૩૩ કાવ્યો/બે કૌંસ વચ્ચે
જન્મ મૃત્યુ કૌંસ બે,
વચ્ચે વહે આ જિંદગી;
જે વ્યાકરણથી-પૂર્ણ-ના તે વાક્ય જેવી,
લય ન જેને, કે ન જેને ચિહ્ન કોઈ વિરામનું,
ના અલ્પ કે ના પૂર્ણ, ના આશ્ચર્ય કે પ્રશ્નાર્થનું;
ને એકલાનો અર્થ પણ ના!
કિન્તુ જે સંપૂર્ણ આખું વાક્ય
– જેમાં અંતરાલે એ વસે
એ વાક્યના તો અર્થમાં વૃદ્ધિ કરે,
ક્યારેક તો એ વાક્યના સંવાદમાં, સૌંદર્યમાં શુદ્ધિ કરે!
૨૨–૩–૧૯૫૭