અથવા અને/આદમનું વેર

આદમનું વેર

ગુલામમોહમ્મદ શેખ



ગર્ભમાં સળવળતી વેદનાનો મૂંઝારો ઘાસ અનુભવે છે.
ઉકરડે નાખેલા એંઠવાડના ગોટલામાંથી ઊગેલા આંબાને
કૂકડા કોચે છે.
કુંવારી મસ્જિદોના ઘુમ્મટો ભાંગી ગયા છે,
એની ભાંગેલી કમાનોમાં શેતાનનાં ગર્વિષ્ઠ આંગળાં ફરે છે.
લાલચુ દેવદૂતો જેવા સમુદ્રના પવનો
મિનારાઓની અણીઓ ખાઈ છૂ થઈ ગયા છે.
બાવળના નિર્દોષ શરીરે
જમીનના ગર્ભમાં વસતા કાળા રાક્ષસનાં આંગળાંની છાપ છે.
પીપળની ચામડીનો કોઢ થોરનાં પાનને લાગ્યો છે.
આવળનાં છાકટાં ચુમ્બનો મરેલા ઝૂંપડાની પીઠે ચીતરાયાં છે.
જુવારનાં કપાયેલાં ડૂંડાં
જાણે કે સાંજ વેળાના કૂતરાની જેમ ભસે છે
અને ડાંગરનો મ્હોર
પગ પાણીમાં બોળી
ઈશ્વરી અવતાર જેવી લીલાલહેર કરે છે.
આજ નહિ તો કોઈક દિવસ,
કોઈક લાલ પ્રભાતે
કે ભૂરી સાંજે કે પીળી રાતે
હું મારા અસ્તિત્વની લીલાશ છતી કરીશ.
દૂર દૂર મારા સ્વર્ગમાંથી હાંકી મૂકેલા
ઈશ્વરની વાસનાને શોધી કાઢીશ
અને મારી કવિતા આદમનું વેર લેશે.

માર્ચ, ૧૯૬૨
અથવા