હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/ગળામાં ક્યાંક અકારણ અટકતી આશમાં છું

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.



ગળામાં ક્યાંક અકારણ અટકતી આશમાં છું
રહી રહી તને ખટકે છે એ કચાશમાં છું.

કળીની જેમ ઉઘડતા ઉજાસમાં હું હતો
ઉદાસ સાંજના ઝાંખા થતા પ્રકાશમાં છું.

છું સાથ સાથ અજાણ્યા સમયનાં બંધનમાં
હું બંધ આંખમાં જે છે એ મોકળાશમાં છું.

અટકતું આવી અધર પર એ નામમાં હું નથી
અધર કરડતાં જે ઉપસી છે એ રતાશમાં છું.

ફરી ફરી ન મને શોધ આંગળીઓમાં
તને હજી જે સ્મરણમાં છે એ ભીનાશમાં છું.

છંદવિધાન
લગાલગા લલગાગા લગાલગા ગાગા/લલગા