અખો : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/અખા વિષયક જનશ્રુતિ

અખો

પ્રકરણ પહેલું
અખા વિષયક જનશ્રુતિ

(૧)

સાહિત્ય અને જીવન પરસ્પર સંકળાયેલાં છે. બંનેને એકબીજામાંથી સતત પ્રેરણા મળતી રહે છે. કોઈ પણ સાહિત્યકાર એના પોતાના જમાનાનું સંતાન હોઈને એના ઘડતરમાં એની આસપાસના વાતાવરણનો ફાળો નોંધપાત્ર બની રહે છે. આ કારણે આપણે કવિના જીવનકવનની સીધી વિચારણા કરતા પહેલાં ગુજરાતના મધ્યકાલીન ઇતિહાસની થોડીક વિગતો જોઈ લઈએ. ઈ. સ. ૧૨૯૭માં અલાઉદ્દીન ખીલજીના સરદાર અલફખાન સામેના યુદ્ધમાં ગુજરાતનો છેલ્લો રજપૂત રાજા કરણદેવ હાર્યો અને ગુજરાતની સ્વાધીનતા લુપ્ત થઈ. મુસલમાનોએ ગુજરાત જીતી લીધું તે પછી ગુજરાતી પ્રજાની સ્થિતિ ઘણી કફોડી થઈ ગઈ. પ્રજાની સંપત્તિ લૂંટાઈ, સ્ત્રીઓનાં અપહરણો થયાં, ઘણા ય પ્રજાજનોને ધર્મભ્રષ્ટ કરવામાં આવ્યા, મંદિરો ઉપર હુમલા થયા, મૂર્તિઓ તોડવામાં આવી. પંડિતો અને વિદ્વાનોને મળતો રાજ્યાશ્રય બંધ થતાં તેઓ દેશ છોડી ગયા. સંસ્કૃત ભાષાનો અભ્યાસ લગભગ બંધ પડ્યો. જાનમાલની સલામતીને અભાવે અને પરધર્મીઓની વટાળ-પ્રવૃત્તિને કારણે પ્રજાજીવન હાલકડોલક થઈ રહ્યું. ઈ. સ. ૧૨૯૭થી ઈ. સ. ૧૪૦૦ સુધીના સમયને ગુજરાતમાં ‘અંધાધૂંધીનો કાળ’ કહેવામાં આવે છે. તે પછી ઈ. સ. ૧૫૭૩ સુધી ગુજરાત ઉપર અમદાવાદના સુલતાનોની સત્તા રહી. આ કાળના રાજકીય વાતાવરણે ગુજરાતના પ્રજાજીવનમાં અનેક પરિવર્તનો આણ્યાં, સમાજની સ્થિરતા ટકાવી રાખવા માટે હિંદુઓએ ન્યાતજાતનાં બંધારણો વધારે સખ્ત બનાવ્યાં. સમાજમાં મહાજનો અને પંચાયતોએ જોર પકડ્યું. લોકો પોતપોતાના મર્યાદિત મંડળોમાં રહેવા લાગ્યા. પ્રજાની દૃષ્ટિ સંકુચિત થતી ચાલી. જીવનનો ઉલ્લાસ એ સરી ગયો. પ્રવૃત્તિશીલતા નહિ પણ નિવૃત્તિપ્રધાન જીવન અપનાવવાની લોકોને ફરજ પડી, બલ્કે એ પ્રકારનું જીવન ગૌરવાસ્પદ બન્યું અને તેમ થતાં ઐહિક જીવન માટેનું મમત્વ ઓછું થતું ગયું. લોકો ધર્મકર્મ અને પારલૌકિક સુખના વિચારમાં શાંતિ શોધવા લાગ્યા. આમ, મૌલિક સાહિત્યની પેદાશ માટે પ્રતિકૂળ સંજોગો પેદા થયા. પંડિતો અને વિદ્વાનોની અછતને કારણે સાહિત્યનું સર્જન તેમ જ તેના પ્રચારનું કામ મર્યાદિત પ્રતિભાવાળા માણભટ્ટોના હાથમાં આવતાં સાહિત્યમાં ધર્મોપદેશને મહત્ત્વનું સ્થાન મળ્યું. પૌરાણિક આખ્યાનોની સહાય લઈને પ્રજાજીવનમાં ધાર્મિક સંસ્કારો ટકાવી રાખીને ઐહિક જીવનમાં પ્રવર્તતી હતાશાને પારલૌકિક જીવનની કલ્પનાપ્રચુર ફલનિર્દેશક વાતો દ્વારા હળવી બનાવવાની વૃત્તિએ જોર પકડ્યું. ઈ. સ. ૧૫૭૩માં મોગલ સમ્રાટ અકબરે ગુજરાત જીતી લઈને તેને મોગલ સામ્રાજ્યનો એક પ્રાંત બનાવ્યો તે પછી ક્રમેક્રમે ગુજરાતના પ્રજાજીવનમાં સ્થિરતા આવવા માંડી. મુસલમાન અમલ દરમ્યાન રાજવીઓના અનારનવાર ફેરફારો, નાની મોટી લડાઈઓ, લૂંટફાટો વગેરે ચાલુ રહ્યાં હતાં તે મોગલોના શાસન પછી ધીમે ધીમે ઘટતાં ગયાં, અટક્યાં. આમ થતાં પ્રજાજીવનમાં પણ નોંધપાત્ર પરિવર્તન આવ્યું. ઈ. સ. ૧૫૯૩ થી ૧૬૬૩ સુધીના સમયને વિજયરાય ક. વૈદ્ય ‘અદ્વિતીય શાંતિસામ્રાજ્યનો યુગ’ ગણાવે છે. મધ્યકાલીન ગુજરાતના ઇતિહાસમાં આ સમયગાળાને સૌથી વધુ આબાદીનો સમય ગણી શકાય. આ ગાળામાં દેશમાં હુન્નર-ઉદ્યોગો ખૂબ વિકસ્યા. પરદેશો સાથેનો વેપાર ધમધોકાર ચાલવા લાગ્યો. દેશભરમાં દોલત પુષ્કળ વધી. ગુજરાતનાં અગ્રગણ્ય બંદરો ઉપર દેશદેશના ધ્વજોનાં દર્શન થવા લાગ્યાં. ઈ. અ. ૧૬૩૮માં મેન્ડેલગ્રો નામનો એક પરદેશી મુસાફર ગુજરાતમાં આવ્યો હતો. ગુજરાતની ભૂમિની ફળદ્રુપતા જોઈને ચકિત બની તેણે લખ્યું છે : “હિન્દુસ્તાનમાં ગુજરાત જેવો ફળદ્રુપ દેશ બીજો કોઈ નથી. ગુજરાતના જેટલાં ફળ બીજા કોઈ દેશમાં થતાં નથી અને ગુજરાતના જેટલું અનાજ બીજા કોઈ દેશમાં પાકતું નથી.” પણ ગુજરાતની આબાદી ધ્યાનમાં લઈએ તેની સાથે જ તેણે આણેલી બદીઓ ધ્યાનમાં લેવી રહી. પ્રજાનું લડાયક ખમીર પરવારી ગયું હતું. વધી પડેલી દોલતને લીધે ખાનપાન અને રંગરાગમાં પ્રજા મસ્ત બની ગઈ. એશઆરામ વિલાસ અને સ્વચ્છંદી જીવનમાં રાચતી પ્રજામાં મોગલ દરબારનું રંગીલું વાતાવરણ ઠેરઠેર દૃષ્ટિગોચર થવા લાગ્યું. સાચી ધર્મબુદ્ધિથી નહિ પણ દેખાડા માટે તેમ જ ફલકામનાની સિદ્ધિને કાજે ક્રિયાકાંડનું મહત્ત્વ વધી ગયું. અગાઉ પેદા થયેલાં વહેમ અને અંધશ્રદ્ધા મોટે ભાગે ચાલુ જ રહ્યાં. આડંબરી પૂજાવિધિ અને ભક્તિના તમાશામાં પ્રજા રાચવા લાગી. શાસ્ત્રજ્ઞાનની અણસમજને કારણે રૂઢિઓએ જોર પકડ્યું. આમ પ્રજાને કેળવણી આપવાનું કામ સંગીન રીતે કરી શકે એવા વિદ્વાનોને અભાવે સામાન્ય કક્ષાના બ્રાહ્મણ પુરાણીઓનું વર્ચસ્વ જામ્યું. વર્ણભેદોને સ્થાને પરંપરાગત જ્ઞાતિવાદની જબરી પકડમાં પ્રજા આવી પડી. આર્યસંસ્કૃતિના ગણ્યાગાંઠ્યા ઉપાસકોને પ્રજાજીવનમાં પેઠેલાં વહેમ, રૂઢિપૂજા, અંધશ્રદ્ધા, વિલાસપ્રિયતા જેવાં દૂષણો પ્રજાની ભયંકર અધોગતિ કરનારાં લાગ્યાં. પરિણામે, પ્રજાને તેની મોહનિદ્રામાંથી જગાડવા અને સમુચિત દિશાસૂચન કરી જૂના નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યો તેને સમજાવવા સંતો-ભગતો આગળ આવ્યા. એમની પ્રેરક અને ઉદ્‌બોધક વાણીએ પ્રજામાનસને પોતાની રીતે વાળવાનો અને ઘડવાનો મહાપ્રયાસ આદર્યો. સત્તરમી સદીમાં થઈ ગયેલો આપણો સમર્થ વેદાંતી સંત કવિ અખો ભગત આવા એક વિશિષ્ટ યુગની પેદાશ છે અને એણે રચેલ વિપુલ સાહિત્યનું આ દૃષ્ટિએ પણ ઝાઝેરું મહત્ત્વ છે.

(૨)

અખો ચોક્કસ ક્યારે જન્મ્યો અને ક્યારે એણે પંચમહાભૂતનો બનેલો વિનશ્વર માનવદેહ છોડી દીધો તે આપણે જાણતા નથી. એણે પોતાના જીવનકાળ દરમ્યાન જે કાવ્યો રચ્યાં તેમાંનાં બે કાવ્યોને અંતે તે તે કાવ્યની રચ્યાસાલ મળે છે. એ કાવ્યો તે ‘ગુરુશિષ્ય-સંવાદ’ અને ‘અખેગીતા.’ પહેલાને અંતે અખો લખે છે :

“ગુરુ-શિષ્ય નામે ગ્રંથ એ, જેહેમાં છે. ખંડ ચાર;
હરિચરણે જેહેને વાસ કરવો, તે સુણે નર ને નાર.
બસે ચાળીસ ચોપાઈ છે, મધ્યે સંમતના શ્લોક ચૌદ;
અંતર ચાર ચોખરા, એંસી પૂર્વ છાયા સસુધ.
સંવત ૧૭૦૧ સત્તર પ્રથમે, હવો ગ્રંથ ઉતપંન;
જ્યેષ્ઠ માસે કૃષ્ણ પક્ષે, નવમી સોમવાસર દિન.
એણે દિવસે ગ્રંથ હવો પૂર્ણ, કર્તા શ્રી ભગવાન;
અખાને શિર નિમિત્તે દીધું, પણ શ્રીમુખે કહ્યું જ્ઞાન.
અંતરજામીએ જે જે કહ્યું, તે અખે કીધો વિવેક;
દૂષણ ભૂષણ હરિ ભણી, અખેરામ રહ્યા છેક.”
(ખંડ ૪; ૮૯–૯૩)

‘અખેગીતા’ને અંતે નીચેની પંક્તિઓ છે :

“સંવત ૧૭૦૫ સત્તર પંચમે, શુકલ પક્ષ ચૈત્ર માસ;
સોમ વાસર રામ નવમી, હવો પૂરણ ગ્રંથ પ્રકાશ.
કહે નિરંજન અખેગીતા, સ્વસ્વરૂપ નિજ સંતને;
અખાને શિર નિમિત્ત દેવા, ઇચ્છા હુતી અનંતને,”
(કડવું ૪૦; ૧૧–૧૨)

આમ અખો વિક્રમ સંવત ૧૭૦૧ થી ૧૭૦૫ના ગાળામાં હયાત હતો એ વાત શંકાથી પર છે. ગ્રંથકર્તા નાથ નિરંજન છે, પોતે તો કેવળ નિમિત્ત છે, અનંતની ઇચ્છાને અધીન થઈને એણે જે જે કહેવડાવ્યું તે તે જ પોતે કહ્યું છે, એમ જાહેર કરનાર આ ભગત માણસના કવનનો આપણને જેટલો પરિચય છે તેટલું એના ઐહિક જીવન સંબંધી જ્ઞાન નથી. જે થોડી માહિતી આપણી પાસે છે તેના મોટા ભાગનો આધાર જનશ્રુતિ છે. આ જનશ્રુતિ અખા સંબંધી શું શું કહે છે તે જોઈએ.

(૩)

અખો જન્મે સોની-કેટલાકને મતે પરજિયો સોની તો કેટલાકને મતે શ્રીમાળી સોની. અમદાવાદ જિલ્લાની દશક્રોઈ તાલુકાના જેતલપુર ગામનો એ મૂળ વતની. બાપનું નામ રહિયાદાસ, રહિયાદાસને ત્રણ દીકરા—ગંગારામ, અખો અને ધમાસી. અખો અને ધમાસી નિર્વંશ મર્યા કહેવાય છે. ગંગારામના વંશજો હજી છે—અમદાવાદમાં. અખો બાળપણમાં જ માનું સુખ ખોઈ બેઠેલો અને તે પછી, ધંધાર્થે પિતાની સાથે અમદાવાદ આવીને વસેલો. ‘અખાજીનો ઓરડો’ નામે એનું થાનક અમદાવાદમાં સાચવી રખાયું છે. મુસલમાન શાસન દરમ્યાન અને તે પછી પણ ગુજરાતમાં બાળલગ્નોની પ્રથા ચાલુ હતી. પરણેલી સ્ત્રીને પિયેર અને સાસરું બન્નેનું રક્ષણ મળે અને તેનું અપહરણ થાય તો રાજ્ય મદદે આવે. કુમારીને અપહરણ થતાં રાજ્યની મદદ નહીં, ખુદ માબાપ પણ આબરુને ભયે ચૂપ રહે એ સ્થિતિ. તેથી બાળલગ્નો એ વ્યવહારુ બુદ્ધિપૂર્વકનો ઉકેલ. અખો પણ નાની ઉંમરે પરણેલો એટલે કે એને પરણાવવામાં આવેલો. પહેલી પત્ની ઝઘડાખોર હતી. તેના મૃત્યુ બાદ એ બીજી વાર પરણેલો. આ નવી સાથે અખાને ઠીક બનતું, પણ તે બિચારી પણ ઝાઝું જીવી નહિ. તે જમાનામાં શું ગામડામાં કે શું શહેરમાં, ભણતરનો ખાસ પ્રચાર નહીં એટલે અખાને નાનપણમાં વ્યવસ્થિત શિક્ષણ મળેલું નહીં. આજીવિકા માટે તો બાપીકો સોનીનો ધંધો હતો જ. એ ધંધામાં અખો કુશળ કારીગર. અમદાવાદ તો ગુજરાતનું પાટનગર અને ત્યાંની વસતી પણ બધી રીતે આબાદ. ‘સુખમાં સાંભરે સોની’ એ ન્યાયે અખો પોતાના ધંધામાં ઠીક ઠીક આગળ વધ્યો મનાય છે. પણ એ પૂરો પગભર થાય તે પહેલાં અખો બાપના સુખથી પણ વંચિત બન્યો. એના ભાઈઓ સાથેના સંબંધો કેવા હતા તે જનશ્રુતિ જણાવતી નથી. મૌન ઘણી વખત પૂરતું વાચાળ બની રહેતું હોય છે. અખાને બહેન ન હતી તેથી પોતાના જીવનની એક મહત્ત્વની અધૂરપ ટાળવાને માટે અખાએ જમના નામની એક બાઈને પોતાની ધરમની બહેન માનેલી. એ બાઈ પોતાની બચત અખાને ત્યાં થાપણ તરીકે મૂકતી. (એ બાઈ એકાકી બાળવિધવા હશે? અખો તે કાળે સમાજમાં મોભ્ભાદાર શેઠ ગણાતો હશે?) એ બાઈની બચતની રકમ ત્રણસો રૂપિયા જેટલી થઈ ત્યારે બાઈને એ રકમમાંથી સોનાની કંઠી કરાવવાનું મન થયું. અખાને એણે વાત કરી. પોતે જેને બહેન માની છે તેના પ્રત્યેના સદ્‌ભાવને કારણે અખાએ ગાંઠના સો રૂપિયા ઉમેરી રૂપિયા ચારસોની કિંમતની કંઠી તૈયાર કરી બાઈને આપી. કંઠી જોઈને બાઈ ખુશ થઈ ગઈ. ‘સોની તો સગી બહેનનું ય ચોરે’ એવી સામાન્ય માન્યતા. ભોળી જમનાએ ઉત્સાહથી કંઠી કોઈને બતાવી. (પહેરીને ગઈ હશે?) ઉપલી માન્યતા આગળ કરીને તે માણસે જમનાને ભરમાવી અને સોનામાં ભેળસેળ તો નથી તેની ખાતરી કરવા તે કંઠીની બીજા પાસે કિંમત કરાવવા પ્રેરી. બાઈ ઊપડી સોનાની કસોટી કરાવવા. કંઠી પર કાપ મૂકવામાં આવ્યો. સોનાનો કસ કાઢવામાં આવ્યો, કંઠીની કિંમત રૂપિયા ચારસોની અંકાઈ. બાઈ ખસિયાણી પડી ગઈ. કોઈકના કહેવાથી પોતે અખા ઉપર વહેમ આણ્યો તે બદલ ખૂબ પસ્તાઈ. ગઈ પાછી અખા પાસે કંઠી સમી કરાવવા. કાપ જોઈને અખાને વહેમ ગયો. બાઈને કારણ પૂછ્યું. થોડા ગલ્લાંતલ્લાં કર્યા પછી બાઈને સાચી વાત કહી દેવી પડી. પોતાના વર્તન માટે એણે ઘણો પસ્તાવો જાહેર કર્યો. અખાએ બધું સાંભળી લીધું. એણે કંઠી તો બરાબર કરી આપી પણ આ પ્રસંગે લોકમાંથી એની શ્રદ્ધા ડગી ગઈ. દુનિયામાં સૌ સ્વારથનાં જ સગાં છે, એવું ભાન એને સવિશેષપણે થઈ ગયું. દુન્યવી સંબંધોની ભ્રામકતા એને સમજાઈ. એ પછી એની કાર્યનિષ્ઠાને પડકારતો એક વધુ કપરો પ્રસંગ બની ગયો કહેવાય છે. સન ૧૬૧૮માં (વિક્રમ સંવત ૧૬૭૪માં) અમદાવાદમાં બાદશાહ જહાંગીરે એક ટંકશાળ સ્થાપી હતી. એ ટંકશાળમાં અખો મહત્ત્વના અધિકારીની પદવી ધરાવતો હતો. કેટલાક ખટપટિયાઓએ રાજ્યમાં ખોટી રાવ ખાધી કે અખો ઊંચી ધાતુના સિક્કાઓમાં બીજી હલકી ધાતુ ભેળવે છે. આખા ઉપર આળ આવ્યું અને રાજ્યે એને કેદ કર્યો. તપાસ ચાલી. તપાસ અંતે સાબિત થયું કે અખો સાવ નિર્દોષ છે. અખો છૂટી ગયો, પણ તેનું મન ખાટું થઈ ગયું. પોતાની જગાનું એણે રાજીનામું આપી દીધું. પોતાના ધંધાના ઓજારો એણે કૂવામાં પધરાવી દીધાં. દુનિયાના નિષ્ઠુર અને અન્યાયી વ્યવહારથી ત્રાસી ગયેલો અખો સત્યની ખોજમાં નીકળી પડ્યો. અખો મૂળે વૈષ્ણવ. વારસામાં મળેલા ધાર્મિક સંસ્કારોને દૃઢ કરવા અને કશુંક નવું પામવા એ ગોકુળ ગયો. પૂરો પૈસાપાત્ર, દેખાવે શેઠિયા જેવો એટલે ત્યાંના વૈષ્ણવ મંદિરમાં એનો સારો સત્કાર થયો. પુષ્ટિમાર્ગીય ભક્તિ સાથે સંકળાયેલ દબદબાભરી વિધિઓ અને ગોસાંઈ ગોકુળનાથજીની પ્રતિષ્ઠા એને આકર્ષી શક્યાં હશે? અખાએ ગોકુળનાથજીને ગુરુ કર્યા. કેટલોક કાળ આ વિદ્વાન ભગવત પુરુષના સાન્નિધ્યમાં ગાળી, એમનો સદુપદેશગ્રહણ કર્યો. ગોકુળના આચારપ્રધાન ધર્મમાં ઝાઝો સમય એ રસમસ્ત રહ્યો હોય એવું લાગતું નથી. કોઈક કારણસર એનું મન ત્યાંથી ઊઠી ગયું. ગોકુળ છોડી એ કાશી ગયો. કાશીમાં સાચા બ્રહ્મજ્ઞાની ગુરુની શોધમાં અખો શેરીએ શેરીએ ભટકતો રહ્યો. દિવસે એણે અનેક ધર્મોપદેશકોની બોધવાણી સાંભળી. તે સૌના વર્તનની એણે બારીકાઈથી નોંધ લીધી. વાણી અને વર્તનમાં એકરાગ ન જણાતાં એવા કોઈને ગુરુ બનાવવાનું એને ઠીક ન લાગ્યું. એક વાર પહેલી રાતે ફરતો ફરતો અખો સંન્યાસીઓના એક મઠ પાસે આવી પહોંચ્યો. ત્યાં બ્રહ્માનંદ નામના સંન્યાસી વેદાંત શીખવતા જણાયા. એમની સામે શ્રોતાવર્ગમાં માત્ર બીજા એક સંન્યાસી જ હતા. જ્યાં સામાન્ય રીતે શિષ્યોનો તોટો ન હોય એવા વિદ્યાધામ કાશીમાં કેવળ એક જ શિષ્યને ઉપદેશ આપનાર ગુરુને જોઈ અખાને કુતૂહલ થયું. મઠની બહાર ઊભા ઊભા એણે ગુરુવચનોનું શ્રવણ કરવા માંડ્યું. દિવસો સુધી આ રીતે ગુરુવચનનું શ્રવણ કરતાં અખાને ખાતરી થઈ ગઈ કે પોતે જેની શોધમાં નીકળ્યો હતો તેવા જ્ઞાની ગુરુ આ જ. એક રાતે પેલા સંન્યાસી-શિષ્યને ગુરુની વાણી સાંભળતાં સાંભળતાં ઝોકું આવી ગયું. વચ્ચે વચ્ચે હોકારો પૂરતો એ અટક્યો. એને બદલે બહાર ઊભા રહી કથા સાંભળતા અખાએ હોકારો પૂર્યો. ગુરુને નવાઈ લાગી. કથા અટકી. ગુરુ તપાસ કરવા બહાર આવ્યા ત્યાં અખાને ઊભેલો જોયો. પોતાની સાથે અંદર તેડી લાવી, સામે બેસાડી, અખા પાસે બહ્માનંદે ઓળખ માગી, અખો કોણ છે અને શા માટે છુપાઈને કથા સાંભળતો હતો તે પૂછ્યું, પોતે કરેલ તત્ત્વોપદેશમાંથી અખો શું અને કેટલું સમજ્યો છે તે જાણવા બ્રહ્માનંદે અખાને થોડા પ્રશ્નો પૂછ્યા, અખાએ સંતોષકારક જવાબો આપ્યા. ગુરુને પ્રતીતિ થઈ કે વેદાંતના ઊંડા અભ્યાસ માટે, શૂદ્ર છતાં, અખો ઉત્તમ અધિકારી છે. એમણે અખાને શિષ્ય તરીકે સ્વીકાર્યો. બ્રહ્માનંદ ગુરુને ચરણે બેસી અખાએ ઉત્તમ વેદાંતગ્રંથોનું અધ્યયન કર્યું. તે પછી લગભગ ત્રેપનમે વર્ષે અખાએ પોતાની કાવ્યપ્રવૃત્તિ આરંભી. કહેવાય છે કે અખો ફરી એકવાર ગોકુળનાથજીના દર્શને ગયો હતો. પણ હવે એ શેઠિયો રહ્યો ન હતો. એના દેદાર સાધુ-સંન્યાસી જેવા જોઈને દરવાને એને દરવાજે રોક્યો. અખાએ પોતાની ઓળખ આપી પણ દરવાને એને જણાવ્યું કે અખો તો શેઠિયો હતો, મામૂલી માણસ નહિ. બારીએથી જોઈ રહેલા ગોકુળનાથજીએ અખાને ઓળખ્યો ખરો પણ બોલાવ્યો નહીં. ‘અપ્રસિદ્ધ અક્ષયવાણી’ના સંશોધક જગન્નાથ દામોદરદાસ ત્રિપાઠી (શ્રી સાગર મહારાજ) અખાના સંબંધમાં પૃ. ૨૬૯ ઉપર લખે છે : “પોતે સદ્‌ગુરુ સ્વામી શ્રી બ્રહ્માનંદજી પાસેથી વેદાન્તશાસ્ત્રનું શ્રવણ અને અધ્યયન કર્યું... તત્પશ્ચાત્‌ પોતે શ્રી કાશીપુરીમાં જ નિવાસ કરતા હતા; જે જે વેદાન્તશાસ્ત્રોનું શ્રવણ અને અધ્યયન પોતે કરેલું તેને જ સમરૂપ કવન, ગ્રંથગુન્થન અને ભજન કીર્તન પોતે શ્રી મુક્તિપુરીમાં જ વસીને કરતા હતા. આવી રીતે શ્રી કાશીપુરીમાં મણિકર્ણિકાને ઘાટે નિવાસ કરતા મહાત્મા શ્રી અખાજીની સેવામાં અને તેમના પરિચયમાં ઘણા ભગવદ્‌ભક્તો, ઘણા સન્ત પુરુષો અને ઘણા હરિજનો આવતા હતા અને તેમના ગ્રન્થોનું ભક્તિભાવપૂર્વક શ્રવણ અને અધ્યયન કરતા હતા. કહે છે કે, શ્રી કાશીપુરીના તે સમયનાં બ્રાહ્મણ પંડિતોને તેમ જ તત્રસ્થ દણ્ડધારી સંન્યાસીઓને શ્રી અખાજીની વેદશાસ્ત્રને સમરૂપ કૃતિઓ તથા તેમની આ ખ્યાતિ અને તેમનું આ વર્ચસ્વ અશાસ્ત્રીય લાગ્યાં; કેમ કે, તેઓ દેહે કરીને સોની અને તેથી—‘શૂદ્ર–અને શૂદ્રને હાથે વેદાન્તશાસ્ત્ર રચાય તો, તેમના મત પ્રમાણે, સનાતન ધર્મની પુરાણી પ્રણાલિકાનો નાશ થાય અને તેથી શ્રી કાશીપુરીના કેટલાક અતિ આગ્રહી બ્રાહ્મણ પંડિતોએ તથા ઘણા સંન્યાસીઓએ મળીને શ્રી અખાજીના કેટલાક હસ્તલિખિત ગ્રન્થો ગંગાજીમાં ડૂબાડી દીધા! પરિણામે, તેમણે શ્રી કાશીપુરી ત્યજી દીધું. શ્રી કાશીપુરીના પંડિતવર્ગે અને સંન્યાસીવર્ગે શ્રી અખાજીની સાથે આવું વૈમનસ્ય ધારણ કર્યું, ત્યારે બીજો એક વર્ગ એવો પણ ત્યાં હતો કે જે શ્રી અખાજીને મહાત્મા-ગુરુ અથવા આચાર્ય રૂપે માનીને પૂજતો હતો. આ વર્ગ તે પંજાબી-મારવાડી મુમુક્ષુ હરિજનોનો હતો. આ પંજાબીઓ શ્રી અખાજીને સન્માનપૂર્વક પોતાના દેશમાં તેડી ગયેલા અને ત્યાંના હરિજનોની વચ્ચેના વસવાટ દરમ્યાન પોતે હિન્દી-પંજાબી-ઉર્દૂ મિશ્રિત ભાષામાં પોતાનો પરમાત્માનો સાક્ષાત્કાર વ્યક્ત કર્યો છે.” અખો તે પછી ગુજરાતમાં પાછો ફર્યો કે નહિ તે અંગે જનશ્રુતિને કશું કહેવાનું નથી, પણ જંબૂસર પાસે કહાનવા બંગલામાં એની ગાદી સ્થપાઈ અને લાલદાસાદિ શિષ્યપરંપરા દ્વારા તે આજ સુધી સચવાઈ રહી જણાય છે. આ જનશ્રુતિમાંથી મળતી વિગતો અખાના અંતરમાં તીવ્ર વૈરાગ્ય જન્માવવાનાં પૂરતાં કારણો આપે છે. એની જ્ઞાનભૂખ ગોકુળમાં ન સંતોષાઈ એટલે એ કાશી ગયો અને ગુjg બ્રહ્માનંદને ચરણે બેસી એણે વેદાંતદર્શનની સાચી સમઝ મેળવી આત્મસાક્ષાત્કાર કર્યો એટલું સ્પષ્ટ થાય છે. પણ અખાએ પોતે પણ પોતાની રચનાઓમાં પોતાને અંગે થોડી માહિતી આપી છે તે પણ જોઈ લેવાની રહે છે.