અખો : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/સંપાદકીય

સંપાદકીય

આ શ્રેણીનો ઉદ્દેશ ગુજરાતી સારસ્વતોના જીવનને ટૂંકામાં પરિચય કરાવી, એમની કૃતિઓનો ખ્યાલ આપી, તેમના સાહિત્યિક અર્પણને મૂલવવાનો અને એમ કરતાં એમના વિશેના અભ્યાસીઓના અભિપ્રાયોની સમીક્ષા અને એમના કાર્યનું મૂલ્યાંકન કરવાનો છે. ચોસઠથી એંશી પાનાંની મર્યાદામાં તે તે સાહિત્યકાર વિશે સંપેક્ષમાં દ્યોતક લખાણ મેળવીને રજૂ કરવાનો ખ્યાલ છે. વિગતવાર સંદર્ભસૂચિ એ પુસ્તિકાનું એક મુખ્ય અંગ રહેશે, જે આ વિષયના વધુ અભ્યાસમાં ઉપકારક નીવડશે. આ શ્રેણીની તેરમી પુસ્તિકા છે. સાહિત્યરસિક વર્ગે એને જે ઉમળકાભર્યો આવકાર આપ્યો છે એ માટે તેમના પ્રત્યે આભારની લાગણી અનુભવું છું. મધ્યકાલીન સાહિત્યના અને વિશેષે તત્ત્વજ્ઞ કવિ અખાની કૃતિઓના અભ્યાસી સંપાદક પ્રો. ભૂપેન્દ્રભાઈ ત્રિવેદીએ તેમને હાથની મુશ્કેલી હોવા છતાં સદ્‌ભાવપૂર્વક આ પુસ્તિકા તૈયાર કરી આપી એ માટે તેમનો ખૂબ આભારી છું. ‘શ્રેણી’ને પ્રકાશક શ્રી બાબુભાઈ જોષીનો ઉત્સાહભર્યો સહકાર મળતો રહ્યો છે એનો ઉલ્લેખ કરતાં આનંદ થાય છે.

૨, અચલાયતન સોસાયટી,
નવરંગપુરા, અમદાવાદ-૩૮૦ ૦૦૧.
૮મી સપ્ટેમ્બર ૧૯૭૮

રમણલાલ જોશી