Many-Splendoured Love/એટલે કેવા ?

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


એટલે કેવા ?

માલિની પહેલવહેલાં અમેરિકા આવી ત્યારે બહુ જ ગભરાયેલી રહેતી. બધું સાવ જુદું. કશાની સમજણ પડે નહીં. કૉલૅજ પૂરી કરેલી, ને અંગ્રેજી ભણેલી, પણ બોલવાની ટેવ નહીં, એટલે પ્રયત્ન કરતાં પણ ગભરાય. એને થાય કે અંગ્રેજી બોલતાં આવડશે જ નહીં. બધી બાબતમાં એને લાગે કે નહીં ફાવે. આથી સવારથી સાંજ એ અપાર્ટમૅન્ટમાં પુરાઈને રહેતી. મનોજ કામ પરથી આવે પછી બંને સાથે બહાર જતાં - ગ્રોસરી સ્ટોરમાં, શૉપિન્ગ સેન્ટરમાં, કોઈ વાર લાયબ્રેરીમાં. ચારે બાજુ લાઇટો અને નવી નવી વસ્તુઓ જોઈને માલિનીને અચરજ થતું, ખુશી થતી, પણ લાયબ્રેરીમાં એને સૌથી વધારે ગમતું.

આટલી બધી ચોપડીઓ! ખીચોખીચ ભરેલા ઘોડાઓની વચ્ચે થઈને જતાં જતાં માથું જમણે કે ડાબે નમાવી એ નામો વાંચતી. એક પણ નામ ઓળખીતું નહીં, કારણકે અંગ્રેજી ભણવા સિવાયનું કશું એણે વાંચેલું નહીં. પછી એ મૅગૅઝિન વિભાગમાં જતી. મનોજ છાપું વાંચતો હોય ત્યારે એ કોઈ ને કોઈ મૅગૅઝિન જોવા માંડતી. એમ કરતાં ટાઇમ, ન્યૂઝવીક, લેડિઝ જર્નલ, હાઉસ બ્યુટીફૂલ, નૅશનલ જિઓગ્રાફિક વગેરે સામયિકોથી એ થોડી પરિચિત થતી ગઈ.

શનિ-રવિ તો સૌથી સારા લાગતા. ત્યારે તો જાણે બહાર ને બહાર! મંદિરે જવાનું હોય, હિન્દી સિનેમા જોવા જવાનું હોય, ઓળખીતાંને ત્યાં મળવા જવાનું હોય. કોઈ પોતાને ત્યાં આવે એની માલિની રાહ જોતી. એનું કોઈ ઓળખીતું નજીકમાં નહોતું, પણ મનોજનાં બહેન થોડે જ દૂર રહેતાં હતાં. એમની અવરજવર રહેતી. એમણે માલિનીને ઘણું શિખવાડેલું - રસોડામાં ઇલેક્ટ્રિક સ્ટવ વાપરતાં, કપડાં ધોવાનાં મશિન ચલાવતાં, કૉફીમેકરમાં કૉફી બનાવતાં.

એક વર્ષ નીકળી ગયું. માલિની હજી હિન્દી સિનેમા, ઇન્ડિયન રેસ્ટૉરાઁ અને ગુજરાતી ઘરો સિવાય ક્યાંય ગઈ નહોતી. અમેરિકન સિનેમા તો બહુ ‘ ફાસ્ટ ’, બીજા ખાવાનામાં તો ‘બાસ’ આવે, અમેરિકનો સાથે શું વાત કરવાની?, એવું એવું મનોજ માનતો અને બોલતો. માલિની મનમાં એ વિષે વિમાસતી, પણ કશું બોલતી નહીં. જેને વિષે બહુ સમજણ ના હોય એને માટે માથાકૂટ ક્યાં કરવી?, એ વિચારતી.

બાબો જન્મ્યો પછી માલિનીના જીવનમાં ફરીથી એક પરિવર્તન આવી ગયું. ડૉક્ટર, નર્સ, ચેક-અપ, કેમિસ્ટ, હૉસ્પિટલ, કસરત - કેટલા બધા નવા લોકોને મળવાનું થયું. એમની સાથે બોલવું પડ્યું; કેટલુંયે પૂછવું ને સમજવું પડ્યું. બાળક આવે તે પહેલાં કેટલું બધું વાંચવું પડ્યું. એ મહિનાઓ દરમ્યાન માલિનીનો ખોટો ગભરાટ ઘટતો ગયો. બાબાનું નામ પાડ્યું ‘નિજ’. પહેલેથી જ મનોજ કહ્યા કરતો હતો, કે “નાનું જોઈએ, અહીં બધાંને ફાવે એવું જોઈએ.” ફોઈએ થોડાં નામ સૂચવ્યાં હતાં. માલિનીએ પણ થોડાં વિચાર્યાં હતાં. મનોજે એમાંથી આ એક પસંદ કર્યું, અને ફોઈએ વાંધો ના લીધો, એટલે ઊંડે ઊંડે સુધી ખુશી માલિનીને સ્પર્શી ગઈ. “નિજ. મારો પોતાનો”. બાળકને હૈયે ચાંપતાં એ વિચારી રહી, “ આવતાંની સાથે કેટલા બધા દીવા પ્રગટાવી દીધા મારા જીવતરમાં.”

પછી તો દિવસો ક્યાંયે પૂરા થઈ જવા માંડ્યા. નિજને બાબાગાડીમાં ગોઠવીને માલિની બહાર નીકળતી થઈ. પણ ના, “બાબાગાડી નહીં, સ્ટ્રોલર, સ્ટ્રોલર”, મનોજે ઘણી વાર એને સુધારેલી. ઍપાર્ટમેન્ટ-બિલ્ડિંગમાંની બીજી માતાઓ સાથે ઓળખાણ થઈ, અને એક-બે જણને ત્યાં પણ એ બપોરે બપોરે જતી થઈ. લિન્ડા સાથે તો એને બહેનપણાં જ થઈ ગયાં. લિન્ડાની મૂળ ભાષા સ્પૅનિશ, તેથી એનું અંગ્રેજી પણ જરાક કાચું. એની સાથે વાતો કરતાં માલિનીનો સંકોચ જતો રહેતો.

શરૂઆતમાં મનોજ જરા આભો બની ગયેલો. આવું બધું થશે, એવું જાણે એણે ધાર્યું નહોતું. પછી જ્યારે માલિની લિન્ડા અને એની બેબી સાથે બસ લઈને લાયબ્રેરી ગઈ ત્યારે તો મનોજ એને સહેજ લડ્યો. “ના, છોકરાને લઈને બસમાં તે કાંઈ જવાતું હશે? પડી-બડી જાય તો? આંચકો આવે ને એને વાગી જાય તો?” એણે માલિનીનો ઊધડો લીધેલો, પણ માલિનીએ શાંતિથી એને સમજાવેલો.

“નિજને કશું પણ હું થવા દેતી હોઈશ કાંઈ? અરે, અહીં તો બાળકને જુએ કે તરત બધાં મદદ કરવા માંડે છે. રમાડવા યે લાગે.” “ કોઈને હાથ લગાડવા તો ના જ દેતી”, મનોજ કચવાઈને બોલેલો. માલિની મીઠું હસેલી, “આપણો દીકરો વહાલો લાગે એવો હોય તો લોકો બિચારા શું કરે?”

લાયબ્રેરીમાં જવાનું નિયમિત બની ગયું. બીજાં બાળકો સાથે નિજ હળતો ગયો. માલિની એને પ્લે-રૂમમાં મૂકીને થોડો વખત પુસ્તકોની વચ્ચેથી ચાલવા કે મૅગૅઝિન વાંચવા જતી રહેતી. દીકરાની સાથે સાથે એ પણ જાણે મોટી થવા લાગી.

ઉનાળાની શરૂઆતે માલિનીને આસિસ્ટન્ટ લાયબ્રેરિયન મિસિસ સેમોકોવ તરફથી અચાનક એક સરસ તક મળી. એમની સાથે વાતચીતનો સાધારણ સંબંધ થયેલો. જતાં-આવતાં હંમેશાં એ હસતાં, હલો કહેતાં, નિજને જરા રમાડતાં. એમણે માલિનીને કહ્યું, “પુસ્તકોની ગોઠવણી થોડીક બદલવાનું અમે નક્કી કર્યું છે. છાજલીઓ ખાલી કરવી પડશે. પછી થોડી જુદી રીતે પુસ્તકો પાછાં ગોઠવવાં પડશે. તને હું છાજલીઓની વચ્ચે થઈને જતી, શીર્ષકો વાંચતી જોઉં છું. મને થયું કે કદાચ તને આ કામ ગમશે.”

માલિનીના મનમાં પહેલો વિચાર તો એ જ આવ્યો, કે ફાવશે મને? પછી મિસિસ સેમોકોવની સામે જોઈને એ બોલી, “ગમશે તો ખરું, પણ...” “તું વિચારી જો. અઠવાડિયામાં ત્રણ દિવસ ચારેક કલાક જેવું આવીશ તો ચાલશે, અને હા, અમે તને પૈસા નહીં આપી શકીએ, પણ બદલામાં એ વ્યવસ્થા કરી આપીશું કે બાળકો માટે ઉનાળાનો જે કૅમ્પ થવાનો છે એમાં તારા દીકરાને મોકલવાના પૈસા તારે ના આપવા પડે.”

નિજ અઢી વર્ષનો થવામાં હતો. એને બીજાં બાળકો સાથે નવું નવું જોવા ને શીખવા મળે તે તો જરૂરી જ હતું, ને પોતાને પુસ્તકો સાથે સમય ગાળવા મળશે એ ખ્યાલથી જ માલિનીને રોમાંચ થયો. તરત એણે મિસિસ સેમોકોવને હા પાડી દીધી. મનોજને એમાં વાંધો નહીં જ આવે, એને ખાતરી હતી. નિજને લઈને લાયબ્રેરીમાં તો એ જતી જ હતી. ટેવ પ્રમાણે મનોજે ચિંતા વ્યક્ત કરેલી, પણ આમાં કોઈને ગેરલાભ નહોતો, એ જોતાં એને વાર નહોતી લાગી.

આ કામમાં કિમ અને ડૉટ નામની બે હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓ મદદ કરવાની હતી. બદલામાં એમને અમુક માર્ક મળવાના હતા. ચોથો હતો ડેવિડ. એને આ કામનો અનુભવ હતો, ને લાયબ્રેરીએ એને આગળથી જ રોકી લીધેલો. માલિની તરત જોઈ શકી કે ચોપડીઓની પાછળ એ ગાંડો હતો, અને એણે વાંચેલું પણ ખૂબ. દેખાવે જ એ “ચોપડીઓના કીડા” જેવો હતો - પાતળો, સહેજ લાંબા વાળ, જાડાં જેવાં ચશ્માં, અને ક્યાંતો બેધ્યાન હોય, ક્યાંતો બબડતો હોય એવો લાગે. પેલી છોકરીઓ એને જોઈને અંદર અંદર હસવા માંડે. પણ માલિની આભી બની ગયેલી. “આટલું બધું યાદ રહી જાય કોઈને?”

કોઈ પણ કવિનું નામ આવે ને ડેવિડ એમનાં કાવ્યોની પંક્તિ બોલવા માંડી જાય, નાટ્યકારની યાદ આવે ને એ સંવાદો બોલવા માંડે. માલિનીને શ્રોતા બનેલી જોઈ એટલે જે સર્જકની પંક્તિઓ એ ઉચ્ચારતો હોય, એની કૃતિ માલિનીના હાથમાં મૂકે. વાંચવાનો સમય તો ના જ હોય ને, પણ માલિની પાનાં ફેરવી લેતી. કેટલાંક સર્જકોનાં જીવનના પ્રસંગો પણ ડેવિડ વર્ણવતો. માલિનીને એ વાર્તા સાંભળવા જેવું લાગતું. અંગ્રેજી અને અમેરિકન સાહિત્ય વિષે વધારે જાણવાની ઇચ્છા એના મનમાં જાગવા લાગી.

“આ બધું ભણવું બહુ અઘરું હોય?”, એક દિવસ એણે પૂછેલું. “શું? શેક્સપિયર? થૉમસ હાર્ડી? વૉલ્ટ વ્હિટમૅન? એમિલિ ડિકિન્સન? અલબત્ત, ના.” ડેવિડે જોશભેર જવાબ આપેલો. “અઘરું કશું હોતું જ નથી. આપણે જે ધારીએ તે કરી શકીએ.”

એ છેલ્લા વાક્ય સાથે માલિની સંમત નહોતી થઈ, પણ અમેરિકામાં ક્યારેક ભણવા જવાનું બીજ એનામાં ત્યારે રોપાયું હતું. પેલી છોકરીઓ ચીંધેલું કામ કરતી ખરી, પણ એમની ગુસપુસ ચાલુ રહેતી. માલિની માટે પુસ્તકોના સંગમાં વીતતો એ સમય આનંદનું કારણ બની ગયો હતો. ડેવિડ એને માટે એક મિત્ર હતો - જેવી લિન્ડા હતી. ફેર એ જ, કે ડેવિડ પાસેથી એને હંમેશાં કશું શીખવા, કશું જાણવા મળતું હતું.

બાકીનો સમય તો પહેલાંની જેમ - સાફસૂફ, રસોઈ, ઓળખીતાં, દુકાનો, મનોજ, નિજ. એ માટે કશી ફરિયાદ નહોતી, પણ હવે માલિનીને ખબર હતી કે બહાર એક જુદી, બહુ મોટી દુનિયા વિસ્તરેલી હતી.

એક શનિવારે બપોરે રિગલ ઇન્ડિયા પૅલૅસ નામની નજીકની રૅસ્ટૉરાઁમાં મનોજના કોઈ મિત્ર તરફથી જમવાનું હતું. પ્રવેશતાં જ આગલા રૂમમાં બૂફે માટેના લાંબા ટેબલ પર બધી વાનગીઓ ગોઠવેલી હતી. માલિની એ જોવા રોકાઈ, ને નિજને ઊંચકીને મનોજ સીધો અંદરના રૂમ તરફ ગયો. પ્રાઇવેટ પાર્ટી ત્યાં હતી. બૂફે જોઈને માલિની અંદર તરફ જતી હતી ને કોઈએ એને બોલાવી. એક ટેબલ પર ડેવિડ એકલો બેઠેલો હતો. કંપનીમાં હતી બે-ત્રણ ચોપડીઓ. એને જોઈ સ્નેહથી હસીને માલિનીએ પૂછ્યું, “ઓહો, તમે અહિંયાં ક્યાંથી?”

“છાપામાં વખાણ વાંચ્યાં એટલે ટ્રાય કરવાનું મન થયું.” ઉતાવળે એટલું કહી ડેવિડ બોલ્યો, “યૂ લૂક વેરી બ્યુટીફૂલ.” પહેલી જ વાર એણે માલિનીને સાડીમાં જોઈ હતી. ઘેરા જાંબલી પોત પર ફૂલગુલાબી રંગનાં કિનાર-પાલવ હતાં. સોનાનાં ઘરેણાં પહેરેલાં, અને જાંબલી ચાંદલો ચોંટાડેલો. શરમાઈને એ નીચું જોઈ ગઈ. પછી ઓળખાણ કરાવવા માટે એણે મનોજને શોધ્યો, પણ એ દેખાયો નહીં. હજી ડેવિડ એની સામે જોઈ રહેલો. આંખો મળતાં ફરી એ બોલ્યો, “માલિની, યૂ લૂક સો બ્યટીફૂલ.” પ્રશંસા એને ગમી, પણ સંકોચ વધારે થયો. “થૅન્ક યૂ, બાય”, કહીને એ અંદરના રૂમમાં જતી રહી. ત્યાં મનોજની પાસે જઈ એણે કહ્યું, “જરા બહાર આવો ને. એક ઓળખાણ કરાવું.”

અમેરિકન સાથે ઓળખાણ કરવામાં મનોજને રસ નહોતો, ને આ બાજુ આટલાં ઓળખીતાં હતાં. બારણા પાસે આવી, દૂરથી ડેવિડને જોઈ એણે કહ્યું, “કોણ, પેલો? સાવ મૂજી જેવો લાગે છે, ને ચોપડીઓ લઈને જમવા આવે એવા વેદિયાને મારે નથી મળવું.” એ પાછો અંદર જતો રહ્યો. સારું હતું કે ડેવિડે મનોજને જોયો નહોતો - માલિનીની સાથે, નહીં તો કેવું ખરાબ લાગત. મનોજના શબ્દો માલિનીને કઠ્યા હતા, પણ એ કશું કહી શકવાની નહોતી.

પાસે આવી ફરી મનોજ બોલ્યો, “માલુ, તું ક્યારે સમજવાની? આવા લોકો સાથે બહુ લપ્પન-છપ્પન નહીં કરવાની, ઓ.કે.?” “ આવા લોકો - એટલે કેવા વળી?”, મુંગાં મુંગાં માલિની વિચારી રહી. સદ્ભાગ્યે લાયબ્રેરીમાં જવાની ના પાડવાનું મનોજને સૂઝ્યું નહોતું.

સોમવારે ડેવિડે રૅસ્ટૉરાઁમાં મળ્યા વિષે કોઈ વાત કાઢી નહીં, પણ ઇન્ડિયન વાનગીઓ બનાવવાની રીતોની ચોપડી વિષે પૂછ્યું. એવી કોઈ અંગ્રેજી ચોપડીની જાણ માલિનીને હતી નહીં. એણે કહ્યું, “થોડી રીતો હું તમને લખાવીશ. તમે ઘેર બનાવી શકશો.” “અઘરું ના પડે? ફાવે જાતે બનાવતાં?” “અઘરું શેનું?”, માલિની ઉત્સાહ સાથે બોલી. પાકશાસ્ત્રમાં એ નિષ્ણાત હતી! ડેવિડે એને અજાણ્યે જે આપ્યું હતું તેનો થોડો બદલો એ આ રીતે વાળી શકે તેમ હતી. પછી એમ નક્કી થયું કે શુક્રવારે લાયબ્રેરીમાંથી છૂટીને નિજને લઈને માલિની ડેવિડની ગાડીમાં ઇન્ડિયન ગ્રોસરી સ્ટોરમાં જશે, અને થોડા જરૂરી મસાલા ખરીદી આપશે. મનોજ જાણશે તો બહુ ચિડાશે, એ જાણતી હતી, પણ ત્યારની વાત ત્યારે, એણે વિચાર્યું.

બુધવારથી નિજને ઉધરસ થઈ ગઈ, ને કશું ખાવાની ના પાડવા માંડ્યો. પરાણે દૂધ પાયું તો ઊલટી કરી નાખી. રાતે તાવ જણાયો. માલિનીને ગભરાયેલી જોઈ બીજે દિવસે મનોજે રજા લીધી. શુક્રવારે ફોઈ સાથે રહેવા આવી ગયાં. ડૉક્ટરે ફોનથી અમુક દવા આપવાનું કહી દીધું. એથી ફેર ના પડ્યો, એટલે શનિવારે નિજને લઈને બધાં ડૉક્ટરની ઑફીસે ગયાં. જોતાં સાથે એમણે કહ્યું, કે નિજને અછબડા નીકળવાની શરૂઆત હતી. “કોઈનો ચેપ લાગી ગયો હશે, પણ ગભરાવાનું કોઈ કારણ નથી”, એમણે ખાતરી આપી. માલિની વારંવાર આંસુ લૂછતી રહી.

કેટલા દિવસો આમ ને આમ ગયા, કશો ખ્યાલ એને રહ્યો નહીં. એને નહોતી રહી ભૂખ, કે નહોતી રહી ઊંઘ. નિજની પાસે ને પાસે એ બેસી રહેતી. એ અઠવાડિયું ઘર ફોઈએ સંભાળી લીધું. સાતમે દિવસે તાવ ઊતર્યો હશે, તે આંખો ખોલીને નિજ જરા હસ્યો. પછી ધીરે ધીરે લાલ ડાઘા ઓછા થવા માંડ્યા. દૂધ, પૉરિજ ને પછી ખીચડી જેવું થોડું એ ખાવા માંડ્યો. ત્યાર પછી જ માલિની પણ કશું ખાઈ શકી. મનોજે મોઢા પરથી બતાવ્યું નહોતું, પણ એનો જીવ હવે જ શાંત થયો.

પંદર દિવસ પછી નિજ હસતો-રમતો થઈ ગયો ત્યારે માલિનીને યાદ આવ્યું, કે લાયબ્રેરીમાં જણાવવાનું રહી જ ગયું હતું. મિસિસ સેમોકોવ પાસે જઈને એક વાર માફી માગી આવવી જોઈએ, એમ એણે વિચાર્યું. એક-બે કલાક માટે એણે નિજને લિન્ડા પાસે મૂક્યો. લાયબ્રેરીમાં પહોંચીને જોયું તો ઓળખીતું કોઈ દેખાયું નહીં. મિસિસ સેમોકોવ વાર્ષિક રજા પર હતાં. કિમ અને ડૉટનું નિર્ણિત કામ પૂરું થઈ ગયું હતું. ડેવિડ તો હોવો જોઈએ ને? માલિની છાજલીઓની વચ્ચે ફરી આવી. વાંચન-વિભાગમાં જોઈ આવી.

લાયબ્રેરીમાં આવતાંની સાથે માલિનીને બીજી એક વાત પણ યાદ આવેલી - ડેવિડને મસાલા અપાવવાની વાત. હાય રામ, એ પણ સાવ ભુલાઈ જ ગયેલું. શું માનતો હશે એ? ક્યાંયે એ દેખાતો નહોતો. ક્યાં હશે? ને ક્યાં સુધી રાહ જોવી એની? નિજને મૂકીને નીકળેલી, એટલે પાછાં જવાની ઉતાવળ હતી. સંકોચ ટાળીને એ આગલા ડેસ્ક પરની કારકુન પાસે ગઈ. અવાજને સ્વાભાવિક બનાવીને એણે પૂછ્યું, “ડેવિડ ક્યાં હશે?, કે આજે નથી આવ્યા?” પેલીએ મોઢું બગાડીને કહ્યું, “કોણ, એ બોચિયો ડેવિડ? એ તો ક્યારનો છૂ થઈ ગયો. આવા લોકોનો ભરોસો કરાય જ નહીં.”

ફરીથી એ જ શબ્દો. “આવા લોકો - એટલે કેવા? ને એવો તે કેવો હતો ડેવિડ?” એ ધૂની હશે, પણ મૂરખ તો નહોતો જ. વાંચનનો બહુ જ શોખ હતો એને. એ કાંઈ વાંક કહેવાય? માલિની નિરાશ થઈ ગઈ. “ક્યાં જતો રહ્યો હશે? કેમ જતો રહ્યો હશે? પોતે તો કારણભૂત નહીં હોય ને?” પોતે વચન પાળી નહોતી શકી. અરે, કશા ખબર આપવાનું પણ ભૂલી ગઈ હતી. “ખરાબ લગાડીને, અપમાન પામીને, દુઃખી થઈને તો નહીં જતો રહ્યો હોય ને?” આ બધા પ્રશ્નોના જવાબ ક્યારેય માલિનીને મળવાના નહોતા. ફરી ક્યારેય કદાચ એ ડેવિડને મળવાની નહોતી. માફી માગવાનો, કે શું બન્યું હતું એ કહેવાનો પ્રસંગ પણ કદાચ આવવાનો નહોતો. ને આભાર માનવાની તક પણ માલિનીને મળી નહીં.

કામ પૂરું થઈ ગયું હતું, ને પુસ્તકો નવેસરથી ગોઠવાઈ ગયાં હતાં. પણ માલિનીના મનમાં એક અધૂરપ રહી ગઈ. કશા સ્પષ્ટ કારણ વગર એ ઉદાસ થઈ ગઈ. ફરીથી એ સાહિત્યની છાજલીઓ પાસે ગઈ. હાથમાં માય એટલાં પુસ્તકો એ કાઢતી ગઈ. ઈચ્છા તો થઈ કે એમને એક પછી એક ચોતરફ ફંેકે, બધું પાછું અસ્તવ્યસ્ત કરી દે, છાજલીઓ ખાલી કરી નાખે. વાસ્તવમાં, પુસ્તકોનો ભાર બાથમાં લઈને, સમયનું ભાન ભૂલીને, નિજનો ખ્યાલ ભૂલીને, વ્યવસ્થિત છાજલીઓની વચ્ચે એ સ્તબ્ધ ઊભી રહી ગઈ.