અથવા અને/એલિફન્ટામાં
એલિફન્ટામાં
ગુલામમોહમ્મદ શેખ
ભાંગેલા સ્તંભશિખરને ઓશીકે દઈ સલાટ આડો પડ્યો છે.
સદીઓથી પથરે સંચર્યા
એવા ઘણાય દેવ
સરકારી બીકે કાંઠાના ખડકોમાં ભરાઈ બેઠા છે
કેટલાંક જંગલી જનાવરો ભેળાં ભળી ગયાં છે
(એકાદ ભાગતા દેવનો એણે આમ જ શિરચ્છેદ કરેલો),
રહી ગયાં તે જાપ્તા હેઠળ સલામત અને સુખી છે.
હવે એમને પ્લાસ્ટિકનાં પડીકાં અને ફિલ્મી ગીતોની ટેવ પડી છે
અને સહેલાણીઓ સાથે ફોટાય પડાવે છે.
અઢારસો વરસનો ઊંઘરેટો
સલાટ પડખું બદલીને
દૂરના દેવોને ખોળવા છાજલી કરે છે.
મોતિયામાં ડૂબુંડૂબું દરિયા વચ્ચે થઈને સોંસરતી
એની બાજનજર
જાતે ઘડેલા એક્કે દેવને ચૂકતી નથી.
એ બધાય
સહેલાણીઓ સાથે દરિયે ન્હાઈ અંગ સૂકવવા
તડકે આડા પડ્યા છે.
પાર્વતીના હોઠે બેઠેલી ગરોળીની કાંધે ચડી
સલાટ નીચો ઊતરે છે
અને દરિયા ભણી વળે છે.
૧૯૮૦ના દશકમાં શરૂ કરેલું
અને