૩૩ કાવ્યો/શું ધૂણો?
પ્રેમ! પ્રેમ! શું ધૂણો?
હે પ્રેમીજન, એકાદો તો ક્યાંક
હૃદયમાં ખાલી રાખો ખૂણો!
પ્રેમ! પ્રેમ! શું ધૂણો?
નોટબુકમાં પાને પાને લેખ
પ્રેમનો તમે લખી છો નાખ્યો,
ક્યાંક સુધારા, ક્યાંક વધારા કાજ
અગર જો હોય હાંસિયો રાખ્યો!
ભલે ભાવતાં ભોજન ચાખો!
જરીક રાખો કોષ ઉદરનો ઊણો!
પ્રેમ! પ્રેમ! શું ધૂણો?
સૌ જાણીતા માનીતાથી ભર્યો
હૃદયનો ખંડ તમે જો ખાસ્સો,
શું કરશો જ્યાં કોઈ અજાણ્યું
આવી માગે એક રાતનો વાસો?
ગળાબૂડ છો ગરક પ્રેમમાં?
ભલે ડૂબો તો! તમે બધિર, નહીં સુણો!
પ્રેમ! પ્રેમ! શું ધૂણો!
૨૪–૧૨–૧૯૫૬