અથવા અને/એવું થાય છે કે...

એવું થાય છે કે...

ગુલામમોહમ્મદ શેખ



એવું થાય છે કે
આ થીજેલ કોપરેલ જેવી પોષની ચાંદનીને
મસળીને આખા શરીરે ઘસું,
તો મારા શરીરમાં ઠરી ગયેલા જ્વાળામુખીઓ
ફરી ઊગે.
એવું થાય છે કે
આ ધૂળનાં વધેરાયેલાં અંગોને
કોઈ આદિમ વેદનાના દોરે સીવું
તો ફરી એક વાર પથ્થરોને વાચા ફૂટે.
આ વેરાન ઘાસનાં હળો પર
મારા દેહનાં ખેતર ફેરવું
તો કદાચ ચામડીમાં ચાસ ફૂટે.
આ હીરાના ઝગઝગાટવાળી રાત પર
શેતાનના ફળદ્રુપ ભેજાના લોખંડથી મઢેલા હથોડા ઠોકું
તો એની નીચે ભરાઈ રહેલા ઈશ્વરોને
કરોળિયા થઈ નીકળવું પડે.
ટાઢાબોળ ત્રાંબા જેવી પૃથ્વી પર
સૃષ્ટિના પ્રથમ મન્ત્રની લીટી તાણું
અને ગુફાના અંધકારમાં દટાઈ ગયેલા સમયની કરચલીઓને
મરેલા સૂર્યોની ટાઢક ચાંપું
તો ફરી વાર
મારાં વન્ય પશુ ઊંઘમાં છંછેડાય
અને –

જાન્યુઆરી, ૧૯૬૨
અથવા