અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ/ચુંમાળીસ – ભક્તિનું અખંડ કાવ્ય

ચુંમાળીસ – ભક્તિનું અખંડ કાવ્ય

૧૧મી ફેબ્રુઆરી, ૧૯૪૨ને દિવસે તપોધન જમનાલાલજીનું અચાનક વર્ધામાં અવસાન થયું. ભક્તપરિવારના જોડિયા ભાઈના જવાથી મહાદેવભાઈને ભારે આઘાત લાગ્યો. એમના દૈનંદિન વ્યવહારમાં પણ થોડો ફરક પડેલો જણાયો. રોજ આખી ગીતાનો પાઠ કરવાનો એમનો આગ્રહ વધી ગયો. જરાય નવરાશ હોય ત્યારે ગીતાનો પાઠ ચાલુ જ હોય. જમનાલાલજીના અવસાન પછી મા આનંદમયીદેવી વર્ધા આવ્યાં હતાં. જમનાલાલજી એમને પ્રત્યે ખૂબ આદર ધરાવતા. મા આનંદમયી જમનાલાલજી વિશે સ્નેહ ધરાવતાં. વાતવાતમાં મા એવું કાંઈક બોલી ગયેલાં કે ‘છ માસની અંદર આમ જ એક બીજા મહાપુરુષ જશે.’ ‘મહાપુરુષ’ શબ્દની મહાદેવભાઈની વ્યાખ્યા એક જ, એટલે એમને એવો ધ્રાસકો પડેલો કે આ આગાહી ગાંધીજી વિશે છે. ‘બાપુનું મોં જોયા વિના હું જીવી જ શી રીતે શકું?’ એવો પ્રશ્ન અનેક વાર પૂછી ચૂકેલા મહાદેવભાઈની અંદર અંદર બાપુના દીર્ઘાયુષ્ય સારુ નિરંતર પ્રાર્થના ચાલતી હતી. બહારથી એ ‘હિંદ છોડો આંદોલન’ના આગમના એંધાણના દિવસો હતા. એટલે રોજ રોજ દેશ અને દુનિયાના આગેવાનો સાથેની ગાંધીજીની મુલાકાતોની નોંધો કરવામાં તેઓ ગૂંથાયેલા હતા.

માર્ચની નવમીએ તેમણે સરદારને લખ્યું:

મારી તબિયતમાં સુધારો છે. પણ હજી થાકની અસર છે, જે આંખોમાં સ્પષ્ટ દેખાય છે. એટલે હમણાં લખવાકરવાનું [हरिजन પત્રો સારુ] બંધ કર્યું છે. તમારી જેમ ‘બાથ’ [કટિસ્નાન] લઉં છું. માટીના પાટા મૂકું છું. માલિશ કરાવું છું. આ બધું કરતાં-કરાવતાં શરમ આવે છે. પણ શું થાય? પાછા બેઠા થઈ બાપુનું કામ કરવું હોય તો આટલી માવજત કરાવ્યે જ છૂટકો…૧

અને આ વખતે ‘બાપુનું કામ’ એટલે સંગ્રામની તૈયારી એ પણ છેલ્લા વરસ દોઢ વરસથી સ્પષ્ટ થતું હતું.

એક વખત આ લેખકે પિતાજીની આલોચના કરી: ‘કાકા, તમે કશું મૌલિક તો લખતા જ નથી. બંગાળીના અનુવાદો, અંગ્રેજીનાં ભાષાંતરો અને જે સાપ્તાહિક પત્રો લખો છો, તે બધામાંયે બાપુનાં વચનો જ આવે છે. તમારું મૌલિક એવું શું?’ મહાદેવભાઈ હસ્યા. પહેલાં તો એટલું જ કહ્યું કે, ‘મૌલિક લખવાનું કામ તને સોંપ્યું.’ પછી થોડી વારે કહે:

‘મૌલિક લખવાનો વિચાર તો છે. છ નવલકથાના પ્લોટ (વસ્તુ) મનમાં ઘડાઈ ચૂક્યા છે. ‘જગતસાહિત્યમાં અહિંસા’ એ વિશે એક અંગ્રેજી પુસ્તક પણ લખવું છે. પણ ફુરસદ મળે તો ને? સરકાર લાંબી નવરાશ અપાવે તો લખી નાખું.’

તે દિવસથી નારાયણ પ્રવાસના સામાનમાં હંમેશાં કોરા કાગળનો થોકડો સાથે રાખતો કે ગમે ત્યારે સરકાર ‘લાંબી નવરાશ’ આપે તો તેનો ઉપયોગ મહાદેવભાઈ મા ગુર્જરીની સેવા સારુ કરી શકે.

એક વાર કલકત્તાથી વર્ધા પાછા ફરતાં તબિયત ફરી પાછી લથડી. ગાંધીજીની ચિંતા વધી અને મહાદેવભાઈની શરમ વધી. એ દિવસોમાં ગાંધીજીનો સાથ છોડીને મહાદેવભાઈ ક્યાંય જવા તૈયાર નહોતા. પણ નજીક આવી રહેલી લડત ખાતર તો સાજાનરવા થઈ જવું પડશે, માટે થોડા દિવસ હવાફેર કરવા જવું જરૂરી છે એવી દલીલ કરીને ગાંધીજીએ જેમતેમ કરીને મહાદેવભાઈને નાશિક જવા તૈયાર કર્યા. એ રવિવારનો દિવસ હતો. સેવાગ્રામથી મહાદેવભાઈને વિદાય કરીને ગાંધીજીએ મૌન લીધું. એમનું અઠવાડિક મૌન રવિએ સાંજે લઈને સોમવારે સાંજે છૂટતું. વર્ધા સ્ટેશને મહાદેવભાઈને ફરી હુમલો આવ્યો અને તેઓ પડતાં માંડ બચ્યા. સાથી સિવિલ ઇસ્પિતાલમાં લઈ જવા માગતા હતા, પણ મહાદેવભાઈએ સેવાગ્રામ જ પાછા જવા આગ્રહ રાખ્યો. ત્યાર સુધીમાં સેવાગ્રામમાં ટેલિફોન આવી ચૂક્યો હતો, સાથીઓએ વર્ધાથી ફોન કરીને પુછાવ્યું. ગાંધીજીએ લખીને કહ્યું કે એમને અહીં જ લાવો.

આખા આશ્રમમાં વાત ફેલાઈ ગઈ કે મહાદેવભાઈ હૃદયરોગનો હુમલો થવાથી પાછા આવે છે. આજે જે ‘મહાદેવ કુટી’ કહેવાય છે તે ઘર ચિંતિત સ્વજનોની સ્નેહભરી નજરોથી ભરાઈ ગયું. મૌનમાં પણ ગાંધીજી ‘બાપુ કુટી’થી નીકળીને પચીસ ડગલાં ઉત્તરે ચાલીને મહાદેવ કુટીમાં દુર્ગાબહેન પાસે આવીને બેઠા. કાર મહાદેવભાઈને ઠેઠ આંગણા સુધી લઈ આવી. એમના આવતાંની સાથે જ ગાંધીજીએ મહાદેવભાઈ સારુ કરી રાખેલી પથારી પર સુવડાવ્યા અને એમનું શિર પોતાના ખોળામાં લીધું. માથા પર હાથ પંપાળતાં બાપુએ પોતાનું મૌન તોડ્યું: માત્ર એક વાક્ય બોલ્યા: ‘મહાદેવ, હવે કેમ લાગે છે?’

મૌનનું વ્રત લીધું ત્યારથી જ ગાંધીજીએ બે અપવાદ રાખેલા: પોતાને અસહ્ય પીડા થઈ રહી હોય તો અથવા બીજાને વેદના હોય તો મૌન છોડશે. પોતાની પીડાથી મૌન છોડતા તો જાણ્યા નથી, પણ પંદર વર્ષ પહેલાં મગનલાલ ગાંધી ગુજરી ગયા ત્યારે સંતોકબહેન ગાંધીને સાંત્વના આપવા મૌન તોડ્યું હતું. આ વખતનું મૌન તો રવિવારનું હતું, એટલે ફરીથી મૌન લઈ સોમવારે એટલે મોડેથી છોડીને એ પૂરું કર્યું હતું.

તબિયતના ખબર ગાંધીજીએ પૂછ્યા તેના જવાબમાં મહાદેવભાઈએ કહ્યું:

‘હવે તો મરું તોય શું છે? મારી તો પ્રાર્થના ફળી. હું તો આખે રસ્તે એક જ પ્રાર્થના કરતો હતો કે બાપુના ખોળામાં માથું રાખીને મરવું છે.’

બાપુ મૌન લઈ ચૂક્યા હતા. અને મહાદેવનું માથું પંપાળતાં એમનાં આંગળાં અને સ્નેહનીતરતાં એમનાં નયન ઘણું ઘણું બોલી જતાં હતાં.

કદાચ એ અમીદૃષ્ટિથી જ તે વખતે મહાદેવભાઈની તબિયત જલદી સુધરી ગઈ. અને થોડા દિવસમાં તો એમણે સામાન્ય કામકાજ ઉપાડી લીધું. એક પછી એક દિવસ એવો કામમાં પસાર થતો હતો કે એક દુર્ગાબહેન સિવાય બીજા કોઈ મહાદેવભાઈની તબિયતની ચિંતા કરતા હશે તો તે દેખાતીયે નહોતી.

અને મહાદેવભાઈના માથા પર એક નવું વાદળું ઘેરાવા લાગ્યું. ગાંધીજીના મનમાં હવે આવવાની લડાઈનું સ્વરૂપ ક્રમશ: આકાર લઈ રહ્યું હતું. આ વખતે તેઓ સરકારને પોતાની ઇચ્છા મુજબ પકડવા હોય ત્યારે પકડે અને છોડવા હોય ત્યારે છોડે; એક સાથીને એક વર્ગમાં ને બીજા સાથીને બીજા વર્ગમાં નાખે; કોઈને દંડ કરે ને કોઈને ન કરે; એમ ઉંદર-બિલાડીની રમત રમવાની તક એને આપવા જ નહોતા માગતા. ‘હિંદ છોડો’ની હાકલ કરી છે તો એની પુષ્ટિ સારુ કાર્યક્રમ પણ ‘કરેંગે યા મરેંગે’નો જ હોય, એમ વિચારી ગાંધીજી મનસૂબો ઘડતા હતા કે આ વખતે જેલ જવાનો વારો આવે તો જતાંવેંત ઉપવાસ ઉપર ઊતરવું છે. મહાદેવભાઈને આ વિચાર અસહ્ય લાગતો હતો. એમને લાગતું હતું કે બાપુ ઉપવાસ કરશે, તો યુદ્ધમાં એક પછી એક હાર ખાતા અંગ્રેજો બાપુના પ્રાણની પરવા નહીં કરે. જેલમાં જતાંવેંત ઉપવાસ થાય નહીં એમ મહાદેવભાઈ ગાંધીજીને સમજાવવા પ્રયાસ કરતા હતા અને ગાંધીજી આમરણ ઉપવાસ કરવા તો નિર્જળા કરવા કે કેમ એની વાત વિચારતા હતા. કોઈ કોઈ વાર તો એટલે સુધી કહેતા કે જેલમાં જઈને સિમેન્ટના કોથળાની જેમ થઈને પડી રહેવું છે, હલનચલન પણ કરાવવું હશે તો ઊંચકીને કરાવવું પડશે.

‘ “પ્રેમળ જ્યોતિ તારો દાખવી” એ પ્રાર્થના મેં ગાંધીજીને ચરણે મૂકેલી છે.’ એમ કહેનાર મહાદેવભાઈને ગાંધીજીની વાત કેમે કરી ગળે ઊતરતી જ નહોતી. હૃદયથી એ વાત તેમને અસહ્ય હતી. મસ્તિષ્કથી અકલ્પ્ય. પોતાની તબિયતની વાત બાજુએ રહી ગઈ. રાતના ઉજાગરા થવા લાગ્યા. આશ્રમના સાથીઓ જોડે મહાદેવભાઈ સારુ ચર્ચા કરવાનો આ એક જ વિષય બની રહ્યો. કિશોરલાલભાઈ, સ્વામી આનંદ, પ્યારેલાલ સૌ મહાદેવભાઈ જોડે સંમત હતા કે ગાંધીજીએ જેલમાં જઈને તરત જ આમરણ અનશન પર ઊતરવાનો કાર્યક્રમ ન ઘડવો જોઈએ. તે સૌને મહાદેવભાઈ આ અંગે બાપુને લખીને વિરોધ કરાવવાની વાત સમજાવી શક્યા. પરિણામે એવો એકતરફી પત્રવ્યવહાર થયો જેવો ઇતિહાસમાં જવલ્લે જ કોઈ યુદ્ધે ચડેલા સર સેનાપતિ જોડે એના મુખ્ય સેનાનાયકોનો થતો હશે. ૨૭ અને ૨૮મી જુલાઈને દિન લખાયેલા એ પત્રોમાં કિશોરલાલભાઈએ દાર્શનિક દૃષ્ટિકોણથી લખ્યું હતું કે મરણ દ્વારા શક્તિ પ્રગટ કરવી હોય તો તે તર્કપૂર્વક નહીં પણ દર્શનપૂર્વક હોવી જોઈએ. દર્શન વિનાની શ્રદ્ધા શ્રદ્ધા જ નથી હોતી. મરણને નોતરવાનો પ્રકાર અને પ્રસંગ બંનેનું સ્પષ્ટ દર્શન હોવું જોઈએ. અને તે જીવનભરના આદર્શને અનુરૂપ હોવું જોઈએ. અંગ્રેજી સલ્તનતનો વિનાશ કરવા જો મરણને આમંત્રણ અપાય તો આ મરણ તે જ શક્તિ પેદા કરશે, અહિંસા, અંગ્રેજો પ્રત્યેનું અશત્રુત્વ ને જાપાનીઓનો વિરોધ ગૌણ થઈ જશે. વળી જે પગલું વિહ્વળતા અને નાસીપાસી પેદા કરે તેમાંથી જે શક્તિ પેદા થાય તે અહિંસક ન રહી શકે. કૉંગ્રેસના નેતાઓ તો થોડાથીયે રાજી થઈ જશે, જેને સારુ ઉપવાસની જરૂર નથી. અસંતોષ તો બહારના મૂંગા કાર્યકર્તાઓ અને જનતાને છે. આજે તેમનો સમય નથી અથવા શક્તિ નથી. જ્યારે ખરેખર બલિદાન કરવાની તક આવશે ત્યારે તે એવી સચોટ હશે કે નાનું બાળક પણ એની અનિવાર્યતા સમજી શકશે.

પ્યારેલાલે ગાંધીજીને આ પ્રકરણમાં કશું થશે નહીં એવી પોતાને શ્રદ્ધા હતી, તેથી પોતે બેચેન બન્યા નહોતા એમ સમજાવી કહ્યું હતું કે આજે મોટા પાયા પર ઉગ્ર સત્યાગ્રહની આવશ્યકતા છે. આ પ્રસંગ એવો છે કે આ લડત કરતાંયે લડત પછી આવનારી ઘટનાઓ વધારે અગત્યની છે. એટલે ગાંધીજી જો લડતના આરંભમાં જ ચાલ્યા જાય તો લડત જ નિષ્પાણ થઈ જવા સંભવ છે. બ્રિટન આજે ખતરામાં મુકાયેલું છે ત્યારે તેની શુદ્ધિ અનશન જેવા ક્ષિપ્ર અને પ્રચંડ પગલાને સમજવાને અસમર્થ છે. લડતને ‘શૉર્ટ ઍન્ડ સ્વિફ્ટ’ (ટૂંકી અને ઝડપી)એ નારામાં અધીરાઈની ગંધ આવે છે. મોટા પાયા પર લડત રચીને ગાંધીજીએ બેફિકર થઈ જવું જોઈએ. આજે બહુ ઓછા લોકો અનશન સારુ તૈયાર છે. જે છે તેમાંથી બહુ જ થોડા એને સારુ યોગ્યતા ધરાવે છે, એમાંથી અનશનના સમર્થક અને વિરોધીઓ વચ્ચે ભાગલા પણ પડે.

સ્વામી આનંદનો પત્ર કાંઈક રાજનૈતિક તર્કથી ભરેલો હતો. સરકાર આજે ગાંધીજી સામે નાપાક સંગઠન કરી રહી છે ત્યારે આકળા થઈને તેઓ મોટો ભોગ આપશે તો તેનું ભાવતું થશે. કોમી ચુકાદા વખતે દેશમાં જેવો અનુકૂળ પડઘો પડ્યો હતો તેનાથી ઊલટો પડે તેવા આ વખતે સંજાગો છે. આકળા થઈને બલિદાન આપવામાં અંગ્રેજો પ્રત્યેની જિંદગીભરની ઉદારતા હારી બેસાશે. આનાથી અંગ્રેજોને શાશ્વત કાળ માટે યહૂદીઓનું કિસ્મત બહાલ થશે. આજે કૉંગ્રેસ કારોબારીમાં કોઈ ગાંધીજી સાથે સહમત નથી. કૉંગ્રેસી આલમમાં લડાયક માનસ રહ્યું નથી. અંગ્રેજો સામેનો વિરોધ જારી રાખવો, એને જોઈએ તેટલું આકરું અને વ્યાપક સ્વરૂપ આપવું. ઍક્ટિવ પણ અહિંસક બળવાનો કોઈ કાર્યક્રમ દેશ આગળ મુકાવો જોઈએ. આમરણ ઉપવાસની વાત બહુ અપ્રસ્તુત લાગે છે.૧એ

મહાદેવભાઈનો પત્ર એમના જીવનની તીવ્રમાં તીવ્ર લાગણીઓ વ્યક્ત કરે છે અને તેમના જીવનની કરુણાંતિકાની પરાકાષ્ઠા કેવી રીતે આવી તે સૂચવે છે તેથી તેને નીચે લગભગ આખો ઉદ્ધૃત કર્યો છે:

પરમ પૂજ્ય બાપુજી,

સાત-આઠ દિવસ થયા હું એક-બે વાગ્યે જાગી જાઉં છું, અને બે-ત્રણ કલાક ઊંઘ વિના તરફડિયાં મારું છું. આપને લખવાનો વિચાર કરતો હતો ત્યાં કાલે વિનોબા સાથે વાતો થઈ.‘આ બધું મને બરોબર લાગે છે.’ એટલા વિનોબાના એક જ વાક્યથી હું તો આભો બની ગયો. આખા ટોળા આગળ મારે મારી વેદના વ્યક્ત કરવી ન હતી એટલે હું ચૂપ રહ્યો. આગલે દિવસે આપે દેવદાસને અને મને કહેલું: ‘આ તો બધું થવાનું છે. તમે મને જીવતો ન જુઓ.’ ત્યારે પણ હું સારી રીતે અકળાયેલો. શૉર્ટ ઍન્ડ સ્વિફ્ટ (ટૂંકું અને ઝડપી) કરવામાં મને પરિણામ જોવાની અધીરાઈ લાગી અને આપનું પગલું જગત સમજી શકે કે નહીં એ વાતની બેપરવાઈ લાગી. પણ વિનોબા આગળ જ્યારે આપે કાલે યોજના રજૂ કરી ત્યારે તો હું ખરેખર આભો જ બની ગયો.

જેમ સિપાઈઓ વિચાર અને જ્ઞાનપૂર્વક નહીં પણ કેવળ ડિસિપ્લિન (શિસ્ત) ખાતર મૃત્યુમુખે હોમાય છે તેમ આપણે હજારોને કહી શકીએ છીએ કે જ્ઞાનપૂર્વક નહીં પણ શ્રદ્ધાપૂર્વક આપણે ઉપવાસ કરતા કરતા મરી જઈ શકીએ છીએ. મને આ બે વાતમાં જરાય સામ્ય નથી લાગતું. પેલાઓને વર્ષોનાં વર્ષો મારવાની તાલીમ અને મારવાના સંસ્કારો અપાયેલા હોય છે, એ લોકોની દ્વેષ અને તિરસ્કારબુદ્ધિને સારી પેઠે કેળવવામાં આવે છે, હિંસાવૃત્તિને પોષક અનેક સામગ્રીઓ એમને માટે હોય છે. આપણને ઉપવાસ કરતાં કરતાં મરવાની તાલીમ અપાઈ છે એમ તો કહેવાય જ નહીં. રિબાઈ રિબાઈને મરવામાં અસાધારણ શાંતિ અને અહિંસા જોઈએ જે આપણે ત્યાં જવલ્લે જ જોવામાં આવે છે.

આપ માનો છો કે આ બધી શરતો (અહિંસા સિવાયની) રદ કરીને આપે આમજનતાને માટે માર્ગ મોકળો કર્યો છે, તો એમાં આપની ગંભીર ભૂલ થાય છે. શરતો હતી ત્યારે ઘણા માણસો આવતા. તે શરતોના કારણે નહીં પણ તેમને આવવું હતું એટલે આવતા. શરતો નીકળી જવાથી ઢગલો માણસો આવશે એમ માનવું એ ભ્રમ છે. તેમાં ભૂખ્યા અને તરસ્યા મરી જવાની શરત — અથવા શરત ન કહો તો આદર્શ, — એ લગભગ અશક્ય છે.

અશક્ય એટલા માટે કે એમ રિબાઈ રિબાઈને મરવામાં શ્રદ્ધા અને મરણિયાપણું જોઈએ છે એટલું જ નહીં, પણ જ્ઞાન પણ જોઈએ અને જ્ઞાન ઉપરાંત તીવ્રતમ લાગણી જોઈએ. જરાક સ્પષ્ટ કરું. આપ શા માટે પ્રાણ તજવાને તૈયાર થયા છો? કારણ એ કે આપને રગે રગે લાગે છે કે આ લોકોના રાજમાં જીવવું એ અશક્ય છે. જે કહેવું હોય એ કહી શકાતું નથી, એ કહેવાને માટે ટપાલ, તાર વગેરે સાધનો છે તે એ લોકોના કબજામાં છે, એ સાધનો ગમે ત્યારે એ બંધ કરી શકે છે, ચોમેર અત્યાચાર, દંભ ચાલે છે તે આપનાથી જોઈ શકાતો નથી, વ. વ. આ જ્ઞાન જબરદસ્ત સેન્સિટિવનેસ (લાગણીશીલતા) વિના માણસ રિબાઈ રિબાઈને પ્રાણત્યાગ નથી કરી શકતો. એટલે એ શરત અશક્ય બને છે.

આયર્લૅન્ડમાં જેલમાં ન રહેવાના કારણે કેટલાકે ઉપવાસ કરેલા. એમાંથી મેક્સવીની સાથે ત્રીસ-ચાળીસ જણ મરેલા. કેટલાક ગાંડા થઈ ગયેલા, અને કેટલાક બળાત્કારે ખવડાવવાના પરિણામે મરેલા. મેક્સવીનીની આપે એક વાર સારી પેઠે ટીકા કરેલી. આજે એ ટીકા બરાબર ન હતી એમ આપ કહો છો. આજ સુધી એટલે વીસ વર્ષ લગી એ સમજ સૌના મનમાં રહી, આજે આપની સમજ બદલાઈ એટલે સૌએ સમજ લાગલી જ બદલવી? આયર્લૅન્ડમાં માંડ ત્રીસ જણા મરવા નીકળ્યા જ્યાં દ્વેષ અને તિરસ્કારની જ્વાળા ધગધગતી હતી — અહીં કેટલા નીકળશે? આયર્લૅન્ડમાં કૅટ ઍન્ડ માઉસ પૉલિસી (ઉંદર-બિલ્લી નીતિ) એ લોકોએ ચલાવી એટલે એ ઉપવાસનું શસ્ત્ર બૂઠું થઈ ગયું. મરણતોલ થાય એટલે છોડે, બહાર જઈને સારો થાય કે પાછો લે, પાછો મરણતોલ થાય એટલે છોડે, — આ વસ્તુ સામે કેટલા ઝીંક ઝીલી શકે?

હવે આપની વાત ઉપર આવું.

એક-બે વસ્તુની ચોખવટ કરી લેવા માગું છું. આપ જે માનો છો કે વર્કિગ કમિટી આ વિશે સહમત છે તો આપની ભૂલ છે. એની સાઇલેન્સ (ચુપકીદી) કન્સેન્ટ (સંમતિ) એ ન હતી પણ સલનનેસ (ઉદાસીનતા) હતી. ‘હજી શું પગલું લેવું છે એ મને સૂઝ્યું નથી, સૂઝી રહેશે, એ વાત વર્કિંગ કમિટીવાળાઓને બહુ વસમી લાગે છે. આપને એ વસ્તુ સૂઝે ત્યાં સુધી તાકતા રહેવું એ બહુ રૂડું લાગતું હોય એમ નથી.

પ્રાણત્યાગ કરવો એ અહિંસાનું આવશ્યક અંગ છે એનો મારો અર્થ રજૂ કરું. સતીને માટે પોતાનું શિયળ જાળવવું અશક્ય વાત થઈ પડે ત્યારે તે પ્રાણત્યાગ કરે — ઝેર લે, કે આપઘાત પણ કરે, બખેડા થતા હોય તો તેમાં ઝંપલાવીને વીર પુરુષ પ્રાણત્યાગ કરે, સૉક્રેટિસ જેવા વીરતાથી ઝેરનો પ્યાલો પી જાય, ટેલીમેક્સ જેવા લડનારાઓની વચ્ચે પડીને મરે, મુક્તધારાના યુવરાજ જેવા ધોધમાં ઝંપલાવી ધોધને મુક્ત કરે. પણ સૌની પાસે કોઈ પ્રત્યક્ષ વસ્તુ હોય છે, હોવી જોઈએ, નહીં તો જગત એને સમજી નથી શકતું.

આપને ‘૨૪માં અને ‘૩૨માં આંતરપ્રેરણા થઈ, જેની સામે આપે કોઈની ન સાંભળી, એ પ્રેરણા પહેલાં કોઈની સાથે એની ચર્ચા પણ ન કરેલી. રાજકોટ વખતે હું હાજર ન હતો પણ એ વેળા તાત્કાલિક પ્રેરણા જ થઈ હશે. (લિનલિથગોએ મને કટાક્ષમાં પૂછેલું કે વર્ધાથી ગાંધીજી નીકળ્યા ત્યારે જ આ ઉપવાસ કરવાનો નિશ્ચય કરીને નીકળ્યા હશે ને! એનો મેં સચોટ જવાબ આપેલો.)…

આ ઉપવાસથી જુદા જ પ્રકારનો ઉપવાસ મૅકડૉનાલ્ડની સામેનો ઉપવાસ હતો. એ વિચારપૂર્વક કરેલો હતો, એને વિશે વલ્લભભાઈ અને મારી સાથે પૂરી ચર્ચા કરેલી. આ વેળા આપ ચર્ચા કરો છો એટલે ઉપવાસ ચર્ચાસ્પદ સ્વરૂપ લે છે અને લેવું જોઈએ. આવી રીતે છેલ્લાં ત્રણ વરસમાં બે વાર જાહેર ઉપવાસની વાત ચર્ચીને આપે એની સામેના ઓવરવ્હેલ્મિંગ આર્ગ્યુમૅન્ટ (અભિભૂત કરે તેવી દલીલો)ને વશ થઈને એ છોડવાની કૃપા કરેલી. આ વખતે પણ દલીલ પ્રથમના કરતાં વધુ નહીં તો એટલી જ જબરદસ્ત છે.

૧. આ વિથડ્રોઅલ (પાછું લેવા)ની વસ્તુનો મોટા ભાગે વિપરીત અર્થ કર્યો છે, કેટલાક પ્રામાણિકપણે પણ ન જ સમજતા હશે; પણ ઉપવાસને પ્રામાણિકપણે ન જ સમજનારો બહુ જ મોટો વર્ગ હશે, જે થોડા લોકો આપને સમજે છે (વિલાયતમાં) તેનો પણ આપણે સાથ ખોશું.

ર. આ વેળા સરકારે આંબેડકર જેવાને લીધા છે તે આપને ઉપવાસ કરાવીને મારવાને માટે એમ કહું તો ચાલે. એ લોકોની રમત રમવી એ કુશળ સ્ટ્રૅટેજી (વ્યૂહરચના) નથી.

૩. વર્કિંગ કમિટીવાળા આમાં કશું સમજવાના નથી, ભળી શકવાના નથી.

૪. લોકો હાંફળાફાંફળા થઈ જશે અને અકર્મણ્ય બનશે.

પ. મૅકડૉનાલ્ડ વખતે આપણી પાસે પ્રત્યક્ષ ઉદ્દેશ હતો. આ વેળા પ્રત્યક્ષ ઉદ્દેશ વિથડ્રોઅલનો છે એમ કદાચ કહી શકાય; પણ જો લડાઈ બંધ કરાવવાને માટે જાપાન, જર્મની અને બ્રિટન-અમેરિકાની સામે ઉપવાસ કરવા નિરર્થક હોય તો આ ઉપવાસ પણ એટલા જ નિરર્થક કહેવાય.

૬. આપને, ન કરે નારાયણ ને કશુંક થાય તો અંગ્રેજોની સામે યાવચ્ચંદ્રદિવાકરૌ ઝેરવેરનો જ વારસો આપ મૂકી જાઓ.

૭. ગયા સત્યાગ્રહ વખતે આપે ઉપવાસની વાત કરેલી ત્યારે મારી એક દલીલે આપના ઉપર અસર કરી હતી — થૉરોએ કહેલું કથન, અને એને લીધે લાખો-કરોડોની જેલમાં બેસવાની ફરજ, અને એને આપે આપવી જોઈતી તક. આ તક આપ નથી આપતા.

૮. લડાઈ તો એકાદ વર્ષમાં પૂરી થવી જોઈએ-હારતા જાય છે અને હજી હારશે. ત્યાં સુધી આપણે ઠરેલ રીતે — દેશને હિસ્ટીરિયા (વાતોન્માદ)માં નાખીને નહીં — લડીએ અને પચાસ-સો હજાર જેલમાં બેસીએ એ કશું ખોટું નથી. એ રૂડી મૉરલ પ્રોટેસ્ટ (નૈતિક અસ્વીકૃતિ) રહેશે, અને પછી પીસ (શાંતિ) થશે તેમાં આપને આજના કરતાં વધારે મોટો ભાગ ભજવવો પડશે.

૯. હું કેવળ પેસિફિઝમ (શાંતિવાદ)ના ઇશ્યૂ (મુદ્દા) ઉપર લડાઈ વધારે પસંદ કરત. યુરોપમાં અગાઉના જમાનામાં લાખો સહીઓ વર્ક્સ (મજૂરો) અને બીજા પાસે લડાઈમાં ભાગ ન લેવાને માટે લેવામાં આવેલી, પણ કશું થયેલું નહીં. આપણે એ તક સાધી શકતા હતા-સત્યાગ્રહ વખતે પણ તે નૉન-એમ્બેરેસમેન્ટ (ન મૂંઝવવાની નીતિ)ના કારણે આપણે ગુમાવી. હજી એને કોઈક રીતે રિવાઇવ (ફરી જીવિત) કરી શકાતી હોય તો કરવી જોઈએ.

૧૦. મીરાંબહેનની આગળ આપે કહેલું કે हरिजन જેલમાંથી ચલાવવાની રજા આપને મળે તો આપ ઉપવાસ ન કરો. એણે લેઇથવેઇટને કહ્યું છે કે નહીં એ હું નથી જાણતો, કદાચ કહ્યું હોય તો આપ જેલમાં પેસતાં જ નિર્જળા ઉપવાસ શરૂ કરો તે કેવું કહેવાય?

મને આખી કલ્પના જ ભમરાળી લાગે છે એમ કહું તો માફ કરશો. શૉર્ટ અને સ્વિફ્ટનો ખ્યાલ આપ મનમાંથી કાઢી નાખો, ઉતાવળે આંબા ના પાકે તેમ ઉતાવળે બલિદાનો પણ ન અપાય. આપે ઠરાવના આપના પહેલા જ ડ્રાફ્ટ (ખરડા)માં લખેલું તેમ સરકારી નોકરો, મજૂરો, વકીલો, વિદ્યાર્થીઓ, સોલ્જરો — સૌની પાસે વૉલંટરી નૉન-પાર્ટિસિપેશન ઇન વૉર ઍફર્ટ (યુદ્ધમાં

સ્વેચ્છાપૂર્વક બિનસામેલગીરી) અને નૉન-કૉઑપરેશન (અસહકાર) માગેલાં તેવાં એક મૅનિફેસ્ટો (ઢંઢેરો) ઘડીને માગો. એ મેનિફેસ્ટોની લાખો નકલો દરેક પ્રાંતનાં ગામડાં અને શહેરોમાં વહેંચાય અને એનો અમલ જેઓ ખુશીથી અને પ્રસન્નતાથી કરી શકે તે કરે, અને તેમ કરતાં જેલમાં જાય, માર ખાય, શૂટ થાય (ગોળીએ વીંધાય), પ્રોસેશન્સ (સરઘસ) કાઢે, તે ન વિખેરાતાં માર ખાય, ગોળી ખાય. આ કાર્યક્રમનો આરંભ પ્રાર્થના, ત્રણ દિવસના ઉપવાસ — આખી જનતાએ કરવાના-થી, અને એક કે ત્રણ દિવસની હડતાળ-જનરલ સ્ટ્રાઇક — જેમાં રેલવેવાળા અને બીજા મજૂરોને પણ નોતરવામાં આવે — એથી થાય. આટલું કરી શકીએ અને પરિણામે હજારો જેલમાં જઈને બેસીએ તો તે કશો ખરાબ દેખાવ ન કહેવાય, અને સારી મૉરલ પ્રૉટેસ્ટ થશે એમ મારું માનવું છે. જે કાંઈ કરવું હોય એમાં આપણા કહેવાતા ઘણા માણસોની સંમતિ અને સહકાર તો હોવાં જ જોઈએ.

ગુલઝારીલાલ મજૂરોની પરિસ્થિતિ વિશે વાત કરવા આવ્યા છે. મોટા સામૂહિક કાર્યક્રમમાં પારાવાર મુશ્કેલીઓ જુએ છે. આજે ‘પ્રતાપ’ના ત્રણ લેખો આવ્યા છે — બાલકૃષ્ણ શર્માએ લખેલા છે એમાં આપને વિનવણી કરી છે કે, ‘મજૂરોમાં આંદોલનનું અચૂક પરિણામ. હિંદુ-મુસલમાન દંગાઓમાં આવશે, આજે તો જે કાર્યક્રમ રાખશો એમાં અસફળતા સિવાય બીજું કશું નથી, એટલે હમણાં બધું મોકૂફ રાખો.’ — આ તો સહજ ખબર આપવા લખ્યું.

લિ, સેવક, મહાદેવના સાષ્ટાંગ દંડવત્ પ્રણામ.૨

ચારેય પત્રો વિનોબા પાસે ગયા ત્યારે તેમણે કિશોરલાલભાઈને પત્ર દ્વારા ચોખવટ કરી કે બે દિવસ ઉપર એમની બાપુ સાથે જે વાત થઈ એનાથી જો આમરણ અનશનની લડત આરંભ કરવાના વિચારને મારો ટેકો છે એવી છાપ જો… પડી હોય તો મને મારા વિચારો કહેતાં આવડ્યું જ નહીં એમ મારે કબૂલ કરવું જોઈએ.’ એમની જે સંમતિ હતી તે તો સૈદ્ધાંતિક હતી કે શ્રદ્ધાપૂર્વક, પણ કોઈ અનશન આદરી શકે અને જે સમયે હિંસાની પૂર્ણ શક્તિ પ્રગટ થઈ રહી હોય તે સમય અહિંસાના પૂર્ણ પ્રયોગનો અવસર છે એમ ગણી શકાય. મહાદેવભાઈના પત્રમાં શૉર્ટ ઍન્ડ સ્વિફટવાળું વાક્ય ટાંકર્યું હતું તે તેઓ સમજી નહોતા શક્યા એમ જણાવીને તેમણે કહ્યું: ‘શીઘ્ર પરિણામ લાવવાની વૃત્તિથી તો અનશન ન જ આદરી શકાય. બાપુએ ઉતાવળથી આવું પગલું ન જ લેવું જોઈએ, પણ બાપુને વિશે આવું વાક્ય લખવું મને ગમતું નથી. હું માનું છું કે બાપુ ઉતાવળ નથી જ કરવાના. પણ મહાદેવભાઈએ ઉદ્ધૃત કરેલું વાક્ય સૂચવે છે તેમ, શીઘ્રકારિત્વની કોઈ ભાવના, જે મહાન નેતાઓમાં કેટલીક વાર આવે છે તે બાપુમાં આવી ગઈ હોય તો બાપુને હું વિનવીશ કે તેઓ સુબ્ર કરે. મારી વ્યક્તિગત વૃત્તિ અને વિચાર આમરણ અનશનથી ‘આરંભ’ કરવાની વૃત્તિ છે. આવું અનશન ‘આવી પડવું’ જોઈએ…૩

૧૯૪૨ના જુલાઈની ૨૯મીએ આ પાંચે પત્રો વાંચ્યા પછી ગાંધીજીએ એની ઉપર નોંધ કરી:

શૉર્ટ ઍન્ડ સ્વિફ્ટનો મહાદેવે જે અર્થ કર્યો તે હતો જ નહીં. અનશનથી શરૂ કરવાની વાત હતી. આજે પણ છે. પણ તે તો અનિવાર્ય થઈ પડે ત્યારે જ હોય, ઈશ્વરી પ્રેરણાથી જ એટલે જ્યાં બુદ્ધિને અવકાશ જ ન હોય, પણ આજે તો એ છેક અપ્રસ્તુત છે. બીજી શંકાઓનું નિવારણ મારી પાસે છે. પણ એમાં અત્યારે નથી ઊતરતો. કાળે કરીને બધાં નિવારણ એની મેળે થઈ રહેવાનાં છે.૩

ઑગસ્ટ માસની કૉંગ્રેસ મહાસમિતિની બેઠક નજીક આવી રહી હતી. ઉપલો પત્ર બાપુને લખ્યો તેનાં ત્રણ અઠવાડિયાં પહેલાં ‘નવજીવન’ના મૅનેજિંગ ટ્રસ્ટી શ્રી જીવણજીભાઈ દેસાઈને મહાદેવભાઈએ ખબર આપ્યા કે ‘તેઓ મુંબઈ જઈને કુશળ રોગનિદાન કરનાર પાસે તપાસ કરાવી આવ્યા.’ કશું જ કહેવા જેવું માલૂમ નથી પડ્યું!!! કેવળ ગરમીને લીધે ક્ષણિક ચક્કર આવ્યાં હોય કે અંધારાં આવ્યાં હોય એમ કહે છે. બધું સારું છે એટલે મેં ચિંતા છોડી.’૪ આ તપાસમાં ઝાડો, પેશાબ, લોહી વગેરેની તપાસ થઈ હતી. હૃદયની નહીં! બાપુને લખેલા પત્ર પછી બે કે ત્રણ દિવસે (૩૦–૭–’૪૨) જીવણજીભાઈને લખે છે: ‘હું તો મારો લખવાનો ઘસડબોરો કરીને થાકું છું. એટલે ગુજરાતી કે હિંદી हरिजन પર નજર પણ ફેરવી શકતો નથી. પણ ભાષાંતરની ફરિયાદ સારી પેઠે આવે છે એટલું કહું.’૪

મુંબઈ જતાં પહેલાં તાલીમી સંઘ આગળ બાપુએ આપેલા ભાષણની નોંધ બાબલા પાસે લેવરાવી. તે તપાસીને એને ૭૫% માર્ક આપી — પોતાની નોંધ સાથે સરખાવવાની સૂચના આપી. પણ પ્યારેલાલ ને સુશીલાબહેન આગળ બાબલાની નોંધનાં વખાણ કર્યાં.

સેવાગ્રામ છોડતાં પહેલાં ઘણા આશ્રમવાસીઓ પાસે જઈ જઈને વિદાય લીધી. સામાન્ય રીતે પ્રવાસ પહેલાં મહાદેવભાઈ આમ કરતા નહોતા. મુંબઈ પહોંચ્યા પછી દુર્ગાબહેનને લખેલા (છેલ્લા) કાગળમાં એમની તબિયત વિશે ચિંતા વ્યક્ત કરી, પણ સાથે એ પણ કહ્યું કે બાબલા વિશે હવે તેમને ચિંતા રહી નહોતી. કારણ, એ પોતાનો વખત જરાય બગાડતો નથી અને પોતાની મેળે અભ્યાસ કરે એવો થઈ ગયો હતો.

મુંબઈ પહોંચ્યા પછી એવા કામમાં લાગી ગયા કે કોઈને ખ્યાલેય ન આવે કે મહાદેવભાઈની તબિયત લથડેલી હશે. મહાસમિતિનાં બાપુનાં અને સરદારનાં ભાષણોની નોંધ લીધી. બાકીનાં ભાષણો વખતે બાપુની ટપાલ જોઈ.

કૉંગ્રેસ કારોબારીના સભ્યોએ પણ જેલમાં જતાંવેંત આમરણ અનશન કરવા અંગેના ગાંધીજીના વિચારનો વિરોધ કર્યો હતો. જવાહરલાલજીએ આવા કોઈ નિર્ણયથી બંધાઈ ન જવાનો આગ્રહ કર્યો હતો. મૌલાનાએ આવી વાત છેલ્લા પગલા તરીકે થાય એમ કહ્યું. પંતજીએ એવો ભય વ્યક્ત કર્યો હતો કે એનાથી હિંસા અને અંધાધૂંધી થશે. સત્યમૂર્તિએ કહ્યું હતું કે આઝાદ હિંદને તમારી જરૂર ગુલામ હિંદ કરતાં વધારે છે. પ્રફુલ્લ ઘોષે કહ્યું હતું કે અનશનનો અર્થ આપઘાત થશે. નરેન્દ્ર દેવે કહ્યું કે હું તો ઉપવાસની બિલકુલ વિરુદ્ધ છું. શંકરરાવ દેવે કહ્યું કે મને ગોળીથી મરવાનો અવસર નહીં મળે તો હું ઉપવાસ કરીને મરીશ. સરદારે પણ સખત વિરોધ નોંધાવ્યો હતો.૫

ગાંધીજીએ કારોબારીને આશ્વાસન આપ્યું હતું કે તેમણે કોઈ નિશ્ચય કર્યો નહોતો.૫

૮મી ઑગસ્ટની રાતે ‘હિંદ છોડો’ ઠરાવ પસાર થઈ ગયા પછી સરકાર કેવાં પગલાં લેશે તેને અંગે મહાદેવભાઈ અને ગાંધીજીના અંદાજ જુદા જુદા હતા. મહાદેવભાઈ માનતા હતા કે સરકાર ગાંધીજીને તરત પકડી લેશે. ગાંધીજી કહેતા હતા કે તેમણે પોતાના વ્યાખ્યાનમાં જણાવ્યું છે કે તેઓ વાઇસરૉયને પત્ર લખીને પંદર દિવસની મહેતલ આપશે. જે અનુકૂળ જવાબ નહીં આવે તો આંદોલન છેડશે. એટલે કમસે કમ પંદર દિવસ કે મહિનોમાસ તો ધરપકડની વાત નહીં ઊઠે. સાંજની પ્રાર્થના પછી ગાંધીજી તો ઘસઘસાટ ઊંઘી ગયા પણ મહાદેવભાઈ આખી રાત જાગ્યા. સવારે ચાર વાગ્યે એમને લાગ્યું કે દર વખતે ગાંધીજીને મધરાતે પકડી જાય છે, એ સમય તો વીતી ગયો એટલે ગાંધીજીની વાત જ સાચી પડશે. સરદાર પકડાયા કે બહાર છે એની તપાસ કરવા ફોન પર ગયા તો ટેલિફોન લાગ્યો નહીં. ફોન બગડ્યો છે કે જાણીજોઈને કનેક્શન કાપી નાખ્યું છે તે સમજાયું નહીં. પડખેના રૂઇયાના બંગલેથી ફોન કરવા સ્વામી આનંદ જતા હતા તેમણે અડધે રસ્તે જ પોલીસોની વાન જોઈ. તેઓ ખબર આપવા પાછા વળ્યા. મહાદેવભાઈની ઉપર ગાંધીજીની સાથે જ ધરપકડનું વૉરંટ હતું તેથી તેઓ ખૂબ રાજી થયા. પ્યારેલાલ અને કસ્તૂરબા જો ઇચ્છે તો સાથે જઈ શકે એમ કહેવામાં આવ્યું હતું, નહીં તો એમની પર ધરપકડનું વૉરંટ નહોતું. કસ્તૂરબાએ જીવનનો એક મોટો નિર્ણય ક્ષણભરમાં કરી નાખ્યો. તેમને ખબર હતી કે કદાચ આ વખતની જેલ આખરી હોય. એટલે ગાંધીજીની સાથે રહેવું તેઓ પસંદ કરત પણ ગાંધીજીને પૂછતાં તેમણે જણાવ્યું કે કસ્તૂરબા જેમ ઇચ્છે તેમ નક્કી કરી શકે છે, પણ ગાંધીજીને પોતાને તો કસ્તૂરબા સાંજે એમને બદલે શિવાજી પાર્કમાં સભા કરીને પછી પકડાય તો જ ગમે, એટલે કસ્તૂરબાએ કહ્યું કે: ‘મને આ ટાણે તમારી સાથે રહેવું જ ગમે, પણ એથીય વધારે મને તમારી ઇચ્છા પૂરી કરવી ગમે, એટલે હું રોકાઈ જઈશ.’

નારાયણે પિતાનો સામાન બાંધવા માંડ્યો. વરસની શરૂઆતથી મૌલિક લખાણો સારુ જે કોરા કાગળોનો થોકડો એ સાથે રાખતો હતો, તે પણ પિતાના સામાનમાં બાંધવા જતો હતો, પણ મહાદેવભાઈએ તેમ કરવાની ના પાડી. ‘કશો સામાન સાથે આપવાની જરૂર નથી. બાપુના ઉપવાસ ડેમોક્લીસની તલવારની માફક માથે તોળાય છે. તેઓ ઉપવાસ કરશે તો સરકાર એમને આ વખતે મરવા પણ દે ખરી. આ બધું જોવા હું જીવવાનો નથી. હું તો જેલમાં એક અઠવાડિયું પણ જીવીશ કે કેમ તે જાણતો નથી.’ સામાનમાં માત્ર ગીતાની એક નાનકડી ચોપડી અને રવીન્દ્રનાથનું मक्तधारा નાટક લીધું.

પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી મોહનલાલ દેસાઈ અને પાર્ટી સાથે નીકળતાં પહેલાં બધાંએ સાથે મળીને પ્રાર્થના કરી. ગાંધીજીનું કયું પગલું પ્રાર્થના કર્યા વિના મંડાતું હતું?

૮મીની સભામાં ગાંધીજીએ જાહેર કર્યું હતું કે તેઓ ગિરફતાર થઈ જાય તો ત્યાર પછી દરેક હિંદુસ્તાની પોતપોતાનો નેતા છે. અને અહિંસાની શરતને ધ્યાનમાં રાખી દરેકને જે સૂઝે તે મુજબ કામ કરે. વળી ગાંધીજીએ એ પણ આગાહી કરી હતી કે આ વખતની લડાઈ ટૂંકી અને ઝડપી થશે. એ વાતને યાદ કરીને વિદાય દેતી વખતે નારાયણે કહ્યું, ‘કાકા! હવે તો આઝાદ હિંદમાં મળીશું!’

એના જવાબમાં મહાદેવભાઈએ બાબલાનું મોં ચૂમી લીધું હતું. અને પછી મહાદેવભાઈ જીપની પાછલી સીટમાં જઈને બેઠા. વર્ષો પહેલાં એક સભામાં અધ્યક્ષે મહાદેવભાઈને આગળ આવીને બોલવા કહ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, ‘હું ખુરશીની આગળ આવવા નહીં, પાછળ રહેવા ટેવાયેલો છું.’ તેમની એ ટેવ ગઈ નહોતી.

મુંબઈ વી.ટી. સ્ટેશને કેદીઓ માટે ખાસ ઊભી રાખવામાં આવેલી ગાડી ઉપર તે લોકોને કારોબારીના સભ્યો મળ્યા. પકડાતી વખતે ઇન્દિરાની વિદાય લઈને આવેલા જવાહર મળ્યા. મણિબહેનથી વિખૂટા પડેલા સરદાર મળ્યા. જવાહરલાલજીએ પોતાની ડાયરીમાં લખ્યું છે, ‘ઇન્દુને ફરી ક્યારે મળાશે?’ મહાદેવભાઈની ડાયરીમાં બાબલા અંગે નહીં, પણ બાપુ અંગે જ ચિંતા વ્યક્ત થઈ છે.

ત્યારથી છ માસ બાદ ૧૯૪૩ના ફેબ્રુઆરીની ૧૭મી તારીખે દુર્ગાબહેન, કનુ ગાંધી અને નારાયણને આગાખાન મહેલમાં પ્રવેશ મળ્યો હતો. ગાંધીજીના એકવીસ દિવસના ઉપવાસ વખતે એમના સ્વજન અને પરિચારક તરીકે ગાંધીજી સાથે ત્રણ અઠવાડિયાં રહેવાની એમને પરવાનગી મળી હતી, પણ એક શરતે કે તેમણે કેદી તરીકે રહેવું પડશે.

ઉપવાસને બિછાને પડેલા બાપુના ચરણસ્પર્શ કરતી વખતે મહિનાઓથી બાંધી રાખેલા દુર્ગાબહેનના નયનજળનો બંધ તૂટી ગયો હતો. બાપુ માત્ર એક શબ્દ બોલી શક્યા — ‘મહાદેવ…’ અને એમની આંખમાંથી પણ અશ્રુ-મુક્તા ટપકવા લાગ્યાં. બાપુને તકલીફ ન પડે એ વિચારે દુર્ગાબહેન તરત ત્યાંથી ખસી ગયાં. નારાયણે પહેલી વાર ગાંધીજીને આંસુ સારતા જોયા.

એ લોકો ત્રણ અઠવાડિયાં સુધી આગાખાન મહેલમાં રહ્યાં. ત્રણ અઠવાડિયાંના સહવાસ દરમિયાન મહાદેવની અનેક સ્મૃતિઓ વાગોળી. સુશીલાબહેને ૧૫મી ઑગસ્ટની આખી ઘટના વિગતવાર કહી સંભળાવી ત્યારે નારાયણને એ સત્ય લાધ્યું કે બાપુના ખોળામાં માથું ઢાળીને છેલ્લા શ્વાસ લેવાની મહાદેવભાઈની તીવ્ર આકાંક્ષા ૧૫મી ઑગસ્ટે ખરેખર જ પૂરી થઈ હતી. કસ્તૂરબાએ જ્યારે એટલું જ કહ્યું કે, ‘મહાદેવના જવાથી બાપુને મોટી ખોટ પડી’ ત્યારે એ એક વાક્યમાં જ બાપુની કેટકેટલી વેદના વ્યક્ત થઈ ગઈ હતી એ બાની આંખો જ કહી આપતી હતી. અને પ્યારેલાલજીએ જ્યારે કહ્યું કે, ‘અમે તો વાતો કરતા રહ્યા અને મહાદેવભાઈ તો “કરેંગે યા મરેંગે”ને ચરિતાર્થ કરતા ગયા.’ ત્યારે આ લોકોને કિશોરલાલ મશરૂવાળાએ છ માસ પહેલાં સેવાગ્રામમાં કહેલાં વચનો યાદ આવ્યાં કે:

‘ગાંધીજીના અવેજી બનવામાં એમના અધિકારનો કોણ ઇન્કાર કરી શકે એમ છે? જીવતા હતા ત્યારે તો એમણે બધી વાર એમનું પ્રતિનિધિત્વ કર્યું હતું ને મૃત્યુમાં એમના વતી ભાગ ભજવવાનો હક તેઓ ખરેખર કમાયા હતા.’

નોંધ:

૧. ગ. મા. નાંદુરકર: ૪: પૃ. ૧૯૮.

૧એ. ત્રણ પત્રોની હસ્તલિખિત નકલમાંથી લેખકના પત્રસંગ્રહમાંથી.

૨. પત્રવ્યવહારની હસ્તલિખિત નકલના લેખકના સંગ્રહમાંથી. આ પત્ર ૨૭–૭–’૪૨ના રોજ લખાયો હશે એવો અંદાજ બીજા ત્રણ સાથીઓના પત્રોને આધારે સમજાય છે.

૩. લેખક પાસેના હસ્તલિખિત પત્રસંગ્રહમાંથી.

૪. હસ્તલિખિત પત્રની ઝૅરોક્સ નકલ: મનુ જીવણજી દેસાઈના સંગ્રહમાંથી.

૫. મહાદેવભાઈની અપ્રગટ ડાયરીમાંથી.