અથવા અને/ઊતરતી સાંજ ભોંયને ભીંસમાં લે છે....
ઊતરતી સાંજ ભોંયને ભીંસમાં લે છે....
ગુલામમોહમ્મદ શેખ
ઊતરતી સાંજ ભોંયને ભીંસમાં લે છે.
બારી બહાર અંધકારની યોનિમાં
રાતા નાગના ફૂંફાડા;
હવા એની મૂછે છોલાઈ કણસે છે.
દીવે ઝૂકેલી માછલી તેલનું ટીપું ચાટી જવા મોં લંબાવે
તેમ
મારું લોહી ચાખવા લંબાતી દિવસની કાયા
તરફડતી તરફડતી મરે છે.
આંખમાં સોયની અણી જેટલું ઝેર વધ્યું છે
લાવ એને મથું.
નવેમ્બર, ૧૯૬૦
અથવા