અંતિમ કાવ્યો/આ એ જ ઘર છે ?
આ એ જ ઘર છે જે અર્ધી સદી પૂર્વે મેં હસતું રમતું જોયું હતું !
એ જીવતું જાગતું હતું એથી તો એની પર મારું મન મોહ્યું હતું.
આ જ ઘરમાં આપણે બે પ્રથમ વાર મળ્યાં હતાં,
આ જ ઘરમાં આપણે બે પરસ્પરમાં ભળ્યાં હતાં;
આ જ ઘરમાં આપણે આપણા વ્યક્તિત્વને એકમેકમાં ખોયું હતું.
આ જ ઘરમાં હવે આપણાં બેનાં પ્રેત વસી રહ્યાં,
અહીં શૂન્યતામાંએ કેવું ખડખડાટ હસી રહ્યાં;
આ એ જ ઘર છે જે વરસો પૂર્વે એક વાર સ્વર્ગ સમું સોહ્યું હતું ?
૧. સપ્ટેમ્બર, ૨૦૧૫