અંતિમ કાવ્યો/કોઈ ભેદ નથી
હવે તમે મને ચાહો કે ન ચાહો એમાં કોઈ ભેદ નથી,
હવે તમે નિકટ હો કે દૂર હો એનો કોઈ ખેદ નથી.
તમે મને ચાહ્યો’તો એ કથા શું શૂન્યમાં શમી જશે ?
આયુષ્યના અંત લગી એ તો સ્મરણોમાં રમી જશે.
અતીત અને અનાગત એ બેની વચ્ચે કોઈ છેદ નથી.
મારા અસ્તિત્વને તમે ક્યારેય તે નહિ હરી શકો,
જે હતું તેને ન હતું એવુ તમે નહિ કરી શકો;
જે મિથ્યાનેયે સત્ય માને એવો પાંચમો કોઈ વેદ નથી.
ડિસેમ્બર, ૨૦૧૫