Talk Like Ted

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

‘એકત્ર' સંકલિત શ્રેણી

Granthsar-logo.jpg

વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ


Talk Like TED-title.jpg


Talk Like Ted

Carmine Gallo

સંભાષણકળાનાં કૌશલ્યો


કાર્માઈન ગેલો
TED (Technology, Entertainment, Design)

વિશ્વના અગ્રણી વક્તાઓનાં વક્તવ્યોની વ્યૂહરચનાના ૯ મુદ્દાઓનું રહસ્યોદ્ઘાટન.



“હૃદયઝંકૃતકરે તેવી રજૂઆત કરતા શીખવનારું સ્માર્ટ અને પ્રેક્ટિકલ પુસ્તક !”
-ડેનિયલ પીંક.


ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન
અનુવાદ: ડૉ. ચૈતન્ય દેસાઈ


લેખક પરિચય:

કાર્માઇન ગેલો CNN અને CBS જેવી ન્યૂઝ ચેનલોના ભૂતપૂર્વ એન્કર અને કૉરસ્પોન્ડન્ટ રહ્યા છે. કોકા-કોલા અને ઇન્ટેલ જેવી કંપનીઓના બિઝનેસ એક્ઝીક્યૂટીવ કોચ તરીકે પણ તેમણે સેવા આપી છે. ઉપરાંત મુખ્ય કોન્ફરન્સીસમાં ચાવીરૂપ વક્તા તરીકે ઘણાં વક્તવ્યો આપ્યાં છે. The presentation Secrets of Steve Jobs જેવાં ઘણાં પુસ્તકોના તેઓ લેખક પણ છે.

વિષય પ્રવેશ :

Talk Like TED (2014):પુસ્તકમાં દુનિયાના પ્રભાવી જાહેર વક્તાઓ પોતાના વક્તવ્યમાં રજૂઆતની કેવી વ્યૂહરચના અપનાવે છે તેની વાત છે. લેખક કાર્માઈન ગેલોએ ૫૦૦થી વધુ TED(TV Talks)નું પૃથક્કરણ કરી તેને આટલી અસરકારક અને અપીલીંગ બનાવનારાં કેટલાંક સામાન્ય લક્ષણો તારવ્યાં છે.

પ્રસ્તાવના :

દર્શકોને જકડી રાખનારી શ્રેણી ખૂબ પ્રભાવક TED Talksનું રહસ્ય શોધતાં, એ વક્તાઓએ ઉપયોગમાં લીધેલી ટેકનિક અને રજૂઆત પ્રવિધિનું (નિ)દર્શન લેખક અહીં કરાવે છે. કોઈપણ વક્તાને આમાંથી એનું જાહેર વક્તવ્ય કૌશલ્ય કેવી રીતે સુધરી શકે અને તે પોતાના વિચારો, મત-માન્યતા-અભિપ્રાયો શ્રોતાઓ સુધી અસરકારક રીતે પાઠવી શકે, રસપૂર્વક રજૂઆત કરી શકે તેનું સચોટ માર્ગદર્શન, સફળ TED વક્તાઓના અનુભવના નીચોડમાંથી મળે છે. લેખક અહીં કેટલીક વ્યવહારુ સલાહ ગાંઠે બંધાવે છે કે—શ્રોતાઓ સાથે કનેક્ટ કેવી રીતે થવું, વિચારો અસરકારક રીતે કેમ મૂકવા, અને વક્તવ્યની ચિરસ્થાયી છાપ શ્રોતાના દિલો-દિમાગમાં કેવી રીતે છોડવી વગેરે.

આમાં મને ઉપયોગી શું છે? પ્રોફેશનલની જેમ તમારા વિચારો ખૂબ સરળતાથી રજૂ કરતા શીખો. જો તમારી પાસે ફળદ્રુપ દિમાગ અને મહાન વિચારો હોય તો તમે દુનિયા સાથે તે કેવી રીતે વહેચવા માગશો? આપણી ઉપર દરરોજ બેસુમાર માહિતીનો મારો થતો રહે છે, તેથી તમારા એકાદ સારા-મહત્ત્વના વિચારને એમાં ચમકાવવો હશે તો એને બળપૂર્વક ધકેલવો પડશે, એટલે કે તમારે એને ‘વેહેંચવો’ પડશે. TED ટૉક ખૂબ પ્રચલિત ટી.વી. સંભાષણ કાર્યક્રમ છે. ટેકનોલોજી, એન્ટરટેઇનમેન્ટ, ડિઝાઇન-TED-ની કોન્ફરન્સીસમાં ત્રણેક સામાન્ય અંતર્નિહિત લક્ષણો છે જે એને અન્ય સંભાષણ કાર્યક્રમથી જુદો પાડે છે. દરેક સંભાષણમાં રજૂઆતનું વિષયવસ્તુ નવીન જ હોય છે. વક્તા શ્રોતાઓને તેની સાથે ઈમોશનલી બરાબર કનેક્ટ કરવામાં સફળ થાય છે. એના વિષયો નૂતન છે અને રજૂઆતની શૈલી વિશિષ્ટ હોવાથી તે શ્રોતાઓને યાદ જ રહી જાય છે. આવું કરવા માટે વક્તવ્યમાં ક્યાંક ક્યાંક વાર્તા કે દૈનિક જીવનના વાસ્તવિક પ્રસંગોને ગૂંથતા જાવ. વક્તવ્ય શ્રોતાને ગળે ઊતરે અને તે એને અનુસરે એવું બનાવવા, તેમની પાંચ જ્ઞાનેન્દ્રિયોમાંથી એકથી વધુ જ્ઞાનેન્દ્રિયોને ઉદ્દીપ્ત કરે, સ્પર્શી જાય તેવું કરો. તો,આગામી પ્રકારણોમાં તમે જોશો કે :- • TEDટૉકને વાઈરલ કરવા માટે, મચ્છરનાં ઝૂંડ છોડવાની ટેકનિક કેવી રીતે ઉપયોગી થાય? • અમેરિકન ડ્રીમ અને ડેન્માર્ક દેશ વચ્ચે શું કૉમન છે? • નવી જાણકારી મગજને તે યાદ રખાવવા માટે કેવી રીતે ઉત્તેજિત કરે છે?

ચાવીરૂપ ખ્યાલો :

(૧) તમારી રજૂઆત ક્ષમતા અને વાક્ કૌશલ્ય જેવા જીવનના એક મહત્ત્વના પાસાંને સુધારવામાં TED ટૉક મદદરૂપ થઈ શકે છે.

૧૯૧૫માં ડેલ કાર્નેગીએ દુનિયાની પ્રથમ self-help book, The Art of Public Speaking લખી, જેમાં એમણે વક્તા પોતાનો મુદ્દો યાદ રહી જાય અને જકડી રાખે તે રીતે કેમ રજૂ કરી શકે તેની ટેકનિક બતાવી હતી. વાચકો, તમે વિચારો કે આજથી સો-સવાસો વર્ષ પહેલાં પણ લોકો સફળ થવા માટે પોતાને ટોળાંથી જુદા પાડવાની રીતો શોધતા હતા. એ રીત-રસમો, પ્રવિધિ ત્યારે સાચી હતી, તો આજે તો એ વધુ સુસંગત અને પ્રસ્તુત નીવડે જ.

આજના જગતમાં, સ્પર્ધાનું તત્ત્વ તીવ્રતમ છે. તેમાં તમારા વિચારો તરતા મૂકવા અને ટકાવવા, તેને કેવી રીતે વેચવા, જાતને વેચવાનું શીખવું પડશે...બીજા એક લેખક ડેનિયલ પીંક, તેમના પુસ્તક To Sell is Humanમાં કહે છે કે આપણે બધા જ વેચાણમાં છીએ, આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ !

પણ તમારી જાતને (તમારા વિચારોને)સૌથી ઉત્તમ રીતે વેચતાં તમે ક્યાં શીખી શકો? ડેલ કાર્નેગીની ‘જાહેર વક્તવ્યકળા’(૧૯૧૫)જેવું સમકાલીન સમકક્ષ પુસ્તક કયું છે? THE TED TALK- ટેકનોલોજી, એન્ટરટેઇનમેન્ટ, ડિઝાઇન-આ એક અગ્રણી વિચારકો અને સંશોધકોને પોતાના નવા નવા આઈડિયાઝ રજૂ કરવાનો એક પ્રખ્યાત મંચ છે. અસરકારક વેચાણ કૌશલ્ય શીખવા આ એક નમૂનારૂપ શૉ છે. જેના દરેક પ્રેઝન્ટેશન ઓનલાઈન ફ્રીમાં જોવા મળી શકે છે. ૧૯૮૪માં એક જુદા જ, હટકે પ્રયોગરૂપે શરૂ થયા પછી એની લોકપ્રિયતા ઝડપથી વધતી ગઈ. આજે તો એ વિશ્વવ્યાપી થઈ ગયો છે. વાસ્તવમાં, આજે તો, એક દિવસની અંદર, પાંચ TED.x ઈવેન્ટ (મૂળ ઈવેન્ટની આંતરરાષ્ટ્રીય ફ્રેન્ચાઈઝી), ૧૩૦થી વધુ દેશોમાં ચાલતી હોય છે.

ઉત્તમ જાહેર વક્તા બનવા માગતા દરેકને માટે, TED ચુનંદા તેજસ્વી અને સફળ વ્યક્તિઓને તમારી સમક્ષ રજૂ કરે છે, જેમાંથી તમને ઘણું બધું મૂલ્યવાન માર્ગદર્શન મળી રહે છે. આથી જ, આ પુસ્તકના લેખકે આવા ૫૦૦ ટૉકમાંથી અમુક સામાન્ય સત્યો તારવીને મૂક્યાં છે.પણ તે કયાંકયાં છે? TED વક્તા કયાં યુક્તિ-કલા-કરતબ કરે છે? તો આવો, આવતાં પ્રકરણોમાં, દુનિયાના બેસ્ટ સેલ્સ પીપલનાં સાધન-સરંજામ અને યુક્તિ-પ્રયુક્તિ જોઈએ.

(૨) ઉત્કટ આવેગ એ સફળ અને સમજાવટભર્યા પ્રેઝન્ટેશનનો પાયો છે.

દુનિયાના અતિસફળ લોકોમાં કૉમન શું છે?- પેશન ! પેશન એટલે તમને મનપસંદ અને ઊંડી અર્થસભર પ્રવૃત્તિ કરવામાં આવતાં સકારાત્મક ભાવ અને તીવ્ર ઉત્કટતા અને જનૂન જે તે ક્ષેત્રમાં સફળતા મેળવવા આવા ઉત્કટ આવેગની ખૂબ જરૂર હોય છે. Zappos નામની એક જાણીતી અને સફળ શૂઝ રીટેઈલર ઓનલાઈન કંપનીના સ્થાપક Tony Hsieshનો દાખલો લઈએ. ટૉનીને અસાધારણ પેશન હતી, પણ તેનું શૂઝનું વેચાણ વધે તેની નહિ; પરંતુ તેના ગ્રાહકો અને કર્મચારીઓ ખુશ થાય, સુખી રહે તેવી તીવ્ર તમન્ના રહેતી. બીજાને સુખી કરવાની પેશનને લીધે તેની કંપની બેસ્ટ કસ્ટમર કેર અને કર્મચારીઓ માટેના સુંદરતર વર્ક એન્વાયરમેન્ટ માટે બહુ સુખ્યાત થઈ. આમ પેશન એ સફળતાનો પાયો તો છે જ, તે ઉપરાંત, ઉત્તમ પ્રેઝન્ટેશન આપવા માટે પણ પેશન જરૂરી છે. ૨૦૧૨માં, એક સંશોધક જૂથે સ્ટડી કર્યો કે શા માટે રોકાણકારો અમુક સ્ટાર્ટઅપને રોકાણ માટે વધુ પસંદ કરે છે, અને અન્યને નહિ. એમણે જોયું કે જે તે કંપનીના ૧૫ મિનિટના પ્રેઝન્ટેશન પછી રોકાણકારો તેમાં પૈસા રોકવાનો નિર્ણય કરી લે છે, એવું સરળ સમજાવટભર્યું પ્રેઝન્ટેશન અસર કરી જાય છે. પ્રેઝન્ટરની પેશન, એ સ્ટાર્ટઅપના ઉદ્યોગ સાહસિકના શિક્ષણ અને અનુભવ કરતાં પણ વધુ ઊંડી અસર રોકાણકારના મન પર છોડી જતી જોવા મળી. પરંતુ પેશન જો તમારી નસ-નાડીમાં એટલી પ્રબળતાથી અને કુદરતી રીતે ન વહેતી હોય તો શું કરશો? સદ્ભાગ્યે, સફળ વક્તા બનવા માટે પેશન કેળવી શકાય છે, બસ લગન અને પ્રેક્ટિસ જોઈએ. આપનું મગજ એને મળતા ઇનપુટ્સના પ્રતિભાવમાં સતત બદલાતું રહે છે. લંડનના ટેક્ષી ડ્રાયવર્સ ઉપર થયેલા સંશોધન મુજબ, ડ્રાયવરના મગજનો અમુક હિસ્સો નેવીગેશન સ્કીલ સાથે જોડાયેલો હોય છે(હિપ્પોકેમ્પસ) તે સરેરાશ સાઈઝ કરતાં જરા મોટો હોય છે, જે સામાન્ય માણસ કરતાં રસ્તા શોધવામાં, યાદ રાખવામાં, ડ્રાઈવિંગ કરવામાં વધુ સચોટ મદદ કરતો હોય છે. એ જ રીતે, જ્યાં તમારે નિયમિત રીતે, કોઈ ચોક્કસ કામ કે પ્રકાર માટે ઉત્કટતાથી બોલવાનું હોય છે ત્યાં તમારું મગજ સમાયોજન સાધી લે છે, અને તેમાં વિકાસ પણ કરી શકો છો. તમારું વાક્-કૌશલ્ય સુધરી શકે છે. તો પછી ચાલો, રાહ કોની જોવાની?

(૩) વક્તવ્યમાંવાર્તાકથનનો સ્પર્શ તમને શ્રોતાઓ સાથે લાગણીપૂર્વક જોડાવામાં સહાયક બને છે.

ઘણા લોકો સંમત થશે કે સ્ટીવ જોબ્સ, દુનિયાના શ્રેષ્ઠ જાહેર વક્તા છે. પણ એમનાં વક્તવ્યોની રજૂઆત એટલી ચોટદાર, અસરદાર કેવી રીતે બને છે?

એમનાં વક્તવ્યો હંમેશા કરુણાભાવ-દયાભાવથી છલકાતાં હોય છે.ગ્રીક ફીલસૂફ ઍરિસ્ટૉટલે સૌપ્રથમ આવી વક્તવ્યકળા ઉપર ઊંડો વિચાર કર્યો હતો. તેમના મત મુજબ વક્તવ્યમાં સમજાવટની સ્વીકાર-સરળતા ત્રણ બાબતોને લીધે લાવી શકાય—ethos, Logos અને Pathos-નૈતિકતા, દૈવી શબ્દશક્તિ અને કરુણાભાવ.જોકે આ ત્રણેય એકબીજામાં ઓવરલેપ થતા જોવાય ખરા.

પહેલું તત્ત્વ-ethos- તમારા ચારિત્ર્ય અથવા મૂલ્યને સ્પર્શે છે. તમારા શિક્ષણ કે અનુભવના સંદર્ભ સાથે, શ્રોતાઓના તમારામાંના દૃષ્ટિકોણજન્ય વિશ્વાસ ઉપર એ અવલંબે છે.

બીજું તત્ત્વ-Logos-તમારી દલીલો કે વાત રજૂ કરવાની તાર્કિક ભૂમિકા ઘડે છે. જેમાં તમારી વાત શ્રોતાને ગળે ઉતારવા સબળ કારણો, આંકડાકીય માહિતી, દૃષ્ટાંતો-હકીકતો વગેરેનો સમાવેશ થાય છે.

ત્રીજું તત્ત્વ-Pathos-તમે તમારા શ્રોતા સાથે કેવું ઈમોશનલ જોડાણ સ્થાપી શકો, જે તમને સ્વીકાર્ય અને અસરકારક વક્તા બનાવે તેનો સમાવેશ કરે છે.

લેખકે સેંકડો TED ટૉક્સના પૃથક્કરણ પછી જોયું કે ખૂબ લોકપ્રિય પ્રેઝન્ટેશનમાં-૬૫% Pathos, ૨૫% Logos, અને ૧૦% ethos હોય છે.

તો સ્પષ્ટ છે કે Pathos સફળ સમજાવટભર્યા વક્તવ્ય માટે ખૂબ જરૂરી છે. પણ એને તમારા વક્તવ્યમાં લાવવું શી રીતે? –તો એ છે વાર્તાકથન દ્વારા.એનાથી શ્રોતા તમારી સાથે જોડાવા ઉત્સુક થાય છે, એ તત્ત્વ વક્તવ્યને મૂર્તતા અને વિશ્વસનીયતા બક્ષે છે. ત્રણ પ્રકારની વાર્તાથી આ સાધી શકાય.

પહેલું તો તમારી વ્યક્તિગત વાત. શ્રોતાઓને સાંકળવા માટે આવું પૂછો કે ‘તમારા બાળપણની કઈ પ્રારંભિક વાતો તમને યાદ છે?’ શ્રોતા તરત વિચારવા માંડશે.

બીજું, અન્ય લોકોની વાતો-એક મિત્ર તેના પહેલા સ્ટાર્ટઅપમાં સરેઆમ નિષ્ફળ ગયો, પણ એનો ત્યાર પછીનો વિચાર ઘણા રોકાણકારોને આકર્ષી ગયો...આવું યે થાય...તો શ્રોતા બરાબર સમજાશે...ત્રીજો પ્રકાર-સફળ બ્રાન્ડ, કંપની કે ઓર્ગેનીઝેશન્સની વાત, સત્યકથા...એક TED ટૉકમાં લુડવીગ માર્શેન-પાણી વિના ત્વચાને સાફ રાખતા Dry Bath નામના સ્કીન જેલનો શોધક-પાણીની તંગીવાળા પ્રદેશોમાં, સ્નાન વિના શરીરને કેવી રીતે સાફ કરી શકાય તેવી પોતાની પ્રોડક્ટ બતાવીને દર્શકોનાં દિલ જીતી ગયો હતો.

(૪) વક્તાનાંઅવાજ, હાવભાવ અને બોડી લેંગ્વેજ સુમેળભર્યા હોય ત્યારે જ શ્રોતા સાથે લાગણીભર્યું જોડાણ સધાય છે.

તમને કંટાળાથી બગાસાં આવવા માંડે, ઝોકાં આવવા માંડે એવું ધીમે અવાજે બોલાયેલું ધીમી ગતિએ બોલાયેલું વક્તવ્ય સાંભળ્યું છે કદી? તેમ જ ઝડપથી અને મોટેથી બોલાયેલું ભાષણ પણ સાર્થક નથી થતું, શ્રોતા શું કરતાં કરતાં સાંભળે છે તે પણ અગત્યનું છે.માનો કે તમે ડ્રાયવીંગ કરતાં કરતાં ઑડિયોબુક સાંભળો છો, ત્યારે પ્રમાણમાં ધીમી ગતિએ બોલાયેલું વધુ સમજાય. જયારે તમે સ્વસ્થતાથી બેસી ધ્યાનથી કોઈ પ્રેઝન્ટેશન જોતા હો ત્યારે વક્તા જરા ઝડપથી રજૂઆત કરતા જાય તે જરૂરી લાગે...તો પછી રજૂઆતની યોગ્ય ઝડપ કેટલી? લેખકે શોધ્યું કે એક મિનિટમાં ૧૯૦ શબ્દો વક્તાએ બોલવા જોઈએ. તેમ છતાં, અવાજને કેળવવો એ તો પ્રારંભિક બાબત છે. શ્રોતાને તમારી સાથે જોડવા તમારી બોડી લેંગ્વેજ ઉપર પણ ધ્યાન આપવું જરૂરી છે. આપણું હલનચલન કેવું છે તે ઘણી માહિતી આપી જાય છે. એક સંશોધનમાં એક શંકાસ્પદ ગુનેગારોના ઓડિયો અને વીડિયો રેકોર્ડિંગ અલગ અલગ કરીને વિદ્યાર્થીઓને સ્ટડી માટે અપાયા કે આમાંથી કયા ગુનેગાર તમને જૂઠું બોલતા જણાય છે? તો વીડિયો રેકોર્ડિંગ જ માત્ર જોનારા વિદ્યાર્થીઓ જૂઠું બોલનાર ગુનેગારને પકડી પાડવામાં/ઓળખવામાં સફળ રહ્યા.(૬૫%સફળતા દર). એની તુલનામાં માત્ર ઓડિયો સાંભળીને જૂઠું બોલનારને સફળતા ઓછી મળી.(૫૫%). તમારી બોડી લેંગ્વેજ તમારા ભાવ-ભાવના, મન-મનસૂબાને વ્યક્ત કરતી હોય છે.

તો વક્તાની બોડી લેંગ્વેજ કેવી હોવી ઘટે? અમેરિકન કમાન્ડર મેટ એવર્સમેન કહે છે કે નેતા અથવા લીડરે સીધા ઊભા રહેવું જોઈએ જેથી એનામાં હંમેશા આત્મવિશ્વાસ સભર મુદ્રાનજરે પડે. તેમજ જાહેર વક્તાએ પણ શ્રોતાની સામે આત્મવિશ્વાસપૂર્વક પોતાના વિચારો વ્યક્ત કરવાના છે.

બોડી લેંગ્વેજનું બીજું લક્ષણ Gesture-વદન અંગોના હાવભાવ છે. જે વક્તાનો આત્મવિશ્વાસ તેના આંખ, મુખ, હાવભાવથી અનેહાથના હલનચલનથી વ્યક્ત થાય છે તે શ્રોતાનો વિશ્વાસ જીતી શકે છે. પણ વધુ પડતા આંખઉલાળ, બરાડાપાડ અને હાથપછાડ હાવભાવ સારા વક્તા નથી બનાવતા. બહુ મહત્ત્વનો મુદ્દો ભારપૂર્વક પાઠવવો હોય ત્યારે જ હાથ ફેલાવી બોલો.

તો આ રીતે તમે શ્રોતાઓ સાથે લાગણી-સેતુ કેવી રીતે રચી શકો તે આપણે જોયું.હવે તમારા પ્રેઝન્ટેશનને બધાથી જુદું, અનન્ય કેવી રીતે બનાવશો તે જોઈશું.

(૫) તમારું પ્રેઝન્ટેશનશ્રોતા માટે અચરજભર્યું અને અવિસ્મરણીય બનાવવા નવી નવી માહિતી આપો.

તમે વિચારો કે તમે છેલ્લે ‘Wow, really?’ જેવો આશ્ચર્યભાવ ક્યારે અનુભવેલો? આવો ઉદ્દગાર તમને એ માહિતીના મૂળ સુધી લઈ જવા પ્રેરનાર બનતો હોય છે. પછી એ ટીવી પ્રોગ્રામ, એક નવું પુસ્તક કે પ્રવચન વિશે કેમ ન હોય...જો તમારે તમારા શ્રોતાવર્ગનું ધ્યાન આકર્ષિત કરવું હોય તો, તેમની કલ્પનાને સતેજ કરવી હોય તો કંઈક નૂતન માહિતી, આશ્ચર્યજનક માહિતી તમારા પ્રવચનમાં પીરસવી પડશે.

સાગર સંશોધક રોબર્ટ બેલાર્ડે એક TED ટૉકમાં ઊંડા દરિયામાં સંશોધન પાછળ વધુ પૈસા શા માટે ફાળવવા જોઈએ તેની અસરદાર દલીલો કરી હતી. એની ઘણી દલીલોમાં બે બહુ જ ધ્યાનાર્હ હતી. એક તો એ કે નાસા(NASA)નું વાર્ષિક બજેટ ૧૬૦૦ વર્ષ માટે NOAA(નેશનલ ઓસનિક એન્ડ એટમોસ્ફીયરિક એડમિનિસ્ટ્રેશન)ના બજેટનું સમકક્ષ છે. અને બીજું, દુનિયાની મોટામાં મોટી પર્વતમાળા ધરતી ઉપર નહિ, પણ દરિયાના પાણી નીચે આવેલી છે... આમ નવી અને રસિક માહિતી શ્રોતાને બેઠા કરી દે અને ધ્યાન આપવા વિવશ કરે છે, તે એમને યાદ પણ રહી જાય છે. કારણ કે, સ્મરણશક્તિ મગજના એક કેમિકલ ડોપામાઈન ઉપર આધાર રાખે છે. જયારે તમે કંઈક નવું શીખો છો ત્યારે તમારું મગજ ડોપામાઈન રીલીઝ કરે છે જે ‘Save button’ તરીકે કાર્ય કરે છે. માહિતી જેટલી નવી અને ઉત્તેજનાત્મક હશે તેટલું ડોપામાઈન વધુ રિલીઝ થશે અને તેટલી જ તેને યાદ રાખવાની ક્ષમતા પણ વધારે થશે.

બીજા એક ઉદાહરણમાં, સુસાન કેઈન TED ટૉકમાં, અંતર્મુખી વ્યક્તિની શક્તિ વિશે ચર્ચા કરે છે. આ વિષય ઉપરછલ્લી રીતે જોતાં કંટાળાજનક કે વિસ્મરણયોગ્ય લાગે. તેમ છતાં, કેઈન જાણતા હતા કે તેણે તો શ્રોતાને ખળભળાવી નાખવાના છે. તેથી તેમણે પછી કહ્યું કે, ‘સારા વક્તા હોવું અને સારા-ઉમદા વિચારો કરવા કે રજૂ કરવા એ બે વચ્ચે કોઈ સહસંબંધ નથી...’ તરત જ શ્રોતાઓમાં બેઠેલા એક્ઝીક્યૂટીવ્ઝના કાન સરવા થયા અને ભવા ઊંચા ચઢી ગયા. કેઈનના વિધાને તેમની સામાન્ય માન્યતાને હચમચાવી કાઢી હતી કે મિટિંગોમાં જે લોકો બહુ બોલબોલ કરે છે તેઓ ખૂબ સર્જનાત્મક હોય છે.(મિટિંગમાં શાંત અને અંતર્મુખી લાગતા સભ્યો કરતાં બોલકણા લોકો વધુ હોય છે.)કેઈને એના શ્રોતાઓને નવો વિચાર, નવી રીતે આપ્યો, જેથી તેને યાદ રાખવાની શ્રોતાની શક્યતા વધી ગઈ.

(૬) આત્યંતિક ક્ષણ અથવા અસાધારણ પ્રમાણની વાત શેર કરીને તમારા પ્રેઝન્ટેશનને યાદગાર બનાવો.

શ્રોતાને પૂછો, અચનાક જ, કે તમે ૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૧ના રોજ શું કરતા હતા? અને ૧૧/૯/૨૦૦૨નું શું? (નાઈન ઈલેવનની WTC ટાવર ધ્વંસ થવાની તારીખ)નિઃશંક છે કે તમારી સ્મૃતિમાં એ જડાઈ ગઈ હશે..આવી આત્યંતિક ક્ષણો ભૂલાતી નથી. અને આવી ક્ષણ તમારા પ્રેઝન્ટેશન દરમ્યાન બને/ઉલ્લેખ પામે તો શ્રોતાને તે યાદ રહી જવાની શક્યતા બહુ વધી જાય છે. અને તેઓ તેને સ્પ્રેડ કે બૂટ પણ કરી દે છે.

૨૦૦૯માં, બીલ ગેટ્સે આના પછી આપેલી TED ટૉક ખૂબ વાઈરલ થયેલી. એણે NBC ન્યૂઝ એંકર બ્રીયાન વીલીયમ્સનું પણ ધ્યાન ખેંચેલું અને તેણે NBC સમાચારમાં ગેટ્સની ટૉકના સમાચાર વહાવેલા, જોકે આવી ટૉકને ‘સમાચાર’ ગણવા એ અસાધારણ હતું. એમાં એવી તે શી ખાસ વિશેષતા હતી?

બીલગેટ્સનું પ્રેઝન્ટેશન મચ્છર દ્વારા મેલેરિયા જેવા જીવલેણ રોગ કેવી રીતે ફેલાય તેના ઉપર હતું. એણે જીવતા મચ્છરો ભરેલી પારદર્શક બરણી દર્શકોને બતાવી અને કહ્યું કે માત્ર ગરીબોને જ મેલેરિયાનો ચેપ લાગવાનું જોખમ હોય એવું થોડું છે? અને ચેપ બધાને સરખી જ અસર કરે તે બતાવવા બરણી ખોલીને મચ્છરોને ઉડાડી દીધા. જોકે ગેટ્સે તરત ઉમેર્યું કે, ‘દર્શકો, ચિંતા ના કરશો, આ મેં ઉડાડેલા મચ્છરો મેલેરિયા-મુક્ત હતા !’ પણ આવી આત્યંતિક રીત જોઈને દર્શકો નવાઈ પામી ગયા, એમને મેસેજ યાદ રહી ગયો અને વીડિયો વાયરલ થઈ ગયો. TEDની વેબસાઈટ ઉપર ૨.૫ મીલીયન વ્યૂથી પ્રેઝન્ટેશન ચોકઅપ થયું અને ગૂગલને ૫૦૦,૦૦૦ રીઝલ્ટ મળ્યાં.

પણ માત્ર આવાં આત્યંતિક ગતકડાં જ પ્રેઝન્ટેશનને બીજાથી જુદાં પાડે છે, ચોંકાવનારાં આંકડા કે હકીકતો પણ દર્શકોનું ધ્યાન બરાબર ખેંચે છે. માટે તમારા તર્કને ટેકો આપતા, સમજાવતા આંકડા, રસપ્રદ માહિતી પણ તમારા વક્તવ્યમાં શોધી નાખશો તો બાત બનશે...લો, બીજાં બે ઉદાહરણ TEDનાં લઈએ:

‘૧૯૭૨માં જેલમાં ૩૦૦,૦૦૦ કેદીઓ હતા. આજે ૨.૩ મીલીયન છે. દુનિયામાં મહત્તમ કારાવાસ દર અમેરિકાનો છે.’(બ્રાયન સ્ટીવન્સન)...બીજું, ‘૧૦૦ સરેરાશ લોકોમાંથી એક સાયકોપેથ હોય છે. તો આ હૉલમાં ૧૫૦૦ લોકો બેઠા છે, તો તમારામાંથી ૧૫ સાયકોપેથ હશે.’ (જોન રોન્સન)—આવાં આંકડાકીય ઉદાહરણો વક્તવ્યને રસપ્રદ અને યાદગાર બનાવે છે.

(૭) તમારા વક્તવ્યમાં થોડાં રમૂજ-છાંટણાં હોય તો શ્રોતા તમને વધુ પોઝોટીવ લાઈટમાં જોશે.

છેલ્લાં બે ઉદાહરણો જોયાં તેમાં તમને મઝા આવી ને? એમાં રમૂજ હતી?

વાતચીત કે સમાન્ય વ્યવહારમાં પણ થોડો રમૂજરંગ હશે તો અન્ય સાથે તમારા સંબંધોમાં એક પોઝીટિવ ઈફેક્ટ આવશે. ‘સેન્સ ઑફ હ્યૂમર’વાળા લોકોમાં મૈત્રીભાવ, બુદ્ધિચાતુર્ય અને સાંવેગિક સ્થિરતા જેવાં પોઝીટિવ અને ઈચ્છવાયોગ્ય લક્ષણો વધુ જોવા મળે છે. એ જ રીતે પ્રેઝન્ટેશનમાં ય થોડી રમૂજ મહત્ત્વનો નિર્ણાયક ભાગ ભજવે છે. હાર્વર્ડ બિઝનેસ રીવ્યૂમાં પ્રગટ થયેલ સ્ટડીમાં, બતાવ્યું છે કે રમૂજવૃત્તિથી સહકર્મચારીઓમાં વિરોધયુક્ત શત્રુતા, અને ટેન્શનમાં ઘટાડો અને મનોબળ-જુસ્સામાં વધારો થાય છે.

સાધારણ અને વિશિષ્ટ બિઝનેસ એક્ઝીક્યુટીવ્સ વચ્ચેનો તફાવત શોધતા અભ્યાસમાં જણાયું છે કે સામાન્ય-સરેરાશ બિઝનેસ લીડર્સ કરતાં વિશિષ્ટ બિઝનેસ લીડર્સ ડબલ કરતાં વધુ વખત રમૂજનો ઉપયોગ કરે છે, જે તેમને વધુ સફળ અને સ્વીકાર્ય બનાવવામાં સહાયક થાય છે. રમૂજ-હળવી કોમેન્ટ વગેરેનો આવો ફાયદો હોય તો તમારા વક્તવ્યમાં જરૂર તે ઉમેરવું જોઈએ. એના કેટલાક માર્ગો છે: એક અભિગમ છે- એવા પ્રસંગ-ઘટના શેર કરવાનો. તમારી જોડે અગાઉ બનેલી કોઈ રમૂજી ઘટના તમારો મુદ્દો સમજાવવામાં કામ આવી જાય..તે મોટું હાસ્ય જન્માવે તેવી હોય તે જરૂરી નથી. વાસ્તવમાં, તમારે તો શ્રોતામાં થોડો મલકાટ કે મુસ્કાન લાવી હળવાશ રાખવાની છે.

એક TEDમાં Dan Pollotta-AIDS સેવાઓ અને મેડિકલ રીસર્ચ માટે ફંડ ભેગું કરનારી સંસ્થાના સ્થાપકે, ઘરમાં તેની ભૂમિકા કેવી છે તેના ઉપર કોમેન્ટ કરી હતી કે ‘હું તો gay છું ત્રણ બાળકોનો બાપ છું. મારી ફેમીલી લાઈફ સામાજિક સ્તરે ખૂબ નવીનતાપૂર્ણ અને ઉદ્યોગ સાહસિકતાપૂર્ણ છે’...બીજો અભિગમ વક્તવ્યમાં સાદૃશ્યો અને રૂપકો જેવા અલંકાર-ઉમેરણનો છે.

એક વક્તવ્યમાં નોટીંગહામ યુનિ.ના પ્રૉ.રીચાર્ડ વીલ્કીન્સને આર્થિક અસમાનતાની નકારાત્મક સામાજિક અસર વર્ણવતાં કહેલું કે ‘ડેન્માર્કમાં અસમાનતા દર ખૂબ નીચો છે તેથી સમાજ વધુ સ્વસ્થ-સુખી-સંતુષ્ટ છે.’ હવે આમાં તો રમૂજ નથી, હકીકત જ છે, પણ એમાં વક્તાએ રમૂજ ઉમેરીને કહ્યું કે ‘આથી જો અમેરિકનોએ અમેરિકન ડ્રીમ મુજબ જીવવું હોય તો તેમણે ડેન્માર્ક જઈને વસવું !’ –સ્માઈલ ! હવે તમને ખ્યાલ આવ્યો હશે કે રમૂજરંગ કેવી રીતે છાંટી શકાય. ચાલો, હવે વક્તવ્યને યાદગાર કેમ બનાવાય તે રસ્તે ઉપડીએ.

(૮) ૧૫ થી ૨૦ મિનિટના વક્તવ્ય દરમ્યાન વક્તાએ ૩ થી વધુ મુદ્દાઓ કવર ન કરવા જોઈએ...

સ્ટેજ પર તમે બે ત્રણ વક્તાઓ બેઠા હો, અને એક વક્તાનું ભાષણ લાંબુ ચાલે તો તમે કંટાળી જાવ, શરીરથી અકળાઈ જાવ-થાકી જાવ એવું બને છે ને? તો શ્રોતાની હાલત એનાથીએ ખરાબ થતી હોય છે. તો પછી ઉપાય શો?-તમારું વક્તવ્ય ટૂંકું રાખો. KISS-અપનાવો-‘Keep It Short, Stupid !’ તો શ્રોતાને યાદ રાખવાનુંયે ઘણું સરળ થશે. દા.ત. ટેક્ષાસ ક્રિશ્ચિયન યુનિ.ના પ્રો. પોઉલ કીંગ એના વીકલી ૩ ક્લાસના ક્લાસને, પ્રત્યેક ૫૦ મિનિટના એવા ૩ વર્ગોમાં વહેંચી દે છે. પરિણામસ્વરૂપે વિદ્યાર્થીઓને આપેલું મેટર વધુ સારી રીતે યાદ રહે છે અને તેઓ પરીક્ષામાં સારો દેખાવ કરી શકે છે.

TEDનાં પ્રેઝન્ટેશન પણ સામાન્યતઃ૧૮મિનિટનાં રખાય છે, જે ૧૫થી ૨૦ મિનિટના દાયરામાં બરાબર આવી જાય છે, એટલું જ નહિ, એટલા સમયમાં ૩ જ વિષયો કે મુદ્દાની ચર્ચા કરવી, કારણ કે હાર્વર્ડ સંશોધન કહે છે કે મોટા ભાગના લોકોને એકી વખતે ૭ નવી બાબતો યાદ રાખવામાં તકલીફ પડતી હોય છે.જોકે ત્યાર પછી સંશોધકોએ રીવાઈઝ કરી અને ૭ને બદલે ૩ જ ટૂકડામાં કે વધુમાં વધુ ૪માં જ તમારી વાત રજૂ કરવાની થીયરી આપી છે. જેમ કે સંખ્યા 2,222 છે, તેને નંબર છે, તેને નંબર 3,948કરતાં યાદ રાખવી સરળ છે. પહેલી સંખ્યા ‘2’ એક માહિતી-ટૂકડો વર્ણવશે અને બીજો કમ સે કમ બે ટૂકડા-39 અને 48 વર્ણવશે...આમ, જેમ ઓછા ટૂકડા હશે તેટલું યાદ રાખવું સરળ થશે. આમાંથી પણ શ્રોતાને સૌથી મહત્ત્વનો મુદ્દો તમારે કયો યાદ રખાવવો છે તે ભારપૂર્વક પહેલાં લો. પછી બીજા બે ઉમેરો. પણ ૩થી વધુ ના લેશો. પહેલા મુદ્દાને મોટા અક્ષરે હેડલાઈનમાં મૂકો. પછી બીજા બે મુદ્દાને તેની નીચે સ્થાન આપો-sub. heading તરીકે. અંતે, આ ત્રણેય સહાયક મેસેજની નીચે તેના વિશિષ્ટ મુદ્દાને રેખાંકિત કરો. એ તમારા વક્તવ્યનું ‘નવનીત’ હશે.

(૯) રજૂઆત દરમ્યાન શ્રોતાઓની બધી જ્ઞાનેંદ્રિયોને ઉદ્દીપ્ત કરવાથી તેમને તમારા વિચારો યાદ રાખવામાં મદદ મળે છે.

તમે છેલ્લે ક્યારે સૂર્યસ્નાન કરેલું? ત્યારે ત્વચાને કેવું લાગેલું? તમને આસપાસનું વાતાવરણ, ત્યાંની ગંધ-સુગંધ કેવી લાગેલી? આ બધી વિગતો તમને કેટલે અંશે યાદ છે?... ટૂંકમાં, કોઈપણ વસ્તુ/ઘટનાને આપણે પંચેન્દ્રિયોથી અનુભવીએ તો એ આપણને વધુ સ્પષ્ટ રીતે યાદ રહી જાય છે.સાન્તા બાર્બરાની યુનિ. ઑફ કેલિફોર્નીયાના રીચર્ડ મયેર મલ્ટીસેન્સરી ઉદ્દીપન અને સંવર્ધિત સ્મૃતિ વચ્ચેના સંબંધના ક્ષેત્રને ભવિષ્યના cognitive મનોવિજ્ઞાનનું રસિક ક્ષેત્ર માને છે. એમના અનુભવ મુજબ, જે વિદ્યાર્થીઓ બહુ-ઇંદ્રિય(મલ્ટીસેન્સરી) શિક્ષણ પર્યાવરણ (વીડીયો, ટેક્ષ્ટ, ચિત્રો, કલ્પનો)માં ભણે છે. તેઓ, એકેન્દ્રિય પર્યાવરણમાં ભણનાર(માત્ર વાચન કે શ્રવણ) કરતાં વધુ માહિતી યાદ રાખી શકે છે, ભણવામાં આગળ વધી શકે છે.

જો તમારે રજૂઆતને યાદગાર બનાવવી હોય તો એકથી વધુ ઇંદ્રિયોને અપીલ કરે તેવું પ્રત્યાયન કરો. તો આવો, દૃશ્ય અને શ્રાવ્ય-બે કેંદ્રીય જ્ઞાનેન્દ્રિયો દ્વારા માહિતી –સંક્રમણ કેવી રીતે કરવું તે જોઈએ: (ચલ)ચિત્ર અને ટેક્ષ્ટ : મોટા ભાગના TED ટૉકર્સ PPT કરતાં ચિત્રોનો વધુ ઉપયોગ કરે છે. PPTમાં ઘણી ટેક્ષ્ટ ભરી હોય, વધુ પડતા શબ્દો હોય જે દર્શકને માર્ગચલિત કરે છે, કારણ કે આપણી ગ્રહણક્ષમતા મર્યાદિત હોય છે. એકાદ બે શબ્દો કે પંચલાઈનવાળાં ચિત્રો તમારી વાતને સબળ રીતે રજૂ કરી શકે છે. પુનરાવર્તન જેવી સંભાષણકલા દ્વારા આપણી શ્રવણેન્દ્રિય વધુ સતર્ક-ઉદ્દીપ્ત થાય છે.

માર્ટિન લ્યૂથર કીંગનું પ્રખ્યાત વક્તવ્ય આ ચાર શબ્દોને પુનરાવર્તિત કરતું હતું: ‘I have a dream.’ હજી શ્રોતાના કાનમાં ગૂંજે છે અને એ માર્ટિન લ્યૂથરની યાદ અપાવે છે.. એ જ રીતે, અમેરિકન પ્રમુખપદની ચૂંટણી જીતેલા બરાક ઓબામાના ૩ શબ્દો ‘Yes, We can!’ જગમશહૂર થયા, મતદારોને સંગઠિત કર્યા અને અશ્વેતોનો આત્મવિશ્વાસ ખૂબ વધારનારા બની રહ્યા.

સમાપન :

Talk Like TED પુસ્તકમાં લેખક કાર્માઇન ગેલો પ્રભાવક અને અસરદાર પ્રેઝન્ટેશનની ચાવીઓ બતાવે છે. અસંખ્ય સફળ TED વક્તાઓની રજૂઆતોનું પૃથક્કરણ કરીને ‘જાહેર વક્તવ્યકળા’ માટે મૂલ્યવાન આંતરદૃષ્ટિ આપે છે. વાર્તાકથન, સાંવેગિક જોડાણ, વક્તવ્યનું સુગ્રથિત માળખું, વિચારોની ધારદાર રજૂઆત, આંકડાકીય, ઘટનાકીય આધારો વગેરે તમારા વક્તવ્યને શ્રોતાના દિલોદિમાગમાં ગૂંજતું કરી દે છે. તમે શિખાઉ વક્તા હો કે અનુભવી વક્તા હો, આ પુસ્તક તમારી ‘કમ્યુનિકેશન સ્કીલ’ સુધારવામાં અને શ્રોતાઓ ઉપર તમારી ચિરસ્થાયી છાપ છોડવામાં ખૂબ સહાયક થશે.

૨૧મી સદીના યુગમાં તમારા વિચારોને વિશ્વ સમક્ષ પ્રભાવક રીતે મૂકવા, દર્શકોને ગળે ઉતારવા આ કૌશલ્યો ખૂબ જરૂરી છે.તમારું પ્રેઝન્ટેશન બધાથી અલગ, હટકે હોવું જોઈએ, અને તેમ કરવા તમારે શ્રોતા જોડે ઈમોશનલી કનેક્ટ થવું પડે. અને શ્રોતાઓ તમારા વક્તવ્યને યાદ રાખે એવું તમે ઈચ્છતા હો તો વક્તવ્ય સંક્ષિપ્ત રાખો, વીસ મિનિટના ભાષણમાં ત્રણ જ મુદ્દાઓ સમાવો અને શ્રોતાની જ્ઞાનેન્દ્રિયોને અપીલ કરો.

ચાવીરૂપ મુદ્દાઓ :

૧. TED ફોર્મ્યુલા :

બાઈબલના ‘ટેન કમાંડમેન્ટ્સ’ની જેમ સફળ ટૉકની ફોર્મ્યુલાને ‘ટેડ કમાન્ડમેન્ટ્સ’ કહેવાય છે. જેમાં વાર્તાકથન, ઈમોશનલ કનેક્શન, સ્પષ્ટ સંદેશાસૂચક માળખાનો સમાવેશ થાય છે.

૨. વાર્તાકથનની તાકાત :

તમને યાદ રહી જાય તેવું વક્તવ્ય/પ્રેઝન્ટેશન બનાવવું હોય તો વાર્તા/ઘટના/પ્રસંગ નિરૂપણ ખૂબ અગત્યનું થશે. તમારી વ્યક્તિગત કે અન્યની વાત સાંભળવાથી શ્રોતા સાંવેગિક સ્તરે તમારી સાથે જોડાશે અને તમારો મુદ્દો વધુ યાદગાર બનશે.

૩. ઉત્કટ આવેગ અને ઉત્સાહ :

TED વક્તાઓ તેમના પોતાના વિષયના/ક્ષેત્રના ઉત્સાહી, સફળ, ઝૂનૂનવાળા વ્યક્તિઓ તરીકે પ્રખ્યાત હોય છે. શ્રોતાઓને તમારી સાથે જોડવામાં તમારી ખરી ઉત્કટતા અને ઊર્જા કેવી રીતે વધારવી તે લેખક બતાવે છે.

૪. દૃશ્ય-શ્રાવ્ય અને ઈમોશનલ અપીલ :

સ્લાઈડ્સ, ચિત્રો વગેરે દૃશ્ય માધ્યમોને વક્તવ્યમાં કેવી રીતે જોડવાં અને પ્રેઝન્ટેશન અસરકારક બનાવવું તે આ પુસ્તક સુપેરે સમજાવે છે. આનાથી પણ શ્રોતાને સાંવેગિક સ્પર્શ મળે છે.

૫. વ્યવહારુ ટીપ્સ :

વક્તાની જાહેર વક્તવ્યકળા સુધારવા તેનાં બોડી લેંગ્વેજ, શબ્દ અને ભાષા પ્રયોગ, વક્તવ્યનું રીહર્સલ, ચહેરાના હાવભાવ, આંખ અને હાથના હાવભાવ વગેરે ટેકનિકવાળી કેટલીક વ્યવહારુ ટીપ્સ પણ આ પુસ્તકમાં આપી છે.

અવતરણો:

  • “ઉમદા વિચારો એ એકવીસમી સદીનું ચલણ છે.”
  • “તમારા વિચારો જ તમારા શૉના સિતારા છે.”
  • “ પેશન-ઉત્કટ આવેગ-એ મહાન વક્તવ્યોની આધારશિલા છે.”
  • “વધારે પડતી માહિતી અને ઓછા પડતા સમયના આ યુગમાં, સુગ્રથિત-સુનિયોજીત પ્રેઝન્ટેશનનું સદા મહત્ત્વ રહેવાનું છે.”
  • “આપણા મગજને આશ્ચર્યો ગમે છે.”
  • “ બોલે તેનાં બોર વેચાય”