અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ/એક – મહાદેવ, ઊઠો મહાદેવ!

એક – મહાદેવ, ઊઠો મહાદેવ!

૧૫મી ઑગસ્ટ ૧૯૪૨. પૂના પાસે આગાખાનનો મહેલ.

ગાંધીજી ડૉ. સુશીલા નય્યરને તાર લખાવે છે: ‘મહાદેવનું મરણ તો યોગી અને દેશભક્તનું હતું. એનો શોક ન થાય.’

તાર સેવાગ્રામ આશ્રમના વ્યવસ્થાપક શ્રી ચીમનલાલ શાહને નામે હતો. એ આશ્રમમાં મહાદેવનાં પત્ની દુર્ગાબહેન અને દીકરો નારાયણ હતાં. જેલમાં મૃત્યુના સમાચાર આપતો આ तार મહાદેવના આપ્તજનોને અંગ્રેજ સરકાર તરફથી ઠેઠ બાવીસ દિવસ પછી પહોંચાડવામાં આવ્યો. સાથેના ટૂંકા પત્રમાં માત્ર એક વાક્ય હતું: ‘કશીક ભૂલથી આ कागळ મોકલાવવામાં વિલંબ થયો, તે બદલ દિલગીર છીએ.’

આ તાર ગાંધીજીએ લખાવ્યો ત્યારે મહાદેવ દેસાઈનો મૃતદેહ એમની સામે જ હતો. મીરાંબહેને એને આગાખાન મહેલના બગીચાનાં જાતજાતનાં ફૂલો વડે સજાવ્યો હતો. ગાંધીજીએ જાતે ધ્રૂજતે હાથે એને સ્નાન કરાવ્યું હતું. સ્નાન પછી પોતાના જ ટુવાલ વડે શરીરને લૂછ્યું હતું. ત્યાર બાદ જાતે સ્નાન કરીને એ જ ટુવાલ વડે પોતાનું શરીર લૂછ્યું હતું અને એ ટુવાલ સુશીલાને સોંપતાં કહ્યું હતું, ‘આને સાચવી રાખજે. એ બાબલાને (નારાયણને) આપવાનો છે.’

મીરાંબહેને સળગાવેલી ધૂપસળીની સુગંધમાં ધીમે અવાજે ગવાતા ગીતાના શ્લોકોનો ધ્વનિ ભળવા લાગ્યો.

ઘડીભર પહેલાં કાંઈક અસ્વસ્થ, કાંઈક વિહ્વળ જણાતા ગાંધીજી ટટ્ટાર બેઠા અને સાવ ધીમા સ્વરે ગીતાપાઠમાં ભળ્યા. બેત્રણ માસ બાદ સુશીલાબહેને આ બાબત અંગે ગાંધીજી પાસે ચોખવટ માગી હતી.

‘બાપુ, મહાદેવભાઈ ગયા તે ક્ષણે આપ થોડા વિહ્વળ થઈ ગયા હતા ને?’

‘શા ઉપરથી કહે છે?’

‘આપ તે વખતે જાણે કે બાવરા બન્યા હો તેમ એમની તરફ જોઈ “મહાદેવ, ઊઠો મહાદેવ!” પોકારી રહ્યા હતા ને?’

‘ના, એમાં વિહ્વળતા નહોતી.’

‘તો?’

‘એમાં શ્રદ્ધા હતી.’

‘શ્રદ્ધા? તે કેવી?’

‘મને એમ હતું કે જો મહાદેવ એક વાર આંખ ઉઘાડીને મારી તરફ જોશે તો હું એમને કહીશ કે “ઊભા થઈ જાઓ”, એમણે આખી જિંદગી મારી આજ્ઞા ઉથાપી નહોતી. એ શબ્દો જો એમના કાને પડ્યા હોત તો મને શ્રદ્ધા હતી કે એ મોતનો પણ સામનો કરીને ઊભા થઈ ગયા હોત.’

કેમ ના હોય ગાંધીજીને એવી શ્રદ્ધા? બરાબર અડધી જિંદગી મહાદેવે એમની જોડે ગાળી હતી. અને એ અડધી જિંદગીમાં ક્યારેય મહાદેવે એમની આજ્ઞા ઉથાપી હતી ખરી? આશ્રમના બુઝુર્ગ સાથી પંડિત તોતારામજીએ મહાદેવભાઈ ગાંધીજી સાથે જોડાયા ત્યાર પછી છએક માસે બનેલો પેલો કિસ્સો નહોતો કહ્યો? અમદાવાદના મિરઝાપુર રોડ ઉપરના મકાનમાં એક નાનકડી ઓરડીમાં મહાદેવભાઈ અને પંડિત તોતારામજી સૂતા હતા. રાતે અચાનક ધમ કરતો અવાજ થયો. પંડિતજીની આંખો ખૂલી ગઈ. જોયું તો પાસેના પાટ પર મહાદેવભાઈ ઊભા છે. એમને જ્યારે પંડિતજીએ પૂછ્યું કે, ‘શું છે મહાદેવભાઈ, કેમ ઊભા થઈ ગયા?’ ત્યારે સહેજ સંકોચ સાથે પાછા પાટ પર લંબાવતાં મહાદેવભાઈએ નહોતું કહ્યું કે,

‘કાંઈ નહીં, સપનું આવ્યું હશે. મને સપનામાં એમ લાગ્યું કે બાપુ બોલાવે છે, એટલે મારાથી ઊભા થઈ જવાયું હશે!’

ઠેઠ ત્યારથી માંડીને મરણની ઘડી સુધી મહાદેવભાઈએ ગાંધીજીની આજ્ઞા કદી ઉથાપી હતી ખરી?

ગીતાના શ્લોકો પૂરા થયા એટલે आश्रम भजनावलिનાં ભજનો ગવાયાં, જેમાંનાં થોડાંક તો હજી છ દિવસ દરમિયાન આગાખાન મહેલમાં આવ્યા ત્યાર પછી સવાર કે સાંજની પ્રાર્થના વખતે ખુદ મહાદેવભાઈએ જ ગાયાં હતાં:

‘દીનાનાથ દયાળ નટવર! હાથ મારો મૂકશો મા!… હે કૃપામૃતના સરોવર દાસ સારુ સૂકશો મા’! ને મારી નાડ તમારે હાથે હરિ સંભાળજો રે મુજને પોતાનો જાણીને પ્રભુપદ પાળજો રે. … દિવસ રહ્યા છે ટાંચા, વેળા વાળજો રે!

મૃતદેહને સ્નાન કરાવ્યા પછી ગાંધીજીએ સુશીલાને કહ્યું હતું, ‘મહાદેવનાં કપડાં તું જ ધોજે, બીજાને ધોવા આપીશ નહીં. પાછળથી આ કપડાં બાબલાને સોંપવાનાં છે.’ મહાદેવના ખમીસના બાજુના ખિસ્સામાંથી નીકળી भगवद्गीताની એક પ્રત, અને સામેના ખિસ્સામાંથી નીકળી ફાઉન્ટન પેન. જે મહાન યજ્ઞમાં થોડી ક્ષણો પહેલાં જ મહાદેવે જીવનની આહુતિ આપી હતી તેનું મૂળ પ્રેરણાસ્રોત હતી ગીતા અને એ યજ્ઞની જ્વાળાઓ પ્રગટ થઈ હતી સતત મહાદેવના વક્ષ:સ્થળ પર વિરાજતી આ કલમ દ્વારા. ખિસ્સામાંથી નીકળતી આ બે વસ્તુઓ જાણે કે મહાદેવના જીવનના પ્રતીક સમ હતી. ગીતા પ્રતીક હતી મહાદેવના ચારિત્ર્યના ઊંડાણની અને કલમ પ્રતીક હતી એના વિસ્તારની.

અત્યારે જે દેહ સમાધિસ્થ યોગીની માફક ચિરશાંત પોઢ્યો હતો તે દેખાવમાં કામદેવ ઉપર પણ કામણ કરે તેવો મોહક હતો. મૃત્યુ પહેલાં થોડી મિનિટ અગાઉ જ મીરાંબહેન પાસે ઝીણી કાતર લઈને સરોજિની નાયડુવાળા ખંડમાં મોટા દર્પણ સામે બેસીને તેમણે મૂછ મઠારી અને નખ કાપ્યા હતા. ગાંધીજીએ એક કાળે મહાદેવને ગુલાબ સાથે સરખાવેલા. તે સાંભળીને સરોજિનીએ તેમને ‘ગુલે ગુજરાત’ કહીને બિરદાવેલા. તે દિવસે સવારે સરોજિનીએ મહાદેવને જોઈને મીઠી મજાક પણ કરી લીધેલી, ‘અસ્સલ વરરાજા જેવા લાગો છો!’ મહાદેવનું પ્રિય પેલું કબીરનું ભજન —

કર લે સિંગાર ચતુર અલબેલી સાજન કે ઘર જાના હોગા!

જાણે કે તે ભીની આંખ ઊઘડતા પ્રભાતે ચરિતાર્થ થતું હતું.

સુશીલાની પર્સમાંથી ચંદનનો એક ટુકડો મળી આવ્યો હતો. લલાટ પર તેનો લેપ કરવાથી જીવનને સદા પ્રસન્નતાથી ભરી દેનાર એ રસિયો, મૃત્યુને વધાવનાર યોગી-શો શોભતો હતો.

સુશીલા, મીરાં, સરોજિની, કસ્તૂરબા અને સૌથી વધારે તો ગાંધીજી પોતે ભજનો ગાતાં અને ગીતાપાઠ કરતાં ઉત્સુકતાથી વાટ જોતાં હતાં. ગાંધીજીએ જેલ અધિકારીઓને કહ્યું હતું, ‘વલ્લભભાઈને બોલાવો, ખેરને બોલાવો, એટલે મૃતદેહના અંતિમ સંસ્કાર વિશે વિચાર કરીએ.’

અધિકારી કદાચ જાણતા હતા, કદાચ નયે જાણતા હોય. શ્રી કટેલી બહાર જઈને પાછા આવતા હતા, શ્રી ભંડારી ઉપર અધિકારીઓના ઓરડામાં જઈને ફોન કરીને પાછા આવતા હતા. તેઓ સરોજિનીના કાનમાં કાંઈ વાત કરતા હતા. પણ ગાંધીજીની આગળ મોઢામોઢ થવાની એમની હામ નહોતી. છેવટે ગાંધીજીએ જ પૂછ્યું, ‘વલ્લભભાઈ આવે છે?’

‘વલ્લભભાઈ અહીં નથી.’ ભંડારી બોલ્યા.

‘અને ખેર?’

‘તેઓ પણ આવી શકશે નહીં.’ શ્રી ભંડારીએ દબાતે અવાજે કહ્યું.

તે જવાબે સૌને એ વાતનું ભાન કરાવ્યું કે માત્ર મહાદેવ જ નહીં પણ પાછળ રહેલાં સૌએ કેદીઓ જ હતાં.

સરકાર આ કેદીઓની સેવા કરવા ખાતર યરવડાની જેલમાંથી ક્રિમિનલ કેદીઓ મોકલતી. (મહાદેવે છયે દિવસ બધાં કામ જાતે કરી આમની સેવા નહોતી લીધી) તે પૈકી એકે કહ્યું, ‘મોટરલૉરી આવી ગઈ છે, અને એક બ્રાહ્મણ પણ આવ્યા છે.’

‘બ્રાહ્મણ?’ ગાંધીજીના કાન સરવા થયા, ‘બ્રાહ્મણ શાને માટે?’

‘અહીં કાંઈ પૂજાપાઠ કરાવવાં હોય તો.’ એક અધિકારીએ નીચું જોઈને જવાબ આપ્યો.

‘અહીંના પૂજાપાઠ થઈ ચૂક્યાં છે.’ ગાંધીજીએ સહેજ કડક, કિંચિત્માત્ર ઊંચા સ્વરે કહ્યું.

ભંડારી સરોજિની નાયડુને આગળ ધરતા ગાંધીજી પાસે આવ્યા, ‘શી ખબર છે?’ ગાંધીજીએ જ પૂછ્યું.

‘મેં બધી વ્યવસ્થા કરી દીધી છે.’ સહેજ થોથવાતા અવાજે ભંડારીએ જવાબ આપ્યો.

‘શી વ્યવસ્થા કરી છે? હું શબ મિત્રોને હવાલે કરી શકું?’ ભંડારી ભયાકુલ ચહેરે સરોજિની ભણી જુએ છે. એમના વતી સરોજિનીદેવીએ ચોખવટ કરી, ‘સરકાર કોઈને શબ આપવા માગતી નથી. ભંડારી પોતે જઈ ઘાટ પર અગ્નિદાહ દેશે.’

‘અમારામાંથી કોઈ શબની સાથે જઈ શકશે?’

‘ના જી.’

ગાંધીજી ચૂપ રહ્યા. એમના મનમાં ધર્મમંથન ચાલતું હતું. એમણે યાદ કર્યું કે સ્વામી શ્રદ્ધાનંદજીના ખૂનીને ફાંસી દીધા પછી ખૂનીની લાશ એનાં સગાંસંબંધીઓને સોંપવામાં આવી હતી, એ લાશ લઈને સરઘસ નીકળ્યું હતું. એનાથી કોમી હુલ્લડ થાય એવી પૂરી સંભાવના હતી. છતાં તેની છૂટ આપવામાં આવી હતી. આજે એ સરકાર મહાદેવ જેવાનું શબ એના સંબંધીઓને સોંપવા તૈયાર નહોતી. આ મુદ્દા પર લડી લેવું કે કડવો ઘૂંટડો પી જવો એ સંકટ ગાંધીજી સામે હતું. મહાદેવના મૃત્યુને રાજકીય પાસ આપી એમાંથી લાભ ઉઠાવવો એ સત્ય-અહિંસાના પૂજારીને વિવેકયુક્ત ન લાગ્યું. પિતા પોતાના પુત્રના મરણને રાજકારણી હિલચાલ સારુ શી રીતે વટાવે?

‘તો અહીં મારી સામે હું શબને દાહ દઈ શકું? જે મહાદેવ કોઈ દિવસ મને અગ્નિદાહ દેશે એવી હું આશા રાખી બેઠો હતો, તેને દાહ દેવાનો આજે મારો વારો આવ્યો. આખું જીવન એ મારો પુત્ર હતો, આજે હું એનો પુત્ર બન્યો છું.’ ગાંધીજીએ તોડ કાઢ્યો.

પ્રથમ મુંબઈ અને પછીથી દિલ્હી ફોન જોડીને ભંડારીજીએ રજા મેળવી. તે જ સ્થળ પર અગ્નિદાહની તૈયારીઓ શરૂ થઈ. મહાદેવ કેદી તરીકે મરણ પામ્યા હતા એટલે ગાંધીજીએ મૃતદેહને જેલની ચાદરમાં વીંટવાનો આગ્રહ રાખ્યો.

ગાંધીજીએ જેલને મહેલ ગણવાનો બોધ આપેલો. પ્રસંગ એવો ઘટ્યો કે મહેલ જ એમને સારુ જેલ બન્યો. આગાખાનની માલિકીના મકાનને ઉતાવળમાં જેલના રૂપમાં ફેરવવામાં આવ્યું. આસપાસ લાકડાંનાં પાટિયાં જોડીને એવી જાળી ઊભી કરવામાં આવી કે જાણે પહેલેથી જ ત્યાં તે બાંધેલી હોય. ઉતાવળમાં ને ઉતાવળમાં તાજાં છોલેલાં પાટિયાંનાં છોડિયાં ત્યાં જ પડ્યાં રહ્યાં ને જૂનો રંગ એક બાજુએ લગાડ્યો હતો તે પણ એમ જ હતો. બીજી બાજુ, નવી છોલેલી જાળી રંગ વગરની એમ ને એમ રહી ગઈ હતી. તરતોતરત ચારે તરફ કાંટાળા તારની વાડ ખડી કરવામાં આવી અને એની ફરતે ખડા કરાયા ૭૬ બંદૂકધારી સિપાઈઓ સુકલકડી કાયાવાળા ચુંમોતેર વરસના એ ‘ખતરનાક’ કેદીને સાચવવા આટલી તો તકેદારી રાખવી જ પડે ને?!

મૃત્યુ દ્વારા મહાદેવે એ બંધનમાંથી મુક્તિ મેળવી. વાડની પેલે પાર ઘાસ વઢાવીને મેદાન સાફ કરવામાં આવ્યું. તાર કાપીને એમાંથી નનામી જઈ શકે એટલો મારગ કરવામાં આવ્યો. આસપાસનાં વૃક્ષોની ડાળીઓ કાપી નનામી બનાવવામાં આવી. છ જણે ખાંધ દીધી. ગાંધીજીએ તોલડી લીધી. બાકીના સૌ મૂંગે મોંએ પાછળ ચાલ્યાં. શબ ચિતા પર ગોઠવવામાં આવ્યું ત્યારે કસ્તૂરબા સારુ દૂર એક ખુરશી ગોઠવવામાં આવી. બા તો બાવરાં બની ગયાં હતાં. આંસુભરી આંખે બંને હાથ જોડીને તેઓ વારંવાર કહેતાં હતાં, ‘ભાઈ, જ્યાં જજે ત્યાં સુખી રહેજે, તેં બાપુની ઘણી સેવા કરી છે. બધાંને સુખ પહોંચાડ્યું છે. તુંયે સુખી રહેજે.’

શબ પર લાકડાં ગોઠવાવા લાગ્યાં ત્યારે ગાંધીજીએ સુધ્ધાં બે ડગલાં આગળ જઈને મહાદેવના મુખનાં છેલ્લાં દર્શન કર્યાં. ગાંધીજીએ જાતે જ મુખાગ્નિ દીધો. આખું જીવન જે પિતા હતા તેમણે પુત્રધર્મ બજાવ્યો.

ચિતા બળ્યા પછી ટાઢી પડેલી ભસ્મને ગાંધીજીએ એક ડબ્બામાં સંઘરી. એ ભસ્મથી પોતાના કપાળે તિલક કર્યું અને કહ્યું, ‘આ ભસ્મ દુર્ગા સારુ સાચવી રાખવાની છે.’ વચ્ચે એક વાર ફરી તેમણે બાબલાને યાદ કર્યો. સરકારી અમલદારને ઉદ્દેશીને તેમણે કહ્યું, ‘જો અહીંથી અમે કોઈ જીવતા ન નીકળીએ તો મહાદેવના દીકરાને આ જગ્યા તમે દેખાડી દેજો.’

સૌ જેલવાસીઓને લાગતું હતું કે ૯મી ઑગસ્ટે ધરપકડ થઈ ત્યારથી મહાદેવભાઈના મગજ પર એક બોજો હતો. ગાંધીજી અનેક વાર એવો ઇશારો કરી ચૂક્યા હતા કે આ વખતે જેલમાં જતાંની સાથે જ આમરણ નિર્જળા ઉપવાસ પર ઊતરવાનો તેમનો ઇરાદો હતો. મહાદેવભાઈને આ વિચાર જરાયે રુચ્યો નહોતો, અને તેમણે તેનો વિરોધ પણ કર્યો હતો. પણ એ વિવાદ જેલ જતાં સુધી પૂરો નહોતો થયો. જેલમાં આવ્યા પછી પણ અનેક વાર મહાદેવભાઈએ સાથીઓને કહ્યું હતું,

‘બાપુના ઉપવાસની વાત ડેમોક્લીસની તલવારની માફક મારા માથા પર લટકે છે.’

મહાદેવભાઈના જોડિયા સચિવ શ્રી પ્યારેલાલનો મત હતો કે મહાદેભાઈના મરણથી ગાંધીજીનું અનશન ટળ્યું હતું. તેમણે લખ્યું છે:

‘ગાંધીજીને અનશન કરતા રોકવામાં જ્યારે સૌએ હાથ ધોઈ નાખ્યા હતા, ત્યારે મહાદેવભાઈ તેમને રોકવામાં સફળ થયા હતા. મારી જાણમાં ગાંધીજીના જીવનભરમાં આવા પ્રકારનો આ એકમાત્ર દાખલો છે.’૧

ખુદ ગાંધીજીએ આ જ વાતને પોતાની ઢબે કહી:

‘મહાદેવનું બલિદાન કંઈ નાનીસૂની વાત નથી, તે એકલું પણ બધું કામ કરશે. મહાદેવે “કરેંગે યા મરેંગે”નું સંપૂર્ણપણે આચરણ કર્યું. આ બલિદાન હિંદની મુક્તિનો દિવસ નજીક લાવ્યા વિના નહીં રહે.’

ચિતા ઠાર્યા બાદ પાછા ફર્યા ત્યાર પછી મહિનાઓ સુધી આગાખાન મહેલમાં રહેલી આ જાણીતા કેદીઓની મંડળીમાં વાતોનો વિષય એક જ હતો — મહાદેવ. એ વાતોમાં મહાદેભાઈના જીવનનાં બંને પાસાંઓ — યોગી અને દેશભક્ત — નો સમાવેશ થતો હતો.

સુશીલાએ યાદ દેવડાવ્યું કે, ‘સદાય પ્રફુલ્લવદન રહેતા મહાદેવભાઈ આગાખાન મહેલમાં આવ્યા પછી ખૂબ ગંભીર રહેતા હતા.’ મીરાંએ કહ્યું કે, ‘બાપુના ઉપવાસના નિશ્ચયનો બોજો એમને અકળાવી રહ્યો હતો,’ સરોજિનીએ કહ્યું કે, ‘ક્યારેય કોઈએ બીજાને માટે જીવન આપ્યું હોય તો તે મહાદેવે. ઈશુ ભગવાનની પેઠે બીજા લાંબું જીવી શકે એટલા સારુ તેઓ મર્યા. માણસ બીજાને માટે પોતાના પ્રાણ અર્પણ કરે તેના કરતાં એક માણસ બીજાની શી વધારે સેવા કરે?’

આગાખાન મહેલમાં મીરાંબહેને સમાધિને સ્થાને માટીનો ચોતરો બનાવીને એની ઉપર શંખલા વડે મોટો ૐ અક્ષર લખ્યો. લંબચોરસ ચોતરાને ચાર ખૂણે તેમણે ચાંદ-તારાનાં ચિહ્નો અંકિત કર્યાં, અને નીચલા ભાગમાં વચ્ચોવચ ચીતર્યો એક ક્રૉસ. કસ્તૂરબાએ આ સ્થળને ‘મહાદેવ મંદિર’ નામ આપ્યું, અને ગાંધીજીએ સવાર-સાંજ સમાધિ પર આવી ત્યાં ફૂલ ચડાવી, ગીતાનો બારમો અધ્યાય બોલવાનો ક્રમ શરૂ કર્યો. તેમણે કહ્યું, ‘મહાદેવનું જીવન એટલે ભક્તિનું અખંડ કાવ્ય.’ એને સ્મરવા સારુ ભક્તિયોગના શ્લોકો જ કામ લાગે ને?

મહાદેવના મરણના સમાચારને સરકારે બને એટલા ગુપ્ત રાખવા પ્રયત્ન કર્યા. એમ તો ગાંધીજી વગેરેને પકડીને આગાખાન મહેલમાં રાખ્યા છે એ વાતને જ છુપાવવા પ્રયાસ કરેલો. ત્રણ દિવસ પહેલાં જ તે અંગે એક રમૂજી પણ બોધપ્રદ કિસ્સો થઈ ગયેલો. કસ્તૂરબાને સારુ દાક્તરે કાંઈક દવાનાં નામ લખી આપ્યાં અને પૂનાની બજારમાંથી તે દવા લાવવાનું કહ્યું. દાક્તરે પોતાની દવાની યાદી પર દરદી તરીકે કસ્તૂરબાનું નામ પણ લખેલું. મહાદેવભાઈ એ જોઈ હસ્યા. પછી એ તરફ તેમણે ગાંધીજીનું ધ્યાન ખેંચ્યું કે બજારમાં જે કોઈ આ નુસખો લઈને જાય તો સૌને ખબર પડી જાય કે કસ્તૂરબાને ક્યાં રાખવામાં આવ્યાં છે અને એમને શી બીમારી છે! પણ સત્યાગ્રહી કાંઈ પ્રતિપક્ષીને ચાલાકીથી જીતતો હશે? નહીં. તે તો તેને પ્રેમથી જીતવા માગે છે. એટલે ગાંધીજીએ મહાદેવને કહ્યું કે આ અંગે ચિઠ્ઠી બહાર નીકળી જાય તે પહેલાં જ એ લોકોનું ધ્યાન દોરો. આમ કરવાથી જેલ સુપરિન્ટેન્ડેન્ટ શ્રી કટેલીને તો જાણે કે પ્રાણમાં પ્રાણ આવ્યા અને મહાદેવનો ઉપકાર માનતાં થાક્યા જ નહીં.

આ દિવસોમાં આખો વખત મહાદેવભાઈનું ચિંતન આંદોલન અંગે જ ચાલતું હતું. તેઓ માનતા હતા કે મોટે ભાગે તો આ આંદોલન એ ભારતની સ્વતંત્રતા માટેનો અંતિમ યજ્ઞ સિદ્ધ થશે. સાથે સાથે તેઓ એમ પણ માનતા હતા કે આ યજ્ઞમાં જો ગાંધીજીને સાથ આપવો હોય તો પોતાનું આચરણ એમણે સૂચવેલા આદર્શો મુજબનું એકાદશવ્રતથી પુનિત બનેલું એવું સત્યાગ્રહી જીવન હોવું જોઈએ. તેથી ક્યારેય પણ નવરાશની પળોમાં વાતો ચાલતી હોય તેમાં જે કોઈની નિંદાની ગંધ સરખી પણ આવે તો ત્યાંથી તેઓ ખસી જતા. બાપુના સચિવાલયનું ભારે કામ તો કારાવાસને કારણે હતું નહીં, પણ નાનાં કામોની તેમને નાનમ નહોતી. તેથી આખો દિવસ પોતે કાંઈક ને કાંઈક કામમાં રોકાઈ રહેતા. બાપુનાં કપડાં ધોવાનું કામ એમણે ઉપાડ્યું હતું. ચૂલો સળગાવવાથી માંડીને રાંધીને પીરસવાનું કામ પણ એમણે જ ઉપાડ્યું હતું. સૌને સારુ નાની નાની સેવા કરવામાં તેઓ હરખ અનુભવતા. તેમણે જૂના તાર શોધી કાઢી એને વાળીને એક ટોસ્ટર બનાવ્યો. તેના વડે ટોસ્ટ બનાવતાં જોઈને ગાંધીજી પૂછે, ‘નેસેસિટી ઇઝ ધ મધર ઑફ ઇન્વેન્શન’ એનું ગુજરાતી શું? તરત મહાદેવ કહે, ‘ગરજ એ શોધની જનની.’ સુશીલા અને સરોજિનીને પ્રેમ-આગ્રહથી ચા પિવડાવે — રોજ ૫૦૦ વાર કાંતવાની, આખી ગીતાનો પાઠ કરવાનો અને ડાયરી લખવાનો ક્રમ તો શાને તૂટે? ૧૫મીની સવારે બાપુના ખોળામાં માથું મૂકીને તેમણે અંતિમ શ્વાસ લીધો. ૧૪મી ઑગસ્ટ સુધી તેમણે પોતાની ડાયરી લખી છે.

જેલમાં કેદી તરીકે હતા અને બહાર પત્રો લખવાની ગાંધીજી, મહાદેવભાઈ કે એમના સાથીઓએ છૂટ માગી નહોતી, તેથી સચિવ તરીકે પત્રવ્યવહારનું કામ ખાસ નહોતું. માત્ર બે પત્રો ગાંધીજીએ લખ્યા હતા. એક મુંબઈ સરકારને અને બીજો વાઇસરૉયને. બંને પત્રો લખવામાં તેમણે મહાદેવભાઈનાં સલાહસૂચનો અને મદદ લીધાં હતાં.

મુંબઈના ગવર્નરને લખેલા પત્રમાં મુંબઈથી જેલમાં લઈ જતાં ટ્રેનમાંથી લૉરીમાં ચડાવતી વખતે મહેતા નામના કોઈ કાર્યકર્તાને ઢોરની માફક ઘસડીને લૉરી સુધી લઈ જઈને લૉરીમાં ફેંકતાં ગાંધીજીએ નજરોનજર જોયેલો તે પ્રસંગ અંગે ફરિયાદ હતી. તે જ પત્રમાં વલ્લભભાઈ એક દરદી તરીકે ગાંધીજીની સારવાર લેતા હતા તેથી તેમને પોતાની સાથે કેદમાં રાખવાની માગણી પણ હતી.

બીજો પત્ર દેશના આગેવાનોને આમ પકડવામાં સરકારે કરેલી ભૂલ બાબત હતો. આ ગિરફતારીઓ અંગે સરકારે બહાર પાડેલા જાહેરનામામાં ગાંધીજીને અનેક વિકૃતિઓ અને ભૂલભરેલી રજૂઆતો દેખાઈ હતી. તેની તરફ ધ્યાન દોરીને તેમણે એમ કહ્યું હતું કે પોતે જાહેર કર્યું હતું તે મુજબ જો એમને મળવા બોલાવ્યા હોત તો કૉંગ્રેસની માગણીમાં જે કાંઈ ખામી તેને દેખાય તે દૂર કરવા કૉંગ્રેસ તૈયાર હતી અને એમ વાટાઘાટોનાં દ્વાર ખુલ્લાં હતાં. પણ સરકારે ઉતાવળથી સૌની ધરપકડ કરીને તે બંધ કરી દીધાં હતાં.

આ પત્ર લખવામાં પણ મહાદેવભાઈનો હાથ હતો. ગાંધીજીનો ઇરાદો તો જેલમાં જતાં જ ઉપવાસ પર ઊતરવાનો હતો. ઉપવાસ કરતાં પહેલાં પત્ર દ્વારા પોતાની ભૂમિકા સ્પષ્ટ કરવી એ જરૂરી છે એ વાત છેવટે મહાદેવ ગાંધીજીને ગળે ઉતારી શક્યા હતા. પત્રના બેત્રણ વાર ખરડા થયા હતા. સાથીઓએ ફેરફારો સૂચવ્યા હતા તેમાંથી કેટલાક એ પત્રમાં આમેજ કરવામાં આવ્યા હતા. છેવટની નકલ મહાદેવભાઈએ પોતાના મોતીના દાણા જેવા અક્ષરે કરી હતી. ૧૪મી ઑગસ્ટે એ પત્ર રવાના થયો ત્યારે સૌથી વધુ આનંદ મહાદેવભાઈને થયો હતો. તેમણે તે સાથીઓ આગળ વ્યક્ત પણ કર્યો હતો. ‘હાશ. હવે આ પત્રનો જવાબ આવતાં બેક અઠવાડિયાં થશે. ત્યાં સુધી તો બાપુ ઉપવાસ નહીં આદરે. આમ બાપુનું મોત એટલું પાછળ ઠેલાયું ગણાય ને?’ છ છ રાતો મહાદેવભાઈએ બાપુના ઉપવાસની ચિંતામાં અર્ધી ઊંઘમાં ગાળી હતી. ૧૪મીની રાતે તેઓ નિરાંતે ઊંઘ્યા હતા. એનાથી આવેલી તાજગી જ ૧૫મીની સવારે સૌ સાથીઓએ એમના મુખ પર નિહાળી હતી.

મહાદેવના મરણ અંગે સરકારને શુષ્ક એવી પણ યાદી તો બહાર પાડવી જ પડી. એ સમાચારથી દેશ હાલી ઊઠ્યો. યુદ્ધકાળના સખત નિયંત્રણ છતાંયે આખા દેશનાં નાનાંમોટાં સર્વ અખબારોએ આ સમાચારને મહત્ત્વપૂર્ણ સ્થાન આપ્યું. મુંબઈના जन्मभूमिએ આઠ કૉલમનું મથાળું આપી કહ્યું, ‘એના આત્માની જ્યોતિ સદા જલતી રહેશે.’ એમણે એકથી વધુ અગ્રલેખો લખ્યા. એના ‘કલમ અને કિતાબ’ સ્તંભમાં ‘પરમ ભક્ત અને પરમ સાધક મહાપ્રાણ’ એવા મથાળા હેઠળ લાંબા લેખને અંતે લખ્યું, ‘હે ઈશ્વર, આ કારી ઘા ઝીલવાનું તારા સૌથી પ્યારા બંદાને અને અમને બળ આપો.’

મહાદેવભાઈની દેશભક્તિની સુવાસ પચીસ વર્ષના અનન્ય સેવાકાળ દરમ્યાન દેશને ખૂણે ખૂણે ફેલાયેલી હતી. ‘ભારત છોડો’ આંદોલન નિમિત્તે દેશભરમાં ભાંગફોડનું મોજું પ્રસરી ચૂક્યું હતું. પણ અહિંસાના મસીહાના અનન્ય ભક્તના કારાવાસમાં નીપજેલા અચાનક મરણના સમાચારની પ્રતિક્રિયા સારાયે દેશમાં ઠંડા પ્રતિકારની જ આવી. મહાદેવભાઈને જેલમાં મારી નાખ્યા, એમને બરફની લાદી પર સુવડાવ્યા, એમને વીજળીના આંચકા આપ્યા, એમને ખાવામાં કાંઈક આપી દીધું એવી અનેક અફવાઓની વચ્ચે પણ નાનાં નાનાં ગામડાંઓથી માંડી મહાનગરો સુધી લોકોએ શાંતિમય રીતે જ પોતાનો શોક પ્રદર્શિત કર્યો. હડતાળ, સરઘસ, શોકઠરાવ, પ્રાર્થનાસભા વિના કોઈ સ્થળ બાકી ન રહ્યું. ઠરાવોની નકલ દુર્ગાબહેનને નામે સેવાગ્રામ કે બીજે જ્યાં જ્યાં કલ્પી શકે તેવે ઠેકાણે ગઈ, પણ લોકો તો ઠરાવની એક નકલ મહાદેવભાઈના સર્વસ્વ એવા ગાંધીજીને પણ મોકલાવવા ઇચ્છતા હતા, તે ક્યાં મોકલે? કેટલાકે મુંબઈ સરકારને ઠરાવ મોકલાવ્યા પણ મોટા ભાગના દેશને ગાંધીજી ક્યાં છે તેની જાણ સુધ્ધાં નહોતી. દેશ સમસમીને બેઠો હતો. લોકો મૂંગાં આંસુ સારતા હતા. કોઈ કોઈ હિમ્મતવાન છાપું પોતાના અગ્રલેખમાં દેશની પીડાને વાચા આપતું: ‘મહાદેવ સ્વાધીનતાના પુણ્યયજ્ઞના પાવકમાં પાવક આહુતિ બનીને હોમાઈ ગયા. એક દૃષ્ટિએ જોઈએ તો આક્રંદના અશ્રુસાગરો રેલાવે અને બીજી રીતે જોઈએ તો અમર દેવતાઓ પણ જેની ઝંખના કરે, એવું મૃત્યુ એમણે પ્રાપ્ત કર્યું — એ ચાલતે યુદ્ધે ગયા. અહિંસક સૈનિકનાં બધાંય આયુધોથી પ્રકાશ અને સ્વતંત્રતાના દુશ્મનો સામે ઝૂઝતાં ઝૂઝતાં કારાગારમાં ગયા. જીવનભર પોતે જેને પોતાના ઇષ્ટ સદ્ગુરુ માન્યા હતા, તેમની નજર સામે, તેમના ખોળામાં માથું મૂકીને ગયા. આવા બડભાગી મૃત્યુની કોને ઈર્ષ્યા ન આવે?’

શ્રી કાંતિલાલ જોશીએ જનવાણીને પદ્યમય રૂપ આપ્યું:

જે જેલને મહેલ ગણી ગયો’તો તે મહેલમાં અંતિમ અસ્થિ તારાં તપસ્વીના પાવનકારી આશિષો લઈ શમ્યા શાશ્વત શાંતિ-ગોદમાં, સ્વાતંત્ર્યના આખરી જંગમાં શમ્યો માભોમની મુક્તિ રટંત તારો આત્મા સ્વકાર્યે રહી મગન સંચર્યો.

દેશનેતાઓ તો મોટા ભાગના જેલમાં હતા. એટલે એમની અંજલિઓ તો બેચાર વર્ષ પછી પ્રગટ થઈ. જેલમાં ગયા નહોતા તેવા ચક્રવર્તી રાજગોપાલાચારીએ જે અંજલિ આપી તેમાં ઘણાનાં હૃદયનો પડઘો પડતો હતો, તેનો કેટલોક માર્મિક ભાગ આ રહ્યો:

‘ગાંધીજી માટે આ ભારે આઘાત છે. મહાદેવ જે પ્રેમાળ પત્ની અને પુત્રને મૂકતા ગયા છે તેમને લાગ્યો હશે તેના કરતાંયે વધારે ભારે. મહાદેવનો ગાંધીજી જોડેનો સંબંધ વર્ણવ્યો જાય એમ નથી. જ્યારે જ્યારે પણ ગાંધીજીનું શરીર થોડોક થાક ખાય ત્યારે મહાદેવ એમના વતી કામ કરનાર વધારાના શરીર સમા હતા. ગાંધીજી આજે ખરેખર અનાથ બન્યા છે. મહાદેવ ગાંધીજીના માત્ર સચિવ કે એમનું ગાયેલું ગાનાર ધ્વનિપેટી નહોતા. કોઈ કોઈ વાર ગાંધીજી સાથે સ્નેહ અને ઈમાનદારીપૂર્વક લડી પણ લે એવાઓને મહાદેવ બળ આપી રહેતા. પોતાના સ્વામીએ હાથ ધરેલા કેટલાક અત્યંત મહત્ત્વના વિષયોના નિર્ણયોને હળવા કરવા કે ફેરવવામાં તેઓ મદદગાર થઈ પડતા.’

મહાદેવભાઈના સાથીઓમાંથી એક શ્રી કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા. ગાંધીજીના સાથીઓમાં એક મૌલિક ચિંતક. તેમણે એક વાર ‘મૃત્યુ — જીવનની એક શક્તિ’ નામનો લેખ લખ્યો હતો. આવા લેખથી (ગાંધીજી જેવાઓને) અવિવેકભર્યા આમરણ ઉપવાસને પ્રોત્સાહન મળશે એમ વિચારી મહાદેવભાઈ हरिजनપત્રોમાં એને પ્રગટ કરવા નહોતા ઇચ્છતા, પણ ગાંધીજીની સ્વીકૃતિ એ લેખને મળી ગઈ હતી તેથી તેઓ એ બાબત ચૂપ રહ્યા. કિશોરલાલભાઈએ મહાદેવભાઈના મરણ પછી લખ્યું, ‘એ લેખના લેખક તરીકે મારા મનમાં તો એ વિચાર હજી માત્ર વિચારરૂપે છે, પણ મહાદેવભાઈએ તો એને ચરિતાર્થ કરી બતાવ્યો.’ કોઈક કહ્યું, ‘મહાદેવભાઈ બહુ વહેલા ગયા,’ ગાંધીજીએ પોતાની શ્રદ્ધા વ્યક્ત કરતાં કહ્યું, ‘મહાદેવે જીવનનો મોહ છોડી દીધો હતો, અને હું હમેશાં કહેતો આવ્યો છું કે જે માણસ જીવવાનો મોહ છોડી દે છે, તેનો દેહ આપોઆપ છૂટી જાય છે.’ હજી આગલે દિવસે જ વાતવાતમાં મહાદેવે પહેલાં અનેક વાર બોલી ચૂકેલા તે જ વાક્ય ફરી કહેલું:

‘હું ઈશ્વરને એક જ પ્રાર્થના કર્યા કરું છું. મને બાપુ પહેલાં ઉઠાવી લે!’ અને સાથે સાથે એ પણ કહ્યું કે:

‘ઈશ્વરે મારી પ્રાર્થના કદી તરછોડી નથી.’

એક યોગીની ચિંતનધારા હતી જે ગાંધીજીના ખોળામાં માથું મૂકીને પોતાની જીવનલીલા સમાપ્ત કરવા ઝંખતી હતી. બીજી દેશભક્તની ચિંતનધારા હતી જે ભારત છોડો આંદોલનમાં ‘કરેંગે યા મરેંગે’ના સૂત્રને ચરિતાર્થ કરવા મથતી હતી. બંને ૧૫મી ઑગસ્ટ ૧૯૪૨ના પ્રાત:કાળે સંગમ અનુભવી રહી.

ગાંધીજીએ ટૂંકું જીવ્યા એ વાતનો સ્વીકાર ન કરતાં કહ્યું:

‘મહાદેવનું કામ પૂરું થઈ ચૂક્યું હતું. તેમણે પચાસ વર્ષમાં સો વર્ષનું કામ કર્યું હતું. તે વધુ વખત શા સારું રહે? ભગવાન તેને વધુ વખત શા સારુ રહેવા દે?’

ગાંધીજીની આ જ શ્રદ્ધાને ગુરુદેવ રવીન્દ્રનાથ ઠાકુરે વર્ષો પહેલાં એક મધુર ગીતમાં ગૂંથી હતી. મહાદેવભાઈએ પોતાની અનુપમ રીતે એ ગીતને ગુજરાતીમાં ઉતાર્યું હતું:

જીવને જે પૂજા પૂરી ન થાયે — જાણું હું જાણું તેયે વ્યર્થ ન જાયે. જે કળી ખીલ્યા વિણ ઝરે છે ધરણીએ, જે નદી મરુસ્થળે ખોવાઈ જાયે — જાણું હું જાણું તેયે વ્યર્થ ન જાયે. જીવને પથિકો જે રહ્યા છે પીછે જાણું હું યાત્રા તેયે જમા થવાની છે. મારા અણપ્રીછ્યા, મારા અણપિછાણ્યા તારા વીણાતારે સૂરો છેડાયે — જાણું હું જાણું તેયે વ્યર્થ ન જાયે.

પચાસ વર્ષોની એ અલ્પાવધિમાં સો વરસનાં કરાયેલાં કામ અંગે આપણે આગળ ઉપર વિગતવાર વિચાર કરીશું.

નોંધ:

૧. हरिजनबंधु, ૯–૨–’૪૬.