અથવા અને/કવિ

કવિ

ગુલામમોહમ્મદ શેખ

(હું તો એમ કહું છું કે કવિતા લખવી એટલે સંભોગ કરવો. શબ્દમાંથી શબ્દ સર્જવાની પ્રક્રિયાને શું કહેશો? – રાવજી પટેલ)

(રાવજીની ક્ષમાયાચના સાથે)


સાંજ, સવાર, બપોર કે રાતે
આંખો મીંચી, દારૂ ઢીંચી, ગાંજો પી
કવિઓ નોટબુકનાં પાનાં પર ચડી બેસે છે.
નવરા, નફ્ફટ અને બેબાકળા કવિઓ
ભાષાની એકએક બૈરી પરણી લાવ્યા છે,
એને મન ફાવે તેમ સંભોગવાનું સરકારી સર્ટિફિકેટ
મફત મળે છે.
ભાષા બાયડી,
ભાષાને ભડવા રંડી કરે
ભાષા બોડી બામણી, ભાષા વેશ્યા, ભાષા ઢોર
ભાષા જ્યાં મળી, જેવી મળી તેમ ભોગવી.
ન મળી તો ખંજવાળ્યા લેંઘા,
મૂતરડીમાં લખ્યા શિશ્નની સત્તાના શિલાલેખ...

કવિતા જણી
તે ગણી,
ગણ્યાં
(સંગ્રહનાં પાનાં, ઇનામનાં નાણાં)
ગોબરી ચાદર પર વધેલા ડાઘ.
પછી પટિયાં પાડી
નવાનક્કોર કચકડાના રમકડા જેવો કવિ
ફૂટપાથ પર ભૂંડાબોલું બકતી
ગાંડી ભિખારણ સામે બેધ્યાનપણે જોતો
સસ્તી સિનેમાની અભિનેત્રી પાસે
હસ્તમૈથુન કરાવવાના ઇરાદાપૂર્વક
હૉલમાં ઘૂસ્યો.

૬-૧૦-૧૯૭૩
અથવા