંવિદમાં ઝબકોળાઈને આવતી ઘટનાઓ પાત્રની સંવેદનાને ભાવકની બનાવી દેવા સક્ષમ છે. આ વાર્તાકાર વાર્તાકસબ વિશે સભાન છે, પરંતુ કસબ જ એમના માટે સર્વેસર્વા નથી. ‘વાંચવાનો રસ સાવ સૂકાઈ જાય એટલી હદે પહોંચતી ક્લિષ્ટતા, ટૅકનિક વધુ પડતી ચિંતા અને આળપંપાળ કે ભાષાના આંજી દે એવા ઝગમગાટ કે ચબરાકીની તરફેણમાં હું નથી.’ એવું માનનારા હિમાંશી શેલતે એમની લગભગ તમામ વાર્તાઓમાં આંતરબાહ્ય વાસ્તવને, સંકુલ સંવેદનને સરળ અને સાફ અભિવ્યક્તિથી નિરૂપ્યાં છે. જીવનની વિષમતા, વેદના અને એકલતાની સમાંતરે આ સર્જક પાત્રમાનસનાં સૂક્ષ્મ સંવેદનો અને ઋજુ લાગણીઓને સંયતપણે આલેખે છે. સ્ત્રીસ્વાતંત્ર્યની કે એવી તેવી પ્રચારાત્મક વાતોથી દૂર રહીને લખતાં હિમાંશી શેલતની અર્ધીથી વધારે વાર્તાઓના કેન્દ્રમાં સ્ત્રી છે. આ દરેક સ્ત્રીનું પોતીકું આગવું સંવેદનાવિશ્વ છે. મોટાભાગે આ સંવેદનાજગત ભાવકને અજાણ્યું નથી લાગતું. સ્ત્રી હોવાને કારણે પોતાના ભાગે આવતી લાચારીથી આ પાત્રો સભાન છે. લગભગ દરેક સ્તરની સ્ત્રીના સંવેદનાજગતને નિરૂપતાં હિમાંશી શેલતના વાર્તાજગતમાં નારીની અનેકરંગી છબિની સમાંતરે એની પીડાના પણ કેટકેટલા પ્રકારો જોવા મળે છે? સ્ત્રીની સમસ્યાઓના સૂક્ષ્મ પાસાં આલેખતાં હિમાંશી શેલતે સ્ત્રીની એકલતાનાં, હતાશાનાં પણ અનેક પરિમાણ આલેખ્યાં છે. દા.ત. ‘સુવર્ણફળ’ કે ‘છત્રીસમે વર્ષે ઘટનાની પ્રતીક્ષા.’ કોઈ ને કોઈ કારણસર પરણી નહીં શકેલી કે એકલાં રહેવાનું પસંદ કરતી સ્ત્રીઓની મોટી ઉંમરે કેવી હાલત હોય છે? એકલતા કોઠે પડી જાય છે કે પછી એ કોઈના સાથને ઝંખે છે? ‘સુવર્ણફળ’ વાર્તામાં ૪૩-૪૫ વર્ષની બે બહેનો વત્સલા અને સુમિત્રા એકમેકના સહારે બીબાંઢાળ જિંદગી જીવે જાય છે. જિંદગીના એક વળાંક પર વત્સલા પ્રૌઢ ચંદ્રવદન જાગીરદારના પ્રેમમાં પડે છે અને પરણવાનું નક્કી કરે છે. અત્યાર સુધી ગોઠવી રાખેલી જિંદગી અચાનક જ વિખેરાઈ જાય છે. આ લગ્નથી સમાજને કેવો આંચકો લાગશે એ લેખિકાને નથી કહેવું. અહીં તો સુમિત્રાના હૈયામાં સર્જાયેલા ઝંઝાવાતની જ વાત છે. હવે ટકવા માટે એક જ રસ્તો છે સુમિત્રા પાસે. વત્સલાનું આ નવું લગ્નજીવન નિષ્ફળ જાય તેવી રાહ જોતાં બેસી રહેવાનું. ‘વત્સલા કંઈ એમ સહેલાઈથી ગોઠવાય એવી નથી... એવું હોત તો કોઈ તેંતાળીસ વર્ષ બેસી ઓછું રહે?’ અચાનક એક મમળાવવી ગમે એવી કલ્પના તેને હાથ ચડી ગઈ. પણ એમાં વત્સલા પ્રત્યેની ઈર્ષા, આવી પડનારી એકલતાનો ઓથાર અને સુમિત્રાની વેદના છૂપાં રહેતાં નથી. સ્ત્રી જે ઘરમાં જન્મે, મોટી થાય એ જ ઘર લગ્ન પછી એનું નથી રહેતું. પોતે કદી પણ આ ઘરનો ભાગ હતી જ નહીં એવું ‘અકબંધ’ની નાયિકાને ખાતરી કરાવવા જાણે ઘરનાં બધાં તત્પર છે. લગ્ન પછી પિયરને ઝંખતી અને પિયર પહોંચ્યા પછી પોતીકા જગતના ખોવાઈ જવાની ખબરે ભોંઠી પડતી ‘અકબંધ’ની નાયિકાની પીડા મોટા ભાગની યુવતીઓને પોતીકી લાગશે. નાયિકાને સમજાય છે કે, ‘આ દૃશ્ય એના વગર પણ સંપૂર્ણ હતું. એ ન હોય અહીં, તો કોઈ ખૂણો ખાલી રહી જવાનો નહોતો.’ એ આવી તો હતી પોતાના વિગતકાળને જરાક જીવી લેવા, તાજગીથી છલોછલ કુંવારી ક્ષણોને હળવેકથી સ્પર્શી લેવા, પણ ‘તને ન ફાવે, તને નહીં જડે’ના હથોડા એને પોતાના ઘરમાં જ મહેમાન બનાવી દે છે ને નાયિકાને થાય છે, ‘આ ઘર તો અકબંધ છે, મારા જવાથી કંઈ ખરી નથી પડ્યું, નથી પડી કોઈ તડ. અમથો જ વલોપાત કર્યો લગ્નના દિવસે. રડીરડીને રાતીચોળ એ આંખો...’ કંટાળીને પતિગૃહે પાછી ફરતી નાયિકાને સમજાઈ જાય છે કે ઘર છોડ્યા પછી કશુંય અકબંધ નથી રહેતું. ‘એકાંત’ વાર્તાની નાયિકાની પીડા જરા સામા છેડાની છે. પોતે થોકબંધ પુસ્તકો-સંગીત-ચિત્રોની વચ્ચે મોટી થયેલી. સરસ ગાઈ શકતી, પણ પતિને કે સાસરિયામાં કોઈને એના આગવા શોખ સાથે કશી લેવાદેવા નથી. બધાં એટલાં સારાં છે કે એને પળવાર પણ એકલી પડવા દેતાં નથી, પોતીકી ક્ષણોને શ્વસવા માંગતી નાયિકા પોતીકું એકાંત શોધવા મથે છે. એક ઘરમાંથી, એક માહોલમાંથી બીજા માહોલમાં જતી દીકરીને કેટલાં પ્રકારનાં સમાધાનો કરવાનાં થાય તે આ વાર્તા સમજાવે છે. સાસરિયાં સારાં હોય છતાં માનસિક તરંગલંબાઈનું મળવું પણ એટલું જ મહત્ત્વનું છે એ વાત અહીં સરસ રીતે મુકાઈ છે. હિમાંશી શેલતની કેટલી બધી વાર્તાઓમાં મા-દીકરીના સંબંધનાં સાવ નોખાં જે પરિમાણ આલેખાયાં છે... ‘બળતરાનાં બીજ’, ‘દાહ’, ‘નિકાલ’, ‘સાંજનો સમય’ અને ‘કોઈ એક દિવસ’ જેવી વાર્તાઓમાં મા-દીકરી વચ્ચેનાં સંબંધની સંકુલતા, નિકટતા ઉપરાંત પણ ઘણું બધું જોઈ શકાય છે. ‘એમનાં જીવન’ વાર્તામાં સાસુ-વહુ વચ્ચેની મા-દીકરી જેવી નિકટતા આલેખાઈ છે. ‘કોઈ એક દિવસ’ દીકરીને પૂરેપૂરી સમજી શકતી સ્નેહાળ માના દીકરી સાથેના અંતરંગ સંબંધની વાર્તા છે. બાવન વર્ષની નાયિકા ભય અનુભવે છે કોઈ એક દિવસ બા નહીં હોય ત્યારે... વાર્તા નાયિકાના મોઢે જ કહેવાઈ છે. મા-દીકરી વચ્ચેની ઘનિષ્ઠતા એવી છે કે જેમાં વગર કહ્યે ઘણું કહેવાઈ જતું હોય. આરંભે જ નાયિકા કહે છે : ‘મારાં બાવન વર્ષની ગૂંચ કેવી રીતે ઉકેલી શકાય એની ખબર માત્ર બાને જ છે. ક્યાં ગાંઠ છે, ક્યાંથી દોર નીચે સરકાવવાની, ક્યાંથી ઉપર લેવાની, ક્યાં વળ ચડી ગયા છે અને ક્યાં દોર કરપાઈ ગઈ છે એ બધુંયે એ જાણે. માત્ર એ જ. બહારનાંને આ ગૂંચની ખબર ન હોય.’ બે વાર મન મળ્યું. એક વાર બીજી કોમનો પુરુષ હતો... કશું કહ્યા વગર જ જતો રહ્યો. પણ મા સાથે ભીના સાદે એની વાતો થતી રહે છે. પછી છેક છેંતાળીસ વર્ષની ઉંમરે પરિણીત પુરુષ સાથે મન મળે છે. ત્યારેય માની સમજ માન થાય તેવી છે. ‘એમાં સંકોચાઈએ નહીં જરીકે... લેવાની વાત નહીં. આપવાનો જ ઉમળકો રાખવો. આપણે કારણે કોઈને નાહક દુઃખ ન થાય એની બને એટલી કાળજી રાખવી...’ દીકરી કશું ખોટું નથી કરતી એવો એની અંદર વિશ્વાસ જગાડતી મા સામા પુરુષની ગૃહસ્થીને આંચ ન આવે એનું પણ ધ્યાન રાખે છે એટલે એના આભિજાત્ય માટે અતિ આદર થાય. નાયિકા વિચારે છે એવા કોઈ દિવસ વિશે જ્યારે બા નહીં હોય... ત્યારે દુનિયા માટે તો એ એક બાવન વર્ષની જરઠ, નીરસ કુંવારકા... જેને કોઈ પુરુષે કદી પ્રેમ નથી કર્યો... માત્ર બાની આંખમાં એનો ચહેરો સચવાયેલ છે. ‘પ્રેમ કરી શકેલી એક સ્ત્રીનો, પ્રેમ આપ્યા-લીધાના સંતોષથી ભરેલો.’ પણ કોઈ એક દિવસ બા નહીં હોય ત્યારે એનો આ અડધો-અધૂરો પ્રેમનો સંસાર પણ એની સાથે જ ખતમ થઈ જશે, કારણ કે એ સંસાર માત્ર એની અને બાની વચ્ચે જ સચવાયેલો છે. દરેક ઉંમરની, દરેક સ્તરની સ્ત્રીને એનો સ્ત્રીદેહ હંફાવે છે, રસ્તે જતા આવતા જેને ઇચ્છા થાય તે પુરુષ જ્યાં મન થાય ત્યાં અડીને જતા રહે. ઘરમાં નજીકના સગા, શિક્ષક પણ વહાલના બહાને મન થાય ત્યાં હાથ ફેરવી લે... સ્ત્રી એટલે માત્ર શરીર અને બીજું કંઈ જ નહીં? આ પ્રશ્ન હિમાંશી શેલતે અનેક રીતે આલેખ્યો છે. ‘સમજ’ વાર્તાની નાસમજ કિશોરીને મોલેસ્ટેશન એટલે ખરેખર શું એ નથી સમજાતું, કારણ ટ્રેન, બસ કે રસ્તામાં અડી જતા હાથ ઉપરાંત ઘરમાં, શાળામાં અડી જતા હાથોનું શું? અડે નહીં પણ ગમે ત્યાં તાકી રહે એનું શું? આ એટલા તો સૂક્ષ્મ સ્તરના પ્રશ્નો છે કે બાળક મા-બાપને કંઈ કહી પણ નથી શકતું. અમુક પુરુષના સ્પર્શથી કંઈ અણખટ નથી થતી પણ અમુક જુએ તો પણ નથી ગમતું. આ સૂક્ષ્મ સ્તરના પ્રશ્નની માવજત આ વાર્તામાં સરસ રીતે થઈ છે. સ્ત્રીઓને સાવ નાની હોય ત્યારથી સતત કહેવામાં આવે છે કે શરીર ઢંકાય એવાં કપડાં પહેરવાં, કટાણે, વેરાન રસ્તા પર એકલા ન જવું, પુરુષનું ધ્યાન ખેંચાય એવી ટાપટીપ ન કરવી વગેરે વગેરે સાંભળીને મોટી થયેલી ‘રેશમી રજાઈમાં બાકોરું’ની ભણેલી, કમાતી નાયિકાનો અનુભવ સાવ જુદો જ છે. એની ઑફિસમાં કામ કરતી સફાઈ કામદાર પર તોફાનો દરમિયાન સામૂહિક બળાત્કાર થાય છે. દેખાવમાં સાવ અનાકર્ષક એ સ્ત્રીએ બિલકુલ ઢંગનાં કપડાં પહેર્યાં હતાં. એણે ઘરની બહાર પગ નો’તો મૂક્યો ને તોય એના ઘરનાં બંધ બારણાં તોડીને ટોળાં અંદર ઘૂસ્યાં અને જેટલાને મન થયું એટલાએ એના પર બળાત્કાર કર્યો, બળાત્કારી માટે માત્ર સ્ત્રી દેહ જ મહત્ત્વનોને? ને સ્ત્રી શું કરે બચવા માટે? એનો દેહ જ એની સૌથી મોટી નબળાઈ બની રહે છે. આ વાત ગઈ કાલે જેટલી સાચી હતી એટલી જ આવતીકાલે પણ સાચી રહેવાની એ સમજણ નાયિકાની સલામતીની રેશમી રજાઈમાં બાકોરું પાડી દે છે. બળાત્કારની ઘટના સ્ત્રીઓ સિનેમાના પડદા પર પણ નથી વેઠી શકતી, જ્યારે પુરુષો આ દૃશ્યોને રસપૂર્વક માણી શકે છે એ વાત ‘આક્રમણ’ વાર્તામાં પ્રભાવક ઢબે કહેવાઈ શકી છે. કોમી તોફાનોમાં બેઉ કોમના પુરુષો સ્ત્રીના દેહને જ બદલો લેવા માટેનું સાધન બનાવે છે ને સ્ત્રીઓની એવી દુર્દશા કરનારા પાછા હસી શકે છે, એવું બોલી પણ શકે છે : ‘સાલીને જવા નહોતી દેવી જોઈતી... જઈ જઈને કેટલુંક જવાની... આખી ને આખી ફાટી ગઈ છે તે અધવચ્ચે જ તફડી પડવાની...’ (સજા) આવું બોલી ખિખિયાટા કરનારા પુરુષના પડખામાં બીજી કોઈ પણ સ્ત્રી કઈ રીતે સૂઈ શકે? ‘સજા’ વાર્તાની લતા આવા પતિને ધક્કો મારી ઓરડીની બહાર નીકળી જાય છે. જોકે આ વિરોધ પ્રતીકાત્મક છે. લતા કેટલા દિવસ ટકી શકે નરેશ જેવા જડભરત સામે? ને જે સમાજમાં એ જીવે છે ત્યાં પુરુષે સામી કોમની સ્ત્રી પર કરેલા બળાત્કાર સામે ભાગ્યે જ કોઈને વાંધો છે. આવા સંજોગોમાં લતાનો વિરોધ આપણને એક આસાયેશ આપે માત્ર. બળાત્કાર કરનારનાં કુટુંબીજનો પર શી વીતતી હશે તેની વાત ‘મૃત્યુદંડ’ વાર્તા મજાના રચનાપ્રપંચ વડે કરે છે. ‘કમ્પાસ બૉક્સમાં પડેલી પાંખો’ વાર્તામાં સિત્તેર વર્ષની દીકરી અને નેવું વર્ષની મા હૈયામાં એક ઘા લઈને જિંદગી ઘસડી રહ્યાં છે. પચ્ચીસેક વર્ષ પહેલાં બાર-તેર વર્ષની રૂપકડી પરી જેવી દીકરી ભયાનક અત્યાચારનો ભોગ બનેલી. આટલી પારાવાર પીડા છતાં ‘મા, મારે જીવવું છે’ કહેતી બેલાએ છેલ્લા શ્વાસ લીધેલા. લાચાર મા-દીકરીની ઓલવાતી આંખોને તાકી રહેલી એ વાતને પચ્ચીસ વર્ષ થઈ ગયાં. નથી અત્યાચારીઓ પકડાયા, નથી પરિસ્થિતિ બદલાઈ... હજીયે રોજ કોઈને કોઈની દીકરી તો પીંખાતી જ રહે છે. બેલાને ન્યાય અપાવવા ત્રાડો પાડનારો લોકસમૂહ પણ જંપી ગયેલ છે. શું થઈ શક્યું આ પચ્ચીસ વરસમાં? દુનિયા તો પોતાના લયમાં જીવ્યે જતી હતી... સિત્તેર વરસની આ સ્ત્રી, નેવું વરસની માના સાડલામાં મોઢુ દાબીને કહે છે : ‘મા, મારે નથી જીવવું... હવે મારે નથી જીવવું...’ (૬૪) નિર્ભયાકાંડ જેવી કે એનાથીય વધારે ઘાતકી ઘટનાઓ રોજેરોજ બનતી જ રહે છે, વિરોધ કે આક્રોશ, કેન્ડલમાર્ચ કે ટીવીની ચર્ચાઓ....બધું થોડા દા’ડામાં પેલી ઓલવાતી આંખોની જેમ જ ઓલવાઈ જાય છે... જેના ઘરની દીકરી ગઈ એ જીવે ત્યાં સુધી આ નાસૂર બની ગયેલ ઘાને વેઠતા રહે છે અને ‘નથી જીવવું આ દુનિયામાં’ એવું બબડતા જીવ્યે જાય છે. સ્ત્રી એના એક જ જન્મમાં કેટકેટલાં પાત્ર ભજવી લેતી હોય છે? ચહેરા પર મહોરાં ચડાવીને જીવ્યે જતી હોય છે. આપણી રોજબરોજની જિંદગીમાં સામે અથડાઈ જતા ચહેરાઓ મનની અંદર કેટકેટલું વેંઢારીને ફરતા હોય, કેટલાં મહોરાં બદલતાં હોય એની વાત ‘સામેવાળી સ્ત્રી’ વાર્તા કરે છે. અહીં ટ્રેનના ડબ્બામાં મળી ગયેલી બંને સ્ત્રીઓએ પોતાના વિફળ સંસારનું, ઉપેક્ષાનું, અભાવનું દુઃખ સંતાડવા ફૂલગુલાબી સુખનાં મ્હોરાં ચડાવેલાં છે. વાર્તાના ચુસ્ત માળખા અંગે, ચાવીરૂપ ક્ષણ વિશે કથકના બદલાતા પરિપ્રેક્ષ્ય સંદર્ભે પણ આ વાર્તાની ચર્ચા કરી શકાય. એકબીજાથી પોતીકી પીડા સંતાડતી, સુખનાં ગુલાબી મ્હોરાં ચઢાવતી એ બે સ્ત્રીઓથી ‘સ્ત્રીઓ’ વાર્તાની જમની અને પાલી સાવ સામા છેડાની લાગે. જમનાની સાવ નાની દીકરી પર પાલીના હરાયા ઢોર જેવા દીકરાએ બળજબરી કરી. મહિલા સંગઠનોએ બેઉને સભામાં બોલાવેલ છે એ ક્ષણથી આરંભાતી આ વાર્તા બેઉ સ્ત્રીઓની સરખી પીડા પાસે પૂરી થાય છે. પણ અહીં કોઈ મ્હોરાં નથી. જે છે તે પીડાનો સ્વીકાર કરી હસી શકતા ચહેરા છે. ચહેરા નિકટ આવી શકે. મ્હોરાં ચડાવો તો પછી પીડા પોતીકી જ રહે એ વાત આ બેઉ વાર્તા સમજાવી જાય છે. આપણે ભણેલી સ્ત્રીની તાકાત, એના વિદ્રોહની વાતો કરીએ છીએ, પણ સમાજની સાવ છેવાડાની, ઝૂંપડપટ્ટીમાં રહેનારી ગિરજા જેવી સ્ત્રી એની મુઠ્ઠીમાં એના નઠારા ધણીની મર્દાનગીના અહમ્ને સાચવી લે છે. સમાજના નીચલા સ્તરમાંથી આવતી સ્ત્રીનું સાવ નોખું જ રૂપ આલેખાયું છે ‘મુઠ્ઠીમાં’ વાર્તામાં. પુરુષનો અહમ્, એનું માન જાળવવા મોટાભાગે સ્ત્રી જતું કરવા તૈયાર થાય છે. જતું કરવું એ સ્ત્રીની નિર્બળતા નથી પણ એનું ડહાપણ, એની સમજ છે. સદીઓથી પુરુષના અહમ્ને વેઠતી આવેલી સ્ત્રી જાણે છે કે સ્ત્રીઓની સામે થતું અપમાન પુરુષ વેઠી નથી શકતો. આ વાર્તાની નાયિકા ગિરજુની બાંધી મુઠ્ઠી ખુલી જાય તો શું થાય? મજબૂત બાંધાની હાડેતી ગિરજુ એક જ હાથની થપાટે પતિને પાડી શકે એવી હતી, પણ એ એમ કરતી નથી. સ્વમાન પરનો ઘા પુરુષ સહન નથી કરી શકતો એવું જાણતી આ સ્ત્રી પરભુના ઘવાયેલા અહમ્ને સાચવી લેવા પોતાની મુઠ્ઠી બંધ રાખે છે, જો કે ‘કોઈ બીજો માણસ’ વાર્તાની પુષ્પી ગિરજુની જેમ મલકીને મુઠ્ઠી બંધ નથી કરી લેતી. એ દેખાડાની મર્દાનગી સામે થૂંકીને પોતાનો તિરસ્કાર દર્શાવે છે. આપણાં શાસ્ત્રો નાયિકાભેદની વાત કરે છે, જેમાં મોટાભાગે બાહ્ય લક્ષણોને આધારે સ્ત્રીઓના પ્રકાર વર્ણવાય છે. હિમાંશી શેલત ‘નાયકભેદ’ વાર્તામાં પુરુષોના મોઢે સ્ત્રીઓ વિશેની માન્યતાઓ પ્રગટ કરાવે છે. આ વાર્તાના પાંચેય મિત્રો પોતપોતાની પત્નીઓની ફરિયાદ કરે છે, જેમાંથી પુરુષનો અહમ્, સ્ત્રી વિશેની તેમની માન્યતાઓ પ્રગટ થાય છે. પત્નીની સાવ સામાન્ય ટકોર પણ પતિદેવને ઘા જેવી લાગે છે. નેહાના પતિને પોતે ટુવાલ, નેપકિન ગમે ત્યાં ફેંકે તોય નેહાએ ચલાવી લેવું જોઈએ એવું લાગે છે. મમતાના પતિને પણ ચોખ્ખાઈ બાબતની પત્નીની કચકચ પસંદ નથી. વધુ ભણેલી સરકારી અફસર ચારુના પતિને એમ લાગે છે કે ‘ચારુ સુપિરિયોરિટી કૉમ્પ્લેક્સથી પીડાય છે અને એને મારે માટે બહુ રિસ્પેક્ટ જેવું નથી...’ પત્ની સાથે નોકર-ચાકરની હાજરીમાં ઝઘડો કરવાથી એ જલદી મૂંગી થઈ જાય એવું માનતા આ પુરુષોની માનસિકતા દયા આવે એવી છે. ઘરની આબરૂ સાચવવાની જવાબદારી પણ સ્ત્રીની જ એવું જ ફલિત થાયને આના પરથી? પત્નીનું પ્રમોશન પણ પતિને ચચરે, ચારુનો પતિ કહે છે : ‘શૉફર ડ્રીવન કાર મળે એટલે કંઈ સાતમે આસમાને પહોંચી જવાય છે? ખુશામત કરી હોત તો આપણેય ક્યાંના ક્યાં...’ આમ બોલનાર પત્નીની લાયકાત જાણે છે છતાંય પોતાનું ઊંચું રાખવા માટે બોલ્યે જાય છે. પત્ની જાડી થઈ જાય તો એને છોડી દેવાનો પરવાનો મળી જાય. પોતે માવા ખાય, સિગારેટ, દારૂ પીએ એ દૂષણોનું શું? તો કહેશે કે : ‘ગમ ભૂલવા માટે પીવું જ પડે. ઑફિસનાં ટેન્શન, ઘરનાં ટેન્શન અને આ સાલી કટ થ્રોટ કોમ્પિટિશન, માણસ ભાંગી પડે એમાં કોઈ નવાઈ નથી, ઉપરથી આ બાઈઓ જો...’ સ્ત્રીઓ નોકરીની સાથે ઘર પણ સંભાળે છે અને આવા નઠારા પતિઓને પણ... તોય એ તો આવી દલીલો નથી કરતી. લગ્નેતર સંબંધના રસિયા એવા આ વીરનાયકોને પાછી પારકી સ્ત્રી સુંદર લાગે, ટેલેન્ટેડ પણ લાગે!! પત્નીઓની પંચાત કરનારા આ પુરુષો જે સ્તરની પંચાત કરે છે એ જાણ્યા પછી સ્ત્રીઓ પંચાતિયણ હોય એવું દોષારોપણ નહીં કરી શકાય. આ લોકો સ્ત્રીઓ જેવી વાતો કરે છે એવું કહેવામાં મને તો સ્ત્રીઓનું અપમાન થતું લાગે. આ પ્રકારની આપણે ત્યાં બીજી કોઈ વાતો હોય એવું સ્મરણમાં નથી. હિમાંશી શેલતની વાર્તાઓમાં લગ્નેતર સંબંધોની સંકુલતા અને પીડાના વિવિધ આયામ જોવા મળે છે. જે સંબંધને કોઈ ભવિષ્ય જ નથી એવો સંબંધ જાળવવા સ્ત્રી બધું જ હોડમાં મૂકે છે જ્યારે પુરુષ એની ઘરગૃહસ્થી જાળવીને તક મળ્યે, સમય મળ્યે આ સંબંધ નિભાવે છે. સમાજની સ્વીકૃતિ વગરનો સાવ સાચુકલો પ્રેમ સ્ત્રી જેટલી જ પુરુષની જરૂરિયાત હોય તો પણ સામાજિક સ્તરે વેઠવાનું સ્ત્રીના ભાગે જ આવે છે. સ્ત્રી જેને ચાહે છે તેને દુઃખી પણ નથી કરી શકતી, હક્કથી એનો સમય પણ નથી માંગી શકતી અને એના વગર જીવી પણ નથી શકતી. પુરુષ માટે પ્રેરણા, પ્રેમ બધું જ ઈતરા નારી હોય તો પણ સમાજ તો પત્નીને જ મહત્ત્વ આપે છે. ઈતરાને ભાગે તો નર્યા સામાધાનો, પીડા અને હતાશા જ આવે છે. સમજદારીથી, ડાહ્યા બનીને આ જ રીતે જિંદગી વીતાવવાની છે એવું સ્વીકારીને જીવતી ‘ઈતરા’ની નાયિકાની પીડા શારી નાખે એવી છે. પ્રિયજન, ઘર, હૂંફ માટેની ઝંખના ગમે તેટલી તીવ્ર હોય તો પણ એણે તો એના ભાગે આવે એટલી જ પળને પોતાની માનવાની છે. ‘ઈતરા’ની નાયિકા જાણતી જ હતી કે : ‘આ કાંટાળી કેડી પર ચાલીએ તો કાંટા ભોંકાઈ જવાના અને વેદના થવાની, આ બળબળતી રેતીમાં પગ મૂકીએ તો એ દાઝવાના, પેલા અંગારાને હથેલીમાં લઈએ તો ફોલ્લો પડવાનો ને આમ જો તર્ક આગળ ચાલે, કોઈ અવરોધ વિના તો એવું તારણ નીકળે કે આ-ને પ્રેમ કર્યો એટલે આવું થવાનું જ, પણ આ સંબંધમાં ફરિયાદને અવકાશ જ ક્યાં હોય છે? અહીં તો આમ જ સહજભાવે બધું ફગાવી દેવાનું, વારી જવાનું, ન્યોછાવર કરી દેવાનું... આ તો ફૂલ પર ઝાકળ બનીને સરવાની વાત હતી...’ (ઈતરા) પણ આ તો બધી મન મનાવવાની વાતો. અસામાન્ય બની બધી સામાન્ય ઇચ્છાઓને ઢબૂરી દેવાની ને તે છતાં પોતે જેની પ્રેરણા હોય એવા પુરુષના સન્માન સમારોહમાં બાજુમાં બેઠેલી પત્નીને જોઈને કે ઘરે પહોંચ્યા પછી એ પુરુષને એની પત્ની સાથે કલ્પીને મન પીડા તો અનુભવે જ છે. ‘આટલું ચાલ્યા છતાં ઘર કેમ નથી આવતું?’ એવું વિમાસતી નાયિકા જે રસ્તે ચાલે છે ત્યાં ઘર ક્યાં? આ પીડાનો કોઈ અંત નથી એ નાયિકા જાણે જ છે. પોતે પસંદ કરેલા રસ્તે એણે કાયમ આમ એકલા જ ચાલવાનું છે. આ પીડા વેઠતાં વેઠતાં જીવવાનું છે અને છતાંય આ પુરુષને એ છોડી નથી શકવાની એ લાચારીની પણ અને જાણ છે. આવી જ પીડા ‘અવલંબન’ વાર્તાની નાયિકાની પણ છે. ‘ખાંડણિયામાં માથું’ વાર્તાની નાયિકાની પીડા સાવ નોખી છે. પરણેલા પુરુષ સાથે અનાયાસ સંબંધ બંધાયો છે એ સમજતી નાયિકાને કોઈ ફરિયાદ નથી. પણ આ સંબંધને જાહેરમાં સ્વીકારી ન શકાય, જાહેરમાં મળી ન શકાય, એ પુરુષના બાળકની મા પણ ન બની શકાય એ વાતની બળબળતી પીડા તો છે જ. નાયિકા કબૂલે છે : ‘એમાં કોઈનું ચાલે નહીં. ચાલતું હોય તો ચાહી-ચલાવીને ખાંડણિયામાં માથું મેલે કોઈ? ઠાવકો, સહી સિક્કાવાળો સંબંધ શા સારું ન રાખે?’ ’સાંજનો સમય’ અને ‘અગિયારમો પત્ર’ લગ્નેતર સંબંધના સાવ નોખાં પરિમાણ પ્રગટ કરતી વાર્તાઓ છે. આપણે ત્યાં આ પ્રકારની વાર્તા કોઈએ નથી લખી. અહીં લીધેલી ‘અગિયારમો પત્ર’ વાર્તાના કેન્દ્રમાં એક જ પુરુષને પ્રેમ કરતી બે સ્ત્રીઓ છે. બંને પરણેલા પુરુષને પ્રેમ કરી બેઠી હતી. મોટી ઉંમરની સ્ત્રી વર્ષો પછી નાની ઉંમરની સ્ત્રીને પત્ર લખે છે. પત્ર છે એટલે નિખાલસપણે અંતરમન ઠલવાઈ શક્યું છે. થોડાક અંશે વણસ્પર્શ્યુંર્ રહી ગયેલું ગુજરાતી વાર્તાનું ક્ષેત્ર એટલે વેશ્યાજીવનને લગતી વાતો. બદલાયેલા સમાજ સાથે સ્ત્રીની છબિ ભલે થોડે ઘણે અંશે બદલાઈ હોય પણ વેશ્યાના જીવનમાં કોઈ પલટો આવેલો નહીં દેખાય. દરેક વેશ્યા પહેલાં સ્ત્રી હોય છે અને એનું વેશ્યા હોવું મોટા ભાગે એની લાચારી જ હોય છે એ વાત સમાજ કદી નથી સ્વીકારતો, હિમાંશી શેલતે ‘કિંમત’, ‘શાપ’, ‘ખરીદી’, ‘મોત’, ‘એ સવાર’ જેવી વાર્તાઓમાં આવી સ્ત્રીઓની વેદનાને સાવ નજીકથી જોઈ છે. ‘કિંમત’ વાર્તાનો મોહનાને ફિલમમાં પસંદ કરવાના સમાચારે આખા માહોલમાં ઉત્તેજના અને અન્ય વેશ્યાઓમાં ઈર્ષા ફેલાવી દીધી. જોકે ‘હિરોઈન જેવું જ ફિગર, ઊંચાઈ-દેખાવમાં કંઈ ન મળે..’ જેવી અંદર અંદરની વાતચીતે મોહનાનો શું ઉપયોગ થશે તે સ્પષ્ટ થતું જાય છે. પોતાની શકલ આખા ઇન્ડિયાના લોકો જોવાના એવા સપનાના મહેલ ચણીને બેઠેલી મોહનાને પેલા આશ્વાસન આપે કે, ‘ચિંતા ના કરતા, પાછળથી જ દેખાડીશું, ચહેરો નહીં દેખાય’ ત્યારે વક્રતા ઊભી થાય છે. એક વાર ૧૦ હજારમાં વેચાયેલી મોહના રોજેરોજ બંધબારણે કપડાં તો ઉતારે છે પણ હવે ભરીબજારે નગ્ન થવા માટેની કિંમત એણે જાતે જ નક્કી કરવાની છે. ‘બોલી દે કિંમત’ એવું સાંભળતી મોહના શું અનુભવતી હશે? આ તથા વેશ્યાજીવનને વિષય બનાવતી અન્ય વાર્તાઓની ભાષા, મુસ્લિમ પરિવેશને વિષય બનાવતી વાર્તાઓની ભાષાને જરા ઝીણી નજરે તપાસવા જેવી છે. માહોલ ઊભો કરવામાં ભાષા કેટલો મહત્ત્વનો ભાગ ભજવી શકે તે આ વાર્તાઓ સમજાવે છે. ‘એ લોકો’ની વાર્તાઓથી જ હિમાંશી શેલતનું વાર્તાવિશ્વ બદલાયું છે તેવું ભાવક અનુભવી શકે છે. ૨૦૦૨ના વરવા ઘટનાક્રમથી સ્તબ્ધ આ વાર્તાકાર પોતે સમકાલીન વાસ્તવને વાર્તારૂપ આપવાની પોતાની તાકાત અંગે ભલે સાશંક બન્યાં પણ એમ કરવામાં નિષ્ફળ જરાય નથી રહ્યાં. આ સમયગાળાની એમની વાર્તાઓમાં પ્રજાસમૂહની નિર્માલ્યતા, બદલાઈ ગયેલાં સામાજિક-રાજકીય સમીકરણો વચ્ચે ભીંસાતા સાચુકલા માણસની લાચારી કે હતાશાને, એના વાંઝિયા આક્રોશને વાચા મળી છે. લાચારી, હતાશા, સંઘર્ષ અને કંગાલિયતના કુરૂપ, ભયાવહ માહોલમાં જીવતા લોકોની વેદનાઓને આલેખતી કલમ કશે વાચાળ નથી બની. કેટકેટલી સાંપ્રત સમસ્યાઓ એમની વાર્તાઓમાં કળાના ધોરણે આલેખાઈ છે! વિધવાઓના જીવનને આલેખતી ફિલ્મનો ટોળાંઓ દ્વારા હિંસક વિરોધ (એકાવનમો એપિસોડ), પોલીસ કસ્ટડીમાં કોઈ નિર્દોષનું મરી જવું (ઑન ડ્યૂટી). એકલી રહેતી વૃદ્ધાઓનું ડરી ડરીને જીવવું (આસમાની દીવાલ), લેડીઝ ડબ્બામાં ભૂલથી ચડી ગયેલ પુરુષને નીચે પાડી દેતી સ્ત્રીઓ (શરમ વિનાનો), સાવ નાનકડી બાળકી પર થતો બળાત્કાર (કોઈ બીજો માણસ), કારગિલ યુદ્ધ પછી પાકિસ્તાની નેતાના આગમન સમયે ભારતનું વરસી પડવું (વરસી), ધરતીકંપ (‘ઘર – ઊભેલાં અને પડેલાં’ તથા ‘ભંગુર’), કોમી તોફાનો (આજે રાતે, સજા, વળી મુસાફરી, વામન, સાતમો મહિનો વગેરે), ભ્રૂણ હત્યા (ગર્ભગાથા) વગેરે... આપણા સમયની જાણીતી સમસ્યાઓને હિમાંશી શેલત કળાના ધોરણે આલેખે છે. બાહ્ય વાસ્તવને, પોતાના સાંપ્રત સમયને કળાના વાસ્તવમાં ફેરવતાં હિમાંશી શેલત સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાની સમાંતરે કળા પ્રત્યેનું ઉત્તરદાયિત્વ જરાય નથી વિસર્યાં. સડી ગયેલાં, ભ્રષ્ટ વ્યવસ્થાતંત્રને કારણે માણસ કઈ હદે કાયર થઈ જાય એની વાત ‘કોઈ બીજો માણસ’ વાર્તામાં આલેખાઈ છે. સાત વર્ષની દીકરી શકુ પર નરાધમોએ બળાત્કાર કર્યો અને મારી નાખી. સન્તરામનો આક્રોશ ‘મારી નાખું-કાપી નાખું’નો છે. પણ ગુંડાઓના નામ સાંભળતાની સાથે એના હાથ પાણીના રેલા થઈ દદડી પડે છે. હવે એના માટે મરી ગયેલને રડવા કરતાં જીવતાંની સલામતી વધારે મહત્ત્વની છે. કાયદાના રખેવાળો એની રક્ષા કરશે એ વાત કરતાં ગુંડાઓ એનો ઘડોલાડવો કરી નાખશે એ વાત પર અને ભરોસો છે. કોઈનું નામ નહીં આપ્યાની સન્તરામને હાશ થાય છે પણ પરાણે મૂંગી રાખેલી દીકરી રાતીચોળ છે. બાપને પાણી આપતી પુષ્પી જોરથી થૂંકીને ‘બાયલા...’ એવું બોલે છે. પાણી પીતા સન્તરામે એ કોઈ બીજા જ માણસ માટે બોલાયું હોય એમ સાભળ્યું ન સાભળ્યું કર્યું. ‘એક માણસનું મૃત્યુ’ વાર્તામાં જરાક જુદા સ્તરે આવી વ્યક્તિગત નિર્માલ્યતા પ્રગટ થઈ છે. ૨૦૦૨નાં કોમી તોફાનોમાં કોમી વૈમનસ્યને પરિણામે પ્રજાકીય સ્તરે જે પ્રશ્નો થયા. સમૂહની માનસિકતા સામે સંવેદનશીલ વ્યક્તિઓની લાચારી, તરડાઈ ગયેલા સહજીવન વિશે સ્વસ્થ દૃષ્ટિકોણથી હિમાંશી શેલતે વાર્તાઓ લખી છે. આ કારમા સમયગાળા વિશે એમણે ‘આજે રાતે’, ‘વામન’, ‘વળતી મુસાફરી’, ‘સજા’, ‘સાતમો મહિનો’, ‘વહેમ’ જેવી નોંધપાત્ર વાર્તાઓ લખી છે. આવાં કોમી તોફાનો સંવેદનશીલ વ્યક્તિના કેવા હાલ કરે છે. જ્ઞાન અને ડહાપણની વાત કરનારાં ટોળાંની માનસિકતા સામે કેવા તો લાચાર થઈ જાય છે તેની વાત ‘આજે રાતે’ વાર્તામાં થઈ છે. વાર્તાનું પ્રથમ વાક્ય જ છે, ‘આજે રાતે હું આત્મહત્યા કરીશ.’ મૃત્યુની ક્ષણે ભાવવિહ્વળ અવસ્થામાં જે લખાય હૈયામાંથી નીતરતું સત્ય હોવાનું. કોઈ કાયર કહે તો એની પરવા કર્યા વગર આત્મહત્યાનો નિર્ણય લઈને બેઠેલી એક અતિસંવેદનશીલ સ્ત્રી આ લખી રહી છે. જેણે શિક્ષિકા તરીકે આખી જિંદગી સાચા માણસો બનાવવા માટે, મૂલ્યોના ઘડતર માટે મથામણ કરેલી એવી સ્ત્રી પોતાની આસપાસ જે કંઈ બની રહ્યું છે. તેનાથી નિરાશ-હતાશ થઈ મરવાનો નિર્ણય લે છે. વગર સ્પષ્ટતાએ ૨૦૦૨નું માર્ચ-એપ્રિલનું ગુજરાત ઉઘડતું આવે છે. જે મુસ્લિમ કુટુંબો સાથે પેઢી દર પેઢીનો નાતો હતો એમને આવા સમયે મદદ કરવી જોઈએ એવું નાયિકા સિવાય કોઈને નથી લાગતું. પોતાના હાથે ઘડાયેલા વિદ્યાર્થીઓ પણ ‘ટોળાં સામે આપણી શી વિસાત!’ કહી છૂટી પડે છે. કંઈ ન કરવા ઇચ્છનારા કર્મના સિદ્ધાંતને આગળ ધરી કાયરતા પર ઢાંકપિછોડો કરે છે. બહાર આટલી માર-કાપ મચી છે ત્યારે ઘરની સ્ત્રીઓ નવરાશને કારણે જાતભાતની વાનગીઓના પ્રયોગો કરી રહી છે! કીડી પણ પગ નીચે ન કચરાય એવું જે સંતાનને શીખવાડેલું, વિશ્વની વિશાળતાના પાઠ ભણાવેલા તે જ સંતાન જ્યારે આવું બોલે : ‘કાયમ આપણે જ માર ખાઈએ છીએ એમ નહીં. કોઈક વાર આપણે ય...’ શંકા પડે છે નાયિકાને કે આ પોતાનું જ લોહી બોલી રહ્યું છે! પોલીસ ન પહોંચી પણ ટોળાં પહોંચી ગયા. ને? ‘લબકારા લેતા ભડકાઓ, હવામાં પેટ્રોલ, કેરોસીનની અને બળતાં કપડાં સાથે માનવશરીરની ગંધ...’ ને કથક લખે છે : ‘મેં કાલે રાતે જે જોયું એવું ફરી જોવું નથી. આજે રાતે હું જીવન પર પૂર્ણવિરામ મૂકીશ, જીવવાની લાયકાત મેં ગઈ રાતે ગુમાવી દીધી છે...’ નાયિકા અનુભવે છે તે ભીંસ, લાચારી માત્ર વાર્તાના પાત્રની નથી પરંતુ આ માહોલમાં શ્વસતા તમામ સંવેદનશીલ જીવોની છે. અહીં સ્ત્રીઓની બદલાયેલી માનસિકતાની ખાસ નોંધ લેવી રહી. સોસાયટીઓ સળગતી હતી ત્યારે નિરાંતે બેસીને ભડકા જોતી, માણસોને જીવતા સળગાવી દેનારાઓને પોલીસચોકીએથી છોડાવવા હાય હાય બોલાવી ગાળો ભાંડતી સ્ત્રીઓને જોઈને થાય છે કે આ કઈ ગુજરાતણ છે? ‘સજા’ વાર્તામાં એક લતા સિવાયની બધી સ્ત્રીઓનું વર્તન લગભગ એવું જ છે. પોતાના પુરુષોને સજા થાય ત્યારે કાગારોળ મચાવી દેનારી આ સ્ત્રીઓ પોતાના બળાત્કારી, ખૂની પુરુષોના હિસાબ નથી માગતી એ બદલાયેલા ગુજરાતની તાસીર દેખાડે છે. ૧૧ પુરુષોને સળગાવી દેનારા અને બે સ્ત્રીઓ પર ફાટી ગઈ/મરી ત્યાં સુધી બળાત્કાર કરનારાઓ પોલીસના ડરથી ભાગતા ફરતા, પણ (બીકના માર્યા) ફરિયાદ નહીં કરનારાઓની કૃપાને કારણે પાછા ફરે છે ત્યારે ઢોલ-નગારાં સાથે વાગતેગાજતે, મીઠાઈઓ વહેંચતા પાછા ફરે છે... આમાં કોઈ જગ્યાએ પોતાનાં કરતૂતો બદલ પસ્તાવો નથી, સામેવાળા ડરી ગયા એનો આનંદ ચોક્કસ છે... વાર્તાકાર ગુજરાતની આ બદલાયેલી તાસીર જરાય બોલકા બન્યા વગર આપણી સામે મૂકી આપે છે. ‘વહેમ’ વાર્તામાં પણ વાત તો ૨૦૦૨ના ગુજરાતની જ છે. સર્જક ધારે તો સ્થળ કે સમયનું નામ પાડ્યા વગર પોતાના સાંપ્રતને વાચા આપી શકે તેની પ્રતીતિ હિમાંશી શેલતની કેટલી બધી વાર્તાઓ આપણને કરાવે છે. ૨૦૦૧ના ધરતીકંપ નિમિત્તે ગુજરાતી વાર્તાકારે ઘણી સારી વાર્તાઓ આપી છે. એમાં હિમાંશી શેલતની ‘ભંગુર’ અને ‘ઘર ઊભેલાં અને પડેલાં’ પણ ખરી જ. છેલ્લાં દસ-બાર વર્ષની વાર્તાઓમાં એમને જે કહેવું છે તે પીડાની ચીસરૂપે, વિસ્ફોટની જેમ પ્રગટ થાય છે. ગૂંગળાવી દેનારી પરિસ્થિતિ, લોકશાહી મૂલ્યોના સતત ધોવાણ સામે વકરતી જતી ટોળાંશાહી, સમજાય નહીં એવાં રાજકીય દબાણો, સ્ત્રીઓની બદહાલી, વિરોધી વિચારો માટે ઘટતો જતો અવકાશ, ઘેટાંનાં ટોળાંની જેમ દોરવાતી પ્રજા... આપણા સમયની આ કારમી સમસ્યાઓને એમની વાર્તાઓ ઊંડળમાં લે છે. આપણી આસપાસ જે કંઈ બની રહ્યું છે ક્ષુબ્ધ કરી દે તેવું, સંવેદનાઓને બધિર બનાવી દે તેવું, ડર અને હતાશા તરફ ધકેલી દે એવું ભયાવહ... એને વાર્તારૂપ આપવાની એમણે કોશિશ કરી છે. ગુજરાતી સર્જક ભાગ્યે જ સ્પર્શતો હોય એવા વિષયવસ્તુ પર એમની વાર્તાઓ મળે છે. દા.ત. આપણા દેશની વિદેશનીતિ, રાજનીતિ સામે પ્રશ્ન કરતી ‘વરસી’ કે ‘ઓનરકિલિંગ’ને વિષય બનાવતી ‘નગરઢિંઢોરા’. સાંપ્રત ઘટનાક્રમને વિષય બનાવતી ‘ધારો કે આ વાર્તા નથી’ કે ‘પંદર જુલાઈ, બે હજાર સત્તર’. આ ટોળાંશાહી, આ પરિસ્થિતિ એક સ્વસ્થ નાગરિક સમાજને ક્યાં લઈ જશે? એવું વિચારવા મજબૂર કરે છે આ વાર્તાઓ. સ્ત્રીનાં માતૃરૂપનું ગૌરવ કરતી ‘ગોમતીસ્તોત્ર’ જરાક વિશેષ પ્રકારના સંવેદનશીલ વાચકની અપેક્ષા રાખે. આનંદીને રૂપાળી પરી જેવી ગોમતી ગમતી. પણ ગોમતીના ગરીબ બાપને મૂલ ચૂકવીને, ગોમતીને લઈ જનારો ત્રિલોક ગાળથી જ વાત કરવા ટેવાયેલો. એની ગાળો રૂંવે રૂંવે આગ લગાડે એવી. આખીયે માનવજાત ઉદ્ભવસ્થાનને સંડોવતી ગાળો બાબતે પ્રશ્ન થાય આનંદીની જેમ જ કે આટલા ગંધાતા શબ્દો સામે બળવો કેમ નથી ફાટી નીકળતો? સ્ત્રીઓ કઈ રીતે આટલી અવમાનના વેઠતી હશે? પણ મંદબુદ્ધિના બાળકોને અપાર વહાલથી ખવડાવતી ગોમતીને જોઈને આનંદીને સમજાઈ જાય છે કે માની આવી મમતા સામે પુરુષની હયાતીનો સમૂળગો છેદ જ ઊડી જાય છે. મા-બાળકનાં સંબંધનું માહાત્મ્ય કરતી ‘ગોમતીસ્તોત્ર’ દરેક સ્ત્રી-પુરુષ સંબંધની વાત કરે છે. માતૃત્વમંડનનો આ સનાતન સૂર્ય વાર્તાના બે અડધિયાને વગર રેણે સાંધી આપે છે. મર્યાદિત ફલક પર ચુસ્ત માળખું રજૂ કરવાનો ટૂંકી વાર્તાનો પડકાર સફળતાપૂર્વક ઝીલતાં આ સર્જકની મોટા ભાગની વાર્તાઓનો વિશેષ ગુણ લાધવ છે. (‘પંચવાયકા’ અને ‘ગર્ભગાથા’ની વાર્તાઓ આમાં અપવાદરૂપ ઠરે.) હિમાંશી શેલતની વાર્તાઓની કથનરીતિ વિશિષ્ટ છે. એમની મોટાભાગની વાર્તાઓમાં પાત્રના આંતરમનમાં પ્રવેશી એની ગૂઢાતિગૂઢ લાગણી પાત્રના મુખે જ રજૂ કરવામાં આવી છે. ભાગ્યે જ પ્રથમ પુરુષ કથનરીતિથી લખતાં હિમાંશી શેલતની વાર્તાઓમાં જો ‘તે’, ‘તેને’, ‘તેણે’ વગેરે બાદ કરીએ તો વાર્તા આસાનીથી પ્રથમ પુરુષ કથનરીતિમાં ફેરવી શકાય છે. આ બધી વાર્તાઓમાં પ્રથમ પુરુષ અને ત્રીજા પુરુષ કથનરીતિ વચ્ચેની રેખા અતિશય પાતળી છે. પાત્રના આંતરમનની એક એક વાત પાત્રના મુખે જ વ્યક્ત કરતાં લેખિકા કહે છે : ‘હું જ્યારે વાર્તા લખું છું ત્યારે જે તે પાત્રો સાથે એટલી હદે તાદાત્મ્ય અનુભવું છું કે એટલા સમય પૂરતી હું હિમાંશી શેલત મટી જાઉં છું. હું એ પાત્ર બની જાઉં છું. એનાં વેદના, સંવેદના મારાં બની જાય છે, એટલે આલેખનમાં ક્યાંય મારી ‘Second Self’ આડખીલીરૂપ બનતી હોય એવું હું નથી માનતી.’ મોટા ભાગે ત્રીજા પુરુષ કથનરીતિ જ લખતાં આ સર્જક પાત્રના આંતરમનમાં પ્રવેશી તેની સંવેદનાને સઘન રીતે વ્યક્ત કરે છે. દા.ત. ‘બળતરાનાં બીજ, ‘કાલ સુધી તો’ ‘સુવર્ણફળ, ‘તટસ્થ’, ‘પ્રેમપત્રો’વગેરે, જોકે પછીના વાર્તાસંગ્રહોમાં ‘આજે રાતે’ કે ‘કોઈ એક દિવસ’ જેવી પ્રથમ પુરુષ કથનરીતિએ લખાયેલી વાર્તા મળે છે. કથકના બદલાતા પરિપ્રેક્ષ્ય સંદર્ભે, ‘સામેવાળી સ્ત્રી’ વાર્તા યાદ આવે. ‘ચુડેલનો વાંસો’ વાર્તામાં સર્જકનો સીધો પ્રવેશ નોંધી શકાય. ‘મૃત્યુદંડ’ વાર્તામાં વાર્તાલેખન, સામગ્રીની અનિવાર્યતા વિશે વાત કરતા કથક = લેખકની હાજરી પામી શકાય છે. જોકે આ પણ રચનાપ્રપંચનો એક ભાગ જ છે. ‘એકાવનમો એપિસોડ’ના આરંભે જે નોંધ મુકાઈ છે તે એને દૃશ્ય માધ્યમનો એક હિસ્સો હોય એમ જોવા પ્રેરે છે. ‘ગર્ભગાથા’માં સર્જકને સ્ત્રીઓની દારુણ વ્યથાની કથા કહેવી છે. સ્ત્રી હોવાની પીડાનાં શક્ય તેટલાં પાસાં દર્શાવવા છે એટલે એમણે કથનનો સાવ નવતર પ્રયોગ કર્યો છે. ગર્ભમાં રહેલી દીકરી માને એની આગળની પેઢીની સ્ત્રીઓની વેદનાઓની વાત માંડીને કહે છે. આપણી આસપાસના પરિવેશમાં બનતી ઘટનાઓને, પ્રસંગોને કાચી સામગ્રી તરીકે લેતાં આ વાર્તાકાર ઓછામાં ઓછા શબ્દોમાં પોતાને અભિપ્રેત વાત કહી શકે છે. એટલે જ એમની મોટા ભાગની વાર્તાઓ ચાર કે પાંચ પાનાંની મર્યાદામાં સમાઈ જાય છે. દા.ત. ‘મૃત્યુદંડ’ વાર્તામાં પારાવાર વેદનાથી પોતાની વાત ન કહી શકતી સ્ત્રીનું ચિત્ર એ કેટલા ઓછા શબ્દોમાં દોરી આપે છે! ‘પાણી, સાંત્વન, ખભે હાથ – સરવાળે આંસુ પર છેડો દાબી હોઠ ઊઘડ્યાં.’ આવાં ઉદાહરણો એમની કેટલીયે વાર્તાઓમાં મળશે. પાત્ર અને પરિવેશ અનુસાર રોજબરોજની ભાષા રંગ અને છટા બદલતી રહે છે. ‘ચુડેલનો વાંસો’ કે ‘મુઠ્ઠીમાં’ વાર્તામાં દક્ષિણ ગુજરાતની બોલી પ્રયોજતાં વાર્તાકાર વેશ્યાજીવનને લગતી વાર્તાઓમાં હિન્દી મિશ્રિત ગુજરાતી પ્રયોજે છે, શબ્દોના થોડાક લસરકાથી અને બોલીથી મુસ્લિમ પરિવેશને આબાદ ઊભો કરી શકે છે. રોજબરોજની ભાષાને સર્જનાત્મક સ્તરે પ્રયોજી બતાવતાં હિમાંશી શેલતની અનાયાસ અભિવ્યક્તિ ભાવકને સ્પર્શી જાય છે. જેટલી ભાષા પરિચિત તેટલી જ સંબંધોની સંકુલતા, ગૂંચ પણ પરિચિત. કુટુંબના માળખામાં, સામાજિક માળખામાં જોવા મળતી સંકુલતાઓને જરાય આયાસ વગર તેઓ કલાત્મક વાર્તામાં ઢાળી શકે છે. એમની ભાષા અભિવ્યક્તિનાં થોડાંક દૃષ્ટાંત હું અહીં ટાંકીશ : – પહેલવાન ડોરકીપરનો પહાડી અવાજ ફાટીને લીરેલીરા થઈ ગયો. (લાલ પાણી) – બપોરનો તડકો સાંકડી ગલીમાં ધાક જમાવે (ખરીદી) – ખાખી રંગ ઓરડીમાં પેઠો (મોત) – જતું આવતું કુતૂહલ અટકીને જમા થતું રહ્યું (મોત) – વરસાદ કોઈના હુકુમની વાટ જોતો હોય એમ ટાંપીને બેઠો હતો તૂટી પડવા. (વરસી) – શબ્દો દાદર ઊતરતા ગયા. (કોઈ બીજો માણસ) – હાથની પકડ જ રહી નહોતી. પાણીના રેલા થઈ ગયા હતા એ તો, અને હવે દદડી પડ્યા હતા. (કોઈ બીજો માણસ) – દત્તુ કીં કરે તે પહેલાં ઓટલો ઠેકીને ભાણકી હવામાં તીર બની ગઈ (ચુડેલનો વાંસો) – ભોંય જે લોહી પચાવી શકી નહોતી એનો રેલો ઠેઠ ક્ષિતિજે પહોંચી ગયો હોય એવી લાલઘૂમ ધાર બંધાઈ ગયેલી. (ભાઈજી) – આકાશનો રંગ મેલખાઉ મસોતા જેવો (સાતમો મહિનો) – આંખો વધારાનો આગળો થઈને બારણાને વળગી રહી (સાતમો મહિનો) – અંધારામાં બૅટરીના અજવાળાનું પાતળું દોરડું ઝાલીને લોકો પોતાની બેઠક શોધતા હતા. (લાલ પાણી) – ધાક જમાવતો નફ્ફટ અંધકાર બંનેને કચડી રહ્યો હતો (સ્ત્રીઓ) હિમાંશી શેલતે કરેલા બોલીપ્રયોગો પણ જરાક જોઈ લેવા જરૂરી છે. જે તે પાત્રની ધાર કાઢવામાં આ બોલી ખાસ્સી મદદરૂપ થઈ છે. દક્ષિણ ગુજરાતની બોલીનો સબળ ઉપયોગ જુઓ : – ‘હંતાય કાં ચુડેલ, હામ્ભી આવનીં, દેખાડીએ તને હો...’ (ચુડેલનો વાંસો) – ‘આજ તો પરભુડો કેથે રોકાઈ જાય તેવું કરજો મો’ટા મા’રાજ... એને આફા આવવા જ ની દેતા...’ (મુઠ્ઠીમાં) – ચાયની ભૂકી ની દેખાય, કેથે રે’ઈ ગેઈ કે કેમ જાણે...’ (મુઠ્ઠીમાં) સામાજિક વાસ્તવને કળાના વાસ્તવમાં રૂપાંતરિત કરતા આ સર્જકની વાર્તાઓમાં પ્રતિબદ્ધતા અને કલાત્મકતાનું વિરલ મિશ્રણ જોવા મળે છે. વણખેડાયેલા વિષયવસ્તુ સાથે કામ પાડતાં હિમાંશી શેલત વાર્તાકાર તરીકે સતત વિકસતાં રહ્યાં છે. એમની વાર્તાઓ સંવેદનશીલ ભાવકને દિવસો સુધી અજંપ બનાવી શકે છે. ગુજરાતી સાહિત્યમાં બહુમુખી પ્રદાન કરનાર હિમાંશી શેલત ગુજરાતી ટૂંકી વાર્તાનું જ નહીં, પણ ભારતીય ટૂંકી વાર્તાનું એક અતિ મહત્ત્વનું નામ છે.